ભારતનો 'મોસ્ટ વૉન્ટેડ' આરોપી, જે ફિલ્મોમાં અભિનય કરીને 30 વર્ષ સુધી પોલીસથી બચતો રહ્યો

    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી

ઓમ પ્રકાશ, જેમને લોકો પાશાના નામે પણ ઓળખે છે. તેઓ ઉત્તર ભારતના રાજ્ય હરિયાણાની પોલીસ માટે 'મોસ્ટ વૉન્ટેડ આરોપી' છે.

તેઓ ભારતીય સેનાના એક પૂર્વ કર્મચારી છે અને છેલ્લાં 30 વર્ષથી કથિત લૂંટ અને હત્યાના ગુનામાં વૉન્ટેડ છે. તેઓ હાલ પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાં છુપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

ઓમ પ્રકાશ કસ્ટડીમાં છે અને તેમના પરના આરોપો મામલે તેમણે કોઈ નિવેદન આપ્યું નથી
ઇમેજ કૅપ્શન, ઓમ પ્રકાશ કસ્ટડીમાં છે અને તેમના પરના આરોપો મામલે તેમણે કોઈ નિવેદન આપ્યું નથી

ત્યાં તેમણે પોતાનું એક નવું જીવન શરૂ કર્યું છે, તેમની પાસે ઔપચારિક દસ્તાવેજ છે. તેમણે એક સ્થાનિક મહિલા સાથે લગ્ન કર્યાં છે અને તેમની સાથે ત્રણ બાળકો પણ મોટાં કર્યાં છે.

પરંતુ આ અઠવાડિયે તેમના નસીબે તેમનો સાથ ન આપ્યો અને 65 વર્ષીય પાશાની ગાઝિયાબાદના સ્લમ વિસ્તારમાંથી પોલીસે ધરપકડ કરી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઓમ પ્રકાશે અત્યાર સુધી પોતાના જીવનમાં ઘણી ભૂમિકા ભજવી છે. જેમાં ક્યારેક તેમણે ટ્રક ચલાવી, તો ક્યારેક નજીકના ગામમાં જઈને ધાર્મિક ગીતો ગાતાં ગ્રૂપમાં જોડાઈને ગીત ગાયાં, તેમણે નાના બજેટની 28 સ્થાનિક ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ઓમ પ્રકાશ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેમણે પોતાના પર લાગેલા આરોપો વિશે કંઈ કહ્યું નથી. પરંતુ ઓમ પ્રકાશની ધરપકડ કરવા ગયેલી ટીમ સાથે ગયેલા હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સના સબ-ઇન્સ્પેક્ટર વિવેકકુમારે બીબીસીને જણાવ્યું કે ઓમ પ્રકાશે એવો દાવો કર્યો છે કે 1992ના મર્ડર કેસમાં તેમના સાથી ગુનેગારનો હાથ હતો.

ઓમ પ્રકાશની ધરપકડની વાતો હેડલાઇનમાં છવાઈ ગઈ ત્યારે હું તેમના પરિવારને મળવા પહોંચી અને તેમની કહાણી જાણવાનો પ્રયાસ કર્યો. સાથે જ એ પણ જાણવા પ્રયાસ કર્યો કે તેઓ પોતાના પક્ષમાં શું કહે છે.

ઓમ પ્રકાશે 28 ફિલ્મોમાં કામ કર્યું છે અને એકમાં તેમણે પોલીસવાળાની ભૂમિકા પણ ભજવી હતી
ઇમેજ કૅપ્શન, ઓમ પ્રકાશે 28 ફિલ્મોમાં કામ કર્યું છે અને એકમાં તેમણે પોલીસવાળાની ભૂમિકા પણ ભજવી હતી

તેમની કહાણી સાંભળવા હું હરબન્સ નગર સ્લમ વિસ્તારમાં પહોંચી જે ભુલભુલામણી સમાન હતું અને ઘરના નંબર પણ લાઇનબદ્ધ નથી. તેમનો પરિવાર શોધવામાં મને સાડા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો.

હું તેમનાં પત્ની રાજકુમારી અને તેમનાં ત્રણ બાળકોમાંથી બે બાળકોને મળી જેમાંથી એક દીકરાની ઉંમર 21 વર્ષ છે જ્યારે એક દીકરીની ઉંમર 14 વર્ષ છે.

