'હાથકડી પહેરાવીને મારતા', થાઇલૅન્ડમાં નોકરીના બહાને મ્યાનમાર મોકલી દેવાયેલા ગુજરાતી યુવાનની આપવીતી

ઇમેજ સ્રોત, Dilip Mori
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
"હું સપ્ટેમ્બર મહિનામાં દુબઈ ગયો હતો. ત્યાં ત્રણ મહિના રહ્યો અને થાઇલૅન્ડમાં સારી નોકરીના બહાને મારા એજન્ટે મને મ્યાનમાર મોકલી દીધો. ત્યાં અમને એક રૂમમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને લોકોને બ્લૅકમેલ કરવાનું કામ સોંપવામાં આવ્યું."
"જો અમને આપેલો ટાર્ગેટ પૂરો ન થાય તો પુશ-અપ્સ કરાવતા હતા. મારી સાથે ઉત્તર પ્રદેશના બે છોકરા હતા. તેમને અવારનવાર હથકડી પહેરાવીને દંડાથી મારતા હતા."
આ શબ્દો છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં રહેતાં નીરવ બામરોટિયાના.
નીરવને 20 ફેબ્રુઆરીએ જ મ્યાનમારથી માદરે વતન પાછો લાવવામાં આવ્યા છે. છેલ્લા છ મહિના તેમના માટે રોમાંચક તેમજ અત્યંત ડરામણા રહ્યા હતા.

'મહિને હજાર ડૉલર પગાર અને રહેવા-જમવાનું કંપની તરફથી'

નીરવ નોકરી માટે અમદાવાદના એક એજન્ટ મારફતે 14 સપ્ટેમ્બરે ગુજરાતથી દુબઈ ગયા હતા.
આ વિશે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું, "અમદાવાદના એજન્ટ સોહમ પંડ્યા મારફતે હું દુબઈ ગયો હતો. ત્યાં મને તેનો જ એક માણસ ઇરફાન લેવા આવ્યો હતો."
તેમણે આગળ કહ્યું, "હું ત્રણ મહિના જેટલો સમય દુબઈ રહ્યો. આ દરમિયાન એક દિવસ ઇરફાને મને પૂછ્યું કે થાઇલૅન્ડમાં એક સારી નોકરી છે. શું મારે ત્યાં જવું છે? આ વિશે તેણે મારા પરિવાર સાથે પણ વાત કરી અને તેમની સહમતિ બાદ મેં તૈયારી દર્શાવી એટલે તેણે આગળની પ્રક્રિયા હાથ ધરી."
ઇરફાને કરેલા વાયદા અંગે નીરવ જણાવે છે, "તેણે મને મહિને એક હજાર ડૉલર પગાર તેમજ કંપની તરફથી રહેવાની અને જમવાની વ્યવસ્થા હોવાનો વાયદો કર્યો હતો. જોકે, થાઇલૅન્ડની જગ્યાએ મને મ્યાનમાર મોકલી દીધો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
12 ડિસેમ્બર 2022ના રોજ તેમને દુબઈથી મ્યાનમારના યાંગોન મોકલવામાં આવ્યા હતા. જ્યાં 15 દિવસ માટે તેમને એક હૉટલમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં તેમને ત્યાંથી ચાઇટૉન્ગ લઈ જવાયા હતા.

'દોઢસો કિલોમિટરની દુર્ગમ યાત્રા'

ઇમેજ સ્રોત, Getty Images
નીરવના કહેવા પ્રમાણે ચાઇટૉન્ગમાં તેમને ભયાનક અનુભવ થયો હતો. આ વિશે વાત કરતા તેઓ કહે છે, "અમે ત્યાંથી આગળ જઈ રહ્યા હતા, ત્યારે અમને રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે આગળ ફાયરિંગ થઈ રહ્યું છે, જેથી આગળ નહીં જવાય."
"થોડી વારમાં એક વ્યક્તિ અમારી પાસે આવ્યો અને તેણે ઇમીગ્રેશન ઑફિસર તરીકેની ઓળખ આપીને અમને પાછા લઈ જઈ રહ્યો છે તેમ કહ્યું. તેણે પોતાનું આઈડી કાર્ડ પણ બતાવ્યું અને સાથે જ અમારી પાછા આવવાની ટિકિટો પણ બતાવી."
આ જોઈને નીરવ અને તેમની સાથેના અન્ય લોકોને ભરોસો બેઠો અને રાહત પણ થઈ. તેઓ તેની સાથે ગાડીમાં બેસી ગયા. પણ તેમને ખ્યાલ નહોતો કે આ રાહત લાંબો સમય રહેવાની નથી.
આગળની યાત્રા વિશે નીરવ જણાવે છે, "અમને એરપૉર્ટ જવાનું કહીને તેણે અમને ગાડીમાં બેસાડ્યા અને 60-70 કિલોમિટર દૂર લઈ ગયો. એ બર્મીઝ ભાષામાં વાત કરતો હતો, જેથી તે કંઈ પણ બોલે તેની અમને ખબર પડતી નહોતી. પૂરઝડપે ગાડી ચલાવીને તે અમને એક નદીકિનારે લઈ ગયો હતો. જ્યાં અમને નીચે ઉતારી દીધા હતા."
"ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ અમારો સામાન ઉતાર્યો અને અમને તેમની સાથે એક બૉટમાં બેસાડીને નદીને પાર લઈ જવાયા."
ત્યાં પણ તેમની યાત્રા પૂરી થઈ નહોતી. નીરવના કહેવા પ્રમાણે, ત્યાંથી તેમને અને ઉત્તર પ્રદેશના અન્ય બે યુવાનોને અલગઅલગ બાઇક પર અંદાજે 80 કિલોમિટર દૂર લઈ જવામાં આવ્યા હતા. સુધી તેમને ખ્યાલ જ નહોતો કે તેઓ અહીં કેમ આવ્યા છે અને તેમણે અહીં કરવાનું શું છે?

'પુશ-અપ્સ કરાવતા, દંડાએ મારતા'

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લે તેમને જ્યાં લઈ જવામાં આવ્યા એ વિશે નીરવને એક જ વસ્તુ યાદ છે. જે વિશે તેઓ કહે છે, "અમે લોકો જ્યાં હતા, ત્યાંથી ચીન માત્ર આઠ કિલોમિટર દૂર હતું."
ત્યાં નીરવ સિવાય ઉત્તર પ્રદેશના બે યુવકો અને નેપાળના એક યુવક સહિત કુલ આઠ લોકો હતા. ત્યાં તેમની પાસેથી છોકરા-છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને પૈસા પડાવવાનું કામ કરાવવામાં આવતું હતું.
નીરવે જણાવ્યું, "અમને રોજ પાંચ લોકોનો ટાર્ગેટ આપવામાં આવતો હતો. અમારે તેમને ફોન કરીને ફસાવ્યા બાદ તેમની પાસેથી પૈસા પડાવવાના હતા અને તાત્કાલિક તેમને બ્લૉક કરવાના હતા. જો અમે ટાર્ગેટ પૂરો ન કરીએ તો અમને માર મારવામાં આવતો."
તેમને અને તેમની સાથેના લોકો પર ગુજારવામાં આવેલી યાતનાઓ વિશે તેઓ કહે છે, "જો અમારો ટાર્ગેટ પૂર્ણ ન થાય તો અમારી પાસે પુશ-અપ્સ કરાવતા હતા. આ સિવાય દંડા વડે પણ મારતા હતા. મારી સાથે જે યુપીના બે છોકરા હતા, તેમને અવારનવાર હાથકડીઓ પહેરાવીને દંડાથી મારતા. તેઓ છોકરા-છોકરીમાં ભેદ રાખ્યા વગર ટૉર્ચર કરતા હતા અને પગાર પણ આપતા ન હતા."
"ત્યાં શાકાહારી અને માંસાહારી એમ બંને પ્રકારના ભોજન મળી રહેતા હતા પણ પગાર નહોતો મળતો અને અસહ્ય ટૉર્ચર થતું હતું."

બચાવ કેવી રીતે થયો?

ઇમેજ સ્રોત, Getty Images
ટૉર્ચરથી કંટાળીને નીરવે સૌથી પહેલાં પોતાના એજન્ટને ફોન કર્યો હતો. એજન્ટે તેમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢવાની બાંહેધરી આપી. જોકે, નીરવના કહેવા મુજબ ગણતરીની મીનિટોમાં જ તેઓ જ્યાં કામ કરતા હતા, તે જગ્યાના માલિકે આવીને તેમનો ફોન ઝૂંટવી લીધો હતો.
આ વિશે નીરવ જણાવે છે, "તેમણે મારો ફોન લઈ લીધો એના પરથી એજન્ટ અને તેમની વચ્ચે સાંઠગાંઠ હોય તેમ લાગે છે પણ બાદમાં મને કંપનીએ જે ફોન આપ્યો હતો તેનાંથી મેં મારા પરિવાર સાથે સંપર્ક કરવાનો શરૂ કર્યો."
નીરવના પિતા જગમાલભાઈને આ અંગે જાણ થતા તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તેની નોંધ લીધી.
રાજ્યના ગૃહવિભાગે આ મામલે ભારત સરકારના ઇમિગ્રેશન વિભાગને જાણ કરી અને તેમણે મ્યાનમારના ઇમિગ્રેશનવિભાગ સાથે સંકલન કરીને યાંગોન ખાસે ફસાયેલા નીરવ સહિત કુલ આઠ લોકોને બચાવી લીધા.
યાંગોન ખાતેથી બચાવી લેવાયા બાદ નીરવને 19મી ફેબ્રુઆરીએ યાંગોનથી કોલકાતા અને ત્યાંથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ છ મહિના બાદ પોતાના પરિવારને પાછા મળ્યા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













