ગુજરાત વિધાનસભાની ચૂંટણી : ભાજપ-કૉંગ્રેસને પાછળ રાખી આપે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મહિના બાકી છે ત્યારે ભાજપ અને કૉંગ્રેસને પાછળ છોડતાં આમ આદમી પાર્ટીએ ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.

ઇમેજ સ્રોત, Twitter/AAPGujarat
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને જોઇન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ પત્રકારપરિષદમાં યાદી જાહેર કરી હતી.ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે ગોપાલિયા ઇટાલિયાએ કહ્યું, "આ કદાચ પહેલી વખત થયું છે કે ગુજરાતમાં ચૂંટણીના ચાર મહિના પહેલાં કોઈ પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી હોય."
ઉમેદવારોની યાદી વિશે તેમણે કહ્યું, "આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોની પસંદગી ગ્રામીણ તેમજ શહેરી બંને વિસ્તારોમાંથી કરવામાં આવી છે અને એસસી, એસટી, ઓબીસી, ઉત્તર ભારતીય જેવા સમાજના ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે."
ચૂંટણીના ચાર મહિના પહેલાં યાદી જાહેર કરવાનું કારણ જણાવતાં તેમણે કહ્યું, "આમ આદમી પાર્ટી ટ્રેન્ડસૅટર છે અને અમે આ નવી શરૂઆત કરી છે. આમ કરવા પાછળનું કારણ એ છે કે તેનાંથી ઉમેદવારો પોતાનાં મતક્ષેત્રોમાં જઈને લોકોને જાણી અને સમજી શકે અને લોકો પણ ઉમેદવારો વિશે જાણી અને સમજી શકે."

પ્રથમ યાદીમાં જાહેર કરાયેલા ઉમેદવારો
- ભેમાભાઈ ચૌધરી - દિયોદર બેઠક
- અર્જુન રાઠવા - છોટાઉદેપુર
- સાગર રબારી - બેચરાજી
- વશરામ સાગઠિયા - રાજકોટ ગ્રામ્ય
- શ્રીરામ ધડુક - કામરેજ બેઠક
- શિવલાલ બારસિયા - રાજકોટ દક્ષિણ
- સુધીર વાઘાણી - ગારિયાધાર
- રાજેન્દ્ર સોલંકી - બારડોલી બેઠક
- ઓમપ્રકાશ તિવારી - નરોડા
- જગમાલ વાળા - સોમનાથ બેઠક

આપની સક્રિયતા
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાને સજ્જ કરવાની શરૂઆત કરી દીધી છે. પાર્ટીના 'ચાણક્ય' મનાતા ડૉ. સંદીપ પાઠકને રાજ્યમાં પાર્ટીના પ્રભારી નિમવામાં આવ્યા છે.
પાઠકને વર્ષ 2020માં નવી દિલ્હીમાં તથા 2022 પંજાબમાં પાર્ટીની જીતની વ્યૂહરચના ઘડવાનું શ્રેય આપવામાં આવે છે. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટેરટ કરનારા પાઠક આઈઆઈટી દિલ્હીમાં સહાયક પ્રાધ્યાપક પણ છે. ડૉ. પાઠકને પંજાબના રસ્તે રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે.
આપે છોટુભાઈ વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. આના દ્વારા તે મધ્ય તથા દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પેઠ વધારવા માગે છે.
સુરત મહાનગરપાલિકામાં આપ વિપક્ષમાં છે, જ્યારે કૉંગ્રેસનું સદંતર ધોવાણ થયું છે. જોકે, અહીં તે પોતાનું ઘર સાબૂત રાખવામાં નિષ્ફળ રહી હતી અને પાર્ટીના કેટલાક કૉર્પોરેટર ચૂંટણીપરિણામોના અમુક મહિના બાદ પાર્ટી છોડી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન તેને વીસ ટકા જેટલા મત મળ્યા હતા. અમુક શહેરી વિસ્તારોમાં તેની કચેરીઓ સંગઠનાત્મક હાજરી જોવા મળે છે, પરંતુ ગ્રામ્યસ્તર સુધી તેણે પહોંચવાનું બાકી છે. આ સંજોગોમાં તે કેટલી બેઠક પર ત્રિપાંખિયા જંગની સ્થિતિ ઊભી કરી શકે છે અને તે ભાજપને વધુ નુકસાન પહોંચાડે છે કે કૉંગ્રેસને તે જોવું રસપ્રદ બની રહે.
2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ 29 બેઠક પર ચૂંટણી લડી હતી અને તમામ પર તેના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. પાર્ટીને 29 હજાર 509 મત મળ્યા હતા. જે કુલ લડેલી બેઠકો પરના માન્ય મતના 0.62 ટકા જેટલા હતા.
પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન એનઆરઆઈ સમુદાયે આપને ઉદાર હાથે ફંડ આપ્યું અને સ્થાનિકોમાં આપતરફી લોકમત ઊભો કર્યો.
બીજી બાજુ, ગુજરાતની વાત કરવામાં આવે તો અહીંનો એનઆરઆઈ સમુદાય મહદંશે ભાજપ સાથે હોય તેમ જણાય છે. હિંદુત્વ, કાશ્મીરમાંથી 370ની નાબૂદી, અયોધ્યામાં રામમંદિર, કાશી કૉરિડોર જેવા મુદ્દા તેમને આકર્ષે છે. કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, ત્યારે પણ તેઓ ભાજપ સાથે હતા.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની છાશવારે મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાતની મુલાકાતનો તેમનો ક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેટલો જ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં આપની સરકાર બને તો કેવીકેવી લાભકારી યોજનાઓ લાગુ કરાશે એની પણ જાહેરાત કરતા રહે છે.
21 જુલાઈએ સુરત આવેલા દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી, 'જો ગુજરાતમાં આપની સરકાર ચૂંટાશે તો દિલ્હી અને પંજાબની જેમ 300 યુનિટ વીજળી મફત આપશે. સાથે 24 કલાક વીજળી અને વીજબિલ માફીનો પણ વાયદો કર્યો છે.'
અગાઉ મે મહિનામાં રાજકોટમાં યોજાયેલી સભામાં કેજરીવાલે કહ્યું હતું કે, 'દિલ્હીના વરિષ્ઠ નાગરિકોને અમે 12 સ્થળોએ તીર્થયાત્રા કરાવીએ છીએ. છેલ્લાં ત્રણ વર્ષમાં મેં 50,000 વડીલોને મફતમાં તીર્થયાત્રા કરાવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી જીતશે તો ગુજરાતના વડીલોને અમે તીર્થયાત્રા કરાવીશું.'

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














