શું ભારત 'હિન્દુ રાષ્ટ્ર' બનવા તરફ આગળ વધી રહ્યું છે?

હિન્દુ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

1400 વર્ષ પહેલાં, 712માં એક યુવા મુસ્લિમ શાસકે ભારતના સિંધ પ્રાંત પર હિંસક લડાઈ કર્યા બાદ કબજો કરી લીધો હતો. આ ક્ષેત્ર એમ તો જાણે ઘણું નાનું હતું પરંતુ આ હારનાં પરિણામો ઘણાં દૂરગામી સાબિત થયાં. ઇતિહાસકારો અનુસાર, તે ભારતીય ઉપમહાદ્વીપના ઇતિહાસની દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો વળાંક સાબિત થયો.

આ યુદ્ધ પછી પહેલી ઇસ્લામિક સંસ્કૃતિનો પ્રાચીન વૈદિક સભ્યતા સાથે સંપર્ક થયો અને ત્યાર બાદ આખા ઉપમહાદ્વીપમાં ઇસ્લામ ફેલાયો.

જોકે ભારતની ધરતી પર પગ મૂકનાર પ્રથમ મુસ્લિમ કેરળમાં આવનારા વેપારીઓ હતા જેની ઇબાદત માટે ભારતની પહેલી મસ્જિદ બનાવવામાં આવી હતી. આ મુલાકાત વખતે હજરત મહમદ જીવિત હતા.

વાત 17 વર્ષના મુસ્લિમ શાસક મોહમ્મદ બિન કાસિમની જેમને એ વાતનો અંદાજ નહીં હોય કે એમની આ જીત, સદીઓથી ચાલી આવતી રાજકીય અને સાંસ્કૃતિક વ્યવસ્થાના પાયા હલાવી દેનારી સાબિત થશે. ત્યાર બાદના ઇતિહાસની અનેક ગલીઓમાંથી પસાર થતા ભારતે એક રસપ્રદ પડાવ પાર પાડ્યો છે. 20મી સદીમાં તેણે એક એવા બંધારણને અપનાવ્યું જે તેને એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રનું સ્વરૂપ આપે છે. શું 21મી સદીમાં એ બદલાવાની અણી પર છે?

2014માં શાનદાર જીત મેળવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પોતાના પ્રથમ સંબોધનમાં સદીઓની ગુલામી અંગે શોક વ્યક્ત કર્યો હતો.

એમણે ઇતિહાસને ટાંકીને કહેલું કે, "1200 વર્ષની ગુલામીભરી માનસિકતા આપણને પરેશાન કરી રહી છે." જોકે, ડાબેરી ઇતિહાસકારોએ હંમેશાં બ્રિટિશ શાસનનાં 200 વર્ષોને જ ગુલામીનો કાળ ગણાવ્યાં છે.

પરંતુ વડા પ્રધાનના મત સાથે દક્ષિણપંથી વિચારધારાના લોકોની સંમતિ જોવા મળી, જેમના અનુસાર ભારત દેશ સદીઓ સુધી ગુલામ રહ્યો અને એમાં લગભગ એક હજાર વર્ષની ગુલામી મુસ્લિમ શાસકોને આધીન રહી. એનાથી એવો નિષ્કર્ષ નીકળે છે કે મુસ્લિમ શાસકો આવ્યા પહેલાં ભારત વિદેશી પ્રભાવોથી મુક્ત એક હિન્દુ રાષ્ટ્ર હતું.

જોકે, પ્રાચીન ભારતમાં બૌદ્ધોનું પણ શાસન હતું, પરંતુ તેઓ વિદેશી નહોતા. હિન્દુત્વવાદી વિચારક સાવરકર અને ગોલવલકર માનતા હતા કે હિન્દુ રાષ્ટ્રનો વિચાર પ્રાચીનકાળથી જ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક પ્રોફેસર રાકેશ સિન્હાનો દાવો છે કે, "હિન્દુ રાષ્ટ્ર, ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ શરૂઆતથી ભારતની વિશેષતા રહી છે અને એ ભારતનો વારસો, વર્તમાન અને ભવિષ્ય છે."

હિન્દુત્વના વિશેષજ્ઞ અમેરિકન સ્કૉલર પ્રોફેસર વેંડી ડોનિગર પ્રાચીન ભારતમાં હિન્દુ રાષ્ટ્રની અવધારણાને નકારે છે. 2014માં દક્ષિણપંથી કાર્યકર્તાઓના વિરોધના લીધે ડોનિગરના પુસ્તક 'ધ હિન્દુઝ'ને પેંગ્વિન પ્રકાશને પાછું ખેંચી લીધું હતું.

પ્રોફેસર ડોનિગરે બીબીસીને જણાવ્યું કે, "ભારત ક્યારેય હિન્દુ રાષ્ટ્ર નહોતો. વૈદિકકાળમાં પણ, ભારતના નાનકડા ભાગમાં વૈદિક રીતરિવાજો અનુસાર પૂજાઅર્ચના થતી હતી. ત્યારે પણ બીજા ધર્મો (બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી અને ઇસ્લામ) ઉપરાંત હિન્દુઓમાં જુદાં જુદાં દેવી-દેવતાઓને માનનારા હતા. હિન્દુઓમાં અલગઅલગ પૂજાઅર્ચનાનાં પ્રારૂપ ઉપલબ્ધ હતાં અને આ જ કારણે ઘણા વિશ્લેષક હિન્દુને એક ધર્મ તરીકે નહોતા જોતા. જ્યારે ભારતમાં બીજા ધર્મો અને સંસ્કૃતિઓનો પ્રવેશ થયો ત્યારે હિન્દુઓની અલગઅલગ વિચારધારાઓ નબળી ના પડી, બલકે વધારે મજબૂત થઈ. તેથી આ સમગ્ર દલીલ નક્કામી છે."

પરંતુ પ્રાચીન ભારતનાં ઇતિહાસકાર શોનાલિકા કૌલનું માનવું છે કે પ્રાચીનકાળમાં હિન્દુ રાષ્ટ્રનું અસ્તિત્વ હતું.

આ બધું જોતાં સવાલ એ ઊભો થાય કે હિન્દુ રાષ્ટ્રનો વિચાર કઈ રીતે આવ્યો? શું ભારતના હિન્દુ રાષ્ટ્રમાં પરિવર્તનના સંકેત મળે છે? હિન્દુ રાષ્ટ્રના વિચારને પ્રોત્સાહન આપવા માટે કઈ રીતે ઇતિહાસ અને શૈક્ષણિક સામગ્રીઓનું પુનર્લેખન કરવામાં આવી રહ્યું છે?

શું આ હિન્દુ રાષ્ટ્રમાં અલ્પસંખ્યકોને સ્થાન હશે? શું એ માટે બંધારણીય સુધારાની આવશ્યકતા રહેશે કે પછી તે 2024ની સામાન્ય ચૂંટણીનો ચૂંટણીમુદ્દો બનશે? આ સવાલના જવાબો શોધવાની કોશિશ આ રિપોર્ટમાં કરવામાં આવી છે.

line

હિન્દુ રાષ્ટ્રનો વિચાર કઈ રીતે આવ્યો?

શિવલિંગ

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની સ્થાપનાથી જ હિન્દુ રાષ્ટ્રને 'પુનઃ પ્રાપ્ત' કરવા માટે દૃઢતાથી કામ કરી રહ્યો છે.

જાણીતા ઇતિહાસકાર અને હિન્દુત્વના વિશેષજ્ઞ ક્રિસ્ટોફ જફ્રેલૉટે એની સાથે સહમત થતાં કહ્યું, "સંઘ પરિવાર માટે હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ હંમેશાં પ્રાથમિકતા રહી છે. તે માટે તેઓ સમાજમાં પાયાના સ્તરે પરિવર્તન ઇચ્છે છે અને શાખાઓ તથા જિલ્લા સ્તરે પોતાનાં કાર્યાલયો દ્વારા પાયાના સ્તરે હિન્દુઓની માનસિકતા બદલવા માગે છે. 1925થી એમણે આની શરૂઆત કરી હતી અને લગભગ 100 વર્ષ પછી એમણે આ દિશામાં ઘણું બધું પ્રાપ્ત કરી લીધું છે."

લેખક અને ઇતિહાસકાર પુરુષોત્તમ અગ્રવાલ પણ માને છે કે હિન્દુ રાષ્ટ્રની માગ નવી નથી. એમણે જણાવ્યું, "1925માં સંઘની સ્થાપના થઈ. એ સમયે હિન્દુત્વ વિચારક વી.ડી. સાવરકરે પોતાના પુસ્તક 'હિન્દુત્વઃ કોન હૈ હિન્દુ'માં એ વિશે લખ્યું. પોતાના આ પુસ્તકમાં સાવરકરે હિન્દુત્વની વિચારધારા અંગે વૈચારિક ફ્રેમવર્ક રજૂ કર્યું હતું અને આ વિચારધારાના લોકો આજે સત્તામાં છે."

સાવરકર અનુસાર, હિન્દુત્વ હિન્દુ ધર્મ કરતાં ઘણું મોટું છે અને આ રાજકીય ફિલૉસૉફીને માત્ર હિન્દુ આસ્થા સુધી જ ના આંકી શકાય. એમણે હિન્દુત્વ માટે ત્રણ આવશ્યક મંત્ર આપ્યા છે - રાષ્ટ્ર (દેશ), જાતિ (વંશ) અને સંસ્કૃતિ (કલ્ચર). એમણે કહેલું કે ભારતમાં જન્મ લીધા છતાં મુસલમાન અને ખ્રિસ્તી, આ ત્રણ જરૂરી તત્ત્વો પ્રાપ્ત નથી કરી શકતા. તેથી હિન્દુ જ હિન્દુ રાષ્ટ્રના છે, એક એવું રાષ્ટ્ર જે પ્રાચીનકાળમાં પણ અસ્તિત્વ ધરાવતું હતું.

line

હિન્દુ રાષ્ટ્રની વધતી જતી માગ

હિંદુ

ઇમેજ સ્રોત, Getty Images

શક્તિશાળી ધાર્મિક ગુરુઓ અને હિન્દુત્વવાદી સંગઠનો તરફથી હિન્દુ રાષ્ટ્રની માગણી તો ઘણા લાંબા સમયથી થતી આવી છે પરંતુ હાલના સમયમાં, ખાસ કરીને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદથી, ઘણી વધી છે.

ઉદાહરણ તરીકે, દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં ચાલુ વર્ષની શરૂઆતમાં પુરીના પ્રભાવશાળી શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ દૃઢતાપૂર્વક કહ્યું કે ભારતને એક હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવું જોઈએ. એમણે આશા પ્રગટ કરી કે ભારત હિન્દુ રાષ્ટ્ર બનતાં જ અન્ય 15 દેશ પણ પોતાને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરશે.

હાલના સમયમાં ભારત અને નેપાળ જ એવા બે દેશ છે જ્યાં હિન્દુ બહુસંખ્યક છે.

, "હિન્દુ રાષ્ટ્રની માગણી પહેલાં કરતાં વધી છે-આવી માગ કરતા અભિયાન વધી ગયાં છે. ઝુંબેશોની તીવ્રતા વધી છે અને બીજું એ કે એનો ભૌગોલિક વિસ્તાર પણ વધ્યો છે."

હિંદુ-મુસ્લિમ બિહાર

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP

બની શકે કે આગામી કેટલાંક વર્ષોમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બને. તે માટે પાયાના સ્તરે કામ શરૂ થઈ ગયું છે. વિશ્લેષકોનું માનીએ તો ઘણી સંસ્થા સંઘીય માળખાં, ધર્મનિરપેક્ષતા, સામાજિક અને આર્થિક અસમાનતા જેવા મુદ્દે કૉમ્પ્રોમાઇઝ કે સમજૂતી કરવા તૈયાર છે.

મુસ્લિમ શાસકોના ઇતિહાસ અને શહેરો તથા ગલીઓનાં મુસ્લિમ નામો દૂર કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ ઇતિહાસનું પુનર્લેખન કરી રહી છે.

હમણાં સુધી કૉંગ્રેસમાં સામેલ અને ભારતના અગ્રણી વકીલ કપિલ સિબ્બલે અફસોસ પ્રગટ કરતાં કહ્યું કે બધી મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ પર કબજો કરી લીધો છે.

એમણે કહ્યું, "ન્યાયપાલિકાને બાદ કરતાં બધી સંસ્થાઓ પર મોદી સરકારે કબજો કરી લીધો છે. મીડિયાને મૅનેજ કરાઈ રહ્યું છે. સંસદ પર એમનો કબજો છે. ઈડી, સીબીઆઈ અને ઇન્કમ ટૅક્સ જેવાં સરકારી તંત્રો દ્વારા સ્વતંત્ર અવાજોને દબાવી દેવામાં આવે છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

જોકે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સરકાર આ આરોપોનું ખંડન કરતાં રહ્યાં છે. એમનો દાવો છે કે દેશમાં લોકશાહી મજબૂત થઈ રહી છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં મોદીના નેતૃત્વમાં દેશમાં ઝડપથી વિકાસ થયો છે.

line

ભારતના હિન્દુ રાષ્ટ્ર બનવાના સંકેતો કયા છે?

મોદી

ઇમેજ સ્રોત, ANI

ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ "હર હર મહાદેવ"ના ઉદ્‌ઘોષ વચ્ચે કાશી વિશ્વનાથ ધામ કૉરિડોરનું ઉદ્‌ઘાટન કર્યું હતું. કેસરિયા વેશમાં એક સાધુની જેમ એમણે ગંગાના ઠંડા પાણીમાં ડૂબકી મારી હતી અને કાળભૈરવ મંદિરમાં પૂજાઅર્ચના કરી હતી.

થોડીક જ વાર પછી એમણે એક ટ્વીટ દ્વારા પ્રેમ અને આશીર્વાદ માટે પવિત્ર નદી પ્રત્યે આભાર દર્શાવ્યો હતો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

રાષ્ટ્રીય ટેલિવિઝન પર એક મોટા આયોજન તરીકે એનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. એ દરમિયાન કેટલાક રાજકીય ટીકાકારોએ કહેલું કે એમના શબ્દોમાં ચોક્કસપણે એક હિન્દુ વડા પ્રધાનની ઝલક હતી, નહીં કે એક સેક્યુલર રાજ્યના લીડરની.

એ સમયે મોદીએ કહેલું, "જ્યારે પણ એક ઔરંગઝેબ આવે છે, એક શિવાજીનો ઉદય થાય છે." ટીકાકાર વીર સંઘવીએ એક લેખમાં આ આયોજન વિશે લખ્યું કે, "મોદીની પહેલાં એક પણ ભારતીય વડા પ્રધાન પૂજા-આરાધનાને આટલા મોટા પાયે લોકો સુધી પહોંચડવા માટે સેટેલાઇટ ટીવી કાર્યક્રમમાં ફેરવી નહોતા શક્યા."

ભારતીય બંધારણ કહે છે કે જાતિ, ધર્મ અને જેન્ડરના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં કરી શકાય. પરંતુ નાગરિકતા સુધારા અધિનિયમ કે સીએએને મુસ્લિમવિરોધી તરીકે જોવામાં આવે છે.

આ અધિનિયમ અંતર્ગત કેટલાક પડોશી દેશોના પ્રવાસી જો હિન્દુ, શીખ કે બૌદ્ધ હોય તો એમને ભારતની નાગરિકતા મળી જશે પરંતુ જો તેઓ મુસ્લિમ હશે તો નાગરિકતા નહીં મળે.

ભાજપ સરકારની દલીલ છે કે આ ઍક્ટની ભારતીયો પર કશી અસર નહીં થાય. પરંતુ જુદાં જુદાં રાજકીય દળોના નેતાઓએ એ બાબતે ચિંતા દર્શાવી છે અને એને મુસ્લિમો વિરુદ્ધ ભેદભાવપૂર્ણ (નીતિ) ગણાવી છે. ઉદાહરણ તરીકે, ડીએમકેના સાંસદ કનિમોઝીએ એટલે સુધી કહ્યું કે તે હિન્દુ રાષ્ટ્રના નિર્માણની દિશામાં એક મોટું પગલું છે.

એનઆરસી અંતર્ગત આસામમાં 19 લાખ મુસલમાન અને અન્ય લોકોને બિન-ભારતીય જાહેર કરી દેવાયા છે. એમને પોતાના ધર્મના કારણે સીએએ અંતર્ગત નાગરિકતા આપી શકાતી નથી. નાગરિકતા મેળવવા માટે એમની પાસે હિન્દુ, શીખ કે જૈન ધર્મ અપનાવી લેવાનો એકમાત્ર વિકલ્પ હશે.

આ કાયદા વિરુદ્ધ આખા દેશમાં વિરોધપ્રદર્શન થયાં હતાં.

30 વર્ષ કરતાં પણ અગાઉ, તે ભાજપના એલ.કે. અડવાણી હતા જેમણે કૉંગ્રેસ શાસન હેઠળ મુસ્લિમોના વાસ્તવિક કે કથિત તુષ્ટીકરણ સામે એક ઉગ્ર ઝુંબેશ ચલાવી હતી. શાહબાનો કેસને ઘણી વાર મુસ્લિમ તુષ્ટીકરણના ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવે છે.

1986માં સુપ્રીમ કોર્ટે શાહબાનોના પક્ષમાં નિર્ણય કર્યો હતો પરંતુ તત્કાલીન કૉંગ્રેસ સરકાર, મુસ્લિમ ધર્મગુરુઓને ખુશ કરવા માટે કોર્ટના આદેશને ડાયલ્યૂટ કરીને એક કાયદો લાવી હતી. એ મુસ્લિમ ધર્મગુરુઓને લાગતું હતું કે કોર્ટનો મૂળ આદેશ શરિયત કાયદાની વિરુદ્ધ હતો.

ઘણા વિદ્વાનો અને લેખકોનું માનવું છે કે તુષ્ટીકરણના આવા કેટલાક વાસ્તવિક, કેટલાક કાલ્પનિક કેસ જ છેવટે મોટા પાયે હિન્દુ પ્રતિક્રિયાનાં કારણ બન્યા.

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પરંતુ હવે હિન્દુ તુષ્ટીકરણની ચર્ચા થવા લાગી છે. ઉદાહરણ તરીકે, ભારતની સર્વોચ્ચ અદાલતે કોવિડ-19 મહામારીની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જગન્નાથયાત્રા અને અયોધ્યામાં ભૂમિપૂજનની મંજૂરી આપી દીધી.

ઇતિહાસકાર પુરુષોત્તમ અગ્રવાલે કહ્યું કે, "મુસ્લિમ વોટ બૅન્કની જેમ, હિન્દુત્વે હિન્દુ વોટ બૅન્ક બનાવવાનું કામ કર્યું છે. આ એમનું રાજકીય લક્ષ્ય હતું. એને તેઓ પ્રાપ્ત કરી ચૂક્યા છે. હવે કોઈ હિન્દુ વોટ બૅન્કમાં ગાબડું પાડવાનું દુસ્સાહસ નહીં કરી શકે."

જ્યારથી ભાજપ સત્તામાં આવ્યો છે, મુસ્લિમ કે મુસ્લિમ જેવી છાપ ધરાવતાં ઘણાં શહેરો અને રસ્તાનાં નામ બદલવામાં આવી રહ્યાં છે. દિલ્હીમાં ઔરંગઝેબ રોડની જેમ અકબર રોડ કે શાહજહાં રોડનું નામ બદલવાની માગ થઈ રહી છે. પરંતુ પ્રોફેસર પુરુષોત્તમ અગ્રવાલ માને છે કે આ માગો હિન્દુત્વ શક્તિઓનાં બેવડાં વલણ દર્શાવે છે.

તેમણે કહ્યું, "એમને અકબર રોડ કે શાહજહાં રોડ સામે મોટી તકલીફ છે, પરંતુ દિલ્હીમાં માનસિંહ રોડ પણ છે. તેઓ કોણ હતા? તેઓ અકબરના સૈન્યપ્રમુખ હતા. ટોડરમલ માર્ગ અને બીરબલ માર્ગ પણ દિલ્હીમાં છે. ટોડરમલ અકબરના નાણામંત્રી હતા. બીરબલ અકબરના નવરત્નોમાંના એક હતા. તમે અકબરને તો ખલનાયક બનાવવા માગો છો પરંતુ બીરબલ કે ટોડરમલ કે મનસિંહને નહીં, કેમ?"

જુદાં જુદાં હિન્દુત્વ સંગઠનોના સભ્ય હવે લોકોને હિન્દુ રાષ્ટ્રની વ્યાખ્યા સ્વીકારવા પહેલાં કરતાં વધારે પ્રેરિત કરવા લાગ્યા છે.

પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે "10 વર્ષ પહેલાંની સરખામણીએ આમ હિન્દુઓમાં આ વિચારની સ્વીકૃતિ હવે વધી ગઈ છે."

હિન્દુ જનજાગૃતિ સમિતિ આ વાતનો સ્વીકાર કરે છે. તે એક રાષ્ટ્રવ્યાપી હિન્દુત્વ સંગઠન છે. તે હિન્દુ રાષ્ટ્ર માટે બેઠકો યોજે છે અને તે માટે જાગરૂકતા અભિયાન ચલાવે છે. સમિતિ કહે છે કે એમના માટે હિન્દુ રાષ્ટ્ર માટે સંપૂર્ણ તાકાત લગાડી દેવાનો સમય આ જ છે.

પૂજા

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રમાં તાજેતરની એક બેઠકમાં એના આધ્યાત્મિક એકમ સનાતન સંસ્થાના પ્રવક્તા અભય વાર્તકે કહ્યું, "હિન્દુઓનું અસ્તિત્વ સંકટમાં આવી જશે જો તેઓ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે ત્યાગ નહીં કરે."

હિન્દુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદેએ બીબીસીને જણાવ્યું કે, "અમારા જેવાં સંગઠનોની જવાબદારી, ભારતના લોકોમાં હિન્દુ રાષ્ટ્રનો સંદેશો ફેલાવવાની છે." હિન્દુ રાષ્ટ્ર પરના પોતાના નવા પુસ્તકમાં લેખક આકાર પટેલે કહ્યું છે, "સંરચનાત્મક રીતે ભારત હિન્દુ રાષ્ટ્ર બનવાના દ્વારે પહોંચી ગયું છે."

પ્રોફેસર જફ્રેલૉટે કહ્યું કે 2019માં ભાજપ ચૂંટણી જીત્યા પછીથી હિન્દુ રાષ્ટ્રના સંકેત વધારે મજબૂત થઈ ગયા છે.

તેમણે કહ્યું કે, "2019 પછી દરેક વસ્તુ ઉગ્ર બની ગઈ છે. નવા કાયદા, બંધારણમાં સુધારા વગેરે થયું છે. તો કંઈક અંશે આ એક નિર્ણાયક વળાંક હતો. અને બીજું એ કે વાસ્તવિક મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવી રાખવાની પણ જરૂર છે. અને વાસ્તવિક મુદ્દા હવે વધારે ગંભીર થઈ ગયા છે. આર્થિક સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. રોજગારની અછત, મોંઘવારી વગેરે પણ. તો તમે એવો અંદાજ તો બાંધી શકો છો કે આઇડેન્ટિટી પૉલિટિક્સ વાસ્તવિક મુદ્દા પરથી લોકોનું ધ્યાન હઠાવવાની એક રીત છે, જેનો ખૂબ ઉપયોગ થવા લાગ્યો છે. આ બધું દેખીતું છે કે, પેલા ધ્રુવીકરણ ઉપરાંત થઈ રહ્યું છે જેનો ઉપયોગ ચૂંટણી માટે કરવામાં આવે છે."

line

હિન્દુ રાષ્ટ્ર માટે ઇતિહાસ અને પાઠ્યપુસ્તકોનું પુનર્લેખન?

શંકરાચાર્ય

ઇમેજ સ્રોત, STATUEOFEQUALITY.ORG

વર્ષોથી હિન્દુ દક્ષિણપંથી સંગઠન એવી ફરિયાદ કરતાં રહ્યાં છે કે સ્કૂલો અને વિશ્વવિદ્યાલયોમાં ઇતિહાસનાં પાઠ્યપુસ્તકો હંમેશાં ડાબેરી અથવા માર્ક્સવાદી ઇતિહાસકાર લખતા આવ્યા છે, જેમને રાષ્ટ્રવાદી હિન્દુઓ માટે નક્કર પૂર્વગ્રહ રહ્યો છે.

આ સંગઠનોની દલીલ છે કે ઇતિહાસમાં એમનો દૃષ્ટિકોણ પણ ઉમેરવો જોઈએ. ડાબેરી ઇતિહાસકાર જમણેરીઓની ઇતિહાસની વિવેચનાનો વિરોધ કરે છે અને ઇતિહાસના નામે જમણેરી ઇતિહાસકારો દ્વારા પ્રોત્સાહિત એ વલણ અંગે પણ પોતાની સ્તબ્ધતા પ્રકટ કરે છે જેને તેઓ રૂઢિવાદ કે કટ્ટરતા કહે છે.

એમનો આરોપ છે કે નવી શિક્ષણનીતિ લાગુ કરવાના મોદી સરકારના પ્રયાસ ચાલુ છે. ભારતની શિક્ષણપ્રણાલીમાં જરૂરી બદલાવ નક્કી કરવા બનેલી કમિટીના સભ્યોમાં ગોવિંદપ્રસાદ શર્મા પણ છે.

