વિઠ્ઠલભાઈ પટેલ: 'સરકારને જંપવા ન દેવા માગતા' કેન્દ્રિય ધારાસભાના પ્રથમ ભારતીય અધ્યક્ષ

વિઠ્ઠલભાઈ પટેલ

ઇમેજ સ્રોત, PUNIT BARNALA/BBC

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે
લાલા લાઇન

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

લાલ લાઇન

સગવડ ખાતર સરદાર પટેલના મોટા ભાઈ તરીકે ઓળખી શકાય એવા વિઠ્ઠલભાઈ પટેલ આઝાદી પહેલાંની ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ- કેન્દ્રિય ધારાસભાના પહેલા ભારતીય અધ્યક્ષ હતા. અંગ્રેજ શાસન સામેની તેમની લડતનો રસ્તો અને પદ્ધતિ ગાંધીજી કરતાં જુદાં હોવા છતાં, એકથી વધુ વાર તે ગાંધીજી સાથે જોડાયા ને જેલવાસ પણ વેઠ્યો.

ગ્રે લાઇન

વકીલાતમાંથી જાહેર જીવનમાં

જાહેર જીવનમાં ક્યારેક સાથે, ક્યારેક સામેઃ વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ
ઇમેજ કૅપ્શન, જાહેર જીવનમાં ક્યારેક સાથે, ક્યારેક સામેઃ વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ

વલ્લભભાઈ કરતાં આશરે બે વર્ષ મોટા વિઠ્ઠલભાઈ નાના ભાઈના ‘વી.જે. પટેલ’ના નામે આવેલાં કાગળિયાં પર ઇંગ્લૅન્ડ ઊપડ્યા અને વર્ષ 1908માં બેરિસ્ટર થઈને પાછા આવ્યા, એ તેમના વિશેની સૌથી જાણીતી વાત. બેરિસ્ટર બનતાં પહેલાં તેમણે બોરસદમાં વકીલાત કરી હતી.

બંને પટેલભાઈઓની વકીલાતની બોરસદની કોર્ટમાં હાક વાગતી હતી. પરંતુ ધીમે ધીમે વિઠ્ઠલભાઈ જાહેર સેવાના ક્ષેત્ર ભણી આકર્ષાયા અને 1910માં પત્ની દિવાળીબહેનના અવસાન પછી તેમણે પૂરો સમય જાહેર કાર્યમાં આપવાનું નક્કી કર્યું અને તે માટે મુંબઈ પ્રાંતની ધારાસભામાં સભ્ય બનવાનું ધ્યેય રાખ્યું. અંગ્રેજી રાજના રિવાજ પ્રમાણે, ધારાસભામાં જતાં પહેલાં તાલુકા બોર્ડ અને ત્યાર પછી જિલ્લા બોર્ડમાં ચૂંટાવું પડે અને એ ચૂંટણી લડવા માટે ઉમેદવારના નામે મિલકત જોઈએ.

સંપત્તિની બાબતમાં વિઠ્ઠલભાઈ નિસ્પૃહ હતા, પણ તેમની શાખ એવી કે ઉમેદવારીની જરૂરિયાત પૂરી કરવા માટે એક મિત્રે બોરસદની પોતાની જમીન અને થોડાં ઘર વિઠ્ઠલભાઈના નામે કર્યાં. તેના થકી 1911માં તે તાલુકા અને જિલ્લા બોર્ડમાં ચૂંટાયા અને 1912માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા.

ગ્રે લાઇન

મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કામગીરી

કેન્દ્રીય ધારાસભાના પહેલા ભારતીય અધ્યક્ષ
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય ધારાસભાના પહેલા ભારતીય અધ્યક્ષ

ધારાસભાના સભ્યની રૂએ તે મુંબઈની બાંદ્રા મ્યુનિસિપાલિટીના અને થાણે ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડના નિયુક્ત સભ્ય બન્યા હતા. સ્થાનિક સંસ્થાઓની કામગીરીમાં તે ઊંડો રસ લેતા હતા. અસહકાર આંદોલન અને કૉંગ્રેસ સાથેની નિકટતાના પગલે વિઠ્ઠલભાઈએ મ્યુનિસિપાલિટીના નિયુક્ત સભ્ય અને ધારાસભાના ચૂંટાયેલા સભ્ય તરીકે રાજીનામું આપી દીધું, પણ સ્થાનિક કામગીરી પ્રત્યેના તેમના ખેંચાણ અને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જવા સામે કૉંગ્રેસમાં બાધ ન હોવાને કારણે, તેમણે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ઉમેદવારી નોંધાવી.

એક સ્થાનિક મિત્રે પોતાની કાર વિઠ્ઠલભાઈના નામે કરીને, તેમને વાહનવેરો ભરતા બતાવ્યા. એટલે તે મતદાર તરીકે અને ઉમેદવારી કરવા માટે લાયક બન્યા અને ચૂંટાઈને 1922માં તેના સભ્ય પણ બન્યા. ત્યાં તેમણે મ્યુનિસિપલ નેશનલિસ્ટ પક્ષની સ્થાપના કરી, જેમાં બીજા કેટલાક નેતાઓ જોડાયા. મુંબઈ કૉર્પોરેશનની શાળાસમિતિના અધ્યક્ષ તરીકે તેમણે શાળાઓના નિયમિત ઇન્સ્પેક્શનની પ્રથા શરૂ કરાવી અને એક શિક્ષક દીઠ વિદ્યાર્થીઓના પ્રમાણ પણ સ્થાપિત કર્યું. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી તેમણે સરકારની નારાજગીની પરવા કર્યા વિના, કૉર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે ગાંધીજીને માનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો. સાથોસાથ, વાઇસરોય લોર્ડ રીડિગની મુંબઈ મુલાકાત વખતે તેમના કાર્યક્રમોનો બહિષ્કાર કર્યો.

આ મુદ્દે સરકારી સભ્યોએ વિઠ્ઠલભાઈ વિરુદ્ધ ઠરાવ કરતાં, તેમણે પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું અને સભ્ય તરીકે ચાલુ રહ્યા. પછીથી સભ્યોને પોતાની ભૂલ સમજાતાં તેમણે ફરી (1925માં) વિઠ્ઠલભાઈને પ્રમુખપદે ચૂંટી કાઢ્‌યા. ત્યારે ચૂંટાયેલા સભ્યો પાસે વાસ્તવિક સત્તાઓ નહીંવત્‌ હતી. છતાં, સરકારને જંપ ન વળવો જોઈએ, એવી નીતિમાં વિઠ્ઠલભાઈ માનતા હતા. તેમણે કહ્યું હતું, ‘મને પ્રેમથી જીતતાં આવડતું નથી કે હું મહાત્મા પણ નથી. હું તો સામાને ગૂંચવી, ઘેરી અને પછીથી હેરાન કરવાવાળો માણસ છું... સરકારને સુખેથી સૂવા દેવી નહીં એ ધર્મમાં હું માનનારો છું.’

ગ્રે લાઇન

દલિતોના હિત માટેના પ્રયાસ

કેન્દ્રીય ધારાસભાના અધ્યક્ષ તરીકેના લેટરહેડ પર શિમલાથી વિઠ્ઠલભાઈએ લખેલો પત્ર
ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય ધારાસભાના અધ્યક્ષ તરીકેના લેટરહેડ પર શિમલાથી વિઠ્ઠલભાઈએ લખેલો પત્ર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિઠ્ઠલભાઈનું સામાજિક વલણ અને વિશાળ દૃષ્ટિ નોંધપાત્ર હતાં. ‘મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ’ની વાત તેમણે 1916માં કરી હતી. તેમના સતત પ્રયાસો પછી 1917માં મુંબઈ ધારાસભામાં એ ખરડો રજૂ થયો. (જોકે એ પસાર થઈ શક્યો નહીં.)

