ગુજરાતમાં પણ કૉંગ્રેસને પંજાબ જેવો ઝટકો લાગવાનો છે?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજકાલ સ્ટેટ લીડરશિપ સામે નારાજ છે. એમનો દાવો છે કે એ વિશે એમણે કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને પણ જણાવ્યું પરંતુ હજુ સુધી નિરાકરણ નથી આવ્યું.
આમ કર્યા પછી હાર્દિક પટેલે મીડિયાની દિશા પકડી, જ્યાં ઇન્ટરવ્યૂ દરમિયાન તેઓ કહેતા સંભળાયા કે, 'ગુજરાત કૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષનો અર્થ એવો થાય છે જાણે, લગ્ન પછી નસબંધી.'

ઇમેજ સ્રોત, Getty Images
એવું માનવામાં આવે છે કે હાર્દિક પટેલ બે વાતે પરેશાન છે.
એમને લાગે છે કે ઓછી ઉંમરના લીધે પાર્ટીમાં તેઓ સાઇડલાઇનમાં છે. એમની પાસે પદ તો છે પરંતુ પદ પ્રમાણે પૂછવામાં નથી આવતું. તેઓ ભલે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે પરંતુ એમના જણાવ્યા અનુસાર રાજ્યના કોઈ પણ નિર્ણયમાં એમની સલાહ લેવામાં નથી આવતી.
હાર્દિક પટેલની બીજી પરેશાની નરેશ પટેલ છે. ગુજરાતમાં નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાશે એવી અટકળો લાંબા સમયથી થઈ રહી છે.
નરેશ પટેલ, ગુજરાતના મોટા વેપારી છે અને પાટીદાર સમાજ પર એમની સારી એવી પકડ છે. એમ તો દરેક ચૂંટણી પહેલાં એમના રાજકારણમાં પ્રવેશની ચર્ચા થતી રહી છે.
ગુજરાતમાં પાટીદારોના બે સમુદાય મહત્ત્વના ગણાય છે, જેમાં લેઉઆ પટેલ અને કડવા પટેલ છે. પાટીદાર સમુદાયમાં લેઉઆ પટેલ 60 ટકા જેટલા છે, જ્યારે કડવા પાટીદાર 40 ટકા છે.
નરેશ પટેલ લેઉઆ પટેલ સમાજમાંથી આવે છે. તેઓ લેઉઆ પાટીદાર સમાજનાં કુળદેવી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નરેશ પટેલના કૉંગ્રેસમાં જોડાવા બાબતે બીબીસી ગુજરાતીના પત્રકાર સાગર પટેલે જ્યારે હાર્દિક પટેલને પૂછ્યું તો એમણે સ્પષ્ટ કહ્યું કે, "આ સવાલ તમારે એમને પૂછવો જોઈએ જે કૉંગ્રેસમાં પ્રમુખસ્થાને બેઠા છે."
તમે પણ પ્રમુખસ્થાન પર છો, તમને રાજ્યના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે, એવું કહેતાં એમણે (હાર્દિક પટેલે) 'નસબંધી'વાળું વાક્ય ફરી ઉચ્ચાર્યું.
આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય કે શું હાર્દિક પટેલની પરેશાનીઓ માત્ર હાર્દિક પટેલની છે કે ગુજરાત કૉંગ્રેસની પણ છે?
અને જો એ પરેશાની ગુજરાત કૉંગ્રેસની છે, તો શું ગુજરાતમાં પણ કૉંગ્રેસની હાલત પંજાબ જેવી થશે?

ગુજરાત કૉંગ્રેસની પરેશાનીઓ?

ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ચાલુ વર્ષના ડિસેમ્બરમાં પૂરો થવાનો છે અને ચૂંટણી પ્રસ્તાવિત છે. આ ચૂંટણી માટે ભાજપા અને આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારીમાં લાગી ગયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામોના આગળના દિવસે ગુજરાતની મુલાકાતે હતા. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સનને પણ ગુજરાત લઈ ગયા. એ ઉપરાંત ભાજપા અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ હમણાં ગુજરાતના પ્રવાસે હતા.
બીજી તરફ આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા, બંનેએ જુદા જુદા સમયે રાજ્યનો પ્રવાસ કર્યો છે.
પરંતુ કૉંગ્રેસની છાવણીમાં ચૂંટણી બાબતે ઉત્સાહ કે તૈયારી જોવા નથી મળતાં. ઉપરથી હાર્દિક પટેલના કારણે આંતરિક કલહના સમાચાર મળવા લાગ્યા છે. નરેશ પટેલ પર નિર્ણય અટકેલો છે. કેટલાક નેતાઓને પ્રશાંત કિશોર પાર્ટીમાં જોડાય એમાં આશાનું કિરણ દેખાતું હતું. પરંતુ એ વાત ના જામી.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામીએ કહ્યું કે, "કૉંગ્રેસની પરેશાની તો સૌ જાણે છે. કેન્દ્રીય નેતૃત્વમાં તો છે જ, સ્થાનિક નેતૃત્વમાં તો વર્ષોથી છે. નહીંતર 25 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપા સત્તા પર ના હોત."

ઇમેજ સ્રોત, Reuters
"હાર્દિક પટેલની વાત કરીએ તો, એમનાં બયાનોમાં કેટલાક વિરોધાભાસ પણ છે. એક તરફ તેઓ કહે છે કે ભાજપા સરકાર શિક્ષિત બેરોજગારનાં સપનાં તોડી રહી છે અને બીજી બાજુ એમ કહે છે કે કૉંગ્રેસ પાર્ટીએ એમની (કાર્યકારી અધ્યક્ષની) 'નસબંધી' કરી દીધી છે. એમનાં આ નિવેદનોનો એક અર્થ એવો થઈ શકે કે ચૂંટણી પહેલાં તેઓ બાર્ગેનિંગ પાવર શોધી રહ્યા છે. ચૂંટણીના થોડા સમય પહેલાંનાં આવાં બયાનોનો બીજો કશો અર્થ ન કરી શકાય. મને નથી લાગતું કે વિચારસરણીના સ્તરે પરિવર્તનની કોઈ વાત થઈ રહી હોય."
વાસ્તવમાં હાર્દિક પટેલે તાજેતરમાં ભાજપનાં વખાણ કર્યાં હતાં, એના પછી ચર્ચા કરી હતી કે તેઓ ભાજપમાં જઈ શકે છે. જોકે ખુદ હાર્દિક પટેલ આ અટકળોને નકારી ચૂક્યા છે.
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે કહ્યું કે, "હાર્દિકને આટલી નાની ઉંમરે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા એ મોટી ભૂમિકા છે. પરંતુ આ ઉંમરે જો તેઓ એમ વિચારે કે પદ મળી ગયું એટલે બાકીના નેતાઓ એમને રિપોર્ટ કરે, એમ ના થઈ શકે. કૉંગ્રેસમાં ઘણા નેતા 26-27 વર્ષથી હોય છે અને એમને કશું નથી મળતું."
"એ પણ સાચું કે પાર્ટીમાં આંતરિક જૂથબંધી ખૂબ છે. ગુજરાત કૉંગ્રેસમાં ઘણાં જૂથો છે - શક્તિસિંહ ગ્રૂપ, ભરત સોલંકી ગ્રૂપ, જગદીશ ઠાકોર ગ્રૂપ, હાર્દિક ગ્રૂપ. ગુજરાત કૉંગ્રેસની બીજી સમસ્યા લીડરશિપ ક્રાઇસિસની છે. જગદીશ ઠાકોર પાર્ટી અધ્યક્ષ છે અને સુખરામ રાઠવા વિધાનસભામાં વિપક્ષના નેતા."
"પાર્ટીમાં એવી કોઈ વ્યક્તિ નથી જે હાર્દિક પટેલને સમજાવે કે હાર્દિક કોઈની લીડરશિપ સ્વીકારવા તૈયાર હોય. તેઓ વ્હૉટ્સઍપ પર પોતાનો પ્રોફાઇલ બદલે છે, પરંતુ કૉંગ્રેસમાં એમને એવું કહેનાર કોઈ નથી કે આ શું કરો છો? આ બરાબર નથી?"

નરેશ પટેલ કૉંગ્રેસમાં જોડાવાનો ડર

ઇમેજ સ્રોત, Getty Images
હાર્દિકનું બીજું દુઃખ નરેશ પટેલની બાબતે છે. આખરે નરેશ પટેલના કૉંગ્રેસમાં જોડાવાથી હાર્દિક પટેલને શી પરેશાની થઈ શકે?
આ બાબતે બંને જાણકારોએ કહ્યું કે હાર્દિકને લાગે છે કે, તેઓ કૉગ્રેસનો પાટીદાર સમાજનો ચહેરો છે. નરેશ પટેલના કૉંગ્રેસમાં આવવાથી એમને લાગે છે કે તેઓ એ સમીકરણમાં હાંસિયામાં જતા રહેશે. એ કારણે તેઓ થોડી અસલામતી અનુભવે છે.
આવી સ્થિતિમાં એવો સવાલ થાય કે શું ખરેખર હાર્દિક અને નરેશ પટેલની સરખામણી કરવી યોગ્ય છે?
રાજ ગોસ્વામીએ કહ્યું કે, "હું બંનેની સરખામણી કરવા નથી માગતો. બંનેની પાસે એવું રાજકીય સમર્થન પણ નથી કે બંનેની કૅડર એકબીજા સાથે ટકરાય. દસ વર્ષ પહેલાં હાર્દિક પટેલને કોઈ નહોતું ઓળખતું. પાટીદાર અનામતના આંદોલન પહેલાં હાર્દિક પટેલને કોઈ નહોતું ઓળખતું. પરંતુ નરેશ પટેલ તો વરસોથી સામાજિક રીતે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ઘણા સક્રિય રહ્યા છે."
અજય ઉમટે બંને વિશે વાત કરતાં જણાવ્યું કે હાર્દિક પટેલ કડવા પાટીદાર છે જ્યારે નરેશ પટેલ લેઉઆ પાટીદાર.
હાર્દિક પટેલ પાટીદાર આંદાલનથી નેતા બન્યા, એ પહેલાં એમનું કોઈ રાજકીય બૅકગ્રાઉન્ડ નથી રહ્યું. પાટીદાર આંદોલન પછી થયેલી 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસને પટેલ સમાજનો સારો સપોર્ટ મળ્યો હતો.
જાણકારોના મતે આ કારણે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કૉંગ્રેસનો દેખાવ સારો પણ રહ્યો. તુલનાત્મક રીતે આ વિસ્તારોમાં પટેલ સમાજના લોકોની વસ્તી વધારે છે.
રાજ ગોસ્વામીએ ઉમેર્યું કે, "પાટીદાર આંદોલન તો હવે સમાપ્ત થઈ ગયું છે અને હવે આ ચૂંટણીમાં તે મુદ્દો નથી, એ જોતાં હાર્દિક પટેલ આ ચૂંટણીમાં કૉંગ્રેસ માટે કેટલા પ્રભાવક રહેશે એ જોવાનું રહેશે."

તો શું આમ આદમી પાર્ટીને ફાયદો થશે?

ઇમેજ સ્રોત, SANJAY DAS/BBC
આવી સ્થિતિમાં બીજા એક પ્રશ્ન ઊભો થાય છે કે કૉંગ્રેસના આ આંતરિક કલહના લીધે શું આમ આદમી પાર્ટીને ફાયદો થશે?
તાજેતરમાં થયેલી સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 27 સીટો જીતી હતી. ત્યાર પછીથી સ્થાનિક નેતૃત્વ અને અરવિંદ કેજરીવાલ, બંનેને લાગે છે કે રાજ્યમાં એમની સ્વીકૃતિ વધી રહી છે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં સારું કરશે, એવું કહેનારા લોકોમાં વરિષ્ઠ ચૂંટણી વિશ્લેષક અને સીએસડીએસના પ્રોફેસર સંજયકુમાર પણ છે.
એમના મતાનુસાર, આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 7-8 ટકા વોટ શેર મળી શકે છે. પરંતુ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે 2022માં નહીં પણ 2027માં આમ આદમી પાર્ટી ભાજપા માટે ગુજરાતમાં પડકારરૂપ સાબિત થઈ શકે છે. કેમ કે જ્યાં કૉંગ્રેસનો ગ્રાફ નીચો જાય છે ત્યાં આમ આદમી પાર્ટી ઊભરી આવે છે.
ગઈ ચૂંટણીના આંકડાના આધારે એમનું વિશ્લેષણ કહે છે કે, આજની સ્થિતિમાં કૉંગ્રેસ આ વખતની ચૂંટણી નથી જીતતી. કિન્તુ અને પરંતુ, માત્ર એ વાત પર આધારિત છે કે ગુજરાતમાં કૉંગ્રેસની હાલત પંજાબ જેવી થશે કે થોડી સીટોથી ચલાવી લેશે?

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટી 2-3 ટકા વોટ શેરવાળી પાર્ટી બનીને ઊભરે છે કે 12-14 ટકાવાળી પાર્ટી બને છે, એ બાબતે આગામી છ મહિનામાં નિર્ણય થશે. બાકી હાર-જીતની સ્થિતિમાં કશો ફેરફાર નહીં થાય.
એ બાબતે તેમણે દલીલ કરી કે છેલ્લાં 25 વર્ષમાં 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસનો દેખાવ સર્વશ્રેષ્ઠ રહ્યો છે. ત્યારે એમને 41 ટકા વોટ શેર મળ્યા હતા. પરંતુ 77 સીટો સાથે પણ તે બહુમતના આંકડાથી ઘણી પાછળ હતી અને ભાજપાની 99 સીટો કરતાં પણ પાછળ હતી. એ ચૂંટણીમાં ભાજપા અને કૉંગ્રેસની વચ્ચે લગભગ 8 ટકા વોટ શેરનો તફાવત હતો. 2022ની અત્યાર સુધીની ચૂંટણી જોઈએ તો દરેક ચૂંટણીમાં ભાજપા અને કૉંગ્રેસના વોટ શેરમાં વત્તાઓછા પ્રમાણમાં આટલો જ તફાવત જોવા મળ્યો છે.
સંજયકુમાર એક બીજી દલીલ પણ કરે છે. જે રાજ્યોમાં ભાજપા સત્તામાં રહીને ચૂંટણી લડ્યો છે એમાંથી ઘણી જગ્યાએ ચૂંટણી હાર્યો છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન એનાં ઉદાહરણ છે. પરંતુ ત્યાં એમનો વોટ શેર જો ઘટ્યો હોય તોપણ 8 ટકા નથી ઘટ્યો. છત્તીસગઢ એક અપવાદ છે, જ્યાં વોટ શેરમાં 8 ટકાની ઘટ નોંધાઈ હતી.
સંજયકુમાર યાદ પણ કરાવે છે કે ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હોમ સ્ટેટ પણ છે.
રાજ ગોસ્વામી પણ માને છે કે આગામી ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો દેખાવ સારો રહેશે, પરંતુ કૉંગ્રેસ કરતાં પણ સારો હશે એવું હું નથી માનતો.
તો, અજય ઉમટે કહ્યું કે, રાજ્યમાં આમ આદમી પાર્ટી પાસે નેતા અને સંગઠન નથી. થોડાઘણા વિસ્તારોમાં કાર્યકરો જરૂર છે, પરંતુ વોટરોને બૂથ સુધી ખેંચી લાવવામાં સંગઠન અને કાર્યકર્તાઓની સૌથી મોટી ભૂમિકા હોય છે. અજય ઉમટના મતાનુસાર, બહુ થયું તો આમ આદમી પાર્ટી કૉંગ્રેસને નુકસાન કરીને ભાજપાની મદદ કરી શકશે, જેવું ગોવા અને ઉત્તરાખંડમાં કર્યું.

કૉંગ્રેસ કોના ભરોસે?

ઇમેજ સ્રોત, Reuters
25 વર્ષ સત્તા પર રહ્યા પછી ભાજપા માટે સત્તાવિરોધી લહેર ઊઠશે. એમ તો આ વાત કૉંગ્રેસના પક્ષમાં હોય એવું લાગે છે. પરંતુ લાગે છે કે ભાજપાને પણ પહેલાંથી એની અનુભૂતિ થઈ ગઈ હતી. તેથી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભાજપે ગુજરાત કૅબિનેટના બધા ચહેરા જ બદલી નાખ્યા.
એ પણ એક કારણ છે કે કૉંગ્રેસ માટે આ વખતની ચૂંટણી થોડી મુશ્કેલ હોઈ શકે.
અજય ઉમટે કહ્યું કે, "આગામી ચૂંટણી માટે કૉંગ્રેસ પણ હાથ પર હાથ રાખીને નથી બેઠી. તે પણ KHAM (ખામ) થીયરી સાથે પોતાની વોટ બૅન્કનો વિસ્તાર કરી રહી છે. હવે તે K - ક્ષત્રિય, H - હરિજન, A - આદિવાસી અને M - મુસ્લિમને સાથે લઈને વધવા માગે છે."
આ ફૉર્મ્યુલાને વિસ્તારથી સમજાવતાં અજય ઉમટે કહ્યું કે, "2019માં લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ કૉંગ્રેસે આ જ ફૉર્મ્યુલા હેઠળ જગદીશ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા, જે ઓબીસી નેતા છે."
"સુખરામ રાઠવા જે આદિવાસી નેતા મનાય છે, એમને વિધાનસભાના કૉંગ્રેસ દળના નેતા બનાવ્યા. ગુજરાતમાં 15 ટકાથી પણ વધારે ટ્રાઇબલ વસ્તી છે. જિજ્ઞેશ મેવાણી દલિત સમાજમાંથી આવે છે, એ કારણે એમની ધરપકડનો મુદ્દો પણ કૉંગ્રેસે એટલા જોરશોરથી ઉઠાવ્યો. કૉંગ્રેસને ખબર છે કે રાજ્યના મુસલમાન એમની સાથે જ છે."
બીજી તરફ એવું માનવામાં આવી રહ્યું છે કે રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ગુજરાત ચૂંટણી માટે કૉંગ્રેસને PODAM એવો મંત્ર આપ્યો હતો, જેમાંના P - પટેલ, O - ઓબીસી, D - દલિત, A - આદિવાસી અને M - મુસલમાનો માટે હતા.
આ ફૉર્મ્યુલાના કારણે નરેશ પટેલની કૉંગ્રેસમાં જોડાવાની ચર્ચા હતી. પરંતુ કૉંગ્રેસ માટે હાલ તો પ્રશાંત કિશોરનું ચૅપ્ટર બંધ થઈ ગયું છે.
આ દરમિયાન હાર્દિક પટેલના પિતાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે વિરમગામ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજર રહેલા ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ બીબીસી સાથેની વાતચીતમાં ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં 125+ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો હોવાની વાત કરી છે.
હાર્દિકની કૉંગ્રેસ અંગે નારાજગી વિષે પ્રશ્ન પૂછવામાં આવતા તેમણે કહ્યું, "આ વાત તદ્દન ખોટી છે. હાર્દિક સતત સોનિયા ગાંધીનાં માર્ગદર્શન હેઠળ પાર્ટી માટે કામ કરતા આવ્યા છે. તાજેતરમાં જ તેઓ પાંચ રાજ્યોની યોજાયેલી ચૂંટણીમાં પ્રચાર માટે પણ ગયા હતા."
તો બીજી તરફ હાર્દિકની નારાજગી અંગે વાત કરતાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પણ આ મામલ વાતચીત માટે હાર્દિકને આમંત્રણ આપ્યું છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