એમણે ગયા વર્ષે એક અંગ્રેજી દૈનિકને જણાવેલું કે, "આજે જે ઇતિહાસ ભણાવાય છે તે માત્ર એ જણાવે છે કે આપણે અહીં પરાજિત થયા, આપણે ત્યાં હારી ગયા. પરંતુ આપણે આપણા સંઘર્ષો વિશે જણાવવું પડશે, વિદેશી હુમલાખોરો સામે જીવ સટોસટની લડાઈઓ વિશે જણાવવું પડશે. આપણે એ વસ્તુને સંપૂર્ણ રીતે હાઈલાઇટ નથી કરતા." ગોવિંદપ્રસાદ શર્માએ વૈદિક ગણિત વિષય પણ ભણાવવા માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો.

સમકાલીન ભારતીય ઇતિહાસના પ્રોફેસર અને 'આરએસએસ, શાળાકીય પાઠ્યપુસ્તકો અને મહાત્મા ગાંધીની હત્યા' નામના પુસ્તકના સહ-લેખક ડૉ. આદિત્ય મુખરજીનું ભારતીય મીડિયામાં એક નિવેદન આવેલું કે કટ્ટરતાએ ઇતિહાસની જગ્યા લઈ લીધી છે જે એક વાસ્તવિક ખતરો છે. એમણે એમ પણ કહેલું કે, "શું કોઈ ડૉક્ટર વડા પ્રધાન સાથે દલીલો કરી શકશે જ્યારે તેઓ કહે છે કે પ્લાસ્ટિક સર્જરી અને આનુવંશિક વિજ્ઞાનની મદદથી ભગવાન ગણેશ અને કર્ણ અસ્તિત્વમાં આવેલા? આ ઇતિહાસ નથી."

શિક્ષણ રાજ્યસૂચિમાં પણ છે અને સંઘીય સૂચિનો વિષય પણ છે. પરંતુ ઘણાં બધાં શૈક્ષણિક બોર્ડ અને ઇતિહાસનાં પુસ્તકો લખવા માટે રચાયેલી સમિતિઓ રાષ્ટ્રીય સ્તરની છે. જે કેટલાંક રાજ્યોમાં ભાજપ સત્તામાં છે, ત્યાં શાળનાં પુસ્તકોમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

કર્ણાટકમાં આવાં જ પરિવર્તનોના લીધે તાજેતરના મહિનાઓમાં ઊભા થયેલા વિવાદે ભાજપ સરકારને હલબલાવી મૂકી હતી. વિપક્ષ કૉંગ્રેસ પાર્ટીના નેતા કપિલ સિબ્બલે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં શાળાની પાઠ્યપુસ્તક સમીક્ષા સમિતિના પ્રમુખ ચક્રતીર્થ પર આરોપ કર્યો હતો કે તેઓ આ પુસ્તકોમાં આરએસએસ વિચારક હેડગેવારના ભાષણને સામેલ કરીને અને સ્વતંત્રતા સેનાનીઓ, સમાજસુધારકો જેવાં મહત્ત્વપૂર્ણ વ્યક્તિત્વો પર લખાયેલા અધ્યાયો અને પ્રસિદ્ધ સાહિત્યિક વિભૂતિઓની રચનાઓને હઠાવીને પુસ્તકોનું 'ભગવાકરણ' કરી રહ્યા છે.

કેન્દ્રીય સરકારના સ્તરે પાઠ્યપુસ્તકોમાં મોટા પાયે ફેરફાર દાયકાઓમાં એક જ વાર કરી શકાય છે. એનસીઈઆરટી રાજ્ય સરકારોને સિલેબસમાં ફેરફારની ભલામણ કરી શકે છે, જેને સ્વીકારી કે નકારી શકાય છે. 2019માં ધોરણ 9 અને ધોરણ 10ના ઇતિહાસનાં પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

line

હિન્દુ રાષ્ટ્રમાં મુસલમાનો અને અન્ય લઘુમતીના કયા અધિકારો હશે?

સંઘ પરિવારના નેતા હંમેશાં માનતા આવ્યા છે કે અલ્પસંખ્યક મુસ્લિમ અને ખ્રિસ્તી હિન્દુ રાષ્ટ્રમાં અલ્પસંખ્યક નહીં રહે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંઘ પરિવારના નેતા હંમેશાં માનતા આવ્યા છે કે અલ્પસંખ્યક મુસ્લિમ અને ખ્રિસ્તી હિન્દુ રાષ્ટ્રમાં અલ્પસંખ્યક નહીં રહે

શું મુસલમાન અને ખ્રિસ્તી હિન્દુ રાષ્ટ્રમાં પોતાનાં પ્રાર્થનાઘરો બનાવી શકે છે અને ત્યાં પ્રાર્થના કરી શકે છે? શું તેઓ પોતાની ધાર્મિક આસ્થાનું શિક્ષણ આપવા અને એનો અમલ કરવાનું ચાલુ રાખી શકે છે? સંઘ પરિવારના નેતા હંમેશાં માનતા આવ્યા છે કે લઘુમતી મુસ્લિમ અને ખ્રિસ્તી હિન્દુ રાષ્ટ્રમાં લઘુમતીમાં નહીં રહે.

ભાજપના વિવાદાસ્પદ નેતા કપિલ મિશ્રા હવે એક ઑનલાઇન નેટવર્ક ચલાવે છે, જેનું નામ છે 'હિન્દુ ઇકૉસિસ્ટમ'. આ નેટવર્ક હિન્દુ પીડિતો માટે કામ કરવાનો દાવો કરે છે.

તેમણે કહ્યું કે હિન્દુ રાષ્ટ્રમાં કોઈ પણ લઘુમતી નહીં હોય. "મુસ્લિમ (હિન્દુઓ પછી) બીજા બહુસંખ્યક હશે." તેઓ મુસલમાનોને ભરોસો આપવા માગે છે કે તેઓ એક હિન્દુ બહુમતી શાસન હેઠળ સુરક્ષિત છે અને એમને પોતાના ધર્મનું પાલન કરવાની મંજૂરી હશે. કપિલ મિશ્રાએ કહ્યું કે, "હિન્દુ બહુમતી જ્યાં સુધી શાસનમાં રહેશે, ભારત ધર્મનિરપેક્ષ રહેશે અને ધાર્મિક સહિષ્ણુતાનું પાલન કરતો રહેશે."

ભાજપના રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હા પણ આવો જ દાવો કરે છે પરંતુ સાથે જ તેઓ એમ પણ કહે છે કે, "આરએસએસ કે હિન્દુત્વ આંદોલન, પ્રાર્થનાની અન્ય રીતોને નાબૂદ કરીને પૂજા કરવાની એક જ રીત પર આધારિત રાષ્ટ્રની કલ્પના નથી કરતાં. પરંતુ ઇસ્લામે (ભારતમાં) એવું સમજવું પડશે કે સંસ્કૃતિ, સભ્યતા અને આપણા પૂર્વજ એક છે, માત્ર પ્રાર્થનાની રીત અલગ છે. અને જો આસ્થાના સુધારા માટે તૈયાર નથી તો આ બેતરફી રીત હંમેશાં જળવાઈ રહેશે. આપણે એમાંથી નીકળવું જોઈશે."

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ઘણી વાર કહે છે કે, મુસલમાનો અને હિન્દુઓની સંયુક્ત વિરાસત છે, તેથી બધા ભારતીય હિન્દુ છે. મુસલમાનોના પૂર્વજોનું જબરજસ્તીથી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું.

બીજા હિન્દુવાદી નેતાઓનું કહેવું છે કે મુસલમાનો અને ખ્રિસ્તીઓને જબરજસ્તી કે નોકરી અને પૈસાની લાલચ આપીને પોતાનું ધાર્મિક શિક્ષણ ફેલાવવાની મંજૂરી નહીં મળે. હકીકતમાં ઓછામાં ઓછાં નવ ભારતીય રાજ્યોએ ધર્માંતરણ વિરોધી કાયદો પસાર કર્યો છે, જેના કારણે જબરજસ્તી કે પૈસા અને રોજગારની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવું ગેરકાયદેસર થઈ ગયું છે.

સાવરકરના હિન્દુત્વ વિચારમાં એવા લોકો સામેલ નથી જેમના પૂર્વજ ભારતવર્ષની બહારથી આવ્યા હતા. સ્પષ્ટ છે કે, સાવરકરની દૃષ્ટિએ ભારતમાં મુસલમાનો અને ખ્રિસ્તીઓને સ્થાન નથી, જ્યારે આ બંને ભારતના બે સૌથી મહત્ત્વપૂર્ણ લઘુમતી સમુદાય છે.

સાવરકરના હિન્દુ રાષ્ટ્રમાં એમનું શું સ્થાન હશે તે સ્પષ્ટરૂપમાં જણાવાયું નથી પરંતુ બહુ બહુ તો તેઓ દ્વિતીય દરજ્જાની નાગરિકતાની આશા રાખી શકે છે જેમાં બહુ બધા અધિકારોની આશા રાખ્યા વગર ભારતમાં રહી શકે છે.

હિન્દુ

ઇમેજ સ્રોત, TWITTER@ANINEWSUP

મુસ્લિમો અને ખ્રિસ્તીઓને નિકટ લાવવા માટે આરએસએસ પાસે એક મજબૂત કાર્યક્રમ છે. આરએસએસમાં મુસ્લિમ આઉટરીચના કર્તાહર્તા છે ઇન્દ્રેશકુમાર. આ વખતે એમની મુલાકાત લેવાનો બીબીસીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો.

પરંતુ પ્રોફેસર સિન્હા એ વાતે નિરાશ છે કે આ કાર્યક્રમની સફળતા સીમિત રહી છે. સામે તેમણે કહ્યું, "સંપર્ક કરવાની કે હાથ આગળ કરવાની જવાબદારી હવે ભારતીય મુસલમાનોની છે. "હું માનું છું કે અમે એમની (મુસલમાન) તરફ હાથ લંબાવ્યો અને અમારો દૃષ્ટિકોણ એ બાબતે ખુલ્લો છે. એમની તરફથી પણ આવો પ્રયાસ થવો જોઈએ. પોતાનો જ હાથ આગળ લંબાવ્યે રાખવો એક પ્રકારે તુષ્ટીકરણ છે. તમારે તમારી ખામીઓ વિશે જણાવવું પડશે અને પોતાની અંદરના ઉગ્રપંથી તત્ત્વોને કાબૂમાં રાખવા (એ) સમુદાયનું કામ છે."

બીજી તરફ મુસલમાનોને ડર છે કે 'હિન્દુ બહુસંખ્યક' શાસનમાં એમને ઘેટ્ટોમાં નાખીને અલગ પાડી દેવામાં આવશે અને એમની સાથે દ્વિતીય દરજ્જાના નાગરિકોની જેમ વર્તન કરવામાં આવશે. તેઓ પહેલાંથી અનુભવે છે કે તેઓ રાજકીય અલગાવ અને ચૂંટણીમાં રંગભેદ સહન કરી રહ્યા છે.

એમનો ડર, હિન્દુત્વવાદી નેતાઓનાં વારે-પરબે થતાં રહેતાં નિવેદનોમાંથી જન્મે છે. ભાજપના ધુરંધર નેતા અને આરએસએસના સક્રિય સભ્ય વિનય કટિયારે એક વાર કહેલું, "મુસલમાનોએ ભારતમાં ના રહેવું જોઈએ. વસ્તીના આધારે એમણે દેશના ભાગલા પાડ્યા હતા. તો તેઓ અહીંયાં કેમ છે? એમને એમનો ભાગ આપી દેવાયો છે. તેઓ બાંગ્લાદેશ જતા રહે કે પાકિસ્તાન. એમને ભારતમાં રહેવાનો કોઈ હક્ક નથી."

પાયાની હકીકત એ છે કે જો તમે મુસલમાનોના એક સમૂહમાં બેસશો તો એમનામાં એક હિન્દુ રાષ્ટ્રમાં રહેવાની નિશ્ચિતતાની અનુભૂતિ તમને થઈ જશે. તેઓ 15મી સદીના સ્પેનના ઇતિહાસને યાદ કરે છે જ્યારે 800 વર્ષ સુધી સ્પેન પર રાજ કરનારા મુસલમાનોને કૅથલિક સેનાઓએ હરાવી દીધા હતા અને બે વિકલ્પ આપ્યા હતા, કાં તો દેશ છોડીને જતા રહો, કાં ખ્રિસ્તી બની જાઓ. જેમણે ધર્મ બદલવાનો ઇનકાર કર્યો એમને ખતમ કરી દેવાયા.

પરંતુ પ્રોફેસર જફ્રેલૉટ એવું નથી માનતા કે એ પ્રકારનો વિનાશ ભારતમાં શક્ય હશે. જોકે, 'ઘરવાપસી'ની પ્રવૃત્તિ પહેલાંથી ચાલુ છે. તેમણે કહ્યું, "મુસલમાનોને નેસ્તાનાબૂદ કરવા સ્પષ્ટરૂપે કોઈના પણ એજન્ડામાં નથી. તે વ્યવહારુ હોઈ પણ ના શકે. પરિણામે વ્યવહારુ લક્ષ્ય છે મુસલમાનોને અદૃશ્ય કરી દેવા, કાં તો પાછો એમનો ધર્મ બદલીને અથવા એમને 'ઘેટો'માં રાખીને. ઘેટોકરણની પ્રક્રિયા તો ચાલી રહી છે, નિશ્ચિત રૂપમાં કેટલાંક શહેરોમાં."

ફ્રાંસિસી પ્રોફેસરની દલીલ છે કે જો મુસલમાન પોતાનો ધર્મ જાળવી રાખે છે કે ખ્રિસ્તી, ખ્રિસ્તી રહે છે તો પબ્લિક સ્ફીયરમાં તેઓ જોખમ વહોરી લે છે. "જો, તેઓ સમર્પણ કરી દે, પોતાની ઓળખ છોડી દે, મુસલમાન તરીકેનો પોતાનો સાર્વજનિક દેખાવ છોડી દે તો એમની પાસે ડરવાનું કોઈ કારણ નહીં રહે. તેઓને દ્વિતીય દરજ્જાના નાગરિક તરીકે રહેવા બાધ્ય કરી દેવાશે, શિક્ષણ અને રોજગારમાં હિન્દુઓ સાથે પ્રતિસ્પર્ધા કરવા માટે સક્ષમ નહીં રહી શકે."

પ્રોફેસર જફ્રેલૉટે આગળ કહ્યું કે, "જો હિન્દુ રાષ્ટ્રની સ્થાપના એટલે કે તમારો આશય લઘુમતીને ખરેખર દ્વિતીય દરજ્જાના નાગરિક બનાવી દેવાનો છે, તો આ બધાં અભિયાન કશીયે શંકા વગર સમજાય છે કેમ કે એના દ્વારા તમે એમને એટલા અસહાય બનાવો છો. એમને પોતાના વિસ્તારમાંથી બહાર નીકળવામાં બીક લાગશે, અડોશપડોશમાં જવામાં બીક લાગશે. તેઓ શિક્ષણ છોડી દેશે, જોબ માર્કેટથી દૂર થઈ જશે, હાઉસિંગ માર્કેટથી દૂર થઈ જશે અને એક પ્રકારે તમે ખરેખર એક હિન્દુ રાષ્ટ્રમાં હશો."

પરંતુ તેઓ એમ પણ કહે છે કે ભાજપને મુસલમાનોની જરૂર છે. "સંઘ પરિવારને એક 'અન્ય'ની જરૂર છે. તે અન્ય મુસલમાન છે. તે હારેલા હોઈ શકે છે પરંતુ એણે બહુમતી સમુદાય પર ઝળૂંબતા જોખમની જેમ દેખાતા રહેવું જોઈએ."

પ્રોફેસર અગ્રવાલ સંમત છે. તો પણ, એમનો દાવો છે કે, "હિન્દુત્વ શક્તિઓને તથાકથિત ચરમપંથી મુસ્લિમ નેતાઓની મદદ મળી રહી છે, જે આમ તો હિન્દુ શક્તિઓનો વિરોધ કરતા દેખાય છે પરંતુ જો તમે વસ્તુનિષ્ઠતાથી જુઓ તો વાસ્તવમાં તેઓ એમની મદદ કરી રહ્યા છે."

પરંતુ વડા પ્રધાને હંમેશાં 'સબ કા સાથ સબ કા વિકાસ'નું સૂત્ર આપ્યું છે. રાકેશ સિન્હાએ કહ્યું કે મોદી સરકારની અગણિત સ્કીમોથી મુસલમાન સહિત બધા સુમદાયને લાભ મળી રહ્યો છે. આ સરકારી યોજનાઓમાં કશો ભેદભાવ નથી.

કપિલ મિશ્રા કહે કે સંઘ પરિવાર એક હિન્દુ બહુમતી શાસન લાવવા તત્પર છે. એમનો દાવો છે કે હિન્દુ બહુમતી હિન્દુ સમાજ ભારતમાં સૌથી વધારે સહિષ્ણુ અને સેક્યુલર છે.

"પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને જુઓ. ત્યાં હિન્દુ બહુમતી નથી તેથી તેઓ સહિષ્ણુ અને સેક્યુલર નથી. તેથી મને લાગે છે કે ચિંતા એ વાતની હોવી જોઈએ કે હિન્દુ બહુમતીને સહેજ પણ નુકસાન ન થાય. એમની સુરક્ષા કરવી જોઈએ." પ્રોફેસર સિન્હા પણ એ વાત પર ભાર મૂકે છે કે ભારતીય બંધારણની ધર્મનિરપેક્ષ પ્રકૃતિનું મોટા ભાગનું શ્રેય હિન્દુ બહુમતી વસ્તીના સહિષ્ણુ સ્વભાવને ફાળે છે.

line

પરંતુ આ હિન્દુ રાષ્ટ્ર બનશે ક્યારે?

હિંદુ

ઇમેજ સ્રોત, WWW.MADURAIMEENAKSHI.ORG

પ્રોફેસર રાકેશ સિન્હાએ કહ્યું કે ભારત હંમેશાં એક હિન્દુ રાષ્ટ્ર રહ્યું છે, ત્યારે તો એક હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માગણી વધતી જાય છે.

હિન્દુ રાષ્ટ્રની ટાઇમલાઇન બાબતે કશી સ્પષ્ટતા નથી. પરંતુ એના સમર્થકોને લાગે છે કે 'અમે લોકો સંક્રમણ (પરિવર્તનની પ્રક્રિયા)ની અવસ્થામાં છીએ.' ભાજપના કપિલ મિશ્રાનો દાવો છે કે ઉત્તર પ્રદેશ એક આદર્શ રાજ્ય બની ચૂક્યું છે. એક હિન્દુ રાષ્ટ્ર કેવું હોવું જોઈએ એની એક ઝલક બતાવે છે. તેમણે કહ્યું, "ઉત્તર પ્રદેશ પંથનિરપેક્ષતા, સહિષ્ણુતા અને ધાર્મિક સમાનતાનો એક નમૂનો છે. રામનવમીએ જ્યારે જ્યાંત્યાં પથ્થરમારો થતો હતો ત્યારે યુપીમાં ફૂલ વરસાવાતાં હતાં. બીજી જગ્યાઓએ પેટ્રોલ બૉમ્બ ફેંકાતા હતા પરંતુ યુપીમાં શરબત વહેંચવામાં આવતું હતું. યુપીમાં બધા સમુદાયોએ સ્વેચ્છાએ લાઉડસ્પીકર કાઢી નાખ્યાં હતાં. સમસ્ત સમાજ કાયદાનું પાલન કરે છે. ઉત્તર પ્રદેશ આખા દેશમાં શાસનનું એક ચમકતું ઉદાહરણ છે."

પરંતુ હિન્દુત્વવાદી નેતા સારી રીતે જાણે છે કે ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે સ્વીકારતાં પહેલાં ઘણું બધું કામ કરવાનું બાકી છે.

એમના અનુસાર, અધૂરાં કાર્યોમાં આ બાબતો સામેલ છે - હિન્દુઓમાં એકતા આવવી અને જાતિવ્યવસ્થાનો અંત, મુસલમાન જેવા સમુદાયોને પ્રાપ્ત લઘુમતીના દરજ્જાનો અંત, કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોમાં પૃથકતાવાદી (અલગાવ) આંદોલનોનો અંત, મુસ્લિમ તુષ્ટીકરણનો અંત, એવી ખોટી માન્યતાને દૂર કરવી કે હિન્દુત્વ અને હિન્દુ બંને વિપરીત વિચાર છે, આવા અન્ય મુદ્દા પણ છે જે અધૂરાં કાર્યોની યાદીમાં છે.

આ અધૂરાં લક્ષ્યોને રમેશ શિંદેએ કંઈક આવા શબ્દોમાં જણાવ્યાં, "આપણે ધર્મનિરપેક્ષતાના નામે મુસ્લિમ તુષ્ટીકરણને સમાપ્ત કરવા માગીએ છીએ. લઘુમતીનો દરજ્જો પણ સમાપ્ત થવો જોઈએ. હિન્દુ રાષ્ટ્રમાં કોઈ લઘમતી કે બહુમતી નહીં હોય. ધર્મનિરપેક્ષતાની આડમાં આજે દેશને તોડવાનાં ષડ્‌યંત્ર થઈ રહ્યાં છે. ખાલિસ્તાનની માગ થઈ રહી છે, કાશ્મીર આઝાદી ઇચ્છે છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવતાં પહેલાં આ બધું સમાપ્ત થવું જોઈએ. આ એક પ્રક્રિયા છે. આ રાતોરાત ન થઈ શકે."

50 વર્ષથી પણ વધારે સમયથી આરએસએસના વિકાસને જોતા આવેલા અને સંગઠન પર એક પુસ્તક લખી ચૂકેલા શિકાગોસ્થિત વરિષ્ઠ પત્રકાર શ્રીધર દામલેએ બીબીસીને જણાવ્યું, "આરએસએસ ક્રાંતિકારી પરિવર્તન કરાવવા માગે છે અને તે કોઈ પણ પ્રકારની અથડામણ વગર તેને હાંસલ કરવા માગે છે."

છેલ્લાં 50 વર્ષોમાં દામલે ઘણા બધા સંઘ પ્રમુખોને મળી ચૂક્યા છે અને એમનો આ દૃષ્ટિકોણ એ પ્રમુખો સાથેની એમની બેઠકો પર આધારિત છે.

પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ ગયા વર્ષે ભવિષ્યવાણી ભાખી હતી કે ભારત સાડા ત્રણ વર્ષમાં હિન્દુ રાષ્ટ્ર બની શકે છે. વધારે નક્કર ટાઇમલાઇન સનાતન સંસ્થા તરફથી આવી છે, જેણે પોતાની વેબસાઇટમાં દાવો કર્યો કે એક સાધુએ 2023થી 2025 દરમિયાન ભારત હિન્દુ રાષ્ટ્ર બની જવાની ભવિષ્યવાણી કરી છે.

પ્રોફેસર પુરુષોત્તમ અગ્રવાલ અનુસાર એ કહેવું ઘણું મુશ્કેલ છે કે 2023-25 વચ્ચે ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવાશે. પરંતુ તેમણે કહ્યું કે એ સમય દૂર પણ નથી. "આ દેશમાં વિપક્ષ અને ઉદારવાદી શક્તિઓ જે રીતનો વ્યવહાર દેખાડતી આવી છે, મને આશ્ચર્ય નહીં થાય કે 2025ની તરત બાદ એવું થઈ જાય. હું કહેવા એ માગું છું કે સમાવેશી ભારત કે ગાંધી-નેહરુના ભારત પર વિશ્વાસ કરનારાએ તત્કાળ કોઈ પગલું ભરવાની જરૂર છે, એમણે સનાતન સંસ્થા જેવાં સંગઠનોને ગંભીરતાથી લેવાં પડશે."

રમેશ શિંદેએ કહ્યું કે, "હિન્દુ રાષ્ટ્રના નિર્માણનું કામ પ્રગતિમાં છે. એ બે વર્ષનો પ્રોજેક્ટ નથી. આજનું સેક્યુલર ભારત આવતી કાલનું હિન્દુ રાષ્ટ્ર નહીં બની જાય. ભાજપ આઠ વર્ષથી સત્તામાં છે અને એનો દાવો છે કે આ વિષયક ઘણું બધું કામ હજી અધૂરું છે. તમારે થોડોક સમય આપવો પડશે."

પ્રોફેસર ક્રિસ્ટોફે જફ્રૅલોનો મત છે કે, "સમાજમાં પાયાના સ્તરે બદલાવના ધોરણે એક હિન્દુ રાષ્ટ્ર બની જવું સંઘ પરિવારની એક નિશ્ચિત પ્રાથમિકતા છે. 100 વર્ષ પહેલાં સંઘની શરૂઆત થઈ હતી અને તે ઘણું બધું હાંસલ કરી ચૂક્યો છે." હિન્દુ રાષ્ટ્રના નિર્માણની કોઈ નિશ્ચિત ટાઇમલાઇનનો અંદાજ તેઓ ના કરી શક્યા પરંતુ એવું જરૂર કહ્યું કે એક વાસ્તવિક હિન્દુ રાષ્ટ્ર સંઘ પરિવાર હાંસલ કરી શકે છે અને તે એવું કરી પણ રહ્યો છે.

કેટલાક હિન્દુત્વવાદી નેતાઓએ માગણી કરી છે કે ભારતને તાત્કાલિક અસરથી હિન્દુ રાષ્ટ્ર જાહેર કરી દેવાય. પરંતુ અન્ય લોકો માને છે કે ભારતને ઔપચારિક એલાનની જરૂર નથી. તેઓ એક સેક્યુલર રાજ્યમાંથી એક હિન્દુ રાષ્ટ્રના રૂપમાં ભારતનું પરિવર્તન જુએ છે.

તોપણ કેટલાક અન્ય મત એવા પણ છે જેના અનુસાર એવો કોઈ ખાસ દિવસ ક્યારેય નહીં આવે જ્યારે ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવાશે. આ કુદરતી રીતે થઈ રહ્યું છે અને ઔપચારિક રૂપમાં એવું કદાચ નહીં થાય.

સંઘ માટે હિન્દુ રાષ્ટ્રનો અર્થ એક જબરજસ્ત રીતે હિન્દુ સાંસ્કૃતિક વર્ચસ્વ છે. પરંતુ પ્રોફેસર અગ્રવાલની દલીલ છે કે હિન્દુ રાષ્ટ્ર ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રામાણિક પ્રતિનિધિત્વ નથી કરતું, પરિણામે આ સમગ્ર વિચારને એ દૃષ્ટિએ જોવાની જરૂર છે.

line

હિન્દુ રાષ્ટ્ર જેવું રાજ્ય શું દુનિયામાં બીજે ક્યાંક પણ છે?

સાઉદી અરબ એક ધર્મશાસિત રાજ્ય છે (બિન ઝાયેદ બિન સુલતાન અલ નહયન)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી અરબ એક ધર્મશાસિત રાજ્ય છે (બિન ઝાયેદ બિન સુલતાન અલ નહયન)

સાઉદી અરેબિયા એક ધર્મશાસિત રાજ્ય છે, જેનો સત્તાવાર ધર્મ ઇસ્લામ છે. સાઉદી નાગરિકતા મેળવવા ઇચ્છનાર બિન-મુસ્લિમ વિદેશીઓએ ઇસ્લામ ધર્મ કબૂલ કરવો પડશે.

મુસ્લિમ પિતાઓનાં સંતાનો કાયદેસર રીતે મુસ્લિમ કહેવાશે. ઇસ્લામમાં બીજા કોઈ ધર્મમાં પરિવર્તનને ધર્મ છોડી દેવો સમજવામાં આવશે અને એની સજા મૃત્યુ છે.

ઇસ્લામ સિવાય બીજા કોઈ ધર્મનું પાલન સાર્વજનિક રીતે વર્જિત છે. દેશમાં ચર્ચ, મંદિર કે બીજાં બિન-મુસ્લિમ પૂજાસ્થળની મંજૂરી નથી.

બીબીસીની એક તપાસ અનુસાર, ઈરાનના પેચીદા અને અસામાન્ય રાજકીય તંત્રમાં આધુનિક ઇસ્લામિક ધર્મશાસનનાં તત્ત્વ લોકતંત્રની સાથે ભળેલાં છે. સર્વોચ્ચ નેતા દ્વારા નિયંત્રિત બિન-ચૂંટાયેલી સંસ્થાઓનું નેટવર્ક, રાષ્ટ્રપતિ અને લોકોએ ચૂંટેલી સંસદની સમાંતરે કામ કરે છે.

ઈરાનમાં સૌથી વધારે પ્રભાવશાળી સંસ્થા ગાર્જિયન કાઉન્સિલ સંસદમાંથી પાસ થનારાં તમામ બિલોને અંતિમ મંજૂરી આપે છે અને એમને વીટો કરવાની શક્તિ પણ એમની પાસે છે.

આ કાઉન્સિલ ઉમેદવારોને સંસદીય ચૂંટણી, રાષ્ટ્રપતિની ચૂંટણી અને ધર્મશાસ્ત્રજ્ઞોની સભાની ચૂંટણી લડવાને પણ રોકી શકે છે.

ઈરાની દંડસંહિતા, હુદૂદ સજાઓ (શરિયા દ્વારા નિયત) ઉપલબ્ધ કરાવે છે. જેમાં અંગભંગ, ચાબુકનો માર અને પથ્થરો મારવા જેવી સજાઓ સામેલ હોય છે. ધર્માંતરણ અને બિન-મુસ્લિમોના મુસ્લિમોનું ધર્મપરિવર્તન કરાવવાના પ્રયાસો સામે મોતની સજાની જોગવાઈઓનો ઉલ્લેખ પણ દંડસંહિતામાં છે.

ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે ડિસેમ્બર 2020ની મધ્યમાં જાતીય લઘુમતી કેદીઓને ફાંસીની સંખ્યામાં 'ચિંતાજનક વધારા'ની નોંધ લીધી હતી. અમેરિકન વિદેશ મંત્રાલયના એક રિપોર્ટનો દાવો હતો કે ઈરાની સરકારે લઘુમતી સમુદાયોના ઓછામાં ઓછા 62 લોકોને 'ઈશનિંદા'ના આરોપસર લાંબા સમયની જેલ કે ફાંસીની સજા કરી હતી.

બંને દેશોમાં મુસલમાન ખૂબ વધારે, બહુમતી છે અને કહેવાય છે કે ત્યાં લઘુમતીના અધિકારોમાં ખૂબ ખરાબ રીતે કાપ મૂકવામાં આવ્યો છે. રાજકીય ટીકાકારોનું કહેવું છે કે જો ભારત ધર્મશાસિત હિન્દુ રાજ્ય બન્યો તો સમાજ અને શાસનમાં બહુમતી હિન્દુ વસ્તીનું વર્ચસ્વ ખરેખર શક્ય છે અને લઘુમતી પણ પોતાના અધિકારોમાં કાપ મુકાતો જોઈ શકે છે.

જો ભારતને સત્તાવાર રીતે થિઓક્રસી એટલે કે ધર્મશાસિત ઘોષિત કરી દેવામાં આવે તો પોતાની રીતનો તે પહેલો દેશ હશે, કેમ કે ઈરાન અને સાઉદી અરબની રૂપરેખા પર, એટલે સુધી કે ઇસ્લામને પોતાનો સત્તાવાર ધર્મ કહેનારા પાકિસ્તાનની રૂપરેખા પર પણ, ભારતના હિન્દુ રાજ્ય થવાનું કોઈ ઉદાહરણ નથી.

જોકે કેટલાક લોકો ઉપરોક્ત પૉઇન્ટ પર સવાલ ઊભો કરે છે અને કહે છે કે શિવાજીનું શાસન, પેશવાઓની હકૂમત અને ઘણાં રાજાશાહી પ્રશાસનો હિન્દુ રાજ્ય જેવાં જ હતાં. 1947માં આઝાદ ભારતમાં વિલય પહેલાં ત્રાવણકોર (હવે કેરળમાં) રજવાડું એક હિન્દુ રાજ્ય હતું. હિન્દુ ધર્મ એનો સત્તાવાર ધર્મ હતો.

વાસ્તવમાં રાજ્ય ખુદ પારિવારિક દેવતા શ્રી પદ્મનાભની સંપત્તિ હતું. મહારાજ ખુદ એક આસ્થાવાન હિન્દુ હતા, જેમણે દેવતાના સેવકની ભૂમિકા નિભાવી હતી.

line
લાઇન

સંક્ષિપ્તમાં: શું ભારત 'હિન્દુ રાષ્ટ્ર' બનવાના સંકેતો મળી રહ્યા છે?

લાઇન
  • 2014માં શાનદાર જીત મેળવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પોતાના પ્રથમ સંબોધનમાં સદીઓની ગુલામી અંગે શોક વ્યક્ત કર્યો હતો
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની સ્થાપનાથી જ હિન્દુ રાષ્ટ્રને 'પુનઃ પ્રાપ્ત' કરવા માટે દૃઢતાથી કામ કરી રહ્યો છે
  • લેખક અને ઇતિહાસકાર પુરુષોત્તમ અગ્રવાલ પણ માને છે કે હિન્દુ રાષ્ટ્રની માગ નવી નથી
  • પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ ગયા વર્ષે ભવિષ્યવાણી ભાખી હતી કે ભારત સાડા ત્રણ વર્ષમાં હિન્દુ રાષ્ટ્ર બની શકે છે
  • દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ દૃઢતાપૂર્વક કહ્યું કે ભારતને એક હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવું જોઈએ
  • એમણે આશા પ્રગટ કરી કે ભારત હિન્દુ રાષ્ટ્ર બનતાં જ અન્ય 15 દેશ પણ પોતાને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરશે
  • એક સાધુએ 2023થી 2025 દરમિયાન ભારત હિન્દુ રાષ્ટ્ર બની જવાની ભવિષ્યવાણી કરી છે
  • પ્રોફેસર જફ્રેલૉટે કહ્યું કે બની શકે કે આગામી કેટલાંક વર્ષોમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બને. તે માટે પાયાના સ્તરે કામ શરૂ થઈ ગયું છે
  • પ્રોફેસર જફ્રેલૉટે કહ્યું કે 2019માં ભાજપ ચૂંટણી જીત્યા પછીથી હિન્દુ રાષ્ટ્રના સંકેત વધારે મજબૂત થઈ ગયા છે
  • 2019ની સંસદીય ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદથી મોટી સંખ્યામાં 'ધર્મસંસદ' અને ધાર્મિક સભાઓ આયોજિત કરાતી રહી છે
  • જુદાં જુદાં હિન્દુત્વ સંગઠનોના સભ્ય હવે લોકોને હિન્દુ રાષ્ટ્રની વ્યાખ્યા સ્વીકારવા પહેલાં કરતાં વધારે પ્રેરિત કરવા લાગ્યા છે
  • સંઘ પરિવારના નેતા હંમેશાં માનતા આવ્યા છે કે લઘુમતી મુસ્લિમ અને ખ્રિસ્તી હિન્દુ રાષ્ટ્રમાં લઘુમતી નહીં રહે
  • કપિલ મિશ્રા કહે કે સંઘ પરિવાર એક હિન્દુ બહુમતી શાસન લાવવા તત્પર છે
  • હિન્દુ રાષ્ટ્રની અગ્રસર માર્ચ હિંસા ભરેલી નજરે પડે છે, સમાજનો એક મોટો ભાગ એને કાં તો સ્વીકારતો દેખાય છે કાં તો ખામોશ છે
  • જોકે હિન્દુત્વના વિશેષજ્ઞ અમેરિકન સ્કૉલર પ્રોફેસર વેંડી ડોનિગર પ્રાચીન ભારતમાં હિન્દુ રાષ્ટ્રની અવધારણાને નકારે છે
  • હિન્દુત્વ રાજનીતિ અને આરએસએસ પર ઊંડી નજર રાખનારા પ્રો. જ્યોતિર્મય શર્માનું માનવું છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બની ચૂક્યો છે- તેના માટે હવે બંધારણમાં ફેરફારની જરૂર નથી
લાઇન

હિન્દુ રાષ્ટ્રના નિર્માણના રસ્તામાં શું દેખાઈ રહ્યું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, YAWAR NAZIR/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

હિન્દુ રાષ્ટ્રની અગ્રસર માર્ચ હિંસા ભરેલી નજરે પડે છે, સમાજનો એક મોટો ભાગ એને કાં તો સ્વીકારતો દેખાય છે કાં તો ખામોશ છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે નફરતે ભારતીય સમાજમાં ભાગલા પાડી દીધા છે. કટ્ટરતાની તસવીરો, હથિયારોની ટ્રેનિંગ - એક સમયે આ ઉગ્રપંથી ઇસ્લામવાદીઓની ઓળખ હતી, પરંતુ તાજેતરમાં કર્ણાટકમાં બજરંગદળની એક શિબિરમાંથી પ્રકટી આવી. આ કોઈ એકમાત્ર ઘટના નહોતી.

વાસ્તવમાં નાશિકની સેન્ટ્રલ હિન્દુ મિલિટરી એજ્યુકેશન સોસાયટી, "ભારતીય સુરક્ષા દળોમાં જોડાવાની ઇચ્છા ધરાવનારા ભારતીય યુવાનોની મદદ માટે" વર્ષોથી યુવાઓને હથિયારોની ટ્રેનિંગ આપતી આવી છે. લાગે છે કે મુસ્લિમ સમાજના એક વર્ગને પણ કટ્ટર બનાવાઈ રહ્યો છે. એનું એક સમર્થન ત્યારે મળ્યું જ્યારે બે અલગઅલગ ઘટનાઓમાં ભાજપનાં પ્રવક્તા નૂપુર શર્માને સમર્થન આપનારા બે લોકોની હત્યામાં કટ્ટરપંથી મુસલમાનોનો હાથ હોવાની શંકા પ્રગટ કરાઈ. નૂપુર શર્મા પર મહમદ પયગંબરના અપમાનનો આરોપ છે.

અમેરિકાસ્થિત સંગઠન હિન્દુઝ ફૉર હ્યુમન રાઇટ્સના એડવોકેસી ડાયરેક્ટર નિખિલ મંડલાપાર્થી છે. એમનું સંગઠન હિન્દુત્વની દલીલો સામે સવાલો ઊભા કરે છે. નિખિલે વૉશિંગ્ટન ડીસીથી બીબીસીને જણાવ્યું, "જુઓ, હિન્દુ રાષ્ટ્ર માટે આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ. આ એક ખૂબ જ હિંસક પ્રકારનો રસ્તો છે, જેમાં મુસલમાનો પર હિંસક હુમલા કરવામાં આવે છે, નિર્દોષ લોકોને મારી મારીને જબરજસ્તી જય શ્રીરામ બોલાવડાવાય છે, હિન્દુ ઉત્સવો વખતે મસ્જિદો બહાર તલવારો અને અન્ય હથિયારો લહેરાવાય છે. જો આ રસ્તે હિન્દુ રાષ્ટ્ર મેળવવાની કોશિશ કરવામાં આવી રહી હોય તો કોઈ કઈ રીતે વિશ્વાસ કરશે કે એક વાર ત્યાં પહોંચી ગયા પછી આ બધું બંધ થઈ જશે."

2019ની સંસદીય ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદથી મોટી સંખ્યામાં 'ધર્મસંસદ' અને ધાર્મિક સભાઓ આયોજિત કરાતી રહી છે, જેમાં મુસલમાનોને મારી નાખવાના લલકાર કરવામાં આવ્યા અને મુસ્લિમ વેપારનો બહિષ્કારના સાગંદ લેવામાં આવ્યા.

વિશેષજ્ઞોનું કહેવું છે કે નવા ભારતમાં માર્ગોથી માંડીને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ સુધી નફરતનું રાજ છે. એ જ આજે ન્યૂ નૉર્મલ છે. હિન્દુત્વ ઇકૉસિસ્ટમમાં ઘણા લોકો સાથે વાત કર્યા પછી એવું સામે આવ્યું કે હિન્દુ યુવાઓને એવી ખાતરી અપાઈ કે હિન્દુ ધર્મના સુવર્ણકાળનું પુનરુત્થાન બસ, થવામાં જ છે. એમને વારંવાર એ જણાવાય છે કે મુસ્લિમો અને ખ્રિસ્તીઓના હાથે સદીઓથી થયેલાં દમનનો બદલો લેવો જ પડશે. હિંસાને હિંસાથી રોકવી પડશે.

સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

હિન્દુ જનજાગૃતિ સમિતિના રમેશ શિંદેએ કહ્યું, "હિન્દુ સમાજે ખૂબ વધારે ધીરજ રાખી છે. (હિન્દુઓ સામે હિંસા છતાં) પરંતુ જો એ જ અપરાધ વારંવાર થતા રહ્યા તો એને સહન કરવા અઘરા થઈ જાય છે."

બીબીસી સાથેની વાતચીતમાં એમણે કહ્યું કે અસલી પીડિત તો હિન્દુ છે અને સાથે એવું પણ જોડ્યું કે "આખા દેશમાં કોઈક તો હોવું જોઈએ જે હિન્દુ પીડિતો વિશે બોલી શકે, એમને કાનૂની સહાય ઉપલબ્ધ કરાવી શકે. હું એ જ કરું છું." જોકે એક ભારતીય મીડિયા સંસ્થાએ પોતાના રિપોર્ટમાં 'હિન્દુ ઇકૉસિસ્ટમ'ને નફરતની ફૅક્ટરી કહેલી.

ભારત એક સેક્યુલર રાજ્ય છે, જ્યાં દેશનો કોઈ ધર્મ નથી- એક એવું રાજ્ય જે બધા ધર્મોના અનુયાયીઓને એકસમાન અધિકાર આપે છે. પરંતુ એ પણ એક હકીકત છે કે આઝાદીનાં 75 વર્ષ પૂરાં થવાં પર એ સવાલ જોરશોરથી ઊઠી રહ્યો છે કે શું આ દેશનું કલેવર બદલાઈ જશે.

હિન્દુત્વ રાજનીતિ અને આરએસએસ પર ઊંડી નજર રાખનારા પ્રો. જ્યોતિર્મય શર્માનું માનવું છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બની ચૂક્યો છે- તેના માટે હવે બંધારણમાં ફેરફારની જરૂર નથી.

2024માં થનારી સામાન્ય ચૂંટણીમાં આ મુદ્દો કેન્દ્રમાં હશે, એવું કહેનારા અને માનનારા જાણકારો હવે માત્ર તેને મૅટર ઑફ ટાઇમ કહી રહ્યા છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન