હૅર-સ્ટાઇલ: ક્યાં કારણોને લીધે વાળ ખરે છે અને તેનો ઉકેલ શું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે

- દરરોજ શૅમ્પૂથી વાળ ધોવા અને કન્ડિશનર કરવા પણ વાળ ખરવાનું કારણ બની શકે?
- સામાન્ય દિવસોમાં દૈનિક 50થી 100 વાળ ખરવા સામાન્ય પણ વધુ વાળ ખરતા હોય તો ખબર કેવી રીતે પડે?
- તમારી આસપાસનું વાતાવરણ પણ વાળને અસર કરે છે, પ્રદૂષણ પણ વાળ ખરવાનું કારણ હોઈ શકે?
- વાળ પ્રત્યેની જાગૃતિ, થોડી માવજત અને નિયમિત જીવનશૈલીથી વાળ ખરવાની સમસ્યા કેવી રીતે નિવારી શકાય?

ઉપર છે એવા અનેક સવાલો આપણી સામે આવતા હોય છે જ્યારે આપણે વાળ ખરવાની સમસ્યા પર વાત કરીએ છીએ.
ભારતીય સમાજ વ્યવસ્થામાં યુવાનીમાં પડેલી ટાલ લગ્ન ન થવા માટેનું કારણ બની શકે છે. ઘણીવાર ખરતા વાળ આત્મવિશ્વાસ ઘટાડી શકે છે. પણ ચિંતા કરવાને બદલે સમસ્યાને સમજવાની કોશિશ કરો તો ઉકેલનો રસ્તો મળી શકે છે.
અમદાવાદ શહેરનાં જાણીતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. દીપા ભટ્ટ જણાવે છે કે, "વાળ માથાનો મુગટ અને સુંદરતાનું પ્રતીક કહેવાય છે. વાળનું ખરવું રોકવા માટે વ્યવસ્થિત અને આયોજનબદ્ધ અભિગમની જરૂર હોય છે જેમાં દર્દીની હિસ્ટ્રી, વાળની તપાસ, વાળ, લોહી, ચામડીની તપાસ અને દર્દીની સાથે તેની તકલીફની વિસ્તૃત ચચૉ અને સારવારનું પ્લાનિંગ જરૂરી છે."
"દરેક માણસમાં જુદાં-જુદાં પ્રકારના વાળ જોવા મળતા હોય છે. સીધા વાળ, વાંકડિયા વાળ, ફીજી વાળ, વેવી વાળ, તેમજ ઑઇલી વાળ જેવા વગેરે જાતના વાળ હોય છે. સામાન્ય રીતે વાળમાં જન્મજાત ખોડને કારણે અને વાતાવરણની અસરના કારણે વિવિધ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે."
"વાળ તૂટવા, ટાલ પડી જવી, દાદર થવી અને ચામડીના રોગોના કારણે પણ વાળ ખરવાની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત સોરિયાસિસ, સીબોરિક ડર્મેટાઇટિસ જેવા રોગોના કારણે અલગ-અલગ જાતની તકલીફ થઈ શકે છે. સામાન્ય રીતે એક દિવસમાં 50થી 100 વાળ ખરતા હોય તો નૉર્મલ કહેવાય છે. જેને ટેલોઝન ફેઝ કહેવામાં આવે છે. જો 50થી 100 કરતાં વધારે વાળ ખરતા હોય તો વિલંબ કર્યા સિવાય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ."
તેઓ વધુમાં જણાવે છે કે, "વાળ વ્યક્તિની સુંદરતાનું પ્રતીક છે. વાળ માણસને આત્મવિશ્વાસ આપે છે. વાળ ખરવાને કારણે વ્યક્તિની રૂટિન લાઇફ તેમજ પ્રૉફેશનલ લાઇફમાં પણ અસર થતી જોવા મળતી હોય છે. ટાલ પડવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટતો જોવા મળે છે. ક્યારેક વાળ ખરવા કે ટાલ પડવી એ વ્યક્તિના વિવાહિત જીવન પર પણ અસર કરતાં પરિબળો બની જતાં હોય છે."
"આંતરિક ફેરફારોને કારણે વાળ ખરતા હોઈ શકે છે તેમજ સતત વાળનું ખરવું કેટલાંક રોગોનું પણ પ્રતિભાવ(રિફ્લેક્શન) પણ હોઈ શકે છે. જેમ કે થાઇરોઇડ જેવા રોગોમાં વાળ ખરવું એ પહેલું લક્ષણ હોઈ શકે છે. જેથી વાળ ખરવાની સમસ્યા પર ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ."
ડૉ. દીપા ભટ્ટ આગળ જણાવે છે કે, "હૅર લૉસ એ આખા વાળ તૂટી જવાની તકલીફ છે. સામાન્ય રીતે સર્જરી બાદ, ગર્ભાવસ્થા બાદ, ગર્ભનિરોધક ગોળી બંધ કર્યા બાદ, કેટલાક કિસ્સાઓમાં ફેરિટિન ફોર્મમાં ઘટાડા બાદ તેમજ જ્યારે ઇમ્યુનિટી સિસ્ટમને લઈને તકલીફ હોય ત્યારે પણ વાળ ખરતા હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ ઉપરાંત આ પ્રકારની કોઈ દવા જેવી કે લિથિયમ સોડિયમ વાલપ્રોએટ એટલે કે ખેંચની દવા, માનસિક રોગની દવા, ટીબીની દવા, બીપીની દવા, કૅન્સરની દવા લેવામાં આવતી હોય ત્યારે પણ વાળ ખરવાની સમસ્યા જોવા મળતી હોય છે."
"દસ દિવસથી વધારે સમય માટે ખૂબ વધારે તાવ, અચાનક 10 કિલોથી વધુ વજન ઊતરી ગયું હોય, માનસિક તણાવમાં વાળ ખેંચી નાખવામાં આવે, હાર્ડ કૉસ્મેટિકનો ઉપયોગ કરવામાં આવે તો પણ વાળ ખરી શકે છે. આ ઉપરાંત ચામડીના રોગો જેવા કે ઉંદરી કે દાદર થવાથી કે ગૂમડાં થવાને કારણે પણ વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે."

DNAને ડેમેજ અને ટૉક્સિન

ઇમેજ સ્રોત, Getty Images
શું નશો કે વ્યસન પણ વાળ ખરવાનું કારણ હોઈ શકે ? તે અંગે ડૉ. દીપા ભટ્ટ જણાવે છે કે, "ધુમ્રપાન કરવાથી વાળ ખરે છે. ધુમ્રપાન કરવાથી જે ટોક્સિન રિલીઝ થાય છે એના ધુમાડો વાળના DNAને ડૅમેજ કરે છે. વાળના પેપિલામાં જતા લોહીના સપ્લાયને પણ ડૅમેજ કરે છે. આ ઉપરાંત ધુમાડામાંથી રિલીઝ થતા પ્રો-ઇમ્ફ્લામેટરી સાઇટોકાઇનના કારણે ફોલિકલમાં સોજો આવે છે. જેથી એ ભાગમાં ચામડી કઠણ થઈ જાય છે અને જેને કારણે વાળ ખરવાની સમસ્યા રહે છે."
"આ ઉપરાતં દારુને કારણે પોષક તત્વોની ખામી ઊભી થવાથી તેમજ લીવરને નુકસાન થવાથી પણ વાળ ખરવાની સમસ્યા સર્જાઈ શકે છે."
વધુ પડતો સ્ટ્રેસ પણ વાળ ખરવાનું કારણ બની શકે છે તે અંગે ડૉ. દીપા ભટ્ટ કહે છે કે, "માનસિક તણાવમાં વાળ ખરતા હોય છે. દરેક વ્યક્તિને શારીરિક અને માનસિક તણાવ હોય છે. વાળ ખરવાને કારણે ઓબ્સેશન, ટાલ પડી જશે એવા ડરને કારણે ડિપ્રેશન, એન્ગ્ઝાઇટી, બિહેવિયરલ ડિસ્ટર્બન્સ પણ જોવા મળે છે."
"સ્ટ્રેસથી વધુ વાળ ખરે છે. બાયોટિન, વિટામિન એ, ઈ, ડી, બી કોમ્પલેક્ષ, આયર્ન, ઝીંક, પ્રોટીનની ખામી અને વધારે કાર્બોહાઇડ્રેટ વગેરેથી પણ આમ બની શકે છે. સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર સુધીમાં પુરુષોમાં વાળ ખરવાનું પ્રમાણ 50 ટકા જયારે મહિલાઓમાં વાળ ખરવાનું પ્રમાણ 6 ટકા છે. PCOS, hormonal imbalance અંતઃસ્ત્રાવમાં ફેરફાર થવાથી પણ વાળ ખરી શકે છે. મહિલાઓમાં માસિકની અનિયમિતતાને કારણે પણ વાળ ખરી શકે છે."
આ સિવાય તેઓ જણાવે છે કે, "દરરોજ શૅમ્પૂ કરવાથી વાળના પ્રોટેક્ટિવ સીબમ ધોવાઈ જાય છે જેને કારણે હૅરની શાફ્ટ ડ્રાય થાય છે. વાળ પરના ઇલેક્ટ્રિકલ ચાર્જિસ બદલાઈ જાય છે અને તેના કારણે વાળ ખરે છે. સલ્ફેટ ફ્રી અને પેરાબેન ફ્રી શૅમ્પૂ અને કંડિશનર વાપરવું જોઈએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
"કલર કરવાથી વાળ ખરવાની સમસ્યા સર્જાય છે. હેર ડાયમાં રહેલ પેરાએનિલિનડાઇએમાઇન વાળને નુકસાન કરે છે. કાયમી હૅર કલર અને હંગામી હૅર કલર ડીપ લેયરની અંદર જાય છે અને વાળમાં રહેલાં પ્રોટીન સ્ટ્રકચરને અસર કરે છે. જેથી વાળની શક્તિ ઘટે છે. વાળના ફોલિકલ રફ થઈ જાય છે તેમજ લાંબા સમયે વાળનું ટેક્સચર બદલાય છે. ત્યારબાદ વાળ પાતળા અને નબળા થઈને તૂટી જાય છે. પેરાએનિલિનડાઇએમાઇનથી ચામડીમાં રિઍક્શન થાય છે."
"ડાયમાં રહેલ બ્લીચીંગ એજન્ટ હાઇડ્રોજન પેરોક્સાઇડ એ ઓક્સિડાઇજિંગ એજન્ટ છે જે વાળને નુકસાન કરે છે. વાળ પર થતી અલગ અલગ ટ્રીટમેન્ટ જેવી કે સ્ટેટનિંગ કૅરેટની કે સ્મૂથનિંગમાં વપરાતા કેમિકલ જે એમોનિયમ થયોગ્લાઇકોલેટ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાળને નુકસાન કરે છે. જે વાળને આલ્કલાઇન બનાવે છે અને વાળમાં રહેલા ડ્રાય સલ્ફાઇડ બોન્ડને તોડી નાખે છે. જેના કારણે વાળ સુજી જાય છે સોફ્ટ થાય છે અને જેથી તૂટી જાય છે."
આ સિવાય તેઓ જણાવે છે કે, "વાળને ખેંચીને ન બાંધવા જોઈએ. વાળને બાંધવા માટે લુઝ કોટન રબરનો જ ઉપયોગ કરવો જોઈએ. સન રેઝ પોલ્યુશન વાળને નુકસાન કરે છે. યુવી લાઇટથી વાળ ડૅમેજ થાય છે. જે માટે યુવી પ્રોટેક્ટર લીવ ઑન કંડિશનર વાપરવું જોઈએ. વાતાવરણની પણ વાળ ઉપર અસર થતી જોવા મળે છે. ભેજ વાળા વાતાવરણમાં વાળ ખરાબ થાય છે તેમજ ઠંડીમાં વાળ થીજીને ડ્રાય થઈ જાય છે. પાણી વાળ ખરવા માટે કે તૂટવા માટે સીધું જવાબદાર નથી પરંતુ હાર્ડ વોટર કે જેમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ વધારે હોય તેવું પાણી વાળને નુકસાન કરે છે."

