કૉમનવેલ્થ ગેમ્સ 2022 : ભાવિના પટેલની રોબૉટ સામે પ્રૅક્ટિસ કરવાથી લઈને કૉમનવેલ્થમાં ગોલ્ડ જીતવા સુધીની કહાણી

ઇમેજ સ્રોત, ANI
યુનાઇટેડ કિંગડમના બર્મિંઘમ ખાતે યોજાયેલ કૉમનવેલ્થ ગેમ્સ, 2022માં ભારતનાં પૅરા ટેબલટેનિસ સ્ટાર, મૂળ ગુજરાતી, ભાવિના પટેલે શનિવારે નાઇજિરીયાનાં ફેચુવાકવૂડે ક્રિશ્ચિના ઇકેપોઈને ફાઇનલમાં હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
તેમણે પ્રતિદ્વંદ્વીને શાનદાર પ્રદર્શન કરીને 12-10, 11-2, 11-9 થી હરાવ્યાં હતાં.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ટોક્યો પૅરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ મેળવનાર મૂળ ગુજરાતનાં પૅરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ પોતાના પ્રદર્શનથી ફરી એક વાર ચર્ચામાં છવાઈ ગયાં છે.
અગાઉ તેમણે કૉમનવેલ્થ ગેમ્સના પૅરા ટેબલટેનિસ સેમિફાઇનલ મુકાબલામાં ઇંગ્લૅન્ડનાં સુ બેઇલીને 11-6, 11-6, 11-6થી હરાવ્યાં હતાં.
તેમની આ સિદ્ધિ પર ઇન્ડિયા પૅરાલિમ્પિક્સનાં પ્રમુખ દીપા મલિકે ટ્વિટર પર લખ્યું હતું કે, "ફરી એક વાર તેણે કરી બતાવ્યું! ભાવિના પટેલને ફાઇનલમાં પહોંચવા માટે અભિનંદન. કૉમનવેલ્થમાં વધુ એક મેડલ સુનિશ્ચિત, કાલ માટે ગુડ લક, આવી જ રીતે ચમકતાં રહો."

ચાલીમાં ઉપરથી પાણી ટપકતું

ઇમેજ સ્રોત, Hasmukh Patel
ભાવિનાની રમત જગતની સફર વિશે તેમના પિતા હસમુખ પટેલ બીબીસી સાથે વાત કરતા કહે છે, "મૂળ તો ભાવિનાને કમ્પ્યુટરનો કોર્સ કરવા અંધજનમંડળ મોકલી હતી. ત્યાં બાળકોને ટેબલ ટેનિસ રમતા જોઈને એને પણ રમવાની ઇચ્છા જાગી. અમારું દિલ ના પાડતુ હતું પણ એની ઇચ્છાને અમે માન આપ્યુ. એમણે પહેલી જ લોકલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો."
તેઓ ઉમરે છે, "એ પોતાના પગ પર ઊભા રહીને આગળ વધી છે. અમદાવાદ સિવિલ પર કેસ બારી પર કેસ કાઢવાનું કામ કરતી હતી. અસારવા ચાલીમાં તેની બહેનપણીને ઘેર રહેતી હતી. ચાલીમાં ઉપરથી પાણી ટપકતું હોય. 10 બાય 7ની રૂમમાં ટેબલ ટેનિસનું ટેબલ લાવી છે. સામે કોઈ રમવાવાળું ન હોય તો રોબૉટ સામે રમતી."
ટેબલ ટેનિસની ધૂન વિશે હસમુખ પટેલ કહે છે, "સવારે ત્રણ વાગે જાગતી. બપોરે જમવાનું મળે કે ન મળે પણ એને એક જ ધૂન હતી કે મારે ટેબલ ટેનિસમાં આગળ વધવું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોતાની આર્થિક સ્થિતિ અંગે તેઓ કહે છે, "મારી કટલેરીની નાનકડી દુકાન. અમારી આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. મારી નાની દીકરીના લગ્નમાં મારા દીકરા અને સૌથી નાની ભાવિનાએ મદદ કરી હતી. મારા એકેય બાળક બોજારૂપ થયાં નથી."
ગ્રામીણ પરિવેશ અંગે તેઓ કહે છે, "ગામડામાં બાળક અપંગ હોય એટલે લોકો અવનવી વાતો કરે. પણ અમે કોઈ વાતને ગણકારી નથી."

ભાવિના પટેલની સફર

- ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ગુજરાતનાં ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે શાનદાર પ્રદર્શન કરીને રજતપદક મેળવ્યું હતું.
- મહેસાણા પાસેના સૂંઢિયા ગામથી નીકળીને પૅરાલિમ્પિક્સમાં મેડલ મેળવવા સુધીની ભાવિનાની કહાણી જેટલી રસપ્રદ છે એટલી જ તેની પ્રેમકહાણી પણ રોચક છે.
- ભાવિનાએ જેવો સિલ્વર મેડલ મેળવ્યો કે તરત જ વ્હિલચૅર દોડાવીને તે સીધા જ ઑડિયન્સમાં બેસેલા પતિ નિકુલ પાસે ગયાં હતાં. તેમને ભેટી પડ્યાં હતાં.
- ભાવિના અને તેમના પતિ નિકુલ પટેલનાં લગ્ન 2017માં થયાં હતાં. તેઓ બંને એકબીજાના પરિચયમાં આવ્યાં પછી સોળ વર્ષે તેમનાં લગ્ન થયાં હતાં.

મારા પતિ મારા ઇનડાયરેક્ટ કોચ છે - ભાવિના

ભાવિનાને જ્યારે પૅરાલિમ્પિક્સમાં રજતચંદ્રક મળ્યો એ પછી વ્હિલચૅર દોડાવીને તેઓ સીધાં જ ઑડિયન્સમાં બેસેલા નિકુલ પાસે ગયાં હતાં. તેમને ભેટી પડ્યાં હતાં.
એ અંગે વાત કરતાં તેમણે અગાઉ કહ્યું હતું, "જીવનની તે એટલી ઉમદા અને ધન્ય ક્ષણ હતી કે એના વિશે કહેવા મારી પાસે શબ્દો નથી. સ્વાભાવિક છે કે મને ચંદ્રક મળે એ પછી નિકુલ સિવાય કોઈ ન જ દેખાઈ શકે. નિકુલ વગર હું કશું નથી. તેમનાથી મને ખૂબ આત્મવિશ્વાસ મળે છે. હું ક્યારેય પણ, ક્યાંય પણ જઉં તો નિકુલ મારા માટ સૌથી પહેલા આવશે."
ભાવિનાએ કહ્યું હતું, "મને લાગતું હતું કે લગ્ન પછી કદાચ મારે ટેબલ ટેનિસ છેડવું પડશે પરંતુ નિકુલ જ્યારથી મને મળ્યા છે ત્યારથી મને મહેસૂસ થયું છે કે તેમને સ્પોર્ટ પ્રત્યે અપાર પ્રેમ છે. "
"મારે કોઈ પણ ટુર્નામેન્ટમાં રમવા જવાનું હોય ત્યારે એ અગાઉ જે પ્લેયર્સ લિસ્ટ આવે તે પ્લેયરની રમતમાં શું ખાસિયત છે અને શું નબળાઈ છે તેની તમામ વિગતો નિકુલ તૈયાર કરીને આપે છે. જેથી મને રમતમાં સપોર્ટ મળે."
"તે મારા ઇનડાયરેક્ટ કોચ છે. તેમને પણ ક્રિકેટ ખૂબ ગમે છે અને સારું રમે છે. ઘર, ઑફિસ કે સ્પોર્ટ એવું કોઈ પણ ક્ષેત્ર નથી જેમાં નિકુલ મારી પડખે ન ઊભા હોય. મારી જરૂરિયાતોને એ એટલી સરસ સમજે છે કે મારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મારા કહ્યા વગર તે મારી પાસે હાજર કરી દે છે."

કૉલેજ સુધી નહોતી ખબર કે ટેબલ ટેનિસ શું છે?
ભાવિના પટેલ એક વર્ષનાં હતાં ત્યારે તેમને લકવો થઈ ગયો હતો. ઘણા વખત સુધી તેમને એવું જ લાગ્યા કરતું હતું કે જીવન શૂન્ય થઈ ગયું છે.
ભાવિનાએ જણાવ્યું હતું કે, "જીવન જ દુષ્કર થઈ ગયું હોય એવું મેં અનુભવ્યું હતું. જેમ કે, શાળાએ જવાનું હોય તો મમ્મીપપ્પાએ મને ઊંચકીને લઈ જવી પડતી હતી. આવા સંજોગો વચ્ચે મેં બારમા ધોરણ સુધીનો અભ્યાસ મારા ગામ સૂંઢિયામાં જ કર્યો હતો."
"એ પછી કૉલેજનો અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાં અમદાવાદમાં કર્યો હતો. 2004-2005માં આઈટીઆઈનો કોર્સ કરવા અમદાવાદમાં આવેલા અંધજનમંડળમાં હું ગઈ હતી. ત્યાં ગયા પછી જ મારા જીવનમાં મહત્વનો વળાંક આવ્યો હતો."
"અંધજનમંડળમાં મેં મારા જેવાં લોકોને ટેબલ ટેનિસ રમતાં જોયાં. એ અગાઉ મને ખબર જ નહોતી કે ટેબલ ટેનિસ નામની કોઈ રમત પણ છે."
"એ વખતે મને એવું થયું કે મારે પણ ટાઇમપાસ માટે આવું કંઈક કરવું જોઈએ. એ વખતે ત્યાં સુપરિન્ટેન્ડેન્ટ તેજલ લાખિયાએ મને પ્રોત્સાહિત કરી કે તું સરસ રીતે રમી શકીશ. મેં ટાઇમપાસ માટે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યુ."
"એ વખતે મારા જીવનમાં કોઈ ગોલ નહોતો. મેં શરૂ કર્યું ત્યારે મને એ ફાવતું નહોતું, પણ મારી શીખવાની લગન એવી હતી કે મેં ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યા પછી ભાગ્યે જ કોઈ એવો દિવસ ગયો હશે કે હું એ ન રમી હોઉં. એ પછી મારા પર ભૂત સવાર થયું કે એક દિવસ ભોજન ન મળે તો ચાલે પણ ટેબલ ટેનિસ રમવા ન મળે તો એમ થાય કે જીવનમાં કંઈક ખૂટે છે."

પ્રૅક્ટિસ માટે શટલ રિક્ષામાં મુસાફરી કરી

ઇમેજ સ્રોત, Hasmukh Patel
2007થી ભાવિનાએ વિધિવત્ ટેબલ ટેનિસ પ્રશિક્ષણ શરૂ કર્યું. એ જ ગાળામાં અમદાવાદની અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં તેમને ક્લાર્ક તરીકે નોકરી મળી હતી.
એ વખતે અમદાવાદમાં તેઓ પેઇંગગેસ્ટ તરીકે રહેતાં હતાં.
ભાવિનાએ કહ્યું હતું, "એ વખતે હું નોકરી કરતી હતી. પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી તેથી મારું પોતાનું કામ પણ કરવાનું હતું અને ટેબલ ટેનિસ પણ રમવાનું હતું. એ વખતે હું આર્થિક રીતે એવી સદ્ધર નહોતી કે આ બધું મને પરવડી શકે. સ્પેશિયલ રિક્ષા પરવડી શકે એમ નહોતી. તેથી હું શટલ રિક્ષામાં જતી હતી."

પિતાએ કરજ લઈને દીકરીને રમવા વિદેશ મોકલી
ભાવિનાએ પૅરા ટેબલ ટેનિમાં 26 જેટલા દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ 22થી વધુ મેડલ મેળવ્યા છે.
કારકિર્દીના શરૂઆતના તબક્કામાં તેઓ એક વખત દિલ્હી નેશનલ ચૅમ્પિયનશિપ રમવા ગયાં હતાં. જ્યાં તેમને કાંસ્યપદક મળ્યો હતો.
એ પદકથી તેની ટેબલ ટેનિસમાં દિશા નક્કી થઈ હતી. ભાવિનાએ કહ્યું, "મારે ટેબલ ટેનિસમાં જ કારકિર્દી બનાવવી છે એવો વિશ્વાસ મને દિલ્હીની ચૅમ્પિયનશિપથી બંધાયો હતો. એ પછી તો અન્ય નેશનલ સ્પર્ધામાં ભાગ લેતી ગઈ હતી અને મેડલ મેળવ્યા હતા."
ટેબલ ટેનિસ ઉપરાંત ભાવિના સિલાઈકામ, ગીત-સંગીત, નૃત્ય અને રસોઈકામમાં પણ રસ ધરાવે છે.
ટેબલ ટેનિસ માટે પરિવારે તેમને ભરપૂર સહયોગ આપ્યો છે. એ વાત યાદ કરતાં ભાવિનાએ કહ્યું હતું, "મમ્મી-પપ્પાએ ખૂબ સહકાર આપ્યો છે. મારા પપ્પાની ગામમાં કટલરીની દુકાન છે. મારે ઇન્ટરનેશનલ રમવા જવાનું હોય તો એના માટે ખૂબ ખર્ચ થાય. મારા પપ્પાએ ક્યારેય મને રમવા જતાં રોકી નથી. ક્યારેક તો કરજ લઈને પણ મને રમવા મોકલી છે. માતાપિતા પછી લગ્ન બાદ મારા પતિએ મારી કૅરિયરને આગળ ધપાવવામાં ખૂબ મદદ કરી છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













