પીએમની સુરક્ષામાં ખામી : વડા પ્રધાનની સુરક્ષા કેવી રીતે મજબૂત થતી ગઈ?
- લેેખક, સિદ્ધનાથ ગણુ
- પદ, બીબીસી સંવાદદાતા
આ કહાણી વર્ષ 1967માં શરૂ થઈ હતી. ઓડિશામાં કૉંગ્રેસે પોતાનો ચૂંટણીપ્રચાર શરૂ કર્યો હતો. કૉંગ્રેસની એક રેલી દરમિયાન ભીડમાંથી કેટલાક લોકોએ મંચ તરફ પથ્થર ફેંકવાના શરૂ કર્યા.
તે સમયે મંચ પર ભાષણ આપી રહેલા મહિલાને એક પથ્થર વાગ્યો, તેમના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. તેમણે લોહી લૂછ્યું અને પોતાનું ભાષણ ચાલુ રાખ્યું.

ઇમેજ સ્રોત, ANI
આ મહિલા હતાં ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી. વર્ષ 1984માં તેમના જ અંગરક્ષકોએ તેમની હત્યા કરી હતી.
દેશમાં વડા પ્રધાનની સુરક્ષા હંમેશાં એક ગંભીર મુદ્દો રહ્યો છે. બદલાતાં સમયની સાથે સાથે વડા પ્રધાનની સુરક્ષાની જરૂરિયાતો પણ બદલાઈ છે.
હાલમાં જ પંજાબ મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો ભીડમાં ફસાયા બાદ એક વખત ફરીથી વડા પ્રધાનની સુરક્ષા પર ચર્ચા શરૂ થઈ છે.
લોકો જાણવા માગે છે કે વડા પ્રધાનની સુરક્ષા માટે જવાબદાર કોણ હોય છે અને સુરક્ષા માટે ક્યા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે.
છેલ્લા કેટલાક દિવસોમાં વડા પ્રધાન મોદી ઉત્તરપ્રદેશમાં ઘણી રેલીઓ કરી ચૂક્યા છે. પાંચ જાન્યુઆરીના રોજ તેઓ પંજાબમાં યોજાયેલી એક સભામાં સામેલ થવાના હતા.

પંજાબમાં પીએમની સુરક્ષામાં ખામી

ઇમેજ સ્રોત, Getty Images
ફિરોઝપુરમાં યોજાનારી સભા માટે વડા પ્રધાન હેલિકૉપ્ટર દ્વારા પહોંચવાના હતા, પરંતુ ખરાબ હવામાનના કારણે તેમણે કાર મારફતે જવાનો નિર્ણય લીધો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના ગૃહ મંત્રાલયે એક નિવદેનમાં કહ્યું કે પંજાબના પોલીસ મહાનિદેશક તરફથી સુરક્ષાનો ભરોસો મળ્યા બાદ જ વડા પ્રધાનના કાફલાને જવા દેવામાં આવ્યો હતો. ડીજીપીએ ભરોસો આપ્યો હતો કે સુરક્ષાનાં તમામ પગલા લેવામાં આવ્યાં છે.
જોકે, રસ્તામાં ખેડૂતો વડા પ્રધાનનો વિરોધ કરી રહ્યા હતા. જેથી કાફલાને રસ્તામાં એક બ્રિજ પર રોકવામાં આવ્યો. પોલીસકર્મીઓએ સેંકડો પ્રદર્શનકારીઓને ટ્રકોમાં ભરીને ત્યાંથી ખસેડ્યા પણ હતા.
વડા પ્રધાન જ્યાં રોકાયા હતા તે જગ્યા પાકિસ્તાન સીમાથી અંદાજે ત્રીસ કિલોમીટર દૂર છે. રિપોર્ટ્સ અનુસાર, તેમની કાર બ્રિજ પર 15થી 20 મીનિટ સુધી ફસાયેલી રહી હતી.
આ ઘટનાને વડા પ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે. ભાજપ અને કૉંગ્રેસ એકબીજાને સવાલ કરી રહ્યા છે.
ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક નિવેદનમાં કહ્યું કે, "કૉંગ્રેસના ખૂની ઇરાદા નિષ્ફળ રહ્યા." સ્મૃતિ ઈરાનીએ ત્યાં સુધી કહ્યું કે કૉંગ્રેસમાં કેટલાક લોકો મોદીને નફરત કરે છે અને તેઓ વડા પ્રધાનની સુરક્ષા સાથે ચેડાં કરવાનો પ્રયાસો કરે છે.
બીજી બાજુ કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સ્મૃતિ ઈરાની દ્વારા લગાવવામાં આવેલા આરોપોનું ખંડન કરતાં કહ્યું કે, વડા પ્રધાનની સભામાં અપેક્ષા પ્રમાણે લોકો ભેગા થયા ન હતા અને શરમજનક પરિસ્થિતિથી બચવા માટે વડા પ્રધાને સભા રદ કરી.
જોકે, વડા પ્રધાનની સુરક્ષાની જવાબદારી કોની હોય છે, તે સમજવા માટે આ વિષયના ઇતિહાસમાં જવું જરૂરી છે.

વડા પ્રધાન અને સુરક્ષા

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે પંડિત જવાહરલાલ નહેરુ વર્ષ 1947માં ભારત આઝાદ થયા બાદ પ્રથમ વડા પ્રધાન બન્યા ત્યારે ખુલ્લી કારમાં યાત્રા કરતા હતા. નહેરુ લોકપ્રિય નેતા ભલે હતા, પરંતુ તેમને પણ વિરોધપ્રદર્શનોનો સામનો કરવો પડતો હતો.
1967માં જ્યારે ઇન્દિરા ગાંધી પર પથ્થર ફેંકવામાં આવ્યા ત્યારબાદ વડા પ્રધાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
જોકે, વડા પ્રધાનની સુરક્ષાને લઈને નિર્ણાયક વળાંક 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ જ આવ્યો હતો.
ઇન્દિરા ગાંધી સરકારે અમૃતસરના સુવર્ણમંદિરમાંથી અલગાવવાદીઓને બહાર કાઢવા માટે સૈન્ય ઑપરેશન બ્લૂ સ્ટાર શરૂ કર્યું હતું.
10 ઑક્ટોબર 1984ના રોજ આપેલા એક ભાષણમાં ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, "હું આજે છું, કાલે નહીં રહું, પરંતુ હું જ્યાં સુધી જીવિત છું, મારા લોહીનાં દરેક ટીપાં રાષ્ટ્રને મજબૂત કરવામાં વાપરીશ."
આ ભાષણના બીજા જ દિવસે 31 ઑક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકોએ હત્યા કરી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ ઘટના બાદ રાજધાની દિલ્હીમાં શીખવિરોધી રમખાણો શરૂ થઈ ગયાં હતાં. દેશભરમાં તેના પડઘા પડ્યા હતા.
આ ઘટનાના એક વર્ષ બાદ 1985માં વડા પ્રધાનની સુરક્ષા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી)ની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1988માં સંસદમાં એસપીજી ઍક્ટ પાસ કરવામાં આવ્યો હતો.
વડા પ્રધાન જ્યારે ચાલે છે ત્યારે તેમની આસપાસ કાળા સફારી સૂટ, કાળાં ચશ્માં અને હાથમાં હથિયાર સાથે ચાલતા લોકો હોય છે. તેમની પાસે વૉકી-ટૉકી હોય છે અને કાનમાં ઇયરપીસ લાગેલો હોય છે. આ એસપીજી અધિકારીઓ હોય છે.
એસપીજીના આ જવાનો ઘણી વિશેષ તાલીમથી પસાર થતા હોય છે. તેમની ખાસ જવાબદારી વડા પ્રધાન, પૂર્વ વડા પ્રધાન અને તેમના પરિવારજનોની સુરક્ષા કરવાની હોય છે.
એસપીજી જવાનો પડછાયાની જેમ વડા પ્રધાનની સાથે રહે છે. વડા પ્રધાન જ્યાં પણ જાય છે, એસપીજી સ્થાનિક પ્રશાસન સાથે મળીને ત્યાં તેમને સુરક્ષા આપે છે.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ એસપીજી સુરક્ષા મળતી હતી, પરંતુ તાજેતરમાં મોદી સરકારે એ પાછી ખેંચી લીધી હતી. કૉંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપે બદલો લેવા માટે આમ કર્યું છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની એસપીજી સુરક્ષા પરત લીધા બાદ તેમને ઝેડ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

શું હોય છે રાજ્ય સરકારની ભૂમિકા?

ઇમેજ સ્રોત, Getty Images
થોડા સમય પહેલાં જ વડા પ્રધાન મોદીના કાફલા માટે 12 કરોડ રૂપિયાની એક ગાડી ખરીદવામાં આવી હતી, જેને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી હતી, પરંતુ સરકારનું કહેવું હતું કે વડા પ્રધાનની સુરક્ષા માટે તેને ખરીદવી જરૂરી હતી.
એક વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે વડા પ્રધાનની યાત્રા પહેલાં સુરક્ષા માટે કેવાં પગલાં ભરવામાં આવે છે.
વડા પ્રધાનની આંતરિક સુરક્ષા માટે એસપીજી જવાબદાર હોય છે. આ સિવાયની તમામ જવાબદારી રાજ્યની પોલીસની હોય છે.
વડા પ્રધાનની મુલાકાત પહેલાં એસપીજીની ટીમ રાજ્યમાં પહોંચી જાય છે. આ સિવાય સિક્યૉરિટી બ્યૂરો, રાજ્ય પોલીસ અને સ્થાનિક પ્રશાસનના સહયોગથી સુરક્ષા તહેનાત કરવામાં આવે છે.

રાજ્યો પોલીસની શું જવાબદારી હોય છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
- વડા પ્રધાનની યાત્રા માટે રસ્તો ક્લિયર રાખવો
- ઘટનાસ્થળ પર સુરક્ષા આપવી
- વડા પ્રધાનની યાત્રા પર નજર રાખવી, કોઈ પણ સમસ્યા ઝડપી દૂર કરવી
વડા પ્રધાનની યાત્રા માટેની કાર્યયોજના માત્ર કાગળ પર જ નથી બનતી, પરંતુ યાત્રા અગાઉ એક વખત મૉક ડ્રીલ પણ કરવામાં આવે છે.
વડા પ્રધાનની યાત્રા માટે વૈકલ્પિક રસ્તા પણ તૈયાર રાખવામાં આવે છે અને તેમના રોકાવા માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે.
જો વડા પ્રધાન હેલિકૉપ્ટરથી યાત્રા કરવાના હોય તો સમયાંતરે હવામાનનું અનુમાન પણ લગાવવામાં આવે છે. આ તમામ નિયમો એસપીજી બ્લૂ બુકમાં રાખવામાં આવ્યા છે.
એસપીજી દેશની ટોચની સુરક્ષા એજન્સીઓમાંની એક છે અને વડા પ્રધાનને સુરક્ષિત રાખવા માટે તેમની પાસે 400 કરોડથી વધુ બજેટ હોય છે.
ગત વર્ષે રજૂ કરવામાં આવેલા બજેટમાં એસપીજીને 429.05 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

મોદીની સુરક્ષા પર વિવાદ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
પંજાબમાં પ્રદર્શનકારીઓ દ્વારા રસ્તો જામ કર્યા બાદ વડા પ્રધાન મોદીનો કાફલો હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જતાં પહેલાં જ પરત ફર્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભઠિંડા ઍરપૉર્ટ પર પહોંચ્યા બાદ મોદીએ સ્થાનિક પોલીસ અધિકારીઓને કહ્યું હતું કે, "આપના મુખ્ય મંત્રીને આભાર કહેજો, હું જીવિત પાછો ફરી રહ્યો છું."
ગૃહ મંત્રાલયે આ ઘટના પર પંજાબ સરકાર પાસેથી વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. પંજાબ સરકારે પણ ઘટનાની તપાસની જાહેરાત કરી છે. પંજાબ સરકારે એમ પણ કહ્યું છે કે તેમની વ્યવસ્થામાં કોઈ ક્ષતિ ન હતી.
ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી વિક્રમસિંહ માને છે કે પંજાબ પોલીસે આ મામલામાં ઘોર બેદરકારી કરી છે.
વિક્રમસિંહ કહે છે કે, "લોકો એવા તર્ક આપી રહ્યા છે કે વડા પ્રધાને અચાનક પોતાનો રૂટ બદલ્યો હતો. રૂટ અચાનક જ બદલવામાં આવે છે, પરંતુ પ્રદર્શકારીઓ અચાનક એકઠા થતા નથી. તેઓ પહેલેથી તૈયારી કરી રહ્યા હશે. તેમને રોકવામાં આવી શકતા હતા પણ રોક્યા નથી."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