રૂમમાં ગાદલા નીચેથી રાજકુમારી એક હિંદી છાપું કાઢે છે જેમાં તેમના પતિ વિરુદ્ધ આરોપો વિશે લખેલું છે અને તેઓ કહે છે કે તેમને હજુ સુધી આ વાત માનવામાં આવતી નથી, તેમને તેમના 'ગુનાહિત ઇતિહાસ' વિશે કોઈ માહિતી ન હતી.

જો હું ઓમ પ્રકાશના પક્ષમાં કોઈ વાત સાંભળવા માટે ત્યાં ગઈ હોત, તો મને ત્યાં કંઈ જ ન મળતું. તેમની પાસે ઓમ પ્રકાશ વિશે કોઈ વાત ન હતી જે તેમના પક્ષમાં મદદ કરે.

રાજકુમારીએ ઓમપ્રકાશ પર દગાખોરીનો આરોપ પણ લગાવ્યો.

તેઓ કહે છે, "મેં 1997માં તેમની સાથે લગ્ન કર્યાં હતાં. મને ખબર ન હતી કે તેમનાં પહેલેથી લગ્ન થઈ ચૂક્યાં છે અને હરિયાણામાં તેમનો એક પરિવાર પણ છે."

લાઇન

30 વર્ષથી 'ફરાર' ઓમ પ્રકાશ પોલીસને હાથ કેવી રીતે લાગ્યા?

લાઇન
  • ભારતમાં ફરી એક વાર એક ગુનેગારની ફિલ્મી કહાણી જેવું જીવન ચર્ચામાં આવ્યું છે, કારણ કે તેઓ 30 વર્ષ સુધી પોલીસની પકડથી દૂર રહ્યા અને અભિનય પણ કર્યો
  • અભિનેતા તરીકે આરોપી ઓમ પ્રકાશે પોલીસવાળાની ભૂમિકા પણ ભજવી
  • ભૂતકાળમાં ભારતીય સેના સાથે કામ કરતાં ઓમ પ્રકાશને ત્રણ દાયકાથી શોધી રહેલ પોલીસે તેમના પર 25 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું
  • નવાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ કઢાવવા છતાં ઓમ પ્રકાશે એક ભૂલ કરી જે પોલીસને તેમના સુધી લઈ આવી
  • શું હતી એ ભૂલ? જાણવા માટે વાંચો સમગ્ર અહેવાલ
લાઇન

ઓમ પ્રકાશ કોણ છે અને તેમના પર શું આરોપ છે?

ઓમ પ્રકાશના દીકરા ફૅમિલીના આલબમમાંથી કાઢી પિતાનો ફોટો બતાવે છે
ઇમેજ કૅપ્શન, ઓમ પ્રકાશના દીકરા ફૅમિલીના આલબમમાંથી કાઢી પિતાનો ફોટો બતાવે છે

ઓમ પ્રકાશ હરિયાણાના પાણીપત જિલ્લાના નારાયણા ગામના રહેવાસી છે.

વિવેકકુમાર કહે છે, "ઓમ પ્રકાશે ભારતીય સેનાની સિગ્નલ કૉર્પ્સમાં 12 વર્ષ સુધી ટ્રક ડ્રાઇવર તરીકે કામ કર્યું હતું. તેઓ ચાર વર્ષ સુધી ફરજ પરથી ગાયબ રહ્યા હતા એટલે તેમને 1988માં પોતાની નોકરીમાંથી બરતરફ કરી દેવાયા હતા."

વિવેકકુમાર કહે છે કે ઓમ પ્રકાશ પર હત્યાનો આરોપ લાગ્યો તેના પહેલાં પણ તેઓ કાયદાની આંટીઘૂંટીમાં અટવાયેલા હતા. તેમણે 1986માં એક કાર ચોરી કરી હતી અને ચાર વર્ષ બાદ એક મોટરબાઇક, એક સિલાઇ મશીન અને એક સ્કૂટર પણ ચોરી કર્યું હતું. તેમણે જુદા જુદા જિલ્લામાં ગુના કર્યા હતા. પોલીસ પ્રમાણે કેટલાક કિસ્સામાં તેમને કેદ પણ થઈ હતી પરંતુ જામીન મળતાં તેઓ છૂટી જતા હતા.

વિવેકકુમારના જણાવ્યા પ્રમાણે જાન્યુઆરી 1992માં ઓમ પ્રકાશ અને બીજી એક વ્યક્તિએ મળીને બાઇક પર જતી અન્ય એક વ્યક્તિને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

"જ્યારે તે વ્યક્તિએ પ્રતિકાર કર્યો, તો તેમણે ચપ્પુ મારી દીધું. જ્યારે ઓમ પ્રકાશ અને તેમના સાથીએ જોયું કે ગામનું એક ટોળું તેમની તરફ આવી રહ્યું છે તો તેઓ તેમનું સ્કૂટર છોડીને ભાગી ગયા."

વિવેકકુમાર કહે છે, "બીજી વ્યક્તિ ઝડપાઈ ગઈ હતી અને જામીન મળ્યા પહેલાં તેણે સાત-આઠ વર્ષ જેલમાં વિતાવ્યાં હતાં."

પરંતુ ઓમ પ્રકાશ ગુમ થઈ ગયા હતા અને કેસ ઠંડો પડી ગયા હતો. પોલીસે ઓમ પ્રકાશને ગુનેગાર જાહેર કરી દીધા અને તેમની ફાઇલ પોલીસ સ્ટેશનમાં ધૂળમાં પડેલી છે.

પોલીસ કહે છે કે ધરપકડ બાદ ઓમ પ્રકાશે કહ્યું કે કથિત હત્યા બાદ એક વર્ષ તેમણે આંધ્ર પ્રદેશ અને તામિલનાડુનાં મંદિરોમાં આશરો લઈને વિતાવ્યું હતું.

એક વર્ષ બાદ તેઓ ઉત્તર ભારત પરત આવ્યા હતા પરંતુ ઘરે જવાના બદલે તેઓ 180 કિલોમિટર દૂર ગાઝિયાબાદ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ટ્રક ડ્રાઇવર તરીકે કામ શરૂ કર્યું હતું.

1997માં તેમનાં લગ્ન રાજકુમારી સાથે થયાં. તેઓ કહે છે કે સ્થાનિકો તેમને બજરંગબલી અથવા બજરંગી તરીકે ઓળખતા હતા. 1990માં તેઓ એક દુકાન ચલાવતા હતા જેમાં તેઓ ફિલ્મના વીડિયો કૅસેટ રૅકર્ડર વેચતા હતા. તેઓ ફૌજી તાઉના નામે પણ ઓળખાય છે.

2007થી તેઓ હિંદી ફિલ્મોમાં નાના રોલ પણ કરતા હતા, જેમાં તેઓ સરપંચ, વિલન અને પોલીસ કૉન્સ્ટેબલ જેવી ભૂમિકાઓ ભજવતા હતા. તેઓ તેમાં ડાયલૉગ બોલતા અને ગીતો પર નાચતા હતા.

તેમની એક ફિલ્મ ટકરાવ યૂટ્યૂબ પર 7.6 મિલિયન વખત જોવામાં આવી છે. ફિલ્મના કેટલાક સીન પણ યૂટ્યૂબ પર છે, જેને ફિલ્મ કરતાં પણ વધારે વ્યૂ મળ્યા છે.

વિવેકકુમાર કહે છે, "તેમણે નવાં ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ પણ બનાવડાવ્યાં છે."

પરંતુ આ બધા વચ્ચે ઓમ પ્રકાશે મોટી ભૂલ કરી. બધા જ દસ્તાવેજોમાં તેમનું અને તેમના પિતાનું સાચું નામ લખેલું હતું, જેનાથી તેમના વિશે માહિતી મળી.

line

રાજકુમારીની કહાણી

પોલીસ માને છે કે ઓમ પ્રકાશના નવા પરિવારને કે તેમના પાડોશીઓને તેમના ગુનાહિત ઇતિહાસ વિશે કોઈ માહિતી ન હતી
ઇમેજ કૅપ્શન, પોલીસ માને છે કે ઓમ પ્રકાશના નવા પરિવારને કે તેમના પાડોશીઓને તેમના ગુનાહિત ઇતિહાસ વિશે કોઈ માહિતી ન હતી

પોલીસ માને છે કે ઓમ પ્રકાશના નવા પરિવારને કે તેમના પાડોશીઓને તેમના ગુનાહિત ઇતિહાસ વિશે કોઈ માહિતી ન હતી.

રાજકુમારી કહે છે કે તેમનાં લગ્ન બાદ તેમને એવું લાગ્યું કે ઓમ પ્રકાશ કંઈક છુપાવી રહ્યા છે.

