ગુજરાત વિધાનસભા ચૂંટણી : 2017ની સરખામણીમાં 2022નો ચૂંટણીજંગ ભાજપ માટે કેટલો મુશ્કેલ?

ઇમેજ સ્રોત, BJP GUjarat/Twitter
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં ભૂંગળમાં હવે ધીમે-ધીમે હવાઓ ફૂંકાઈ રહી છે. અલબત, નગારા વાગવાના હજુ શરૂ નથી થયા પણ રાજકીય પાર્ટીઓએ નગારા સજાવી લીધા છે અને ઘા દેવા તૈયાર છે.
છેલ્લી પાંચ ટર્મથી ગુજરાતમાં ભાજપની જ સરકાર રચાઈ રહી છે. નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા. પ્રદેશ ભાજપે ચૂંટણીની જાહેરાત અગાઉ જ હાલ 20 વર્ષનો વિશ્વાસ, 20 વર્ષનો વિકાસના સૂત્ર સાથે વંદે ગુજરાતની ઝુંબેશ ચલાવી છે.

- સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જોકે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે 150 જીતવાનો દાવો કર્યો હતો અને તે 99 બેઠકો જ જીતી શક્યો હતો.
- વિશ્લેષકો માને છે કે મોઘવારી, બેરોજગારી જેવા મુદ્દા મહત્વના છે, પણ હિન્દુત્વનો મુદ્દો ચૂંટણીમાં જોરશોરથી ઊભો થશે અને ભાજપ તેનો ફાયદો લઈ શકે છે.
- આમ આદમી પાર્ટી ભાજપને નુકસાન કરશે કે કૉંગ્રેસને તે મુદ્દે મતમતાંતર છે. દિલ્હીથી ઉદય પામેલી કેજરીવાલની પાર્ટી જો શહેરી વિસ્તારોમાં ભાજપને નુકસાન કરે તો તે નિર્ણાયક બની શકે છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મખ્ય મંત્રી બન્યા ત્યારથી જેટલી પણ ચૂંટણી રાજ્યમાં યોજાઈ તેમાં ભાજપનો વિજય થયો છે. જોકે, ભાજપની બેઠકો ઉત્તરોતર ઘટતી રહી છે.
જેમકે, 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 127 બેઠકો મળી હતી. 2007માં 117, 2012માં 115 અને 2017માં 99 બેઠક મળી હતી. વિજય તો મળ્યો છે પણ બેઠકો ઘટી રહી છે તે પાર્ટી માટે ચિન્તાનો વિષય હોઈ શકે કે નહીં?

2017ની સરખામણીમાં 2022ની ચૂંટણી કેટલી કઠિન?

