વિજય રૂપાણી પર 27 હજાર કરોડના જમીન કૌભાંડનો કૉંગ્રેસનો આરોપ, રૂપાણીએ શું કહ્યું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગણતરીઓ શરૂ થઈ ગઈ અને સાથે જ રાજકીય હિલચાલ તેજ થઈ છે. કૉંગ્રેસ પક્ષે ફરી એક વખત પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી સામે જમીન કૌભાંડના આક્ષેપ કર્યા છે.
જોકે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તેમના પર કૉંગ્રેસ દ્વારા મૂકવામાં આવેલા 27 હજાર કરોડના જમીન કૌભાંડના આરોપને ફગાવી દીધો છે.

ઇમેજ સ્રોત, The India Today Group
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર વિજય રૂપાણીએ પ્રેસ કૉન્ફરન્સને સંબોધતા કહ્યું કે "કૉંગ્રેસ તેમને તેમની લોકપ્રિયતાને કારણે નિશાન બનાવી રહી છે અને આ આક્ષેપ પાયાવિહોણા છે."
બુધવારે, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી, જે પોતાના કાર્યકાળમાં શહેરી વિકાસ મંત્રાલય પણ સંભાળવતા હતા, તેમની પર જાહેર હેતુની સુવિધાઓ માટે ફાળવેલી જમીન ખાનગી બિલ્ડરોને આપવા માટે ડેવેલપમેન્ટ પ્લાન(ડીપી)-2035 પ્રોજેક્ટમાં ફેરફાર કરવાનો આક્ષેપ કર્યો હતો.
ડેવેલપમેન્ટ પ્લાન(ડીપી)-2035 પ્રોજેક્ટ સુરત અર્બન ડેવેલપમેન્ટ ઑથોરિટી (સૂડા)નો એક ભાગ છે.

વિજય રૂપાણી સામે કૉંગ્રેસે શું આક્ષેપ કર્યો

ઇમેજ સ્રોત, FB/ARJUN MODHWADIYA
કૉંગ્રેસ અનુસાર, વિજય રૂપાણીએ 21 નવેમ્બર 2019ના એક નોટ પર સહી કરી જેમાં જાહેર હેતુ (નાગરિક સુવિધાઓ )માટે ફાળવવામાં આવેલી 1.66 કરોડ ચોરસ મીટર જમીનમાંથી 75.35 લાખ ચોરસ મીટર જેટલી જમીન રિઝર્વ (અનામત) રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
જોકે ગુજરાત સરકારે કૉંગ્રેસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
ધ પ્રિન્ટે સમાચાર સંસ્થા પીટીઆઈને ટાંકતાં લખ્યું હતું કે અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે સરકાર પાસે મંજૂરી માટે રજૂ કરાયેલા સુરત અર્બન ડેવેલપમેન્ટ ઑથોરિટીના ડીપી-2035માં સલાહકાર સમિતિના રિપોર્ટના આધારે ફેરફાર કરાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આરોપ કર્યો કે આ ડીપી-2035માં નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે અનામત (રિઝર્વ) જમીનને ઓછી બતાવવામાં આવી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે 12 નવેમ્બર, 2019ના રૂપાણીએ એક નોટ પર સહી કરી હતી જેમાં 2035 માટે સૂડા દ્વારા તૈયાર કરાયેલા ડેવેલપમેન્ટ પ્લાનમાં જાહરે હેતુ માટે અનામત રખાયેલી 1.66 કરોડ ચોરસ મીટર જમીનમાંથી માત્ર 75.35 લાખ ચોરસ મીટર જમીનને અનામત રાખવાનો નિર્દેશ અપાયો હતો.
અર્જુન મોઢવાડિયા અનુસાર "આશરે 27 હજાર કરોડ રૂપિયાની કિંમતની 90 લાખ ચોરસ મીટર જેટલી જમીન બિલ્ડરોને આપવામાં આવી હતી."
"શહેરી વિકાસ પ્લાનિંગ સ્કીમ એ સત્તારૂઢ ભાજના નેતાઓ માટે દૂધાળું ગાય બની ગઈ છે. અમે આ અંગે તપાસ માટે સીટિંગ હાઈકોર્ટ જજના નેજા હેઠળ એક તપાસપંચ નીમવાની માગ કરીએ છીએ."
તેમણે આક્ષેપ કર્યો કે વિજય રૂપાણીએ પ્રપોઝલ સાથે ચેડાં કર્યા હતા અને 90 લાખ ચોરસ મીટર જમીન બિલ્ડરોને પાછી આપી હતી. આ જમીનની કિંમત 27 હજાર કરોડ રૂપિયા છે.
અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, "આ એક શહેરની વાત છે પરંતુ અમને આશંકા છે કે આ સમગ્ર રાજ્યમાં ફેલાયેલું કૌભાંડ હોઈ શકે છે."
આ આક્ષેપોને ફગાવતા ભાજપ સરકારે કહ્યું કે કાર્યવાહી અર્બન ડેવેલપમેન્ટ ઍક્ટની જોગવાઈઓ અંતર્ગત કરવામાં આવી હતી અને અનામત રહેલી જમીનોને રદ કરવા અંગે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના વિભિન્ન ચુકાદાઓને પણ ધ્યાને લેવામાં આવ્યા હતા.
સરકારે વધુમાં કહ્યું હતું કે આ અંગે લોકોએ કરેલી રજૂઆતો પર ધ્યાન આપવા માટે કન્સલ્ટેશન કમિટી પણ બનાવવામાં આવી હતી.
વિજય રૂપાણીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં મુખ્ય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું.

વિજય રૂપાણીએ શું જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારે કૉંગ્રેસના આરોપોના જવાબમાં ગાંધીનગર ખાતે ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં વિજય રૂપાણીએ કહ્યું કે, "કૉંગ્રેસ 27 વર્ષથી સત્તાથી બહાર છે અને ગવર્નન્સના અનુભવના અભાવે તેમણે બુધવારે અતિ ઉત્સાહમાં આવીને એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. હું ઈમાનદાર છું અને મેં સૂડાની જમીન બચાવી છે. કૉંગ્રેસ જેવી પાર્ટી જેના લોહીમાં જ ભ્રષ્ટાચાર છે અને તે ભ્રષ્ટાચારના આરોપ કરે એ શોભતું નથી."
તેમણે આગળ કહ્યું કે, "હું કૉંગ્રેસમાં મારા મિત્રોને આ રીતે તેમને હાસ્યાસ્પદ બતાવે તેવા આરોપ મૂકતા પહેલાં સરખી રીતે રિસર્ચ કરવાની વિનંતી કરું છે. મારી લોકપ્રિયતા અને લોકો સાથે મારા સંબંધને કારણે કૉંગ્રેસ પરેશાન છે અને મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે."
વિજય રૂપાણીએ કૉંગ્રેસના આક્ષેપને રાજકારણથી પ્રેરિત જણાવ્યા. તેમણે કહ્યું કે આવનારી ચૂંટણીને જોતાં કૉંગ્રેસ આવા આક્ષેપ કરી રહી છે.
તેમણે કહ્યું કે, "2004માં પહેલી વખત ડેવેલપમેન્ટ પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને જમીનના 285 પ્લૉટ્સને સૂડા હેઠળ રિઝર્વ્ડ કૅટેગરીમાં મૂકવામાં આવ્યા હતા."
તેમણે આગળ કહ્યું કે, "10 ઑક્ટોબર 2020ના મારા કાર્યકાળમાં, ડેવેલપમેન્ટ પ્લાનમાં ફરી ફેરફાર કરવામાં આવ્યા જેમાં 201 પ્લૉટ રિઝર્વ રાખવામાં આવ્યા હતા."
"વિજય રૂપાણી અનુસાર જમીન રિઝર્વ રાખવાનો મામલો સંવેદનશીલ હોય છે અને ત્યારે એવું લાગ્યું હતું કે ડેવેલપમેન્ટ પ્લાનમાં રિવિઝનની જરૂર છે. સુરતમાં વિલંબના કારણે વિકાસના પ્રોજેક્ટ્સ રોકાઈ ન જાય તે માટે બિનરિઝર્વ જમીનો પર ડેવેલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી."
વિજય રૂપાણીએ કહ્યું કે, "રિઝર્વ લૅન્ડ્સના અભ્યાસ માટે રાજ્ય સરકારે જાન્યુઆરી 22, 2019ના ગુજરાત ટાઉન પ્લાનિંગ ઍન્ડ અર્બન ડેવેલપમેન્ટ ઍક્ટ હેઠળ એક કન્સલ્ટેટિવ કમિટી બનાવી હતી."
તેમણે વધુમાં કહ્યું કે, "સૂડાની સ્થાપના 1971માં થઈ હતી અને પ્રથમ ડેવેલપમેન્ટ પ્લાન 1986ના માર્ચની ત્રીજી તારીખે મંજૂર કરાયો હતો જેમાં જમીનના 182 પ્લૉટ્સને સુરતમાં રિઝર્વ કૅટેગરીમાં મૂકાયા હતા જેમાં જાહેર નાગરિક સુવિધાઓ જેમકે ડ્રેનેજ, પાણી, હૉસ્પિટલ, શાળાઓ અને બગીચા વગેરે માટે હતી."
"18 નવેમ્બર 2019ના સુરતમાં પ્રથમ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં નક્કી કરવામાં આવ્યું કે જમીનના પ્લૉટ્સ જ્યાં રિઝર્વેશન અને સંપાદનનું કામ શરૂ થયું છે તેમને અનામત વર્ગમાં જ રાખવી જોઈએ."
"જોકે, 2004થી અનામત રાખવામાં પ્લૉટ્સ છે જ્યાં હજી સુધી કામ શરૂ થયું નથી. સુપ્રીમ કોર્ટે ભાવનગર યુનિવર્સિટી વિ.પાલિતાણા શુગર મિલ 2002 કેસમાં કહ્યું હતું કે 10 વર્ષમાં જો જમીનને અનામત કરવાની પ્રક્રિયા શરૂ ન થઈ હોય તો જમીન માલિકને પાછા આપવામાં આવે. માત્ર આવી જમીનોના પ્લૉટ્સ તેમના માલિકોને પાછા આપવમાં આવ્યા છે."

અગાઉ રૂપાણી પરના આરોપ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આની પહેલાં પણ કૉંગ્રેસ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે અગાઉની વિજય રૂપાણી સરકારના કાર્યકાળ દરમિયાન રાજકોટમાં જમીનનો હેતુફેર કરીને રૂ. 500 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
કૉંગ્રેસ દ્વારા આ કથિત કૌભાંડની સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગ કરવામાં આવી હતી.
એ આરોપોને પણ રૂપાણીએ ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ ખેતીલાયક જમીન અથવા ઉદ્યોગો માટે ફાળવવામાં આવેલી જમીનને રહેણાંક માટે તબદીલ કરવામાં આવે, ત્યારે ગડબડ થવાની શક્યતા રહે છે, જ્યારે રાજકોટમાં રહેણાંક જમીનને ઔદ્યોગિક હેતુ માટે ફેરવવામાં આવી છે."
રૂપાણીએ દાવો કર્યો હતો કે જે જમીનો વિશે ચર્ચા થઈ રહી છે, તેની કુલ બજારકિંમત રૂ. 75 કરોડ આસપાસ છે, ત્યારે રૂ. 500 કરોડનું કૌભાંડ કેવી રીતે થઈ શકે? 2018માં આ પ્રક્રિયા શરૂ થઈ હતી, જે જૂન-2021માં પૂર્ણ થઈ હતી. અઢી વર્ષ દરમિયાન કાયદેસર રીતે ફાઇલ આગળ વધી હતી.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












