કાળા પાણી : ભારતની આઝાદીની લડાઈનું એ સ્થળ જ્યાં દરેક કેદી મૃત્યુ માગતા

સેલ્યુલર જેલ

ઇમેજ સ્રોત, SUMRAN PREET

ઇમેજ કૅપ્શન, સેલ્યુલર જેલ
    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને શોધાર્થી

એ વાત તો તમને યાદ હશે કે ઈ.સ. 1857માં અંગ્રેજ શાસન સામે પંજાબમાં વિરોધ કરનારા અહમદ ખાનને મારી નખાયા અને એમના કેટલાક સાથીઓને ફાંસી આપી દેવાઈ, કેટલાકને તોપથી ઉડાવી દેવાયા અને બાકી બચ્યા એમને 'કાલા પાની'ની સજા કરવામાં આવી.

સામાન્ય રીતે ઉપમહાદ્વીપમાંનાં દૂર-સુદૂરનાં સ્થળોને 'કાળા પાની' કહેવાય છે.

પ્રાચીન ભારતીય માન્યતા એવી હતી કે દેશમાંથી સમુદ્ર પાર કરીને કોઈ વ્યક્તિ 'પવિત્ર ગંગા'થી દૂર જવાના કારણે પોતાની જ્ઞાતિમાંથી બહાર થઈ જશે (નાત બહાર મૂકવા) અને સમાજમાંથી નીકળી જશે. ગુજરાતીમાં કાળાં પાણી ઓળંગવાંનો અર્થ દૂર દરિયાપાર જવું એવો થાય છે.

રાજકીય અર્થમાં કાળા પાણી એટલે હિંદ મહાસાગરમાંના એવા દ્વીપો જ્યાં અંગ્રેજ શાસકો કેદીઓને દેશનિકાલ કરતા હતા.

line

હજાર ટાપુઓનો સમૂહ 'આંદમાન-નિકોબાર'

અંદમાન નિકોબાર ટાપુ સમૂહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અંદમાન નિકોબાર ટાપુ સમૂહ

કલકત્તા (હવે કોલકાતા)થી 780 માઈલ દક્ષિણમાં નાના-મોટા મળીને એક હજાર ટાપુઓનો સમૂહ 'આંદમાન-નિકોબાર' કહેવાતો હતો અને એની રાજધાનીનું નામ પૉર્ટ બ્લેર રાખવામાં આવ્યું હતું.

ઇતિહાસકાર અને શોધાર્થી વસીમ અહમદ સઈદે પોતાના રિસર્ચ 'કાલા પાનીઃ 1857 કે ગુમનામ સ્વતંત્રતા સેનાની'માં લખ્યું છે, "અંગ્રેજોએ અહીં પોતાનો ધ્વજ ફરકાવવા ઉપરાંત કેદીઓની વસ્તી અને વસાહત સ્થાપવા માટે ઈ.સ. 1789માં પહેલો પ્રયાસ કર્યો જે નિષ્ફળ થયો. પછીથી ઈ.સ. 1857નો વિદ્રોહ શરૂ થયો તો ફાંસીઓ, ગોળીઓ અને તોપ વડે ક્રાંતિકારીઓના જીવ લેવાયા."

"આજીવન કેદની સજા પણ કરાઈ પરંતુ કોઈ દૂર-સુદૂરના સ્થળે સજા આપવા માટે વસ્તી કે કેદીઓની કૉલોનીની જરૂરિયાત અનુભવાઈ, જેથી અંગ્રેજો સામે 'બળવા માટે સક્રિય' લોકો ફરીથી બળવો કે વિરોધ ના કરી શકે. એમની નજર આંદમાન દ્વીપસમૂહ પર ગઈ."

આ દ્વીપો કીચડભર્યા હતા. ત્યાં મચ્છર, ખતરનાક સાપ, વીંછી અને જળો તેમજ અગણિત પ્રકારના ઝેરીલા કીડાની ભરમાર હતી.

line

1858માં પહોંચ્યો હતો પહેલો જથ્થો

લશ્કરી ડૉક્ટર અને આગ્રા જેલના વૉર્ડન જે.પી. વૉકર અને જેલર ડેવિડ બેરીની દેખરેખ હેઠળ 'બળવો કરનારાઓ'નો પહેલો જથ્થો 10 માર્ચ, 1858ના રોજ એક નાના યુદ્ધ-જહાજમાં ત્યાં પહોંચ્યો

ઇમેજ સ્રોત, SUMRAN PREET

ઇમેજ કૅપ્શન, લશ્કરી ડૉક્ટર અને આગ્રા જેલના વૉર્ડન જે.પી. વૉકર અને જેલર ડેવિડ બેરીની દેખરેખ હેઠળ 'બળવો કરનારાઓ'નો પહેલો જથ્થો 10 માર્ચ, 1858ના રોજ એક નાના યુદ્ધ-જહાજમાં ત્યાં પહોંચ્યો

લશ્કરી ડૉક્ટર અને આગ્રા જેલના વૉર્ડન જે.પી. વૉકર અને જેલર ડેવિડ બેરીની દેખરેખ હેઠળ 'બળવો કરનારાઓ'નો પહેલો જથ્થો 10 માર્ચ, 1858ના રોજ એક નાના યુદ્ધ-જહાજમાં ત્યાં પહોંચ્યો.

સંભવ છે કે ખરલના સાથી એ જ જહાજમાં લઈ જવાયા હશે. પછી કરાચીથી બીજા 733 કેદી લવાયા અને પછી આ સિલસિલો ચાલતો રહ્યો.

સઈદે લખ્યું છે, "કાળા પાણી એક એવું કેદખાનું હતું જેનાં દીવાલ-દરવાજાનું અસ્તિત્વ નહોતું. જો ચાર દીવાલ કે ચાર હદની વાત કરીએ તો સમુદ્રનો કિનારો હતો અને પરિસરની વાત કરીએ તો ઉછાળા મારતો અનંત સમુદ્ર જ હતો."

કેદ થયા છતાં કેદી આઝાદ હતા પરંતુ ફરાર થવાના બધા રસ્તા બંધ હતા અને હવા ઝેરીલી હતી.

"જ્યારે કેદીઓનો પહેલો જથ્થો ત્યાં પહોંચ્યો ત્યારે એમનું સ્વાગત કરવા માટે માત્ર પથરાળ જમીન, ઘટાદાર અને ગગનચુંબી ઝાડવાળાં એવાં જંગલ હતાં જેને ભેદીને સૂર્યનાં કિરણો પણ ધરતીને ભેટી નહોતાં શકતાં. ખુલ્લું વાદળી આકાશ, પ્રતિકૂળ અને ઝેરીલાં જળવાયુ, ગંભીર જળસંકટ અને શત્રુતાભરી જનજાતિઓ."

દિલ્હીના આ શોધાર્થી અનુસાર આંદમાનને જ ભારતની આઝાદીની લડતનું શહીદસ્થળ જાહેર કરવું જોઈએ.

ફિરંગીઓ, એમના પદાધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફના અન્ય સભ્યો માટે તો તંબુ બાંધી દેવાયા પરંતુ કેદીઓને ઘાસ-પાંદડાંની કાચી ઝૂંપડીઓ અને હાથીખાના જેવી જગ્યા પણ ઘણા સમય પછી મળી શકી. ત્યાં કોઈ ફરસ નહોતી કે નહોતી રહેવા ઉપયોગી પાયાની જરૂરિયાતોનો કશો સામાન.

નારકીય હાલત

ઝૂંપડીઓની હાલ તો એવી હતી કે વરસાદ વખતે અંદર અને બહાર એકસરખી સ્થિતિ રહેતી.

આખા દિવસના શ્રમભર્યા કારાવાસના કારણે અથાક અને અકલ્પનીય મહેનત કરવી, અત્યાચાર અને હિંસાના શિકાર બનવું અને પછી અત્યંત ખરાબ ભોજનથી સંતોષ માનીને મરવા માટે જીવતા રહેવું, એ જ કેદીઓનું નસીબ હતું. જેના કારણે દરેક કેદી મૃત્યુની પ્રાર્થના કરતા હતા, કેમ કે મુશ્કેલીઓથી છુટકારો મેળવવાનો એકમાત્ર માર્ગ મૃત્યુ જ હતો.

ધાર્મિક વિદ્વાન, ગાલિબના સમકાલીન અને મિત્ર અલ્લામા ફઝ્લ-એ-હક ખૈરાબાદી ઈ.સ. 1857ની અઝાદીની લડતના આગેવાન હતા. લેખક સાકિબ સલીમ અનુસાર એમણે અંગ્રેજો સામે જામા મસ્જિદમાં 'જેહાદ'નો ફતવો આપ્યો હતો.

ખૈરાબાદીને હત્યા માટે પ્રેરિત કરવા અને બળવાના આરોપસર 4 માર્ચ, 1859એ શાહી કેદી તરીકે આજીવન કેદ માટે દરિયા પાર - કાળા પાણી અને બધી જ સંપત્તિ જપ્ત કરી લેવાની સજા કરવામાં આવી.

line

બીમારીઓનો ખજાનો હતી આંદમાનની જેલો

અંદમાન જેલ

ઇમેજ સ્રોત, SUMRAN PREET

ઇમેજ કૅપ્શન, અંદમાન જેલ

લશ્કરી ડૉક્ટર અને આગ્રા જેલના વૉર્ડન જે.પી. વૉકર અને જેલર ડેવિડ બેરીની દેખરેખ હેઠળ 'બળવો કરનારાઓ'નો પહેલો જથ્થો 10 માર્ચ, 1858ના રોજ એક નાના યુદ્ધ-જહાજમાં ત્યાં પહોંચ્યો

ખૈરાબાદીએ પોતાના પુસ્તક 'અસ્સૂરતલહિન્દિયા'માં કેદની સ્થિતિ વર્ણવી છે. નીચે લખેલાં થોડાં વાક્ય એ પુસ્તકમાંથી અનુવાદ કરીને ટાંક્યાં છેઃ

"દરેક ઓરડી પર છાપરું હતું જેમાં દુઃખ અને રોગ ભર્યાં હતાં. હવા દુર્ગંધભરી અને બીમારીઓનો ખજાનો હતી. બીમારીઓ, શરીરની ચામડી છોલાઈ-ફાટી જવા લાગે એવા અતિશય ખંજવાળ અને ધાધર જેવા ચામડીના રોગ, સામાન્ય હતાં."

"બીમારીની સારવાર, તબિયત સાચવવાના અને ઘા રૂઝવવાના કોઈ ઉપાય નહોતા."

"દુનિયાની કોઈ તકલીફ અહીંની દર્દનાક તકલીફોની બરાબરી ના કરી શકે. આમાંના કોઈ જ્યારે મરી જાય ત્યારે મૃતદેહને લઈ જનારા એનો પગ પકડીને ઢસડે અને નવડાવ્યા વગર, એનાં કપડાં કાઢીને રેતીના ઢગલા નીચે એને દબાવી દે છે. ના એની કબર ખોદવામાં આવે છે, ના નમાજ-એ-જનાજા પઢવામાં આવે છે."

ગાઢ જંગલમાં સાંકળોથી બંધાયેલા કેદીઓને રાસ, હ્યૂલાક અને ચૅથમ દ્વીપ પર કઠોર શ્રમ કરવાનો આદેશ આપવામાં આવ્યો.

નિર્જન દ્વીપનાં જંગલોની સફાઈનું મહેનતવાળું કામ ખૈરાબાદી અને એમના સાથીઓએ કરવાનું રહેતું.

ખૈરાબાદીએ કહ્યું છે, "મારી આંખે બીજા કેદીઓને બીમાર હોવા છતાં બેડીઓ પહેરેલા અને સાંકળોથી ખેંચાતા જોઉં છું. એક નિર્દય અને ગંદો વ્યક્તિ કષ્ટ પર કષ્ટ આપતો અને ભૂખ્યા-તરસ્યા પર પણ દયા ના રાખતો."

"સવાર-સાંજ એવી રીતે પસાર થાય છે કે આખું શરીર ઘાથી ચારણી બની ગયું છે. આત્માને કંપાવી દેનારાં દર્દ અને તકલીફની સાથે ઘા વધતા રહે છે. એ સમય દૂર નથી જ્યારે આ ફોડકીઓ મને મૃત્યુ નજીક પહોંચાડી દેશે."

ફઝ્લ-એ-હક ખૈરાબાદીએ આંદમાનમાં છેલ્લા શ્વાસ લીધા અને ત્યાં જ દફન થયા.

line

મહિલા કેદી અને લગ્ન

ઝાફર થાનેસરી હરિયાણાના થાનેસર વિસ્તારના હતા. પહેલાં મૃત્યુદંડ અને પછી કાળા પાણીની સજા થઈ. પોતાના પુસ્તક 'કાલા પાની અલમારૂફ તવારીખ અજાયબ'માં 11 જાન્યુઆરી, 1866એ આંદમાન દ્વીપસમૂહના સમુદ્ર કિનારે પહોંચ્યાનું દૃશ્ય કંઈક આ રીતે જણાવે છેઃ

"દૂરથી, સમુદ્ર કિનારાના કાળા પથ્થર એવા લાગે છે જાણે ભેંસોનાં ઝુંડ પાણીમાં તરી રહ્યાં હોય."

ત્યાં સુધી એ ક્ષેત્ર ધાર્યા મુજબ સાફ થઈ ગયું હતું. કેદી જંગલોની સફાઈની સાથોસાથ નવા છોડ પણ રોપી રહ્યા હતા. એ પહેલાં અંગ્રેજ શાસને મહિલા કેદીઓને પણ ત્યાં મોકલવાનાં શરૂ કરી દીધાં હતાં.

હબીબ મંઝર અને અશફાક અલીનું રિસર્ચ છે કે, આરંભિક સમયમાં બ્રિટિશ શાસન લગ્ન અને પછી બાળકોના જન્મને કેદીઓમાં સુધારનો એક ઉપાય માનતું હતું.

મદ્રાસ (ચેન્નઈ), બંગાળ, મુંબઈ, ઉત્તર-પશ્ચિમ રાજ્ય, અવધ (અયોધ્યા) અને પંજાબ વગેરેમાંથી એવી મહિલાઓને આંદમાન મોકલવામાં આવી જે બ્રિટિશ ભારતની જેલોમાં થોડાંક વર્ષો પસાર કરી ચૂકી હતી.

પૉર્ટ બ્લેરના અધીક્ષકે ભારત સરકારને પત્ર લખ્યો, "પૉર્ટ બ્લેરમાં મહિલા કેદીઓની સંખ્યા ઘટી રહી છે અને જો અગાઉનાં ત્રણ વર્ષમાં મોકલાયેલી સંખ્યા કરતાં વધારે મહિલા કેદીઓને મોકલવામાં નહીં આવે તો પાંચ વર્ષની સજા ભોગવી લીધા બાદ ના એમનાં લગ્નની વ્યવસ્થા ચાલુ રાખી શકાશે કે ના કાંતવા, વણવાનાં એ કામો થઈ શકશે જેનાથી સરકારને ઘણી બધી બચત થાય છે."

સેલ્ફ સપોર્ટર કેદી જો લગ્ન કરવા માગે તો તે એક ખાસ દિવસે મહિલા કેદીઓમાંથી કોઈ એકને પસંદ કરતા અને જો તે હા પાડે તો શાસન એમનાં લગ્ન કરાવી દેતું અને એને કાયદેસર કરી આપતું. પોતાની વ્યવસ્થા જાતે કરનારા યુગલને એક સેલ્ફ સપોર્ટિંગ ગામમાં રહેવા માટે જગ્યા આપી દેવાતી.

પરંતુ મહિલા કેદીઓને આંદમાન મોકલવાનો સિલસિલો થોડાંક વર્ષો જ ચાલુ રહી શક્યો. ઈ.સ. 1897માં 2,447 સેલ્ફ સપોર્ટરમાં 363 મહિલા હતી. મહિલાઓનો બીમારી અને મૃત્યુનો દર પણ વધારે હતો.

થાનેસરીએ જે કાશ્મીરી મહિલાઓ સાથે લગ્ન કર્યાં તેઓ લગ્ન વિના મા બનવાના અને બાળકને મારી નાખવાના ગુનામાં સજા ભોગવતી હતી.

થાનેસરી 17 વર્ષ 10 મહિના પછી આંદમાનથી 9 નવેમ્બર, 1883એ ભારત જવા રવાના થયા. તેઓ ત્યારે ત્યાં જ હતા જ્યારે ઈ.સ. 1872માં પૉર્ટ બ્લેરના પ્રવાસ દરમિયાન વાઇસરૉય ઑફ ઇન્ડિયા લૉર્ડ મેયોનું એક કેદીએ ખૂન કરી નાખ્યું હતું.

line

ભાગી જવાનો પ્રયાસ કરનારને ફાંસી

દાનાપુરની છાવણીમાં બળવાના આરોપી કેદી નારાયણ એવા પહેલા વ્યક્તિ હતા જેમણે ભાગવાની કોશિશ કરી હતી. એમને પકડી લેવાયા, ડૉક્ટર વૉકર સમક્ષ લઈ જવાયા અને ફાંસી આપી દેવાઈ.

'તારીખ-એ-આંદમાન જેલ'માં લખ્યું છે કે માર્ચ, 1868માં 238 કેદીઓએ ભાગી જવાની કોશિશ કરી. એપ્રિલ સુધીમાં તે બધા પકડાઈ ગયા. એકે આત્મહત્યા કરી લીધી અને વૉકરે 87ને ફાંસી આપવાનો આદેશ કર્યો.

ફાંસીઓના સમાચાર જ્યારે કલકત્તા પહોંચ્યા ત્યારે કાઉન્સિલના અધ્યક્ષ જે.પી. ગ્રાન્ટે એ બાબતે અફસોસ વ્યક્ત કરતો એક પત્ર લખ્યો, "હું ફાંસી આપવા માટે જણાવાયેલાં કારણોમાંથી એકનો પણ સ્વીકાર નથી કરી શકતો."

પરંતુ વૉકર સરકારી કાર્યવાહીમાંથી બચી ગયા અને ગ્રાન્ટના આદેશથી એવો બંદોબસ્ત કરવામાં આવ્યો કે કેદીઓ ફરીથી ભાગવા કે 'જનતાને ઉશ્કેરવા' સક્ષમ ના થાય.

તોપણ કેદી મહતાબ અને ચેતન 26 માર્ચ, 1872ના રોજ ફરાર થઈ જ ગયા. બંગાળની ખાડીમાં 750 માઈલની સફર પોતે બનાવેલી નાવડીઓ વડે કરી.

એક બ્રિટિશ સમુદ્રી જહાજના સ્ટાફને એમણે એમ સમજાવી દીધું કે તેઓ એક નષ્ટ થઈ ગયેલી નાવડીના માછીમારો છે. છેવટે એમને લંડનમાં સ્ટ્રૅન્જર્સ હોમ ફૉર એશિયાટિક્સમાં મોકલી દેવાયા.

બંનેને ખવડાવવામાં આવ્યું, કપડાં પહેરાવ્યાં અને એક પાથરણું આપવામાં આવ્યું પરંતુ તેઓ જ્યારે સૂઈ રહ્યા હતા ત્યારે માલિક કર્નલ હ્યૂજે એમના ફોટા પાડ્યા અને સરકારને મોકલી દીધા.

એક સવારે મહતાબ અને ચેતન જાગ્યા ત્યારે પોતાને બેડીઓમાં બંધાયેલા જોયા. પછી થોડા દિવસ પછી એમને ભારત જતા જહાજમાં બેસાડી દેવાયા.

ઓગણીસમી સદીના અંત સુધીમાં સ્વતંત્રતા આંદોલને વેગ પકડ્યો. આ રીતે આંદમાન મોકલાનારા કેદીઓની સંખ્યા વધતી ગઈ અને એક કડક સુરક્ષાવાળી જેલની જરૂરિયાત અનુભવાઈ.

line

કેદીઓએ જ જેલ બનાવવી પડી

1889ના ઑગસ્ટથી બ્રિટિશરાજના હોમ સેક્રેટરી ચાર્લ્સ જેમ્સ લાયલને પોર્ટ બ્લેરમાં સજા ભોગવતી કેદીઓની વસ્તી પર રિસર્ચનું કામ પણ સોંપવામાં આવ્યું. આ એ જ લાયલ છે જેમના નામે 1890માં પાકિસ્તાનમાં લાયલપુરનો પાયો નંખાયો અને ઈ.સ. 1979માં એને ફૈસલાબાદ નામ આપવામાં આવ્યું.

લાયલ અને બ્રિટિશ શાસનના એક સર્જન એ.એસ. લેથબ્રિજે એવું તારણ કાઢ્યું કે આંદમાન દ્વીપસમૂહ મોકલવાની સજાનો હેતુ નિષ્ફળ નીવડ્યો છે અને એવું પણ કે ગુનેગારોએ ભારતીય જેલોમાં કેદ રહેવાના બદલે ત્યાં જવાનું પસંદ કર્યું છે.

લાયલ અને લેથબ્રિજે ભલામણ કરી કે દેશનિકાલની સજામાં એક દંડ-સત્ર પણ હોવું જોઈએ. જેના હેઠળ કેદીઓના આગમન સમયે એમના પર કઠોર વ્યવહારનું નિશાન કરવામાં આવે.

એલિયસન બાશફોર્ડ અને કૅરોલીન સ્ટ્રેન્જ અનુસાર, એના જ પરિણામે સેલ્યૂલર જેલનું નિર્માણ થયું, જેને 'દૂર-સુદૂર દંડ કેન્દ્રની અંદર તથા દેશનિકાલ અને એકાંત સ્થળ' કહેવામાં આવી.

1896માં સેલ્યૂલર જેલનું નિર્માણકાર્ય આરંભાયું. બર્માથી ઈંટો આવી અને વિલક્ષણતા તો જુઓ, એનું નિર્માણ એ જ કેદીઓએ કરવું પડ્યું જેમણે ખુદ એમાં કેદ થવાનું હતું.

પાંચ લાખ કરતાં વધારેના ખર્ચે ઈ.સ. 1906માં સેલ્યૂલર જેલનું નિર્માણકાર્ય પૂરું થયું. જેલની મધ્યમાં આવેલા એક ટાવર પરથી કેદીઓ પર કડક જાપ્તો રાખવામાં આવતો, જેમને સાડા તેર ફૂટ લાંબી અને સાત ફૂટ પહોળી 700 કોટડીમાં રાખવામાં આવ્યા હતા.

જેલની કોટડીઓમાં પ્રકાશ માટેની જગ્યા રાખવામાં આવી પણ એવી રીતે જેથી એના દ્વારા હવા પણ ના આવી શકે.

પેશાબ અને શૌચ માટે સવાર, બપોર અને સાંજના સમય નિશ્ચિત કરવામાં આવ્યા. એ વચ્ચે કોઈને એવી જરૂર પડે તો સિપાઈઓના ડંડા ખાવા પડતા હતા. ફાંસીઘર પણ બનાવી દેવાયું જેથી અંગ્રેજ જેને ઇચ્છે, ઠેકાણે પાડી શકે.

line

ઘણા ક્રાંતિકારી કેદ રહ્યા અહીં

કેદીઓને માનસિક ત્રાસ આપવા માટે જેલર કોટડીઓને બંધ કરીને ચાવીઓ અંદર ફેંકી દેતા હતા

ઇમેજ સ્રોત, SUMRAN PREET

ઇમેજ કૅપ્શન, કેદીઓને માનસિક ત્રાસ આપવા માટે જેલર કોટડીઓને બંધ કરીને ચાવીઓ અંદર ફેંકી દેતા હતા

કેદીઓને માનસિક ત્રાસ આપવા માટે જેલર કોટડીઓને બંધ કરીને ચાવીઓ અંદર ફેંકી દેતા હતા પરંતુ તાળાં એવી રીતે બનાવાયાં હતાં કે જેલની અંદરનો કેદી તાળા સુધી પહોંચી ના શકે.

જેલની અંદર પ્રત્યેક કોટડીમાં માત્ર એક લાકડાનો ખાટલો, એક ઍલ્યુમિનિયમની પ્લેટ, બે વાસણ (એક પાણી પીવા અને એક શૌચ સમયના ઉપયોગ માટે) અને એક ઓઢવાનું રહેતું હતું.

સમયનાં બંધનોના લીધે ઘણી વાર એક નાનું વાસણ પૂરું ના પડતું તેથી શૌચ માટે એમણે કોટડીના એક ખૂણાનો ઉપયોગ કરવો પડતો અને એમણે પોતાની જ ગંદકીની બાજુમાં સૂવું પડતું હતું.

કેદ-એ-તન્હાઈ (એકાંતવાસની કેદ) લાગુ કરવામાં આવી કેમ કે બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર એ સુનિશ્ચિત કરવા માગતી હતી કે રાજકીય કેદીઓને બીજાઓથી જુદા રાખવામાં આવે.

રાજકીય કેદીઓમાં ફઝ્લ-એ-હક ખૈરાબાદી, યોગેન્દ્ર શુક્લા, બટુકેશ્વર દત્ત, બાબારાવ સાવરકર, વિનાયક દામોદર-વીર સાવરકર, સચીન્દ્રનાથ સાન્યાલ, હરે કૃષ્ણ કોનાર, ભાઈ પરમાનંદ, સોહનસિંહ, સુબોધ રાય અને ત્રિલોકીનાથ ચક્રવર્તી, મહમૂદ હસન દેવબંદી, હુસૈન અહમદ મદની અને ઝાફર થાનેસરીનાં નામ જાણીતાં છે.

line

મૃત્યુના મુખમાં

1911-1921 દરમિયાન જેલમાં કેદ દામોદર સાવરકરે પોતાની મુક્તિ પછી ત્યાંની ભયાનક સ્થિતિ વિશે લખ્યું જેનો તેમણે પોતે સામનો કરવો પડ્યો.

એમણે જણાવ્યા અનુસાર, કટ્ટર જેલર ડેવિડ બેરી પોતાને 'પૉર્ટ બ્લેરના ભગવાન' ગણાવતા હતા. સાવરકરે લખ્યું છે, "જેલના દરવાજા બંધ થતાં જ એમને લાગ્યું કે તેઓ 'મૃત્યુના મુખમાં જતા રહ્યા છે.'"

કેદીઓને એકબીજાથી એટલા અલગ રાખવામાં આવતા હતા કે સાવરકરને ત્રણ વર્ષ પછી ખબર પડી કે એમના મોટા ભાઈ પણ આ જ જેલમાં કેદ છે.

બ્રિટિશ દૈનિક 'ધ ગાર્ડિયન'ના ઈ.સ. 2021માં કરાયેલા એક રિસર્ચ અનુસાર, બ્રિટિશરાજે ભારતના વિરોધીઓ અને વિદ્રોહીઓને એક એવા 'પ્રયોગ' હેઠળ એક દૂર-સુદૂરના સંસ્થાનિક દ્વીપમાં મોકલ્યા, જ્યાં અત્યાચાર, ઔષધીય પ્રયોગ, બળપૂર્વક કામ કરાવવું અને ઘણા બધા લોકો માટે મૃત્યુ સામેલ હતાં. દવાઓના પ્રયોગ અંતર્ગત એમના પર ટ્રાયલ થતી હતી, જેનાથી ઘણા લોકો બીમાર પડ્યા અને ઘણાના જીવ ગયા.

અખબાર માટે કૅથી સ્કૉટ ક્લાર્ક અને એડ્રિયન લેવીએ સરકારી રેકૉર્ડ તપાસ્યા અને જેલમાં બચી ગયેલાઓની સાથે વાત કરી.

વિનાયક દામોદર સાવરકર

ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM

ઇમેજ કૅપ્શન, વિનાયક દામોદર સાવરકર

સેલ્યૂલર જેલમાં દેશના વિભિન્ન ભાગોમાંથી લવાયેલા કેદીઓ, જેમાં પાછળથી જુદા જુદા અપરાધોમાં સજા પામેલા પણ સામેલ હતા, તેમને ભયંકર ત્રાસ આપવામાં આવતો હતો.

ઈ.સ. 1909 - 1931 દરમિયાન સેલ્યૂલર જેલના જેલર ડેવિડ બેરીને નવી નવી રીતે સજા આપવાના નિષ્ણાત માનવામાં આવતા હતા. ડેવિડ બેરીનું કહેવું હતું કે એમના ભાગ્યમાં લખ્યું છે કે તેઓ પોતાની મહારાણીના દુશ્મનોને ફાંસી આપવા કે ગોળી મારવાના બદલે, ત્રાસ અને શરમજનક અત્યાચારથી જ સમાપ્ત કરી દેશે.

એમાં ઘંટી ફેરવવી, તેલ કાઢવું, પથ્થર તોડવા, લાકડાં ફાડવાં, એક એક અઠવાડિયા સુધી હાથકડી અને બેડીઓમાં ઊભા રાખવા, એકાંતવાસ, ચાર ચાર દિવસ સુધી ભૂખ્યા રાખવા, વગેરે સામેલ હતું.

તેલ કાઢવાનું કામ કંઈક વધારે જ પીડાકારી હતું. સામાન્ય રીતે શ્વાસ લેવામાં ખૂબ તકલીક પડતી હતી, જીભ સુકાઈ જતી હતી, મગજ સુન્ન થઈ જતું હતું, હાથ છોલાઈ જતા હતા.

લેખક રૉબિન વિલ્સને એક બંગાળી કેદી સુશીલ દાસગુપ્તાના પુત્રની મુલાકાત લીધી. સુશીલ 26 વર્ષના હતા ત્યારે બ્રિટિશરાજથી આઝાદી ઇચ્છવા બદલ એમની ધરપકડ કરવામાં આવી અને 17 ઑગસ્ટ, 1932એ આંદમાન દ્વીપસમૂહ મોકલી દેવાયા.

દાસગુપ્તાના પુત્ર અનુસાર, 'બળબળતા તાપમાં છ કલાક કઠોર પરિશ્રમ કર્યા બાદ એમના હાથ પોતાના જ લોહીથી રંગાઈ જતા. રેસા બનાવવાનો ક્વૉટા પૂરો કરવા આખો દિવસ નારિયેળ કૂટતાં કૂટતાં એમનું શરીર થાકી જતું. એમનું ગળું સુકાઈ ગયું હોય.'

'સુસ્તી બતાવે તો નિર્દયતાથી દંડા મારવામાં આવતા. એમના શૌચ જવાના સમયે પણ કડકાઈ રાખવામાં આવતી. કોઈ પણ કેદીએ શૌચ માટે ગાર્ડની મંજૂરીની કલાકો રાહ જોવી પડતી. કેદીઓ પાસેથી ગુલામોની જેમ કામ લેવાતું. કેટલાક પાગલ થઈ જતા, કેટલાક આત્મહત્યા માટે મજબૂર થઈ જતા.'

કેદી ઇન્દુભૂષણ રાયે તેલના કારખાનાની ખતમ ના થનારી મહેનતથી ત્રાસી જઈને ફાટેલા ઝભ્ભાથી પોતાને ફાંસીએ લટકાવી દીધા.

કેદી તેલની ઘાણીના જીવતા નરકમાં રહેતા પરંતુ બેરી અને બીજા બ્રિટિશ અધિકારી પાણીની પાર રાસ દ્વીપ પર આનંદ માણતા હતા. એમના શાસકીય મુખ્યાલયની બીજી ઇમારતોમાં એમનાં પોતાનાં ટેનિસ કોર્ટ, એક સ્વિમિંગ પૂલ અને અધિકારીઓ માટે ક્લબ હાઉસ હતાં.

ઉલાહસ્કર દત્ત નામના કેદી પર એટલો બધો અત્યાચાર કરવામાં આવ્યો કે તેઓ પાગલ થઈ ગયા. એમને દ્વીપ પરના એક વિસ્તારમાં પાગલખાનામાં 14 વર્ષ રાખવામાં આવ્યા. ત્યારે દત્તના પિતાએ વાઇસરૉય ઑફ ઇન્ડિયાને વારંવાર પત્ર લખીને એમને પૂછ્યું કે એમના પુત્રને શું થયું છે? પરંતુ કોઈ જવાબ ના મળ્યો.

ત્યાર બાદ બીજા 8 પત્રો પછી આખરે એમને આંદમાન દ્વીપના ચીફ કમિશનરનો પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું, 'દર્દીનું પાગલપણું મેલેરિયાના ઇન્ફેક્શનના કારણે છે. એમની હાલની સ્થિતિ સારી છે.'

line

કેદીઓનો બળવો

આવા અત્યાચારોના કારણે કેદીઓએ બળવો કરી દીધો. એક વાર 1930ના દાયકાના આરંભમાં સેલ્યૂલર જેલના કેટલાક કેદીઓએ કઠોર વ્યવહારના વિરોધમાં ભૂખ હડતાલ કરી.

મે 1933માં કેદીઓની ભૂખ હડતાલે પ્રશાસનનું ધ્યાન ખેંચ્યું. કૅથી સ્કૉટ ક્લાર્ક અને એડ્રિયન લેવી અનુસાર ભારત સરકારના આંતરિક વિભાગના રેકૉર્ડમાંથી એમણે રાજ્યોના ગવર્નરો અને ચીફ કમિશનરોને અપાયેલા આદેશોમાં અંગ્રેજ શાસનની પ્રતિક્રિયાઓ જોઈ.

ભૂખ હડતાલ કરનારા સુરક્ષા કેદીઓ વિશે, ઘટનાઓ બનતી રોકવા માટે દરેક સંભવિત કોશિશ કરવામાં આવે, જે કેદીઓને જીવતા રાખવા જરૂરી છે એમને કશી છૂટ આપવામાં ના આવે. એમને રોકવાના હાથથી કરેલા ઉપાયો સારા છે અને જો તેઓ વિરોધ કરે ત્યાર પછી મશીની ઉપાય અજમાવવામાં આવે.

33 કેદીઓએ પોતાની સારવાર માટે વિરોધ દર્શાવતાં ભૂખ હડતાલ કરી હતી. એમાં ભગતસિંહના સાથી મહાવીરસિંહ લાહોર ષડ્‌યંત્ર મામલામાં, મોહન રાકેશ, કિશોર નામાદાસ અને મોહિત મોઇત્રા આર્મ્સ ઍક્ટ કેસમાં સજા મળેલી તેઓ સામેલ હતા.

આર.વી.આર. મૂર્તિ અનુસાર ત્રણેનું મૃત્યુ બળજબરીથી ભોજન ખવડાવવાના કારણે થયું. જબરજસ્તી ખાવાનું ખવડાવવાની કોશિશમાં એમનાં ફેફસાંમાં દૂધ જતું રહ્યું, જેના પરિણામે એમને ન્યૂમોનિયા થઈ ગયો અને એનાથી એમનું મૃત્યુ થયું. એમના મૃતદેહોને પથ્થરો બાંધીને દ્વીપની આસપાસના પાણીમાં ડુબાડી દેવામાં આવ્યા.

line

જાપાનનો આંદમાન દ્વીપો પર કબજો

જાપાને માર્ચ 1942માં આંદમાનના દ્વીપો પર કબજો કરી લીધો.

ઇમેજ સ્રોત, SUMRAN PREET

ઇમેજ કૅપ્શન, જાપાને માર્ચ 1942માં આંદમાનના દ્વીપો પર કબજો કરી લીધો.

ઈ.સ. 1941માં એક ભયાનક ભૂકંપ આવ્યો, ત્સુનામી આવી હશે પરંતુ જાનમાલના નુકસાનના આંકડા ઉપલબ્ધ નથી.

જાપાને માર્ચ 1942માં આંદમાનના દ્વીપો પર કબજો કરી લીધો. ત્યાર બાદ સેલ્યૂલર જેલમાં પછીથી પકડાયેલા બ્રિટિશ, બ્રિટનના સંદિગ્ધ ભારતીય સમર્થકો અને પછી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સના સભ્યોને કેદ કરવામાં આવ્યા.

એન. ઇકબાલસિંહે લખ્યું છે કે, 30 જાન્યુઆરી, 1944ના રોજ જાપાનીઓએ 44 સ્થાનિક કેદીઓને સેલ્યૂલર જેલમાંથી બહાર કાઢ્યા અને ટ્રકોમાં હમ્ફ્રીગંજ લઈ ગયા, જ્યાં પહેલેથી એક ખાડો ખોદેલો હતો.

એ લોકોને અંગ્રેજો માટે જાસૂસી કરવાની શંકાના આધારે ગોળીઓથી વીંધી નાખીને એમના મૃતદેહોને લાતો મારીને એ ખાડામાં ફેંકી દેવાયા અને ઉપર માટી નાખીને ખાડાને પૂરી દીધો.

જ્યારે ભોજનના સીધા-સામાનને તકલીફ પડવા લાગી ત્યારે જાપાનીઓએ ઘરડા અને એવા કેદીઓથી મુક્તિ મેળવી લેવાનો નિર્ણય કર્યો જે કામ કરવા સક્ષમ નહોતા.

ડેવિડ મિલર અનુસાર 13 ઑગસ્ટ, 1945ના રોજ 300 ભારતીયને 3 નાવમાં બેસાડીને એક નિર્જન ટાપુ પર લઈ જવાયા. જ્યારે હોડીઓ સમુદ્રકિનારાથી ઘણી દૂર હતી ત્યારે એ કેદીઓને સમુદ્રમાં કૂદવા મજબૂર કરવામાં આવ્યા.

એમાંથી લગભગ એક તૃતીયાંશ જેટલા ડૂબી ગયા અને જેઓ કિનારા સુધી પહોંચી શક્યા તેઓ ભૂખના લીધે મૃત્યુ પામ્યા. છ અઠવાડિયાં પછી બ્રિટિશ રાહતકર્મીઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે માત્ર 11 કેદી જીવતા હતા.

બીજા દિવસે 800 કેદીઓને બીજા એક નિર્જન ટાપુ પર લઈ જવાયા, જ્યાં એમને કિનારે છોડી દેવાયા.

19 જાપાની સૈનિકો કિનારે આવ્યા અને એમાંના દરેકે ગોળી મારી કે બટ માર્યા. પછીથી સૈનિકદળો બધા મૃતદેહોને બાળવા અને દફનાવવા આવ્યાં.

ઑક્ટોબર 1945માં જાપાનીઓએ સંયુક્ત સેનાની સામે હથિયાર નાખી દીધા (યુદ્ધબંધી) અને આ દ્વીપો ફરીથી અંગ્રેજોના કબજામાં આવી ગયા. આ વખતે પીડિતોમાં જાપાની પણ સામેલ હતા.

બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયા પછી, જાપાને હથિયાર હેઠાં મૂક્યાંના એક મહિના પછી, અંગ્રેજોએ 7 ઑક્ટોબર, 1945એ સજા આપવા માટે બનાવેલી આ વસાહત બંધ કરી દીધી અને કેદીઓને ભારતના વિભિન્ન ભાગોમાં આવેલી જેલોમાં મોકલી દીધા.

રેકૉર્ડ અનુસાર, ઈ.સ. 1860થી લગભગ 80 હજાર ભારતીયોને સજાના ભાગરૂપે આંદમાન મોકલવામાં આવ્યા. સ્વતંત્રતાના દીવાનાઓની સૌથી વધારે સંખ્યા બંગાળ, પંજાબ અને મહારાષ્ટ્રમાંથી હતી. મોટા ભાગે તેઓ હિન્દુ, શીખ અને મુસલમાન હતા અને બધી જાતિ અને સમુદાયના હતા.

1857ની આઝાદીની લડાઈની યાદમાં ભારત અને પાકિસ્તાનમાં શતાબ્દી સમારોહ ઊજવાયા. એ અવસરે વિદ્રોહી, કદાચ સાહિર લુધિયાનવીએ કહેલું કે 'બ્રિટને આઝાદીની લડાઈમાં કત્લેઆમ માટે માફી નહીં તો કંઈ નહીં પણ કાળા પાણીના અત્યાચારો કરવા બદલ ઉપમહાદ્વીપના લોકોની જરૂર માફી માગવી જોઈએ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