બહેરામજી મલબારી : આંતરરાષ્ટ્રીય પ્રશંસા પામનાર સુધારક યુગના અંગ્રેજી પત્રકાર-સમાજસુધારક

- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

પારસી છાંટ વગરની, સાક્ષરી ગુજરાતીમાં લખનાર પહેલા પારસી તરીકે બહેરામજી મલબારીનું નામ લેવાય છે. તેમની ગુજરાતી કવિતાઓની પ્રશંસા દલપતરામ અને રણછોડભાઈ ઉદયરામ જેવા ગુજરાતી સર્જકોએ કરી. અંગ્રેજ કવિ ટેનિસન અને સંસ્કૃતના અભ્યાસી મેક્સમુલર જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ તેમની અંગ્રેજી કવિતાઓ વખાણી. આ ઉપરાંત પત્રકારત્વ-લેખનમાં લાંબી કારકિર્દી છતાં તેમની પહેલી ઓળખ સમાજસુધારક તરીકેની રહી.
અડધા જીવનનું આખું ચરિત્ર

મલબારીના જીવનચરિત્રની પહેલી આવૃત્તિ વર્ષ 1888માં પ્રગટ થઈ, ત્યારે તેમની ઉંમર ફક્ત 35 વર્ષ હતી. તેમના ચરિત્રલેખક દયારામ ગીદુમલે 120 પાનાંમાં મલબારીના જીવનની વિગતો આવરી લીધી. બીજાં 329 પાનાંમાં તેમનાં પસંદ કરેલાં અંગ્રેજી લખાણ અને ભાષણ સમાવવામાં આવ્યાં.
‘ધ લાઇફ ઍન્ડ લાઇફ-વર્ક ઑફ બહેરામજી મલબારી’—એ નામે પ્રકાશિત દળદાર ગ્રંથની પહેલી આવૃત્તિ મુંબઈમાં છપાઈ. તે રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી અને કેશવચંદ્ર સેન જેવા સમાજસુધારકોને અર્પણ કરવામાં આવી હતી. ચાર જ વર્ષમાં તે પુસ્તકની બીજી આવૃત્તિ થઈ, જે લંડનથી બહાર પડી.
બીજી આવૃત્તિમાં પરિચય-લખાણ આધુનિક નર્સિંગનાં પ્રણેતા અને સમાજસુધારક-લેખિકા ફ્લોરેન્સ નાઇટિન્ગલે લખ્યું હતું. એ ત્યારે 72 વર્ષનાં હતાં. બાળલગ્નો સામે મલબારીની ઝુંબેશનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે ભારતીય મહિલાઓનો ઉદ્ધાર ભણેલીગણેલી ભારતીય સ્ત્રીઓ જ કરી શકે, પણ અંગ્રેજ મહિલાઓએ તે કામમાં ભારતીય સ્ત્રીઓની મદદ અને મજબૂતી પૂરાં પાડવાં જોઈએ.

કરુણ સંઘર્ષ પછી સર્જનની શરૂઆત

વડોદરામાં 1853માં જન્મેલા બહેરામજી મલબારીનું બાળપણ ગરીબીમાં અને ઉપરાઉપરી આઘાતોમાં વીત્યું. પિતા ધનજીભાઈ મહેતાનું મૃત્યુ થયું ત્યારે તે માંડ પાંચ વર્ષના હતા. માતા ભીખીબાઈએ તેમના પિયર સુરતમાં મલબારી ચંદનના વેપારી એવા મહેરવાનજી સાથે લગ્ન કર્યું. સાવકા પિતાને કારણે બહેરામજી પણ ‘મલબારી’ બન્યા અને જાહેર જીવનમાં એ જ અટકથી ઓળખાયા.
બાર વર્ષની વયે માતાનું અવસાન મલબારી માટે મોટો ફટકો બનીને આવ્યું. પણ તે હિંમત હાર્યા નહીં. શિક્ષકોના મારથી કંટાળીને થોડી સ્કૂલો બદલીને તે સુરતની આઇરીશ મિશન સ્કૂલમાં દાખલ થયા. ત્યાં સ્નેહાળ ફાધર ડિક્સનના માર્ગદર્શન તળે તેમનો અભ્યાસ આગળ ચાલ્યો. ગુજરાતીની સાથોસાથ અંગ્રેજીમાં પણ પ્રભુત્વ મેળવ્યું. ગણિત કાચું એટલે મેટ્રિકમાં ત્રણ વાર નાપાસ થયા અને છેવટે સુરતથી મુંબઈ ગયા પછી 1871માં મેટ્રિક થયા. ત્યાર પહેલાં ભાષા પરના કાબૂને કારણે, શિક્ષક તરીકેની તેમની નોકરી શરૂ થઈ ચૂકી હતી.
આવક શરૂ થઈ, આફતના પડાહ હટ્યા, લગ્ન થયું અને મલબારી જીવનમાં ઠર્યા. દરમિયાન, તેમનો પરિચય ગુજરાતીનું પહેલું વ્યાકરણ તૈયાર કરનાર રેવરન્ડ જોસેફ ટેલર સાથે થયો. મલબારીએ પોતાની ગુજરાતી કવિતાઓ રેવ. ટેલરને બતાવી. ટેલરને તે પસંદ પડતાં, તેમણે મલબારીનો પરિચય બીજા એક શિક્ષણશાસ્ત્રી-ભાષાશાસ્ત્રી ડૉ. જોન વિલ્સન સાથે કરાવ્યો. તેમને પણ કવિતાઓ ગમી. તેમણે કવિતાના સંગ્રહ માટે નામ સૂચવ્યું ‘નીતિવિનોદ’. તે સંગ્રહ 1875માં પ્રગટ થયો, ત્યારે ગુજરાતી-અંગ્રેજી અખબારો-સામયિકો અને વિદ્વાનોએ મલબારીની કાવ્યશક્તિની પ્રશંસા કરી. ત્યારે મલબારીની ઉંમર 22 વર્ષ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

આંતરરાષ્ટ્રીય પ્રશંસા મેળવનારાં સર્જનો

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મલબારીનો બીજો કાવ્યસંગ્રહ અંગ્રેજીમાં હતોઃ The Indian Muse in English Garb (1876). તેમાં કુલ 32 કવિતાઓ હતી. તેની પ્રશંસા કરતાં વિખ્યાત અંગ્રેજ કવિ ટેનિસને તેમને એક પત્રમાં લખ્યું હતું. ‘તમારું પુસ્તક રસપ્રદ છે અને તમે કેટલી સારી રીતે અંગ્રેજી વેશમાં કામ પાર પાડ્યું છે એ જોવાનું વધારે રસપ્રદ છે. કાશ, માતૃભાષામાં લખાયેલાં તમારાં કાવ્યો હું વાંચી શક્યો હોત.’ (16-5-1878)
મલબારીની અંગ્રેજી કવિતાઓમાં ભાવ ઉપરાંત સુધારક મનોવૃત્તિ પણ આવી જતી હતી. તેમની એક કવિતાનું શીર્ષક હતું Nature Triumphant Over Caste (નાતજાતના ભેદભાવ પર કુદરતની જીત). તેમાં રસ્તે ટળવળતા એક દલિત બાળકને બીજું કોઈ અડકતું નથી, ત્યારે એક યુવાન હિંદુ વિધવા માતામાં માતૃત્વ ઉભરાય છે અને લોકોની પરવા કર્યા વિના તે બાળકને દૂધ પીવડાવે છે.
જર્મન અભ્યાસી પ્રો. મેક્સમૂલરે પણ આ કાવ્યસંગ્રહને આવકાર આપતાં લખ્યું હતું ‘તમે અંગ્રેજીમાં કવિતા લખી શક્યા, એ બહુ મોટી વાત છે. તમારી જેમ મારા માટે અંગ્રેજી અપનાવેલી ભાષા છે, પણ મેં કદી ગદ્યથી આગળ વધવાનો પ્રયાસ કર્યો નથી...આપણે અંગ્રેજી ગદ્ય લખીએ કે પદ્ય, એના થકી નિતાંત ભારતીય કે જર્મન વિચારો રજૂ કરીને જ આપણે સાચી સેવા કરી શકીશું, એ આપણે ન ભૂલીએ...જે પંક્તિઓમાં તમે સાચા ભારતીય જેવી લાગણી વ્યક્ત કરી છે અને ભારતીયની જેમ બોલ્યા છો, તેમાં તમારી વાણી સાચા કવિ જેવી લાગી છે...’ (30-6-1878) મેક્સમૂલરનાં વેદો અને દુનિયાના ધર્મોને લગતાં વ્યાખ્યાનોના ગુજરાતી ઉપરાંત હિંદી, મરાઠી, બંગાળી અને તમિલ અનુવાદો મલબારીએ જહેમતપૂર્વક પ્રકાશિત કરાવ્યા. ગુજરાતી અનુવાદ તેમણે પોતે એક મિત્રના સહયોગથી પાર પાડ્યો.

સુધારક યુગના અંગ્રેજી પત્રકાર-લેખક

કવિતાઓ દ્વારા અંગ્રેજી વર્તુળમાં ખ્યાતિ થયા પછી સર કાવસજી જહાંગીરે મલબારીનો પરિચય ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના તત્કાલીન તંત્રી માર્ટિન વૂડ સાથે કરાવ્યો. વૂડે તેમને પત્રકારત્વના પ્રાથમિક પાઠ શીખવ્યા અને મોકળું મેદાન પણ આપ્યું. મલબારીને તે માધ્યમ સામાજિક જાગૃતિ માટે ઉત્તમ લાગતાં, તેમણે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં સામાજિક અને ધાર્મિક વિષયો પર અનેક લેખ લખ્યા.
એ અરસામાં કેટલાક યુવાનોએ ‘ઇન્ડિયન સ્પેક્ટેટર’ સાપ્તાહિક શરૂ કર્યું. મલબારીએ તેમાં લખવા લાગ્યા, થોડા વખત પછી તેના સહતંત્રી બન્યા અને ડચકા ખાતાં ‘ઇન્ડિયન સ્પેક્ટેટર’ને વર્ષ 1880માં તેમણે ખરીદી લીધું. ત્યારે તેના માંડ 50 ગ્રાહક હતા, પણ બહેરામજીએ રૂપિયા ઉછીના લઈને છાપું ટકાવ્યું અને તેનાં વ્યાજ ભરવા માટે ઘરેણાં વેચ્યાં. તેમનાં પત્ની ધનબાઈ પણ પતિની પડખે રહ્યાં.
અખબારને લગતી પહેલેથી છેલ્લે સુધીની કામગીરી- લેખન, સંપાદન, પ્રૂફ રીડિંગ, પોસ્ટિંગ, વિતરણ અને વેચાણ- બહેરામજી જાતે કરતા હતા. ‘ઇન્ડિયન સ્પેક્ટેટર’નો નવો અંક છપાઈને તૈયાર થઈ જાય, એટલે ખુદ બહેરામજી ઘોડાગાડીમાં બેસીને પેપરની નકલો પહોંચાડવા અને વેચવા ઉપડી જતા હતા. તેમના પ્રયાસથી ‘ઇન્ડિયન સ્પેક્ટેટર’ અગ્રણી અખબાર બન્યું. તે ગવર્નર અને વાઇસરૉયથી માંડીને અંગ્રેજી વાંચતા દેશીઓ સુધી બધે પહોંચતું થયું. ધીમે ધીમે તેને આર્થિક સહયોગ પણ મળવા લાગ્યો અને આર્થિક પ્રશ્ન ઉકલી ગયો. મલબારીએ વર્ષ 1901થી થોડા સમય માટે ‘ઇસ્ટ ઍન્ડ વેસ્ટ’ માસિકનું સંપાદન પણ કર્યું હતું. તેમની ઇચ્છા ગુજરાતીમાં એક દૈનિક કાઢવાની હતી, પણ એ શક્ય બન્યું નહીં.

ગુજરાત અને ગુજરાતીઓ વિશેનું અંગ્રેજી પુસ્તક

અંગ્રેજીમાં વ્યાપક સ્વીકૃતિ અને ખ્યાતિ મેળવ્યા પછી પણ મલબારીએ ગુજરાતીમાં લખવાનું ચાલુ રાખ્યું દરમિયાન, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’નું તંત્રીપદું છોડ્યા પછી માર્ટિન વૂડે ‘ધ બોમ્બે રીવ્યુ’ નામનું અઠવાડિક શરૂ કર્યું હતું. તેના માટે વૂડે મલબારીને ગુજરાત-સૌરાષ્ટ્રનો પ્રવાસ કરીને જાતઅનુભવના આધારે જનજીવન અને લોકો વિશે એક લેખમાળા લખવાનું સોંપ્યું. તેમની એ શ્રેણીનાં લખાણો પ્રશંસા પામ્યાં. એટલે લંડનના એક પ્રકાશકે તેને પુસ્તકના સ્વરૂપમાં, ચિત્રો સાથે પ્રસિદ્ધ કર્યાં. તે પુસ્તક એટલે ‘ગુજરાત ઍન્ડ ધ ગુજરાતીઝ’- પિક્ચર્સ ઍફ મૅન ઍન્ડ મેનર્સ ટેકન ફ્રૉમ લાઇફ.’
બે જ વર્ષમાં એ પુસ્તકની બીજી આવૃત્તિ મુંબઈથી પ્રસિદ્ધ થઈ. તેમાં નવાં પાંચ પ્રકરણ ઉમેરવામાં આવ્યાં. પુસ્તકનાં 29 પ્રકરણોમાં હિંદુ, મોમેડન, પારસી, વોરા, મારવાડી, વાળંદ, વકીલ, સ્મોલ કોઝ કોર્ટનાં દૃશ્યોથી માંડીને ‘નેટિવ એબ્યુઝ’ (ગાળો) અને ‘હોમલાઇફ ઇન ગુજરાત’ ઉપરાંત રામાયણ, બળેવ, શ્રાવણ માસ, મોહરમ, હોળી જેવા તહેવારો વિશે મલબારીએ હળવાશપૂર્વક શબ્દચિત્રો આલેખ્યાં હતાં.
યુરોપની મુસાફરી પછી તેમણે ‘The Indian Eye on English Life’ નામે પુસ્તક લખ્યું, જેમાં એક ભારતીયના દૃષ્ટિકોણથી યુરોપના જીવનનો ખ્યાલ આપ્યો. તેમનાં ગુજરાતી કવિતાનાં બે પુસ્તક ‘અનુભવિકા’ અને ‘સ્મરિકા’ તથા ફારસી શૈલીમાં લખાયેલાં બે પુસ્તક ‘સરોદ-એ-ઇત્તિફાક’ તથા ‘આદમી અને તેની દુનિયા’ પણ પ્રકાશિત થયાં.

દેશવ્યાપી સુધારક પ્રવૃત્તિ
કરસનદાસ મૂળજી અને નર્મદ જેવા સુધારાયુગના અગ્રણીઓની જેમ મલબારીએ પણ તે સમયના વૈષ્ણવ મહારાજોની લીલા વિશે નર્મમર્મયુક્ત ટિપ્પણીઓ કરી હતી. તેમણે લખ્યું હતું કે ‘કરવેરા નાખવામાં વૈષ્ણવ મહારાજોની મૌલિકતા સામે ભારતના નાણામંત્રી શિખાઉ લાગે.’ વિષ્ણુના વારસદાર ને તેમના અવતાર ગણાતા વૈષ્ણવ મહારાજોનું આખું ‘ભાવપત્રક’ તેમણે આપ્યું હતું. જેમ કે, દર્શનના રૂ.5, ચરણસ્પર્શના રૂ.20, મહારાજના ચરણ પખાળવાના (પગ ધોવાના) રૂ.35... મહારાજની વાતના અંતે તેમણે લખ્યું હતું, ‘દિવ્ય અવતાર ગણાતા આ મહારાજો પણ વહેલા કે મોડા મૃત્યુ પામે છે. આ એકમાત્ર રીતે સમાજની સેવા કરવા બદલ આપણે તેમનો આભાર માનવો જોઈએ.’
બાળલગ્નો અને તેના પરિણામે સર્જાતી બાળવિધવાઓની કરુણ સ્થિતિ અંગે મલબારી ઊંડો ખેદ અનુભવતા હતા. તેના વિરોધમાં લોકમત જાગ્રત કરવા અને એ કામમાં બીજા લોકોની મદદ મેળવવા માટે તે ભારતભરમાં ફર્યા, યુરોપમાં પણ ગયા. ભારતનાં ઘણાં શહેરોમાં તેમણે સભાઓ કરી, વક્તવ્યો આપ્યાં. અખબારોમાં પણ તેમનાં લખાણ-અભિપ્રાય ઉપર ઘણી ચર્ચા થતી હતી. પરંતુ અંગ્રેજ સરકાર રૂઢિચુસ્ત પરંપરાવાદીઓને છંછેડવા માગતી ન હતી. એટલે મલબારીની કામગીરીનાં ધાર્યાં કાયદાકીય પરિણામ ન મળ્યાં.
સમાજસુધારા ઉપરાંત કુદરતી આફતો વખતે ઉત્સાહપૂર્વક રાહતકાર્યમાં જોડાઈ જનારા મલબારીનું 1912માં શિમલામાં અવસાન થયું. દલપતરામ અને નર્મદ જેવા ઓગણીસમી સદીના પ્રમુખ કવિઓ પોતપોતાની રીતે સુધારક અને અમુક અર્થમાં પત્રકાર પણ હતા. આવી ત્રેવડી પ્રતિભા ધરાવતા અને વધારામાં અંગ્રેજી લેખનમાં પ્રતિષ્ઠા પામ્યા પછી પણ બહેરામજી મલબારીનું નામ લગભગ ભૂંસાઈ ગયું છે.














