હિંદુઓમાં આંતરજ્ઞાતિય લગ્નને કાયદેસર કરવા માટેના બિલનો ગાંધીજીએ જ્યારે વિરોધ કર્યો અને ઝીણાએ સમર્થન આપ્યું

વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ આંતરજ્ઞાતિય લગ્ન ગાંધી ઝીણા ગાંધીજી અસ્પૃષ્ય દલિત વર્ણ જાતિ બ્રિટિશરાજ બીબીસી ગુજરાતી બિલ ધારાસભા લેજિસ્લેટિવ એસેમ્બ્લી, ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટિશરાજમાં વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય ધારાસભામાં રજૂ કરવામાં આવેલા 'ધ હિંદુ મૅરેજ (વૅલિડિટી) બિલ'નું મહમદઅલી ઝીણાએ સમર્થન કર્યું હતું પરંતુ ગાંધીજીએ તેનો વિરોધ કર્યો હતો.
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 9 મિનિટ

હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં લગ્નનોંધણીના કાયદા અંગે એક જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત સરકારની આ જાહેરાત અનુસાર, તે 'ગુજરાત રજિસ્ટ્રેશન ઑફ મૅરેજ ઍક્ટ 2006'માં સૂચિત સુધારો કરવા જઈ રહી છે.

રાજ્યના ઉપમુખ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત અનુસાર, લગ્નની નોંધણી કરતી વખતે હવે માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે માટે એક અલગથી પૉર્ટલ બનાવાશે. આ અંગે નાગરિકો પાસે સૂચનો પણ મંગાવાયાં છે. જે બાદમાં એક કમિટીની રચના કરવામાં આવશે, જે બંધારણીય મર્યાદામાં રહીને યોગ્ય સૂચનો ધ્યાને લઈ તેનો અમલ કરશે.

આ નવા સૂચિત ફેરફારો અંગે કાયદાના કેટલાક નિષ્ણાતો માને છે કે તેનાથી જીવનની સ્વતંત્રતાના અધિકારો 'જોખમાય' છે. કેટલાકને ભય છે કે આ પ્રકારની જાહેરાત '18મી સદીના રૂઢિચુસ્ત સમાજમાં પરત લઈ જવાનું કામ' કરે છે.

ગુજરાત સરકારની 'લગ્નોને એક પ્રકારે નિયંત્રિત કરવાની સૂચિત જાહેરાત' બાદ સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું આંતરજ્ઞાતીય લગ્નો અંગેનું એ બિલ યાદ આવે છે, જે ગુજરાત સરકારની આ જાહેરાતથી તદ્દન વિપરીત હતું. જે તેમણે બ્રિટિશ રાજમાં ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

શું હતું આંતરજ્ઞાતિય લગ્નોને માન્યતા આપવા અંગેનું બિલ?

વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ આંતરજ્ઞાતિય લગ્ન ગાંધી ઝીણા ગાંધીજી અસ્પૃષ્ય દલિત વર્ણ જાતિ બ્રિટિશરાજ બીબીસી ગુજરાતી બિલ ધારાસભા લેજિસ્લેટિવ એસેમ્બ્લી, ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વિઠ્ઠલભાઈએ વીસમી સદીના બીજા દાયકામાં એવું બિલ લાવવાની હિંમત કરી હતી જેમાં તેમણે પરંપરાગત 'હિંદુ પરંપરા અને વર્ણવ્યવસ્થા'ને પડકારી હતી. સપ્ટેમ્બર, 1918માં તેઓ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે કે બ્રિટિશ રાજમાં સંચાલિત મધ્યસ્થ ધારાસભાના સભ્ય બન્યા હતા.

જી.આઈ. પટેલ દ્વારા લખવામાં આવેલા પુસ્તક 'વિઠ્ઠલભાઈ પટેલ: લાઇફ એન્ડ ટાઇમ'માં લખવામાં આવ્યું છે કે, "તેઓ ઇમ્પિરિયલ કાઉન્સિલમાં દાખલ થયા તેના બીજા જ દિવસે તેમણે હિંદુઓની અલગ-અલગ જાતિઓ વચ્ચે કરવામાં આવતાં આંતરજ્ઞાતીય લગ્નોને કાયદેસર ગણાવવા માટેનું એક બિલ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો."

"તે સમયે બ્રિટિશ રાજમાં 'હિંદુ લૉ' અસ્તિત્વમાં હતો, જે અનુસાર તે સમયે અલગ-અલગ જાતિઓમાં થતાં લગ્નો અવૈધ ગણાતાં હતાં. ભારતમાં આ જ પરંપરા હતી. જેને કારણે છૂટાછેડા, ગુજારાભથ્થું કે ખાધાખોરાકી, વારસાગત હકો વગેરે માટે ઘણી વખત (ખાસ કરીને મહિલાઓને) તકલીફો પડતી હતી."

5મી સપ્ટેમ્બર, 1918ના દિવસે ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં વિઠ્ઠલભાઈ પટેલે 'ધ હિંદુ મૅરેજ (વૅલિડિટી) બિલ' રજૂ કર્યું. વિઠ્ઠલભાઈ પટેલે પ્રસ્તાવ મૂક્યો કે આંતરજ્ઞાતીય લગ્ન પરના સદીઓ જૂના પ્રતિબંધને હટાવી લેવામાં આવે.

આ એક એવો પ્રયાસ હતો જે હિંદુ માળખામાં સ્વજ્ઞાતિમાં જ લગ્ન કરવાની રૂઢિને તોડતો હતો. વિઠ્ઠલભાઈએ રજૂ કરેલા આ બિલમાં જ્ઞાતિના અવરોધ પર સમસ્ત હિંદુ સમાજની વ્યક્તિગત સ્વાયત્તતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વિઠ્ઠલભાઈએ આ માટે બે ઉદાહરણો પેશ કર્યાં

વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ આંતરજ્ઞાતિય લગ્ન ગાંધી ઝીણા ગાંધીજી અસ્પૃષ્ય દલિત વર્ણ જાતિ બ્રિટિશરાજ બીબીસી ગુજરાતી બિલ ધારાસભા લેજિસ્લેટિવ એસેમ્બ્લી, ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PUNIT BARNALA/BBC

ઇમેજ કૅપ્શન, વિઠ્ઠલભાઈ પટેલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જી.આઈ. પટેલના પુસ્તકમાં ઉલ્લેખ છે કે આ બિલ રજૂ કરતી વખતે વિઠ્ઠલભાઈના ધ્યાને બે ઉદાહરણો આવ્યાં હતાં.

તે સમયે બે ઘટનાઓ ચર્ચામાં આવી હતી: પહેલી કાશી અને જમનાદાસ વચ્ચેની અને બીજી લક્ષ્મી અને કલ્યાણસિંહ વચ્ચેની.

આ બંને ઘટનાઓનું જી.આઈ. પટેલના પુસ્તકમાં વર્ણન છે. પહેલા કેસમાં કાશી 16 વર્ષનાં હતાં ત્યારે તેઓ અન્ય જાતિમાં પરણ્યાં હતાં. તેઓ 25 વર્ષ સુધી એકબીજાં સાથે રહ્યાં. તેમનાં લગ્ન થકી તેમને 8 સંતાનો હતાં. પરંતુ 25 વર્ષ બાદ પતિએ પત્નીનો ત્યાગ કર્યો.

9 વર્ષ સુધી કાશીએ ભરણપોષણ માગવા માટે કોર્ટમાં જવાનું પસંદ ન કર્યું, પરંતુ વધતી ઉંમરે તેમને ગુજરાન ચલાવવામાં તકલીફ પડી તેથી તેમણે કોર્ટમાં જઈને પતિ પાસે ખાધાખોરાકી માટે ગુજારાભથ્થું માગ્યું. પરંતુ કોર્ટે હુકમ કર્યો કે હિંદુ લૉ પ્રમાણે તેમણે અલગ જાતિમાં લગ્ન કર્યાં છે તેથી તે અવૈધ છે; પરિણામે તેમને ખાધાખોરાકી નહીં મળે.

બીજા કેસમાં કલ્યાણસિંહ રાજપૂત હતા અને લક્ષ્મી બ્રાહ્મણ હતાં. કલ્યાણસિંહ લક્ષ્મીને ભગાડીને પોતાની સાથે લઈ આવ્યા. બાદમાં કલ્યાણસિંહે લક્ષ્મીને ઘરમાંથી કાઢી મૂક્યાં અને તેમને વૈવાહિક અધિકાર આપવાની મનાઈ ફરમાવી.

આ કેસમાં પણ કોર્ટે ફેંસલો કલ્યાણસિંહની તરફેણમાં આપ્યો, કારણ કે 'હિંદુ લૉ' પ્રમાણે આ લગ્ન અલગ જાતિમાં થયાં હોવાને કારણે કાયદેસર નહોતાં.

વિઠ્ઠલભાઈ પટેલનું માનવું હતું કે આંતરજ્ઞાતીય લગ્ન વગર હિંદુઓમાં વ્યાપ્ત 'અસ્પૃશ્યતાનું દૂષણ' દૂર થઈ શકે તેમ નથી. ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં સભ્ય બન્યા પહેલાં વિઠ્ઠલભાઈ પટેલે બૉમ્બે ધારાસભામાં પોતાની 'સમાનતાવાદીની છબિ' પ્રસ્થાપિત કરી દીધી હતી.

વિઠ્ઠલભાઈનું બિલ એક ડગલું આગળ હતું

વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ આંતરજ્ઞાતિય લગ્ન ગાંધી ઝીણા ગાંધીજી અસ્પૃષ્ય દલિત વર્ણ જાતિ બ્રિટિશરાજ બીબીસી ગુજરાતી બિલ ધારાસભા લેજિસ્લેટિવ એસેમ્બ્લી, ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરદાર પટેલ સાથે વિઠ્ઠલભાઈ પટેલ

તે સમયે કાયદાકીય રીતે જાતિભેદ લગ્ન શક્ય હતાં, પરંતુ કેટલીક શરતોને આધીન. જેમાં પહેલી શરત હતી કે લગ્ન સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ પદ્ધતિથી રાજકીય અધિકારી સમક્ષ નોંધણી કરાવેલાં હોવાં જોઈએ અને બીજી શરત એ હતી કે બંને પક્ષે હિંદુ ધર્મનો ત્યાગ કરવો જરૂરી હતો; જેને કારણે સામાજિક બહિષ્કાર થવાનો કે કૌટુંબિક વારસો ગુમાવવાનો ડર રહેતો.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના વરિષ્ઠ સંપાદક અને લેખક મનોજ મિત્તા લિખિત 'કાસ્ટ પ્રાઇડ: બૅટલ ફૉર ઇક્વાલિટી ઇન હિંદુ સોસાયટી'માં લખાયું છે કે, "જ્યારે વિઠ્ઠલભાઈ પટેલે આ બિલ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં રજૂ કર્યું ત્યારે તેના પર ધારદાર ચર્ચાઓ થઈ."

"આ ચર્ચાઓમાં 'બ્રાહ્મણોએ જાતિવિભાજન જાળવવામાં ભૂમિકા' ભજવી હોવાના આરોપો વચ્ચે, કૉંગ્રેસના કેટલાક નેતાઓ જેમ કે, મદનમોહન માલવીય અને સુરેન્દ્રનાથ બેનરજીએ પટેલના હિંદુ સમાજમાં સમાનતા અને ભાઈચારો સ્થાપવા માટેના આ પ્રયત્નોનો વિરોધ કર્યો."

વિઠ્ઠલભાઈનો ઉદ્દેશ હિંદુ સમાજમાં સામાજિક સુધારા લાવવાનો હતો. જોકે, તે સમયે કેટલાક રાજકારણીઓ રાજનીતિમાં સુધારાને પ્રાધાન્ય આપતા હતા, પરંતુ સામાજિક સુધારાને પ્રાધાન્ય આપતા નહોતા. કેટલાક હિંદુ સમાજમાં રહેલાં રીત-રિવાજો અને રૂઢિગત બાબતોમાં દરમિયાનગીરી પણ ઇચ્છતા નહોતા.

જી.આઈ. પટેલ 'વિઠ્ઠલભાઈ પટેલ: લાઇફ એન્ડ ટાઇમ'માં લખે છે, "આ બિલ હિંદુઓમાં કાસ્ટ સિસ્ટમ એટલે કે જાતિવ્યવસ્થા પર મોટો પ્રહાર હતો."

વિઠ્ઠલભાઈએ દલીલો કરી, "જાતિપ્રથા તોડવા માટે આ બિલ મહત્ત્વનું પહેલું પગલું છે. લગ્ન પર જાતિનાં બંધનો સમાજ માટે હાનિકારક છે, કારણ કે આ પ્રકારનાં બંધનોથી દેહવ્યાપાર વધે છે. બિનમાન્યતાપ્રાપ્ત લગ્નોને કારણે તેનાથી પેદા થયેલાં સંતાનોને અનેક સમસ્યા અને અન્યાયનો સામનો કરવાનો થાય છે. બાળવિવાહની ઘટનાઓ વધે છે, વિધવાઓની સમસ્યા પણ વધે છે. દીકરીઓના શોષણ જેવી ઘટનાઓના દુષ્પરિણામો પેદા થાય છે."

વિઠ્ઠલભાઈનું માનવું હતું કે જાતિપ્રથા સમાજને નાનાં-નાનાં વર્તુળોમાં વહેંચી દે છે. નવી પેઢી આ બાંધછોડથી નારાજ છે. તેઓ માનતા હતા કે કાયદામાં સુધારા અને આંતરજાતીય લગ્નોને સ્વીકૃતિ મળવાથી સમાજ વધુ પ્રગતિશીલ અને ન્યાયસંગત બનશે.

ઝીણાનું સમર્થન, માલવિયાનો વિરોધ

વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ આંતરજ્ઞાતિય લગ્ન ગાંધી ઝીણા ગાંધીજી અસ્પૃષ્ય દલિત વર્ણ જાતિ બ્રિટિશરાજ બીબીસી ગુજરાતી બિલ ધારાસભા લેજિસ્લેટિવ એસેમ્બ્લી, ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહમદઅલી ઝીણા

આ બિલનો મનિન્દ્રચંદ્ર નાંદી, રાજા રામપાલસિંહ, સીતાનાથ રાય, રંગાસ્વામી અને મદનમોહન માલવીય જેવા નેતાઓએ વિરોધ કર્યો, જ્યારે ખાપર્ડે, શાસ્ત્રી, ઝીણા અને સુરેન્દ્રનાથ બેનરજીએ તેનું સમર્થન કર્યું.

જોકે, સુરેન્દ્રનાથ ભલે આ બિલના સમર્થનમાં હતા, પરંતુ તેમણે આ બિલ માટેનો સમય યોગ્ય ન હોવાનું કહીને વિઠ્ઠલભાઈને બિલ પરત લેવાનો અનુરોધ કર્યો.

ઝીણાએ આ બિલના સમર્થનમાં ભાષણ આપ્યું હતું. તેઓ આ બિલની ચર્ચા કરનારા એકમાત્ર મુસ્લિમ સભ્ય હતા.

તેમણે કહ્યું કે, "આ બિલમાં એવું નથી કે દરેક બ્રાહ્મણે શૂદ્ર સાથે લગ્ન કરવા જોઈએ. એવું પણ નથી કે દરેક શૂદ્રએ બ્રાહ્મણને પરણવું જોઈએ. આ કોઈ ફરજિયાત બનાવતું (આજ્ઞાકારી) બિલ નથી."

તેમણે ઉમેર્યું કે, "હું મુસ્લિમ થઈને આના પર બોલું છું તેને લઈને કેટલાક હિંદુઓને ચિંતા હોઈ શકે છે. પરંતુ હું આ કાઉન્સિલનો સભ્ય છું. મારે આ મુદ્દે મત આપવો છે. હું આ મામલે માત્ર મૌન નહીં રહી શકું. મને આ મુદ્દામાં રસ છે."

"હું આજે કાયદા (હિંદુ લૉ)ને કારણે સહન કરી રહેલી હિંદુ લઘુમતીના ભલા માટે એટલો જ રસ ધરાવું છું, જેટલો રસ અન્ય લોકો મુસ્લિમ સમાજને જ્યારે દુઃખ પડે છે ત્યારે તેના સમાધાન માટે ધરાવે છે."

ઝીણાએ કાઉન્સિલમાં સવાલ પૂછતાં કહ્યું કે, "તમે જેમને પશ્ચિમના વિચારોમાં શિક્ષિત કર્યા છે અને છતાં જાતિની સાંકળોમાં બાંધી રાખો છો, શું તેમને તમે સ્વતંત્રતા નહીં આપો?"

મદનમોહન માલવીયએ આ બિલનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું, "હિંદુ પ્રજાએ તેનો ફેંસલો ત્યારે જ સંભળાવી દીધો હતો જ્યારે છ વર્ષ પહેલાં 'બાસુ બિલ' રજૂ કરવામાં આવ્યું હતું."

ઉલ્લેખનીય છે કે અગાઉ કૉંગ્રેસ સભ્ય ભૂપેન્દ્રનાથ બાસુએ આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્નને પરવાનગી આપવા અંગેનું બિલ પેશ કર્યું હતું, જેનો જોરદાર વિરોધ થયો હતો.

માલવીયએ કહ્યું, "હું આ બિલની યોગ્યતાના પ્રશ્નોનો ઉત્તર આપવા નથી માગતો, પરંતુ એક વાત ચોક્કસ છે કે સામાન્ય હિંદુ પ્રજા આ બિલનો સખત વિરોધ કરશે." માલવીયએ સવાલ કર્યો કે, "શું આ બિલ કોઈ અર્થસભર છે, કે પછી લોકોના વિરોધનું કારણ બનશે?"

બ્રિટિશ સરકારે શું કહ્યું?

વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ આંતરજ્ઞાતિય લગ્ન ગાંધી ઝીણા ગાંધીજી અસ્પૃષ્ય દલિત વર્ણ જાતિ બ્રિટિશરાજ બીબીસી ગુજરાતી બિલ ધારાસભા લેજિસ્લેટિવ એસેમ્બ્લી, ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સરકારે આ બિલ મામલે કાઉન્સિલમાં પક્ષ લેવાનો હતો. કેટલાક બ્રિટિશ સાંસદો આ બિલની અગત્યતા સમજતા હતા, પરંતુ કેટલાક માનતા હતા કે આ બિલને કારણે બ્રિટિશ પ્રશાસન સામેનો હિંદુઓનો વિરોધ વધારે ભડકશે.

કેટલાક સભ્યો ઇચ્છતા હતા કે જ્યાં સુધી નવી રિફોર્મ કાઉન્સિલ અસ્તિત્વમાં નહીં આવે ત્યાં સુધી વિઠ્ઠલભાઈએ આ બિલને પરત ખેંચવું જોઈએ, પરંતુ વિઠ્ઠલભાઈ તેને માટે તૈયાર નહોતા. તેઓ આ બિલ પર મતદાનના આગ્રહી હતા.

વાઇસરોય ઍક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને ઇમ્પિરિયલ કાઉન્સિલના સભ્ય વિલિયમ વિન્સેટે સરકારનો પક્ષ લેતા કહ્યું કે, હાલ આ બિલ રજૂ કરવાનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવતો નથી. તેમણે એમ પણ કહ્યું કે આ મામલે હિંદુ પ્રજાનો મત જાણવો જરૂરી છે. બ્રિટિશ સરકાર આ બિલને સમર્થન આપવાનો કે વિરોધ કરવાનો અધિકારનો હાલ ઉપયોગ નહીં કરે; તેનો નિર્ણય બાદમાં કરવામાં આવશે.

આ અંગે જ્યોર્જ લોન્ડેસે કહ્યું, "સરકારને આ મામલે જે સૂચનો મળશે તેના પર સરકારના હવે પછીના નિર્ણયનો આધાર છે. પરંતુ મારા મિત્ર સર વિલિયમ વિન્સેટે એ નથી કહ્યું કે બહુમતી જે સૂચનો આપશે તેના પર આ બિલનું ભાવિ નિર્ભર છે."

લોન્ડેસ કે જેઓ 'હિંદુ લૉ'ના જાણકાર હતા, તેમણે કહ્યું, "જ્યારે પ્રશ્ન એક ઉચ્ચ જાતિના હિંદુ પુરુષનાં લગ્ન તેનાથી પછાત જાતિની મહિલા સાથે થાય તેનો હોય, ત્યારે શાસ્ત્રમાં પરવાનગી છે. આ હિંદુ શાસ્ત્રોની પરંપરા છે અને તેનો ઇતિહાસ સાક્ષી છે." માલવીયએ તેમને વચ્ચે જ ટોકતા કહ્યું, "આ સાચું નથી. 3,000 વર્ષોથી આવું થયું નથી."

રવીન્દ્રનાથ ટાગોરે પણ આ બિલને સમર્થન આપતો પત્ર લખ્યો હતો. લાલા લજપતરાયે પણ ન્યૂ યોર્કથી વિઠ્ઠલભાઈના બિલના સમર્થનમાં પત્ર લખ્યો હતો.

તેમણે લખ્યું, "વિઠ્ઠલભાઈના બિલનો વિરોધ શરમ અને અપમાનની ભાવના છે. જો આ નાના કાયદાકીય સુધારા મારફતે આપણે આગળ વધીએ તો વિદેશમાં આપણી પ્રતિભા અને છબિ ઊજળી બની શકે તેમ છે. જેઓ હિંદુ શાસ્ત્ર અને હિંદુ ધર્મના નામે તેનો વિરોધ કરે છે તેઓ આ ધર્મના અલ્પ જાણકાર છે."

25મી ફેબ્રુઆરી, 1920ના રોજ વિઠ્ઠલભાઈએ આ બિલને કાઉન્સિલની સિલેક્ટ કમિટીને સુપ્રત કર્યું. દરમિયાન ભારતમાં એવી ધારણા બંધાતી હતી કે આ બિલ બ્રિટિશ સરકાર લાવી રહી છે, એટલે જ્યોર્જ લોન્ડેસે સ્પષ્ટતા કરી કે આ બિન-સરકારી સભ્ય દ્વારા બિલ પેશ કરવામાં આવ્યું છે. બ્રિટિશ સરકારના સભ્યોએ આ બિલને વખાણ્યું અને તેને સુધારાવાદી ગણાવ્યું.

ગાંધીજીએ શું કહ્યું?

વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ આંતરજ્ઞાતિય લગ્ન ગાંધી ઝીણા ગાંધીજી અસ્પૃષ્ય દલિત વર્ણ જાતિ બ્રિટિશરાજ બીબીસી ગુજરાતી બિલ ધારાસભા લેજિસ્લેટિવ એસેમ્બ્લી, ગુજરાત બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વિઠ્ઠલભાઈના આંતરજ્ઞાતીય લગ્નના બિલ પર ગાંધીજીનો પ્રતિભાવ સંકોચભર્યો હતો.

'કાસ્ટ પ્રાઇડ: બૅટલ ફૉર ઇક્વાલિટી ઇન હિંદુ સોસાયટી'માં મનોજ મિત્તા લખે છે કે, "28મી જાન્યુઆરી, 1919ના રોજ ગાંધીજીએ એક પત્ર લખીને પટેલને પૂછ્યું હતું કે, હિંદુ સમાજમાં આટલો હોબાળો છે ત્યારે તમને લાગે છે કે તમારું બિલ દેશને ફાયદાકારક રહેશે?"

આ જ પુસ્તકમાં ઉલ્લેખ છે કે, 23મી ફેબ્રુઆરી, 1919માં 'ઇન્ડિયન સોશિયલ રિફોર્મર'માં છપાયેલા એક રિપોર્ટમાં ગાંધીજીએ મધ્યમમાર્ગ સૂચવ્યો હતો.

તેમણે આંતરજાતીય લગ્નને બદલે મિશ્ર લગ્નો માત્ર પેટાજ્ઞાતિઓમાં મર્યાદિત રહેવા જોઈએ તેવો આગ્રહ રાખ્યો. એનો અર્થ એ હતો કે તેઓ મુખ્ય જ્ઞાતિઓ વચ્ચે નહીં, પરંતુ એક જ જ્ઞાતિની પેટાજ્ઞાતિઓ વચ્ચે લગ્નો માટે તૈયાર હતા.

ગાંધીજીએ એમ પણ લખ્યું કે આ સુધારાનું માલવીય પણ સમર્થન આપશે તેવું આશ્વાસન ખુદ માલવીયએ આપ્યું છે. ગાંધીજીએ સિલેક્ટ કમિટીને આ બિલમાં ઉપરોક્ત સુધારો કરવાની વાત પણ કરી હતી. તેમણે વર્ણવ્યવસ્થાનો આગ્રહ રાખતા કહ્યું કે ચાર વર્ણોની વ્યવસ્થા તૂટવી ન જોઈએ.

જોકે, 26મી ફેબ્રુઆરીના રોજ તેમણે ફરી લખ્યું, "મારા અગાઉના પ્રતિભાવો અર્ધસત્ય છે. જો બિલ વર્ણવ્યવસ્થા પર પ્રહાર કરશે તો હું તેનો વિરોધ કરીશ."

મનોજ મિત્તા લખે છે કે, પાછળથી ગાંધીજીએ 'કબૂલાત' કરી હતી કે તેમને આ આંતરજ્ઞાતીય બિલ વિશેની કાયદાકીય બાબતોની પૂરતી જાણકારી નહોતી. છતાં વિઠ્ઠલભાઈ પટેલે આ મામલે ગાંધીજીને વિનંતી કરતો પત્ર મોકલ્યો હતો.

ગાંધીજીએ આ મામલે કહ્યું હતું કે હાલ મારી પાસે જે કામ છે તેની વ્યસ્તતા વચ્ચે હું આનો ઊંડો અભ્યાસ કરી શકું તેમ નથી. તે સમયે જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો અને બાદમાં ગાંધીજીને કદાચ એવા સંજોગો પ્રાપ્ત ન થયા કે તેઓ આ મામલે વધુ કશી પ્રતિક્રિયા આપી શકે.

બિલનું શું થયું?

વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલ આંતરજ્ઞાતિય લગ્ન ગાંધી ઝીણા ગાંધીજી અસ્પૃષ્ય દલિત વર્ણ જાતિ બ્રિટિશરાજ બીબીસી ગુજરાતી બિલ ધારાસભા લેજિસ્લેટિવ એસેમ્બ્લી, ગુજરાત બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બ્રિટિશરાજ દરમિયાન કેન્દ્રીય ધારાસભાના પહેલા ભારતીય અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ

સિલેક્ટ કમિટીએ 17મી માર્ચ, 1920માં આ બિલ મામલે તેનો રિપોર્ટ આપ્યો. આ રિપોર્ટ વિઠ્ઠલભાઈ પટેલ માટે આઘાતજનક હતો.

મનોજ મિત્તા લખે છે, "આ રિપોર્ટમાં સૂચન કરાયું કે બિલમાં એવો ફેરફાર કરવામાં આવે જેથી આંતરજ્ઞાતીયની જગ્યાએ માત્ર પેટાજ્ઞાતિઓ વચ્ચેના લગ્નોને જ કાયદેસર ગણવામાં આવે."

રિપોર્ટનો સાર ગાંધીજીના સૂચન સાથે મળતો આવતો હતો. રિપોર્ટમાં એવું પ્રતીત થતું હતું કે બ્રિટિશ સરકાર સામાજિક સુધારા માટે તાત્કાલિક કોઈ મોટું કદમ ઉઠાવવા માગતી નહોતી, પરંતુ તે ધીરે-ધીરે સુધારા કરવા માટે પ્રતિબદ્ધ હતી.

કમિટીએ નક્કી કર્યું કે નવી લેજિસ્લેટિવ કાઉન્સિલ જ્યારે 1921માં બનશે, ત્યાં સુધી આ બિલ પર હાલ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.

ગાંધીજીની અસહકારની ચળવળને કારણે કૉંગ્રેસે ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો હતો, તેથી પટેલની ગેરહાજરીમાં કોઈ સભ્ય આ બિલને ફરીથી પેશ કરવાનું સાહસ કરી શક્યા નહીં.

જોકે, કૉંગ્રેસમાંથી છૂટા પડેલા સભ્યોએ સ્વરાજ પાર્ટી બનાવી. પટેલે 1923માં ચૂંટણી લડી પરંતુ તેમને આ બિલ રજૂ કરતા રોકી દેવામાં આવ્યા. 1925માં વિઠ્ઠલભાઈ પટેલ સૅન્ટ્રલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીમાં સ્પીકર બની ગયા, પરંતુ ત્યાર બાદ તેમના તરફથી આ બિલ ફરી રજૂ ન થઈ શક્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન