હાર્દિક પટેલે કેસરી ખેસવાળી તસવીર અને ભાજપમાં જોડાવા મામલે શું કહ્યું?

'વિરોધી પક્ષનાં વખાણ કરવાનો અર્થ એ નથી કે હવે તમે તેમાં જ ભળી જવાના છો.'

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ફરી એક વાર પોતે ભાજપમાં જોડાવાના નથી તે બાબત અંગે સ્પષ્ટતા કરતાં ઉપર મુજબની પુનરોક્તિ કરી હતી.

હાર્દિક પટેલ પાછલા ઘણા દિવસથી કૉંગ્રેસની નેતાગીરી સામે નકારાત્મક નિવેદનોને કારણે ચર્ચામાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ પાછલા ઘણા દિવસથી કૉંગ્રેસની નેતાગીરી સામે નકારાત્મક નિવેદનોને કારણે ચર્ચામાં છે

નોંધનીય છે કે તેઓ પાછલા ઘણા દિવસથી કૉંગ્રેસની નેતાગીરી સામે નકારાત્મક નિવેદનોને કારણે ચર્ચામાં છે.

ગુજરાત કૉંગ્રેસની નેતાગીરી સામે તેમની નારાજગીને તેમના કૉંગ્રેસ છોડવાના અને ભાજપમાં જોડાવવાના સૂચક તરીકે જોવામાં આવી રહી છે.

સોમવારે હાર્દિક પટેલ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ ખાતે જિલ્લા કૉંગ્રેસ યુવા સ્વાભિમાન સંમેલનના કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. જે દરમિયાન તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના આગામી રાજકીય આયોજન અંગે કેટલીક મહત્ત્વની વાતો કરી હતી.

આ સિવાય તેમણે અમુક દિવસો પહેલાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભાજપનાં વખાણ કરવા મામલે વ્યક્ત કરાઈ રહેલી શંકા બાબતે સ્પષ્ટતા કરી હતી. તેમજ પોતાની વૉટ્સઍપ પ્રોફાઇલ પર ભગવા ખેસવાળી તસવીર મૂકવાની વાત તેમજ સમારોહમાં કૉંગ્રેસનો ખેસ ન પહેરવાની વાત અંગે સ્પષ્ટતા કરી હતી.

નોંધનીય છે કે અગાઉ હાર્દિક પટેલે ગુજરાત કૉંગ્રેસની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમને કામ નથી કરવા દેવામાં આવતું.

તેમજ પક્ષમાં તેમની સ્થિતિ 'નવા વરની નસબંધી' જેવી છે.

line

હાર્દિકે 'કેસરી ખેસ' મામલે શું કહ્યું?

પાછલા ઘણા દિવસથી હાર્દિક કૉંગ્રેસની નેતાગીરી સામે નકારાત્મક નિવેદનો આપી રહ્યા હતા

ઇમેજ સ્રોત, TWITTER/HARDIKPATEL

ઇમેજ કૅપ્શન, પાછલા ઘણા દિવસથી હાર્દિક કૉંગ્રેસની નેતાગીરી સામે નકારાત્મક નિવેદનો આપી રહ્યા હતા

હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "જેની સાથે સ્પર્ધા હોય તેમનાં વખાણ કરવાનો અર્થ એ નથી કે હવે તેમની સાથે ભળી જવાનું છે."

જ્યારે પત્રકારોએ તેમને પોતાની વૉટ્સઍપ પ્રોફાઇલમાં તસવીર બદલી નાખી હોવાની વાત અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે આના જવાબમાં કહ્યું કે, "બધા લોકો પાંચ-છ દિવસે પોતાનો ફોટો બદલે છે. તો હું બદલું એમાં કોઈ મોટી વાત નથી."

તેમજ કૉંગ્રેસના સમારોહમાં આવીને કૉંગ્રેસનો ખેસ ન પહેરવાની વાત અંગે તેમણે કહ્યું કે તેમની જેમ અન્ય લોકોએ પણ કૉંગ્રેસનો ખેસ નથી પહેર્યો.

હાર્દિક પટેલે સ્થળ પર હાજર રહેલા પત્રકારો સાથેની વાતચીતમાં જો નરેશ પટેલ ગુજરાત કૉંગ્રેસમાં સામેલ થાય તો તે અંગે પોતે ખૂબ ખુશ થશે તેવી વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "તેઓ ગુજરાત કૉંગ્રેસમાં સામેલ થાય તેની સૌથી પહેલાં તરફેણ મેં જ કરી હતી. જો હું અન્ય યુવાનો જોડાય એ માટે આગળ વધીને તરફેણ કરી શકું તો અનુભવી લોકો જોડાય તો તેની સામે કોને વાંધો હોઈ શકે."

હાર્દિક પટેલને જ્યારે પુછાયું કે જગદીશ ઠાકોર સાથે તેમને અણબનાવ છે કે કેમ? તો આ વાતના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "મારે કોઈની સાથે કોઈ તકલીફ કે અણબનાવ નથી."

આ સિવાય જ્યારે તેમને કૉંગ્રેસના મુખ્ય મંત્રીના ઉમેદવાર તરીકે નરેશ પટેલના નામ અંગે તેમને પુછાયું ત્યારે તેમણે કહ્યું હતું કે, "જો નરેશ પટેલને મુખ્ય મંત્રીના ઉમેદવાર તરીકે જાહેર કરાય તો હું રાજી થઈશ. આ સિવાય કોઈ પણ જ્ઞાતિના ઉમેદવારને જાહેર કરાય તો પણ મને રાજીપો જ થશે."

તેઓ પોતે આગામી દિવસોમાં ચૂંટણી લડશે કે કેમ તેમજ કૉંગ્રેસ છોડી દેશે કે કેમ તે અંગેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, "તેમને તક મળે તો તેઓ જરૂર જનતાનો અવાજ વિધાનસભામાં પણ ઉઠાવવાનું બીડું ઝડપશે."

"ગુજરાત કૉંગ્રેસની નેતાગીરી સાથે નારાજગી હોય તો તેનો અર્થ એ નથી કે હું કૉંગ્રેસ છોડી દેવા કે મારું કદ પાર્ટીમાં વધે તે માટે પ્રયત્ન કરી રહ્યો છું. પરિવાર હોય ત્યાં નાનું-મોટું થયા કરે."

line

'જો નિર્ણય લઈશ તો જણાવીશ'

હાર્દિક પટેલ પાછલા ઘણા દિવસથી ગુજરાત કૉંગ્રેસ સામે પોતાની નારાજગી અવારનવાર મીડિયાની સામે આવીને જણાવતા રહ્યા છે

ઇમેજ સ્રોત, @HARDIKPATEL

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ પાછલા ઘણા દિવસથી ગુજરાત કૉંગ્રેસ સામે પોતાની નારાજગી અવારનવાર મીડિયાની સામે આવીને જણાવતા રહ્યા છે

હાર્દિક પટેલ પાછલા ઘણા દિવસથી ગુજરાત કૉંગ્રેસ સામે પોતાની નારાજગી અવારનવાર મીડિયાની સામે આવીને જણાવતા રહ્યા છે.

તેમણે અવારનવાર પ્રદેશના નેતાઓ અને કૉંગ્રેસના મોટાં માથાં દ્વારા તેમને કામ ન કરવા દેવાતા હોવાના આક્ષેપ પણ કર્યા છે.

આવી પરિસ્થિતિમાં જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે અમુક સમય જ બાકી છે ત્યારે હાર્દિકની કૉંગ્રેસ પ્રત્યેની નારાજગીનો અર્થ ઘણા જાણકારો અને વિશ્લેષકો તેમની ભાજપમાં સામેલ થવાની મહેચ્છાના સંકેત તરીકે પણ ગણાવી રહ્યા છે.

અગાઉ પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિક ભાજપમાં સામેલ થવાની વાત અંગે કહ્યું હતું કે, "મારી કૉંગ્રેસ છોડવાની અને ભાજપમાં સામેલ થવાની વાતો પાછલા ઘણા સમયથી સમાચારસંસ્થાઓ સૂત્રોને આધારે ચલાવી રહી છે. પરંતુ હાલના સંજોગો અનુસાર ભાજપમાં સામેલ થવાની વાત ક્યાંય આવતી નથી. પરંતુ ભવિષ્યમાં ગમે ત્યારે આવો રાજકીય નિર્ણય લેવાની પરિસ્થિતિ સર્જાશે તો તેની જાણ કરીશ."

"જો રાજ્યના હિત અને તેની જનતા માટે આવા કોઈ પણ નિર્ણય લેવો પડે તો લોકો સામે આવીને જરૂર એ વાત મૂકીશ."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો