વડોદરા : પુત્રની અંતિમવિધિ કરી, ફોટો પર હાર ચઢાવ્યો અને દીકરો જીવતો ઘરે આવ્યો

ઇમેજ સ્રોત, giocalde
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
બે મહિનાથી ગુમ પુત્રનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ જોવો, પોતાના હાથથી તે મુખાગ્નિ આપવો, પુત્રવધુની બંગડીઓ તોડવી અને પુત્રના ફોટા પર હાર ચઢાવવો એક બાપ માટે ઘણી કપરી બાબત છે. પણ આ કરુણાંતિકામાં યુટર્ન આવે તો?
એ પણ ત્યારે જ્યારે બેસણાના એક દિવસ પહેલાં પુત્ર જીવતો ઘરે આવે.
આ કોઈ ફિલ્મકહાણી નથી. આ સત્યઘટના તાજેતરમાં વડોદરા પાસે આવેલા સોમેશ્વર ગામમાં ઘટી હતી.
છૂટક મજૂરીકામ કરીને પોતાના પરિવારને ગુજરાન ચલાવવામાં મદદ કરતા શનાભાઈ સોલંકી સાથે આ કરુણાંતિકા સર્જાઈ હતી.
તેઓ કહે છે, "ટૅક્સી ચલાવતો તેમનો પુત્ર સંજય પોતાની જવાબદારીઓમાંથી નાસી છૂટવામાં માહેર હતો. ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ પણ ન કરતો હતો અને તમામ પૈસા દારુ અને મોજશોખ પાછળ ઊડાવતો હતો."

'ભત્રીજાનો ફોન આવ્યો, કહ્યું - સંજય જેવો જ મૃતદેહ મળ્યો'

ઇમેજ સ્રોત, Bhargav Parikh
શનાભાઈના કહેવા પ્રમાણે તે દારુ પીવાની આદત ધરાવતો હોવાથી અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. જ્યારે પણ ઘરમાં ઝઘડો થાય ત્યારે સંજય ટૅક્સી લઇને ચાલ્યો જતો હતો. તે બે-ત્રણ મહિના બાદ મનફાવે ત્યારે ઘરે આવતો હતો.
તેઓ કહે છે, "છેલ્લા બે મહિનાથી તે ઘરે આવ્યો ન હતો. વારંવાર તે આ પ્રકારે ઘર છોડીને જતો રહેતો હોવાથી અમે તેને શોધવા પણ નહોતા ગયા."
આ વચ્ચે 16 જૂને છાણી પોલીસને એક મૃતદેહ મળ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાણીમાં ડૂબી જવાથી કોહવાયેલી હાલતમાં મળેલા આ મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી. જેથી તેના વાલીવારસોને શોધવા પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો.
શનાભાઈ જણાવે છે, "તે દિવસે હું નજીકમાં આવેલા ગુમાડ ગામે મજૂરી કરવા ગયો હતો. ત્યારે મારા ભત્રીજાનો ફોન આવ્યો. તેણે પોલીસને એક મૃતદેહ મળ્યો હોવાનું કહ્યું અને ફોટો પરથી તે મૃતદેહ સંજય જેવો લાગતો હોવાનું જણાવ્યું."
તેઓ આગળ કહે છે, "આ સાંભળીને મને ફાળ પડી ગઈ. બધુ કામ પડતું મૂકીને હું પોલીસ સ્ટેશન દોડ્યો. પોલીસ મને સરકારી હૉસ્પિટલના કૉલ્ડરૂમમાં લઈ ગઈ."
કૉલ્ડરૂમમાં જોયેલાં દૃશ્ય વિશે તેઓ કહે છે, "ગંધ મારતા એ રૂમમાં મને મૃતદેહ બતાવવામાં આવ્યો. તે એકદમ ફૂલી ગયો હતો. તેનો ચહેરો સંજય જેવો લાગતો હતો, તેનાં કપડાં પણ સંજય જેવાં જ હતાં, ગળામાં પહેરેલું માદળિયું અને ચાવીઓ પણ સંજય જેવાં જ હતાં."

બેસણાની તેયારીઓ ચાલુ હતી અને...
શારીરિક બાંધો, ચાવીઓ અને ગળામાં માદળિયા જેવી સામ્યતાઓને લઈને શનાભાઈ ચોક્કસ થઈ ગયા કે મૃતદેહ સંજયનો જ છે.
તેમણે પોલીસને આ વાત જણાવ્યા બાદ પોસ્ટમૉર્ટમ થયું અને મૃતદેહ શનાભાઈને સોંપવામાં આવ્યો.
શનાભાઈ કહે છે, "મૃતદેહ લઇને અમે ઘરે આવ્યા, અંતિમવિધિની તૈયારી કરી. તેની પત્ની પિયરમાં હતી. તેને બોલાવીને બંગડીઓ તોડાવી, સિંદૂર ભૂંસાવ્યું અને છેલ્લે મૃતદેહને સ્મશાનમાં લઇ જઇને મારા હાથેથી મુખાગ્નિ આપ્યો."
તેઓ આગળ કહે છે, "પુત્ર અને પતિ ગુમાવવાના કારણે મારી પત્ની અને વહુ ઘણું રડ્યા. સંજયની પત્ની ઘેરા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. તે સતત રડ્યા કરતી હતી."
આ વચ્ચે બેસણું યોજવાનો સમય આવ્યો. શનાભાઈએ પુત્ર સંજયના બેસણા માટે એક ફોટો તૈયાર કરાવ્યો. બેસણાના એક દિવસ પહેલાં બધા સંબંધીઓ તેમના ઘરે એકઠાં થયા.
તેઓ ફોટા પર હાર ચઢાવી જ રહ્યા હતા. એવામાં અચાનક ઘરમાં કોઇક આવ્યું અને તે જોઈને સૌ કોઈ ચોંકી ઊઠ્યા.

'ફરવા માટે ગયો હતો, મન થયુ એટલે પાછો આવ્યો'

ઇમેજ સ્રોત, Bhargav Parikh
શનાભાઈ જણાવે છે, "હું સંજયના ફોટાને હાર ચઢાવી રહ્યો હતો. એવામાં એ ખુદ ચાલીને ઘરમાં આવ્યો. તેને જીવતો જોઈને મને ખુશી થઈ કે મૂંઝવણ, એનો મને ખ્યાલ નથી પણ એક પ્રશ્ન જરૂર હતો કે 'મેં મારા હાથે જેના અગ્નિસંસ્કાર કર્યા તે જીવતો કઈ રીતે આવ્યો?'"
તેઓ આગળ કહે છે, "ઘરમાં તેનો ફોટો, વિધવાની જેમ બેસેલી તેની પત્ની અને શોક પાળી રહેલા લોકોને જોઇને તે પણ મૂંઝાયેલો લાગતો હતો."
શનાભાઈએ જ્યારે તે છેલ્લા બે મહિનાથી ક્યાં હોવાનું પૂછ્યું તો સંજયે કહ્યું, "ફરવા માટે આણંદ ગયો હતો. મન થયું કે ઘરે જાઉં તો આજે આવ્યો."
શનાભાઈ કહ્યું કે સંજયે એ વાતને લઇને પણ ઝઘડો કર્યો હતો કે તે બે મહિનાથી ઘરે ન આવ્યો હોવાથી તેમણે અંતિમવિધિ કરીને આવું તરકટ કેમ રચ્યું?

રાત્રે ઘરે રોકાયો, બીજા દિવસે પાછો ભાગી ગયો

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ કેસની તપાસ કરી રહેલા છાણી પોલીસસ્ટેશનના પી.એસ.આઈ કે. એચ. આંબરિયાએ કહ્યું, "જ્યારે એ લોકોએ પાછા આવીને કહ્યું કે અમારો પુત્ર જીવતો ઘરે પાછો આવ્યો છે તો અમને પહેલા તે મજાક લાગી. પછી જ્યારે તેને પોલીસસ્ટેશન લાવ્યા તો તેનો શારિરીક બાંધો, ગળાનું માંદળિયુ અને ચાવીઓ જોઈને ભરોસો થયો કે એ લોકો સાચું જ બોલતા હતા."
તેમણે વધુમાં કહ્યું, "એ લોકોએ જે મૃતદેહનો અંતિમસંસ્કાર કરી દીધો છે, તેના અવશેષો એકઠા કરીને હવે ડીએનએ ટેસ્ટ હાથ ધર્યો છે અને નવેસરથી તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી રહ્યા છે."
આ સમગ્ર ઘટના બાદ પુત્ર વિશે વાત કરતા શનાભાઈ કહે છે, "મારા પુત્રને દારુ પીવાની આદત છે. પોલીસ સમક્ષ હાજર કર્યા બાદ તે રાત્રે ઘરે રોકાયો અને બીજા દિવસે સવારે કોઇને કંઇ પણ કહ્યા વગર પાછો ભાગી ગયો છે."
"મારી પુત્રવધુ પણ પિયર જતી રહી છે. સંજય દારુ પીને પોતાના મિત્રો સાથે ક્યાંક રખડતો હશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














