લૂણી : ગુજરાતી વાનગીઓમાં વપરાતી આ ભાજીને કેમ કહેવાય છે સુપરપ્લાન્ટ? આરોગ્ય માટે કેટલો ફાયદાકારક?

લૂણીની ભાજી

ઇમેજ સ્રોત, Science Photo Library

ઇમેજ કૅપ્શન, દુકાળમાં પણ લૂણીની ભાજી લીલીછમ રહી શકે છે
    • લેેખક, ઍલેક્ઝાન્ડ્રા માર્ટિન્સ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
લાઇન
  • ખેતરમાં નકામો છોડ ગણાતો લૂણીનો છોડ દુકાળમાં પણ ટકી રહે તેવો છોડ છે.
  • ગુજરાતીઓ લૂણીની ભાજી અને લૂણીની ભાજીના ભજિયા પણ બનાવતા હોય છે.
  • દુષ્કાળમાં ઓછા પાણીમાં પણ આ છોડ ઊગી શકે છે, વૈજ્ઞાનિકો તેને 'સુપરપ્લાન્ટ' કહી રહ્યા છે
  • આ છોડ કેમ સુપરપ્લાન્ટ છે અને કઈ પ્રક્રિયા આને સુપરપ્લાન્ટ બનાવે છે, એ વિશે સંશોધન કરવામાં આવ્યું છે.
લાઇન

આ વનસ્પતિ લગભગ બધે ઊગી નીકળે છે અને ઘણા દેશોમાં લોકો તેનો ઉપયોગ સૂપ કે સલાડમાં કરે છે. ગુજરાતઓ આ લૂણીની ભાજીની વાનગીઓ બનાવે છે જેમકે ભજિયા અને શાક.

તેની ભાજી પણ બનાવાય છે અને કેટલાક પશુઓને પણ તે ખવડાવવામાં આવે છે.

કેટલીક જગ્યાએ તેને બિનઉપયોગી છોડ, નકામું ઘાસફૂસ જેવી ગણી લેવામાં આવે છે, પણ તેમાં અનોખા ગુણધર્મો છે તેની બહુ ઓછાને ખબર છે.

પોર્ટુલાકા ઓલેરેસિયા તેનું નામ છે, પણ તેને કુલફા કે લુણિયા એવાં નામે ઓળખવામાં આવે છે. યેલ યુનિવર્સિટીના નવા સંશોધન અનુસાર દુકાળ જેવી સ્થિતિમાં આ છોડ બહુ ઉપયોગી નીવડે તેવો છે.

પાણીના અભાવમાં આ છોડ કેવી રીતે ટકી જાય છે અને કેવી રીતે તે ઉપયોગી છે?

તેનું સૌથી ઉપયોગી તત્ત્વ એ છે કે તે ફોટોસિન્થૅસિસનું કામ બહુ અનોખી રીતે કરે છે. પૃથ્વી પર જીવનને ટકાવી રાખવા માટે પ્રકાશ સંષ્લેષણનું આ કામ બહુ જરૂરી હોય છે.

line

વિટામીન સાથે ઔષધીય ગુણો

લૂણીની ભાજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતઓ આ લૂણીની ભાજીની વાનગીઓ બનાવે છે જેમકે ભજિયા અને શાક.

આ છોડ સૂર્યના પ્રકાશનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જાણતા પહેલાં તેના કેટલાક લાભો જોઈએ.

સાયન્સ એડવાન્સિસ જર્નલમાં પ્રગટ થયેલા આ નવા અભ્યાસના લેખક હોઝે મોરેનો-વિલેના કહે છે, "પોર્ટુલાકા ઓલેરેસિયા વિષમ સ્થિતિમાં, ગરમ અને સૂકા પ્રદેશમાં પણ ઊગી નીકળે છે."

હાલમાં લંડન બોટનિક ગાર્ડનમાં સંશોધક તરીકે કામ કરી રહેલા વિજ્ઞાની હોઝે યેલ યુનિવર્સિટીમાં હતા ત્યારે સાથીઓ સાથે મળીને આ વિષયમાં સંશોધન કર્યું હતું.

તેઓ કહે છે, "તમારા ઘણા બધા વાચકોએ રસ્તામાં કોઈ ખૂણે કે પછી બગીચામાં વચ્ચે ગમે ત્યાં ઊગી નીકળેલા આ છોડને જોયો હશે."

"લોકોનું ધ્યાન તેના પર જતું નથી, પરંતુ તેમાં ભરપૂર વિટામીન્સ, મિનરલ અને ઍન્ટી-ઑક્સિડન્ટ્સ હોય છે અને ભોજનમાં તેનો ઉપયોગ કરવા જેવો છે."

ચીનમાં આ છોડનો ઔષધી તરીકે ઉપયોગ થાય છે અને હવે "દુનિયાભરમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે."

આ છોડ દુકાળમાં પણ ટકી જાય છે અને તે ઉપરાંત બહુ ઝડપથી ઊગી નીકળે છે એટલે પણ હોઝે અને તેમના સાથીઓએ તેના પર સંશોધન કર્યું હતું.

તેઓ કહે છે, "આ બંને ગુણધર્મો એક સાથે ભાગ્યે જ જોવા મળે છે."

line

પ્રકાશ સંશ્લેષણ શું છે અને છોડ પ્રમાણે તેમાં શું ફરક પડતો હોય છે?

હોઝે

ઇમેજ સ્રોત, JOSE MORENO-VILLENA

હોઝે કહે છે, "પૃથ્વી પર સૃષ્ટિને ટકી જવા માટે ફોટોસિન્થેસિસ જરૂરી ગણાય છે."

"આ પ્રક્રિયા દ્વારા વનસ્પતિ સૂર્યના પ્રકાશમાંથી ઊર્જા પ્રાપ્ત કરે છે અને તેને આહારમાં પરિવર્તિત કરે છે."

"પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છોડ અને પ્રાણીઓનું જીવન ટકાવી રાખવા ઉપરાંત ઑક્સિજન પણ છોડે છે અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે."

મોટા ભાગની વનસ્પતિ C3 તરીકે ઓળખાતી ફોટોસિન્થેસિસ પ્રક્રિયા અનુસરે છે, જે પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું હોય ત્યારે સારી રીતે કામ કરે છે.

"જોકે પાણીની અછત હોય અને તાપમાન વધી જાય ત્યારે આ પ્રક્રિયા સારી રીતે કામ કરતી નથી અને છોડ વિકસતા નથી કે સૂકાવા લાગે છે."

આ સમસ્યાના ઉકેલ માટે કેટલાક છોડ C4 અને CAM તરીકે ઓળખાતી બીજી પ્રક્રિયા અપનાવે છે. આવા છોડ અલગ પ્રકારના એનેટોમિકલ કે બાયોકેમિકલ ગુણધર્મો વિકસાવે છે, જેનાથી ઓછા પાણી છતાં પ્રકાશ સંશ્લેષણ થઈ શકે.

દાખલા તરીકે મકાઈ અને શેરડી C4 પ્રક્રિયાથી પ્રકાશ સંશ્લેષણ કરે છે, જેના કારણે આકરા તાપમાનમાં પણ આ છોડ સારું ઉત્પાદન આપે છે.

તેની સામે થોર જેવી ઘણી વનસ્પતિઓ CAM પ્રક્રિયા અપનાવે છે, કેમ કે તેમને પાણી ઓછું મળતું હોય છે. "રણમાં ઉગતી વનસ્પતિ અને થોરમાં આ રીતે પ્રકાશ સંશ્લેષણ થાય છે. આ છોડ બહુ ધીમી ગતિએ વિકસે છે. આ છોડ પાચનનું કાર્ય રાત્રે કરે છે કે જ્યારે તાપમાન ઘટી ગયું હોય અને પાણીનો વ્યય ઓછો થાય."

line

લૂણી કેવી રીતે અલગ છે

લૂણીની ભાજી

ઇમેજ સ્રોત, Getty Images

આ બધામાં પર્સલેન (લૂણી) છોડ એ રીતે અલગ પડે છે કે તે C4 અને CAM બંને પ્રક્રિયાનો એક સાથે ઉપયોગ કરે છે અને તે રીતે બહુ સારી રીતે ટકી જાય છે.

"અત્યાર સુધી આ બંને પ્રકારની પ્રક્રિયા કઈ રીતે એક જ પ્રકારના પાનમાં થઈ શકે તે રહસ્ય હતું. પરંતુ અમારા અભ્યાસમાં ખ્યાલ આવ્યો કે એક જ કોષમાં આ બંને પ્રક્રિયા કામ કરે છે, કેમ કે તેની જૈવિક રાસાયણિક પ્રક્રિયા બંનેને એક સાથે કામ કરવા માટે સાનુકૂળતા કરી આપે છે".

"સ્થિતિ સાનુકૂળ હોય એટલે કે જળ હોય ત્યારે પોર્ટુલાકા ઓલેરેસિયા C4 પ્રકારે પ્રકાશ સંશ્લેષણ કરીને ઝડપથી વિકસે છે, પરંતુ પાણીની અછત હોય અને દુકાળ જેવી સ્થિતિ હોય ત્યારે CAM પ્રક્રિયા અપનાવે છે, અને તે રીતે C4 માટે જરૂરી પદાર્થો ઉત્પન્ન કરી લે છે."

"આ રીતે બંને પ્રક્રિયાનો સંગમ થતો હોવાથી દુકાળ પડે ત્યારે પણ આ છોડ સૂકાઈ જતો નથી."

line

ઉપયોગી શોધ

લૂણીની ભાજી

ઇમેજ સ્રોત, Getty Images

આ સંશોધકોએ પોતાના અભ્યાસમાં સ્પેશલ જીન ઍક્સપ્રેશન ટેકનૉલૉજીસ નામની નવીન ટેકનીક અપનાવી હતી.

ટેકનીક સમજાવતા હોઝે કહે છે, "દરેક પ્રકારના કોષ કે ટિશ્યૂમાં દરેક જીન કેટલા છે તે આનાથી જાણી શકાય છે."

"આ મેથડ તદ્દન નવીન છે અને માત્ર પ્રાણીઓના નમૂનામાં તેનો ઉપયોગ થયો છે. પરંતુ અમે તેનો ઉપયોગ છોડના પાંદડા માટે કર્યો છે."

આ રીતે પ્રથમવાર પાંદડાના જુદાજુદા કોષમાં એન્ઝાઇમ ક્યાં આવેલા છે તે જાણી શકાયું છે. આ એન્ઝાઇમને કારણે જ બંને પ્રકારના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એક જ પાંદડામાં થઈ શકે છે.

દુકાળની સ્થિતિમાં કેવી રીતે મેટાબોલિક મોડેલ્સ કામ કરે છે તેના અન્ય અભ્યાસો સાથે આની સરખામણી કરાઈ હતી.

આ અભ્યાસની ઉપયોગીતા એ છે કે દુકાળમાં પણ ટકી જાય તેવા છોડ ઉગાડી શકાય છે. વૈશ્વિક તાપમાનની સ્થિતિમાં કેટલીક જગ્યાએ લાંબા દુકાળની શક્યતા વધી રહી છે ત્યારે ત્યાં આ સંશોધન ઉપયોગી થઈ શકે છે.

ઇંગ્લૅન્ડની શેફિલ્ડ યુનિવર્સિટીના પ્લાન્ટ બાયોલૉજીના પ્રોફેસર કોલિન ઑસબોર્ન આ સંશોધનની ઉપયોગી સમજાવતા કહે છે કે "ઘણા વગડાઉ છોડ ટકી જવાનું અને ઝડપથ વિકસવાનું શીખી ગયા છે અને દુકાળમાં પણ તે ઊગી નીકળે તેવું બનતું હોય છે."

તેઓ ઉમેરે છે, "પરંતુ અત્યાર સુધી એક જ પ્રકારના છોડમાં ઝડપથી વિકસવું અને દુકાળમાં ટકી જવું તે બંને ગુણધર્મો હોય તેવું આપણે માનતા નહોતા."

"હોઝે મોરેનો-વિલેના અને તેમના સાથીઓએ શોધી કાઢ્યું છે એક જ છોડમાં આ બંને ગુણધર્મો મળી શકે છે."

"તેમના સંશોધનમાંથી પ્રેરણા લઈને વિજ્ઞાનીઓ ઓછા પાણીમાં ઝડપથી વિકસી શકે તેવા છોડ વિકસાવવા માટે પ્રયાસો કરી શકે છે."

line

આવા બીજા છોડ હશે ખરા?

મોરેનો-વિલેના તથા તેમના સાથીઓને આશા છે કે આ જ નવીન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને તેઓ અન્ય છોડને પણ ચકાસશે.

મોરેનો-વિલેના કહે છે, "છોડમાં ઘણી વાર ઉત્ક્રાંતિ થતી હોય છે અને અમારી ધારણા છે કે ઘણા છોડમાં આ રીતે સાનુકૂળતા સાધી લેવાના ગુણધર્મો મળી આવશે."

"ધરતી પર આપણે 390,000 જેટલી વનસ્પતિઓને જાણીએ છીએ અને તે દરેકનાં લક્ષણો અને પોષણની પ્રક્રિયા જુદી-જુદી છે, જે તેમને ગમે તેવા વાતાવરણમાં પણ ટકી જવા માટે મદદરૂપ થાય છે."

"આપણે પ્રકાશ સંશ્લેષણ વિશે રોજ નવું-નવું જાણી રહ્યા છીએ."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન