પોરબંદર : 'ગૉડમધર' સંતોકબહેનના દબંગ દીકરા અને ધારાસભ્ય કાંધલ જાડેજાની કહાણી

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

"વોહી જો શિમોગા મેં મિલેગા, જો દમન મેં મિલેગા, જો પોરબંદર, જૈસલમેર, કોહિમા મેં મિલેગા. ઉધર તુમ્હારા બિજનિસ ચલતા હૈ, હમકો ઉધર ઍન્ટ્રી ચાહિયે. મિલકર કામ કરેંગે. થોડા તુમ કમાઓ, થોડા હમ કમાએ."

ફિલ્મ 'અગ્નિપથ'માં (1990) ગેરકાયદેસર વેપારમાં ભાગીદારી માટે અમિતાભ બચ્ચન અન્ય એક ડૉનને મળવા જાય ત્યારે આ વાત કહે છે, જે અંડરવર્લ્ડની દુનિયામાં પોરબંદરના દબદબાને બયાન કરે છે.

સંતોકબેન જાડેજા

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, સંતોકબહેન જાડેજા

પોરબંદરને કુખ્યાત બનાવવા માટે પહેલાં 'બહેન' અને પછી 'ગૉડમધર' તરીકે ઓળખાતાં સંતોકબહેનની જાડેજા તથા અન્ય ગૅંગ્સ વચ્ચેની હિંસક લડાઈ અને ગેરકાયદેસર વેપારમાં તેમની પેઠ જવાબદાર છે.

સંતોકબહેનના પુત્ર કાંધલ જાડેજા કુતિયાણાની બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય છે. તાજેતરમાં અદાલતે તેમને 18 માસની જેલની સજા ફટકારી છે. પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના કેસમાં આ સજા ફટકારવામાં આવી હતી.

line

ગૅંગ ઑફ 'ગૉડમધર'

ગૉડમધર ફિલ્મનું પોસ્ટર

ઇમેજ સ્રોત, SAIFF @awadhfilmfest

ઇમેજ કૅપ્શન, રાજકારણ, જ્ઞાત-જાતના સમીકરણ, ગેરકાયદેસર વેપાર અને ગુનાખોરીનું આ એક ઝેરી વિષચક્ર હતું, જેના કેન્દ્રમાં હતી જાડેજા ગૅંગ અને તેનાં વડાં હતાં સંતોકબહેન.

'મહાત્મા' ગાંધીના પોરબંદરના તાજેતરના રાજકીય કે સામાજિક ઇતિહાસની વાત થાય એટલે 'ગૅંગ્સ ઑફ પોરબંદર'ની ચર્ચા પણ થાય.

રાજકારણ, જ્ઞાત-જાતના સમીકરણ, ગેરકાયદેસર વેપાર અને ગુનાખોરીનું આ એક ઝેરી વિષચક્ર હતું, જેના કેન્દ્રમાં હતી જાડેજા ગૅંગ અને તેનાં વડાં હતાં સંતોકબહેન.

સંતોકબહેનના પતિ (અને કાંધલ જાડેજાના પિતા) સરમણ તેમના ભાઈઓ સાથે સરેરાશ સંયુક્ત મેર પરિવારની જેમ પોરબંદરના મેમણવાડામાં રહેતા. મોટાભાઈ અરજણ પરિવારના મોભી હતા. સરમણ ઇચ્છતા હતા કે તેમના ચારેય પુત્ર ભણી-ગણીને આગળ વધે. તેમણે કાંધલને ભણવા માટે માંગરોળની એક શાળામાં બેસાડ્યો હતો.

કહેવાય છે કે, સરમણ જાડેજા ખેતી અને મજૂરી કરીને જીવન પસાર કરી રહ્યા હતા, ત્યારે એક દિવસ ઉગ્ર બોલાચાલીમાં તેમનાથી એક શખ્સનું ખૂન થઈ ગયું. મૃતક વ્યક્તિની માથાભારે તરીકેની છાપ અને ધાક હતી. કુદરતના ક્રમ પ્રમાણે 'એકનો અસ્ત, એ બીજાનો ઉદય' હતો. હવે સરમણ જાડેજાની ધાક વર્તાવા લાગી હતી.

