આયેશા આપઘાત કેસમાં પતિ આરિફ ખાનને 10 વર્ષની જેલ, શું હતી સમગ્ર ઘટના?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગત વર્ષે ફેબ્રુઆરીમાં સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરનાર આયેશા મકરાણીનાં પતિ આરિફને સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

26 ફેબ્રુઆરી 2021ના દિવસે અમદાવાદમાં રહેતા મૂળ રાજસ્થાનનાં આયેશાએ હસતાંહસતાં એક છેલ્લો વીડિયો બનાવીને સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું.

આયેશાનાં પતિ આરિફ દ્વારા કરવામાં આવતી માનસિક હેરાનગતિના કારણે આ પગલું ભર્યું હોવાથી પોલીસે તેમની વિરુદ્ધ દુષ્પ્રેરણા, દહેજપ્રથા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી અને કેસ ચાલ્યો હતો.

આયેશા મકરાણીનો ફાઈલ ફોટો

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, આયેશા મકરાણીનો ફાઇલ ફોટો

સરકારી વકીલ વર્ષા રાવે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આરિફને સેશન્સ કોર્ટે દ્વારા જુદીજુદી કલમો હેઠળ કુલ 10 વર્ષની સજા કરવામાં આવી છે.

ચુકાદો આપતાં સેશન્સ કોર્ટના જજ ચિરાગ અધ્વર્યુએ પતિ આરિફને એક લાખ રુપિયાનો દંડ કર્યો છે અને જો આરિફ દંડ ભરવા સક્ષમ ન હોય તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.

આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

line

આયેશાનો એ છેલ્લો વીડિયો

ઝાલોરના આરિફખાન સાથે અઢી વર્ષ પહેલાં આયેશાનાં લગ્ન થયાં હતા

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, ઝાલોરના આરિફખાન સાથે અઢી વર્ષ પહેલાં આયેશાનાં લગ્ન થયાં હતા

"અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહીં તક હૈ. મૈં ખુશ હું કી મૈં અલ્લા સે મિલુંગી. ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહીં કમી રહ ગઈ, મુજ મેં યા શાયદ તકદીર મેં. મેં ખુશ હું...સુકૂન સે જાના ચાહતી હું. અલ્લા સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે." આ શબ્દો હતા આયેશાના.

મૂળ રાજસ્થાનનાં અને અમદાવાદના વટવામાં રહેતાં આયેશાએ નદીમાં ઝંપલાવતાં અગાઉ છેલ્લે નદીને પ્રાર્થના કરતાં કહ્યું કે "યે પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કિ વો મુજે અપને મેં સમા લેં."

આ કેસમાં આરોપી તરીકે પોલીસે આયેશાના પતિ આરિફ ખાનની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી.

આયેશાએ વીડિયોમાં કહ્યું હતું, "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આયેશા આરિફખાન... ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું વો મેરી મરજી સે કરને જા રહી હું...ઈસ મેં કિસી કા દબાવ નહીં હૈં, અબ બસ ક્યા કહે? યે સમજ લીજિયે કિ ખુદા કી જિંદગી ઈતની હી હોતી હૈં...ઔર મુજે ઈતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગી."

line

આયેશા અને તેમના પરિવાર વિશે...

આયેશાના પિતા લિયાકત મકરાણી

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, આયેશાના પિતા લિયાકત મકરાણી

આયેશા મૂળ રાજસ્થાનના ઝાલોરના લિયાકત મકરાણી અને હરમતબીબીનું સંતાન હતાં. એમની ઉંમર 23 વર્ષ હતી. ગરીબ પરિવારના લિયાકત મકરાણી રોજગાર માટે રાજસ્થાનથી અમદાવાદ આવીને પરિવાર સાથે વટવામાં રહેતા હતા.

લિયાકત મકરાણીને ચાર સંતાનો હતાં અને પરિસ્થિતિ સારી નહોતી. એમને સિલાઈનું કામ આવડતું હતું એટલે અમદાવાદ આવી એ કામ શરૂ કર્યું. સૌથી મોટા દીકરાને ભણાવી શકાય એમ નહોતો એટલે એને મિકૅનિક તરીકે કામે લગાડ્યો હતો.

લિયાકત મકરાણીએ જણાવ્યું હતું, "અમદાવાદ આવી વટવામાં હું રહેતો હતો. મારી ઇચ્છા હતી કે મારાં બાળકો ખૂબ ભણીને મોટા સાહેબ બને પણ ઘરની તકલીફો જોઈને મારો મોટો છોકરો ભણતા પહેલાં જ કામે લાગી ગયો."

"એ હોશિયાર હોવાથી મિકૅનિક બન્યો અને કારમાં ઇલેક્ટ્રિક વાયરિંગનું કામ કરવા લાગ્યો. અમે બેઉ બાપ-દીકરો મળીને ઘર ચલાવતા હતા."

"મારી મોટી દીકરી હીનાનાં અમદાવાદમાં લગ્ન કરાવ્યાં. એનાં લગ્નમાં ખર્ચો ખૂબ થયો હતો. બીજી દીકરી આયેશા ભણવામાં ખૂબ હોંશિયાર હતી એટલે એને ભણાવી."

"અમે એને પ્રેમથી સોનું કહેતાં. એ અમારો સોનાનો સિક્કો હતી. અમારા પરિવારમાંથી પહેલી ગ્રૅજ્યુએટ એ થઈ અને એણે આગળ એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો."

લિયાકત મકરાણી આયેશાને આગળ ભણાવવા તો માગતા હતા પણ એમને ફિકર એ હતી કે એમના સમાજમાં એટલું ભણતર ધરાવનારો છોકરો નહીં મળે તો?

આયેશાનો એમ.એનો અભ્યાસ ચાલુ હતો એ દરમિયાન લિયાકત મકરાણીના સંબંધીઓ મારફતે ઝાલોરથી બે દુકાન અને બે મકાન ધરાવતા સંપન્ન પરિવારનું માગું આવ્યું.

ઝાલોરના બાબુખાનના દીકરા આરિફખાન સાથે અઢી વર્ષ આયેશાનું લગ્નજીવન ચાલ્યું અને આયેશાએ આપઘાત કરી લીધો.

આરિફની ઝાલોરમાં ગ્રૅનાઇટ બનાવતી કંપનીમાં મૅનેજર તરીકે નોકરી હતી અને ઉપરાંત પોતે સાઇડ બિઝનેસમાં ગ્રૅનાઇટની લે-વેચ પણ કરતા.

આયેશાનાં પરિવારના કહેવા મુજબ એમણે લગ્નમાં આયેશાને દહેજમાં ત્રણ તોલા સોનું અને એક કિલો ચાંદી આપી હતી. આ ઉપરાંત કપડાં વગેરે વહેવાર પણ કર્યો હતો.

આયેશાના પિતા લિયાકત મકરાણીએ કહે છે, "શરૂઆતમાં તો આયેશાનું લગ્નજીવન ઘણું સરસ ચાલતું હતું. પછી આરિફના કહેવાથી આયેશાએ એમ.એ.નું ભણવાનું છોડી દીધું. આ અરસામાં એ પ્રેગનન્ટ થઈ અને એ પછી એના દુઃખના દિવસો શરૂ થયાં."

આ અંગેની પોલીસ ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં તારીખ 21-08-2020ના રોજ નોંધવામાં આવી હતી અને પતિ આરિફખાન, સસરા બાબુખાન ગફૂરખાન, સાસુ સાયરાબાનુ બાબુખાન અને નણંદ ખુશ્બુબાનુ બાબુખાન પોલીસ ફરિયાદ મુજબ આરોપી છે. આ અંગે ઘરેલુ હિંસાનો કેસ પણ અમદાવાદની ઘી-કાંટા મેટ્રોપોલિટન કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.

line

દસ લાખની માગણીઅને બાળકનું ગર્ભમાં મૃત્યુ

આરિફ ખાન

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, આરિફ ખાન

આયેશાના પિતા લિયાકત મકરાણીનો આરોપ હતો કે આરિફ અને તેમના પરિવારે 10 લાખ રૂપિયાની માગણી કરી હતી.

એમણે કહ્યું, "આયેશા પ્રેગનન્ટ થઈ ત્યારે એમણે આયેશા પર દબાણ કરીને દસ લાખ રૂપિયાનું દહેજ માગ્યું. મેં જ્યારે દસ લાખ નહીં હોવાની લાચારી બતાવી ત્યારે એ લોકો આયેશાને અમદાવાદ મૂકી ગયા."

"મને અને મારા છોકરાઓને બીભત્સ ગાળો બોલી. આયેશાએ વચ્ચે પડીને સમજાવવાની કોશિશ કરી તો તેના પર ગુસ્સે થઈ પેટ પર લાતો મારી અને પૈસા આવે ત્યારે દીકરીને મોકલજો એમ કહીને રાજસ્થાન જતા રહ્યા."

આયેશાનાં માતા હરમતબીબી એવો આરોપ પણ મૂકે છે, "પેટ પર મારેલી લાતોના કારણે એને સખત દુઃખાવો થતો હતો. અમે ડૉક્ટરને બતાવ્યું તો ખબર પડી કે મારને કારણે ગર્ભમાં રહેલું બાળક મરી ગયું છે. ન છૂટકે અમે એનો ગર્ભપાત કરાવ્યો."

"એ પછી અમે ફરીથી સગાંવહાલાઓની મદદથી સમાધાન કર્યું. આરિફને અમારી મજબૂરી સમજાવી અને આયેશાને ફરીથી સાસરે મોકલી."

લિયાકત મકરાણી કહે છે, "અમને પોલીસની બીકથી ત્રાસ ઘટશે એમ હતું પણ કેસ થતાં આરિફ વધારે ગુસ્સે થયો. એ લોકોએ અમારી પાસે ફરીથી પૈસાની માગણી કરી. પૈસા આપો તો દીકરીને પરત લઈ જશે એમ કહ્યું. એનો સંસાર સુખી રહે એ આશાએ મેં દેવું કરીને કરીને દોઢ લાખ રૂપિયા આપ્યા."

"જોકે, એ પછી કોરોના દરમિયાન આજે લઈ જઈશ, કાલે લઈ જઈશ એમ કહીને આરિફે મારી દીકરીને રાજસ્થાન લઈ જવાનું ટાળ્યું અને કેસ પાછો ખેંચવાની ધમકીઓ આપી. આયેશાથી આ સહન થતું ન હતું. એ રાતોની રાત રડતી રહેતી."

line

આપઘાત અગાઉનો એ રાતનો ઝઘડો

આયેશા અને આરિફખાનનું નિકાહનામા

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, આયેશા અને આરિફખાનનું નિકાહનામા

પિતા અને ભાઈની તકલીફો જોઈને આયેશાએ ખાનગી બૅન્કમાં નોકરી શરૂ કરી હતી. એમને રોજ સાડા નવે ઑફિસ પહોંચવાનું રહેતું અને એટલે તેઓ રોજ વહેલાં જ નીકળી જતાં હતાં.

હરમતબીબીનાં કહેવા મુજબ આયેશાનો આરિફ સાથે છેલ્લો ઝઘડો તેમણે આપઘાત કર્યો તેની આગલી રાત્રે 25મી ફેબ્રુઆરીએ થયો હતો.

તેઓ કહે છે કે, "મેં એને એટલું કહેતાં સાંભળેલી કે, હાં મેં મર જાઉંગી ઔર તેરે કો મરને સે પહેલે તેરી ઇચ્છા કે મુતાબિક વીડિયો બના કે ભી ભેજુંગી, બસ તુ સુબહ હોને કા ઇન્તજાર કર."

25 ફેબ્રુઆરીની રાતના ફોન વિશે સવારે હરમતબીબીએ પતિ લિયાકતને જાણ કરી.

લિયાકત મકરાણી કહે છે કે, "જેવી મારી પત્નીએ મને વાત કરી કે, રાત્રે મોડે સુધી ફોન ચાલતો હતો અને આયેશાએ મરવાની વાત કરતી હતી, મેં તરત એને ફોન જોડ્યો. એણે આપઘાત કર્યો એ પહેલાં મારી સાથે ફોન પર કરેલી એ છેલ્લી વાતમાં રડતાં રડતાં કહ્યું કે બસ હવે હું કોઈને દુઃખ આપવા માગતી નથી. મારી જિંદગી કોઈ કામની નથી. બસ હું અમદાવાદ રિવરફ્રન્ટમાં ઝંપલાવીને મરી જાઉં છું."

લિયાકત કહે છે, "આયેશા ખૂબ લાગણીશીલ હતી એટલે મેં એને કહ્યું કે જો તું આપઘાત કરીશ તો અમે ઘરનાં બધાં મરી જઈશું. તું રિક્ષામાં બેસીને પાછી ઘરે આવી જા. "

ત્યારે એણે કહ્યું કે, "હવે હું નદીમાં કૂદકો મારું છું. બચી જાઉં તો લેવા આવજો અને મરી જાઉં તો દફનાવી દેજો."

બીબીસી ગુજરાતી પાસે આયેશા અને માતા-પિતા વચ્ચે થયેલી એ વાતચીતનું ઑડિયો રૅકૉર્ડિંગ છે જેમાં માતા-પિતા આયેશાને સમજાવવાનો પ્રયાસ કરે છે. જોકે માતાપિતાની સમજાવટ છતાં આયેશાએ આત્મહત્યા કરી લીધી હતી.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો