ગુજરાતમાં કૉંગ્રેસ નરેન્દ્ર મોદીની 'સીધી ટીકા’ કરવાનું કેમ ટાળવા માગે છે?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY
- લેેખક, દિલીપ ગોહિલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અહેવાલો અનુસાર ગુજરાત કૉંગ્રેસના નેતાઓને સલાહ આપવામાં આવી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર વ્યક્તિગત હુમલા અને સીધી ટીકાઓ ન કરવી.
વ્યક્તિગત અપમાન ન થાય તેની કાળજી રાખીને ભાજપની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની નીતિઓ અને કાર્યક્રમોની જ ટીકા કરવી એવું કૉંગ્રેસના ટાસ્ક ફોર્સે જણાવ્યું હોવાના સમાચાર છે.
આ અઠવાડિયે જ દિલ્હીમાં ટાસ્ક ફોર્સ સાથે ગુજરાત કૉંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળી હતી. 2024ની લોકસભાની ચૂંટણી માટે આ ટાસ્ક ફોર્સ રચી છે.
આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ નેતાગીરી સાથે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા થઈ હતી.
તેમાં સલાહ આપવામાં આવી કે ચૂંટણી 'મોદી વિરુદ્ધ કૉંગ્રેસ' ન થઈ જાય તેની કાળજી લેવી. તેમજ ભાજપની (કેન્દ્ર અને રાજ્યની) સરકારની રીતિનીતિ અને વહીવટની ખામીઓ પ્રજા સમક્ષ લાવવા પર ધ્યાન કેંદ્રિત કરવું એમ સમિતિએ જણાવ્યું.
પ્રિયંકા ગાંધી, કે.સી. વેણુગોપાલ, પી. ચિદંબરમ, રણદીપ સૂરજેવાલા, અજય માકન, જયરામ રમેશ, મુકુલ વાસનિક, સુનીલ કનુગોલુ સાથે ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ધારાસભ્યો અને સાંસદોની બેઠક હતી.
સાડા ચાર કલાક ચાલેલી બેઠકમાં શા માટે આવી સલાહ આપવામાં આવી તેની પશ્ચાદભૂમિકા સમજવાની જરૂર છે.
તે પહેલાં અગાઉ આવી જ સલાહ પક્ષના સિનિયર નેતાઓએ આપી હતી તેને પણ યાદ કરી લઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

2019ની જયરામ રમેશની સલાહ

ઇમેજ સ્રોત, Getty Images
ટાસ્ક ફોર્સના જ એક સભ્ય જયરામ રમેશે ભૂતકાળમાં આવી સલાહ આપી હતી. ઑગસ્ટ 2019માં એક પુસ્તકના વિમોચન પ્રસંગે જયરામ રમેશે કહ્યું હતું કે "નરેન્દ્ર મોદી જનતાને સ્પર્શે એવી ભાષા બોલે છે. તેમની સરકારના કેટલાંક કામોની નોંધ પ્રજાએ લીધી છે તેને સમજ્યા વિના માત્ર તેમની ટીકા કર્યા કરવાથી ફાયદો નહીં થાય. તમે સતત તેમને ઉતારી પાડ્યા કરશો (ડીમનાઇઝ કરશો) તો આપણે તેમને ટક્કર નહીં આપી શકીએ."
તે સમયે જયરામના નિવેદનથી કૉંગ્રેસ પક્ષમાં ચણભણ થઈ હતી, પણ બાદમાં અભિષેક મનુ સિંઘવી અને શશિ થરૂરે તેમને સમર્થન આપેલું.
અહીં એ પણ યાદ કરવું જોઈએ કે 2014ની ચૂંટણીમાં હાર પછી 'આત્મમંથન અને ચિંતન'ના ભાગરૂપે કૉંગ્રેસ પક્ષ દ્વારા એ. કે. ઍન્ટની અહેવાલ તૈયાર કરાયો હતો, તેમાં પણ જનમાનસમાં કૉંગ્રેસની છાપ સુધારવામાં મળેલી નિષ્ફળતાની ચિંતા વ્યક્ત કરાઈ હતી.
જનમાનસમાં પક્ષની છબી ઉપસે તેમાં પક્ષના નેતાઓના નિવેદનો, પ્રચારની પદ્ધતિ, સૂત્રો, સ્લૉગનો, પ્રતીકો, વાણી-વર્તનના ઇંગિતોનો યોગદાન હોય છે.
પોતાના વખાણ ઉપરાંત બીજાની ટીકા કેવા શબ્દો અને સંદર્ભોમાં કરવામાં આવે છે તે પણ આમાં આવી જાય.
એ જ સંદર્ભે કદાચ આ બેઠકમાં ચર્ચા થઈ હશે. ભૂતકાળના અનુભવોના આધારે આ તારણ કઢાયું હશે, કેમ કે કેટલાકં નિવેદનો અને નરેન્દ્ર મોદીની વ્યક્તિગત ટીકા કૉંગ્રેસને ચૂંટણીમાં ભારી પડી ગઈ હોવાના દાખલા છે.
સૌપ્રથમ દાખલો 'મોત કા સૌદાગર'નો આપવામાં આવે છે.
2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ડિસેમ્બર 2007માં એક સભામાં સોનિયા ગાંધીના ભાષણમાં મોદી માટે આ શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, PRAKASH SINGH/GETTYIMAGES
તેમનું ભાષણ કોણે લખી આપ્યું હતું તેની ચર્ચામાં મણિશંકર ઐયર ઉપરાંત જયરામ રમેશનાં નામો પણ ઉછળ્યાં હતાં. ભાષણ જેમણે પણ લખ્યું હોય, નુકસાન બહુ મોટું થયું. નરેન્દ્ર મોદીએ તે પછીની સભાઓમાં આ મુદ્દો ગજવ્યો અને મતદારોની સહાનુભૂતિ મેળવી.
બહુ મોટું નુકસાન થઈ ગયું તેનું ભાન કૉંગ્રેસને થયું ત્યા સુધીમાં મોડું થઈ ગયું હતું. વળી આવી ભૂલનું પુનરાવર્તન થતું જ રહ્યું.
2014ની ચૂંટણી પહેલાં ગુજરાત કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને પત્રકારોએ પૂછ્યું કે શું તમે હજીય માનો છો કે મોદી 'મોત કા સૌદાગર' છે. શક્તિસિંહે કહેલું કે તમે તેમને મોત કા સૌદાગર ના કહો તો બીજું શું કહો! ટીકા ભારે પડી ગઈ હતી તેના અનુભવ પછી અને રાહુલ ગાંધીએ પણ ટીકામાં સંયમ રાખવાની વાત કર્યા પછી પણ જીભ લસરતી રહી હોય તેવું થતું રહ્યું છે.
ખુદ રાહુલ ગાંધીની જીભ પણ 2014 લોકસભાની ચૂંટણી પહેલાં લપસી હતી. આ વખતે તેમણે 'ઝહર કી ખેતી' કરવાની ટીકા કરી હતી.
2019 લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે પણ રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઇક અને પુલવામા આંતકવાદી હુમલાના સંદર્ભમાં વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે 'જીન્હોને હિન્દુસ્તાન કે લીએ સર્જિકલ સ્ટ્રાઇક કી, ઉનકે ખૂન કે પીછે આપ છીપે હૈં. ઉનકી આપ દલાલી કર રહે હો.'
આના કરતાંય ભારે પડ્યું હતું 'ચોકીદાર ચોર હૈ'નું સૂત્ર.
ચોકીદાર ચોર હૈ

ઇમેજ સ્રોત, SM VIRAL POST
2019ની લોકસભાની ચૂંટણીઓના પડઘમ વાગવા લાગ્યા તે સાથે જ રફાલમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવો મુદ્દો કૉંગ્રેસે ઉપાડ્યો હતો. રાહુલ ગાંધીએ સતત રફાલના મુદ્દે મોદી સરકાર પર તડાપીટ બોલાવી હતી.
2017માં મણિશંકર ઐયરે 'નીચ' શબ્દનો પ્રયોગ કર્યો હતો. નહેરુ પરિવારની બહુ ગંદી ટીકા કરવામાં આવે છે તેનો વિરોધ કરીને મણીશંકરે કહ્યું કે 'યહ આદમી બહુત નીચ કિસ્મ કા આદમી હૈ, ઇસ મેં કોઈ સભ્યતા નહીં હૈ...' ( 'આ વ્યક્તિ નીચ પ્રકારની વ્યક્તિ છે, આમાં કોઈ સભ્યતા નથી')
તેનો પણ નરેન્દ્ર મોદીએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.
'હું પછાત (ઓબીસી) વર્ગમાંથી આવું છું અને અમારા સંસ્કાર બહુ મજબૂત છે. હું ગરીબ, દલિત, આદિવાસી અને ઓબીસી માટે કામ કરતો રહીશ,' એવો પ્રતિસાદ આપીને નરેન્દ્ર મોદી આ મુદ્દાને સભાઓમાં ગજવતા રહ્યા હતા.
આ મુઘલાઈ માનસિકતા છે એમ કહીને ઐયર જેવા નેતાઓની ટીકા કરીને મોદીએ કહેલું કે ગુજરાતના લોકો આવી ભાષાનો જડબાતોડ જવાબ આપશે.
ઐયર બેફામ બોલવા માટે જાણીતા છે. અગાઉ 2014ની ચૂંટણી પહેલાં દિલ્હીમાં એઆઈસીસીની બેઠક મળી હતી તે પહેલાં પત્રકારો સામે આવો જ બફાટ ઐયરે કરેલો હતો.
નરેન્દ્ર મોદીને ભાજપે વડા પ્રધાન પદના દાવેદાર તરીકે આગળ કર્યા હતા તેના સંદર્ભમાં ઐયરે કહેલું કે '21મી સદીમાં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બની શકવાના નથી એ હું તમને ખાતરીથી કહું છું... હા, એમણે ચા વેચવી હોય તો અહીં આવી જાય, અહીં વ્યવસ્થા કરી આપીશું.'
2014માં ચૂંટણી પ્રચારમાં 'ચાય પે ચર્ચા' એવી થીમ સાથે ટીમ મોદીએ કૅમ્પેન તૈયાર કર્યું હતું અને ચાની દુકાન કે ગલ્લા પાસે જાહેર સભાઓ યોજવાનું શરૂ થઈ ગયું હતું.
નરેન્દ્ર મોદી ગરીબ પરિવારના અને ચાની કિટલી ચલાવતા કુટુંબમાંથી આવે છે એવી ઇમેજ ઊભી કરવા માટે પ્રચારઝુંબેશ ચલાવાઈ હતી.
ઐયરે ચા વેચવા અહીં આવે તેવી ટીપ્પણી કરી તે પછી તો 'એક ચાવાળા સામે આ ભદ્ર લોકો' કેવો તુચ્છકાર ધરાવે છે તેવી રીતે વધારે જોરશોરથી પ્રચાર થયો હતો.
એક ચાવાળો નાનો માણસ ગરીબ અને મધ્યમ વર્ગની લડાઈ લડવા 'મોટા માણસો' સામે પડ્યો છે એ પ્રચાર ભાજપને તારી ગયો. 2014ની ચૂંટણીમાં કૉંગ્રેસનો સફાયો થઈ ગયો હતો.

નીચ, યમરાજ, હિટલર, ભસ્માસૂર...

ઇમેજ સ્રોત, Getty Images
ઐયરે મોદી માટે 'નીચ' શબ્દનો પ્રયોગ કર્યો તે પછી રાહુલ ગાંધીએ તેમને પક્ષમાંથી તગેડી મૂક્યા હતા. પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.
યમરાજ, હિટલર, ભસ્માસૂર સહિત અનેક શબ્દ પ્રયોગો બીજા કૉંગ્રેસી નેતાઓ પણ કરતા રહ્યા હતા.
પણ સાચી વાત એ છે કે માત્ર કૉંગ્રેસના જ નહીં, સામે ભાજપના અને અન્ય પ્રાદેશિક પક્ષો પણ એક બીજાના નેતા સામે બેફામ નિવેદનો કરતા રહ્યા છે.
રાહુલ ગાંધીને સતત પપ્પુ કહીને ઉતારી પાડવા, નહેરુ પરિવારને બદનામ કરવો, બેગમ, મુઘલ કે ઇટાલિયન વગેરે શબ્દપ્રયોગો કરીને અપમાન થતું રહ્યું છે. પરંતુ તેની સામે કૉંગ્રેસ પ્રચાર કરીને ફાયદો લઈ શકી નથી.
ટીકાના બાણને કઈ રીતે વાળીને સામા પક્ષને ઘાયલ કરી શકાય છે તેનો સૌથી જોરદાર નમૂનો 'ચોકીદાર ચોર હૈ'માંથી જ મળ્યો છે.
રાજસ્થાનની એક સભામાં 'ચોકીદાર ચોર હૈ'નો નારો આપ્યા પછી રાહુલ ગાંધીએ સતત રફાલ મુદ્દે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા.
કૉંગ્રેસ માટે 'ચોકીદાર ચોર હૈ' એ જાણે ચૂંટણી સ્લોગન બની ગયું હતું. પરંતુ તેની સામે 'મેં ભી ચોકીદાર'નો વળતો ઘા થયો.

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP/GETTYIMAGES
નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયામાં 'મેં ભી ચોકીદાર' એવી ઓળખ લખી અને પોતાના ચાહકોને પણ આહ્વાન કર્યું કે તમે પણ 'મેં ભી ચોકીદાર' સૂત્ર અપનાવો.
આ સોશિયલ મીડિયા કૅમ્પેન કૉંગ્રેસને ભારે પડી ગઈ હતી. ગુજરાતમાં 2017ની ચૂંટણી પહેલાં 'વિકાસ ગાંડો થયો છે' એ ટૅગલાઇને ધૂમ મચાવી હતી, પણ સત્તા મેળવવા માટે કૉંગ્રેસને તે ઉપયોગી ના થઈ.
કોઈ એક સૂત્ર ચાલી જાય, પછી તેની આસપાસ સમગ્ર ચૂંટણી પ્રચારને જોડવો પડે અને બીજા પણ પ્રયાસો કરવા પડે.
તેના કારણે જ સવાલ એ થવાનો છે કે માત્ર નરેન્દ્ર મોદીની સીધી ટીકા બંધ કરી દેવાથી કૉંગ્રેસને ફાયદો થઈ જશે ખરો?
બીજો સવાલ એ છે કે ખરેખર આ સલાહનું પાલન થશે ખરું? કૉંગ્રેસ ટાસ્ક ફોર્સની બેઠક પછી સમાચાર આવ્યા તેમાં એક અગત્યની માહિતી છે તેને બિટવીન ધ લાઇન્સ વાંચવાની જરૂર છે.
કૉંગ્રેસના પોતાના કૅમ્પેનમાં ગુજરાતમાં શું સમાવાશે તે પણ અગત્યનું છે. સાથે જ એવું નક્કી થયું છે કે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ તરીકે ચીતરવી. એ પણ એક પ્રકારનો નકારાત્મક પ્રચાર થશે, ત્યારે જોવાનું એ રહેશે કે કૉંગ્રેસ વિકલ્પ તરીકે પોતાનો શું સકારાત્મક પ્રચાર કરી શકશે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













