વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય મહિલાઓ કેમ વધુ મત આપે છે?

    • લેેખક, ગીતા પાંડેય
    • પદ, બીબીસી સંવાદદાતા

એવી પ્રચલિત ઉક્તિ છે કે દરેક સફળ પુરુષની પાછળ એક મહિલા હોય છે.

પરંતુ તાજેતરમાં યોજાયેલી મહત્ત્વનાં રાજ્યોની ચૂંટણીઓમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની સફળતા પાછળ લાખો મહિલાઓ હોવાનું માનવામાં આવે છે.

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

તાજેતરના બે અભ્યાસ અનુસાર, ફેબ્રુઆરી-માર્ચમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાંથી ચારમાં પુરુષોની તુલનામાં મહિલાઓએ ભાજપને વધુ મત આપ્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ પણ સામેલ છે, જેની વસ્તી બ્રાઝિલ કરતાં વધુ છે.

1962માં ચૂંટણીપંચે મતદાર ટકાવારીમાં લિંગ અનુસાર આંકડા આપવાના શરૂ કર્યા ત્યારથી રાષ્ટ્રીય સ્તરે વધુ પ્રમાણમાં મહિલાઓએ કૉંગ્રેસને મત આપ્યા છે.

પરંતુ 2019માં ભાજપ પહેલી વાર સૌથી વધુ મહિલાના મત મેળવનારો પક્ષ બન્યો હતો.

જોકે ભાજપ મોટા ભાગના ભારતીય રાજકીય પક્ષોની જેમ ભાગ્યે જ નારીવાદીઓથી બનેલો હશે અને તેનો દૃષ્ટિકોણ ઘણી મહિલાઓ અપ્રિય લાગે છે.

line

મહિલાઓનો ભાજપ તરફી ઝોક

મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

પક્ષના નેતાઓ અવારનવાર મહિલાઓ પર અયોગ્ય ટિપ્પણીઓથી સમાચારોમાં રહે છે અને તેનાં કેટલાંક રાજ્યોની સરકારો બળાત્કારના કેસ સંદર્ભે કરેલી નબળી કાર્યવાહીથી વૈશ્વિક રીતે પણ ચર્ચામાં રહી છે.

તો સરકારના વિવાદાસ્પદ નાગરિકતા કાયદા સામેના સૌથી લાંબા અને સૌથી વધુ બુલંદ વિરોધનું નેતૃત્વ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

પરંતુ આમ હોવા છતાં ડેટા સૂચવે છે કે હવે વધુ મહિલાઓ ભાજપને મતદાન કરી રહી છે.

તો ભાજપ ભારતીય મહિલાઓની પસંદગીનો પક્ષ કેવી રીતે બન્યો?

દિલ્હીસ્થિત થિંક ટૅન્ક સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ (CSDS)ના સંજયકુમાર કહે છે, "નરેન્દ્ર મોદીના કારણે."

વીડિયો કૅપ્શન, મોંઘવારી મુદ્દે ગુજરાતના યુવાનોએ વડા પ્રધાન મોદીને શું ફરિયાદ કરી?

તેઓ કહે છે, "આ અચાનક નથી થયું કે પાર્ટી મહિલાઓ માટે આકર્ષણ બની ગઈ છે. મોદી ચોક્કસપણે એક પરિબળ છે - મુખ્ય પરિબળ."

નલીન મહેતા રાજકીય વિશ્લેષક અને લેખક છે, જેમણે તેમના તાજેતરના પુસ્તક 'ધ ન્યૂ બીજેપી'માં આ વિષય પર વ્યાપકપણે સંશોધન કર્યું છે.

તેઓ કહે છે કે પાર્ટીએ 1980માં મહિલા મોરચાની રચના કરીને મહિલાઓ સુધી પહોંચવાની શરૂઆત કરી.

નલીન મહેતા કહે છે, "ભાજપ પાસે તે સમયે કેટલીક મહત્ત્વપૂર્ણ અને શક્તિશાળી મહિલા નેતાઓ હતી અને તેણે મહિલાઓના વિશિષ્ટ મુદ્દાઓ પર નોંધપાત્ર વચનો આપ્યાં હતાં, પરંતુ તે પછીના દાયકાઓ સુધી ઘણી મહિલાઓએ ભાજપને મત આપ્યો ન હતો. પાર્ટીને મોટા ભાગે પિતૃસત્તાક પુરુષોના વર્ચસ્વ તરીકે જોવામાં આવી હતી અને મહિલાઓ માટે ઓછી અપીલ કરવામાં આવી હતી."

તેઓ કહે છે કે રાષ્ટ્રીય સ્તરે 2019માં જે મોટો ફેરફાર થયો હતો તેનાં મૂળ 2007માં જોવા મળે છે, જ્યારે મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે ફરી ચૂંટણી લડી હતી.

મહેતા કહે છે કે પ્રથમ વખત નરેન્દ્ર મોદીએ "મહિલાઓને આકર્ષવાની કોશિશ કરી."

line

56 ઇંચની છાતીનો ઉલ્લેખ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણી રેલીઓમાં મોદી વારંવાર 56 ઇંચની છાતીનો ઉલ્લેખ કરતા હતા. હિન્દીભાષી રાજ્યોમાં તાકાતવર લોકો માટે આ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. પરંતુ "મજબૂત રાષ્ટ્રવાદ"ના રાજકારણ માટે જાણીતા મોદી આ શબ્દના માલિક હતા.

મહેતા કહે છે, "જ્યારે પણ તે તેનો ઉલ્લેખ કરતા ત્યારે પ્રેક્ષકોમાંથી એક ઉદ્ગાર સંભળાતો, ખાસ કરીને તે વિભાગમાંથી જ્યાં મહિલા મતદારો બેઠી હતી. અને ઘણી વખત તેમની રેલીઓમાં પુરુષો કરતાં મહિલાઓ વધુ હતી. તેઓ (મોદી) તેમને અપીલ કરતા કહેતા કે, 'હું તમારો ભાઈ છું, તમારો દીકરો છું, મને મત આપો અને હું તમારાં હિતોનું ધ્યાન રાખીશ'."

પરંતુ પુરુષત્વની કેટલીક મર્યાદાઓ છે. આથી તેમણે "એક એવા પુરુષની છબિ અંકિત કરી, જે સમસ્યાના સમાધાનને મહિલાઓ કેન્દ્રિત બાબતો અને વિકાસની વ્યૂહરચના સાથે જોડી શકે છે. આનું પરિણામ પણ સારું રહ્યું અને 2007 અને ફરીથી 2012માં ગુજરાત જીતવામાં મદદ મળી.

2014માં તેઓ સામાન્ય ચૂંટણી (લોકસભા) જીત્યા ત્યાં સુધીમાં તેમણે આ રણનીતિને પૂર્ણતા સુધી પહોંચાડી દીધી હતી.

તે વર્ષે ઑગસ્ટમાં વડા પ્રધાન તરીકે રાષ્ટ્રને સંબોધતા તેમના પ્રથમ સંબોધનમાં તેમણે સ્ત્રીભ્રૂણહત્યા વિરુદ્ધ અપીલ કરી, બળાત્કારની નિંદા કરી અને માતાપિતાને સારાં સંતાનોના ઉછેરની સલાહ આપી.

મહેતા કહે છે કે વડા પ્રધાન તરીકે મોદી "પરિવર્તનના ઉત્પ્રેરક" બની ગયા, જેમણે જાહેર મેળાવડા અને ચૂંટણી રેલીઓમાં મહિલાઓના મુદ્દાઓ વિશે સતત વાત કરી હતી. 2014થી 2019 સુધીના તેમનાં ભાષણોમાં ટોચના પાંચ વિષયોમાં મહિલાઓ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.

પરંતુ તેમના અંગત કરિશ્માના ઉપયોગ ઉપરાંત ભાજપ રાજકારણમાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ પણ આપી રહ્યો છે.

line

ભાજપ, નરેન્દ્ર મોદી અને મહિલાઓ

મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

2019માં તેમણે અન્ય કોઈ પણ પક્ષ કરતાં વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં અને અગાઉની કોઈ પણ સરકારો કરતાં વધુ મહિલા મંત્રીઓની નિમણૂક કરી.

તેમણે પાર્ટીના સંગઠનાત્મક માળખામાં પણ સુધારો કર્યો, મહિલાઓ માટે ક્વોટા લાવ્યા, ગ્રામીણ તથા ગરીબ પૃષ્ઠભૂમિની વધુ મહિલાઓને સમાવવા માટે પોતાના સામાજિક આધારને વિસ્તાર્યો.

મહેતા કહે છે કે ભાજપની મહિલા સમર્થકોનો એક નોંધપાત્ર હિસ્સો ગ્રામીણ વિસ્તાર અને ગરીબી રેખાથી નીચે જીવતા લોકોમાંથી આવતો હોવાથી પાર્ટીની કલ્યાણકારી યોજનાઓ પણ મુખ્યત્વે તેમને લક્ષ્યમાં રાખે છે.

પિતૃસત્તામાં ઊંડે સુધી પેસેલા દેશમાં મહિલાઓ પાસે થોડા મિલકતના અધિકારો છે. 2014 અને 2019ની વચ્ચે ગરીબો માટે મંજૂર કરાયેલા 1.7 મિલિયન ઘરોમાંથી લગભગ 68% વ્યક્તિગત અથવા પુરુષો સાથે સંયુક્ત રીતે મહિલાઓનાં નામે નોંધાયેલાં હતાં.

સરકારે લાખો ઘરેલુ શૌચાલય પણ બનાવ્યાં અને લાખો મહિલાઓને બૅન્ક ખાતાં ખોલવામાં મદદ કરી, જેથી તેઓ સીધા પેન્શન, સબસિડી અને અન્ય લાભો મેળવી શકે.

વીડિયો કૅપ્શન, પેટ્રોલ અને ગૅસનો બાટલો હપ્તેથી આપવા માટે નરેન્દ્ર મોદીને પત્ર લખનાર વ્યક્તિએ શું કહ્યું?

મહેતા કહે છે, "મોદીને ઘણી વાર એવું કહેતા સાંભળ્યા છે કે અમે એક કલ્યાણકારી નેટવર્ક બનાવી રહ્યા છીએ જે પાલનથી લઈને અંત સુધી મહિલાઓની સંભાળ રાખે છે. યોજનાઓ સંપૂર્ણ નથી પરંતુ તે ચોક્કસપણે ફરક લાવી રહી છે."

"પરિણામે, ઘણી મહિલા મતદારો હજુ પણ ભાજપને શ્રેષ્ઠ પાર્ટી તરીકે જોઈ રહી છે, અન્ય કરતાં વધુ સારી."

પરંતુ અશોકા યુનિવર્સિટીનાં વરિષ્ઠ પત્રકાર અને મીડિયા સ્ટડીઝનાં વડાં માયા મીરચંદાની કહે છે કે વ્યક્તિગત રીતે કોઈ પણ પાર્ટી માટે આ જાતિ આધારિત સમર્થન ટૂંકા ગાળાનું હોઈ શકે છે.

તેઓ કહે છે, "મોદી ખૂબ જ પ્રભાવશાળી છે અને તેમના સમર્થકો સાથે જબરજસ્ત સહાનુભૂતિ રાખે છે જેઓ તેમને એક સરળ માણસ તરીકે જુએ છે, સાદું જીવન જીવે છે. તેમના માટે તેઓ આકર્ષણ છે, કારણ કે તેઓ ફિટ છે, તેઓ દેખાડો નથી કરતા, જાહેરમાં તેઓ નિષ્કલંક છે. પરંતુ તેઓ 71 વર્ષના છે અને આગામી સમયમાં વય વધતા ઝાંખા પડી જશે."

મીરચંદાની કહે છે કે તે પણ જોવાનું રહેશે કે શું તેમની અપીલને લીધે આ ક્ષણે ભારત જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, તેમાંથી બહાર નીકળી શકશે.

"એવા સમયે જ્યારે બેરોજગારી વધી રહી છે, ફુગાવો ઊંચો છે અને ઇંધણની કિંમતો સતત વધી રહી છે. તેમના સમર્થકોને એકસાથે જકડી રાખવાની એકમાત્ર વસ્તુ ધાર્મિક ઓળખની રાજનીતિ છે. પરંતુ જો સાંપ્રદાયિક હિંસા હાથમાંથી નીકળી જાય અને અર્થવ્યવસ્થા ઉપર ન આવે તો ઘર ચલાવતી મહિલાઓ તેમની વિરુદ્ધ થઈ જશે."

"તે ચરમસીમા હજી આવી નથી, પરંતુ તે આવી શકે છે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો