મહમદઅલી ઝીણાને મહાત્મા ગાંધીથી શું વાંધો હતો કે તેમણે ગાંધીને માત્ર હિંદુઓના નેતા કહ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
મહાત્મા ગાંધી અને મહમદઅલી ઝીણા, દુનિયાનો નક્શો બદલી નાખનારાં ગુજરાતમાં જન્મેલાં આ બે વ્યક્તિત્વો વચ્ચેનો સંબંધ પણ ભારતના વિભાજન અને આઝાદીની ચળવળ દરમિયાન પાંગરેલી અને વિખરાઈ ગયેલી મિત્રતાની કહાણી છે.
એક સમયે એકબીજા પ્રત્યે આદર ધરાવતા ગાંધી અને ઝીણા બન્ને રાષ્ટ્રવાદ માટે હિંદુ મુસ્લિમ એકતાના મહત્ત્વ બાબતે સ્પષ્ટ રીતે એકમત હતા. પણ એ સમયે રાજકીય ફલક પર થઈ રહેલાં ગતિશીલ પરિવર્તનો અને સમાજ તથા સમુદાયો પ્રત્યેના પોતાના અલગ દૃષ્ટિકોણને લીધે તે મત આખરે મતભેદ અને પછી હિંદુ તથા મુસ્લિમ સમુદાય ક્યારેય સાથે મળીને એક રાષ્ટ્ર નહીં બનાવી શકે તેવી ઝીણાની માન્યતામાં પરિણમ્યો.
એક સમયે સ્વાતંત્ર્યસેનાની સરોજિની નાયડુએ જેમને 'હિંદુ મુસ્લિમ એકતાના દૂત' ગણાવ્યા હતા તે ઝીણાએ ગાંધીજીને માત્ર એક હિંદુ નેતા ગણાવીને મહાત્માની વ્યાપક ઓળખને એક સાંકડા ચોકામાં ઢાળવાનો પ્રયાસ કર્યો. અલબત્ત, આમ કરવાથી તેમને મુસ્લિમ નેતા તરીકે પોતાની છબી વધુ સ્પષ્ટ બનાવવાનો પણ મોકો મળ્યો.
આખરે ગાંધી અને ઝીણાની ઓળખ લોકોના મનમાં હિંદુ મુસ્લિમ એકતાના તરફદારી કરતાં નેતાઓને બદલે એકબીજાના રાજકીય, વૈચારિક વિરોધની ધરી પર રચાયેલા હિંદુ અને મુસ્લિમ બહુમતી ધરાવતા રાષ્ટ્રોના જનક તરીકે બની.
એવું શું થયું હતું કે ગાંધીને મહાત્મા તરીકે સંબોધનારા ઝીણા તેમને છેવટે 'હિંદુ નેતા' કહેવા લાગ્યા. એટલે સુધી કે ગાંધીને આપેલી શ્રદ્ધાંજલિમાં પણ ઝીણાએ તેમને હિંદુ સમાજના નેતા જ ગણાવ્યા હતા.
બે રાષ્ટ્રોના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવારા બે નેતાઓની મિત્રતા અને તેના અંત પાછળ કઈ ઘટનાઓ અને તેમની કઈ માન્યતાઓ કારણરૂપ હતી તે જાણવાનો પ્રયાસ કરીએ.
(આ લેખ સૌપ્રથમ 15 ઑગસ્ટ 2025ના દિવસે પ્રકાશિત થયો હતો)
પહેલાં ઝીણા અને ગાંધી એકબીજાના સમર્થક હતા

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
જાન્યુઆરી 1915માં મુંબઈમાં સર જહાંગીર પિટીટના ઘરે ગાંધીજીના દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવવાના માનમાં યોજાયેલી પાર્ટીમાં મહમદઅલી ઝીણા ઉપસ્થિત હતા. આ પાર્ટીમાં મહમદઅલી ઝીણાએ સ્વદેશ પરત ફરવા બદલ ગાંધીજીનું સ્વાગત કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એટલું જ નહીં પરંતુ ઝીણાએ મુસ્લિમ લીગના 1915ના અધિવેશનમાં ભાગ લેવા એક હિંદુ હોવા છતાં ગાંધીજીને આમંત્રણ પાઠવ્યું હતું.
અહીંથી જ તેમના 'ખાટા-મીઠા' સંબંધોની શરૂઆત થઈ. ઑક્ટોબર 1916માં ગાંધીજીએ ઝીણાનું નામ અમદાવાદમાં યોજાનારી કૉંગ્રેસની બૉમ્બે પ્રૉવિન્સિયલ કૉન્ફરન્સના પ્રમુખપદ માટે સૂચવ્યું હતું. આ બેઠકમાં અમદાવાદમાં ઝીણાનું ભવ્ય સ્વાગત થયું હતું.
ગાંધીજી અને ઝીણાના સબંધોમાં અનેક ઉતારચઢાવ જોવા મળ્યા. પરંતુ,1937 પછી બન્ને વચ્ચેનું અંતર વધતું ગયું. આ પહેલાં બંને નેતા 'હિંદુ-મુસ્લિમ એકતા' માટે કામ કરતા રહ્યા.
બંને વચ્ચેના મતભેદની શરૂઆત 1920માં ગાંધીજીએ બ્રિટિશરાજ સામે અસહકારનું આંદોલન શરૂ કરવાનો નિર્ણય કર્યો ત્યારે થઈ. ઝીણા માનતા હતા કે આ આંદોલનથી દેશમાં 'અરાજકતા પેદા થશે અને હિંસા વધશે.'
1916-17થી કૉંગ્રેસમાં ઝીણાની સ્થિતિ કમજોર પડી

ઇમેજ સ્રોત, KEYSTONE/HULTON ARCHIVE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી તેમના પુસ્તક 'મુસ્લિમ મન કા આઇના'માં લખે છે, "રાષ્ટ્રીય સ્તર પર તેમની (ઝીણા)ની સ્થિતિ 1916-17થી કમજોર થઈ...તેઓ પોતાને એકલા પડી ગયેલા માનવા લાગ્યા હતા."
"તેમને લાગ્યું કે ક્યારેક તો પ્રવાહ તેમના તરફ બદલાશે."
રાજમોહન ગાંધી લખે છે, "પ્રવાહ બદલાયો, પરંતુ તેમના તરફ નહીં. જાન્યુઆરી, 1919માં ઇમ્પીરિયલ કાઉન્સિલનું દેશદ્રોહ વિરોધી રૉલેટ બિલ પેશ થયું. વાઇસરૉય પાસે તેને પરત કરવાની અપીલ કરવામાં આવી."
"તેમને ચેતવણી આપવામાં આવી કે જો આ વિધેયક પાસ થશે તો દેશભરમાં તેનું પાલન નહીં કરવામાં આવે. ગાંધીએ દેશભરમાં પોતાનું ધ્યાન ખેંચ્યું. સાથે તેમણે ઘોષણા કરી કે તેઓ હિંસાની વિરુદ્ધમાં છે."
કાઉન્સિલમાં (ધારાસભા) ઝીણા 1909થી સભ્ય હતા. તેમણે આ બિલનો જોરદાર વિરોધ કર્યો.
તેમણે કહ્યું, "તમને જણાવવું મારું કર્તવ્ય છે કે જો આ કાયદો બની જશે તો તમે દેશના આ કિનારાથી પેલા કિનારા સુધી એવી નારાજગી અને આંદોલન પેદા કરી દેશો, જે તમે ક્યારેય જોયું નહીં હોય."
બ્રિટિશરાજ પર ન તો ગાંધીની અપીલની અસર થઈ ન ઝીણાની ચેતવણીની. બ્રિટિશ ધારાસભા મનોનિત સભ્યોથી બનેલી હતી તેથી આ વિધેયક પાસ થઈ ગયું.
22મી માર્ચે વાઇસરૉયે આ પાસ કરાયેલા વિધેયક પર હસ્તાક્ષર કર્યા તેથી તેણે હવે કાયદાનું સ્વરૂપ લઈ લીધું.
બીજા જ દિવસે ગાંધીએ 6 એપ્રિલના રોજ દેશભરના લોકોને પોતાનો કારોબાર બંધ રાખવાની અપીલ કરી. એટલું જ નહીં તેમણે તે દિવસે ઉપવાસ અને પ્રાર્થના કરવાનું આહ્વાન પણ કર્યું.
પાંચ દિવસ બાદ આ 'કાળા કાયદા' સામે વિરોધમાં ઝીણાએ પણ ધારાસભામાંથી રાજીનામું આપી દીધું.
રાજમોહન ગાંધી લખે છે, "આ પગલું અસાધારણ હતું. કારણકે ઝીણાને ધારાસભા ગમતી હતી. તેઓ અહીં જ ખીલ્યા હતા. પરંતુ (બિલ સામે) તેમના (વિરોધ) પર એટલો હંગામો નહીં થયો જેટલો ગાંધીની અપીલ પર થયો."
"અહીં ગાંધીનો અચાનક નક્ષત્રની માફક ઉદય થયો. તેમણે એ જગ્યા લીધી જેને માટે ઝીણા હંમેશાં પોતાને કાબિલ માનતા હતા. તે માટે તે હંમેશાં પ્રયાસો કરતા હતા અને 1916-17માં લગભગ આ જગ્યાએ પહોંચ્યા પણ હતા."
"આમ કેમ થયું? તેનો કોઈ અર્થ નથી. પણ સત્ય એ છે કે હવે ગાંધી એ જગ્યા પર હતા જ્યાં ઝીણા હોઈ શકતા હતા."
1920માં નાગપુરમાં યોજાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં જ્યારે પોતે એકલા પડી ગયા હોવાનું અનુભવાયું ત્યારથી ઝીણાએ પોતાનો રસ્તો અલગ કરી દીધો.
'અસહયોગ આંદોલન' પછી ગાંધી અને ઝીણાના માર્ગ ફંટાયા

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક સમય સુધી બંનેએ એકબીજાને મદદ કરી. પોતાની સામે બ્રિટિશરાજ દ્વારા અદાલતની માનહાનિનો કેસ કર્યો હતો તેથી ગાંધીએ ઝીણાની મદદ પણ માગી હતી.
વર્ષ 1919માં વર્ષના અંતમાં કૉંગ્રેસનું જ્યારે અધિવેશન અમૃતસરમાં મળ્યું જેમાં ઝીણાએ ગાંધીને 'મહાત્મા ગાંધી' તરીકે સંબોધિત કર્યા.
લેખક ગુણવંત શાહ તેમના પુસ્તક 'ગાંધીના ચશ્માં'માં લખે છે, "ત્યાર પછી ઝીણાએ ક્યારેય ગાંધીને મહાત્મા કહીને સંબોધ્યા નથી. ગાંધીજી તેમના માટે 'કાયદે આઝમ' વિશેષણ વાપરીને આદર આપતા હતા."
પરંતુ જ્યારે ગાંધીએ અંગ્રેજો સામે અસહકારનું આંદોલન કરવાની જાહેરાત કરી તેની સામે ઝીણા અસંમત હતા.
કલકત્તામાં થયેલા કૉંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા કરતાં ઝીણાએ કહ્યું, "મિસ્ટર ગાંધીએ દેશની સામે અસહકારનો કાર્યક્રમ રજૂ કર્યો છે. તેને તમે કબૂલ કરો છો કે નહીં તે તમારા ઉપર છે. હું ફરીથી સરકારને વિનંતી કરું છું કે તેઓ હિંદુસ્તાનના લોકોને બેબસ ન બનાવે, નહીંતર તેમની સામે અસહયોગની નીતિ પર ચાલવા સિવાય અન્ય કોઈ રસ્તો નહીં બચે. જરૂરી નથી કે અસહયોગ મિસ્ટર ગાંધીના કાર્યક્રમ જેવો જ હોય."
રાજમોહન ગાંધી લખે છે, "મહિનાભર બાદ ગાંધી અને ઝીણા વચ્ચે પહેલો ટકરાવ થયો. હોમ રૂલ લીગની અધ્યક્ષતા હવે ગાંધીને સોંપી દેવામાં આવી હતી. ઑક્ટોબરમાં ગાંધીની પહેલ પર તેનું નામ 'સ્વરાજ્ય સભા' રાખવામાં આવ્યું."
"તેના બંધારણમાં પણ બદલાવ કરવામાં આવ્યો. તેમાં સામ્રાજ્યને આધીન સ્વશાસનની જગ્યાએ સ્વરાજ્ય હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું."
"ઝીણા વર્ષોથી આ સંગઠન સાથે જોડાયેલા હતા. તેઓ ઇચ્છતા હતા કે સામ્રાજ્ય આધીન સ્વશાસનની વાત રહેવા દેવામાં આવે."
ઝીણાએ ગાંધીજી પર આરોપ લગાવ્યો કે, "તેમની બેઠકમાં બંધારણને બદલવાનો તેમને કોઈ અધિકાર નથી."
ગાંધીજી ઝીણા સાથે સંમત નહોતા થયા.
ગાંધી 'સરમુખત્યાર' હોવાનો ઝીણાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
રાજમોહન ગાંધી લખે છે, "ઝીણાએ ગાંધી પર સરમુખત્યાર હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ ગાંધીજીના સુધારાનો વિરોધ કરનારા અન્ય 18 લોકો સાથે તેમણે પણ રાજીનામું ધરી દીધું."
ગાંધીએ ઝીણાને પત્ર લખ્યો અને કહ્યું કે તેમના રાજીનામાથી તેમને દુ:ખ થયું છે.
તેમણે લખ્યું, "રાજીનામા પર પુનર્વિચાર કરવા હું આપને આગ્રહ કરું છું. દેશની સામે આવેલી જવાબદારીઓમાંથી તમે તમારા ભાગમાં આવેલા કામને કરવાનું આમંત્રણ પાઠવું છું."
રાજમોહન ગાંધી તેમના પુસ્તકમાં નોંધે છે કે પોતાને કોઈ ભૂમિકા આપે તેવી ગાંધીની વાત ઝીણાને પસંદ નહોતી પડી.
તેમણે જવાબ આપ્યો, "દેશની સામે આવેલી જવાબદારીમાંથી પોતાના હિસ્સામાં આવેલા કામ કરવાના તમારા સૂચન બદલ આપનો આભાર. નવી જવાબદારીનો અર્થ જો તમારા કાર્યક્રમ હોય તો મને લાગે છે કે હું તેનો સ્વીકાર કરી શકું એમ નથી. તેનાથી બરબાદી જ થશે."
એ જ વર્ષે ડિસેમ્બરમાં નાગપુરમાં કૉંગ્રેસ અને લીગના અસહયોગના નિર્ણય પર અંતિમ મહોર લગાવવા માટે બોલાવાયેલા અધિવેશનમાં ફરી એક વખત ઝીણાએ ગાંધીનો વિરોધ કર્યો. મદનમોહન માલવિયાએ પણ ગાંધીનો વિરોધ કર્યો.
રાજમોહન ગાંધી લખે છે, "કૉંગ્રેસ અને દેશને પોતાના પક્ષે કરવાની હોડમાં લાગેલા ગાંધી અને ઝીણાએ નિશ્ચિત રૂપથી અલગ જ થવાનું હતું. ભલે બંને વચ્ચે હિંદુ-મુસ્લિમ એકતા જેવા વિચારો મળતા આવતા હતા."
મુસ્લિમોના પક્ષમાં ઝીણા

ઇમેજ સ્રોત, Getty Images
રાજમોહન ગાંધી લખે છે, "કદાચ તેમને અહેસાસ થઈ ગયો હતો કે તેમનું ભવિષ્ય મુસ્લિમ કોમ સાથે જ છે. તેમને ખબર હતી કે તેમણે ધારાસભામાં મુસ્લિમો માટેના ચૂંટણી ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમની પાસે ઉદારવાદ અને કોમ વચ્ચેની પસંદગી કરવાની હતી અને તેમણે કોમને પસંદ કરી."
જાન્યુઆરી, 1922માં જ્યારે ગાંધીનું આંદોલન ચરમસીમા પર હતું ત્યારે ઝીણાએ થોડા સમય માટે નેતા બનવાની ચાહ છોડી કેટલાક લોકો સાથે મળીને ગાંધી અને અંગ્રેજો વચ્ચે મેળાપ કરાવવાની કોશિશ પણ કરી હતી.
દરમિયાન મુસ્લિમ લીગે તેમને લાહોરના અધિવેશન માટે અધ્યક્ષપદ માટે આમંત્રણ આપ્યું. તેઓ દ્વિધામાં હતા.
હિંદુ-મુસ્લિમ એકતા માટે તેમણે કહ્યું, "હું કહું છું કે જે દિવસે હિંદુ-મુસ્લિમ એક થઈ જશે, હિંદુસ્તાનને ઉત્તરદાયી સરકાર હાંસલ થઈ જશે."
દરમિયાન જેલમાંથી છૂટેલા ગાંધીએ ઝીણાના આ નિવેદનનો પ્રત્યુત્તર આપ્યો.
તેમણે કહ્યું, "હું મિસ્ટર ઝીણાની વાતથી સહમત છું. હિંદુ-મુસ્લિમ એકતાનો અર્થ સ્વરાજ્ય છે."
વર્ષ 1925માં ધારાસભામાં ઝીણાએ કહ્યું હતું, "હું સૌથી પહેલા રાષ્ટ્રવાદી છું, ત્યારપછી પણ રાષ્ટ્રવાદી."
પરંતુ દેશમાં હિંદુ-મુસ્લિમ એકતા પર સંદેહ યથાવત્ હતો. ગાંધી અને ઝીણા ઘણી વખત આ મામલે યોજાયેલા એકતા સંમેલનમાં સાથે થયા પરંતુ આ મામલે કોઈ ઠોસ પરિણામ ન મળ્યું.
કૉંગ્રેસ હિંદુવાદી હોવાનો ઝીણાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
સરદાર પટેલ, આઝાદ અને નહેરુનું માનવું હતું કે ઝીણાનો સાથ મુશ્કેલ બનશે.
રાજમોહન ગાંધી લખે છે કે ગાંધી પણ ઝીણાને મહત્ત્વ નહોતા આપવા માગતા જે નહેરુ, સરદાર અને આઝાદના પ્રભાવને સમાપ્ત કરે.
તેઓ હંમેશાં કહેતાં કે ઇસ્લામનો પ્રચાર તલવારથી થયો એટલે નહીં પરંતુ તેની સાદગી, તર્કપૂર્ણ સંદેશ, તેમના પયગંબરની ઉચ્ચ નૈતિકતાને કારણે ઝડપથી ફેલાયો છે. તેઓ ઇસ્લામને દુનિયામાં શાંતિ, રાહત અને નવી રોશની લઈને આવનારો ધર્મ કહેતા હતા.
પરંતુ ગાંધી દ્વારા હિંદુ પ્રતીકો જેવા ઘણા શબ્દો, પ્રયોગો, વ્યહવારો ઝીણાને ખૂંચતા હતા. તેઓ તેમને હિંદુત્વનો પ્રચાર ગણાવતા રહેતા.
ઉદાહરણ તરીકે જોઈએ તો ગાંધીએ કરેલી 'રામરાજ્ય'ની પરિકલ્પનાને ઝીણા 'હિંદુ રાજ' સાથે સરખાવતા.
વરિષ્ઠ પત્રકાર અને લેખક એમ. જે. અકબર તેમના પુસ્તક 'ગાંધીઝ હિંદુઇઝમ- ધ સ્ટ્રગલ અગેઇન્સ્ટ ઝીણાઝ ઇસ્લામ' માં લખે છે, "ગાંધી શાંતિની વાતો કરે છે, પરંતુ તે એક વાણિયાનો દંભ છે. જેનો ઇરાદો મુસ્લિમોને સત્તાથી દૂર કરવાનો છે."
"જ્યારે તેમના આશ્રમોમાં પ્રાર્થનામાં સર્વધર્મ પ્રાર્થના થવા લાગી, કુરાનની આયાતો બોલાવા લાગી ત્યારે તેમના એક હિંદુ મિત્રે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે તેઓ હિંદુત્વને ખતમ કરી રહ્યા છે. ત્યારે તેમણે જવાબ આપ્યો- 'કુરાનના અભ્યાસથી હિંદુઓનું હૃદય પવિત્ર થશે'."
ગુણવંત શાહ લખે છે, "ગાંધીજીની ધાર્મિકતા, આત્મનિરીક્ષણની ટેવ, અહિંસા, સત્યથી રસાયેલી જીવનશૈલી, સાદાઈ તથા નમ્રતા ઝીણાની સમજમાં ઊતરે તે શક્ય નહોતું."
પ્રસિદ્ધ પત્રકાર અને લેખક લુઈ ફિશરની નોંધનો ઉલ્લેખ કરતા ગુણવંત શાહ લખે છે, "ખોજા મુસ્લિમો ફરી હિંદુ થવા માગતા હતા,પણ તેમ કરવામાં તેમને અવરોધો નડ્યા. તેને પરિણામે કદાચ ઝીણાના અચેતન મનમાં હિંદુઓ પ્રત્યે અણગમો રહેવા પામ્યો હોય."
તેઓ લખે છે, "હિંદુઓ જેવી ભાગાકારપ્રેમી પ્રજા જડવી મુશ્કેલ છે. વટલાયેલો માણસ પાછો હિંદુ થવા માગે તો તેને પાછો લેવામાં સનાતનીઓ આડે આવતા. આમ હિંદુઓએ બિનહિંદુઓને 'મલેચ્છ' ગણવાનું અને મુસ્લિમોએ હિંદુઓને 'કાફિર' કહેવાનું ચાલુ રાખ્યું. આવી ધાર્મિક મૂર્ખતાનો અંગ્રેજોએ ધરાઈને લાભ લીધો."
મિસ્ટર ઝીણા જ્યારે જનાબ ઝીણા બની ગયા

ઇમેજ સ્રોત, Getty Images
રાજમોહન ગાંધી લખે છે કે ઝીણાએ તેનો(અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ) 'ફાયદો' ઉઠાવ્યો.
"કૉંગ્રેસ દ્વારા સત્તા સંભાળવાની સાથે જ કેટલાક મહિનાઓ બાદ ઝીણાએ કહ્યું કે કૉંગ્રેસની કમિટિએ એ પ્રકારનો વ્યવહાર કરવાનો શરૂ કરી દીધો છે જાણે કે હિંદુ રાજ આવી ગયું હોય."
કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈ આવેલા મુસ્લિમ પ્રતિનિધિઓને ઝીણાએ 'પિઠ્ઠુ' કહ્યા.
"મિસ્ટર ઝીણા હવે જનાબ ઝીણા થઈ ગયા હતા," રાજમોહન ગાંધી નોંધે છે.
લખનૌમાં પહેલી વખત તેમણે કોટ-ટાઈ ત્યાગીને શેરવાની અને પાયજામો ધારણ કર્યો. તેઓ હિંદુસ્તાની મુસલમાનોના પોષાકમાં દેખાયા. તેમણે અહીં 'પૂરી આઝાદી'નો નારો આપ્યો.
ગાંધીજીએ ઝીણાને પત્ર લખ્યો, "લખનૌનું તમારું ભાષણ જંગના ઍલાન જેવું લાગ્યું."
ઝીણાએ જવાબ આપ્યો, "મને અફસોસ છે કે તમને જંગનું ઍલાન લાગે છે, આ આત્મરક્ષા છે."
ગાંધીએ ફરી લખ્યું, "તમારા ભાષણમાં મને તમારું જૂનું રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ દેખાતું નથી. શું તમે એ જ જૂના ઝીણા છો?"
ઝીણાએ લખ્યું, "હું એ વાત કહેવાનું પસંદ નહીં કરું કે લોકો તમારા વિશે 1915માં શું વિચારતા હતા અને આજે શું વિચારે છે."
માર્ચ, 1940માં મુસ્લિમ લીગના લાહોર સંમેલનમાં અલગ અને સાર્વભૌમ મુસ્લિમ દેશનો પ્રસ્તાવ કરાયો.
લાહોરમાં ઝીણાએ કહ્યું, "હિંદુ અને મુસ્લિમ ક્યારેય સંયુક્ત પણે રાષ્ટ્રીયતા વિકસિત નહીં કરી શકે."
તેમણે કૉંગ્રેસને હિંદુવાદી સંસ્થા ગણાવવામાં કોઈ કચાશ રાખી નહીં.
75 વર્ષની પાસે પહોંચેલા ગાંધી અને 68ની પાસે પહોંચેલા ઝીણાએ મુંબઈ સ્થિત મલાબાર હિલ્સના બંગલામાં 14 વખત મુલાકાત કરી. 1944ની આ વાતચીત નિષ્ફળ રહ્યા બાદ ગાંધીએ કહ્યું, "અમે એક મિત્રની માફક અલગ થયા છીએ. હું માનું છું કે મિસ્ટર ઝીણા એક સારા માણસ છે."
બીજી તરફ હિંદુ કટ્ટરવાદી નેતા પણ 'ગાંધીજીના ઝીણા તરફી ઝોક ધરાવતા' આ પ્રકારના વલણ સામે સખત નારાજ હતા.
તો કૉંગ્રેસમાંથી મૌલાના અબુલ કલામ આઝાદ માનતા હતા કે ગાંધી 'ભૂલ' કરી રહ્યા છે. જોકે, કેટલાકને બંને નેતાઓ વચ્ચે સમજૂતીની આશા પણ હતી. પરંતુ વાતચીત અસફળ રહી.
મુંબઈની વાતચીતના ત્રણ વર્ષ બાદ ઝીણાએ અલગ પાકિસ્તાન પ્રાપ્ત કરી લીધું. ભારતના ભાગલા બાદ થોડા મહિનાઓમાં જ પહેલા ગાંધી અને બાદમાં ઝીણાનું નિધન થઈ ગયું હતું.
ગાંધીજીને ગોળી મારનારા નાથૂરામ ગોડસેએ અદાલતમાં નિવેદન આપ્યું કે 'ગાંધીજી બાપૂ કહેવાતા હતા, વાસ્તવમાં તેઓ પાકિસ્તાનના બાપૂ હતા. તેમનો આંતરિક અવાજ, તેમની આધ્યાત્મિક શક્તિ, તેમનું દર્શન, એ બધું ઝીણા સામે પડી ભાંગ્યું.'
આ હિંદુ કટ્ટરપંથીઓની ગાંધીજી પ્રત્યેની 'ખીજ' હતી.
ગાંધીજીની હત્યા બાદ પણ ઝીણાએ તેમને શ્રદ્ધાંજલિ તો આપી પણ તેમાં તેમણે ગાંધીજીને 'હિંદુ નેતા' જ કહ્યા.
તેમણે ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, "હું ગાંધી પર હુમલો અને હત્યાનું કારણ જાણીને સ્તબ્ધ છું. અમારા મતભેદો અલગ જગ્યાએ છે પરંતુ તેઓ હિંદુઓમાં પેદા થયેલા મહાપુરુષોમાંથી એક હતા."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












