મ્યાનમારની સેનાએ ચાર લોકશાહી સમર્થક કાર્યકર્તાઓને આપી મોતની સજા

મ્યાનમારના જાણીતા લોકતંત્ર સમર્થક કાર્યકર્તા કો જિમની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, મ્યાનમારના જાણીતા લોકતંત્ર સમર્થક કાર્યકર્તા કો જિમની ફાઇલ તસવીર
    • લેેખક, ઝુબૈદા અબ્દુલ જલીલ
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • એનયૂજીએ કહ્યું છે કે મોતની સજા મેળવનારા લોકોમાં લોકતંત્રના સમર્થન, સશસ્ત્ર વંશીય સમૂહોના પ્રતિનિધિ અને એનએલડીના સભ્યો સામેલ છે
  • એનયૂજીએ આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ અપીલ કરી છે કે તેઓ સત્તામાં બેસેલી હત્યારી સેનાને તેની ક્રૂરતા અને હત્યાઓ માટે સજા આપે
  • સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસે ચારેય ઍક્ટિવિસ્ટને આપવામાં આવેલી મોતની સજાને 'જીવન, સ્વતંત્રતા અને સુરક્ષાના અધિકાર'નું ઉલ્લંઘન ગણાવી છે
  • સત્તાપલટા બાદ અત્યાર સુધી 14 હજાર 847 લોકોની ધરપકડ થઈ છે.
  • જ્યારે એક અનુમાન પ્રમાણે સેનાએ બે હજાર કરતાં વધુ લોકોની હત્યા કરી છે
લાઇન

મ્યાનમારની સેનાએ દેશના ચાર લોકશાહી સમર્થક કાર્યકર્તાઓને મોતની સજા આપી છે. દાયકાઓ બાદ દેશમાં મોતની સજા આપવામાં આવી છે.

પૂર્વ સાંસદ ફ્યો ઝિયા થૉ, લેખક અને કાર્યકર્તા કો જિમી, લા મ્યો આંગ અને આંગ થુરા ઝૉ પર 'આતંકી ગતિવિધિઓ'ના આરોપ હતા.

પહેલી વખત સેનાએ આ વર્ષે જૂન મહિનામાં મોતની સજા જાહેર કરી હતી. તે સમયે આ નિર્ણયની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ હતી.

આ મોતની સજા વર્ષ 2021માં થયેલા સૈન્ય સત્તાપલટા દરમિયાનના કેટલાક કેસમાં આપવામાં આવી છે. તે સમયે સેનાએ આંગ સાન સૂ ચીની આગેવાનીવાળી નેશનલ લીગ ફૉર ડેમોક્રેસીની લોકતાંત્રિક પ્રક્રિયા અંતર્ગત ચૂંટાયેલી સરકારનો સત્તાપલટો કર્યો હતો.

તેના વિરોધમાં ભારે વિરોધ-પ્રદર્શનોને પણ સેનાએ દબાવી દીધાં હતાં.

સત્તાપલટાના વિરોધમાં બનેલી મ્યાનમારની સાંકેતિક નેશનલ યુનિટી સરકારે (એનયૂજી) આ હત્યાઓ પર દુ:ખ અને આશ્ચર્ય વ્યક્ત કરતાં ટીકા કરી છે.

એનયૂજીએ કહ્યું છે કે મોતની સજા મેળવનારા લોકોમાં લોકતંત્રના સમર્થન, સશસ્ત્ર વંશીય સમૂહોના પ્રતિનિધિ અને એનએલડીના સભ્યો સામેલ છે.

એનયૂજીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી છે કે તેઓ સત્તામાં બેસેલી હત્યારી સેનાને તેની ક્રૂરતા અને હત્યાઓ માટે સજા આપે.

line

ઉગ્રવાદી ગતિવિધિઓના આરોપ

સરકારી ન્યૂઝ આઉટલેટ - ગ્લોબલ ન્યૂઝ લાઇટ ઑફ મ્યાનમારે કહ્યું છે કે આ ચાર લોકોને એ માટે મોતની સજા આપવામાં આવી છે કેમ કે તેમણે "અમાનવીય અને આતંકી ગતિવિધિઓ"ને અંજામ આપવાની વ્યવસ્થા કરી ષડયંત્ર રચ્યું હતું.

સમાચારમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે તેમના પર આંતકવાદવિરોધી કાયદા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ચારેય વ્યક્તિને ક્યારે અને કેવી રીતે મોતની સજા આપવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે, વર્ષ 1988 બાદ આ પહેલી વખત છે જ્યારે મ્યાનમારમાં લોકોને મોતની સજા આપવામાં આવી છે. આ પહેલાં મ્યાનમારમાં મોતની સજા માટે ફાંસી આપવામાં આવતી હતી. બીબીસી બર્મીઝને મળેલી જાણકારી પ્રમાણે આ ચાર લોકોના પરિવારજનો રંગૂનની જેલના પ્રશાસન પર સવાલ ઊભા કરી રહ્યા છે.

line

પરિવારને મૃતદેહો ન સોંપાયા

ફ્યો ઝિયા થૉ આંગ સાન સૂ ચી સાથે નજીકના સંબંધ ધરાવતા હતા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ફ્યો ઝિયા થૉ આંગ સાન સૂ ચી સાથે નજીકના સંબંધ ધરાવતા હતા

મોતની સજા મેળવનારા લોકોમાં એક જિમી પણ છે. જિમીનાં બહેને બીબીસીને જણાવ્યું કે પરિવારજનો જેલની બહાર ઊભા છે અને અત્યાર સુધી તેમને મૃતદેહો સોંપાયા નથી.

સમાચાર એજન્સી રૉયટર્સના પ્રમાણે, ફ્યોનાં પત્ની થાઝિન યંગ આંગે કહ્યું છે કે તેમને તેમના પતિને મોતની સજા મળવા અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. હવે ચારેય પરિવારોએ મોતની સજા અંગે જાણકારી માગી છે.

આ જ વર્ષે જાન્યુઆરીમાં બંધ દરવાજા પાછળ થયેલી સુનાવણી બાદ આ ચારેય લોકોને મોતની સજા સંભળાવવામાં આવી હતી, જેને અપારદર્શી ગણાવતા માનવાધિકાર જૂથોએ તેની ટીકા કરી છે. ફ્યો ઝિયા થા અને ક્યૉ મિન યૂ (કો જિમી) જૂન મહિનામાં પોતાની સજા વિરુદ્ધ દાખલ કરેલો કેસ હારી ગયા હતા.

53 વર્ષના જિમી 1988માં સૈન્ય સત્તા વિરુદ્ધ શરૂ થયેલા વિદ્યાર્થીઓના લોકતંત્ર સમર્થક આંદોલન "88 જનરેશન સ્ટૂડન્ટ્સ ગ્રૂપ"ના વરિષ્ઠ સભ્ય હતા. દેશમાં લોકતંત્ર સમર્થક ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણે તેમને ઘણી વખત જેલની સજા આપવામાં આવી હતી. વર્ષ 2012માં જિમ અંતે મુક્ત થયા હતા.

વીડિયો કૅપ્શન, રાજકોટની એ મહિલા જે મંદબુદ્ધિનાં બાળકોની માતા બની સેવા કરી રહી છે

કો જિમની ગયા વર્ષે ઑક્ટોબરમાં ફરી ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે તેમના પર પોતાના રંગૂન સ્થિત ઘરમાં હથિયાર, દારૂગોળો છૂપાવવા અને નેશનલ યુનિટી સરકારના સલાહકાર હોવાનો આરોપ હતો.

ફ્યો ઝિયા થૉ 21 વર્ષના પૂર્વ એનએલડી સાંસદ હતા. તેમને આંગ સાંગ સૂનાં નજીકના સહયોગી પણ માનવામાં આવતા હતા.

હિપ-હૉપ કલાકાર રહી ચૂકેલા ઝિયા પર ઘણી વખત સેના-વિરોધી ગીત લખવાનો આરોપ લાગતો હતો અને તેના માટે તેઓ સેનાના નિશાને પણ રહેતા હતા. તેમની ગયા વર્ષે આંતકી ગતિવિધિઓમાં સામેલ હોવાના કારણેઁ ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય બે કાર્યકર્તાઓ લા મ્યો આંગ અને આંગ થુરા ઝૉ વિશે વધારે જાણકારી ઉપલબ્ધ નથી. આ બંનેને એક મહિલાની હત્યાના આરોપસર મોતની સજા આપવામાં આવી છે. આ મહિલા કથિતરૂપે સેનાના ખબરી હતાં.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે ચારેય ઍક્ટિવિસ્ટને મોતની સજા મળવાને 'જીવન, સ્વતંત્રતા અને સુરક્ષાના અધિકાર'નું ઉલ્લંઘન ગણાવી છે.

એંટોનિયો ગુટેરેસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એંટોનિયો ગુટેરેસ

ગયા વર્ષે મ્યાનમારમાં સત્તા સંભાળ્યા બાદ સૈન્ય વહીવટીતંત્રએ સ્થાનિક વિદ્રોહી સંગઠનો, વિપક્ષી કાર્યકર્તાઓ અને સૈન્ય સત્તાપલટા વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકો વિરુદ્ધ ખૂબ ઝડપથી કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું.

સૈન્ય પ્રશાસને મ્યાનમારમાં ચૂંટણીમાં છબરડાનો દાવો કર્યો હતો. આ ચૂંટણીમાં આંગ સાંગ સૂ ચીની પાર્ટીને જીત મળી હતી. આ તરફ ચૂંટણીપંચે આરોપોને એ કહીને ફગાવ્યા હતા કે છબરડાના કોઈ પુરાવા નથી.

સૈન્ય સત્તાપલટા બાદ સૂ ચી નજરકેદ છે અને તેમના પર ભ્રષ્ટાચારથી માંડીને દેશની ગુપ્ત સૂચનાઓ સાથે જોડાયેલા કાયદાના ઉલ્લંઘન સહિત ઘણા આરોપ લગાવાયા છે.

આ આરોપો સાબિત થવા પર તેમને 150 વર્ષ સુધીની કેદની સજા સંભળાવવામાં આવી શકે છે.

સેના તરફથી જેલ અથવા તો અટકમાં મોકલવામાં આવેલા અને મૃત્યુ પામનારા લોકોના આંકડા નોંધતી સંસ્થા આસિસ્ટન્સ ઍસોસિયેશન ફૉર પૉલિટિકલ પ્રિઝનર્સ કહે છે કે સત્તાપલટા બાદ અત્યાર સુધી 14 હજાર 847 લોકોની ધરપકડ થઈ છે. જ્યારે એક અનુમાન પ્રમાણે સેનાએ બે હજાર કરતાં વધુ લોકોની હત્યા કરી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન