મહેન્દ્ર મેઘાણી: ગુજરાતી સાહિત્ય અને સમાજમાં સત્ત્વ સીંચનાર યુગસર્જક ‘બુક મૅન’

મહેન્દ્ર મેઘાણી

ઇમેજ સ્રોત, Meghani Family/Urvish Kothari

ઇમેજ કૅપ્શન, મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણી
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતી સાહિત્યક્ષેત્રના પ્રતિષ્ઠિત સંપાદક, સંક્ષેપકાર, અનુવાદક, સાહિત્યપ્રસારક, ગુજરાતીના અનોખા ડાયજેસ્ટ માસિક 'મિલાપ'ના તંત્રી મહેન્દ્રભાઈ મેઘાણીનું ઑગસ્ટ 3, 2022ની રાત્રે તેમના ભાવનગરના નિવાસસ્થાને અવસાન થયું.

કોઈ નોંધપાત્ર મૌલિક સર્જન કર્યા વિના, ગુજરાતી સાહિત્ય અને વાચનલેખન પર તેમણે પાડેલી અસર નોંધપાત્ર અને કેટલાક અર્થમાં યુગસર્જક કહી શકાય એવી હતી.

'મિલાપ' અને તેમનો ભાવનગરસ્થિત પુસ્તકભંડાર 'લોકમિલાપ' ગુજરાતી વાચકો-ભાવકોની પેઢીઓ માટે સત્ત્વશીલ સાહિત્યનું ઠેકાણું બની રહ્યો.

પુસ્તકો નહીં ખરીદવા માટે એકંદરે કુખ્યાત ગુજરાતીઓને તેમણે પુસ્તક વાંચતા જ નહીં, ખરીદતા પણ કર્યા.

line

ચળવળ બાદ લાહોર અને કાશ્મીર મોકલાયા

મહેન્દ્ર મેઘાણી

ઇમેજ સ્રોત, Meghani Family/Urvish Kothari

પિતા ઝવેરચંદ મેઘાણી અને માતા દમયંતીબહેનના પ્રથમ સંતાન મહેન્દ્રભાઈનો જન્મ જૂન 20, 1923ના રોજ મુંબઈમાં થયો.

તેમના જીવનના આરંભિક દાયકા ઉતારચઢાવથી ભરપૂર રહ્યા.

પ્રતાપી પિતા ઝવેરચંદનું માંડ પચાસ વર્ષની કાચી વયે અવસાન થયું, ત્યારે મહેન્દ્રભાઈ 24 વર્ષના હતા.

તેમના અને ઝવેરચંદ મેઘાણી વચ્ચેના પત્રવ્યવહારમાં મહેન્દ્રભાઈની પછીનાં વર્ષોમાં જાણીતી બનેલી શાલીન છબીથી વિપરીત, યુવાનીના જોસ્સાવાળા અને કંઈક ઉદ્દંડતાવાળા મહેન્દ્રભાઈનું ચિત્ર ઊભું થાય છે.

1942ની ચળવળ વખતે તોડફોડપ્રવૃત્તિમાં ભાગ લઈને તે પોલીસની આંખે ચડ્યા હતા અને તેમને થોડા સમય માટે લાહોર ને પછી કાશ્મીર મોકલી દેવાયા હતા.

ઝવેરચંદ મેઘાણીનાં છેલ્લાં વર્ષોમાં મહેન્દ્રભાઈ તેમને 'ફૂલછાબ'ના કામમાં મદદરૂપ થતા હતા અને તેમના સૂચન પ્રમાણે લેખનવાચન પણ કરતા હતા.

line

'જ્વાળા અને જ્યોત'

મહેન્દ્ર મેઘાણી

ઇમેજ સ્રોત, Meghani Family/Urvish Kothari

વિક્ટર હ્યુગોની નવલકથા 'નાઇન્ટી થ્રી'નો અનુવાદ ઝવેરચંદ મેઘાણી સંજોગોવશાત્ કરી શક્યા નહીં, એટલે તેમણે તે કામ મહેન્દ્રભાઈને સોંપ્યું હતું.

એ રીતે થયેલો અનુવાદ ઝવેરચંદ આખો તપાસી ગયા, સુધાર્યો-મઠાર્યો અને પ્રતમાં લખ્યું કે તે હવે પ્રકાશનયોગ્ય છે. એ રીતે, મહેન્દ્રભાઈએ અનુવાદ કરેલું પહેલું પુસ્તક 'જ્વાળા' નામે પ્રકાશિત થયું.

ઘણાં વર્ષ સુધી અપ્રાપ્ય રહ્યા પછી તેની બીજી આવૃત્તિ 'જ્વાળા અને જ્યોત' નામે પ્રકાશિત થઈ છે.

વર્ષ 1945માં આઝાદ હિંદ ફોજના ત્રણ અફસરો પર લાલ કિલ્લામાં ચાલેલા મુકદ્દમાના અહેવાલોનું સંકલન મહેન્દ્રભાઈએ 'લાલ કિલ્લાનો મુકદ્દમો' એ શીર્ષક હેઠળ કર્યું.

'ભારતી સાહિત્ય સંઘ'ની 'વહેતાં પાણી પ્રકાશનમાળા' અંતર્ગત એ પુસ્તક 1946માં પ્રકાશિત થયું. તે પ્રકાશનમાળાના સંપાદક ઝવેરચંદ મેઘાણી હતા.

મુંબઈનાં સમૃદ્ધ પરિવારનાં નિર્મળાબહેન ખેતાણી સાથે 1944માં મહેન્દ્રભાઈનાં લગ્ન થયાં પછી ઝવેરચંદ મેઘાણી પુત્ર-પુત્રવધૂને ગાંધીજીના મળવા પણ લઈ ગયા હતા.

ગાંધીજીની હત્યા વખતે મહેન્દ્રભાઈ સંયોગોવશાત્ દિલ્હીમાં હતા અને તેઓ ગાંધીજીની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

line

'અમેરિકાની અટારીએથી'

ભાવાવેશયુક્ત પ્રકૃતિ ધરાવતા મહેન્દ્રભાઈ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીથી એટલા આકર્ષાયેલા કે પૂરતી તપાસ કર્યા વિના, સીધા ત્યાં ભણવા પહોંચી ગ

ઇમેજ સ્રોત, Meghani Family/Urvish Kothari

ઇમેજ કૅપ્શન, ભાવાવેશયુક્ત પ્રકૃતિ ધરાવતા મહેન્દ્રભાઈ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીથી એટલા આકર્ષાયેલા કે પૂરતી તપાસ કર્યા વિના, સીધા ત્યાં ભણવા પહોંચી ગ

ભાવાવેશયુક્ત પ્રકૃતિ ધરાવતા મહેન્દ્રભાઈ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીથી એટલા આકર્ષાયેલા કે પૂરતી તપાસ કર્યા વિના, સીધા ત્યાં ભણવા પહોંચી ગયા.

યુનિવર્સિટી પર પહોંચ્યા પછી જાણ થઈ કે ત્યાં તો પોસ્ટ ગ્રૅજ્યુએટ સ્કૂલ ચાલે છે અને મહેન્દ્રભાઈએ 1942ની ચળવળમાં કૉલેજનો અભ્યાસ પણ અધૂરો છોડી દીધો હતો.

ત્યાર પછી વચલા રસ્તા તરીકે તેમણે કોલંબિયાની સ્કૂલ ઑફ જર્નલિઝ્મને બદલે સ્કૂલ ઑફ જનરલ સ્ટડીઝમાં કેટલાક કોર્સ લીધા.

અમેરિકામાં તેમના નિવાસ દરમિયાન તેઓ 'જન્મભૂમિ' જૂથના અમૃતલાલ શેઠ પાસેથી પત્રકાર તરીકેની માન્યતા લઈને ગયા હતા. એટલે 'અમેરિકાની અટારીએથી' નામની અઠવાડિક કૉલમ 'જન્મભૂમિ' જૂથના દૈનિક 'નૂતન ગુજરાત' માટે મોકલતા હતા.

અભ્યાસ ઉપરાંત નવા સ્થપાયેલા સંયુક્ત રાષ્ટ્રસંઘની કાર્યવાહીમાં પણ તે ઘણી વાર હાજર રહેતા. અમેરિકામાં તેમની પર સૌથી વધારે અસર બે અખબારો 'ન્યૂયૉર્ક ટાઇમ્સ' અને 'ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર'ની પડી.

'યુનો'નો વાદળી ધ્વજ જોયા પછી મહેન્દ્રભાઈએ વિશ્વનાગરિક તરીકે પોતાની ખાદીની ટોપીનો રંગ પણ વાદળી કરી નાખ્યો.

line

'મિલાપ'માં લેખ પસંદ થાય તો લેખકો ગૌરવ અનુભવતા

તેમની શિષ્ટ અને ઉચ્ચ રુચિને કારણે ભલભલા લેખકો 'મિલાપ'માં તેમનો લેખ પસંદગી પામે તેનાથી ગૌરવ અનુભવતા હતા

ઇમેજ સ્રોત, Meghani Family/Urvish Kothari

ઇમેજ કૅપ્શન, તેમની શિષ્ટ અને ઉચ્ચ રુચિને કારણે ભલભલા લેખકો 'મિલાપ'માં તેમનો લેખ પસંદગી પામે તેનાથી ગૌરવ અનુભવતા હતા

ભારત પાછા આવ્યા પછી ટૂંક સમયમાં તેમણે મુંબઈ છોડ્યું અને ભાવનગર સ્થાયી થયા. ત્યારથી આજીવન ભાવનગર તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું.

જાન્યુઆરી 26, 1950ના રોજ મુંબઈથી શરૂ કરેલું 'મિલાપ' માસિક 1978 સુધી તેમણે ચલાવ્યું. તેમાં છપાયેલાં ચુનંદાં લખાણ, કવિતા અને ચર્ચાપત્રો સુધ્ધાં મહેન્દ્રભાઈ પસંદગીપૂર્વક મૂકતા હતા.

તેમની શિષ્ટ અને ઉચ્ચ રુચિને કારણે ભલભલા લેખકો 'મિલાપ'માં તેમનો લેખ પસંદગી પામે તેનાથી ગૌરવ અનુભવતા હતા.

કટોકટી વખતે 'મિલાપ'માં બીજાં લખાણોની સાથે, કેટલાંક કટોકટીતરફી (કે જયપ્રકાશ નારાયણવિરોધી) લખાણો પ્રગટ થતાં મનુભાઈ પંચોળી 'દર્શક' નારાજ થયા હતા.

તેમણે મહેન્દ્રભાઈને લખ્યું હતું કે હવેથી મારાં લખાણ 'મિલાપ'માં લેવાં નહીં. પણ થોડા સમયમાં તેમની નારાજગી ઓગળી ગઈ હતી.

લેખકોને મહેન્દ્રભાઈથી નારાજગી થવાની સંભાવના રહે એવો બીજો મુદ્દો હતો તેમની સંક્ષેપપ્રવૃત્તિ. તે ભલભલા લેખકોના લેખોનો, અને કવિતાઓનો સુધ્ધાં, સંક્ષેપ કરતા હતા અને એમ માનતા હતા કે એ રીતે વધુ વાચકો સુધી લખાણ પહોંચાડી શકાય અને એ વાચકો સંક્ષેપ વાંચ્યા પછી મૂળ લખાણ વાંચવા પ્રેરાય.

સંક્ષેપમાં લેખનું સત્ત્વ ઉડી જતું હોવાનું પણ ક્યારેક લાગતું. તેમ છતાં, તેમની પ્રતિષ્ઠા એવી હતી કે લખાણ મહેન્દ્રભાઈની પસંદગી પામે તો વિશિષ્ટ વાચકવર્ગ સુધી પહોંચશે, એમ માનીને કેટલાક લેખકો તેમણે કરેલા સંક્ષેપ નભાવી લેતા.

મહેન્દ્રભાઈનું સંક્ષેપકાર્ય રમૂજનો વિષય પણ બનતું અને મહેન્દ્રભાઈ પોતે તે માણતા.

યશવંત શુક્લ તેમના વિશે કહેતા હતા કે એ તો હાઇકુનો પણ સંક્ષેપ કરી શકે એમ છે.—અને આ વાત મહેન્દ્રભાઈએ જ મારી સાથેની વાતચીતમાં, તેમના મુક્ત હાસ્ય સાથે કહી હતી.

line

જોડાક્ષરો વિનાના શબ્દો લખવાનો આગ્રહ

મહેન્દ્રભાઈની જોડાક્ષરો વિનાની વિશિષ્ટ લિપિનો ખ્યાલ આપતો પત્ર

ઇમેજ સ્રોત, Meghani Family/Urvish Kothari

ઇમેજ કૅપ્શન, મહેન્દ્રભાઈની જોડાક્ષરો વિનાની વિશિષ્ટ લિપિનો ખ્યાલ આપતો પત્ર

'મિલાપ' માસિક 'લોકમિલાપ'નાં પુસ્તકો વાચકો સુધી પહોંચાડવા માટેનું ઉત્તમ માધ્યમ બની રહ્યું. 'લોકમિલાપ'માં મહેન્દ્રભાઈ સાથે શરૂઆતમાં તેમના ભાઈ નાનક મેઘાણી અને પછીથી બીજા ભાઈ જયંત મેઘાણી પણ જોડાયેલા હતા.

ત્યાર પછી જયંતભાઈએ ભાવનગરમાં 'પ્રસાર' નામે અને નાનકભાઈએ અમદાવાદમાં 'ગ્રંથાગાર' નામે નમૂનેદાર પુસ્તક ભંડાર ચલાવ્યા અને મેઘાણી પરંપરા ઉજ્જવળ રીતે આગળ વધારી.

'લોકમિલાપ'નાં પુસ્તકોમાં મહેન્દ્રભાઈ 'મિલાપ' થકી આગોતરા ગ્રાહકો નોંધતા અને સાવ ઓછો નફો લઈને, માન્યામાં ન આવે એટલી ઓછી કિંમતે, સુરુચિપૂર્ણ, ઉત્તમ સંપાદનો વાચકોને આપતા.

તેમાં મેઘાણી ગ્રંથાવલિ ઉપરાંત 'કાવ્યકોડિયાં' જેવી શ્રેણીથી માંડીને સ્વામી આનદના ચુનંદા લેખોનું સંપાદન 'ધરતીની આરતી' જેવાં અસંખ્ય પુસ્તકો ગણાવી શકાય.

એકવીસમી સદીમાં તેમણે તૈયાર કરેલા 'અરધી સદીની વાચનયાત્રા'ના દળદાર ચાર ખંડ અને 'રોજેરોજની વાચનયાત્રા' જેવા પ્રયોગો પણ અત્યંત સફળ થયા.

મહેન્દ્રભાઈનો એક આગ્રહ જોડાક્ષરો વિનાના શબ્દો લખવાનો હતો. તે ગુજરાતી લિપિમાં રહેલા ઇ, ઈ, ઉ, ઊ, ક્ષ, જ્ઞ જેવા જોડાક્ષરોને દૂર કરીને તેમને છૂટા અક્ષર તરીકે લખતા હતા.

એટલું જ નહીં, એ લિપિમાં પુસ્તકો પણ છાપતાં હતાં. 'મિલાપ' પણ એકાદ વર્ષ એ લિપિમાં છાપ્યું. તે લિપિસુધાર વૈજ્ઞાનિક રીતે યોગ્ય હોવા છતાં અને કાકાસાહેબ કાલેલકર-સ્વામી આનંદ જેવા ધુરંધર લેખકોનું તેને સમર્થન હોવા છતાં, વ્યવહારમાં તે ચાલી ન શક્યો. પરંતુ મહેન્દ્રભાઈ પત્રો છેવટ સુધી એ જોડણીમાં લખતા હતા.

તે કોઈ મુદ્દા વિશે તો પત્રો લખે. ઉપરાંત કશુંક સારું વાંચ્યું હોય કે કોઈ સારું અવતરણ-કાવ્યપંક્તિ હોય તે પણ પોસ્ટકાર્ડમાં લખીને સ્નેહીજનોને મોકલી આપે. તે માટે પોસ્ટકાર્ડનો મોટો જથ્થો હંમેશાં તેમના ટેબલ પર રહેતો હતો.

line

બાળકોને એક રૂપિયામાં ફિલ્મો બતાવતા

ભાવનગરના જૂના નિવાસસ્થાને મહેન્દ્ર મેઘાણી

ઇમેજ સ્રોત, Meghani Family/Urvish Kothari

ઇમેજ કૅપ્શન, ભાવનગરના જૂના નિવાસસ્થાને મહેન્દ્ર મેઘાણી

સાહિત્યપ્રસારક તરીકે સુપ્રતિષ્ઠ હોવા છતાં, તેમને સૌથી પ્રિય એવી પ્રવૃત્તિ હતી 'ફિલ્મમિલાપ'.

તેમના દીર્ઘ ઇન્ટરવ્યૂની પુસ્તિકા 'મહેન્દ્ર મેઘાણી' (સાર્થક પ્રકાશન, 2020) તૈયાર કરતી વખતે, મારી સાથેની વાતચીતમાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે 'ફિલ્મમિલાપ' જેટલો સંતોષ તેમને બીજી કોઈ પ્રવૃત્તિમાંથી નથી થયો.

વર્ષ 1983માં શરૂ થયેલી અને પાંચેક વર્ષ ચાલેલી એ પ્રવૃત્તિમાં દર રવિવારે સવારે આઠ વાગ્યે, બાળકોને એક રૂપિયામાં ફિલ્મ બતાવવામાં આવતી હતી.

તેમાં ફિલ્મ કરતાં વધારે મહત્ત્વ રવિવારે સવારે બાળકો વહેલાં ઊઠે, સમયસર પહોંચે, લાઇનમાં જાય, શાંતિથી બેસે, દરેક બાળક માટે એક બિસ્કિટ મુકવામાં આવ્યું હોય, તો દરેક બાળક બીજાનો વિચાર કરીને એક જ બિસ્કિટ લે—આવા ઘણા સંસ્કાર બાળકોમાં પાડવાની મહેન્દ્રભાઈને હોંશ હતી અને તેમને ઘણી સફળતા પણ મળી.

ઘણાં બાળકોને ત્યાં બાળકો થયાં પછી પણ તે 'ફિલ્મમિલાપ'ને યાદ કરતાં રહ્યાં.

line

'આંસુ લૂછવા જાઉં છું'

મહેન્દ્રભાઈ અને નિર્મળાબહેન

ઇમેજ સ્રોત, Meghani Family/Urvish Kothari

ઇમેજ કૅપ્શન, મહેન્દ્રભાઈ અને નિર્મળાબહેન

મહેન્દ્રભાઈની સાહિત્યપ્રીતિનો સીધો અનુબંધ જીવાતા જીવન સાથે હતો. તેમના અભિપ્રાયો તીવ્ર અને સ્પષ્ટ રહેતા.

માણસના ધર્મને તે અંગત બાબત ગણતા હતા અને નામથી તે જાહેર થઈ જાય એ તેમને કઠતું હતું. એટલે તેમણે તેમના એક પુત્રનું નામ (મૌલાના અબુલ કલામ આઝાદ પરથી) અબુલ રાખ્યું હતું.

તે પોતે પણ 'મુસલમાની' દાઢી રાખતા હતા. વર્ષ 2002માં ગુજરાતભરમાં વ્યાપેલા કોમી દ્વેષના વાતાવરણમાં મહેન્દ્રભાઈએ ગાંધીજીની બિહાર શાંતિયાત્રા વિશેના પુસ્તકનો સંક્ષેપ 'આંસુ લૂછવા જાઉં છું' એ નામે કર્યો હતો અને ઝેરભર્યા વાતાવરણમાં, તે સંસ્થાઓમાં અને કૉલેજોમાં તેના અંશો વાંચવા જતા હતા.

તત્કાલીન મુખ્ય મંત્રીએ હિંસાચારના જ વર્ષમાં કાઢેલી ગૌરવયાત્રા નિમિત્તે, મહેન્દ્રભાઈએ 'જનરલ ડાયરની ગૌરવયાત્રા' નામે એક લેખનો અનુવાદ કરીને વહેંચ્યો હતો.

તેમાં અમૃતસર હત્યાકાંડ પછી જનરલ ડાયરના પશ્ચાતાપરહિત-ગૌરવયુક્ત વલણની યાદ તાજી કરી હતી. ગુજરાતના ઘણાખરા લેખકો જ્યારે ચૂપ થઈ ગયા કે સરકારતરફી થઈ ગયા ત્યારે, મહેન્દ્રભાઈની એ નિસબત ગુજરાતના વિશેષ નોંધપાત્ર હતી.

line

છેલ્લે ભાષણ આપવાને બદલે વાંચન કર્યું

સંતાનો સાથે મહેન્દ્ર મેઘાણી

ઇમેજ સ્રોત, Meghani Family/Urvish Kothari

ઇમેજ કૅપ્શન, સંતાનો સાથે મહેન્દ્ર મેઘાણી

ઘણા સમયથી મહેન્દ્રભાઈ, વર્ષમાં થોડા મહિના અમેરિકા રહેતાં દીકરી અંજુબહેનના ઘરે, થોડો હિસ્સો અમદાવાદ રહેતાં દીકરી મંજરીબહેન સાથે અને થોડો વખત ભાવનગરમાં રહેતા પુત્ર ગોપાલભાઈ સાથે સુખપૂર્વક વીતાવતા હતા.

જાન્યુઆરી 26, 2020ના રોજ તેમણે 'લોકમિલાપ'નો સંકેલો કર્યો ત્યારે તેમના દીર્ઘ ઇન્ટરવ્યૂની પુસ્તિકા 'મહેન્દ્ર મેઘાણી'નું પ્રકાશન સાથે જ રાખ્યું હતું. એ વખતે પણ હંમેશની જેમ, મહેન્દ્રભાઈએ ભાષણ આપવાને બદલે, વાચન જ કર્યું હતું.

મહેન્દ્રભાઈને વંચાતું ઓછું થયું ત્યાર પછી, ભાવનગરસ્થિત સાહિત્યપ્રેમી-માણસપ્રેમી અધ્યાપક મહેન્દ્રસિંહ પરમાર ઘણી વાર આજીવન વાચક એવા મહેન્દ્રભાઈના ઘરે જઈને, તેમની સમક્ષ વાચન કરતા હતા.

છેલ્લા થોડા દિવસથી મહેન્દ્રભાઈ પથારીવશ હતા.

તેમનાં દીકરી અંજનીબહેન અમેરિકાથી આવી ગયાં ત્યાર પછી, ભર્યાભાદર્યા પરિવારની વચ્ચે, મહેન્દ્રભાઈએ સોમા વર્ષે વિદાય લીધી.

ગુજરાતી વાચકોની રુચિ કેળવવાના-ઘડવાના ઓછા ખેડાયેલા ક્ષેત્રમાં મહેન્દ્રભાઈનું પ્રદાન લાંબા સમય સુધી યાદ રહેશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન