તીર્થગામ યોજના : નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી યોજના 'મંદ' કેમ પડી ગઈ છે?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

અમુક દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની મુલાકાત વખતે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગ્રામીણ સશક્તીકરણ અને વિકાસ જરૂરી છે."

આમ, તેમણે દેશ અને રાજ્યના વિકાસનો માર્ગ ગ્રામીણ વિકાસ થકી હોવાની વાત પર ભાર મૂક્યો હતો.

ગુજરાત સરકાર પણ પાછલાં 20 કરતાં વધુ વર્ષોથી ગુજરાતનાં ગામોમાં અદ્વિતીય વિકાસ થયો હોવાની વાત અવારનવાર કરતી રહે છે.

ગુજરાત સરકાર પાસેથી મળેલ માહિતી ગુજરાતનાં ગામોમાં વિકાસ અને સફળતાનું વિપરીત ચિત્ર રજૂ કરે છે

ઇમેજ સ્રોત, panchayat.gujarat.gov.in

ઇમેજ કૅપ્શન, ગુજરાત સરકાર પાસેથી મળેલ માહિતી ગુજરાતનાં ગામોમાં વિકાસ અને સફળતાનું વિપરીત ચિત્ર રજૂ કરે છે

પરંતુ માહિતી અધિકારના કાયદા અંતર્ગત ગુજરાત સરકાર પાસેથી મળેલ માહિતી ગુજરાતનાં ગામોમાં વિકાસ અને સફળતાનું વિપરીત ચિત્ર રજૂ કરે છે.

બીબીસી ગુજરાતીએ ગુજરાતના વિકાસ કમિશનરની કચેરીમાં કરેલ આરટીઆઈ અંતર્ગત મળેલ જવાબમાં જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ગામમાં આદર્શ પરિસ્થિતિઓ બાબતે પ્રોત્સાહન પૂરું પાડવા નરેન્દ્ર મોદીના સમયમાં શરૂ થયેલ તીર્થગામ અને પાવનગામ યોજનામાં ખૂબ ઓછાં ગામ નોંધાઈ રહ્યાં છે.

તીર્થગામ અને પાવનગામ યોજનામાં જે ગામમાં પાછલાં પાંચ કે ત્રણ વર્ષમાં એક પણ ફોજદારી ગુનો ન નોંધાયો હોય અને કન્યાકેળવણીના ઊંચા દર વગેરે જેવા માપદંડ બાબતે સારું પ્રદર્શન કરનાર ગ્રામપંચાયતને તીર્થગામ અને પાવનગામ જાહેર કરવામાં આવે છે. જે અંતર્ગત તીર્થગામ અને પાવનગામ જાહેર કરાયેલ ગ્રામપંચાયતને અનુક્રમે બે લાખ અને એક લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે.

આરટીઆઈ અંતર્ગત મળેલ માહિતી અનુસાર વર્ષ 2021-22માં અનુક્રમે 12 અને 21 ગામોને તીર્થગામ અને પાવનગામ જાહેર કરાયાં છે.

જ્યારે આ યોજનાની શરૂઆત થઈ એટલે કે વર્ષ 2004-05માં ત્યારે માત્ર તીર્થગામ પંચાયતોની સંખ્યા 299 હતી.

જોકે, તે બાદ ઉત્તરોત્તર આ સંખ્યામાં ઘટાડો જ નોંધાતો ગયો છે.

આ ઘટાડા માટેનાં સંભવિત કારણો અંગે જાણવા બીબીસી ગુજરાતીએ ગ્રામીણ વિકાસ અને સુખાકારીક્ષેત્રે કામ કરતાં કેટલાક કર્મશીલો સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતા.

line

'ગુજરાતમાં ગામોની પરિસ્થિતિ બદલાઈ'

તીર્થગામ અને પાવનગામ યોજનાના અમલીકરણ બાબતે રાજ્યમાં સ્થિતિ

ઇમેજ સ્રોત, Arjun Parmar

સમાજસેવિકા તરીકે કામ કરતાં લતા સચદે આ યોજના અંગે વાત કરતાં કહે છે કે, "જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે ગુજરાત સરકારે આ યોજનાને થોડો વધુ વેગ આપ્યો હતો. પરંતુ પરિસ્થિતિ બદલાતાં હવે આ યોજનાના માપદંડો પર પ્રદર્શન કરવું ગ્રામપંચાયત માટે અઘરું બની ગયું છે."

"હવે પાંચ વર્ષ સુધી ગામમાં કોઈ ફોજદારી ગુનો ન નોંધાય તે માપદંડ જાળવવો અઘરું છે. પહેલાં એવા સંદર્ભો પણ જોવા મળ્યા છે કે આ યોજનાના કારણે હિંસાના અમુક કિસ્સામાં ફરિયાદીને ફરિયાદ કરતાં હતોત્સાહિત કરવામાં આવતા. પરંતુ હવે લોકોને ફરિયાદ કરતાં અટકાવવા અઘરું બની ગયું છે. તેથી આ સંખ્યા ઘટી હોઈ શકે."

તેઓ આગળ કારણ આપતાં કહે છે કે, "દિવસે ને દિવસે રાજ્યમાં અમુક પ્રકારના ગુના બનવાનું પ્રમાણ વધ્યું છે. આવી પરિસ્થિતિમાં કઈ રીતે તીર્થગામ કે પાવનગામ શક્ય થઈ શકે?"

"આ સિવાય અગાઉના સમયમાં ગામ માટે આ યોજના અંતર્ગત મળતું ભંડોળ ખૂબ જ અગત્યનું હતું. પરંતુ હવે અન્ય પ્રકારની ગ્રાન્ટ પણ ચાલુ થઈ હોવાથી તેનું મહત્ત્વ એટલું રહેતું નથી."

લતા સચદે આ યોજનાના અન્ય માપદંડો અંગે વાત કરતાં કહે છે કે, "જો આ યોજના અંતર્ગત ગામ પંચાયતે નાણાકીય પ્રોત્સાહનની રકમ જોઈએ તો તેના માટે કન્યાકેળવણીનો ઊંચો દર અને કન્યા સંદર્ભે શાળા ડ્રૉપઆઉટનો ઓછો દર જાળવવો જરૂરી છે."

"આ માપદંડ જાળવવો એ અઘરું છે. તેથી પણ ઘણાં ગામ હવે આ બાબતે વધુ જાગૃત નથી."

line

'મહત્ત્વકાંક્ષાઓ તીર્થગામ માટે પડકાર'

ગુજરાતનાં ગામોમાં વિકાસના દાવામાં સત્ય શું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતનાં ગામોમાં વિકાસના દાવામાં સત્ય શું? (પ્રતીકાત્મક તસવીર)

ગુજરાતના કચ્છ જિલ્લાના જિલ્લા સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ જીવાભાઈ આહિર માને છે કે તીર્થગામ અને પાવનગામ યોજનામાં ઓછાં ગામો નોંધાયાંનું કારણ ગામલોકોની જ મહત્ત્વકાંક્ષા છે.

તેઓ કહે છે કે, "ઘણી વખત ગામમાં વ્યક્તિગત મહત્ત્વકાંક્ષા, મોહ અને જાગૃતિ જેવાં પરિબળો ગામની એકતા બાબતે નકારાત્મક અસર કરતાં પરિબળ બને છે. તેમજ નાના-મોટા ઝઘડા અને વિવાદ પહેલાંની જેમ પોલીસ સ્ટેશન સુધી ન પહોંચે તે બાબત સુનિશ્ચિત નથી કરાતી."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગામમાં ગુનાખોરી અને અન્ય તમામ માપદંડોમાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં અધોગતિનું વલણ જોવા મળી રહ્યું છે કે કેમ?

તો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "ગામમાં પહેલાંની સરખામણીમાં વિકાસ વધ્યો છે. પરંતુ આગળ કહ્યું એમ ઘણી વખત વ્યક્તિગત મહત્ત્વકાંક્ષાઓ ગામના સર્વાંગી વિકાસ માટે પડકારરૂપ બને છે. આ યોજનામાં પણ કંઈક એવું જ દેખાય છે."

ગ્રામીણક્ષેત્રના વિકાસ માટે કામ કરતાં સમાજસેવિકા નફીસા બારોટ કહે છે કે, "સૌપ્રથમ તો આ યોજનાના માપદંડોમાં સારું પ્રદર્શન કરવું એ ગ્રામપંચાયતો માટે અતિ મુશ્કેલ કામ છે. તેમજ ઘણી અન્ય યોજનાઓની જેમ આ યોજના પણ અસ્તિત્વમાં હોવા છતાં તેના લાભ મેળવવા માટેની પૂર્વશરતો જટિલ છે."

આ સિવાય નફીસા બારોટ એવું પણ કહે છે કે, "હાલમાં જે પ્રકારની સ્થિતિ બની છે તેને જોતાં ગામમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ જળવાય તે અઘરું થઈ ગયું છે. જે કારણે પણ વિવાદો થવા એ સ્વાભાવિક છે."

line

તીર્થગામ અને પાવનગામ યોજનાની જોગવાઈઓ

તીર્થગામ તરીકે જાહેર થનાર ગામને બે લાખનું પ્રોત્સાહક અનુદાન અને પાવનગામ તરીકે જાહેર થનાર ગામને એક લાખનું પ્રોત્સાહક અનુદાન મળવાપાત્ર છે

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, તીર્થગામ તરીકે જાહેર થનાર ગામને બે લાખનું પ્રોત્સાહક અનુદાન અને પાવનગામ તરીકે જાહેર થનાર ગામને એક લાખનું પ્રોત્સાહક અનુદાન મળવાપાત્ર છે

ગુજરાતના પંચાયતવિભાગ દ્વારા વેબસાઇટ પર મુકાયેલ માહિતી મુજબ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદ્ભવાના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના છે.

  • તીર્થગામ તરીકે જાહેર થનાર ગામને બે લાખનું પ્રોત્સાહક અનુદાન અને પાવનગામ તરીકે જાહેર થનાર ગામને એક લાખનું પ્રોત્સાહક અનુદાન મળવાપાત્ર છે.
  • જે ગામમાં પાછલાં પાંચ વર્ષમાં એક પણ ફોજદારી ગુનો ન નોંધાયેલ હોય તેને તીર્થગામ અને છેલ્લાં ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુનો ન નોંધાયેલ હોય તેવા ગામને પાવનગામ જાહેર કરવાની મુખ્ય જોગવાઈ છે.
  • આ ઉપરાંત સમરસગામ, સ્વચ્છતા, કન્યાકેળવણીનો ઊંચો દર, ગામમાં દલિત અને આદિજાતિ વિસ્તારમાં અન્ય વિસ્તારો જેવી જ પ્રાથમિક સુવિધાઓ, જળસંચયની જાગૃતિ, જેવી મહત્ત્વની બાબતોમાં ગામની સ્થિતિને આધારિત માર્કના આધારે પસંદગીસમિતિ દ્વારા જાહેર કરવાની જોગવાઈ છે. યોજનાના ઝડપી અને અસરકારક અમલ માટે તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પસંદગીસમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવે છે.
  • આ બાબતે ગુજરાત સરકારના વિકાસ કમિશનરની કચેરીમાં તેમનો પક્ષ જાણવા માટે કરાયેલ ઈ-મેઇલનો આ લખાય છે ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો નહોતો.
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