વાળ ખરતા રોકવાની કેટલીક ટિપ્સ

ઇમેજ સ્રોત, Getty Images
1.માનસિક તણાવ લેવાની બદલે નજીકના મિત્રો પરિવાર સાથે મનની વાત કરવી જોઈએ. તણાવ ઘટે તેવા પ્રયત્ન કરવા.
2.વાળની ઓળવા માટે જેન્ટલ કાંસકો કે બ્રશ વાપરવા જોઈએ.
3. ટાલવાળા એરિયામાં જેલ બેઝ સન સ્ક્રીન લગાવી શકાય છે.
4. વાળ ધોવા માટે માઇલ્ડ શૅમ્પૂથી હળવો મસાજ કરી વાળ ધોવા જોઈએ. વાળને શૅમ્પૂથી ઘસવા જોઈએ નહીં.
5. વાળ ધોયા બાદ યુવી પ્રોટેક્શન યુક્ત લીવ ઑન કંડિશનર તેમજ હૅર મોસ્ચ્યુરાઇઝર વાપરવાં જોઇએ.
6. સ્વિમિંગ કરનાર લોકોએ સ્વિમિંગ વખતે કૅપ પહેરવી જોઈએ તેમજ અલ્ટ્રા ડીપ કંડિશનર વાપરવું જોઈએ.
7. વાળને હંમેશા ટોવેલથી જ સુકવવા જોઈએ અને જો હૅરડ્રાયર વાપરતા હોય તો નેચરલ મોડમાં જ વાપરવું જોઈએ.
8. વાળ ધોયા બાદ મોટા દાતાંના કાંસકાથી જ થોડા ભીના હોય ત્યારે વાળ ઓળવા જોઈએ. એકદમ ભીના હોય ત્યારે વાળ ખેંચીને ન ઓળવા જોઈએ. એ સમયે વાળ તૂટવાની સંભાવના વધારે રહે છે. જો બ્લો ડ્રાયરથી આયરનિંગ કરવું હોય તો અઠવાડિયામાં એકાદ વાર જ કરવું જોઈએ તેમજ વાળ એવા કપાવવાં જોઈએ જેથી સ્ટાઇલિંગ પ્રોડક્ટ ન વાપરવી પડે અથવા જરૂર પડે જ વાપરવી પડે.
9. વાળને ખેંચીને કડક રીતે ન બાંધવા જોઈએ તેમજ કોટન રબર બેન્ડ જ વાપરવું જોઈએ. તેમજ હૅર-સ્ટાઇલ પણ એવી જ રાખવી જોઈએ જેથી વાળ ખેંચાય નહીં.
10. જો તમે હૅર ઍક્સટેન્શન વાપરતા હોય તો વાળ ખેંચાય નહીં તેવા તેમજ વજન વગરના જ વાપરવાં જોઈએ તેમજ તે ટૂંક સમય માટે જ વાપરવા જોઈએ.
11. શિયાળામાં હૅર કલર 8થી 10 અઠવાડિયાં બાદ જ કરવો જોઈએ.
12. પરમિંગ કરવું હોય તો કલર કરવાનાં બે અઠવાડિયાં પહેલાં કરવું જોઈએ.
ડૉક્ટર દર્દીને કેવી રીતે મદદ કરી શકે છે ?
વાળ ખરવાની સમસ્યા સમજવા માટે દરદીની વિગતવાર હિસ્ટ્રી ખૂબ જ જરૂરી છે. હિસ્ટ્રીમાં જેમ કે, કેટલાં સમયથી વાળ ખરી રહ્યાં છે. કોઈ એક જ ભાગમાં વાળ ખરી રહ્યાં છે કે, આખા માથામાં વાળ ખરી રહ્યાં છે. દિવસમાં કેટલાં વાળ ખરી રહ્યાં છે. વાળ જાડા છે કે પાતળા છે. શરીરના અન્ય ભાગ પર વાળ કેવાં છે. પેશન્ટનું ન્યુટ્રિશિયન સ્ટેટસ શું છે. દર્દીની દવાની હિસ્ટ્રી શું છે. દર્દીની કૌટુંબિક માહિતી શું છે. દર્દીની મનોસ્થિતિ શું છે. દર્દીનું અંતઃસ્ત્રાવનું પ્રમાણ શું છે. આ ઉપરાંત માસિક અને પ્રેગ્નન્સી અંગે પણ તપાસ કરવી જોઈએ.

વાળનો કોઈ ટેસ્ટ થાય છે ?
હૅર જોવા માટે હૅર પુલ ટેસ્ટ, હૅર ટેસ્ટ, હૅર કાર્ડ ટેસ્ટ, હૅર માઉન્ટ ટેસ્ટ વગેરે ટેસ્ટ કરવામાં આવે છે. ટ્રાયકોસ્કોપ નામના મશીનથી વાળની તપાસ થઈ શકે છે. ટ્રાઇકોમેટ્રી અને ટ્રાઇકોટિલોમેટ્રીની તપાસ થઈ શકે છે. વાળ ખરી રહ્યાં હોય તે દરદીના લોહીની પણ તપાસ જરૂરી છે.
(હોર્મોન્સ) અંતઃસ્ત્રાવના ટેસ્ટ, થાઇરોઇડ ટેસ્ટ, ફેરિટિન લેવલ ટેસ્ટ, વિટામિન B-12 અને વિટામિન ડી 3 ટેસ્ટ, પ્લાઝમા ઇન્સ્યુલિન, લિપિડ પ્રોફાઇલ વગેરે પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જરૂર પડે તો માથાની ચામડીની તપાસ (Scalp biopsy) પણ કરી શકાય છે. જેથી ચોક્કસ નિદાન મળે છે.
આ ઉપરાંત જે દરદી સ્ટ્રેસના કારણે વાળ તોડી નાંખતા હોય છે, તેમને ટ્રાયકોટિલોમેનિયા નામની માનસિક બીમારી હોઈ શકે છે જે માટે મનોચિકિત્સકની મદદ લઈ શકાય છે.

વાળ ખરતા રોકવાની ટ્રીટમેન્ટ છે ?
વાળ ઉતરતા અટકાવવા માટે સૌથી મહત્વનું પાસું એ ખોરાક છે. જેમાં વઘારે પ્રોટીન અને ઓછા કાર્બોહાઇડ્રેટ તેમજ પૂરતા ખનીજ દ્રવ્યો હોય તેવો ખોરાક લેવો જોઈએ.
વાળ ખરતા અટકાવવા માટે તેમજ વાળની સંભાળ રાખવા માટે આયુર્વેદિક તત્ત્વો પણ ઉપયોગી છે. જેમાં આમળા, મંજિષ્ઠા, એલોવેરા, મેથી, અલગ-અલગ ભાજી, બ્રાહ્મી, ભૂંગરાજ, હળદર વગેરે પણ લઈ શકાય છે.
હૅર ગ્રોથ વધારવા શું કરી શકાય?
હેર ગ્રોથ વધારવા માટે અલગ-અલગ સીરમ ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે. જે ડૉક્ટરની સલાહ મુજબ ઉપયોગમાં લઈ શકાય છે.
આ ઉપરાતં લો લેવલ લેઝર લાઇટ ટ્રીટમેન્ટ તેમજ પ્લેટલેટ પ્લાઝમા થેરાપીનો પણ રોલ સારો છે.
કોસ્મેટિક્સના ફોર્મમાં હૅર કેમોફલેજ ટોપિક્લ ફાઇબરથી વાળમાં ફાયદો થાય છે. આ ઉપરાંત વિગ, હૅર પીસ અને હૅર એડિશન પણ વાપરી શકાય છે. હૅર પીસને લગાવવાના હોય ત્યાં વધારે પ્રેશર ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. જો વધારે પ્રેશર આવે તો વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે જેના માટે હૅર ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













