'હિન્દુ રાષ્ટ્ર' માત્ર થિયરી છે કે હકીકતમાં એનો અમલ કરાઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
છેલ્લા કેટલાક સમયથી સત્તા સાથે સંકળાયેલા જવાબદાર લોકો અને ચૂંટાયેલા જન-પ્રતિનિધિઓનાં એવાં અનેક નિવેદનો ટીવી ચૅનલો પર જોવા મળ્યાં જેને કેટલાંક વર્ષો પહેલાં સુધી લોકો અંગત વાતચીતમાં બોલવાનું પણ ટાળતા હતા.
આ બધાં નિવેદનોમાં મુસલમાનોને એમનાં પાન-પાન, રહેણીકરણી અને ધાર્મિક આયોજનો માટે નિશાન બનાવવામાં આવ્યા.
એમાં તોફાનીઓને કપડાંથી ઓળખ્યાનું નિવેદન હોય, ગોળી મારો ***ને, હાઈવે પર નમાજ પઢનારાઓનો ઉલ્લેખ હોય કે રૅશન (કરિયાણું) પહેલાં અબ્બાજાનવાળા લઈ જતા હતા જેવાં નિવેદનોનું લાંબું લિસ્ટ છે. આ પ્રકારનાં નિવેદનોની ભરમાર ચૂંટણી નજીક હોય એવા સમયે વધારે થાય છે પરંતુ એનો પ્રવાહ કદી અટકતો નથી.
ભારતમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે આઝાદી પહેલાંથી એક તિરાડ રહી છે અને સમયસમયાંતરે રમખાણો રૂપે બંને સમુદાયો વચ્ચે અથડામણ પણ થતી રહી છે. એ પણ સાચું છે કે, 2020ના દિલ્હીના રમખાણને બાદ કરતાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં કાનપુર-મુંબઈ (1992), મેરઠ (1987), રાંચી (1967), ભાગલપુર (1989) અને અમદાવાદ (2002) જેવાં ભીષણ રમખાણ નથી થયાં.
પરંતુ બંને સમુદાય વચ્ચેની તિરાડ પહેલાં કરતાં વધારે પહોળી થતી દેખાઈ રહી છે, જેની પાછળ દરરોજ ઉછાળવામાં આવી રહેલા એવા મુદ્દા છે જેનો સીધો સંબંધ દેશના મુસલમાનો સાથે છે. અહીં અમે એવા જ મુદ્દાને ધ્યાનમાં લઈ રહ્યા છીએ જે ફાટ પૂરવાના બદલે એને વધારે ઊંડી-પહોળી કરતા જાય છે.
એવું નથી કે આ બધાં નિવેદનો માત્ર રાજકીય ક્ષેત્રમાંથી આવી રહ્યાં છે, સમાજના દરેક ભાગમાં, સોશિયલ મીડિયા પર, પાર્ટીઓના પ્રવક્તાથી માંડીને વ્હૉટ્સઍપ ગ્રૂપ સાથે સંબંધ ધરાવનારાઓ વચ્ચે હિન્દુ-મુસલમાન વિવાદ સાથે જોડાયેલા મુદ્દા પર સતત વાદવિવાદ ચાલે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ક્યારેક ધર્મસંસદના નામે તો ક્યારેક ઉશ્કેરણીજનક ભાષણ આપીને, ક્યારેક માંસની દુકાનોની બાબતે, ક્યારેક પાર્ક-મૉલમાં નમાજ પઢવા બાબતે, તો ક્યારેક હિજાબ પહેરવાની બાબતે ઊહાપોહ ઊભો કરીને, તો ક્યારેક લાઉડસ્પીકરમાંથી આવતા અજાનના અવાજને મુદ્દો બનાવીને આ સિલસિલો કોઈ ને કોઈ સ્વરૂપમાં ચાલતો રહ્યો છે.
જો તમે ધ્યાન આપશો તો જોશો કે આ બધા ઉત્પાતો પાછળ મોટા ભાગે એવા લોકો છે જે માને છે કે ભારત હિન્દુઓનો દેશ છે અને અહીં બધેબધું જ એમની પસંદ-ના પસંદના ધોરણે નક્કી થશે. આ એ જ લોકો છે જેમણે થોડાં વરસો પહેલાં સૂત્રો પોકાર્યાં હતાં - 'ભારતમાં રહેવું હોય તો વંદે માતરમ્ કહેવું પડશે' કે 'જય શ્રીરામ કહેવું પડશે'. આવાં સૂત્રો રાજસ્થાનના ઉદયપુર, કરૌલીથી લઈને કર્ણાટકના હુબલી સુધી સંભળાતાં રહ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપદ્રવ-ઉત્પાતનો આ જે સિલસિલો ચાલી રહ્યો છે એમાં જો બંને પક્ષ છે તો એક પક્ષ એવું જૂથ છે જે ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જુએ છે, બીજી તરફ, દેશના મુસલમાન નાગરિકો છે.
યુપીની ચૂંટણી પહેલાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના એ નિવેદનને યાદ કરો જેમાં એમણે 80 ટકા વિરુદ્ધ 20 ટકાની લડાઈની વાત કરેલી.
જોકે એમણે પછીથી ખુલાસો કર્યો હતો કે 80 અને 20 ટકાથી એમનો મતલબ હિન્દુ અને મુસલમાન નહોતો, બલકે એમનો ઇશારો દેશભક્ત અને દેશવિરોધી શક્તિઓ તરફ હતો.
જે કંઈ પણ હોય, વીણી વીણીને એવા મુદ્દા ઉછાળવામાં આવ્યા છે જેનો હેતુ 80 ટકા હિન્દુઓના શક્તિશાળી હોવાની અનુભૂતિ કરાવે અને 20 ટકા મુસલમાનોમાં અલગાવ કે પરાયાપણાનો ભાવ ઊભો કરતા દેખાય છે.

હિન્દુ રાષ્ટ્ર

ઇમેજ સ્રોત, Getty Images
હિન્દુ ધર્મને રાજકારણના કેન્દ્રમાં લાવવાના પ્રયાસ હેઠળ વિનાયક દામોદર સાવરકરે હિન્દુત્વ શબ્દનો પ્રયોગ કર્યો હતો. 1923માં પ્રથમ વાર છપાયેલા એમના પુસ્તક 'એસેન્શિયલ્સ ઑફ હિન્દુત્વ'માં દ્વિરાષ્ટ્રવાદની દલીલો પ્રસ્તુત કરવામાં આવી, એમણે એમ પણ સાબિત કરવાની કોશિશ કરી કે હિન્દુ અને મુસલમાન પાયાના ધોરણે એકબીજાથી અલગ છે.
સાવરકરનું કહેવું હતું કે ભારત હિન્દુઓની પિતૃભૂમિ અને પુણ્યભૂમિ છે, જ્યારે મુસલમાનો અને ખ્રિસ્તીઓની પુણ્યભૂમિ ભારત નથી, કેમ કે એમનાં તીર્થ ભારતની બહાર છે. ઘણા લોકો એમ પણ માને છે કે હિન્દુત્વ શબ્દને સાવરકરે નહોતો બનાવ્યો પરંતુ એમણે એની વિસ્તારથી એક નવી વ્યાખ્યા કરી.
ઘણા ઇતિહાસકાર એમ માને છે કે આરએસએસનું 'હિન્દુ રાષ્ટ્ર' અને સાવરકરનું 'હિન્દુ રાષ્ટ્ર' એક નથી.
'હિન્દુ રાષ્ટ્ર'ની પરિકલ્પના પાછળ આરએસએસનો શો દૃષ્ટિકોણ છે એનું વિસ્તૃત વર્ણન આરએસએસના સંસ્થાપક ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારના જીવનચરિત્રમાં મળે છે. 1925માં વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નાગપુરમાં સ્થાપના થઈ હતી પરંતુ એ વિચાર પર કામ તો પહેલાંથી શરૂ થઈ ગયું હતું.
1925નાં ત્રણચાર વર્ષ પહેલાંથી જ નાગપુરના વાતાવરણમાં હિન્દુ-મુસલમાન ઝઘડા સામાન્ય હતા. આરએસએસની વેબસાઇટ પર ઉપલબ્ધ 'નાગપુર રમખાણની કહાણી'માં એ વાતનો ઉલ્લેખ મળે છે. એમાં લખ્યું છેઃ
"1924થી નાગપુરમાં મુસલમાનોનો આર્થિક બહિષ્કાર થવાના કારણે એમનો પારો ચઢેલો હતો. એમના દુરાગ્રહની ચિંતા કર્યા વગર સતરંજીપુરા, હંસાપુરી અને જુમ્મા મસ્જિદોની સામે હિન્દુઓની ઢોલ-નગારાં સાથેની શોભાયાત્રાઓ નીકળતી રહેતી હતી."
ભારતમાં આજે જ્યારે હનુમાન જયંતી, રામનવમીની શોભાયાત્રાઓમાં હિંસાના સમાચારો મળી રહ્યા છે ત્યારે કદાચ ઘણા બધા લોકોને ખબર નહીં હોય કે આવી શોભાયાત્રાઓની પરંપરા ગઈ સદીથી ચાલી આવે છે. પહેલાં પણ આવી શોભાયાત્રાઓ મસ્જિદોના વિસ્તારોમાંથી પસાર કરવામાં આવતી હતી. એ સમયથી જ લોકો એમાં લાઠી-ડંડા લઈ જતા રહ્યા છે.
એ જ આર્કાઇવમાં આગળ લખ્યું છે, "આ કારણે મુસલમાનોએ હિન્દુઓને વિવિધ પ્રકારે સતાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા. એકલદોકલ હિન્દુ મળી ગયા તો એને પકડીને માર મારતા હતા તથા હિન્દુ મહોલ્લાઓમાંથી છોકરીઓને ભગાડીને લઈ જતા હતા."
આવા જ બે મુસલમાનોના ડરથી ભાગી રહેલા એક હિન્દુને રોકીને ડૉ. હેડગેવારે પૂછ્યું, "કેમ ભાગી રહ્યા છો?" એણે હાંફતાં જવાબ આપ્યો, "બે મુસલમાન મારવા માટે આવ્યા. એકલો હતો. શું કરું? ભાગીને જીવ બચાવ્યો."
આ પ્રકારની ઘટનાઓ જણાવતાં સમયે ડૉ. હેડગેવાર કહેતા હતા કે લોકોના મનમાંથી હીન ભાવ અને ભયને કાઢવામાં આવે. આત્મવિશ્વાસથી હીનતાને દૂર કરવી છે અને હિન્દુઓના મનમાં 'હું'ના સ્થાને 'અમે પાંત્રીસ કરોડ'ની રાષ્ટ્રીય અસ્મિતાનો ભાવ જન્માવવો જોઈએ.
ટૂંકમાં કહીએ તો, હિન્દુઓમાં આ કથિત હીન ભાવનાને ખતમ કરીને 'ગર્વ'ના ભાવ ભરવાની સમગ્ર કહાણીનું નામ જ મિશન 'હિન્દુ રાષ્ટ્ર' છે, જેનો ઉદ્દેશ હિન્દુઓને મુસલમાનોની સામે શક્તિશાળી અનુભૂતિ કરાવવાનો છે. આરએસએસના 'હિન્દુ રાષ્ટ્ર'ની પરિકલ્પના પણ આ જ છે.

મુસલમાનોમાં ડર

ઇમેજ સ્રોત, Getty Images
આજે ભારતમાં હિન્દુઓની વસ્તી 95 કરોડથી વધારે છે પરંતુ આરએસએસના સંસ્થાપક હિન્દુઓમાં જે પ્રકારના ડરની વાત કરતા રહ્યા હતા, હવે ઘણા મુસલમાન એ જ ડરની ફરિયાદ કરવા લાગ્યા છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ 'ડર' ભારતના મુસલમાનોમાં જન્મ્યો છે. એની રીતો જુદી જુદી રહી છે.
કર્ણાટકમાં હિજાબ વિવાદથી ચર્ચામાં આવેલાં મુસ્કાને પણ આ ડરનો ઉલ્લેખ બીબીસી સાથેની વાતચીતમાં કર્યો હતો. મુસ્કાને ત્યારે કહેલું, "હું હિજાબમાં કૉલેજ ગઈ તો મને હિજાબ કાઢી નાખવા માટે કહેવાયું. મને ડરાવી રહ્યા હતા એ લોકો. મારી પહેલાં ચાર છોકરીઓને તો લૉક જ કરી દીધી હતી. જ્યારે હું ડરી જાઉં છું ત્યારે અલ્લાહનું નામ લઉં છું."
આવી જ બીક દિલ્હીના જહાંગીરપુરીના મુસલમાનોમાં પણ જોવા મળે છે. જહાંગીરપુરીમાં હનુમાનજયંતીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં હિંસા પછીથી એક ઘર પર તાળું લટકે છે. ઘરમાં રહેનાર મુસ્લિમ વ્યક્તિ વિશે છેલ્લા બે-ત્રણ મહિનાથી કંઈ ખબર નથી.
તે ક્યાં ગઈ કે ક્યારે પાછી ફરશે એ પણ કોઈને ખબર નથી. જાણ છે તો માત્ર એમની કહાણીની. પડોશીઓ કહે છે કે, "અહીં 'તેઓ' ભાડે રહેતા હતા. ચિકન સૂપની લારી ચલાવતા હતા, પરંતુ ડરના લીધે ભાગી ગયા."
મધ્ય પ્રદેશના ખરગોનમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ અને એ બાદ લોકોનાં ઘરો અને દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયાં. ખરગોનની ખસખસવાડીનાં હસીના ફખરૂના જે મકાનને તોડી પડાયું તે ઘર એમને વડા પ્રધાન આવાસ યોજના અંતર્ગત મળ્યું હતું. તેમણે ડર અને ગુસ્સામાં કહ્યું, "વહીવટી તંત્રએ ઘર જ કેમ તોડ્યું, અમને મારી જ નાખવા હતાં."
નવરાત્રીમાં જબરજસ્તી મીટની દુકાનો બંધ કરાવવા બાબતે આવા જ 'ડરનો એકરાર' વેપારીઓએ કર્યો. જ્ઞાનવાપી મસ્જિદમાં કથિત શિવલિંગ મળ્યાથી આવી જ બીકનો એકરાર બનારસમાં જુમ્માની નમાજ પઢનારાઓએ પણ કર્યો.

નૂપુર શર્માએ મહમદ પયગંબર પર કરેલા નિવેદન પછી જ્યારે ભારતનાં જુદાં જુદાં શહેરોમાં વિવાદ વધી ગયો અને ઘણાં શહેરોમાં જુમ્માની નમાજ પછી 11 જૂને હિંસા થઈ, ત્યાર બાદ, બીજા દિવસે ઉત્તર પ્રદેશનાં ઘણાં શહેરોમાં પણ લોકોનાં ઘર બુલડોઝરથી તોડવામાં આવ્યાં.
પ્રયાગરાજનાં તોફાનોમાં જે જાવેદને માસ્ટરમાઇન્ડ ગણાવાયા, એમનું ઘર પણ બુલડોઝરથી ધ્વસ્ત કરી દેવાયું. જાવેદ નામની એ વ્યક્તિનાં પુત્રી અને પત્નીએ પણ આ જ 'ડર'નો ઉલ્લેખ કર્યો.
આ તમામ નામો પર ધ્યાન આપીએ તો કેટલીક વાતો કૉમન છે - આ બધાં 'ડરેલા' લોકો મુસલમાન છે. મોટા ભાગના કેસમાં ડરનો આ માહોલ ભાજપશાસિત રાજ્યોમાં છે.
એમ તો એક સત્ય એ પણ છે કે રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્ર જેવાં બિનભાજપશાસિત રાજ્યોમાં પણ ડરનું વાતાવરણ છે.
બીજી એક સચ્ચાઈ એ પણ છે કે માત્ર મુસલમાનોનાં ઘર પર જ બુલડોઝર નથી ફેરવાયાં, ઘણા હિન્દુઓનાં ઘરો અને દુકાનોને પણ નિશાન બનાવાયાં છે.
આ ઘટનાઓમાં એક પૅટર્ન એવી પણ છે કે બધા મામલાને ધર્મ સાથે સાંકળવામાં આવ્યા અને સમગ્ર મામલો સાંપ્રદાયિક બની ગયો. અલગ-અલગ રાજ્યોનાં સ્થાનિક ન્યાયાલયોમાંથી કેસ સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચ્યો. કોર્ટનો નિર્ણય અરજી કરનારાઓ (જે મોટા ભાગના કેસમાં મુસલમાન હતા.)ના પક્ષમાં ના આવ્યો.
કાશ્મીર અને સાવરકર પર ચર્ચિત પુસ્તકો લખનારા અશોકકુમાર પાંડેએ કહ્યું કે, "હિન્દુ રાષ્ટ્રનો આખો કન્સેપ્ટ જ 'મુસ્લિમ હેટ' પર ટકેલો છે. સંઘે હંમેશાં પોતાના બે દુશ્મન ગણાવ્યા છે - એક મુસલમાન અને બીજા કમ્યુનિસ્ટ. કમ્યુનિસ્ટ તો એવી સ્થિતિમાં નથી કે કંઈ વધારે કરી શકે. મુસલમાન સૌથી આસાન લક્ષ્ય દેખાય છે. આસાનીથી ઓળખાઈ જાય છે."
અશોકકુમાર પાંડેએ કહ્યું, "આ ડરના કારણે એક તરફ મુસલમાન સમુદાયમાં એકતા આવે છે અને બીજી તરફ હિન્દુ એકતાની પણ વાત થાય છે જે વાસ્તવમાં વોટ બૅન્ક છે. આ જ ધ્રુવીકરણ છે જેનો ચૂંટણીલક્ષી લાભ લેવામાં આવે છે. સાંપ્રદાયિક કેસમાં નિશાન પર મુસલમાન જ છે. જનતાને જનતા સાથે લડાવી દેવાઈ છે. આ હિન્દુઓના એ જૂથને ખુશ કરે છે જેમની અંદર બદલાની ભાવના ભરવામાં આવી છે."
"મુસલમાનો સામે નફરત કે બદલાની ભાવનાનો રાજકીય લાભ લેવાનું સંઘની સ્થાપનાના સમયથી કે એનાથી પણ પહેલાંથી ચાલ્યું આવતું હતું પરંતુ આ કામને સુનિયોજિત રીતે કરવા માટે સત્તામાં હોવું જરૂરી છે. સત્તામાં નહીં રહીએ તો કઈ રીતે કરી શકીશું? સત્તાની છત્રછાયા વગર બુલડોઝર કઈ રીતે ફેરવી શકાય? સત્તા તો તમને રોકશે. આ કારણે એમની ઇચ્છા પહેલેથી હોઈ શકે છે, પરંતુ એનો અમલ તો ત્યારે થશે જ્યારે સત્તા હશે."
અશોકકુમાર પાંડેના વોટ બૅન્કવાળા તર્કનું પણ વિશ્લેષણ કરીશું પરંતુ પહેલાં એક નજર નાખીએ ડરનાં પ્રતીકો પર.

હિન્દુ હોવાનું મુખર સાર્વજનિક પ્રદર્શન
મુસલમાનોના ડર ઉપરાંત આ ઘટનાઓને જોવાનો બીજો એક દૃષ્ટિકોણ પણ છે, તે છે હિન્દુ હોવાના ગર્વનો.
આજે ભારતના હિન્દુઓનું એક જૂથ પોતે હિન્દુ હોવાનું સાર્વજનિક પ્રદર્શન મુખર થઈને કરી રહ્યું છે, પરંતુ આ નવું નથી. 1990ના દાયકાની શરૂઆતમાં વિશ્વ હિન્દુ પરિષદે સૂત્ર આપેલું - 'ગર્વ સે કહો, હમ હિન્દુ હૈ.'
ભલે ને ધર્મસંસદનું આયોજન જ હોય કે પછી તમામ તહેવારોએ શોભાયાત્રા કાઢવાનું કે ખાનપાન પર બબાલ કે હિજાબ પર સવાલ, ઇતિહાસને બદલવો કે પછી મંદિર-મસ્જિદ વિવાદ - આ લિસ્ટ લાંબું છે.

શું આ બધું 'હિન્દુ રાષ્ટ્ર'ની પરિકલ્પનાના કારણે થઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, MONEY SHARMA
વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "હિન્દુ રાષ્ટ્રની અમારી અવધારણા (કલ્પના) સાંસ્કૃતિક છે, નહીં કે કોઈ રાજ્યની. વીએચપી એવું નથી ઇચ્છતી કે ભારત હિન્દુ ધર્મનું રાજ્ય થઈ જાય કે પછી ભારતમાં મુસલમાન કે ખ્રિસ્તીના નાગરિક અધિકારો ઓછા થઈ જાય. ભારતની પરંપરા, ભારતનું ચિંતન, ભારતનો ઇતિહાસ - આ બધાંથી જે વિશિષ્ટતા જન્મી છે તે હિન્દુ છે. તે સર્વસમાવેશી છે, તે કોઈને બાકી નથી રાખી મૂકતી, અલગ નથી કરતી. આ સંદર્ભમાં ભારત 'હિન્દુ રાષ્ટ્ર' છે, હતું અને રહેશે."
આલોકકુમારના આ નિવેદનને ઉડુપીમાં હિજાબ પહેરનારાં મુસ્કાન, ખરગોનનાં હસીના ફખરૂ, જહાંગીરપુરીનાં સાહિબા કે પ્રયાગરાજના જાવેદનાં પુત્રીના ડરવાળા નિવેદન સાથે જોડીને જોઈએ તો પ્રશ્ન ઊભો થાય છે કે આ 'સમાવેશી' હિન્દુ રાષ્ટ્રના કન્સેપ્ટમાં એમની જગ્યા ક્યાં છે?
બુલડોઝરનો ઉપયોગ, મંદિર-મસ્જિદ વિવાદ, હિજાબ સામે પ્રશ્ન, નવરાત્રીમાં માંસ ખાવા સામે પાબંદી, શોભાયાત્રાઓમાં હિંસા, લિસ્ટ આટલે જ પૂરું નથી થતું. આ મુસલમાનોમાં ભય ઊભો કરવાનાં ઉદાહરણ બની ગયાં છે.
છેલ્લા એક વર્ષના સમાચારોમાં ટાઇમલાઇન આવી જ ઘટનાઓથી છવાયેલી રહી છે.

ઇમેજ સ્રોત, BBC/VARSHA SINGH
- ડિસેમ્બરમાં હરિદ્વારની ધર્મસંસદ
- ફેબ્રુઆરીમાં કર્ણાટકમાં હિજાબ પહેરેલી યુવતી સામે કૉલેજમાં હોબાળો
- માર્ચમાં ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ઐતિહાસિક જીતનો બુલડોઝર પર ઉત્સવ
- એપ્રિલમાં દિલ્હીમાં માંસ પર પ્રતિબંધની વાત
- મેમાં લાઉડસ્પીકર વિવાદ અને રામનવમી, હનુમાન જયંતી, ઈદમાં શોભાયાત્રાઓમાં બબાલ, નૂપુર શર્માનું નિવેદન
- જૂનમાં જ્ઞાનવાપીનો સરવે અને ફુવારા-શિવલિંગનો વિવાદ, પછી શુક્રવારની હિંસા અને દેખાવો કરનારાઓને ત્યાં બુલડોઝરની કાર્યવાહી
- જુલાઈમાં ઉદયપુરમાં એક હિન્દુ દરજીનું ગળું કાપી નાખવાની ઘટના અને ત્યાર બાદ મહાકાળી માતાના પોસ્ટર અંગેનો વિવાદ
છેલ્લા લગભગ એક વર્ષથી દર મહિને ભારતના કોઈ ને કોઈ શહેરમાંથી આવા સમાચાર આવતા રહ્યા છે, આ બધી ઘટનાઓનું પરિણામ એક જ છે, હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે અલગાવ વધારવો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશ્વનું સૌથી મોટું સ્વયંસેવક સંગઠન છે, વીએચપી એનું આનુષંગી સંગઠન છે અને ભારતની વર્તમાન કેન્દ્ર સરકારના વડા નરેન્દ્ર મોદી સહિત ઘણા મંત્રીઓ આરએસએસ સાથે જોડાયેલા રહ્યા છે.
આ કારણે, વર્તમાનની ભાજપ સરકાર પર આ બંને સંગઠનોની સાંસ્કૃતિક મહત્ત્વાકાંક્ષાને રાજકીય સ્વરૂપમાં આગળ ધપાવવાનો આરોપ થતો રહ્યો છે.
આ વાતનો વીએચપી અને આરએસએસ બંને સ્વીકાર પણ કરે છે. એવું માનવામાં આવે છે કે 'હિન્દુ રાષ્ટ્ર' અને 'હિન્દુ અસ્મિતા' સાથે જોડીને દેશમાં જે કંઈ બની રહ્યું છે એને સરકાર અને સંઘ બંનેનું સંરક્ષણ પ્રાપ્ત છે.
આલોકકુમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ભારતની વર્તમાન સરકારના મનમાં હિન્દુત્વ માટે પ્રેમ છે."
બીજી તરફ, હિન્દુત્વ, જેને ઓવૈસી અને રાહુલ ગાંધી જેવા નેતા 'મુસલમાનો પર વધી રહેલા અત્યાચાર' પાછળનું મૂળ કારણ ગણાવે છે, તેથી સવાલ ઊભો થાય છે કે વીએચપી અને આરએસએસની 'હિન્દુ રાષ્ટ્ર'ની કલ્પનામાં મુસલમાનનું સ્થાન શું છે?
આ બાબતે આલોકકુમારે કહ્યું, "મુસલમાન અને ખ્રિસ્તી જ્યાં જ્યાં ગયા છે તેમણે ત્યાં ત્યાંના ભૌગોલિક સ્વભાવ અનુસાર કંઈક ને કંઈક પરિવર્તન અને સુધારો કર્યો છે. જેમ કે, દરેક જગ્યાનું ખ્રિસ્તીપણું એકસરખું નથી હોતું, તેથી અમે માનીએ છીએ કે ભારતમાં પણ બંને ધર્મમાં માનનારાઓએ એવું કરવું જોઈએ."
તેમણે કહ્યું, "બધા વિચારોની સ્વીકૃતિ અને કોઈના પર કશો વિચાર ન લાદવો, આ 'સંશોધન' (સુધારા) સાથે ભારતમાં નાગરિક તરીકે મુસલમાનો અને ખ્રિસ્તીઓને સરખેસરખો હક છે. એવું ભારતના બંધારણમાં પણ છે. આપણા મનમાં પણ છે અને આપણી સહમતીથી છે."
આ જ 'સંશોધનો'ને પ્રાપ્ત કરવાની રીત શું ધર્મસંસદ અને ઉશ્કેરણીજનક ભાષણ છે? શું 'સંશોધન' મુસલમાનોનાં ઘર પર 'બુલડોઝર' ફેરવીને કરી શકાય છે? શું મુસલમાનોના 'ભોજન અને પહેરવેશ પર પહેરો' લગાડીને કે 'મંદિર-મસ્જિદ વિવાદ' ઊભો કરીને સંશોધન કરી શકાય છે?
એક પછી એક કરીને ગયા વર્ષની કેટલીક ઘટનાઓ પર નજર નાખીએ.

ધર્મસંસદ

ઇમેજ સ્રોત, Hindustan Times
ગયા વર્ષે ડિસેમ્બરમાં હરિદ્વારમાં એક ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુસલમાનો વિશે ઘણાં ઉશ્કેરણીજનક ભાષણો કરવામાં આવ્યાં.
હરિદ્વાર પછી ચાલુ વર્ષે દિલ્હી, રાયુપર અને રુરકીમાં ભરાયેલી ધર્મસંસદોમાં બીજા ધર્મો વિરુદ્ધ વિષ ભરેલી વાતો કહેવામાં આવી.
હરિદ્વાર ધર્મસંસદના વીડિયોમાં નેતા ધર્મની રક્ષા માટે શસ્ત્ર ઉપાડવા, કોઈ મુસલમાનને વડા પ્રધાન ન બનવા દેવા, મુસ્લિમ વસ્તી વધવા ન દેવા સમેત ધર્મની રક્ષાના નામે વિવાદિત ભાષણ આપતા નજરે પડ્યા.
ત્યાંની ધર્મસંસદના સ્થાનિક આયોજક અને પરશુરામ અખાડાના અધ્યક્ષ પંડિત અધીર કૌશિકે કહેલું, "છેલ્લાં સાત વર્ષોથી આ પ્રકારની ધર્મસંસદનું આયોજન કરવામાં આવે છે. આની પહેલાં દિલ્હી, ગાઝિયાબાદમાં પણ આવી ધર્મસંસદ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ 'હિન્દુ રાષ્ટ્ર' બનાવવાની તૈયારી કરવાનો છે. એના માટે શસ્ત્ર ઉપાડવાની જરૂર પડી તો તે પણ ઉઠાવીશું."
ભલે આ વિવાદિત ધર્મસંસદોનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ ના કર્યું હોય, પરંતુ ભારતમાં ધર્મસંસદ શરૂ કરવાનું શ્રેય વીએચપીને મળે છે.
વીએચપીનું કહેવું છે કે એનો ઉદ્દેશ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો, હિન્દુ ધર્મની રક્ષા કરવાનો અને સમાજની સેવા કરવાનો છે.
પહેલી ધર્મસંસદ વિશે નીલાંજન મુખોપાધ્યાયના પુસ્તક 'ડિમોલિશન ઍન્ડ ધ વર્ડિક્ટ'માં લખ્યું છે, "ધર્મસંસદના ઇતિહાસમાં ખાંખાંખોળાં કરીએ તો વર્ષ 1981માં આ પ્રકારનો પહેલો ઉલ્લેખ મળે છે."
1981માં તામિલનાડુના મીનાક્ષીપુરમ્માં 200 દલિત પરિવારોએ ફેબ્રુઆરી મહિનામાં સામૂહિક રીતે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. એ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓએ એક કેન્દ્રીય માર્ગદર્શક મંડળની સ્થાપના કરી, જેમાં હિન્દુ ધર્મ અનુસાર 39 ધર્મગુરુ સામેલ હતા. આગળ જતાં વીએચપીએ આ મંડળનું વિસ્તરણ કર્યું, જેની પહેલી સભા બે વર્ષ પછી મળી અને એને 'ધર્મસંસદ' એવું નામ અપાયું.
નીલાંજન મુખોપાધ્યાયે લખ્યું છે કે નામમાં સંસદ શબ્દનો ઉપયોગ ખૂબ વિચારણા પછી ભારતીય સંસદની રૂપરેખાના આધારે કરવામાં આવ્યો હતો. આ પ્રકારની સંસદનો હેતુ હિન્દુ સમાજને ધાર્મિક નેતૃત્વ આપવાનો હતો.
વર્ષ 1983માં વીએચપીએ એક રીતે અયોધ્યા આંદોલનનું સૂત્ર પોતાના હાથમાં લઈ લીધું હતું. 1984 આવતાં આવતાં કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સભ્યોની સંખ્યા 200 નજીક પહોંચી ગઈ હતી. એપ્રિલ મહિનામાં દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એમની પહેલી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ ધર્મસંસદ ઐતિહાસિક હતી. આ જ ધર્મસંસદમાં રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ત્યાર બાદ બીજી ધર્મસંસદનું આયોજન 31 ઑક્ટોબરથી 1 નવેમ્બર, 1985 દરમિયાન ઉડુપીમાં કરવામાં આવ્યું હતું. આ વખતના પ્રસ્તાવોમાં એક માગણી એવી પણ હતી કે રામ જન્મભૂમિ, કૃષ્ણ જન્મસ્થાન અને કાશી વિશ્વનાથ પરિસરને તત્કાલ હિન્દુ સમાજને સોંપી દેવામાં આવે.
વીએચપીએ 2007 સુધીમાં 11 ધર્મસંસદનું આયોજન કર્યું. ત્યાર બાદથી આ ધર્મસંસદોમાં ઉશ્કેરણીજનક ભાષણોનો સિલસિલો થોડો અટકી ગયો.
પછી ધર્મસંસદનો અવાજ ફેબ્રુઆરી 2019માં જ સાંભળવા મળ્યો જ્યારે વીએચપીએ છેલ્લી વાર ધર્મસંસદનું આયોજન કર્યું હતું. એમાં એરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ ગયા હતા અને રામમંદિર બનાવવાની વાત કરી હતી.
2019માં જ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો હતો. મંદિરનિર્માણનો માર્ગ ખૂલી ગયો.
વચ્ચેના ગાળામાં ધર્મસંસદોનો અવાજ મંદ પડવો અને ફરીથી તીવ્ર થવા બાબતે આલોકકુમારનું કહેવું છે, "જ્યારે સમાજની સામે કોઈ મહત્ત્વપૂર્ણ વિષય હોય છે ત્યારે અમે ધર્મસંસદ યોજીએ છીએ, નહીંતર માર્ગદર્શક મંડળ વર્ષમાં બે વાર મળે છે અને નિર્ણયો કરે છે."

શોભાયાત્રા

ઇમેજ સ્રોત, Getty Images
ઘણી વાર ઘણી બાબતો ધર્મસંસદથી અલગ, બીજાં ધાર્મિક આયોજનોમાં પણ અટવાઈ જતી હોય છે. જેમ કે, ચાલુ વર્ષના એપ્રિલમાં ભારતના ઘણા વિસ્તારોમાં રામનવમી, હનુમાન જયંતીએ શોભાયાત્રાઓમાં જોવા મળ્યું અને રાજસ્થાનમાં ઈદના પર્વ પ્રસંગે જોવા મળ્યું.
ભારતમાં કેટલીક વિપક્ષ પાર્ટીઓના નેતાઓને રામનવમી અને હનુમાન જયંતીના પ્રસંગે શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસામાં મુસલમાનો વિરુદ્ધનું એક ષડ્યંત્ર દેખાય છે, તો સામે, વીએચપીને એમાં મુસલમાનોનું ષડ્યંત્ર દેખાય છે.
વીએચપીના આલોકકુમારે કહ્યું કે, "રામનવમી દરમિયાન શોભાયાત્રાઓ પર દેશનાં અનેક શહેરોમાં એક જ રીતે હુમલા કરવામાં આવ્યા. એને હું એક પૅટર્ન માનું છું, કેમ કે એની વિધિ અને પ્રકાર એક હતાં. મસ્જિદોમાં ઈંટોના ટુકડા, પથ્થર, બાટલીઓ, હથિયાર એકઠાં કરવામાં આવ્યાં હતાં અને ત્યાંથી નીકળનારી શોભાયાત્રા પર તે ફેંકવામાં આવ્યાં. આ દુર્ભાગ્યપૂર્ણ હતું."
જોકે, જહાંગીરપુરીમાં રહેનારા મુસલમાન આ દાવાને ખોટો ગણાવે છે, તેઓ કહે છે કે શોભાયાત્રા ફરીને વારંવાર મસ્જિદની સામે આવતી હતી અને ઉશ્કેરણીજનક સૂત્રો પોકારાતાં હતાં.
દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતીની શોભાયાત્રાનું આયોજન વીએચપીએ જ કર્યું હતું.
શોભાયાત્રાના ઇતિહાસની વાત કરીએ તો 1920ના દાયકામાં પણ એનો ઉલ્લેખ મળે છે, જ્યારે નાગપુરની મસ્જિદોની સામેથી ઢોલ-નગારાં સાથે આવી યાત્રાઓ નીકળતી હતી. એ દરમિયાન પણ શોભાયાત્રામાં લાઠી-ડંડા સાથે રાખવાનું ચલણ હતું. આજે એમાં તલવારો પણ સામેલ થઈ ગઈ છે.
શોભાયાત્રાઓમાં હિંસાના ચલણને ધર્મ સાથે સંકળાયેલા ઘણા જાણકાર નવો ટ્રેન્ડ માને છે.

અજાન, લાઉડસ્પીકર અને હનુમાનચાલીસા

બનારસસ્થિત સંકટમોચન મંદિરના મહંત ડૉક્ટર વિશ્વમ્ભરનાથ મિશ્રે કહ્યું છે, "શોભાયાત્રાનું હાલનું જે સ્વરૂપ છે તે બિલકુલ નવું છે. આ પ્રકારની શોભાયાત્રાઓનું ચલણ એટલા માટે વધી રહ્યું છે કેમ કે હાલના સમયે દરેક વ્યક્તિ પોતાને ધાર્મિક દેખાડવાની હોડમાં છે. જો તમે ખરેખર ધાર્મિક છો અને ઉપાસક છો તો તમારે ઘોંઘાટ કરીને ઈશ્વરની ઉપાસના કરવાની જરૂર નથી. ભગવાન અને ભક્તનો સંવાદ ખૂબ જ અંગત વસ્તુ છે. એ દેખાડાની વસ્તુ નથી."
એવું નથી કે આ 'દેખાડો' માત્ર હિન્દુઓમાં જ થઈ રહ્યો છે. ઈદના પ્રસંગે પણ આવું ચલણ વધી રહ્યું છે.
ઈદના પ્રસંગે બિન-ભાજપશાસિત રાજ્ય રાજસ્થાનના કરૌલીમાં પણ હિંસા થઈ. રાજસ્થાનનું જોધપુર શહેર હંમેશાં શાંતિપૂર્ણ મનાતું રહ્યું છે. 1992માં જ્યારે દેશના તમામ વિસ્તારોમાં સાંપ્રદાયિક હિંસા વ્યાપી હતી ત્યારે પણ જોધપુરમાં કોઈ અનિચ્છનીય ઘટના નહોતી બની, પરંતુ આ વખતે ઈદના પ્રસંગે મૂર્તિ અને ઝંડાની સજાવટથી શરૂ થયેલો વિવાદ સાંપ્રદાયિક હિંસામાં ફેરવાઈ ગયો, અને વાત કર્ફ્યૂ સુધી વધી ગઈ.
બનારસમાં જ શ્રીકાશી જ્ઞાનવાપી મુક્તિ આંદોલને ઘોષણા કરી કે તે દર વખતે બરાબર અજાનના સમયે લાઉડસ્પીકર પર દિવસમાં પાંચ વાર હનુમાનચાલીસાનો પાઠ કરશે.
ઈદની પહેલાં મહારાષ્ટ્રમાં પણ વિવાદ ચાલી રહ્યો હતો. અહીં લાઉડસ્પીકર દ્વારા થતા અજાનના અવાજની બાબતે વિવાદ શરૂ થયો. એ જ સમયે ઉત્તર પ્રદેશમાં લાઉડસ્પીકરો પર થઈ રહેલી કાર્યવાહીથી ઉત્સાહિત થઈને મહારાષ્ટ્રમાં પણ મસ્જિદો પરથી લાઉડસ્પીકર ઉતારવાની જીદ કરવામાં આવી.
અજાન લાઉડસ્પીકરનો વિવાદ હનુમાનચાલીસા સુધી પહોંચ્યો જેમાં મહારાષ્ટ્રનાં એક સાંસદે જેલમાં પણ જવું પડ્યું.
વરિષ્ઠ પત્રકાર અને લેખક નીલાંજન મુખોપાધ્યાયે કહ્યું કે, "જો આ બધી રીતો અને પ્રતીકોનું સાચું તર્કસંગત વિશ્લેષણ કરવામાં આવે તો જાણવા મળશે કે આ બધાની શરૂઆત રામ જન્મભૂમિ આંદોલનની સાથે થાય છે. આ બધાનાં મૂળમાં એક જ દાવો છે કે મુસલમાન ભારતને પોતાનો દેશ નથી માનતા. આ એમનો દેશ નથી. જો એમણે ભારતમાં રહેવું હોય તો હિન્દુના જેવા બનીને રહેવું પડશે."
નોંધવા જેવી બાબત છે કે, રામ જન્મભૂમિ આંદોલનમાં શરૂઆતથી અંત સુધી આરએસએસ અને વીએચપીનો હાથ રહ્યો છે અને એ વાતે બંને સંગઠન આજે પણ ગર્વ કરે છે.

બુલડોઝર

બીબીસી સાથેની વાતચીતમાં નીલાંજન આ પ્રતીકો અને એના દ્વારા અપાતા સંદેશ વિશે પણ વાત કરે છે.
તેમણે કહ્યું કે, "નવાં નવાં પ્રતીકો બનાવવામાં આવે છે, જે હિન્દુઓના જૂથને ગમે છે. એમને કહેવામાં આવી રહ્યું છે કે મુસલમાન લોકો એમની વિરુદ્ધ છે. આ પ્રતીકોમાં ગાય છે, વંદે માતરમ્ છે, મંદિર છે, લાઉડસ્પીકર પર હનુમાનચાલીસા છે."
"આ જ રીતે બુલડોઝર આજની તારીખે શક્તિશાળી શાસનવ્યવસ્થાનો પર્યાય બની ગયું છે. સંદેશ અપાઈ રહ્યો છે કે હવે અમારી સત્તા છે. સત્તાની તાકાતનો ઉપયોગ કરવા માટે કાયદાકીય આધારની કશી જરૂર નથી."
એમ તો ભારતના રાજકારણમાં જે બુલડોઝરની ચર્ચા જોરશોરથી થઈ રહી છે એના ઇતિહાસને તપાસીએ તો ખબર પડે છે કે હથિયાર તરીકે બુલડોઝરનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયો હતો.
અમેરિકન સેનાના અધિકારી કર્નલ કે.એસ. ઍન્ડરસને 'બુલડોઝરઃ એન એપ્રિસિયેશન' શીર્ષકથી એક નિબંધમાં લખ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એના ઉપયોગનો ઉલ્લેખ કરતાં એમણે લખ્યું, "યુદ્ધ માટે ઉપયોગમાં લેવાનારાં તમામ હથિયારોમાં આને સૌથી આગળ ઊભેલું જોઈએ છીએ."
આજના સમયમાં જોઈએ તો, બુલડોઝરનો ઉપયોગ એક રીતે 'યુદ્ધ'માં જ થઈ રહ્યો છે - બસ, અહીં શત્રુ બદલાઈ ગયા છે.
'આઉટલુક' પત્રિકામાં વરિષ્ઠ પત્રકાર આશુતોષ ભારદ્વાજે તાજેતરમાં જ ભારતમાં બુલડોઝરના ઉપયોગ વિશે લેખ લખ્યો છે. લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જે 58 રેલીઓમાં બુલડોઝર શબ્દનો ઉપયોગ કર્યો, પાર્ટીએ એ બધી સીટો પર જીત મેળવી.
પસંદગીના લોકોનાં ઘરો અને દુકાનોને બુલડોઝરથી તોડી પાડવાના સરકારી આદેશ બાબતે હિન્દુઓના એક જૂથમાં ઉત્સાહ સ્પષ્ટ જોઈ શકાય છે, ચૂંટણીમાં જીત પછી ઘણા લોકો વિજય સરઘસમાં રમકડાનું બુલડોઝર લઈને નાચતા દેખાયા અને યોગી આદિત્યનાથને 'બુલડોઝરબાબા' તરીકે પોકારવામાં આવ્યા.
નીલાંજન મુખોપાધ્યાયે કહ્યું કે બુલડોઝર આજે શક્તિશાળી શાસનવ્યવસ્થાનું પ્રતીક બની ગયું છે, જ્યાં એના ઉપયોગ માટે ન્યાયાલયના આદેશની જરૂર નથી પડતી.

હિજાબ વિવાદ

જોકે પ્રતીકોના સહારે મુસલમાનોમાં ડર અને હિન્દુ હોવા સંબંધે ગર્વની બાબતમાં જ્યારે જ્યારે વિવાદ થયો, કેસ ન્યાયાલયમાં ગયો.
ન્યાયાલયની વાતે આલોકકુમારે કહ્યું કે, "હિજાબની બાબતમાં કોર્ટમાં કોણ ગયું? મુસ્લિમ પક્ષ ગયો. તમે કોર્ટ પાસે રિલીફ માગો, કોર્ટ રિલીફ આપી દે તો આનંદ મનાવો અને કોર્ટ રિલીફ ના આપે તો તમે કહો કે અમે નહીં માનીએ. આ તો તાર્કિક વાત નથી."
"વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં શું થયું? સરવેનો ઑર્ડર થયો. ઇન્તેજામિયા કમિટી હાઈકોર્ટમાં ગઈ. એમની અરજી ડિસમિસ થઈ ગઈ."
"ઉશ્કેરણીજનક ભાષણનો મામલો પણ કોર્ટમાં ગયો. હું હેટ સ્પીચની વિરુદ્ધ છું. હેટ સ્પીચ હિન્દુ ધર્મની બિલકુલ વિરુદ્ધ છે. અને હેટ સ્પીચની બાબતમાં હું સમજું છું કે એફઆઈઆર થઈ છે. રિજવીજીના જામીન માટે તો ત્રણ મહિના થયા હતા. કાયદાની એક પ્રોસેસ છે. જો એમ માની લઈએ કે નૂપુર શર્માએ અપરાધ કર્યો તો એ ગુનાના દંડની પ્રક્રિયા શી છે, એફઆઈઆર થશે, થઈ ગઈ, ચાર્જશીટ ફાઇલ થશે, મુકદમો ચાલશે. કોર્ટ દંડિત કરશે."
પરંતુ દરેક મુદ્દે મુસ્લિમ પક્ષની પણ પોતાની દલીલો છે.
જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં કથિત 'શિવલિંગ' મળ્યાના દાવા પર અંજુમન ઇન્તેજામિયા મસાજિદના વકીલ રઈસ અહમદનું કહેવું છે કે, "જેને તેઓ શિવલિંગ કહે છે, તે એક વજૂખાના વચ્ચે લાગેલો ફુવારો છે. તે નીચે થોડો પહોળો હોય છે અને ઉપરથી સાંકડો હોય છે. એનો આકાર શિવલિંગ જેવો હોય છે. એ ફુવારાને તેઓ શિવલિંગ કહે છે. અને એના આધારે એમણે આખી બબાલ ઊભી કરી છે."
હિજાબ વિવાદ અંગે યુવતીઓનું કહેવું છે કે તે એમનો બંધારણીય અધિકાર છે. મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટમાં પોતાના પક્ષમાં નિર્ણયની આશા છે.
હરિદ્વાર ધર્મસંસદમાં મુસલમાનોની વિરુદ્ધમાં અપાયેલા ભાષણ બાબતે જમિયત ઉલેમા ઉત્તરાખંડ અધ્યક્ષ મૌલવી મોહમ્મદ આરિફે કહ્યું કે, "કોઈ પણ મુસલમાન ના તો ભગવાન રામને કશું કહે છે અને સીતાને પણ નહીં, તો પછી ઇસ્લામની બાબતમાં લોકો શા માટે ખરાબ બોલવા ઉત્સુક થઈ રહ્યા છે. અમે ઇચ્છીએ છીએ કે દેશની સરકાર એવા લોકોની સામે સખત કાર્યવાહી અમલમાં લાવે. અમે શાંતિ ઇચ્છીએ છીએ."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
નૅશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા પણ નવરાત્રીમાં મીટ પર પાબંદી બાબતે આની સાથે મેળ ખાતી વાત કહે છે.

મીટ પર પાબંદી

ભારતમાં આની પહેલાં ખાવાની લડાઈ બીફ (ગૌમાંસ) સુધી જ સીમિત હતી. હિન્દુ ગાયને પૂજનીય માને છે અને આ કારણે ગૌહત્યા માટે મોટા ભાગનાં રાજ્યોમાં પ્રતિબંધ છે.
એમ તો ભારતની 80 ટકાથી વધારે વસ્તી હિન્દુ છે, જેમાંના મોટા ભાગના લોકો ગાય માટે શ્રદ્ધાનો ભાવ ધરાવે છે, પરંતુ એ પણ સત્ય છે કે ભારતના અનેક ભાગોમાં સદીઓથી ગૌમાંસ ખવાતું રહ્યું છે.
એટલે સુધી કે ભારતમાં ગૌમાંસ પર લાગેલો પ્રતિબંધ આખા દેશમાં સમાન ધોરણે લાગુ નથી. કેરળથી લઈને પૂર્વોત્તરનાં ઘણાં રાજ્યોમાં ગૌમાંસનું વેચાણ હંમેશની જેમ ચાલુ છે. આરએસએસના નેતાઓએ સ્થાનિક ખાનપાનની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ઘણાં રાજ્યોમાં ગૌમાંસ ખાવાની બાબતને મુદ્દો નથી બનાવ્યો.
એટલે સુધી કે આરએસએસના નેતાઓને એમ જ કહ્યું કે તેઓ આશા રાખે છે કે સમયની સાથે લોકો પોતાના વિવેકથી ગૌમાંસ ખાવાનું છોડી દેશે. આવું નરમ વલણ ઉત્તર ભારતીય રાજ્યોમાં ક્યારેય નથી દેખાયું.
પરંતુ હિન્દી પટ્ટામાં ગૌમાંસની બાબતની ભાવનાઓ પહેલાં કરતાં વધારે મજબૂત થઈ છે. ઘણાં રાજ્યોમાં કસાઈખાનાં બંધ કરી દેવાયાં છે, એટલે સુધી કે ચામડાનો વેપાર કરનારાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
ઘણાં રાજ્યોમાં હિન્દુ દક્ષિણપંથી સમૂહો દ્વારા ગૌ-તસ્કરીની શંકામાં પશુપાલકોને માર મારીને હત્યા કર્યાના ઘણા કેસ જોવા મળ્યા છે.
આમાં એક સત્ય એવું પણ છે કે નરેન્દ્ર મોદી સરકાર આવ્યાનાં ઘણાં વર્ષો પહેલાં, 1955માં, કૉંગ્રેસે પણ 24 રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ગયા વર્ષે ગુજરાતની કેટલીક નગરપાલિકાઓએ મીટ સ્ટૉલ સાર્વજનિક રીતે રસ્તા પર રાખવા સામે ઝુંબેશ ચલાવી હતી.
મિડ-ડે મીલ (મધ્યાહ્ન ભોજન)માં બાળકોને ઈંડાં આપવાં કે નહીં, એ બાબતમાં પણ ઘણાં રાજ્યોમાં વિવાદ છે. મધ્ય પ્રદેશમાં ભાજપના શાસનકાળમાં મિડ-ડે મીલમાં બાળકોને ઈંડાં પીરસવાનું બંધ કરી દેવાયું હતું.
પરંતુ તાજેતરના દિવસોમાં બીફ પર પ્રતિબંધથી શરૂ થયેલી ખાદ્યની આ લડાઈ હવે ધીરે ધીરે મીટ બૅનનું રૂપ ધારણ કરવા લાગી છે.
વર્ષ 2022માં ચૈત્ર નવરાત્રી અને રમજાનનો મહિનો બંને એકસાથે આવ્યા.
દિલ્હીના ભાજપના સાંસદ પરવેશ વર્માએ નવરાત્રીના નવ દિવસ દરમિયાન આખા ભારતમાં મીટની દુકાનો બંધ રાખવાનો પ્રસ્તાવ કર્યો, જેને દિલ્હીની બે નગરપાલિકા (પૂર્વ અને દક્ષિણ દિલ્હી)એ અમલમાં મૂકવાનો નિર્ણય કરી નાખ્યો. એ બાબતે બરાબર વિવાદ થયો.
જમ્મુ-કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી સાંસદો, નેતાઓએ એનો વિરોધ કર્યો. દુકાનદારોને જે નુકસાન થયું તે અલગ. કાયદેસર રીતે જો દુકાન બંધ ના થઈ તો ઘણી જગ્યાએ હુમલા અને તોડફોડની આશંકાને લીધે લોકોએ પોતાની દુકાનો ખોલી નહીં.
આવો જ વિવાદ હલાલ અને ઝટકા મીટની બાબતનો પણ ચાલી રહ્યો છે. હિન્દુઓ અને શીખોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ હલાલ માંસ ન ખાય.
માંસાહાર ભારતના ખાનપાનનું અભિન્ન અંગ રહ્યો છે. ડૉ. મનોશી ભટ્ટાચાર્ય એક ક્લિનિકલ ન્યૂટ્રિશનિસ્ટ છે, જે ભારતીય ખાનપાન પરંપરાઓ અંગે રિસર્ચ કરી રહ્યાં છે, એમનું આવું માનવું છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "મોગલ શાસક ભારતમાં માંસ ખાવાની પરંપરા લઈ આવ્યા, એવું વિચારવું ખોટું છે. નવાં સામ્રાજ્યો, વેપાર અને કૃષિના જવાબમાં લોકની ખાવાની પૅટર્ન ચોક્કસ બદલાઈ. પહેલાં ગૌમાંસ અને પછીથી માંસ, બ્રાહ્મણોના ભોજનમાંથી ગાયબ થયાં પરંતુ આની પાછળ ધર્મ જ એકમાત્ર કારણ ક્યારેય નથી રહ્યું."

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. ભટ્ટાચાર્યે કહ્યું કે, "કાશ્મીરથી લઈને બંગાળ સુધી ઘણા બ્રાહ્મણ સમુદાયોમાં માંસ ખાવાની પરંપરા આજે પણ છે. કાશ્મીરી પંડિતોમાં રોગન જોશ ખાવાની પરંપરા છે. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં બ્રાહ્મણ ઘરોમાં માંસ આજે પણ ખવાય છે."
રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સરવેના તાજા રિપોર્ટ અનુસાર, 16 રાજ્યોમાં લગભગ 90 ટકા લોકો મીટ, માછલી કે ચિકન ખાય છે. તો ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ આંકડો 75-90 ટકા સુધીનો છે.
પ્યૂ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સરવેમાં એ બાબતની માહિતી પણ મળે છે કે કયા ધર્મના લોકો કેટલું નૉનવેજ ખાય છે. સરવે અનુસાર હિન્દુ સમુદાયમાં સામેલ અલગ અલગ જાતિઓના લોકોમાં 44 ટકા શાકાહારી છે અને બાકીના 56 ટકા માંસાહારી છે. તો, આઠ ટકા મુસલમાન પણ એવા છે જે ઘણાં જુદાં જુદાં કારણે નૉનવેજ નથી ખાતા.
એટલે કે આખી લડાઈ 92 ટકા માંસાહારી મુસલમાનો અને 44 ટકા શાકાહારી હિન્દુઓની છે. તો શું આ જ 44 ટકા હિન્દુ મીટ બૅનની વકીલાત કરનારાઓમાં સામેલ છે?
ભારતમાં લઘુમતી સાથે સંકળાયેલા રાજકીય મુદ્દા પર નાઝીમા પ્રવીણે ઘણું રિસર્ચ કર્યું છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "મીટ બૅનના નિર્ણયનાં ઘણાં પાસાં છે. એક રાજકીય પાસું છે, જે આને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડે છે અને બીજું આર્થિક પાસું છે. રાજકીય પાસું ચોખ્ખેચોખ્ખું દેખાય છે, જેમાં સરકાર તરફથી 'ખાવા પર પ્રતિબંધ'નું ચલણ હવે જોવા મળી રહ્યું છે."
"બીજું છે, આ મીટ વેપારની ઇકૉનૉમી. મીટનો વેપાર કરનારા મોટા ભાગના મુસલમાન કુરૈશી સમુદાય સાથે સંબંધ ધરાવે છે. ઉત્તર પ્રદેશના કૉન્ટેક્સ્ટમાં જોઈએ તો 2017 પછી જે ગેરકાયદે કતલખાનાં બંધ કરવામાં આવ્યાં એમાંનાં મોટા ભાગનાં સરકારી (નગરપાલિકા) કતલખાનાં હતાં. આ કતલખાનાંઓમાં કુરૈશી સમુદાયના વેપારી પોતપોતાના જાનવર લઈ જતા હતા, એક ફી (પ્રતિ જાનવર) જમા કરાવતા હતા અને એમને કપાવીને દુકાનોમાં દરરોજ વેચતા હતા અને પોતાની રોજીરોટી કમાતા હતા. જ્યારે ગેરકાયદે સરકારી કતલખાનાં બંધ થયાં ત્યારે પેલા નાના વેપારીઓ 'કુરૈશી સમુદાય'વાળા સૌથી વધારે પ્રભાવિત થયા. એમાંના ઘણાએ ધંધો છોડી દીધો, ઘણાની દુકાનનાં લાઇસન્સ રિન્યૂ ના થયાં. હવે કુરૈશીઓની જગ્યાએ મોટા પ્રાઇવેટ કતલખાનાંમાંથી મીટના વેપારીઓએ મીટ લેવાનું શરૂ કરી દીધું. આ કતલખાનાં માત્ર મુસલમાનોનાં નથી, હિન્દુઓનાં પણ છે."
ઉત્તર પ્રદેશની જ વાત કરીએ તો કેટલાક મીટ વેપારીઓએ રાજ્ય સરકારના નિર્ણય સામે કોર્ટનાં દ્વાર પણ ખખડાવ્યાં છે, જેના પર સુનાવણી થવાની છે.
આ વર્ષે પણ ઉત્તર પ્રદેશ સરકારે શ્રાવણ મહિનામાં કાવડયાત્રાના રૂટ પર મીટ-માછલીની દુકાનો ન ખોલવાની સૂચના આપી છે.
જોકે, મીટ બૅનના વિવાદ પર આલોકકુમારે કહ્યું કે મીટ બૅન વિષયમાં વિશ્વ હિન્દુ પરિષદનું કોઈ સ્ટૅન્ડ નથી. હું જાણું છું કે કાશ્મીરના બધા બ્રાહ્મણ માંસ ખાય છે અને દેશની વસ્તીનો મોટો ભાગ મીટ ખાનારા લોકોનો છે.

જુમ્માની નમાજ

નીલાંજને કહ્યું કે, "પહેલાં પણ કેટલાક હિન્દુઓના મનમાં મુસલમાનો માટે સામાજિક પૂર્વગ્રહો હતા, આઝાદી પહેલાં, આઝાદીના સમયે અને આઝાદી પછી પણ. પરંતુ એ સમયે આ ભાવનાઓને રાજકીય રીતે યોગ્ય નહોતી મનાતી. દરમિયાનમાં ફરક એ પડી ગયો કે હવે રાજકીય રીતે આ બધું યોગ્ય મનાઈ રહ્યું છે. આ ભાવનાઓને મંચ પર ઊભા રહીને કહેવાય છે, એટલા માટે કે હવે તેઓ સત્તામાં છે અને એમના નેતા મુસલમાનો માટે આ ભાષાનો પ્રયોગ કરતા આવ્યા છે."
"નૂપુર શર્મા તો 2008-09માં રાજકારણમાં આવ્યાં. મિયાં મુશર્રફ, શ્મશાન-કબ્રસ્તાન અને અબ્બાજાન જેવા જુમલાનો ઉપયોગ પીએમ-સીએમ જેવા લોકો કરતા રહ્યા છે. આખી ચર્ચાનું ઇસ્લામોફોબિક કૅરેક્ટર તો પહેલાંથી જ સ્થાપિત કરી દેવાયું છે."
અહીં નીલાંજન ગૃહમંત્રી અમિત શાહના એક નિવેદનની યાદ અપાવે છે.
30 ઑક્ટોબર, 2021ના રોજ ઉત્તરાખંડમાં એક રેલીને સંબોધતાં અમિત શાહે એક કિસ્સો કહેલો.
એમણે કહેલું, "હું કાલે આવી રહ્યો હતો ત્યારે મારો કાફલો રોકાઈ ગયો. મેં પૂછ્યું, શું થયું? જવાબ આવ્યો, સાહેબ, તમને ખબર નથી, આજે શુક્રવાર છે! મેં કહ્યું, શુક્રવાર છે તો શું થયું? મને લાગ્યું મારું જનરલ નૉલેજ વીક થઈ ગયું કે શું? શુક્રવારે શું થાય છે? જવાબ આવ્યો, શુક્રવારે નૅશનલ હાઈવે બંધ કરીને મુસલમાનોને નમાજ પઢવાની મંજૂરી આપી દેવાઈ છે. શુક્રવારે રજા આપવાનું વિચારનારા, તુષ્ટીકરણનું રાજકારણ કરનારા ક્યારેય દેવભૂમિનું ભલું કરવાની વાત ના વિચારી શકે."
હિન્દુ હોવાનું ગર્વ કહો કે મુસલમાનને ડરાવવાનું પ્રતીક, બસ આટલું જ નથી જે અહીં ગણાવાયું છે.
'બૉર્ન અ મુસ્લિમ' પુસ્તકનાં લેખિકા છે ગઝાલા વહાબ 'મુસલમાનોમાં ડર' અને એમનાં પ્રતીકો અંગે કહે છે, "ભારતનું બંધારણ ઘડતી વખતે એ વાતનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો કે ભારતનું 'હિન્દુકરણ' ના થાય. તેમ છતાં, અજાણતાં બંધારણમાં થોડી ઊણપ રહી ગઈ છે, જેણે એ શક્ય કર્યું કે ધીરે ધીરે હિન્દુ ધર્મ માનનારાઓને બીજાઓ કરતાં પ્રધાનતા અપાય. એનું સૌથી મોટું ઉદાહરણ છે કોર્ટનું એમ કહી દેવું કે હિન્દુ ધર્મ નથી બલકે જીવવાની એક રીત છે."
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, કોર્ટના નિર્ણયોમાં હિન્દુત્વને જીવવાની રીત સાથે જોડનારી વાતનો ઉલ્લેખ સૌથી પહેલાં 1994માં જસ્ટિસ એસ.પી. ભરૂચે કહી હતી, જે 1996માં જસ્ટિસ જે.એસ. વર્માએ પણ કહી હતી. એનો ઉલ્લેખ વડા પ્રધાન મોદી પણ પોતાની વિદેશયાત્રામાં કરી ચૂક્યા છે.
તેમણે આગળ જણાવ્યું કે, "ભારત દેશને જ્યારે 'માતા' 'દેવી' કહીને સંબોધવામાં આવે છે ત્યારે એ એક રીતે ભારતને હિન્દુ ધર્મ સાથે જોડવાની વાત છે. આઝાદી પછી, હિન્દુ અને મુસલમાનોમાં અહીંથી જ સૌથી મોટો કૉન્ફ્લિક્ટ શરૂ થયો કે દેશની પૂજા 'માતા' અને 'દેવી'ની જેમ કરવી જોઈએ. જ્યારે ઇસ્લામમાં માત્ર એક જ ખુદાની ઇબાદત (પ્રાર્થના)ની વાત કરવામાં આવી છે. જે એને માનવાનો ઇનકાર કરશે તે દેશદ્રોહી ઠરાવાશે. શરૂઆતમાં આ પ્રકારના તણાવ કેટલાક 'ફ્રિંજ એલિમેન્ટ' સુધી સીમિત હતા. પરંતુ છેલ્લાં આઠ વરસોમાં દેશભક્તિનું પ્રદર્શન કરાવવાનું ચલણ વધ્યું છે. આજે 'ફ્રિંજ' 'મેનસ્ટ્રીમ' બનતું જાય છે, સરકાર એમની સામે પગલાં નથી ભરતી, જેનાથી એમનો ઉત્સાહ વધતો જાય છે, જેવું ધર્મસંસદમાં થયું."

ઇમેજ સ્રોત, Getty Images
આ તણાવ ફોન દ્વારા કેવી રીતે દરેક મુસલમાન સુધી પહોંચી રહ્યો છે તે વિશે તેમણે એક કિસ્સો કહ્યો.
"હું મારા કોઈ કામથી વારાણસી ગઈ હતી. મારા ટૅક્સી ડ્રાઇવરને ખબર નહોતી કે હું મુસલમાન છું. હું કોઈને મળીને ગાડીમાં પાછી આવી તો ધર્મસંસદમાં મુસલમાનો વિરુદ્ધ અપાયેલા ભાષણનો વીડિયો મોબાઇલ પર જોઈ રહ્યા હતા. જ્યારે હું ગાડીમાં એમની સાથે સફર કરતી હતી, એ વખતે મારા મનમાં બસ એક જ વાત ચાલતી હતી, અત્યારે ડ્રાઇવરના મગજમાં શું ચાલતું હશે? જો એને ખબર પડી જાય કે હું મુસ્લિમ છું તો એનું મારા તરફ કેવું વર્તન હશે? હું એમ નથી કહેતી કે હું ડરી ગઈ, પરંતુ હું સચેત થઈ ગઈ કે આ ડ્રાઇવર જે હવે પછીના બે દિવસ મારી સાથે રહેશે એના મનમાં મુસલમાનો માટે શો ભાવ છે."
સ્પષ્ટ છે કે મોબાઇલમાં આ પ્રકારની વીડિયો ક્લિપ દ્વારા લોકોને હિંસક બનાવાઈ રહ્યા છે, જેઓ પહેલાં નહોતા. હવે દરરોજ જાણીબૂઝીને મુસલમાનોની વિરુદ્ધ એક તરફથી ઘેરાબંધીની કોશિશ કરવામાં આવી રહી છે, જેથી તણાવ સ્થાયી રૂપે રહે.
જો ભારત સાચા અર્થમાં, સાંસ્કૃતિક રીતે 'હિન્દુ રાષ્ટ્ર' છે અને ધર્મના આધારે નહીં, તો એ જોતાં મુસ્કાન, હસીના ફખરૂ અને જાવેદને આ 'ડર' અને 'ગર્વ'નાં પ્રતીકોથી સુરક્ષાની અનુભૂતિ કરાવવા માટે દેશના હિન્દુ શું કરે?
આના જવાબમાં આલોકકુમારે કહ્યું કે, "પહેલાં તો હું એમ માનું છું કે હિન્દુસ્તાનના મુસલમાન સુરક્ષિત છે. અને જો નથી તો એમના લીધે નથી જે મુસલમાનોને વોટ બૅન્ક માને છે. જે દિવસે ધર્મને ચૂંટણી સાથે સાંકળવાનું બંધ થઈ જશે એ દિવસે હિન્દુનું વોટ બૅન્ક બનવું બંધ થઈ જશે. મુસલમાનોને વોટ બૅન્ક બનાવવાના ચક્કરમાં હિન્દુ વોટ બૅન્ક બન્યા છે."
સવાલ એ જ છે કે પહેલાં શું બંધ થશે, અને કોણ બંધ કરશે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