મેર સમુદાયના લોકો પોરબંદર, કુતિયાણા અને બરડા પ્રદેશમાં મોટી સંખ્યામાં રહે છે. સરમણ જાડેજાનું કદ વધી રહ્યું હતું, તેમ-તેમ તેમની ગૅંગના સભ્યોની સંખ્યા પણ વધી રહી હતી. તેમણે ટ્રાન્સપૉર્ટ, નિર્માણ, ખાણકામ, સરકારી કૉન્ટ્રાક્ટ વગેરે ધંધામાં ઝંપલાવ્યું.

સરમણ પણ તેમને સારા-માઠા પ્રસંગે મદદ કરતા. ભણવાની કે સારવારની જરૂરિયાતો પૂરી કરતા. તેમની મદદથી નાના અનેક મેર વિદેશમાં સ્થાયી થયા અને તેમના ભાઈ ભૂરા પણ તેમાંથી એક હતા. આથી તેમની છાપ 'રૉબિનહૂડ' જેવી બની ગઈ હતી.

જ્યારે પાંડુરંગ અઠાવલેની 'સ્વાધ્યાય ચળવળ' સૌરાષ્ટ્રના ગામોમાં ફેલાઈ, ત્યારે સરમણ જાડેજાએ ગુનાખોરીનો રસ્તો છોડી દીધો. જોકે, કેટલાક સ્થાનિકો હૃદયપરિવર્તનની વાતને નકારે છે.

કહેવાય છે કે ગુનાખોરીની ગલી 'વન-વે' છે, જેમાં વ્યક્તિ પ્રવેશી તો શકે છે, પરંતુ નીકળી નથી શકતી. આવું જ કંઇક સરમણની સાથે થયું હતું. જૂની અદાવતમાં તેમની હત્યા કરી દેવામાં આવી. ગુનાખોરીની દુનિયામાં 'સરમણનો અસ્ત, એ સંતોકનો ઉદય' હતો.

એ વખતે અનેક ગૅંગ્સ પોરબંદરની ધરતી ઉપર અસ્તિત્વમાં આવી અને ગેરકાયદેસર ખાણકામ, દરિયાઈ દરવાજા પર કબજો, ટ્રાન્સપૉર્ટ વગેરે જેવા વ્યવસાયો માટે લોહિયાળ જંગ ખેલાયો.

line

'બહેન' બન્યાં ગૉડમધર

શબાના આઝમી સાથે સંતોકબેન જાડેજા

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, શબાના આઝમી સાથે સંતોકબહેન જાડેજા

સરમણ હયાત હતા ત્યાર સુધી સંતોકબહેન સામાન્ય ગૃહિણીની જેમ જ જીવન જીવતાં હતાં. પતિના મૃત્યુના અમુક મહિનામાં જ પિતાતુલ્ય જેઠનું અવસાન થયું. દિયર લંડન હતા. આ તબક્કે તેમણે જ ગૅંગ અને ધંધાની ધૂરા પોતાની હાથમાં લેવાનું નક્કી કર્યું.

સૌ પહેલાં તેમણે પતિની હત્યાનું વેર લેવાનું નક્કી કર્યું અને જેટલા લોકો સરમણ મુંજાની હત્યામાં સંડોવાયેલા હતા, તેમનો 'હિસાબ' કરી દેવામાં આવ્યો. વર્ષો પછી આના વિશે સંતોકબહેને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "હું મા છું. પિતાની હત્યા પછી હું છોકરાઓની સલામતી ઇચ્છતી હતી. તેઓ અમને કનડતા હતા ; અમારી જિંદગી બચાવવા માટે અમારે જે કંઈ કરવું જોઈએ, તે કર્યું."

1980-90ના મધ્યભાગ સુધીમાં પોરબંદરમાં સંતોક'બહેન'ના ખૌફ તથા ફિલ્મી દૃશ્યની જેમ ખુલ્લી જીપમાં ફરતા તેમના દીકરા તથા સાથીઓની કહાણીઓ ચર્ચાતી હતી.

પોરબંદરમાં સંતોક જાડેજા 'બહેન' તરીકે ઓળખાતાં હતાં, પરંતુ 1999ની આસપાસ 'ગૉડમધર' નામની ફિલ્મ આવી, જે કથિત રીતે તેમના જીવન પર આધારિત હતી. જેમાં શબાના આઝમીએ શીર્ષક ભૂમિકા ભજવી હતી, જ્યારે મિલિંદ ગુણાજીએ તેમના પતિની ભૂમિકા ભજવી હતી.

જોકે, ફિલ્મના નિર્દેશક વિનય શુક્લાએ આ વાતનો ઇન્કાર કર્યો હતો. છતાં ફિલ્મના ક્રૂ તથા સંતોકબહેનની વચ્ચે બેઠક પણ થઈ હતી. એવી ચર્ચા છે કે ફિલ્મના કેટલાંક દૃશ્યો સામે સંતોકબહેને વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ શબાના આઝમી તથા જાવદે અખ્તર એવું સમજાવવામાં સફળ રહ્યા હતા કે ફિલ્મમાં 'થોડુંઘણું કાલ્પનિક' તો દેખાડવું પડે. બાદમાં ફિલ્મની સ્ટારકાસ્ટે 'ગૉડમધર'ની મહેમાનગતિ પણ માણી હતી.

તેમના પતિ સરમણ જાડેજાના જીવન પર પણ ફિલ્મ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સંજય દત્ત મુખ્યપાત્ર ભજવવાના હતા. પરંતુ આ પ્રોજેક્ટ પરિણામ સુધી પહોંચી શક્યો નહોતો.

સંતોકબહેન જાડેજા આગળ જતાં કુતિયાણાની બેઠક પરથી ધારાસભ્ય બન્યાં અને રેકૉર્ડ બહુમતીથી જીત્યા. એ પછી તેઓ વિધાનસભાના દાદરા તો ન ચઢ્યાં, પરંતુ બેઠક પર તેમનો દબદબો કાયમ રહ્યો. એ પછી તેમના દીકરા કાંધલે આ વારસો આગળ ધપાવ્યો.

line

કુતિયાણા બેઠકની કહાણી

આસપાસની સિમેન્ટ કંપનીઓ તથા નિકાસ માટે લાઇમસ્ટૉન મહત્ત્વપૂર્ણ જણસ (ખાણની પ્રતીકાત્મક તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આસપાસની સિમેન્ટ કંપનીઓ તથા નિકાસ માટે લાઇમસ્ટૉન મહત્ત્વપૂર્ણ જણસ (ખાણની પ્રતીકાત્મક તસવીર)

સ્થાપના સમયે કુતિયાણાની બેઠક જૂનાગઢ જિલ્લા હેઠળ આવતી હતી, જે પોરબંદરના ગઠન બાદ નવા જિલ્લાને ફાળે ગઈ. 2012થી કુતિયાણાની બેઠક પરથી કાંધલ જાડેજા ધારાસભ્ય છે. એ પહેલાં તેમનાં માતા અને કાકા પણ આ બેઠક પરથી વિધાનસભા પહોંચ્યાં છે.

ગુજરાતની સ્થાપના પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં (1962) કૉંગ્રેસ પાર્ટી જીતી હતી. એ પછીની ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટી (1967) જીતી હતી. 1975ની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

આ પહેલાં 1972માં કૉંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો. એ સમયે બેઠક નંબર-30 ધરાવતી આ ધારાસભાની બેઠક પરથી 30 ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. 1980માં પાસું પલટાઈ ગયું. કૉંગ્રેસ(આઈ)ના ઉમેદવાર મહંત વિજયદાસજી બિનહરીફ ચૂંટાઈ આવ્યા. તેઓ 1985ની ચૂંટણીમાં વધુ એક વખત ચૂંટાઈ આવ્યા.

