ભાવનગર : 'દીકરી માટે સોનાની બુટ્ટી અને બ્રેસલેટ લેવા જવું હતું પણ એણે જિંદગી ટૂંકાવી દીધી'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, ARTUR BORZECKI PHOTOGRAPHY

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના એક ગામમાં એક સગીરાએ યુવાનો દ્વારા કથિત સતામણી અને ત્રાસ બાદ આત્મહત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ સગીરાએ નવ ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી.

પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને સંબંધિત કલમ લગાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારી પાસે આ ફરિયાદ આવતાની સાથે જ તાત્કાલિક પોલીસની ટીમ કામે લાગી ગઈ હતી. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખબર પડી કે વરતેજ પાસેની એક હોટલમાં આ લોકો છુપાયા છે, જેના આધારે ટ્રાન્સપૉર્ટનો ધંધો કરતા 25 વર્ષીય વિપુલ જોટાણા ઉર્ફે બિગ બી અને ડ્રાઈવિંગનું કામ કરતા 22 વર્ષીય મહેશ જોટાણા ઉર્ફે પપ્પુ અને એના સાથી હર્ષિલ જોટાણાની ધરપકડ કરી છે."

તેમણે કહ્યું કે "એમના (આરોપી) રિમાન્ડ બાદ બીજી કોઈ સગીરા અથવા મહિલાઓને પરેશાન કર્યા છે કે કેમ એની વિગતો મળતાં વધુ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે એમની સામે આઈપીસીની કલમ 306, 114 ઉપરાંત પોક્સોની કલમ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."

(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. આ સિવાય આસરા વેબસાઇટ અથવા તો વૈશ્વિક સ્તર પર બીફ્રૅન્ડર્સ વર્લ્ડવાઇડ પાસેથી પણ સહયોગ મેળવી શકો છો.)

બીબીસી

'જો એક વાર એણે કહ્યું હોત તો...'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, PRADEEP KUMAR / EYEEM

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પીડિત પરિવારની ગામમાં ખેતી છે અને ભાવનગરમાં હીરા ઘસવાની ઘંટી ચલાવે છે.

પીડિતાના પિતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારા કુટુંબ પર કુદરતનો પ્રકોપ ઊતર્યો હોય એવું લાગે છે. મારા પિતાના નિધન પછી મારાથી મોટા ભાઈ કુટુંબની જવાબદારી ઉપાડતા હતા. એમનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયું. મોટાભાઈના અવસાન પછી મારાં ભાભી દિવસભર ભક્તિ અને સત્સંગ કરીને ઘરકામમાં ધ્યાન આપે છે. એમનાં બાળકોને સારું શિક્ષણ મળે એટલે મારા નાના ભાઈ સાથે મળીને અમે નક્કી કર્યું કે બાળકોનાં સારા શિક્ષણ માટે શહેરમાં જવું એટલે નાનો ભાઈ સુરતમાં સ્થાયી થયો. મેં ખેતી ઉપરાંત હીરા ઘસવાનું કામ પણ શરૂ કર્યું."

તેઓ કહે છે, "છ મહિના પહેલાં મારા નાના ભાઈને કૅન્સર થયું, એની સારવાર કરાવી. મારી દીકરી હર્ષિદા (નામ બદલ્યું છે) 12મું ધોરણ પાસ કરીને એના કાકા સાથે સુરત આગળ ભણવા જવાની હતી. એ ભણવામાં હોશિયાર હતી."

"અમારા સગાંમાં લગ્ન હતાં એટલે દીકરીએ લગ્નમાં પહેરવા એક સોનાનો બ્રેસલેટ અને કાનમાં પહેરવા બુટ્ટી માગ્યાં હતાં. મેં એને કહ્યું કે રવિવારે એની સ્કૂલમાં રજા હોય ત્યારે લેવા જઈશું, પણ મને ખબર નહોતી કે એ અમારા જ ગામના છોકરાને કારણે એ આપઘાત કરશે. જો મારી દીકરીએ એક વાર મને કહ્યું હોત કે ગામના છોકરાઓ એને હેરાન કરે છે તો મેં એનો જીવ બચાવી લીધો હોત."

બીબીસી

'ગામની અન્ય છોકરીઓ પણ પરેશાન હતી'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, MAYUR KAKADE/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પીડિતાના પરિવારનો આરોપ છે કે ગામના કેટલાક છોકરાને લીધે તેમની દીકરીએ આપઘાત કર્યો છે.

હર્ષિદાના કાકાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "હર્ષિદા સ્કૂલે જતી હતી ત્યારે વિપુલ જોટાણા, હર્ષિલ જોટાણા અને મહેશ જોટાણા એને પરેશાન કરતા હતા. અમારા ગામથી ભણવા માટે એસટી બસ અથવા ખાનગી વાહનમાં એમને શિહોર જવું પડતું હતું. એ સમયે આ ત્રણ જણા સ્કૂલે જતી છોકરીઓને હેરાન કરતા. એમને ચિઠ્ઠીઓ લખતા, એમને મોબાઈલ-ફોન પર પરેશાન કરતા અને મૅસેજ અને વૉટ્સઍપ પર હેરાન કરતા હતા."

તેઓ કહે છે, "હર્ષિદાની સાથે નાનપણથી ભણતી રુચા (નામ બદલ્યું છે)ને પણ આવી રીતે આ ત્રણ જણા હેરાન કરતા હતા. તો એના પિતાને એને જાણ કરી. એના પિતા, હું અને મારા આ ગૅંગના હર્ષિલ જોટાણાના ઘરે જઈને એને ફરી હેરાન નહીં કરવાની ચેતવણી આપી પછી રુચાને હેરાન કરવાનું બંધ કર્યું હતું."

તેઓ કહે છે, "હર્ષિદાએ મને ફરિયાદ કરી હતી પણ અમારા ઘરમાં લગ્નપ્રસંગ હતો એટલે મને એમ કે લગ્નપ્રસંગ પછી અમે વિપુલ જોટાણાના ઘરે જઈને ચેતવણી આપીશું, પણ મને ખબર નહીં કે વિપુલ જોટાણાનો એવો ત્રાસ હશે કે એ આપઘાત કરે."

રુચાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે સ્કૂલે જઈએ ત્યારે આ લોકો હેરાન કરતા હતા. કોઈ વખત કાર અને ઘણી વખત મોટર સાઇકલ લઈને આવતા. હર્ષિલ જોટાણા અને વિપુલ જોટાણા એવું કહેતા હતા કે એમની પત્નીઓ આણું વાળી (લગ્ન કરીને પિયર ગયા પછી પરત આવવું)ને પરત નથી આવી, એટલે એ અમારી સાથે લગ્ન કરવાની લાલચ આપતા."

"રસ્તામાં રોકીને ચિઠ્ઠીઓ આપતા. અમે ઘરે જઈએ તો ફોન અને મૅસેજ કરતા હતા. મેં કંટાળીને મારા પિતાને ફરિયાદ કરી હતી. હર્ષિદાએ એના પિતાને વાત ના કરી એના કારણે આ સ્થિતિ સર્જાઈ."

બીબીસી

'પાણીના ટાંકામાંથી મળી આવી'

મહાદેવ પટેલ

ઇમેજ સ્રોત, jalvant dave

ઇમેજ કૅપ્શન, મહાદેવ પટેલ

હર્ષિદાનાં દાદીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારી પૌત્રી હર્ષિદાએ કહ્યું કે એને પેટમાં દુખે છે એટલે હું એના માટે દુકાને સોડા લેવા ગઈ હતી. મને ખબર હોત કે મારી દીકરી આવું કંઈક કરશે તો ઘરની નજીકની દુકાનેથી સોડા લઈને ઝડપથી આવી જાત. ઘરે આવી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો, મેં ખૂબ ખખડાવ્યું પણ દરવાજો ના ખૂલતા સત્સંગમાં ગયેલી મારી વહુને મંદિરેથી બોલાવી અને પછી બધાને બોલાવ્યા."

હર્ષિદાનાં કાકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "એ દરવાજો ખોલતી નહોતી એટલે મેં મારા દિયરને ફોન કર્યો અને અમારા પાડોશીઓએ બાજુના મકાનમાંથી અમારા ઘરમાં જઈ અંદરથી દરવાજો ખોલ્યો ત્યારે એ ઘરમાં ન દેખાઈ ત્યાં સુધીમાં મારા બંને દિયર આવી ગયા હતા. પછી શોધતા ઘરની બહાર પાણીના ટાંકામાં હર્ષિદા મળી આવી. અમે એને હૉસ્પિટલ લઈ ગયા ત્યારે ખબર પડી કે એણે ઝેરી દવા પીધી હતી, જેના કારણે એનું અવસાન થયું."

આ ગામના સામાજિક કાર્યકર અને હાલ સુરત રહેતા પીડિત પરિવારના સંબંધી મહાદેવે પટેલે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું.

તેમનું કહેવું છે કે ચાર દિવસની કવાયત પછી તેમની આગેવાનીમાં ગામના લોકોએ ભેગા થઈને પોલીસ ફરિયાદ કરતા પોલીસ હરકતમાં આવી હતી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "હું સુરતથી મારા વતન આવ્યો હતો. આ પરિવાર પહેલાં દુઃખી હતો. અમે ગામના આશાપુરા મંદિરમાં મિટિંગ કરી અને ગામમાં આ જોટાણા ગૅંગના ત્રાસની ખબર પડી એટલે ગૃહમંત્રીને જાણ કરી. પોલીસમાં ફરિયાદ કરી, જેના કારણે તાત્કાલિક પોલીસે પગલાં લીધા. ત્રણ લોકોની ધરપકડ કરી છે."

તેઓ કહે છે કે "આ રોડછાપ રોમિયોને લીધે ગર્લ્સ સ્કૂલમાં ભણવા જતા છોકરીઓ ડરતી હતી, ગામમાં ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે ગામના લોકો સાથે એક બેઠક કરી અને પોલીસ સુરક્ષાની ખાતરી આપતા ગામની ઘણી સગીર વયની છોકરી અને મહિલાઓએ આ ગૅંગ સામે ફરિયાદ કરી છે."

બીબીસી
બીબીસી