ઇમેજ સ્રોત, @SUKHRAMRATHAVA
2017ની ચૂંટણીમાં ભાજપે 150થી વધારે બેઠકો જીતી લેવાનો ટાર્ગેટ રાખ્યો હતો, પણ 99 બેઠક મળી હતી. આ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપ તમામ 182 બેઠકો જીતી જશે એવો દાવો કર્યો છે.
અલબત, મોટા ભાગના ચૂંટણી ગણિતજ્ઞો આ વાતને નકારે છે, સાથે એવું પણ સ્વીકારે છે કે ભાજપ માટે આ વખતે જીત મેળવવી અઘરી નથી. બેઠકો ઉત્તરોત્તર ઘટી છે એ ભાજપ માટે આ ચૂંટણીમાં ચિંતાનો વિષય હોઈ શકે કે નહીં? વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે કે, "ના, ચિંતાનો વિષય ન હોઈ શકે, કેમ કે દરેક ચૂંટણીનો મિજાજ અલગ હોય છે. આંકડા અમુક ટ્રૅન્ડ દર્શાવે અને અમુક અનુમાન કરી શકો, પણ વિજય મળે તે અગત્યનું હોય છે. રાજકારણમાં દર વખતે નવું રસાયણ હોય છે અને તેની આધારે ગણિત ગોઠવાતું હોય છે તેથી જૂનું ગણિત નવી ચૂંટણીમાં કામ ન કરે."
ભાજપ માટે આગામી 2022 કરતાં 2017ની ચૂંટણી વધુ કઠિન હતી તેવું દિલીપ ગોહિલને લાગે છે. તેઓ કહે છે કે, "ભાજપની બેઠકો સૌથી વધુ 2017 માં ઘટી હતી. સૌથી ચિંતાજનક તબક્કો ભાજપ માટે 2017નો હતો. એ છતાં પણ તેની સરકાર રચાઈ હતી. એ વખતે પાટીદાર આંદોલન થયું હતું. નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ગેરહાજરી હતી, કારણકે તેઓ દેશના વડા પ્રધાન હતા. ભાજપમાં જ અમિત શાહ અને આનંદીબહેન પટેલનાં બે જૂથ અલગ અલગ હતા. આ બધા પડકારો વચ્ચે પણ ભાજપે વિજય મેળવ્યો હતો."
આ પડકારોને ભાજપે રાજકીય રીતે થાળે પણ પાડી દીધા છે. પાટીદાર આંદોલનના સારથી હાર્દિક પટેલ તેમજ ભાજપ સામે પડેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં છે. ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર છે. 2017ના કારણોનું રાજકીય નિવારણ તો ઘણે અંશે ભાજપે લાવી દીધું છે. આ ઉપરાંત, કૉંગ્રેસનાં આઠ જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે અને કેટલાંકે મંત્રીપદ પણ મેળવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલીપ ગોહિલ માને છે કે આને લીધે જે માનસિક રીતે પણ ભાજપે કૉંગ્રેસને મોટું નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી નામનું જે નવું પરિબળ છે એ પણ કૉંગ્રેસના મત તોડી ભાજપને ફાયદો કરાવી શકે છે તે છોગામાં. તેથી 2017 કરતાં 2022માં ભાજપ માટે જીતવું થોડું આસાન રહેશે.
જોકે, અનેક પત્રકારો દિલીપ ગોહિલથી અલગ મત પણ ધરાવે છે.

'આપ' ભાજપને ફાયદો પણ કરાવી શકે અને નુકસાન પણ

ઇમેજ સ્રોત, GOPAL ITALIA FB
આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડશે તેનો દેખીતો ફાયદો ભાજપને થશે એવું ઘણાં પત્રકારો પણ માને છે. આપના નેતાને વારંવાર પત્રકારો એવો સવાલ પણ પૂછે છે કે તમારી પાર્ટી ભાજપની બી ટીમ છે એવું કેમ કહેવામાં આવે છે?
અરવિંદ કેજરીવાલ પણ નરેન્દ્ર મોદીની જેમ પર વારંવાર ગુજરાત આવી રહ્યા છે અને મંદિરોમાં પણ જઈ રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર જનક પુરોહિત માને છે કે કેજરીવાલની સ્ટાઇલ મોદી જેવી જ છે, પણ આપ ભાજપને ગુજરાતમાં ફાયદો નહીં નુકસાન કરી શકે તેમ છે. કેવી રીતે?
તેઓ જણાવે છે કે, "આમ આદમી પાર્ટી ભાજપને બધી બેઠકો પર સુવાંગ ફાયદો ન કરાવી શકે. જ્ઞાતિ સમીકરણોને આધારે કેટલેક ઠેકાણે ભાજપને નુકસાન કરી શકે તેમ છે. જેમકે, કોઈ બેઠક પર કોળી ઉમેદવાર જીતતો હોય તો ત્યાં ભાજપ અને કૉંગ્રેસ કોળી ઉમેદવાર ઊભા રાખે અને આપ તે વિસ્તારમાં બીજા નંબરે વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિનો કોઈ ઉમેદવાર ઉતારે તો આપ જીતી શકે.
"એવી જ રીતે ઉત્તર ગુજરાતની કોઈ બેઠક પર ઠાકોર અને પાટીદાર ઉમેદવારની હરીફાઈ હોય ત્યાં આપ ચૌધરી ઉમેદવાર ઉતારે તો ફાવી જાય. આવી ઘણી બેઠકો છે જ્યાં આપ મેદાન મારી શકે તેમ છે. તેથી મને લાગે છે કે, 2017 કરતાં 2022ની ચૂંટણી ભાજપ માટે વધારે પડકારજનક છે."

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયાથી લઈને રસ્તે ઉતરવા સુધી આમ આદમી પાર્ટીની 2022 માટેની ચૂંટણી સક્રિયતા ઊડીને આંખે વળગે છે.
મફત વીજળીનો વાયદો અને સૌરાષ્ટ્રથી લઈને આદિવાસી પટ્ટા સુધી દિલ્લીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની રેલીએ જનતાનું ધ્યાન ખેંચ્યું છે. દિલીપ ગોહિલ કહે છે કે, "આપ મુદ્દા જગાવી શકે છે અને હિન્દુત્વના મુદ્દે કૉંગ્રેસની જેમ એ ભરાઈ નથી જતી. તેથી છેલ્લી ઘડી સુધી નિર્ણય ન કરી શકતા હોય તેવા મતદારો એટલે કે અનડિસાઇડેડ વોટર્સ આપને મત આપી શકે છે. આપ નાનો પક્ષ છે. તે મોટો થાય તો પહેલું નુકસાન કૉંગ્રેસને કરે અને થોડો વધુ મોટો થાય તો બીજું નુકસાન ભાજપને કરે."
આ વાત જનક પુરોહિત પણ સ્વીકારે છે અને કહે છે કે, "આ ચૂંટણીમાં ભાજપની જ જીતવાની શક્યતા પ્રબળ છે પણ તેમની મહેનત વધી જશે. ભાજપ ચૂંટણી જીતવા માટે રણનીતિ ઘડે છે અને એ બાબતમાં માહેર પણ છે. ગયા વખત જેટલી જ એટલે કે 99થી વધુ બેઠકો પણ ભાજપ કદાચ લાવી દેશે પણ મુદ્દો એટલો જ છે કે ભાજપની મહેનત વધી જશે."
આમ આદમી પાર્ટીનો વધતો ફેલાવ કૉંગ્રેસને 2017 કરતાં પણ વધુ સીમિત કરી દેશે એવું વિશ્લેષકો કહે છે. આ વિશે મનીષ દોશીએ કહ્યું કે, "ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી પણ ગુજરાતમાં ચૂંટણી લડ્યા છે. આમ આદમી પાર્ટીને લાવવામાં આવી છે. કોઈ પાર્ટી ચૂંટણી લડે અને તેમને લાવવામાં આવે તેમાં ફરક હોય છે. ધર્મના નામે મત વિભાજન કરવાની માસ્ટર રેસિપી તો ભાજપની છે જ. હવે આ બીજી રેસિપી સામે આવી છે. ગુજરાતમાં વિવિધ સુધરાઈની ચૂંટણીમાં તમે જોયું હશે કે ભાજપની સરકાર વિરુદ્ધના મતનું આપ વિભાજન કરે છે. હું એમ કહીશ કે હવે લોકોને પણ ખબર પડી ગઈ છે કે આપ બાજપની બી ટીમ છે. તેથી ભાજપ માટે માર્ગ કઠણ રહેશે."

લોકસભાથી લઈને સ્થાનિક સ્વરાજ સુધી ભાજપનો દબદબો

ઇમેજ સ્રોત, Kunvarji Bavaliya/FB
2017માં ભાજપે 150 પ્લસનો ટાર્ગેટ રાખ્યો હતો અને 99 બેઠક મળી હતી. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે માને છે કે, આ વખતે 160 કરતાં વધુ બેઠકો પાર્ટી મેળવશે.
આના માટે લોકસભાથી લઈને સ્થાનિક સ્વરાજ સુધી ભાજપે જે રીતે સરસાઈ મેળવી છે એના લેખાજોખા સાથે તેઓ બીબીસીને કહે છે કે, "2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપે જીતી હતી અને એ વખતે વિધાનસભાની 140 બેઠકો પર અમે લીડ કરતા હતા. એમાંથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠક મેળવી હતી."
"એમાંની 12 બેઠક એવી હતી જેમાં મતની હારજીતનું અંતર એટલે કે માર્જિન 2000 મતની અંદર હતું. 19 બેઠકો એવી હતી જેમાં મતનું અંતર 5000ની આસપાસ હતું. એનું પરિણામ એ આવ્યું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં 17 સીટ પર અમે લીડ કરતા હતા."
"એના પછી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી આવી જેમાં ભાજપે તમામ પર વિજય મેળવ્યો હતો. જિલ્લા પંચાયતની 31માંથી પાંચ બેઠક જ ભાજપ પાસે હતી, બાકીની કૉંગ્રેસ પાસે હતી. એની ચૂંટણીમાં તમામ 31 બેઠક પર ભાજપનો વિજય થયો હતો."
"તાલુકા પંચાયતમાં 225માંથી 211માં જીત મેળવી છે. આમ સ્થાનિક સ્વરાજથી લઈને લોકસભા સુધી ભાજપની બેઠકો વધી છે. તેથી આશા છે કે 160થી ઉપર તો આવશે જ."
જોકે સમીક્ષકો અને મોટા ભાગના પત્રકારો માને છે કે આટલી બધી બેઠકો ભાજપને નહીં આવે.

નવા સમીકરણો વચ્ચે કૉંગ્રેસની તૈયારી

ઇમેજ સ્રોત, Getty Images
2017માં કૉંગ્રેસે 77 બેઠકો મેળવીને ભાજપને હંફાવી દીધો હતો. 2002થી કૉંગ્રેસની બેઠકો વિધાનસભા ચૂંટણીમાં વધી છે. જેમકે, 2002માં 51, 2007માં 59, 2012માં 61 અને 2017માં 77 બેઠકો પર કૉંગ્રેસનો વિજય થયો હતો. આમ છતાં રાજકીય વિશ્લેષકો માને છે કે કૉંગ્રેસ માટે 2022ની ચૂંટણીમાં વિજય મેળવવો એ 2017 કરતાં પણ આકરો રહેશે. જેનું મુખ્ય પરિબળ 'આપ' રહેશે. 2017માં રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રચૂર પ્રચાર કર્યો હતો. તેનો પણ ફાયદો મળ્યો હતો. પૂર્વ કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીથી લઈને હાલના પ્રમુખ જગદીશ ઠાકોરે એવું મીડિયા સમક્ષ જણાવ્યું પણ છે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી ગુજરાતમાં વ્યાપક પ્રચાર કરશે. સરકાર ન બની છતાં ગત ચૂંટણી વખતે કૉંગ્રેસને જે 77 બેઠકો મળી હતી એને પાર્ટીએ મોરલ વિક્ટરી કહી હતી. આ મોરલ વિક્ટરી આ વખતે અસલ વિજયમાં પરિણમશે કે કેમ? એ સવાલ ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ પ્રવક્તા મનીષ દોશીને પૂછ્યો ત્યારે તેમણે બીબીસીને કહ્યું કે,
"2017માં ક્યાંક અમારા સંગઠનમાં તેમજ ઉમેદવારોની પસંદગીમાં ખામી રહી ગઈ હતી એના કારણે સત્તાની નજીક પહોંચવા છતાં સત્તા મેળવી શક્યા નહોતા. 2017ની ખામી સુધારવાના અમારા પ્રયાસ અમે ક્યારના શરૂ કરી દીધા છે. ઉમેદવારોની પસંદગીમાં અમે જે વિલંબ કરીએ છીએ એને બદલે વહેલા પસંદ કરવા વગેરે પાસાઓ પર અમે કામ આદરી દીધું જ છે. જેને લીધે કૉંગ્રેસ માટે રાહ આસાન બનશે.
મોંઘવારી, બેરોજગારીના મુદ્દાની સાથે ખેડૂતો, ખેતી અને ગુજરાત બચાવવાના મુદ્દા સાથે અમે કામ કરશું. પરવડે તેવું શિક્ષણ, પરવડે તેવાં રહેઠાણ વગેરે જનતાના મુદ્દા સાથે જ અમે ઘરેઘરે પહોંચશું. ભાજપ મૂળ મુદ્દાથી ધ્યાન ભટકાવવા ધનબળ, બાહુબળ સહિતના હથકંડા અજમાવે છે. વાસ્તવિક સમસ્યાથી ભટકાવીને બિનસમસ્યાને મુદ્દો બનાવી દે છે. ધર્મ અને જાતિના નામે વિભાજન કરીને સોગઠાં ગોઠવે છે. કૉંગ્રેસ સર્વધર્મ સમભાવની નીતિમાં માને છે અને તેને વળગી રહી છે."
વિપક્ષ પણ નબળો તો નથી. જો એવું હોય તો 77 બેઠકો ન મેળવે. જો તમને એમ લાગતું હોય કે ભાજપ વાસ્તવિક સમસ્યાથી લોકોને ભટકાવે છે તો તમે કેમ એ વાસ્તવિક સમસ્યા લોકો સુધી નથી પહોંચાડી શકતા? આના જવાબમાં મનીષ દોશી કહે છે કે, "સરકારી ખર્ચે પારાવાર પ્રચાર થાય અને અમે મર્યાદિત સંસાધનો વચ્ચે પ્રચાર કરીએ. એ બંનેમાં અંતર હોય છે. માધ્યમોમાં તમે નિહાળશો તો ધરાતલની હકીકત તમને જોવા નહીં મળે."

મોંઘવારી, બેરોજગારી મુદ્દા રહેશે કે હિન્દુત્વ?
અઢી દાયકાના સતત શાસન સામે સત્તાવિરોધી જુવાળ એટલે કે ઍન્ટી-ઇન્કમ્બન્સી ભાજપ માટે ચિંતાનું કારણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. કારણકે, ઍન્ટી ઇન્કમ્બન્સી તો 2017માં પણ હતી અને 2012માં પણ હતી. રાંધણગૅસના ભાવ એક હજાર રૂપિયાને ટપી ગયા છે. પેટ્રોલના ભાવ એકસોને વટી ગયા છે. આવા સંજોગોમાં ભાજપ ક્યા મુદ્દાને આગળ ધરીને જનતા પાસે મત માગવા જશે?
દિલીપ ગોહિલ કહે છે કે, "એવું તો ક્યાં કહેવાનું રહ્યું જ છે. કામગીરીને આધારે ભાજપ એક પણ ચૂંટણી જીતી જ નથી. 2002 હિન્દુત્વના મુદ્દે જીતી ગયા એ પછી એ જ મુદ્દો ચાલતો રહ્યો છે અને એ મજબૂત મુદ્દો છે. વાત મોઘવારી, બેરોજગારી જોવા મુદ્દાની કરીએ તો એ મહત્ત્વના છે અને રહેશે, પણ એને આધારે ચૂંટણીના પરિણામ આવતા નથી. અલબત, આ મુદ્દાઓ પર પણ ભાજપ ગંભીર હોય જ છે અને તેને ટાળવા માટે પણ પ્રયાસ કરે છે. પણ આવા મુદ્દા સામે હિન્દુત્વના મુદ્દાની મજબૂતાઈ સરસાઈ મેળવી જાય છે."
અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ હિન્દુત્વના મુદ્દાએ ભાજપને વિજય અપાવવામાં મદદ કરી છે. અલબત્ત, ભાજપે વિકાસની વાત પણ ઠેર ઠેર કરી છે, પણ પરિણામકારી મુદ્દો તો ભાજપ માટે હિન્દુત્વ જ રહ્યો છે.
જનક પુરોહિત માને છે કે હિન્દુત્વ એ કાંઈ ભાજપ માટે તરફેણનો મુદ્દો ન કહી શકાય. તેઓ કહે છે કે, "ચૂંટણીમાં દરેક વખતે હિન્દુત્વનો મુદ્દો હોય જ છે છતાં જ્ઞાતિ સમીકરણો અસર કરે જ છે. ગયા વખતે પાટીદાર આંદોલનને કારણે ભાજપને દસેક ટકા મત પાટીદારોના નહોતા મળ્યા અને તેને કારણે બેઠકો ઘટી હતી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