ચીમનભાઈ પટેલે કૉંગ્રેસથી અલગ થઈને જનતાદળની સ્થાપના કરી હતી. તેમને જીતી શકે તેવા ઉમેદવારોની જરૂર હતી.

આ સમયે કુતિયાણાની બેઠક પર સંતોકબહેનને પસંદ કરવામાં આવ્યાં હતાં. સંતોકબહેન માન્ય મતના 75 ટકાની લીડ સાથે વિધાનસભામાં પહોંચ્યાં હતાં. તેમને 41 હજાર 909 મત મળ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલાં કૉંગ્રેસના ઉમેદવારને માત્ર પાંચ હજાર 359 મત મળ્યા હતા. 475 મત સાથે ભાજપના ઉમેદવાર ચોથાક્રમે રહ્યા હતા, જ્યારે ત્રીજા ક્રમે એક અપક્ષ હતા.

કુતિયાણાની બેઠક પર સંતોકબહેનનું આગમન થયું તે પહેલાં આ બેઠક કૉંગ્રેસનો ગઢ રહી હતી. પાર્ટીના નેતા મહંત વિજયદાસજીનું આ બેઠક પર પ્રભુત્વ હતું.

1995ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતનું રાજકીય પરિદૃશ્ય બદલાઈ ગયું, જેણે સંતોકબહેનના રાજકીય ભાવિ ઉપર પણ અનિશ્ચિતતા લાવી દીધી.

તેમના રાજકીય આશ્રયદાતા એવા ચીમનભાઈ પટેલનું અવસાન થઈ ગયું હતું. તેમના પછી છબીલદાસ મહેતા મુખ્ય મંત્રી બન્યા, જેમણે દેશની આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો હતો. તેમની પાસે બહુ થોડી મુદ્દત રહી હતી, પરંતુ આ અરસામાં તેમણે પોલીસને છૂટોદોર આપ્યો.

અમદાવાદના દારૂના વેપાર, જામનગર અને કચ્છ જિલ્લાના (એ સમયે દેવભૂમિ દ્વારકા સાથે) દાણચોરીના ગેરકાયદેસર વ્યવસાય સામે કાર્યવાહી શરૂ થઈ.

પરિવાર તથા ગૅંગના સભ્યો ઉપર ધમકી આપવા, હથિયારધારા, હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી, બળજબરીપૂર્વક સંપત્તિ પડાવવી વગેરે જેવા આઈપીસીની (ઇન્ડિયન પીનલ કોડ) કેટલીક કલમોથી લઈને ટાડા (ટૅરરિસ્ટ ઍન્ડ ડિસ્ટરપ્ટિવ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ) હેઠળના કેસ દાખલ થયા.

1995ની વિધાનસભા ચૂંટણીમાં સંતોકબહેનના દિયર ભૂરા મુંજા કડછા ચૂંટણીજંગમાં ઊતર્યા અને તેઓ જીત્યા પણ. જાડેજા પરિવારમાં ફાટ પડી હતી. સંતોકબહેન તથા ભૂરા મુંજાની વચ્ચેના મતભેદ મનભેદ સુધી પહોંચી ગયા હતા.

રાજકીય અસ્થિરતા વચ્ચે 1998માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને બહુમતી આપી. ભાજપના ઉમેદવાર કરસનભાઈ ઓડેદરાનો આ બેઠક પરથી વિજય થયો હતો. તેમણે ભૂરા મુંજાનાં પત્ની હીરલબાને પરાજય આપ્યો હતો.

2002માં કૉંગ્રેસે મહંત વિજયદાસજીના દીકરા મહંત ભરતકુમારને મેદાનમાં ઉતાર્યા, જ્યારે ભૂરા મુંજાએ સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું. છતાં કરસનભાઈ ઓડેદરાનો વિજય થયો અને 2007માં તેમણે વિજયની હૅટ્રિક પણ ફટકારી. 2007માં ભૂરા મુંજાએ અપક્ષ તરીકે ફરી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું, પરંતુ ત્રીજાક્રમે રહીને સંતોષ માનવો પડ્યો.

2012માં સંતોકબહેનના પુત્ર કાંધલે 18 હજાર 474 (16.03 ટકા) મતની સરસાઈ સાથે ભાજપના ઉમેદવાર ઉપર વિજય મેળવ્યો. 2017માં આ લીડ વધીને 23 હજાર 709 (માન્ય મતના 20.72 ટકા) પર પહોંચી.

line

સંતોકબહેનનો જેલવાસ

સંતોકબેન જાડેજા

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, સંતોકબહેન જાડેજા

અગાઉ ગુજરાતના સલાયા, ઓખા, ટૂના અને માંડવી જેવા સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો ઉપર સોનું, ઘડિયાલો કે ઇલેક્ટ્રૉનિક સામાન વિદેશમાંથી દાણચોરીથી લાવવામાં આવતો, જેને ઢો તરીકે ઓળખાતા નાના દેશી જહાજ મારફત ઉતારવામાં આવતો.

1993માં પોરબંદરના ગોસાબારા બંદર ખાતે આરડીઍક્સ તથા હથિયારોની ખેપ ઉતારવામાં આવી હતી, જેનો ઉપયોગ તત્કાલીન બૉમ્બેમાં બૉમ્બવિસ્ફોટો કરવા માટે થયો હતો. આથી કેન્દ્રીય સુરક્ષાએજન્સીઓની પણ પોરબંદર પર નજર હતી.

1995 પછી સત્તાના સમીકરણને સાધવા તથા શક્તિના સમીકરણને પોતાની તરફેણમાં બદલાવવા માટે કેશુભાઈ પટેલની ભાજપ સરકારે કામગીરી ચાલુ રાખી. યુવા આઈપીએસ અધિકારી સતીશ વર્મા અને સુખદેવસિંહ ઝાલાની જોડીએ એક પછી એક ગૅંગોની કમર તોડવાની ચાલુ કરી.

લોકો જેમની સામેથી પસાર થવાની હિંમત નહોતા કરતા, એવાં સંતોકબહેન સામે પણ ફરિયાદો થવા લાગી. સંતોકબહેને જેલવાસ ભોગવવો પડ્યો. દીકરાઓએ ફરાર થવું પડ્યું. દિયર ભૂરા મુંજા સામે પણ કાર્યવાહી થઈ.

સંતોકબહેને પોરબંદર છોડીને રાજકોટ આવી જવું પડ્યું, જ્યારે ભૂરા મુંજાએ ગાંધીનગરને બેઝ બનાવ્યો. ગુનેખોરી સામેની કાર્યવાહી આગળ જતાં 'ભયમુક્ત ગુજરાત'ના સૂત્ર સુધી પહોંચી ગઈ.

2007 આસપાસ જૂનાગઢમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીઓને શરણું આપવાના મામલામાં પોલીસે તેમના પોલીગ્રાફ ટેસ્ટની મંજૂરી માગી. એ અરસામાં અન્ય એક કેસમાં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે મૌન રહેવું એ આરોપીનો બંધારણીય અધિકાર છે એટલે તેને લાઇ ડિટેક્ટર ટેસ્ટની ફરજ પાડી ન શકાય.

line

કાંધલનું લગ્ન અને જીવન

કાંધલ જાડેજા

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, કાંધલ જાડેજા

ગૅંગવૉરના સમયમાં કાંધલે માંગરોળથી પરત આવી જવું પડ્યું. પોરબંદરની સરકારી ઇંગ્લિશ સ્કૂલમાં નવમું ધોરણ પાસ કર્યું. આજે પણ ખેતી અને ટ્રાન્સપૉર્ટ વ્યસાય સાથે સંકળાયેલ છે.

કાંધલ જાડેજાની 2017ની ઍફિડેવિટ પ્રમાણે, તેમનાં પત્ની મનિષા છે. વાસ્તવમાં આ તેમનું બીજું લગ્ન છે. જ્યારે સંતોકબહેનનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો, ત્યારે કાંધલનું લગ્ન રેખા સાથે થયું હતું. અહેવાલો અનુસાર એ સમયે ગુજરાતના પ્રધાનમંડળના અનેક મંત્રી, પોલીસ તથા સરકારી તંત્રના ઉચ્ચઅધિકારીઓ તેમાં હાજર રહ્યા હતા અને બિન્દાસ ડાન્સ પણ કર્યો હતો.

સંતોકબહેનની ઉંમર વધતી જતી અને પુત્રો ફરાર હતા એ અરસામાં ધંધાકીય નિર્ણયો લેવામાં તેઓ પુત્રવધુ રેખાની મદદ લેતાં હતાં. દરમિયાનમાં રાજકોટ ખાતેના નિવાસસ્થાન 'શ્રવણ' (પૈત્તૃક ગામમાં પણ કાંધલ જાડેજાના ઘરનું નામ 'શ્રવણ' જ છે.)

રેખાની હત્યા થઈ ગઈ. પોલીસ તપાસમાં રેખાના દિયર કરણનું નામ બહાર આવ્યું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સંતોકબહેન તેમનાં પુત્રવધૂ ઉપર વધુ વિશ્વાસ મૂકતાં હતાં એ વાત કરણને ખટકતી હતી એટલે ઇર્ષ્યામાં તેમણે આમ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં બીજી પણ કેટલીક થિયરી વહેતી થઈ.

રેખાનાં મૃત્યુ બાદ અને સંતોકબહેનની હયાતીમાં જ કાંધલે મનિષા સાથે લગ્ન કર્યું. માર્ચ-2011માં સંતોકબહેનનું અવસાન થયું, તે પછી કાંધલ તેનો રાજકીય ઉત્તરાધિકારી બન્યા.

line

કાંધલ અને કેસ

રાજકોટમાં રેખા જાડેજાની હત્યા થઇ તે ઘર

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં રેખા જાડેજાની હત્યા થઇ તે ઘર

2005માં ભાજપના નગરસેવક કેશુ ઓડેદરાની હત્યા થઈ હતી, જેનો આરોપ કાંધલ તેના ભાઈઓ તથા અન્યો ઉપર લાગ્યો હતો.

2007માં કાંધલ જાડેજા રાજકોટની ખાનગી હૉસ્પિટલમાં પોલીસની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા હતા, ત્યારે એકરાત્રે ફરાર થઈ ગયા હતા. આ કેસમાં રાજકોટની અદાલતે તેને 18 મહિનાની જેલની સજા તથા રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ ચુકાદા સામે ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે એક મહિનાની મુદ્દત આપી છે.

2009માં ફરીથી ઝડપાઈ ગયા બાદ કાંધલે આ કેસમાં 19 મહિનાનો જેલવાસ ભોગવ્યો છે, એટલે હાલમાં તેણે જેલમાં નહીં જવું પડે.

વળી બે વર્ષ કરતાં ઓછી સજા થઈ હોવાથી હાલ તરત આગામી વિધાનસભા ચૂંટણી લડવાની ઉપર કોઈ જોખમ ઊભું નહીં થાય.

2011માં અદાલતે કાંધલને ઓડેદરા મર્ડરકેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા. છતાં હાલ પણ તેની સામે 10 જેટલા કેસ ચાલી રહ્યા છે, જે અલગ-અલગ તબક્કામાં છે, જે તેનું રાજકીય ભાવિ નક્કી કરી શકે છે.

કાંધલનો કેસ અંશ ભારદ્વાજે લડ્યો હતો, જે રાજ્યસભામાં ભાજપના સંસદસભ્ય અભય ભારદ્વાજના પુત્ર છે. ગોધરાકાંડ પછી ફાટી નીકળેલા હુલ્લડોના આરોપીના કેસ લડીને અભય ભારદ્વાજ ચર્ચામાં આવ્યા હતા. ડિસેમ્બર-2020માં કોરોના તથા મલ્ટિપલ ઑર્ગન ફેલ્યૉરના કારણે તેમનું અવસાન થયું હતું.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો