રાજ કપૂર જ્યારે ભારતની સરહદે ગયા અને એમને મળવા પાકિસ્તાની સૈનિકો દોડી આવ્યા

ફિલ્મ ‘આવારા’ના એક દૃશ્યમાં રાજ કપૂર

ઇમેજ સ્રોત, RK Films and Studios

ઇમેજ કૅપ્શન, ફિલ્મ 'આવારા'ના એક દૃશ્યમાં રાજ કપૂર
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 10 મિનિટ

રાજ કપૂર વિશે કહેવાતું હતું કે તેઓ જે કંઈ પણ કરતા હતા, તેની પાછળ કંઈક ને કંઈક કારણ જરૂર રહેતું હતું. તેમના મગજમાં દરેક પ્રકારની સૂચનાઓનો ભંડાર રહેતો હતો. તેમની આંખો અને કાન બધી બાજુ રહેતાં હતાં.

રાજ કપૂર માનતા હતા કે કોઈ પણ રચનાત્મક કામની પાછળ દરેક પ્રકારની નકારાત્મક ભાવનાઓ, જેવી કે, ભય, અપમાન, હાર, કોઈ પોતાનાને ગુમાવી દેવા, સંબંધો તૂટવા ખૂબ જરૂરી છે. આ બધાથી જીવન પ્રત્યેની પોતાની સમજ મજબૂત થાય છે અને રચનાત્મકતા સમૃદ્ધ થાય છે.

રાહુલ રવૈલ ભારતના જાણીતા ફિલ્મ નિર્દેશક છે. તેમને ઘણી ફિલ્મોમાં રાજ કપૂર સાથે સહાયક નિર્દેશક તરીકે કામ કરવાનો અવસર મળ્યો. તાજેતરમાં જ તેમણે રાજ કપૂર પર એક રસપ્રદ પુસ્તક લખ્યું છે – 'રાજ કપૂર: ધ માસ્ટર ઍટ વર્ક'. તેમાં તેમણે રાજ કપૂરના જીવનનાં એ પાસાં પર પોતાની નજર ફેરવી છે, જેના પર હજુ સુધી ઓછા લોકોની જ નજર પડી છે.

રાહુલ રવૈલ જણાવે છે, "મેં બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપી જ હતી ત્યાં એક દિવસ મારા બાળપણના મિત્ર ઋષિ કપૂરનો ફોન આવ્યો કે ડૅડ આજથી 'મેરા નામ જોકર'નાં સર્કસનાં દૃશ્યોનુ શૂટિંગ શરૂ કરી રહ્યા છે. આ શૂટિંગ આઝાદ મેદાનમાં થવાનું છે. જો તું થોડાં ઓછાં કપડાં પહેરેલા સેક્સી રશિયન કલાકારોને જોવા માગતો હો, તો ત્યાં આવી જા."

પોતાના બે પુત્રો ઋષિ કપૂર અને રણધીર કપૂર (જમણે) સાથે રાજ કપૂર

ઇમેજ સ્રોત, RK Films and Studios

ઇમેજ કૅપ્શન, પોતાના બે પુત્રો ઋષિ કપૂર અને રણધીર કપૂર (જમણે) સાથે રાજ કપૂર

"હું તરત ત્યાં પહોંચી ગયો. શરૂઆતમાં એ રશિયન છોકરીઓએ મને આકર્ષિત જરૂર કર્યો, પરંતુ જ્યારે મેં રાજ અંકલને નજીકથી કામ કરતા જોયા, તો હું બધું ભૂલી ગયો. તેમને કામ કરતા જોઈને હું સંપૂર્ણ મંત્રમુગ્ધ થઈ ગયો. તેમને જોઈને એવું લાગ્યું કે જાણે કોઈ સંગીતકાર વગર મ્યૂઝિક શીટે કોઈ સિમ્ફનીનું સંચાલન કરી રહ્યા હોય."

રાહુલ રવૈલ રાજ કપૂરથી એટલા પ્રભાવિત થયા કે પછીના 15 દિવસ સુધી સતત તેઓ 'મેરા નામ જોકર'નું શૂટિંગ જોવા ગયા. તેમણે ઉચ્ચ શિક્ષણ માટે કૅનેડા જવાનું હતું, પરંતુ તેમાં હજુ સાત મહિના બાકી હતા. તેમણે પોતાના પિતાને પૂછ્યું કે શું તેઓ આ ખાલી સમયમાં રાજ કપૂરની સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી શકે છે?

તેમના પિતા તેમને રાજ કપૂરની પાસે લઈ ગયા. રાજ કપૂર તેમને પોતાની સાથે રાખવા માટે તૈયાર થઈ ગયા. તે દિવસ પછીથી જ રાજ કપૂર તેમના ઉસ્તાદ અને મિત્ર બની ગયા. થોડા દિવસો પછી જ રાહુલ રવૈલને અંદાજ આવી ગયો કે રાજ કપૂર ફક્ત વિલક્ષણ વિચારોના માલિક જ નથી, પરંતુ તેમના જેવું જીવન જીવનારા લોકો આ દુનિયામાં નહીંવત્ છે.

'બૉબી'ના વિતરકને જાહેરમાં નગ્ન કરી દીધા

ફિલ્મ નિર્દેશક રાહુલ રવૈલ દ્વારા રાજ કપૂર પર લખાયેલું એક પુસ્તક તાજેતરમાં ‘બ્લૂમ્સબરી ઇન્ડિયા’ દ્વારા પ્રકાશિત થયું છે

ઇમેજ સ્રોત, Bloomsbury India

ઇમેજ કૅપ્શન, ફિલ્મ નિર્દેશક રાહુલ રવૈલ દ્વારા રાજ કપૂર પર લખાયેલું એક પુસ્તક તાજેતરમાં 'બ્લૂમ્સબરી ઇન્ડિયા' દ્વારા પ્રકાશિત થયું છે

રમન નામના એક સાહેબ રાજ કપૂરની ફિલ્મો માટે તામિલનાડુમાં વિતરક હતા. તેમનું અવસાન થયા પછી તેમના પુત્ર બાબુએ તેમનું કામ સંભાળી લીધું.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે 'બૉબી' હિટ થઈ ગઈ અને બાબુએ તેનાથી મળનાર નફાના પૈસા રાજ કપૂરની પાસે ન પહોંચાડ્યા ત્યારે તેઓ નારાજ થઈ ગયા. એક રાતે જ્યારે રાજ કપૂર પોતાના ઘરે પાછા જઈ રહ્યા હતા, તેમણે અચાનક પોતાના ડ્રાઇવરને કહ્યું કે ગાડી પાછી વાળો અને રમનસાહેબના ઘરે ચાલો.

રાહુલ રવૈલ જણાવે છે, "રાજસાહેબ પોતાની કારમાંથી ઊતર્યા અને જોર-જોરથી બૂમો પાડવા લાગ્યા, 'બાબુ, બાબુ'. બાબુ દોડતા બહાર આવ્યા. શોરબકોર સાંભળીને તેમના બધા પડોશી પણ આ ડ્રામા જોવા માટે પોતાના ઘરની બહાર નીકળી આવ્યા. બાબુએ તે સમયે માત્ર દક્ષિણ ભારતીય લૂંગી 'મુંડૂ' પહેરી હતી. તેમના શરીર ઉપર બીજું કંઈ જ નહોતું."

"રાજ કપૂર સમય વેડફ્યા વગર તાડૂક્યા, 'મારી 'બૉબી'નો પ્રૉફિટ ક્યાં છે?' બાબુએ જવાબ આપ્યો, 'મારી પાસે સુરક્ષિત પડ્યો છે.' રાજ કપૂર તાડૂક્યા, 'તમારી પાસે છે? મારી પાસે કેમ નથી? તમને એ રાખવાનો શો હક છે?' બાબુએ જવાબ આપ્યો, 'હું કાલે આપી દઈશ તમને.' રાજ કપૂરે કંઈ પણ જોયા-વિચાર્યા વગર બાબુની લૂંગી ખેંચી લીધી. બાબુ પોતાના બધા પાડોશીઓની સામે બિલકુલ નિર્વસ્ત્ર ઊભા હતા. રાજ કપૂરે કહ્યું, 'કાલે સવારે પૈસા લઈને આવો અને તમારી લૂંગી પાછી લઈ જાઓ.'"

બસ સ્ટૅન્ડ પર રાજ કપૂર

‘બૉબી’ ફિલ્મમાં ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયા

ઇમેજ સ્રોત, RK Films and Studios

ઇમેજ કૅપ્શન, 'બૉબી' ફિલ્મમાં ઋષિ કપૂર અને ડિમ્પલ કાપડિયા

એક વખત પરોઢિયે ત્રણ વાગ્યે રાહુલ રવૈલના પાડોશીઓએ તેમને જગાડીને કહ્યું કે રાજ કપૂર બહાર કેટલાંક રખડતાં શ્વાનો સાથે રમી રહ્યા છે. રવૈલ તેમને શોધવા નીકળ્યા, પરંતુ રાજ તેમને મળ્યા નહીં.

ત્યારે જ તેમનો ડ્રાઇવર તેમની કાર લઈને તેમના ઘરે આવ્યો. ડ્રાઇવરે જણાવ્યું કે, "રાજસાહેબ કારમાંથી નીચે ઊતરી ગયા છે. પહેલાં તેઓ શ્વાનો સાથે રમતા રહ્યા. પછી મને કહ્યું કે તમે ગાડી લઈને ઘરે જાઓ. હું ચાલતાં જ ઘરે જઈશ."

રાહુલ રવૈલે ડ્રાઇવર પાસેથી તેમની ગાડી લીધી અને રાજ કપૂરને શોધવા નીકળી ગયા.

રાહુલ રવૈલ જણાવે છે, "હું આજુબાજુ જોઈ રહ્યો હતો, ત્યારે જ મેં રાજ કપૂરને એક બસ સ્ટૅન્ડ પર ઊભેલા જોયા. જ્યારે મેં ઊભા રહીને તેમને પૂછ્યું કે, આપ અહીં શું કરી રહ્યા છો? તો તેમણે ગુસ્સાથી જવાબ આપ્યો – 'બસ સ્ટૅન્ડ પર કોઈ શું કરે છે? બસની રાહ જુએને!' મેં તેમને એમ કહીને મનાવવાની કોશિશ કરી કે બસ સાડા પાંચ વાગ્યા પહેલાં શરૂ નથી થતી. પરંતુ તેમના પર તેની કશી અસર ન થઈ."

નરગિસની સાથે રાજ કપૂર

ઇમેજ સ્રોત, RK Films and Studios

ઇમેજ કૅપ્શન, નરગિસની સાથે રાજ કપૂર

"રાજ કપૂરે કહ્યું કે હું સવારના સાડા પાંચ વાગ્યા સુધી રાહ જોઈશ, પરંતુ જઈશ તો બસથી જ. તેમણે ગુસ્સાથી કહ્યું, 'હવે તમે તમારું મોઢું મને ન બતાવો. મેં તમને બરખાસ્ત કરી દીધા છે. મેં તેમને શાંત કરવા માટે ગાડી આગળ વધારી દીધી. રસ્તાનું એક ચક્કર માર્યા પછી જ્યારે હું પાછો ફર્યો ત્યારે તેઓ બસ સ્ટૅન્ડ પર નહોતા. એમ વિચારીને કે તેમણે કૅબ કરી લીધી હશે, હું સાન્તાક્રૂઝ તરફ જવા લાગ્યો."

"થોડી વારમાં મેં જોયું કે રાજ કપૂર એક ટૅક્સીમાં આગળની સીટ પર ડ્રાઇવર અને બીજી એક વ્યક્તિની વચ્ચે બેઠા છે. તેમણે પોતાના બંને હાથ તે બંનેના ખભા પર રાખેલા હતા અને તેમના માથા પર એક ગમછો બાંધેલો હતો. જ્યારે હું તે ટૅક્સીની બાજુમાં પહોંચ્યો ત્યારે મેં જોયું કે રાજ કપૂર એક ગીત ગાઈ રહ્યા હતા – સુન સાહિબા સુન, પ્યાર કી ધૂન".

સિનેમા પ્રત્યે રાજ કપૂરનું ઝનૂન

પોતાની પૌત્રીઓની સાથે રાજ કપૂર

ઇમેજ સ્રોત, RK Films and Studios

ઇમેજ કૅપ્શન, પોતાની પૌત્રીઓની સાથે રાજ કપૂર

રાહુલ રવૈલે જણાવ્યું, "11 વર્ષ પછી તેમણે આ ગીતનો ઉપયોગ પોતાની ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'માં કર્યો. ઘરે પહોંચ્યા પછી રાજ કપૂર તે બંનેને ભેટ્યા અને ટૅક્સીનું ભાડું આપ્યા વગર પોતાના ઘરમાં ચાલ્યા ગયા. મેં એ ટૅક્સીવાળાને પૂછ્યું કે તમારું બિલ કેટલું થયું?, તો તેમણે હસીને જવાબ આપ્યો, 'અરે સાહેબ! રાજ કપૂર ગાડીમાં બેસી ગયા તો બિલ શેનું'."

"બીજા દિવસે મારા પર રાજ કપૂરના સેક્રેટરીનો ફોન આવ્યો કે રાજસાહેબે કહ્યું છે કે તમે ઘરે આવી જાઓ અને ભોજન પણ અહીં જ કરજો. મેં આગલી રાતનો કશો ઉલ્લેખ ન કર્યો, પરંતુ રાજ કપૂર પોતે જ બોલ્યા, 'મને યાદ છે કે હું તમારા ઘરે આવ્યો હતો. મને એ પણ યાદ છે કે હું બસ સ્ટૉપ પર ઊભો હતો અને ટૅક્સીમાં ઘરે પાછો આવ્યો હતો અને તમે મારી પાછળ-પાછળ આવ્યા હતા.

કહો, તમે ટૅક્સીવાળાને કેટલા પૈસા આપ્યા?' મેં કહ્યું, 'તેમણે પૈસા ન લીધા.' રાજ કપૂરનો પછીનો સવાલ હતો, 'તે લોકોને એ ગીત ગમ્યું?' આ તેમની રચનાત્મકતાનું સૌથી મોટું ઉદાહરણ હતું. રાત્રે તેઓ દારૂના નશામાં હતા, તેમ છતાં સિનેમા પ્રત્યેના તેમના જુસ્સાએ તેમનો સાથ નહોતો છોડ્યો."

ગુલશન રાય સાથે જીભાજોડી

રાજ કપૂર

ઇમેજ સ્રોત, RK Films and Studios

જ્યારે રાજ કપૂરે 'મેરા નામ જોકર' બનાવી ત્યારે ગુલશન રાયે લગભગ એ જ સમયે એક ફિલ્મ બનાવી, જેનું નામ તેમણે 'જૉની મેરા નામ' રાખ્યું. તેમની ફિલ્મનું નામ 'મેરા નામ જોકર' સાથે ઘણું મળતું હતું અને તે તેની પહેલાં રિલીઝ થઈ અને ઘણી સફળ પણ થઈ હતી. તેની સરખામણીએ 'મેરા નામ જોકર' કંઈ ખાસ કરી શકી નહોતી.

તે દિવસોમાં ફિલ્મોનાં નામો બાબતે ઘણી મજાકો પ્રચલિત હતી. ચાર વર્ષ પછી જ્યારે રાજ કપૂરે 'બૉબી' બનાવી તો તે ઘણી વધારે હિટ સાબિત થઈ. એક પાર્ટીમાં જ્યારે રાજ કપૂરની મુલાકાત ગુલશન રાય સાથે થઈ ત્યારે તેમણે તેમને કહ્યું, "કેમ, જ્યારે મેં 'મેરા નામ જોકર' બનાવી તો તેં 'જૉની મેરા નામ' બનાવી દીધી? હવે મેં 'બૉબી' બનાવી છે, તો તું કઈ ફિલ્મ બનાવીશ, ટૉબી?"

બૉર્ડર પર સૈનિકો સાથે મુલાકાત

રાજ કપૂર

ઇમેજ સ્રોત, RK Films and Studios

'બૉબી'ના શૂટિંગ દરમિયાન રાજ કપૂર કાશ્મીરમાં કેટલાક શૉટ લઈ રહ્યા હતા. જ્યારે તેઓ સેનાની એક ચોકી પાસેથી પસાર થયા તો તેમના રસ્તામાં એક બૅરિકેડ હતો. ત્યાં તહેનાત સૈનિકોએ તેમને કહ્યું કે અહીંથી આગળ જવાની પરવાનગી નથી. તો રાજસાહેબે કહ્યું કે તમે તમારા કમાન્ડરને બોલાવો અને તેમને કહો કે રાજ કપૂર આવ્યા છે.

કમાન્ડરે આવીને રાજ કપૂરનું અભિવાદન કર્યું એટલું જ નહીં, પરંતુ તેમના માટે બે જીપની વ્યવસ્થા કરી, જેથી તેમની ટીમને ભારત-પાકિસ્તાન સીમા સુધી લઈ જઈ શકાય.

રાહુલ રવૈલ જણાવે છે, "જ્યારે અમે સીમા પર પહોંચ્યા ત્યારે બધા જવાન અમારી રાહ જોતા હતા, કેમ કે તેમને પહેલાં જ વાયરલેસથી જણાવી દેવાયું હતું કે રાજ કપૂર ત્યાં આવી રહ્યા છે. એ લોકોએ અમારા માટે પકોડા અને સમોસાની વ્યવસ્થા કરી હતી.

અડધા કલાક પછી જ્યારે અમે પાછા જવા માટે તૈયાર થયા ત્યારે તેમણે અમને કહ્યું, 'સર, થોડો સમય વધુ રોકાઈ જાઓ. અમે પાકિસ્તાની સૈનિકોને રેડિયો પર જણાવી દીધું છે કે રાજ કપૂર અહીં આવ્યા છે. તેઓ તમને મળવા અહીં આવી રહ્યા છે.'

થોડી વાર પછી અમે જોયું કે પાકિસ્તાની સૈનિકોથી ભરેલી બે જીપ ત્યાં પહોંચી. તેઓ અમારા માટે જલેબી અને મીઠાઈ લાવ્યા હતા. અમે એ જોઈને બહુ ભાવુક થઈ ગયા કે પાકિસ્તાની સૈનિકોમાં પણ રાજ કપૂર એટલા જ લોકપ્રિય હતા."

પાણીપૂરી, ડોસા અને ફિલ્ટર કૉફીના શોખીન

‘મેરા નામ જોકર’નું એક દૃશ્ય

ઇમેજ સ્રોત, RK Films and Studios

ઇમેજ કૅપ્શન, 'મેરા નામ જોકર'નું એક દૃશ્ય

રાજ કપૂર ખાવા-પીવાના ઘણા શોખીન હતા. સાંજે બરાબર છ વાગ્યે તેઓ ચેમ્બૂર સ્ટેશન જતા હતા, જ્યાં તેઓ એક પાણીપૂરીવાળાના ખૂમચા પરથી પાણીપુરી ખાતા હતા. તેની બાજુમાં એક દક્ષિણ ભારતીય રેસ્તરાં હતી, ત્યાં તેઓ ડોસા અને મેંદુવડા ખાતા હતા. પછી તેઓ નજીકની એક બીજી રેસ્તરાંમાં જઈને ફિલ્ટર કૉફી પીતા હતા.

રાહુલ રવૈલ કહે છે, "રાજ કપૂરનું આ રૂટીન ક્યારેય બદલાતું નહોતું. જો તેમને તે સમયે કોઈ વ્યક્તિને મળવાનું પણ હોય, તો તેઓ પોતાનું રૂટીન તોડતા નહીં અને તે વ્યક્તિને પણ પાણીપૂરી ખાવા માટે આમંત્રિત કરી દેતા હતા. કલ્પના કરો કે આપ રાજ કપૂરને મળવા આવ્યા છો અને આપ તેમની સાથે વાતો કરતા રસ્તા પર ખૂમચાવાળા પાસેથી પાણીપૂરી ખાઈ રહ્યા છો."

પાંઉની વચ્ચે જલેબી રાખીને સૅન્ડવિચ બનાવતા

‘બૉબી’ ફિલ્મનું એક દૃશ્ય

ઇમેજ સ્રોત, RK Films and Studios

ઇમેજ કૅપ્શન, 'બૉબી' ફિલ્મનું એક દૃશ્ય

આરકે સ્ટુડિયો બૉમ્બે (આજનું મુંબઈ)નો એકમાત્ર સ્ટુડિયો હતો જે સાંજે 6 વાગ્યે 'હાઈ ટી' સર્વ કરતો હતો. રાજ કપૂર તેને ટિફિન કહેતા હતા. તેમાં ડોસા, વડા, સૅન્ડવિચ, રોલ્સ, જલેબી અને કોઈ ને કોઈ મીઠાઈ જરૂર રહેતી હતી. આરકે સ્ટુડિયોના ભોજનને રાજાઓનું ભોજન કહેવાતું હતું.

રાહુલ રવૈલ જણાવે છે, "એક-એક ચિકન, મટન અને ફિશની ડિશ તો રહેતી જ હતી. ઉપરથી કરચલા, ઝીંગા, કલેજી અને કબાબ પણ રહેતાં હતાં. તે ઉપરાંત જાત-જાતની દાળ, શાકભાજી અને ઓછામાં ઓછી ત્રણ પ્રકારની મીઠાઈ રહેતાં હતાં. અમે બધા સાથે બેસીને એકસરખું ભોજન કરતા હતા."

અંતિમ એડિટિંગના સમયે રાજસાહેબ સંપૂર્ણ વેજિટેરિયન બની જતા હતા અને દારૂને હાથ પણ નહોતા અડાડતા. રાજ કપૂરને ખાવાની વસ્તુઓ પર પ્રયોગ કરવાનો પણ ઘણો શોખ હતો.

રાહુલ કહે છે, "મેં તેમને પાંઉની વચ્ચે માખણ લગાવીને તેમાં જલેબી ભરીને ખાતા જોયા છે. હું તેમને પૂછતો હતો કે સર, તમે કયા પ્રકારની જલેબી સૅન્ડવિચ ખાઈ રહ્યા છો? તેઓ મારી તરફ હસીને જોતા અને મીઠી સૅન્ડવિચને ટૉમેટો સોસમાં ડુબાડીને તેને ખાઈ જતા."

12 બૉટલ્સના દારૂનું પરીક્ષણ કર્યું

રાજ કપૂર

ઇમેજ સ્રોત, RK Films and Studios

જ્યારે રાહુલ રવૈલનાં લગ્ન રીતા સાથે થયાં ત્યારે ફેરા સવારે થયા હતા. સ્વાભાવિક છે કે તે સમયે રાજ કપૂર પણ ત્યાં હાજર હતા. પહેલાં તો તેઓ એ વાતે નારાજ થયા કે બધું ખાવાનું વેજિટેરિયન હતું. પછીથી લગ્નની દાવત આપવામાં આવી તો તેમનાં પત્ની અને બીજા મહેમાન રાજ કપૂરને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં.

રાહુલને યાદ છે, "રાજ કપૂર અમારાં લગ્નમાં એક ટિફિન લઈને આવ્યા હતા. મારી પત્નીએ મને પૂછ્યું કે રાજ અંકલ કરી‌ શું રહ્યા છે? તેઓ રસોડામાં ગયા અને ખાવાનું ચાખ્યું અને પોતાના ટિફિનમાં ભરી લીધું. પછી તેમણે પોતાના ઘરે લઈ જઈને ખાવાનું ખાધું."

પોતાના બંને ભાઈઓ શમ્મી કપૂર (વચ્ચે) અને શશિ કપૂર (જમણે)ની સાથે રાજ કપૂર

ઇમેજ સ્રોત, RK Films and Studios

ઇમેજ કૅપ્શન, પોતાના બંને ભાઈઓ શમ્મી કપૂર (વચ્ચે) અને શશિ કપૂર (જમણે)ની સાથે રાજ કપૂર

"ત્યાર પછી તેમણે મને પૂછ્યું કે મારી વિસ્કી ક્યાં છે? મેં કહ્યું, 'તમારા માટે બ્લૅક લેબલની 12 બૉટલ્સ અલગ રખાવી દીધી છે. મેં તેને ખોલી નથી, જેથી તમે જ તેને ખોલીને અંદાજ લગાવી શકો કે તેમાંથી કઈ અસલી બ્લૅક લેબલ છે.'

તેઓ બારમાં ગયા અને મારા મિત્રને કહ્યું કે બધી 12 બૉટલમાંથી દારૂના નમૂના અલગ-અલગ ગ્લાસમાં ભરો.

તેમણે દરેક ગ્લાસમાંથી એક-એક સિપ લીધી અને પછી બોલ્યા કે પાંચમી બૉટલનો દારૂ અસલી છે. પછી તેમણે પોતાના કુર્તાના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની એક બૉટલ કાઢી અને તેમાંથી એ બૉટલનો અડધો દારૂ ભરીને પોતાના ડ્રાઇવરને કહ્યું, 'આને ગાડીમાં રાખી દો.'

પછી તેમણે મારા દોસ્તને કહ્યું કે આ બૉટલનો બાકી દારૂ રાહુલ માટે છે. તેનું એક ટીપું પણ કોઈને સર્વ કરવામાં ન આવે."

કોઈને ખબર ન પડે તેમ સૅન્ડવિચનું ફીલિંગ ખાઈ જવાની આદત

રાજ કપૂર

ઇમેજ સ્રોત, RK Films and Studios

રાજસાહેબને ઘોડાદોડ જોવાનો પણ ઘણો શોખ હતો. એટલા માટે નહીં કે તેઓ ઘોડા પર દાવ લગાવતા હતા, પરંતુ એટલા માટે કે તેમને રેસકોર્સમાં મળતા સ્નૅક્સ ખૂબ ગમતા હતા.

રાહુલ રવૈલ જણાવે છે, "જ્યારે દોડ શરૂ થવાની હોય ત્યારે બધા લોકો બાજી લગાવવા ત્યાં જતા રહેતા હતા, રાજ કપૂર ત્યાં રાખેલી સૅન્ડવિચ ખોલીને તેની અંદર ભરેલું ફિલિંગ ખાઈ જતા હતા અને સૅન્ડવિચને એમ જ પ્લેટમાં રાખી દેતા હતા, જેથી એવું લાગે કે તેને અડવામાં નથી આવી. જ્યારે મેં તેમને આવું કરતા જોયા ત્યારે મને વિશ્વાસ ન બેઠો. તેમણે મારી તરફ જોઈને કહ્યું, તું મને તાકી કેમ રહ્યો છે? તને ખબર નથી કે આજકાલ હું ડાયટિંગ કરી રહ્યો છું.''

રાજ કપૂર ડેકેન એક્સ્પ્રેસ ટ્રેનથી પુણે જતા હતા. જોકે, તેમને કાર દ્વારા પુણે જવામાં તેનાથી ઓછો સમય થતો, પરંતુ તેઓ ત્યાં ટ્રેનમાં જવાનું જ પસંદ કરતા હતા, કેમ કે તેમને ટ્રેનમાં પીરસવામાં આવતું ખાવાનું ઘણું ગમતું હતું. એટલું જ નહીં, જ્યાં-જ્યાં ટ્રેન રોકાતી હતી ત્યાં-ત્યાં પ્લૅટફૉર્મ પર ઊતરતા હતા અને પછી ત્યાં મળતું ખાવાનું પણ ખાતા હતા."

તાશ્કંદમાં રાજ કપૂરની લોકપ્રિયતા

રાજ કપૂર પર પુસ્તક લખનાર ફિલ્મ નિર્દેશક રાહુલ રવૈલ

ઇમેજ સ્રોત, Bloomsbury India

ઇમેજ કૅપ્શન, રાજ કપૂર પર પુસ્તક લખનાર ફિલ્મ નિર્દેશક રાહુલ રવૈલ

રાજ કપૂર ભારત કરતાં વધુ કમ્યુનિસ્ટ દેશોમાં લોકપ્રિય હતા અને હજુ પણ છે. વર્ષ 2007માં જ્યારે રણધીર કપૂર, ઋષિ કપૂર, નીતીન મુકેશ અને રાહુલ રવૈલ રાજ કપૂર પરનો શૉ કરવા માટે તાશ્કંદ ગયા તો ત્યાં રાહુલનો પરિચય રાજ કપૂરના સહાયક નિર્દેશક તરીકે કરાવાયો હતો.

જ્યારે તેઓ એક સ્થાનિક બજારમાં કંઈક ખરીદવા માટે ગયા તો રાજ કપૂરના પુત્રો અને સહયોગીઓને જોવા માટે ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી.

રાહુલ રવૈલ જણાવે છે, "ટોળામાંથી એક વૃદ્ધ મહિલાએ મારી પાસે આવીને મને પૂછ્યું, 'શું તમે રાજ કપૂરના સહાયક રહ્યા છો?' એક અનુવાદકે મારા માટે તેમના સવાલનો અનુવાદ કર્યો. જ્યારે મેં તેનો જવાબ 'હા'માં આપ્યો તો તેમણે મને ફરીથી પૂછ્યું, 'તેનો મતલબ એ થયો કે તમને રાજ કપૂરને સ્પર્શવાની તક મળી હશે?' મને આ સવાલ થોડો વિચિત્ર લાગ્યો, પરંતુ જ્યારે મેં એનો જવાબ પણ 'હા'માં આપ્યો તો એ મહિલા મારો હાથ પોતાના હાથમાં લઈને રડવા લાગ્યાં. તેમને જોઈને મારી આંખો પણ ભરાઈ ગઈ. મને આવો અનુભવ પહેલાં ક્યારેય નહોતો થયો."