ભારતમાં વંચિત અને લઘુમતી વર્ગના લોકોનું આયુષ્ય અન્યો કરતાં ઓછું કેમ હોય છે?
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
આજે ભારતમાં જન્મ લેનાર નવજાતનું આયુષ્ય 69 વર્ષ રહી શકે છે એવું માનવામાં આવે છે, જે વિશ્વના સરેરાશ આયુષ્ય કરતાં ત્રણ વર્ષ ઓછું છે.
મનુષ્યનું સરેરાશ આયુષ્ય (માણસ સરેરાશ કેટલું જીવશે તેની શક્યતા) ભારતનાં જુદાં-જુદાં સામાજિક જૂથોમાં અલગ-અલગ હોય છે.
સંગીતા વ્યાસ, પાયલ હાથી અને આશિષ ગુપ્તાના નવા અભ્યાસમાં જોવા મળ્યું છે કે ભારતના સૌથી વંચિત વર્ગોના લોકો - આદિવાસી અને દલિત અને મુસ્લિમ - સવર્ણ હિન્દુ વર્ગના લોકો કરતાં નાની વયે મૃત્યુ પામે તેવી સંભાવના રહેલી છે.

ઇમેજ સ્રોત, Getty Images
દેશનાં નવ રાજ્યોના બે કરોડ લોકોના આરોગ્ય વિશેના સત્તાવાર આંકડાંને આ સંશોધકોએ તપાસ્યા અને તેના આધારે કેટલાંક તારણો કાઢ્યાં છે.
સંશોધકોએ જોયું કે આદિવાસી અને દલિતોનું સરેરાશ આયુષ્ય સવર્ણ હિન્દુ વર્ગના લોકો કરતાં ચારથી ત્રણ વર્ષ ઓછું હોય છે. સવર્ણ હિન્દુ કરતાં મુસ્લિમનું સરેરાશ આયુષ્ય એકાદ વર્ષ ઓછું હોય છે.

મહિલા-પુરુષ અને અન્ય પરિમાણોમાં સ્થિતિ

ઇમેજ સ્રોત, AFP
ભારતના વંચિત વર્ગોની મહિલાઓમાં સરેરાશ આયુષ્યનો અંદાજ આ પ્રમાણે રહેલો છે: આદિવાસી મહિલાઓ 62.8 વર્ષ, દલિત મહિલાઓ 63.3 વર્ષ અને મુસ્લિમ મહિલાઓ 65.7 વર્ષ. તેની સામે હિન્દુ સવર્ણ મહિલા સરેરાશ આયુષ્ય 66.5 વર્ષ જીવે છે.
હવે જોઈએ કે વંચિત વર્ગના પુરુષોનું સરેરાશ આયુષ્ય કેટલું હોય છે: આદિવાસીમાં 61.3 વર્ષ, દલિતમાં 61.3 વર્ષ અને મુસ્લિમમાં 63.8 વર્ષ. હિન્દુ સવર્ણ પુરુષ સરેરાશ આયુષ્ય 64.9 વર્ષ જીવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકામાં આ જ રીતે શ્વેત અને અશ્વેત સમુદાયો વચ્ચે સરેરાશ આયુષ્યની બાબતમાં ઘણુ અંતર રહેલું છે. અમેરિકા કરતાં ભારતમાં સરેરાશ આયુષ્ય સમગ્ર રીતે ઓછું છે તેના કારણે ભારતના આંકડાં ટકાવારીની રીતે વધારે ધ્યાન ખેંચનારા છે.
તબીબી સુવિધા, સ્વચ્છતા અને જાહેર આરોગ્યમાં સુધારાના કારણે ભારતમાં સરેરાશ આયુષ્યમાં ખાસ્સો વધારો થયો છે: 50 વર્ષ પહેલાં ભારતમાં કોઈ પણ વ્યક્તિ વનપ્રવેશ કરે (50 વર્ષથી વધારે) તો પણ બહુ થઈ ગયું ગણાતું. આજે હવે તેનાથી વધુ 20 વર્ષ સુધી તે જીવી શકે છે.
બધા જ સામાજિક જૂથોમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે તે ખુશ થવા જેવી વાત છે, પરંતુ આશિષ ગુપ્તા અને નિખિલ સુદર્શનનના અભ્યાસ અનુસાર સામાજિક વર્ગો વચ્ચે જે ફરક હતો તેમાં ઘટાડો થયો નથી.
કેટલાક કિસ્સામાં ફરક વધી ગયો છે: દાખલા તરીકે દલિત પુરુષ અને હિન્દુ સવર્ણ પુરુષ વચ્ચે સરેરાશ આયુષ્યનો જે ફરક હતો તેમાં ઊલટાનો વધારો થયો છે. 1990ના દાયકાનાં પાછલાં વર્ષોથી 2010 દાયકાના મધ્ય સુધીમાં અંતર વધી ગયું છે. 1997થી 2000 દરમિયાન સવર્ણ હિન્દુ સામે મુસ્લિમોના સરેરાશ આયુષ્ય વચ્ચે થોડો જ ફરક રહ્યો છે, પરંતુ છેલ્લા 20 વર્ષમાં તે ફરકમાં ઘણો વધારો થયો છે.
વિશ્વમાં વંચિત વર્ગોની સૌથી મોટી સંખ્યા ભારત વસે છે. ભારતના 12 કરોડ આદિવાસીઓ - જેમને એક ઇતિહાસકારે "અદૃશ્ય અને વંચિત લઘુમતી" ગણાવી છે - તેઓ અંતરિયાળ વિસ્તારમાં ગરીબીમાં જીવે છે. રાજકીય અને સામાજિક રીતે સશક્તિકરણ થયું હોવા છતાં ભારતના 23 કરોડ દલિતો આજેય ભેદભાદનો સામનો કરી રહ્યા છે. એ જ રીતે 20 કરોડ જેટલા મુસ્લિમો પણ સામાજિક રીતે સૌથી છેવાડે રહ્યા છે અને ઘણી વાર સાંપ્રદાયિક હિંસાનો ભોગ બનતા રહે છે."