ઓમ પ્રકાશ રાજકુમારીને નારાયણા ગામ લઈ ગયા હતા જ્યાં તેમની મુલાકાત તેમના ભાઈઓ અને પરિવાર સાથે કરાવી હતી. જોકે, કહ્યું હતું એવું કે તેઓ તેમના મિત્રો છે.

રાજકુમારી કહે છે કે થોડાં વર્ષો બાદ તેમને ઓમ પ્રકાશનાં પ્રથમ લગ્ન વિશે માહિતી મળી. ઓમ પ્રકાશનાં પ્રથમ પત્ની તેમના ઘરે આવ્યાં હતાં અને ઘરની બહાર કકળાટ કર્યો હતો.

"ત્યારે જ મને મારા પાડોશીઓને ખબર પડી કે ઓમ પ્રકાશની બીજી પણ એક દુનિયા હતી જેમાં તેમનાં એક પત્ની અને એક દીકરો હતાં. એ વાત તેમણે છુપાવીને રાખી હતી. અમને લાગ્યું કે અમારી સાથે ખૂબ મોટો દગો થયો."

તેઓ કહે છે કે તેમના સંબંધ દરમિયાન ઓમ પ્રકાશ ઘણા દિવસો સુધી મળતા ન હતા. તેમને લાગતું હતું કે તેઓ ટ્રક લઈને દૂર જાય છે એટલે તેઓ જલદી ઘરે આવી શકતા ન હતા પરંતુ હવે તેઓ માને છે કે તેઓ એટલે ગુમ રહેતા હશે કેમ કે તેઓ તેમના બીજા પરિવારને મળવા જતા હશે.

તેમના સંબંધો બગડવા લાગ્યા અને દંપતી વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. 2007માં ઓમ પ્રકાશ ફરી ગુમ થઈ ગયા હતા.

રાજકુમારી વધુમાં કહે છે, "હું કંટાળી ગઈ હતી અને તેમની સાથે મારા સંબંધો તોડવા માગતી હતી. હું સ્થાનિક સરકારી કચેરીએ ગઈ અને લેખિતમાં નિવેદન આપ્યું કે મારા તેમની સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ સાત વર્ષ બાદ તેઓ ફરી પરત આવ્યા અને ત્યારથી તેઓ વારંવાર મુલાકાત લેવા આવે છે."

ઓમ પ્રકાશ અને રાજકુમારીની 14 વર્ષીય દીકરી કહે છે, "જ્યારે પણ તેઓ આવે છે ત્યારે તેમના પર દયા ખાઈને જમવાનું આપી દઈએ છીએ, કેમ કે તેઓ અમારા પિતા છે અને વૃદ્ધ છે."

રાજકુમારી કહે છે કે પહેલાં એક વખત હરિયાણા પોલીસ ચોરીના કેસમાં તેમને પકડી ગઈ હતી.

"તેમણે છ-સાત મહિના જેલમાં વિતાવ્યા હતા પરંતુ પરત ફર્યા બાદ તેમણે કહ્યું કે તેમના પર લાગેલા બધા આરોપો હઠી ગયા છે."

ધરપકડ બાદ તેઓ હત્યાના કેસમાં ફરારની યાદીમાં હતા, કેમ કે જુદા જુદા જિલ્લાની પોલીસો વચ્ચે સંપર્ક સામાન્યપણે થતો નથી.

line

ઓમ પ્રકાશને કેવી રીતે પકડ્યા?

પોતાની ધરપકડ બાદ પોલીસ સાથે ઓમ પ્રકાશ
ઇમેજ કૅપ્શન, પોતાની ધરપકડ બાદ પોલીસ સાથે ઓમ પ્રકાશ

હરિયાણામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચનાના એક વર્ષ બાદ ઓમ પ્રકાશનો કેસ ફરી ખૂલ્યો હતો. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આયોજિત ગુના, નાર્કોટિક્સ, આતંકવાદ અને સરહદ પાર કરવાના કેસો પર કામ કરતી હતી.

એસટીએફએ ઓમ પ્રકાશનું નામ મોસ્ટ વૉન્ટેડની યાદીમાં મૂકી દીધું હતું અને તેમના વિશે માહિતી આપનાર વ્યક્તિને 25 હજારનું ઇનામ આપવાની ઘોષણા કરી હતી.

