ગાંધીજીએ જેમને 'માતૃત્વમૂર્તિ' કહી બિરદાવ્યાં એ ગુજરાતનાં પ્રથમ સ્ત્રી સ્નાતક શારદાબહેન મહેતા કોણ હતાં?

- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.

દાયકાઓ સુધી ગુજરાતના જાહેર જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવનારાં શારદાબહેન મહેતાને ગાંધીજીએ એવાં માતૃત્વમૂર્તિ ગણાવ્યાં હતાં, જેમના પેટે જન્મ લેવાનું મન થાય.
શારદાબહેને 1938માં લખેલી આત્મકથા ‘જીવન સંભારણાં’ ગુજરાતીમાં કોઈ સ્ત્રીએ લખેલી-પ્રકાશિત થયેલી સંભવતઃ પહેલી આત્મકથા છે. વિદ્યાગૌરી (નીલકંઠ) અને તેમનાથી પાંચ-છ વર્ષ નાનાં બહેન શારદાબહેન 1901માં બી.એ. પાસ થઈને ગુજરાતનાં પ્રથમ બે મહિલા ગ્રૅજ્યુએટ બન્યાં.

બી.એ. સુધીની વિઘ્નદોડ

ઇમેજ સ્રોત, Jeevan Sambharana Book
આશરે સવા સો વર્ષ પહેલાંના એ સમયમાં, 19 વર્ષ જેટલી ‘મોટી’ ઉંમર સુધી છોકરી કુંવારી હોય એવું ન બને. છોકરીઓનાં લગ્ન ત્યારે દસ-બાર વર્ષે અચૂક થઈ જતાં.
સરખામણીમાં વર્ષ 1882માં જન્મેલાં શારદાબહેનનું લગ્ન થોડું મોડું, સોળ વર્ષની વયે, સુમંત મહેતા સાથે થયું.
પિતા ગોપીલાલ ધ્રુવ અને માતા બાળાબહેન દિવેટિયા પ્રગતિશીલ હોવાથી શારદાબહેન શરૂઆતનું શિક્ષણ લઈ શક્યાં અને ઇંગ્લૅન્ડમાં તબીબી અભ્યાસ કરતા સુમંતભાઈ સુધારાવાદી હોવાથી શારદાબહેન લગ્ન પછી કૉલેજનો અભ્યાસ ચાલુ રાખી શક્યાં.
મોટાં બહેન વિદ્યાબહેન અભ્યાસમાં એક વર્ષ આગળ હતાં, પણ બાળકો ઉછેરવાની જવાબદારીને કારણે, તેમના અભ્યાસમાં ઝોલ પડતો હતો.
અભ્યાસક્રમ પણ કેવો અઘરો. શારદાબહેને નોંધ્યું છે કે તેમને બી.એ.માં ઋગ્વેદ, કાવ્યપ્રકાશ, તર્કસંગ્રહ જેવા અઘરા ગ્રંથો ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર (લૉજિક) અને ફિલસૂફીનાં થોથાં ભણવામાં આવતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેવટે, બી.એ.ની પરીક્ષા બંને બહેનોએ સાથે આપી અને પાસ થયાં.
સૌથી મોટી મુશ્કેલી કૉલેજમાં-ક્લાસમાં બેસવાની હતી. શારદાબહેને ‘જીવન સંભારણાં’માં લખ્યા પ્રમાણે, એ બન્ને પ્રોફેસર આવે ત્યાર પછી ક્લાસમાં દાખલ થાય, તેમના માટે છોકરાઓથી જરા જુદી રાખેલી બેન્ચ પર બેસે અને આડુંઅવળું જોયા વિના ફક્ત પ્રોફેસર સામે કે નોટબુકમાં નજર માંડીને બેસી રહે.
ક્લાસ પૂરો થાય એટલે તરત ઊઠીને તેમના માટે અલગ રખાયેલા રૂમમાં જતાં રહે. છતાં છોકરાઓ કનડગત કરે ને લોકો ટીકા કરે.
“નનામા કાગળો આવે. અમારી બેઠકની ખુરશીઓ પાડી નાખે. ડેસ્ક પર ગમે તેવાં લખાણો આવે. અમારી આવવાની સડક ઉપર ગમે તેવાં લખાણ કરે. બેઠક પર કૌવચ નાખીને પજવણી કરે.”

ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક શારદાબહેન મહેતા સમાજસેવાક્ષેત્રે આપેલ માતબર યોગદાનથી અનેકનાં જીવનમાં પરિવર્તનનો આરંભ કર્યો

ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક (વિદ્યાગૌરી નીલકંઠ સાથે), સર્જક અને સમાજસેવક શારદાબહેન મહેતાએ જાહેર જીવનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે
દાયકાઓ સુધી ગુજરાતના જાહેર જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવનારાં શારદાબહેન મહેતાને ગાંધીજીએ એવાં માતૃત્વમૂર્તિ ગણાવ્યાં હતાં
ગાંધીજી સહિત અનેક મહાનુભવોના સીધા સંપર્ક અને શીખોનો લાભ મેળવી સતત સમાજસેવામાં વ્યસ્ત રહ્યાં હતાં શારદાબહેન મહેતા
વડોદરામાં યાદગાર વર્ષો વિતાવ્યાં પછી 1916થી અમદાવાદ શારદાબહેનનું કાર્યક્ષેત્ર બન્યું
મહિલાઓના સરકારી કરતાં જુદા પ્રકારના શિક્ષણ માટે ‘વનિતા વિશ્રામ’ની સ્થાપનામાં અને સંચાલનમાં શારદાબહેનની ચાવીરૂપ ભૂમિકા હતી

મહાનુભાવો સાથે નિકટ પરિચય

ઇમેજ સ્રોત, Jeevan Sambharana Book
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુમંત મહેતા ઇંગ્લૅન્ડથી ભણીને પાછા આવ્યા પછી વડોદરામાં સયાજીરાવ ગાયકવાડના અંગત ડૉક્ટર બન્યા. એટલે વડોદરામાં શારદાબહેન-સુમંતભાઈનો સંસાર શરૂ થયો.
અમદાવાદમાં 1902માં કૉંગ્રેસનું અધિવેશન ભરાયું ત્યારે ફક્ત સુમંતભાઈ જ નહીં, શારદાબહેન પણ તે અધિવેશનમાં ગયાં અને ત્યાં સુરેન્દ્રનાથ બેનરજી, ફિરોઝશા મહેતા જેવાં ધુરંધરોનાં પ્રવચન સાંભળ્યાં.
આર્થિક ઇતિહાસકાર તરીકે ખ્યાતિ ધરાવતા આઇસીએસ અધિકારી રોમેશચંદ્ર (આર.સી.) દત્ત વડોદરાના દીવાન તરીકે નિમાયા, ત્યારે તેમને મહેતા પરિવાર સાથે ગાઢ સંબંધ થયો.
તેમની એક નવલકથા “The Lake of Palms”નો ગુજરાતી અનુવાદ શારદાબહેને મોટાં બહેન વિદ્યાબહેન સાથે મળીને ‘સુધાહાસિની’ નામે કર્યો. તે જ અરસામાં શારદાબહેને પુરાણકથાઓમાંથી બાળકો માટેની વાર્તાઓનો સંગ્રહ વડોદરા રાજ્ય માટે તૈયાર કર્યો.
સયાજીરાવનાં રાણીએ તેમના ઇંગ્લૅન્ડનિવાસ દરમિયાન લખેલા પુસ્તક ‘The Position of Indian Women’નો અનુવાદ પણ શારદાબહેન-વિદ્યાબહેને મળીને કર્યો.
દત્ત પરિવાર સાથે તેમનો સંબંધ એટલો આત્મીય બન્યો કે મહેતા દંપતીએ 1907માં જન્મેલા તેમના પુત્રનું નામ (રોમેશચંદ્રના નામ પરથી) રમેશ પાડ્યું હતું.
વડોદરામાં ન્યાયાધીશ તરીકે સેવાઓ આપતા અબ્બાસ તૈયબજી પરિવાર સાથે પણ શારદાબહેન-સુમનભાઈને આત્મીયતા થઈ. ક્રાંતિકારી બનતાં પહેલાં વડોદરા રાજ્યની નોકરી કરતા અને આગળ જતાં ‘મહર્ષિ’ તરીકે ઓળખાયેલા શ્રી અરવિંદ સાથે પણ તેમને વડોદરામાં પરિચય થયો.
શારદાબહેને કેટલીક બહેનો સાથે મળીને સામાજિક કામગીરી ઉપરાંત લેડીઝ ક્લબ શરૂ કરી અને સ્ત્રીપુરુષ બંને સાથે ભાગ લઈ શકે એવા જાહેર કાર્યક્રમો યોજ્યા, જેની ત્યારે ઘણી નવાઈ હતી.
ડૉ. મહેતાએ વડોદરાની નોકરી છોડીને શારદાબહેન સાથે ભારતના પ્રવાસે નીકળ્યા. તેમાં શારદાબહેનને રવીન્દ્રનાથ ટાગોર પરિવાર, સરોજિની નાયડુ પરિવાર, મોતીલાલ નહેરુ પરિવાર, સ્વામી શ્રદ્ધાનંદ, લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ જેવાં તે સમયના જાહેર જીવનનાં ઘણાં પાત્રોને જાણવાનો-તેમની સાથે વાતચીતનો મોકો મળ્યો.

ગાંધીજી અને ઇન્દુલાલ યાજ્ઞિક સાથે આત્મીયતા

ઇમેજ સ્રોત, Jeevan Sambharana Book
વડોદરામાં યાદગાર વર્ષો વિતાવ્યાં પછી 1916થી અમદાવાદ શારદાબહેનનું કાર્યક્ષેત્ર બન્યું. ત્યાં મહિલાઓના સરકારી કરતાં જુદા પ્રકારના શિક્ષણ માટે ‘વનિતા વિશ્રામ’ની સ્થાપનામાં અને સંચાલનમાં શારદાબહેનની ચાવીરૂપ ભૂમિકા હતી.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત આવ્યા અને અમદાવાદના કોચરબમાં ભાડાના બંગલામાં તેમનો પહેલો આશ્રમ શરૂ કર્યો, ત્યારે શારદાબહેન તેમના ભાઈ ગટુભાઈ ધ્રુવ સાથે ગાંધીજીને મળ્યાં હતાં. પછી ગાંધીજીના આમંત્રણ પ્રમાણે, ડૉ. સુમંત મહેતા સાથે શારદાબહેન આશ્રમે ગયાં હતાં અને ત્યાંનું મસાલા-દૂધ-ઘી વગરનું, સ્વાદમાં અકારું લાગે એવું ભોજન કર્યું હતું.
ગાંધીજી સાથે શારદાબહેનને લગભગ કૌટુંબિક કહેવાય એવો સંબંધ થયો. ડૉ. સુમંત મહેતા સેવાર્થે બહાર ફરતા હોય અને શારદાબહેન તેમના બહોળા પરિવાર સાથે એકલાં રહેતાં.
એટલે ગાંધીજી તેમને કહેતા, “હું અને આશ્રમ નજીક જ છીએ. જ્યારે જરૂર પડ્યે ત્યારે બારણાં ખુલ્લાં જ છે. કોઈ વાતે મૂંઝાશો નહીં.” 1917માં ગોધરામાં ભરાયેલી રાજકીય પરિષદમાં શારદાબહેન મહેતાને સંસારસુધારા પરિષદનું પ્રમુખસ્થાન આપવામાં આવ્યું.
તેમના મનમાં અવઢવ હતી, પણ ગાંધીજીના આગ્રહ અને પતિના હકારાત્મક અભિપ્રાય પછી તેમણે એ પદ સ્વીકાર્યું.
ઇન્દુલાલ યાજ્ઞિકને મહેતા પરિવાર સાથે અને શારદાબહેન સાથે અત્યંત ઘરોબો હતો. ઇન્દુલાલ થોડા સમય માટે શારદાબહેન અને બાળકો સાથે અમદાવાદના ઘરે રહેતા હતા.
ગાંધીજીએ ‘નવજીવન’ સાપ્તાહિક અમદાવાદથી શરૂ કર્યું, ત્યારે શરૂઆતના ગાળામાં ઇન્દુલાલ યાજ્ઞિકની સાથોસાથ શારદાબહેન અને બાળકોનો પણ તેમને સહકાર મળતો હતો.
ઇન્દુલાલે આત્મકથામાં નોંધ્યું છે કે એક વાર છપાયેલા સામયિકના ફરમા વાળનાર કારીગરો હડતાલ પર ઊતર્યા ત્યારે શનિ-રવિની રજામાં શારદાબહેન અને તેમનાં બાળકો એ કામ કરવા બેસી ગયાં હતાં અને ‘નવજીવન’ સમયસર ટપાલમાં મોકલી શકાયું હતું.

બારડોલી સત્યાગ્રહ અને દાંડી કૂચ

ઇમેજ સ્રોત, SLU College Website
વલ્લભભાઈ પટેલને મહેતા પરિવાર સાથે અમદાવાદના સમયથી સંબંધ હતો. 1928માં તેમણે બારડોલીમાં સત્યાગ્રહની આગેવાની લીધી, ત્યારે ડૉ. સુમંત મહેતાએ તેમને સરભોણ છાવણીની જવાબદારી સોંપી. સાથે શારદાબહેન અને તેમનો પુત્ર રમેશને પણ સત્યાગ્રહમાં જોડી દીધા.
લડત નિમિત્તે બારડોલીની ગામડાંમાં ફરવાથી શારદાબહેનને તે વિસ્તારના આદિવાસી ખેતમજૂરોની ગુલામીદશાનો પરિચય થયો.
સ્વદેશીનું વ્રત તો તેમણે વડોદરામાં રોમેશચંદ્ર દત્તના સંપર્કથી, પહેલા સ્વદેશી આંદોલન વખતે, 1905ની આસપાસ લીધું હતું.
પરંતુ બારડોલી સત્યાગ્રહ વખતથી તેમણે સોનાની બંગડી અને હીરાની બુટ્ટી પહેરવાનું બંધ કર્યું. બારડોલીની અસરને કારણે કરજણ તાલુકાના કાર્યકરોએ વડોદરા રાજ્યના અન્યાય સામે પ્રજામંડળ થકી ઝુંબેશ ઉપાડી.
તેના પગલે વડોદરામાં ભરાયેલી પ્રજામંડળની બેઠકમાં શારદાબહેન સ્વાગત પ્રમુખ હતાં.
દાંડી કૂચ વખતે ગાંધીજી નવસારીથી જલાલપુર જતા હતા ત્યારે શારદાબહેન તેમને મળવા ગયાં. તેમણે લખ્યું હતું, “એમની જલદ ચાલ સાથે મારે તો દોડવું જ પડતું હતું. દારૂનિષેધના કામમાં સ્ત્રીઓ કેવી રીતે કામ કરી શકે એનો બોધ મને આપી રહ્યા હતા. આખો કાફલો સાથે ચાલતો હતો. એ અદ્ભુત દૃશ્ય હતું.”

સરકારી સંસ્થાઓના અવળા અનુભવ

ઇમેજ સ્રોત, SLU College Website
વર્ષ 1928-29માં નવો યુનિવર્સિટી ઍક્ટ આવ્યા પછી શારદાબહેન પહેલાં સેનેટમાં અને પછી સિન્ડિકેટમાં ચૂંટણી લડ્યાં અને જીત્યાં.
પરંતુ અંદર ગયા પછી તેમનો મોહભંગ થયો. તેમણે લખ્યું હતું, ‘સાચી સેવા કરવાની ઇચ્છાથી નહિ, પણ માનમરતબો મેળવવા તથા પોતાનાં હિતો સાચવવા માટે જ મોટે ભાગે આવાં મંડળોમાં જોડાય છે... અનેક વાર મેં ખર્ચ ઘટાડવાને, અભ્યાસક્રમ સુધારવાને, પરીક્ષાપદ્ધતિ અને સમય બદલવાને, સ્ત્રીઓને માટે છાત્રાલયો કરવાને, ગૃહવિજ્ઞાન દાખલ કરવાને અને પરીક્ષાઓમાં પ્રામાણિકતા સાચવવાને માટેના ઠરાવો લાવીને કાંઈ કાંઈ ફાંફાં માર્યાં, પણ તે ઘણે ભાગે ફાંફાં જ રહ્યાં.
યુનિવર્સિટીઓની પેટાસમિતિઓમાં લાગતાંવળગતાંનું હિત જોવાતું હોય છે.”
“પુસ્તકો, બાંધકામ, પરીક્ષકો નીમવા વગેરેમાં સગાં અને મિત્રો કેવી રીતે ફાવે એની ઉપર નજર હોય છે. વિદ્યાર્થીઆલમનું કલ્યાણ કે ઘડતર કોઈના લક્ષમાં જ નથી હોતું... અંદરની બાજી જાણ્યાથી આખી પ્રથાની નિષ્ફળતાનો મને પૂરેપૂરો ખ્યાલ આવ્યો...”
યુનિવર્સિટી જેવો જ માઠો અનુભવ તેમને અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં અને લોકલ બોર્ડમાં પણ થયો.
“વેચાણના સોદા, હરરાજી, કૉન્ટ્રેક્ટની દેણગી એ બધામાં અંગત સ્વાર્થ અને મલિનતા જોવા મળ્યાં...આ કામમાં ઘણો વખત જતો હતો અને અંતરનો અવાજ ખટપટોમાં ગૂંચવાઈ જવાની ના પાડતો હતો.” તેથી તે ફરી ચૂંટણીમાં ઊભાં રહ્યાં નહીં.

અમદાવાદના સંસ્કારજીવનનું અંગ
આઝાદી પછીના દાયકાઓમાં મહેતા દંપતીનું અમદાવાદના પ્રીતમનગર વિસ્તારમાં આવેલું ઘર ‘જ્યોતિર્ધર’ અનેક વિચારધારાના આગેવાનો અને મુલાકાતીઓ માટે જવાઠેકાણું બની રહ્યું.
સમાજવાદીઓ, સાહિત્યકારો, અધ્યાપકો અને જાહેર જીવનની વ્યક્તિઓ સાથે શારદાબહેનનો સંપર્ક સતત ચાલુ રહ્યો.
સ્ત્રીમંડળોનાં અધ્યક્ષ અને મહિલા વિદ્યાપીઠનાં ઉપકુલપતિ તરીકેની તેમની કામગીરી ભૂતકાળ બન્યા પછી પણ, જાહેર જીવનના વિવિધ પ્રવાહોમાં સક્રિય લોકો સાથે તેમને વાત્સલ્યપૂર્ણ સંપર્ક રહ્યો.
અચ્યુત પટવર્ધન, યુસૂફ મહેરઅલી, રામમનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ જેવા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પણ અમદાવાદમાં શારદાબહેનના મહેમાન બની ચૂક્યા હતા. કૉંગ્રેસી રાજકારણનો દબદબો ધરાવતા એ યુગમાં બીજી વિચારધારાવાળાને અમદાવાદમાં ક્યાંય ઠેકાણું ન મળે તો મહેતા દંપતી તેમના કાર્યક્રમો ગોઠવવામાં પણ મદદરૂપ થતું હતું.
શારદાબહેનની આત્મકથાની બીજી આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે તેમના જીવનના અંત સુધીની વિગત આપનાર સુસ્મિતા મ્હેડે નોંધ્યું છે કે 1960માં અખિલ હિન્દ મહિલા પરિષદની અમદાવાદ શાખાએ તેનું મુખપત્ર ‘ઉજાસ’ શરૂ કર્યું.
તેના માટે શારદાબહેન પાસે લેખ મંગાવતાં, ખુદના સન્માન સમારંભમાં ગેરહાજર રહેનારાં શારદાબહેને લખ્યું હતું,“માત્ર છાપામાં નામ આવે, છબીઓ આવે, ખોટાં ગુણગાન થાય, અથવા કોઈ એકાદ ઉચ્ચ સ્થાન મળે એ ધ્યેય રાખીને કામ થાય નહિ...આપણે આપણાં બહેનોનો વિશ્વાસ મેળવવાનો છે. માત્ર શહેરોમાં જ નહિ, પણ ગામડાંમાં પણ આપણી બહેનોને પોતાનાં હિત માટે જાગૃત કરવાની છે.”
નવેમ્બર 13, 1970ના રોજ, વલ્લભ વિદ્યાનગરમાં ઉપકુલપતિ તરીકે કાર્યરત પુત્ર રમેશભાઈના ઘરે, ભોજન કરતાં કરતાં શારદાબહેન ઢળી પડ્યાં. 88 વર્ષના તેમના દીર્ઘ જીવનનો અને ગુજરાતના સામાજિક-સાંસ્કૃતિક જીવનના એક મહત્ત્વના પ્રકરણનો અંત આવ્યો.














