નરેન્દ્ર મોદીના શાસનનાં પાંચ વર્ષમાં 326 રાજદ્રોહના કેસ, સજા ફક્ત 6 લોકોને થઈ - Top News

ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty Images
ગૃહ મંત્રાલાયના સત્તાવાર આંકડાઓ અનુસાર દેશમાં વર્ષ 2014થી 2019 દરમિયાન રાજદ્રોહના કુલ 326 કેસ દાખલ કરવામાં આવ્યા, જેમાં છ લોકોને સજા થઈ છે.
'આજતક' ન્યૂઝ વેબસાઇટના એક અહેવાલ મુજબ સૌથી વધુ કેસ 54 કેસ આસામમાં દાખલ કરવામાં આવ્યા.
રાજદ્રોહના 326 કેસ પૈકી માત્ર 141 કેસમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. જ્યારે 6 વર્ષમાં માત્ર 6 લોકોને જ સજા થઈ છે એટલે કે માત્ર 6 લોકો દોષી ઠર્યા છે.
જોકે હજુ વર્ષ 2020નો ડેટા જાહેર નથી કરાયો. અત્રે નોંધવું જોઈએ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આઈપીસીની કલમ 124-એ (રાજદ્રોહની કલમ)નો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે.
સુપ્રીમે સરકારને સવાલ પણ પૂછ્યો હતો કે અંગ્રેજ સરકારે મહાત્મા ગાંધી જેવી વ્યક્તિઓ પર દમન ગુજારવા માટે જે કાયદાનો ઉપયોગ કર્યો તેને આજ સુધી રદ કેમ નથી કરવામાં આવ્યો?
સત્તાવાર આંકડાઓ અનુસાર વર્ષ 2019માં સૌથી વધારે 93 રાજદ્રોહના કેસ દાખલ કરવામાં આવ્યા. જ્યારે 2018માં 70 તથા 2017માં 51, 2014માં 47 તથા વર્ષ 2016 અને 2017માં 30 કેસ થયા હતા.
વર્ષ 2019માં 40 કેસમાં ચાર્જશીટ દાખલ થઈ, જ્યારે વર્ષ 2018માં 38 કેસમાં, 2017માં 27 કેસમાં, 2016માં 16 કેસમાં, 2014માં 14 કેસમાં અને 2016માં 6 કેસમાં ચાર્જશીટ દાખલ થઈ હતી.
આટલાં વર્ષોમાં જે કુલ 6 દોષિત ઠર્યા, તેમાંથી વર્ષ 2018માં 2 આરોપીઓને દોષી ઠેરવવામાં આવ્યા. જ્યારે 2014, 2016, 2017 અને 2019માં 1-1 આરોપી દોષી જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2015માં એક પણ આરોપીને દોષી ઠેરવવામાં આવ્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાની વિશ્વાસમતમાં જીત

ઇમેજ સ્રોત, REUTERS
નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાએ નેપાળની સંસદમાં વિશ્વાસનો મત જીતી લીધો છે. એટલે કે બહુમતી પુરવાર કરી દીધી છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર અન્ય રાજકીય પક્ષોએ પણ શેર બહાદુરને સમર્થન આપ્યું હતું.
દેઉબાને કુલ 165 સભ્યનું સમર્થન મળ્યું હતું. જ્યારે કે. પી. શર્મા ઓલી જૂથને 83 મત મળ્યા હતા.
અત્રે નોંધવું જોઈએ કે તાજેતરમાં બે વખત નેપાળની સંસદને ભંગ કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ઠેરવી કે. પી. શર્મા ઓલીની જગ્યાએ શેર બહાદુર દેઉબાને વડા પ્રધાનપદે શપથ લેવા ચુકાદો આપ્યો હતો.
સંસદમાં વિશ્વાસમત પ્રસ્તાવ સમયે માહોલ ઘણો તંગ બન્યો હતો, જેમાં અનેક આરોપ-પ્રત્યારોપ પણ થયા હતા.

દિલ્હીમાં 2-માર્ચ પછી પ્રથમ વખત કોરોનાને લીધે એક પણ મૃત્યુ નહીં

ઇમેજ સ્રોત, ANI
ચાર મહિનામાં પહેલી વખત એવું બન્યું છે કે રાજધાની દિલ્હીમાં કોરોનાથી એક પણ મોત નથી નોંધાયું.
'ઝી ન્યૂઝ'ના અહેવાલ અનુસાર દિલ્હીમાં અત્યાર સુધી કુલ 25,027 લોકોનાં કોરોનાને લીધે મોત થયાં છે. જોકે તેમાં જે લોકોનું હૉસ્પિટલમાં બેડ ન મળવાના કારણે ઘરે જ મૃત્યુ થયું તેનો આંકડો સામેલ નથી.
અહેવાલ અનુસાર છેલ્લે 2-માર્ચ પછી પ્રથમ વખત એવું બન્યું છે કે કોરોનાને લીધે કોઈ મોત નથી થયું.
બીજી લહેર તીવ્ર હતી ત્યારે મે-3ના રોજ એક જ દિવસમાં કુલ 448 મૃત્યુ દિલ્હીમાં થયાં હતાં. વળી રાજધાનીમાં હવે કેસની સંખ્યા પ્રતિદિન 100થી ઓછી થઈ છે.
દિલ્હીનો કુલ કોરોના મૃત્યુદર 1.7 ટકા રહ્યો છે. હાલ દિલ્હીમાં 592 ઍક્ટિવ કેસ છે. તેમાંથી 330 લોકો હૉસ્પિટલમાં દાખલ છે.

ભારતમાં ક્રિપ્ટૉકરન્સી બૅન્ક કૉ-ઑપરેટિવ રૂટથી એન્ટ્રી લેશે?

ઇમેજ સ્રોત, Reuters
એક તરફ જ્યાં રિઝર્વ બૅન્ક ક્રિપ્ટૉકરન્સી (ડિજિટલ કરન્સી) મામલે કડક વલણ ધરાવે છે. ત્યાં બીજી તરફ તે હવે ડિજિટલ કરન્સી માટે પૉલિસી લાવવાની પણ તૈયારી કરી રહી છે.
'મની કંટ્રોલ' બિઝનેસ ન્યૂઝ વેબસાઇટના અહેવાલ મુજબ આ દરમિયાન એક ક્રિપ્ટૉકરન્સી બૅન્ક દેશમાં કૉ-ઑપરેટિવ રૂટથી ક્રિપ્ટૉકરન્સી ઑપરેશન્સ શરૂ કરવાની તૈયારીમાં છે.
અહેવાલમાં કહેવાયું છે કે ક્રિપ્ટૉકરન્સી બૅન્ક 'કાશા' ભારતમાં બૅન્કિંગ ઑપરેશન્સ લૉન્ચ કરવાની તૈયારીમાં છે.
તે ઑગસ્ટ મહિનાથી બિટકૉઇન જેવી ડિજિટલ કરન્સી ક્રેડિટ કૉ-ઑપરેટિવ સોસાયટીના માધ્યમથી લોન તરીકે આપશે અને ખાતું ખોલવાની પણ સુવિધા મળશે.
જોકે આવી લોન માત્ર ખાતેદાર સભ્યોને જ તે આપશે. જે ક્રિપ્ટૉકરન્સીની ખરીદી માટે અથવા ક્રિપ્ટૉકરન્સી રૂપે પણ આપવામાં આવશે.
આ માટે તે બૅન્ક તરીકેનું લાઇસન્સ નહીં લે પરંતુ નાણાકીય સંસ્થા તરીકે રજિસ્ટ્રાર ઑફ સોસાયટી હેઠળની જોગવાઈઓથી કામ કરશે એવું કહેવામાં આવી રહ્યું છે.
કાશાનું કહેવું છે ભારતમાં તેણે પ્રથમ ક્રિપ્ટૉ આધારિત નાણાકીય સંસ્થાની બ્રાન્ચ લૉન્ચ કરી દીધી છે.
રિપોર્ટ અનુસાર કાશા બૅન્કની કાયદેસરતા મામલે નાણા મંત્રાલય અને આરબીઆઈએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