ભૂતકાળમાં પણ જ્યારે આરોપી લાંબા સમય સુધી ફરાર રહેતા હતા, એવા કેસોમાં ધરપકડ કરવામાં આવી છે. પરંતુ ગાઝિયાબાદમાં વર્ષો સુધી ક્રાઇમની સ્ટોરી કવર કરતા ઇન્ડિયન એક્સપ્રેસના વરિષ્ઠ પત્રકાર અમિલ ભટનાગર કહે છે, "પોલીસ સામાન્યપણે ઠંડા કેસો ત્યારે જ ખોલે છે જ્યારે તે કેસ આતંકવાદ અથવા હત્યા સંબંધિત હોય. અથવા તો ત્યારે જ્યારે તેમને આરોપી વિશે કોઈ ટિપ મળી હોય."

એ વિશે સ્પષ્ટ માહિતી નથી કે તેમણે આ કેસની ફરી તપાસ કરવાનો નિર્ણય શા માટે લીધો.

બે મહિના પહેલાં, પોલીસે નારાયણા ગામની મુલાકાત લીધી હતી અને 50થી 60 વર્ષની ઉંમરના એવા લોકો સાથે વાત કરી હતી જેમનો ઓમ પ્રકાશ સાથે કોઈ સંબંધ હોઈ શકે છે.

અહીં જ તેમને ઓમ પ્રકાશના કેસ વિશે પહેલી ચાવી મળી અને જાણવા મળ્યું કે ઓમ પ્રકાશે બે દાયકા પહેલાં ગામની મુલાકાત લીધી હતી અને તેઓ કદાચ ઉત્તર પ્રદેશમાં ક્યાંક રહેતા હશે.

બીજી વખત મુલાકાત દરમિયાન તેમને એક ફોન નંબર મળ્યો હતો જે ઓમ પ્રકાશના નામે નોંધાયેલો હતો. તેની મદદથી પોલીસને તેમના નવા સરનામાની માહિતી મળી.

"પોલીસે એક અઠવાડિયા સુધી વિસ્તારની તપાસ કરી અને તેનું ઘર મળ્યું. ઓમ પ્રકાશને ઓળખવામાં પણ પોલીસને થોડી મુશ્કેલી પડી તેમ કે તેમની પાસે 30 વર્ષ જૂની તેમની તસવીર હતી અને હવે તેઓ એકદમ અલગ દેખાય છે."

વિવેકકુમાર કહે છે, "અમે સુનિશ્ચિત કરવા માગતા હતા કે અમે સાચી વ્યક્તિને પકડી છે. આ ઑપરેશન ગુપ્ત રાખવામાં આવ્યું હતું, કેમ કે અમને ડર હતો કે એક ખોટું પગલું લેવાથી તે ફરી 30 વર્ષ ક્યાંક ભાગી જશે."

line

હવે આગળ શું?

સ્પેશિયલ ટાસ્ક ફૉર્સ માટે લાંબા સમયથી ફરાર વ્યક્તિની શોધ મોટી સિદ્ધિ સમાન છે
ઇમેજ કૅપ્શન, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ માટે લાંબા સમયથી ફરાર વ્યક્તિની શોધ મોટી સિદ્ધિ સમાન છે

સ્પેશિયલ ટાસ્ક ફોર્સ માટે લાંબા સમયથી ફરાર વ્યક્તિની શોધ મોટી સિદ્ધિ સમાન છે. પરંતુ અમિલ ભટનાગર કહે છે કે પોલીસનું સાચું કામ હવે શરૂ થશે.

"તેમણે હવે કોર્ટમાં એ સાબિત કરવું પડશે કે તેમણે સાચી વ્યક્તિને પકડી છે. કોર્ટે પણ ઊંડાણપૂર્વક ચકાસણી કરવી પડશે કે તેમણે ખરેખર ગુનો કર્યો છે કે તેમના પર આરોપ લાગ્યો છે"

ગુનો દાયકાઓ પહેલાં થયો હતો ત્યારે હવે પુરાવાની ગુણવત્તા પર પણ ધ્યાન આપવામાં આવશે.

ઓમ પ્રકાશના ઘરમાંથી બહાર નીકળતાં પહેલાં મેં રાજકુમારીને પૂછ્યું કે શું તેમની ધરપકડ થઈ ત્યારથી રાજકુમારીએ તેમને મળવાનો પ્રયાસ કર્યો છે કે નહીં.

રાજકુમારીએ જવાબ આપતાં કહ્યું, "પોલીસ કહે છે કે જો અમે તેમને મળવા માગીએ તો અમારે અમારાં ઓળખપત્રો જમા કરાવવાં પડશે અને તે અમે કરવા માગતા નથી. તેનાથી શું સારું થશે?"

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