જુદા-જુદા વર્ગોમાં સરેરાશ આયુષ્યમાં આવા અંતરનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકોએ જોયું કે આ ફરકમાં અડધા જેટલું પ્રમાણ તો વ્યક્તિ ક્યાં રહે છે, કેટલી સંપત્તિ ધરાવે છે અને કેવા પર્યાવરણ વચ્ચે છે તેના પર આધારિત છે. દાખલા તરીકે આ અભ્યાસ અનુસાર આર્થિક સદ્ધરતાના સ્તર પ્રમાણે સરખામણી કરવામાં આવે તો સવર્ણ હિન્દુ કરતાં આદિવાસીઓ અને દલિતો ઓછું જીવે છે.
સરેરાશ આયુષ્યમાં શા માટે ફેર પડી જાય છે તે જાણવા માટે ભારતમાં વધારે સંશોધનની જરૂર છે. દાખલા તરીકે કેટલાક પુરાવાથી એવો ખ્યાલ આવે છે કે શા માટે આદિવાસી અને દલિત કરતાં મુસ્લિમો વધારે જીવતા હોય છે. મુસ્લિમોમાં બાળકો ખુલ્લામાં શૌચ કરવા જતા ઓછા હોય છે, મહિલાઓને સર્વાઇકલ કૅન્સર ઓછું હોય છે, દારૂનું સેવન ઓછું હોય છે અને આત્મહત્યાનું પ્રમાણ પણ ઓછું હોય છે.

ભેદભાવની પણ આયુષ્ય ઉપર અસર પડે છે

ઇમેજ સ્રોત, Getty Images
એવા પણ પુરાવા છે કે વંચિત વર્ગનાં બાળકોને શાળાઓમાં જે ભેદભાવનો અનુભવ થાય છે અને સરકારી અધિકારો સાથે પનારો પડે ત્યારે ભેદભાવ સહન કરવો પડે છે ત્યારે તેની અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. તણાવને કારણે ક્રોનિક ડિસીઝ થાય તેની સાથે આવા અનુભવોને જોડવામાં આવે છે. આ વર્ગના લોકોને આરોગ્યની સુવિધા સારી મળતી નથી અને સારું શિક્ષણ પણ મળતું નથી અને આ બંનેના કારણે પણ સ્વાસ્થ્ય નબળું થતું હોય છે.
સૅનિટેશન કામદારો જેવા વંચિત વર્ગને રોગ થવાની અને મૃત્યુની શક્યતાના જોખમનો વધારે સામનો કરવો પડે છે. સંશોધકો કહે છે કે તેમના અભ્યાસ અનુસાર "માત્ર આર્થિક અસમાનતાનો વિચાર કરવાનું પૂરતું નહીં ગણાય, પણ સામાજિક ભેદભાવના પડકારો છે તેને પણ આરોગ્યની સ્થિતિ સંદર્ભે વિચારવા પડશે."
માત્ર ભારતમાં જ સામાજિક જૂથો વચ્ચે અસમાનતા છે એવું નથી: અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને યુકેમાં પણ આ રીતે જૂથો વચ્ચે ફરક હોવાના પુરાવા છે.
જોકે આ પ્રકારના ભેદભાવના કારણે આરોગ્યની બાબતમાં કેટલી અસર થાય છે તેનો અભ્યાસ કરવા માટે ભારતમાં વધારે ડેટાની જરૂર છે.
આંકડાં અપૂરતા હોવાના કારણે અંદાજે એક કરોડ મૃત્યુ થાય ત્યારે 70 લાખ કિસ્સામાં મૃત્યુના કારણનું મેડિકલ સર્ટિફિકેટ લેવાયું હોતું નથી અને 30 લાખ મૃત્યુની નોંધ પણ થતી નથી. અને સંશોધકો કહે છે તે પ્રમાણે એવી પણ જરૂર છે કે "આરોગ્ય વ્યવસ્થામાં ભેદભાવ છે તે દૂર કરવામાં આવે અને વંચિત સામાજિક જૂથોને પણ વધારે સારી આરોગ્ય સુવિધા મળે તે તાતી જરૂરીયાત છે".

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












