90 વર્ષીય રીના છિબ્બરે પાકિસ્તાનમાં વડવાઓના ઘરમાં રાત વિતાવી, ભારત આવીને શું કહ્યું?

ઇમેજ સ્રોત, INDIA PAKISTAN HERITAGE CLUB
"મારું સપનું હતું કે હું એક વખત મારું ઘર જોઉં કેમ કે મેં હંમેશા દરેકને કહ્યું કે મારું હોમટાઉન રાવલપિંડી છે. હું તેમનો જેટલો આભાર વ્યક્ત કરું તેટલો ઓછો છે. કેમ કે મારી પાસે શબ્દ નથી આ અનુભવને વ્યક્ત કરવા માટે."
આ શબ્દો રીના વર્મા છિબ્બરના છે, જેઓ પાકિસ્તાનના રાવલપિંડીમાં પોતાના વડવાઓના ઘરમાં કેટલાક દિવસો રોકાઈને ભારત પરત ફર્યાં છે. તેમણે આ યાત્રામાં એક રાત પોતાના એ જ ઘરમાં ઊંઘીને વિતાવી જ્યાં તેમણે પોતાનું નાનપણ વિતાવ્યું હતું.
રીના તે ઘરમાં રહીને પરત ફર્યા છે, જેને જોવું પણ તેમના માટે સપના સમાન હતું. એ બાલ્કનીમાં તેઓ નાનપણના એ ગીત ગાઈને પરત ફર્યા છે, જેની તેમને ખૂબ યાદ આવે છે.
ભારતના વિભાજનનાં 75 વર્ષ બાદ પુણેના રહેવાસી રીના વર્મા છિબ્બર પાકિસ્તાનનાં રાવલપિંડીમાં 18 જુલાઈના રોજ પહોંચ્યાં હતાં. તેમની આ તીર્થયાત્રા એ ઘરમાં જઈને પૂરી થઈ જે રીના વર્મા પ્રમાણે તેમના પિતાએ પોતાના જીવનની પૂંજીને ખર્ચીને બનાવ્યું હતું. રીના વર્મા હંમેશાં આ ઘરને ફરી જોવાનું સપનું જુએ છે.

પાકિસ્તાનથી ભારત પરત ફરવા શું કહ્યું?
સોમવારના રોજ અટારી બૉર્ડરના રસ્તે રીના વર્મા છિબ્બર ભારત પરત આવ્યાં હતાં. તેમને લેવા માટે તેમના પરિવારના લોકો આવ્યા હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે પાકિસ્તાનમાં પોતાના ઘરે પરત ફરવાનો જે અનુભવ રહ્યો તેને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે.
તેમણે કહ્યું, "આ ખૂબ જ સારી ફીલિંગ છે. હું એક રાત ત્યાં મારા રૂમમાં ઊંઘીને આવી છું. મને ખૂબ પ્રેમ મળ્યો છે. એટલો વધારે કે મને તેની આશા ન હતી."
રીના વર્માને પૂછવામાં આવ્યું કે શું તેઓ પાકિસ્તાનથી કોઈ યાદી લઈને આવ્યાં છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે મેં ખૂબ પ્રયાસ કર્યો કે કોઈ વસ્તુ મળી જાય, પરંતુ ત્યાં ઘરનું કંઈ હતું જ નહીં.
નાનપણની યાદો તાજી કરતાં તેમણે કહ્યું કે અમારા ઘરમાં અંગીઠી બનતી હતી. તેની નીચે મારા પિતાએ ડિઝાઇન બનાવી હતી. તેની સાથે એક તસવીર લીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
રીના વર્માએ જણાવ્યું કે જ્યારે તેમણે ઘર જોયું તો તેમને તેમના પરિવારની જ યાદ આવતી રહી હતી. "એવું લાગી રહ્યું હતું કે જાણે હું મારું નાનપણ જીવી રહી છું અને મને મારાં ભાઈ-બહેન, માતાપિતા બધાં ત્યાં જ દેખાતાં હતાં. મને બધાએ એવો પ્રેમ આપ્યો કે ભારત અને પાકિસ્તાનમાં કોઈ ફેર જ ન દેખાયો."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
રાવલપિંડીમાં પોતાનું ઘર જોઈને રીના વર્મા ભાવુક થઈ ગયાં હતાં. તેમણે ઘરના દરેક રૂમમાં જઈને એ દિવાલોને જોઈ હતી જે તેમણે 75 વર્ષ પહેલાં છોડી હતી. નાનપણમાં તેઓ પોતાનો મોટાભાગનો સમય બાલ્કનીમાં ઊભાં રહીને ગીત ગાઈને વિતાવતાં હતાં. જ્યારે તેમણે ફરી એ બાલ્કની જોઈ તો તેઓ ભાવુક થઈ ગયાં હતાં. તેમણે એ જ બાલ્કનીમાં થોડો સમય વિતાવ્યો અને એ જ ગીત ગાયું જે તેઓ નાનપણમાં ગાતાં હતાં.

સરકારને રીના વર્માની અપીલ

ઇમેજ સ્રોત, INDIA PAKISTAN HERITAGE CLUB
તેમણે ભારત અને પાકિસ્તાન સરકારને અપીલ કરી છે કે લોકોને તેમના વડવાના ઘર જોવા મળે તે માટે તેમણે મદદ કરવી જોઈએ.
તેમણે કહ્યું કે 90 વર્ષની ઉંમરના લોકો ખૂબ ઓછા રહી ગયા છે, જેમણે ત્યાં થોડું પણ જીવન વિતાવ્યું છે. તેમના માટે એકબીજાના દેશમાં જવું સહેલું કરી દેવું જોઈએ. 90 વર્ષ કરતાં વધારે ઉંમર ધરાવતા બધા લોકો યાત્રા કરવાની સ્થિતિમાં નથી. જો કોઈ જવા માગે છે તો તેમની મદદ થવી જોઈએ.
રીના વર્મા વર્ષ 1965થી પાકિસ્તાનના વિઝા પ્રાપ્ત કરવાના પ્રયાસ કરી રહ્યાં હતાં. અંતે આ વર્ષે તેઓ પોતાના આ પ્રયાસમાં સફળ રહ્યાં. ભારત-પાકિસ્તાન હેરિટેજ ક્લબે રીના વર્માની મદદ કરી હતી.

પાકિસ્તાનના લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, INDIA PAKISTAN HERITAGE CLUB
રાવલપિંડી જવા પર તેમનું શાનદાર સ્વાગત થયું હતું. જ્યારે તેમણે ગલીમાં પગ મૂક્યો તો તેમના પર ગુલાબનાં ફૂલોનો વરસાદ થયો. સ્થાનિક લોકોએ 90 વર્ષીય રીના વર્મા સાથે ઢોલ નગાડા પર ડાન્સ કર્યો. તેઓ આ સ્વાગતથી અભિભૂત થયાં હતાં.
1947માં ભારત-પાકિસ્તાન વિભાજનના થોડા દિવસો પહેલાં જ રીના વર્માનો પરિવાર રાવલપિંડીનો 'પ્રેમ નિવાસ' વિસ્તાર છોડીને ભારત પહોંચ્યો હતો. હવે તે કૉલેજ રોડ તરીકે ઓળખાય છે.
ભારત-પાકિસ્તાન હેરિટેજ ક્લબના ફેસબુક પેજ પર ઝાહિર મહેબૂબે રીના વર્મા સાથે તસવીરો પોસ્ટ કરતાં તેમને અલવિદા કહ્યું હતું.
તેમણે લખ્યું, "અલવિદા મા જી, તમે અમને ખૂબ યાદ આવશો. તમારી સાથે જે પ્રકારનો સમય પસાર થયો છે, એવું લાગે છે કે જાણે સમય થંભી ગયો હોય. તમારી વાતો, તમારી સલાહ, તમારો પ્રેમ અને ક્યારેક ક્યારેક હળવો ગુસ્સો, બધાને ખૂબ યાદ રહેશે. કાશ એવું થાય કે આપણે ફરી મળી શકીએ."
આવું જ કંઈક ફઝલ રહમાને તેમના માટે લખ્યું છે. તેમણે કહ્યું કે રીના વર્માની નાની એવી યાત્રા લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. તેમની યાત્રાએ એ લોકો માટે રસ્તા ખોલી દીધા છે જે ભારત અને પાકિસ્તાનમાં પોતાની જન્મભૂમિને જોવા ખૂબ રાહ જોઈ રહ્યા છે.
ફઝલ રહમાન ખાને લખ્યું, "બંને દેશોની સરકારોએ આવા લોકોના દુઃખનો અનુભવ કરવો જોઈએ જેઓ 75 વર્ષ બાદ પણ પોતાના જન્મસ્થળે જઈ શક્યા નથી."
આ સિવાય નોશાબા શહઝાદ મસૂદે રીના વર્માની પાકિસ્તાનથી જતાં તસવીર શૅર કરતાં લખ્યું, "બાબુલ કી દુઆએં લેતી જા."

પાકિસ્તાની મીડિયાએ શું કહ્યું?

ભારતની જેમ પાકિસ્તાનની મીડિયામાં પણ રીના વર્માની ખૂબ ચર્ચા થઈ છે. રાવલપિંડીની પોતાની યાત્રા દરમિયાન પાકિસ્તાની મીડિયા તેમને એક વખત જોવા માટે તેમના વડવાના ઘરની બહાર ઊભું હતું.
પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ટ્રિબ્યૂને રીના વર્માના મરી હિલ સ્ટેશન ફરવાને કવર કર્યું હતું. શનિવારના રોજ મરી હોટલ ઑનર્સ ઍસોસિયેશનના સભ્યોએ રીના વર્માનું ગુલાબના ફૂલોથી સ્વાગત કર્યું હતું.
મૉલ રોડ પર ફરતાં તેમણે પર્યટકો સાથે વાતચીત કરી હતી અને ઘણા લોકો સાથે સૅલ્ફી પણ લીધી હતી.
ન્યૂઝ વેબસાઇટ પ્રમાણે થોડો સમય મૉલ રોડ પર ફર્યા બાદ રીના વર્મા જીપીઓ ચોક પણ ગયાં. આ અવસરે વાત કરતાં તેમણે કહ્યું કે મરી એક ખૂબ જ સુંદર સ્થળ છે અને દરેકે અહીં આવવું જોઈએ.
આ સિવાય પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ડૉને પણ રીના વર્માની યાત્રા વિશે ઘણું બધું લખ્યું હતું. વેબસાઇટ પ્રમાણે ભારત-પાકિસ્તાન હેરિટેજ ક્લબ સિવાય પાકિસ્તાનનાં વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારે તેમને પાકિસ્તાનના વિઝા અપાવવામાં મદદ કરી હતી.

પોતાના ઘરે પરત ફરવાની કહાણી
વર્ષ 2021માં પાકિસ્તાનના એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર જ્યારે રીના વર્મા આવ્યા તો તેઓ રાતોરાત સોશિયલ મીડિયા પર જાણીતો ચહેરો બની ગયાં હતાં.
'ઇન્ડિયા પાકિસ્તાન હેરિટેજ ક્લબ' ફેસબુક ગ્રૂપ સાથે જોડાયેલા લોકોને રાવલપિંડીમાં તેમના ઘરની શોધ શરૂ કરી દીધી હતી અને અંતે એક મહિલા પત્રકારે એ ઘરને શોધી લીધું હતું. રીના વર્મા પાકિસ્તાન જવા ઇચ્છતાં હતાં પરંતુ કોવિડ મહામારીના પગલે તેઓ જઈ ન શક્યાં.
જોકે, આ વર્ષે માર્ચમાં તેમણે અંતતઃ પાકિસ્તાનના વિઝા માટે અરજી કરી અને કોઈ કારણ જણાવ્યા વગર તેને ફગાવી દેવામાં આવી હતી.
રીના કહે છે, "હું ભાંગી પડી હતી. મને એ આશા ન હતી કે એક 90 વર્ષીય મહિલા, જે માત્ર પોતાનું ઘર જોવા માગે છે, તેના વિઝા રદ કરી દેવામાં આવશે. હું આવું વિચારી પણ નહતી શકતી, પરંતુ એવું થયું."
રીના કહે છે કે પાકિસ્તાન ત્યારે રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું હતું. તેઓ એ જાણી શકતાં ન હતાં કે આખરે વિઝા માટે અરજી કેવી રીતે કરે.
જોકે, તેઓ એ ચોક્કસ કહે છે કે તેઓ ફરી વિઝા માટે અરજી કરવાની યોજના બનાવી ચૂક્યાં હતાં, પરંતુ તેઓ ફરી અરજી કરે તે પહેલાં જ તેમની કહાણી પાકિસ્તાનનાં વિદેશમંત્રી હિના રબ્બાની ખાર સુધી પહોંચી ગઈ જેમણે દિલ્હીમાં પાકિસ્તાનના દુતાવાસને રીનાના વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા.
રીના કહે છે, "જ્યારે પાકિસ્તાનના દુતાવાસથી મારી પાસે ફોન આવ્યો તો મારી ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. તેમણે મને આવીને વિઝા લેવા માટે કહ્યું. થોડા જ દિવસોમાં આ બધું થઈ ગયું."
અંતે 20 જુલાઈના રોજ રીના રાવલપિંડી પોતાના વડવાના ઘરે પહોંચ્યાં હતાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