ગોધરામાં પહેલી રાજકીય પરિષદ ભરાઈ, ત્યારે છેલ્લા દિવસે ઠક્કરબાપા-મામાસાહેબ ફડકેના પ્રયાસોથી દલિત મહોલ્લામાં સભા યોજાઈ હતી. તેનું શરમજનક-કરુણ વર્ણન કરતાં ઇન્દુલાલ યાજ્ઞિકે લખ્યું છે કે પોતાના મહોલ્લામાં આવનારા મોટા બિનદલિત નેતાઓ અભડાઈ ન જાય એટલા માટે દલિતો પત્નીબાળકો સાથે છાપરે ચડી ગયા હતા. ઠક્કરબાપાની સમજાવટ પછી એ માંડ નીચે ઊતરીને સભામાં આવ્યા. ત્યાર પછીની પરિષદ નડિયાદમાં (1918માં) ભરાઈ ત્યારે ગાંધીજી બીમાર હતા. તેના પ્રમુખપદેથી વિઠ્ઠલભાઈએ ધારાસભામાં દલિતો માટે અનામત બેઠકો રાખવાની સરકારને ભલામણ કરી હતી.

ગોધરાની પરંપરા ચાલુ રાખીને નડિયાદમાં વિઠ્ઠલભાઈએ દલિતોને સભામાં સામેલ કરવાનું નક્કી કર્યું. ગોધરામાં દલિત મહોલ્લામાં સભા ભરવામાં આવી હતી, પણ વિઠ્ઠલભાઈ એક ડગલું આગળ વધ્યા. ઇન્દુલાલ યાજ્ઞિકની નોંધ પ્રમાણે, નડિયાદમાં વિઠ્ઠલભાઈએ સભાના મુખ્ય મંડપમાં જ દલિતોની સભા કરી. ‘આ લોકોને ક્યાં ઘાલ્યા? મંડપ અભડાવી માર્યો’ એવી ટીકાઓથી ડગ્યા વિના તેમણે સફળતાથી સભા પાર પાડી. એ પરિષદમાં ઉઘરાવેલા ફાળામાંથી નડિયાદમાં દલિતો માટેની પહેલી શાળા મરીડા ભાગોળે શરૂ થઈ.

ગ્રે લાઇન

ગાંધીજી-વલ્લભભાઈની સાથે અને સામે

વિઠ્ઠલભાઈ

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીજીએ 1921માં પૂરા જોશ સાથે અસહકારની ચળવળ ઉપાડી, ત્યારે સત્યાગ્રહનો આરંભ બારડોલીથી કરવાનું નક્કી થયું. ત્યાંના ખેડૂતો લડત માટે તૈયાર છે કે નહીં, તેનો અંદાજ કાઢવા માટે ગાંધીજી વતી વિઠ્ઠલભાઈ બારડોલી જઈને રહ્યા અને ઝીણામાં ઝીણી વિગતો જાણી. ત્યાર પછી સત્યાગ્રહના ઠરાવ માટે બોલાવાયેલી બારડોલી તાલુકા પરિષદ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ હતા. સિલસિલાબંધ હિંસાના અંતે ચૌરાચૌરીના બનાવ પછી ગાંધીજીએ સત્યાગ્રહ મોકૂફ રાખવાની જાહેરાત કરી ત્યારે વિઠ્ઠલભાઈએ તેની ટીકા કરી હતી.

વિઠ્ઠલભાઈ વયમાં ગાંધીજી કરતાં ચાર વર્ષ નાના હોવા છતાં, જાહેર જીવનમાં તેમની ગણતરી ગાંધીજીની આગલી પેઢીના મોતીલાલ નેહરુ, ચિત્તરંજન દાસ જેવા નેતાઓની સાથે થતી હતી. ધારાસભા કે બીજાં સરકારી માળખાંમાં પ્રવેશીને સરકારને લડત આપવાના વલણને કારણે ગાંધીજી સાથે વિઠ્ઠલભાઈનો પાટો બહુ બેસતો નહીં. લડતના મામલે ગાંધીજીના પૂરેપૂરા અનુયાયી વલ્લભભાઈ મોટા ભાઈની આમન્યા રાખવા છતાં, પોતાનો રાજકીય વિરોધ સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરતા હતા.

આ પ્રકારના મતભેદ છતાં 1927માં ગુજરાતમાં ભારે પૂર આવ્યું ત્યારે વિઠ્ઠલભાઈએ પોતાના નામથી રાહતફંડ શરૂ કર્યું અને દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભાના પ્રમુખ જેવા મોભાદાર હોદ્દાનો રૂઆબ બાજુ પર મૂકીને રાહત કામગીરી માટે ગુજરાત આવી ગયા. એટલું જ નહીં, ગુજરાતની કૉંગ્રેસ સમિતિના પ્રમુખ વલ્લભભાઈના હાથ નીચે પોતે સ્વયંસેવક તરીકે કામ કરશે એવી જાહેરાત પણ કરી. મહેમદાવાદ તાલુકાનું હંતાવા ગામ આખું તારાજ થઈ ગયું હતું. ગાંધીજીના નિકટના સાથી-આશ્રમવાસી મગનલાલ ગાંધીએ તેને નવેસરથી આદર્શ ઢબે બાંધવાની યોજના કરી, ત્યારે તેનું ખાતમુહૂર્ત વિઠ્ઠલભાઈના હાથે કરાવવામાં આવ્યું હતું. ત્યારથી એ ગામનું નવું નામ પડ્યું વિઠ્ઠલપુર (કે વિઠ્ઠલપુરા).

ગ્રે લાઇન

અધ્યક્ષપદેથી સ્વતંત્ર મિજાજના પરચા

વિઠ્ઠલભાઈના જીવનના બે તબક્કાઃ બેરિસ્ટર અને લોકનેતા
ઇમેજ કૅપ્શન, વિઠ્ઠલભાઈના જીવનના બે તબક્કાઃ બેરિસ્ટર અને લોકનેતા

(આજની સંસદ જેવી) કેન્દ્રિય ધારાસભામાં પહેલી વાર તે 1918માં ચૂંટાયા ત્યારે 1919માં પુછાયેલા કુલ 314 પ્રશ્નોમાંથી 62 પ્રશ્નો વિઠ્ઠલભાઈના હતા. તેમના પ્રયાસોથી જ સરકારે જાહેર આરોગ્ય માટે એક ફંડની જોગવાઈ કરી. તેની રકમ નાની (પાંચેક લાખ રૂપિયા જેટલી) હતી, પણ તેનું મૂલ્ય મોટું હતું.

કેન્દ્રિય ધારાસભાના અધ્યક્ષ તરીકે તે લાગલગાટ બે વાર, 1925માં અને 1927માં, ચૂંટાયા. આ હોદ્દે ચૂંટાનાર તે પહેલા ભારતીય હતા. તેમનો આગ્રહ હતો કે ભારત ભલે ગુલામ હોય, પણ તેની સંસદ અને સંસદીય પરંપરાઓ બ્રિટનની સમકક્ષ હોવી જોઈએ. સંસદના અધ્યક્ષનું સ્થાન સર્વોપરી છે એ વિઠ્ઠલભાઈએ પહેલા હિદી પ્રમુખ તરીકે સ્થાપિત કરી આપ્યું.

સત્રના આરંભે વાઇસરોય બંને ગૃહોના સભ્યોને સંબોધે ત્યારે ગૃહોના અધ્યક્ષો બીજા સભ્યો સાથે બેસે એવો રિવાજ હતો. વિઠ્ઠલભાઈએ સરકાર સામે ઝઝૂમીને, અધ્યક્ષપદની સર્વોપરિતા ટાંકીને ધરાર પોતાની ખુરશીની બાજુમાં વાઇસરોયની ખુરશી મુકાવી. સંસદનું સચિવાલય પહેલાં સરકારી- કાનૂન મંત્રાલયનો ભાગ હતું. સરકાર સંસદની કામગીરીમાં દખલ ન કરી શકે એ હેતુથી વિઠ્ઠલભાઈએ અધ્યક્ષ તરીકે સંસદનું સેક્રેટરીએટ અલગ અને સ્વતંત્ર હોય એવું કરાવ્યું. એવી જ રીતે, સંસદના અધ્યક્ષને જવાબદાર હોય એવા સુરક્ષાદળની રચના પણ તેમણે પોતાના અધ્યક્ષપદ દરમિયાન કરાવી. આ બંને પરંપરાઓ હજુ ચાલે છે.

એક વખત વિવાદાસ્પદ અને લોકોની સ્વતંત્રતા પર તરાપ મારનાર ખરડા પર સંસદમાં મતદાનનો પ્રસંગ આવ્યો ત્યારે બંને પક્ષે સરખા મત પડ્યા. અધ્યક્ષ તરીકે વિઠ્ઠલભાઈનો નિર્ણાયક (કાસ્ટિંગ) મત કઈ તરફ પડે છે, તેની પર બધો આધાર હતો. એ વખતે તેમણે સરકારી ખરડાની વિરુદ્ધમાં મત આપ્યો અને એ મતલબની રજૂઆત કરી કે કાયદામાં અસાધારણ સુધારો કરવો હોય ત્યારે ગૃહમાંથી બહુમતી મેળવવી જરૂરી છે. એ ન મળે તો અધ્યક્ષના મતની અપેક્ષા રાખી શકાય નહીં.

ગ્રે લાઇન

સંઘર્ષ, બીમારી અને વિદાય

1928નો બારડોલી સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે વિઠ્ઠલભાઈ કેન્દ્રીય ધારાસભાના અધ્યક્ષ હોવા છતાં, લડત માટે તેમણે દર મહિને રૂ. એક હજાર જેવી માતબર રકમ આપવાની જાહેરાત કરી હતી. તેમની આ ચેષ્ટાને કારણે, ધારાસભામાં તેમને પ્રમુખપદેથી દૂર કરવા જોઈએ એવો પણ ચણભણાટ થયો હતો. દાંડીકૂચ પછી ધારાસભાના અધ્યક્ષપદેથી તેમણે રાજીનામું આપ્યું. ત્યાર પછી કૉંગ્રેસની કારોબારીમાં તેમને સમાવવામાં આવ્યા અને થોડા મહિનામાં બીજા નેતાઓ સાથે તેમની ધરપકડ થઈ. ત્યારે તેમણે એ મતલબનું કહ્યું હતું કે બ્રિટનમાં ગૃહનો અધ્યક્ષ નિવૃત્ત થાય પછી તેને ઉમરાવપદ મળે છે અને ભારતમાં જેલ.

બે વાર ધરપકડ, બીમારી, સારવાર માટે વિદેશપ્રવાસ, ત્યાં પણ ભારતની પરિસ્થિતિ વિશે સાચી માહિતી આપતાં વ્યાખ્યાનોની હારમાળા, આ બધાને અંતે તેમના છેલ્લા દિવસો જીનીવા નજીક આવેલા એક ક્લિનિકમાં વીત્યા. એ વખતે દેશવટો ભોગવી રહેલા સુભાષચંદ્રે બોઝે વિઠ્ઠલભાઈની ઘણી સેવા કરી. ઑક્ટોબર 22, 1933ના રોજ સાઠ વર્ષની વયે તેમનું અવસાન થયું.

વિઠ્ઠલભાઈનો દેહ જે કૉફિનમાં ભારત લવાયો હતો, તે કૉફિન વલ્લભભાઈ-વિઠ્ઠલભાઈના કરમસદમાં આવેલા સ્મારકમાં સચવાયેલું છે. ઉપરાંત ગોરધનભાઈ પટેલે લખેલી વિઠ્ઠલભાઈની પૂરા કદની જીવનકથા અંગ્રેજીમાં બે ભાગમાં પ્રગટ થઈ હતી. ગુજરાત વિધાનસભાનું મકાન ‘વિઠ્ઠલભાઈ પટેલ ભવન’ જેવું નામકરણ પામ્યું છે. છતાં, વર્તમાન સમયમાં વિઠ્ઠલભાઈનું નામ ‘સરદારના મોટા ભાઈ’ તરીકેની ઓળખ સિવાય બીજાં કોઈ સ્પંદનો જન્માવતું નથી.

રેડ લાઇન
રેડ લાઇન