મૃતદેહોને વર્ષો સુધી ઘરમાં સાચવી રાખવાનો વિચિત્ર રિવાજ શું છે?

- લેેખક, સહર ઝેન્ડ
- પદ, બીબીસી સુલાવેસી
આપણને મૃત્યુ વિશે વાત કરવાનું ગમતું નથી, પણ કેટલાક લોકો તેની જ વાતો કરતા હોય છે. ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારમાં મૃતક સ્વજનો એ રોજબરોજના જીવનનો હિસ્સો છે.
ચેતવણી: કેટલીક તસવીરો વાચકોને વિચલિત કરી શકે તેવી છે
રૂમમાં કોઈ ફર્નિચર નથી, દીવાલો પર લાકડાની પેનલો લગાવેલી છે અને થોડી તસવીરો લટકાવેલી છે. રૂમમાં વાતચીતના અવાજો આવી રહ્યા છે અને કૉફીની સુગંધ પણ ફેલાયેલી છે. સમગ્ર પરિવારના લોકો અને સગાંવહાલાં અહીં એકઠાં થયેલાં છે.
એક મહેમાને પૂછ્યું "તમારા પિતા કેમ છે?" અને તે સાથે સૌનો મૂડ બદલાઈ ગયો. સૌ કોઈ રૂમના એક ખૂણે એક રંગબેરંગી પલંગ પર સૂઈ રહેલા વૃદ્ધ તરફ જોવા લાગ્યા.
વૃદ્ધની દીકરી મામક લીસાએ શાંતિથી જવાબ આપ્યો, "હજીય તબિયત સારી નથી."
મામક લીસા હસતાં હસતાં ઊભા થયા અને પથારી પાસે ગયા. તેમને જરાક ઢંઢોળીને કહ્યું, "બાપુ તમને મળવા કેટલાક લોકો આવ્યા છે - આશા રાખું છું તમે ગુસ્સે નહીં થાવ કે અકળાશો નહીં."
તે પછી તેમણે મને અંદર આવવા ઈશારો કર્યો અને કહ્યું કે પાઉલો સિરિન્ડાને મળો.


- મૃત્યુ પામેલી વ્યક્તિને ઘરમાં જ સાચવી રાખવાની વાત બહારના લોકોને આંચકાજનક લાગશે
- મામક લીસાએ બાળકોને કહ્યું, "ચૂપ... દાદાને હેરાન ના કરો. તેઓ સૂતા છે. તમારા પર ગુસ્સે થશે."
- પરંપરાગત રીતે મૃતદેહને સાચવી રાખવા માટે ઔષધીઓનો લેપ પણ તેના પર કરવામાં આવે છે, હવે જોકે ફોર્માલીન જેવા કેમિકલનું ઇન્જેક્શન પણ આપવામાં આવે છે
- તોરાજન લોકો મૃત્યુ પછી ખર્ચાળ વિદાય આપવામાં આવે તે માટે જ બચત કરતા હોય છે, અંતિમવિધિમાં સામાન્ય રીતે વાર્ષિક આવક હોય તેના કરતાં દસ ગણો વધારે ખર્ચ થાય છે
- તોરાજનમાં જમીનમાં દાટવાની વિધિ નથી થતી, તેના બદલે પરિવાર માટેની કબરો બની હોય તેમાં અથવા ગુફાઓમાં મૃતદેહોને રાખી દેવામાં આવે છે
- 1950ના દાયકા સુધીમાં મિશનરીઓને ખ્યાલ આવ્યો કે આ લોકોને વટલાવવા હોય તો તેમના જૂના રિવાજો ચાલુ રાખવા દેવા પડશે

"ચૂપ... દાદાને હેરાન ના કરો, તેઓ સૂતા છે"

હું પથારીને જ તાકી રહ્યો. પાઉલો સિરિન્ડા બિલકુલ સ્થિર હતા, ઝાંખાં ચશ્માં પાછળ દેખાતી તેમની આંખ મટકું પણ મારી રહી નહોતી. ચામડી ફિક્કી અને ભૂખરી થઈ ગયેલી લાગતી હતી અને જંતુઓ ખાઈ ગયા હોય તેવી રીતે કાણાં પડેલાં હતાં. બાકીનું શરીર ઘણાં બધાં કપડાંથી ઢંકાયેલું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હું આ રીતે તાકી રહ્યો હતો ત્યારે તેમનો પૌત્ર રમતો રમતો રૂમમાં આવ્યો અને મને ફરી વાસ્તવિકતામાં લાવી દીધો.
તેમણે બાળસહજ આશ્ચર્યથી પૂછ્યું, "દાદા કેમ સૂતા જ રહે છે?" બીજા એક બાળકે કહ્યું "દાદા, ચાલોને આપણે જમવા બેસીએ!"
મામક લીસાએ બાળકોને કહ્યું, "ચૂપ... દાદાને હેરાન ના કરો. તેઓ સૂતા છે. તમારા પર ગુસ્સે થશે."
નવાઈની વાત એ છે કે અહીં સૂતેલા પાઉલો સિરિન્ડા છેલ્લાં 12 વર્ષથી મૃતક છે - પણ તેમના પરિવારને લાગે છે કે તેઓ જાણે હજીય જીવતા છે.
આ રીતે મૃત્યુ પામેલી વ્યક્તિને ઘરમાં જ સાચવી રાખવાની વાત બહારના લોકોને આંચકાજનક લાગશે, પરંતુ આ દુનિયામાં આ વિસ્તારમાં એવા લાખો લોકો છે, જેમના માટે આ સહજ છે.
પૂર્વ ઇન્ડોનેશિયાના સુલાવેસી વિસ્તારના તોરાજા પ્રદેશમાં કુટુંબ મરણ પામેલા સ્વજનને આ રીતે સદીઓથી સાચવતા આવ્યા છે. અહીં આ ભવ અને પરભવ વચ્ચેનો ભેદ રહેતો નથી અને મૃતક પણ વર્તમાન જીવનનો હિસ્સો બનીને રહે છે.

મૃત પિતાની ઘરમાં હાજરી

પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તે પછી મહિનાઓ સુધી કે ક્યારેય વર્ષો સુધી તેમની અંતિમવિધિઓ કરવામાં આવતી નથી. આ સમયગાળામાં મૃત શરીરને ઘરમાં જ સાચવી રાખવામાં આવે છે અને જાણે તે બીમાર છે તે રીતે કાળજી લેવામાં આવે છે.
દિવસમાં બે વાર તેની પાસે ભોજન તથા પીણું અને સિગારેટ પણ રાખવામાં આવે છે. તેમના શરીરને નવરાવામાં પણ આવે છે અને નિયમિત વસ્ત્રો પણ બદલવામાં આવે છે.
મૃતક વ્યક્તિઓ હાજતે જઈ શકે તે માટે વાસણ પણ રૂમમાં રાખી મૂકવામાં આવે છે. મૃતદેહને એકલો પણ ક્યારેક રાખવામાં આવતો નથી અને રાત્રે પણ સતત લાઇટ ચાલુ રાખવામાં આવે છે.
પરિવારના લોકો એવું માને છે કે સારી રીતે દેખભાળ કરવામાં નહીં આવે તો ઉપર જતા રહેલા પિતૃઓ તેમને હેરાન કરશે.
પરંપરાગત રીતે મૃતદેહને સાચવી રાખવા માટે ઔષધીઓનો લેપ પણ તેના પર કરવામાં આવે છે. હવે જોકે ફોર્માલીન જેવા કેમિકલનું ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. તેના કારણે રૂમમાં કેમિકલની તીવ્ર વાસ પણ આવતી હોય છે.
પિતાના ગાલે પ્રેમથી હાથ ફેરવીને મામક લીસા કહે છે કે તે હજીય પિતા સાથે લાગણીથી જોડાયેલી છે.
તેઓ કહે છે, "અમે બધા ખ્રિસ્તી છીએ તો પણ સગાંઓ અમને ફોન કરીને ખબર પૂછતા હોય છે કે ક્યારેય ખબર કાઢવા રૂબરૂ મળવા પણ આવતા હોય છે. તેનું કારણ એ કે અમે હજીય માનીએ છીએ કે તેઓ જીવે છે અને તેઓ આપણને સાંભળી શકે છે."
આપણે સામાન્ય રીતે સમજતા હોઈએ છીએ તે રીતે અહીં મૃતક વિશે કોઈને કશો ભય દેખાતો નહોતો.
થોડાં વર્ષો પહેલાં મારા પિતાનું અવસાન થયું હતું તે પછી તરત જ તેમની દફનવિધિ કરી દેવામાં આવી હતી. આજ સુધી મને તેમના અવસાનના આઘાતમાંથી મુક્તિ મળી નથી.
મારી નવાઈ વચ્ચે લીસાએ મને કહ્યું કે પિતા ઘરમાં હાજર હોવાના કારણે દુખ સહન કરવું સહેલું બને છે. તેનાથી શોકને ઓછો કરવાનો સમય મળી જાય છે અને ધીમે ધીમે મૃત્યુની સ્થિતિનો સ્વીકાર કરી શકાય છે.

ભવ્ય અંતિમયાત્રા

તોરાજન લોકો મહેતન કરીને કમાણી કરતા હોય છે અને ધનનો સંચય કરતા હોય છે. વૈભવી રીતે જીવવા ખર્ચ કરવાના બદલે અંતિમ વિદાય સારી રીતે લેવા માટે બચત કરતા હોય છે.
પરિવાર સિરિન્ડાને આખરી વિદાય આપવા માટે તૈયાર થાય ત્યાં સુધી આ રીતે તેમના મૃતદેહને સાચવી રાખવામાં આવે છે. પરિવારે ભાવનાત્મક રીતે અને આર્થિક રીતે પણ તે માટે સજ્જ થઈ જવાનું છે. પૂરતા પૈસા થઈ જશે પછી ભવ્ય રીતે તેમની અંતિમયાત્રા કાઢવામાં આવશે અને તેમને ધામધૂમથી આખરી વિદાય આપવામાં આવશે.
તોરાજન લોકો માને છે કે અંતિમ ક્રિયા પછી આત્મા આખરે ધરતી છોડે છે અને તે પછી મૃત્યુ બાદનું જે જીવન હોય છે તે પૂયામાં લાંબી યાત્રાએ નીકળે છે. અહીં આત્મા ફરી જન્મ છે. બીજા જન્મમાં ભેંસ પર સવાર થઈને જવાનું હોય છે તેવી માન્યતા હોય છે અને તેથી પરિવાર શક્ય હોય તેટલી વધારે ભેંસોનું બલિદાન આપે છે.
તોરાજન લોકો મૃત્યુ પછી આ રીતે ખર્ચાળ વિદાય આપવામાં આવે તે માટે જ બચત કરતા હોય છે.
એક વાર નાણાં જમા થઈ જાય તે પછી સગાંઓને અને પરિચિતોને આમંત્રણ આપવામાં આવે છે. મૃતક જીવતો હોય ત્યારે જેટલો વધારે પૈસાદાર હોય તેટલી વધારે ભવ્ય રીતે અંતિમવિધિઓ કરવામાં આવે છે.
મેં ડેન્જેન નામની એક વ્યક્તિની અંતિમવિધિમાં હાજરી આપી હતી, જેમનું એકાદ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ડેન્જન ધનિક અને વગદાર માણસ હતા. તેમની અંતિમવિધિઓ ચાર દિવસ સુધી ચાલી હતી અને તેમની પાછળ 24 ભેંસો અને સેંકડો ભૂંડના બલિ આપવામાં આવ્યા હતા. બાદમાં તેમનું માંસ મહેમાનોને વહેંચવામાં આવ્યું હતું.
મહેમાનોએ તેમના નવા અવતારની એ રીતે ખુશી મનાવી હતી. તેમના પુત્રે મને જણાવ્યું કે અંતિમ વિધિ પાછળ $50,000 ડૉલરથી વધારેનો ખર્ચ થયો હતો. સામાન્ય રીતે વાર્ષિક આવક હોય તેના કરતાં દસ ગણો વધારે ખર્ચ થયો હતો.
આ રીતે કોઈની અંતિમવિધિમાં ધામધૂમ થાય, નૃત્ય સાથે ગીતસંગીત હોય અને મિજબાની હોય તે જોઈને નવાઈ લાગતી હતી. મારા પિતાની અંતિમવિધિ સાથે સરખામણી કરી તો નવાઈ લાગે. મારા પિતાની અંતિમવિધિ સાદગીથી કરવામાં આવી હતી અને તેમાં નીકટનાં સગાંઓ જ હાજર રહ્યા હતા. તે દિવસની ગમગીન યાદ મારી સાથે રહી ગઈ છે. તેની સામે ડેન્જેનના પરિવાર માટે આ યાદગાર ઉજવણી બની રહી હતી.

ગુફાઓમાં મૃતદેહોને રાખી દેવામાં આવે છે

તોરાજનમાં જમીનમાં દાટવાની વિધિ નથી થતી. તેના બદલે પરિવાર માટેની કબરો બની હોય તેમાં અથવા ગુફાઓમાં મૃતદેહોને રાખી દેવામાં આવે છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ગુફાઓનો ઉપયોગ થાય છે.
ગુફા પણ પરભવ સાથેનું એક જોડાણ ગણાય છે. ઘણી વાર બહુ લાંબી ગુફાઓ પણ હોય છે અને તેની અંદર અસંખ્ય હાજપિંજરો સચવાયેલા હોય છે. અહીં પણ પરિવારના લોકો અને મિત્રો આવતા રહે છે અને સ્વજનને ગમતી વસ્તુઓ પૈસા અને સિગારેટ સહિતની વસ્તુઓ લાવીને મૂકતા રહે છે.
ભૂતકાળમાં ઉમરાવ વર્ગના લોકોના અવસાન પછી લાકડામાં તેમની પ્રતિમાઓ કોતરવામાં આવતી. તેને વસ્ત્રાદિ તથા ઘરેણાંથી શણગારવામાં આવતી. માથે વાળ પણ લગાડવામાં આવતા. આવી પ્રતિમા બનાવવા પાછળ $1,000 ડૉલરથી વધુનો ખર્ચ કરાતો.
આ રીતે અંતિમવિધિ પછીય તેની સાથેનો નાતો તૂટી ગયેલો મનાતો નથી. વર્ષો સુધી કૉફિનને બહાર કાઢીને તેની સફાઈ કરવાની વિધિઓ પણ થતી રહી છે. એ રીતે વિદાય લેનારા વડીલો સાથેનો નાતો જાળવી રાખવામાં આવે છે.
આવા પ્રસંગે મિત્રો અને સ્નેહીઓ ભોજન અને સિગારેટ લઈને આવતા હોય છે અને મૃતદેહને સજાવતા હોય છે. હવે તો તેની સાથે ફોટા પણ પડાવવામાં આવે છે.
તોરાજન સમાજના સમાજશાસ્ત્રી એન્ડી તેન્ડી લોલો કહે છે આ "જીવંત વ્યક્તિઓ અને મૃતક વ્યક્તિઓ વચ્ચે સામાજિક કડી જાળવી રાખવાનો એક પ્રયાસ છે".
રવિવારે ચર્ચમાં પ્રાર્થના પછી તોરાજન ગામના લોકો સાથે અમે સૌ એક નાની ચોરસ ઈમારતમાં પહોંચ્યા, જેના પર ઓરેન્જ ટાઇલ્સ લગાવેલી હતી અને બારીઓ નહોતી. એક પરિવારની આ કબર હતી. અહીં કેટલીક સ્ત્રીઓ રડી રહી હતી અને તેની સાથે કેટલાક લોકો મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા તેનાથી અનોખો માહોલ ઊભો થયો હતો.
ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા મારિયા સોલો માટેની અંતિમક્રિયા પછીની વિધિ માટે સૌ એકઠા થયા હતા. અત્યારે તેઓ 93 વર્ષના થયા છે એમ સગાંઓ કહેતા હતા. એક વર્ષ પહેલાં આ કબરમાં તેમને રખાયા હતા અને હવે બહાર આવવા માટેનો તેમનો સમય થઈ ગયો હતો.

પથ્થરની મૂર્તિ જેવું શરીર

પુરુષો અંદરથી સોના અને ચાંદીની સજાવટ કરેલું કૉફિન લઈ આવ્યા. તેની ઉપર પરિવારના લોકોએ મારિયાને ગમતી વસ્તુઓ ધરી - કોકોનાં પાંદડાં, સિગારેટ વગેરે. કોફિન ખોલતા પહેલાં હજી એક વિધિ કરવાની બાકી હતી અને તે હતી ભેંસનો બલિ દેવાની.
તે પછી કૉફિન ખોલવામાં આવ્યું અને તેમાંથી મસ્ક અને ફોર્માલિનની ગંધ ફેલાણી. અંદર વૃદ્ધાનો મૃતદેહ હતો. કોઈ પથ્થરની મૂર્તિ હોય તેવું શરીર હવે થઈ ગયું હતું.
આવી સ્થિતિમાં માતાના મૃતદેહને જોવાથી સંતાનોને કેવી લાગતું હશે? તેમના સૌથી મોટા પુત્ર વેપારી છે અને રાજધાની જાકાર્તામાં રહે છે. તેઓ બહુ શાંત દેખાતા હતા.
તેઓ કહે છે કે એમાં કશું એવું લાગતું નથી અને તેમને યાદ આવી જાય છે કે તેમની માતા કેટલાં શાંત હતાં. તેઓ કેટલાં પ્રેમાળ હતાં તે યાદ આવે છે. સિરિન્ડાના પરિવારની જેમ જ મારિયા સોલોના સગાંઓ પણ સ્વજન મૃત્યુ પામ્યા છે તે રીતે નહીં, પણ હજીય જીવે છે તેવી રીતે વર્તમાન કાળમાં જ વાત કરતા હોય છે.
એક વાર આ રીતે શબને કૉફિનને બહાર કાઢવામાં આવે તે પછી સૌ હળવાશ અનુભવે છે. મારિયા સોલોના એક મહેમાને મને કહ્યું કે આ રીતે મરણ પામેલી વ્યક્તિની યાદો જીવંત થાય છે અને તેમના મૃત્યુનો શોક દૂર થાય છે.
મેં તેમને જણાવ્યું કે મારે આવી સ્થિતિમાં મારા પિતાનો મૃતદેહ જોવાનું આવે તો મુશ્કેલ થાય, કેમ કે હું તેમને તેઓ જીવતા હતા ત્યારે કેવા હતા તે રીતે યાદ કરવા માગું છું. તેમણે કહ્યું કે એનાથી કશો ફેર પડતો નથી અને પરિવાર તેમને યાદ કરતા રહે છે.

વડવાઓને યાદ કરવાનો વિચિત્ર રિવાજ

પરિવારના સૌએ મારિયાને જોઈ લીધા અને તસવીરો પણ લઈ લીધી તે પછી ફરી તેમને નવાં વસ્ત્રોમાં હોય તેવી રીતે સફેદ વસ્ત્રથી ઢાંકી દેવાયા.
ઘણાં ગામોમાં એવો રિવાજ હોય છે કે વસ્ત્રો પણ બદલવામાં આવે છે અને મૃતદેહ સાથે ગામમાં ફેરો મારવામાં આવે છે.
જોકે તેવો રિવાજ હવે ઓછો થતો જાય છે. હાલમાં 80% જેટલા તોરાજન લોકોએ જૂના જમાનાના રિવાજોને પાળવાનું બંધ કરી દીધું છે. તેમનો પ્રાચીન ધર્મ આલુક ટો ડોલો તરીકે ઓળખાતો, પણ હવે તે સૌ ખ્રિસ્તી બની ગયા છે. તેથી હવે રિવાજો ભૂંસાઈ રહ્યા છે.
જોકે ખ્રિસ્તી ધર્મ અને આલુક ટો ડોલો સાથે સાથે ચાલતા રહ્યા છે.
લોલો કહે છે કે ડચ મિશનરીઓ એક સદી પહેલાં અહીં આવ્યા ત્યારે તેમણે આ જૂના રિવાજો પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે 1950ના દાયકા સુધીમાં મિશનરીઓને ખ્યાલ આવ્યો કે આ લોકોને વટલાવવા હોય તો તેમના જૂના રિવાજો ચાલુ રાખવા દેવા પડશે.
દુનિયાના બીજા ભાગોમાં આવા રિવાજને બહુ વિચિત્ર ગણવામાં આવશે, પણ તેની પાછળનો વિચાર બહુ જુદો નથી.
બીજી સંસ્કૃતિઓમાં પણ વડવાઓને યાદ કરવાનો રિવાજ છે. આપણે પણ પૂર્વજોને યાદ કરતા રહેતા હોઈએ છીએ. તોરાજન લોકો ફક્ત અનોખી રીતે તેમની સાથેનો નાતો જાળવી રાખવા કોશિશ કરે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













