મસ્જિદ કે મંદિર ઉપર લાઉડસ્પીકર ક્યારે લગાવી શકાય? ઇસ્લામિક દેશોમાં કેવા છે કાયદા?

    • લેેખક, દીપાલી જગતાપ, જાહ્નવી મૂળે
    • પદ, બીબીસી મરાઠી

મસ્જિદો પર લગાવવામાં આવતા લાઉડ સ્પીકર્સ સામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ જોરદાર વાંધો લીધા પછી હવે નાસિક પોલીસે એક મહત્ત્વની નોટિસ બહાર પાડી છે.

નાસિકના પોલીસવડા દીપક પાંડેયએ સ્પષ્ટતા કરી છે કે નાસિકમાંનાં તમામ ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર લગાવવા માટે ત્રીજી મે સુધીમાં નિયમોનુસાર પરવાનગી લેવી પડશે, અન્યથા તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

મસ્જિદ, અઝાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લાઉડ સ્પીકરના મુદ્દે કર્ણાટકમાં પણ રાજકારણ ગરમાયું છે. બેંગલુરુ પોલીસે મસ્જિદ, ચર્ચ, પબ અને એવાં 300થી વધુ સ્થળોએ લાઉડ સ્પીકરના વપરાશ બાબતે નોટિસ પાઠવી છે

મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે "સામાજિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રસ્તુત આદેશ મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ 51 અંતર્ગત આપવામાં આવે છે. આ નિયમ તમામ ધર્મસ્થળોને લાગુ પડશે. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ સહિતનાં તમામ ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર લગાવવા માટે પરવાનગી લેવી જરૂરી છે. અત્યાર સુધી આવી પરવાનગી કોઈએ લીધી નથી."

નાસિક પોલીસે નાસિકમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા બાબતે પણ કેટલીક સૂચના આપી છે. હનુમાન ચાલીસાના પાઠ કરવા સામે કોઈ વાંધો નથી, પરંતુ તે અઝાન દરમિયાન ન કરવા જોઈએ અને મસ્જિદથી 100 મીટર દૂરના અંતરે કરવા જોઈએ એવી સૂચના નાસિક પોલીસે આપી છે.

રાજ ઠાકરેએ "મસ્જિદો પરના લાઉડ સ્પીકર્સ ત્રીજી મે સુધીમાં હઠાવવામાં નહીં આવે તો મસ્જિદોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે" એવી ચેતવણી આપતા મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એક વાર મસ્જિદો પરના લાઉડ સ્પીકરના મુદ્દે ગરમાયું છે.

રાજ ઠાકરેએ એવો દાવો પણ કર્યો હતો કે "મુંબઈ હાઈકોર્ટે મસ્જિદો પરના લાઉડ સ્પીકર્સ ઉતારી લેવાનો આદેશ આપ્યો હોવા છતાં રાજ્ય સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી."

રાજ ઠાકરેના આ દાવામાં કેટલી સચ્ચાઈ છે? આ સંબંધે કાયદો શું કહે છે? નિયમ શું છે? અઝાન એટલે શું? તે લાઉડ સ્પીકર મારફત શા માટે આપવામાં આવે છે? અન્ય દેશોમાં આ સંબંધે કેવા નિયમ છે? અન્ય દેશોમાં આ મુદ્દે રાજકારણ રમાય છે કે નહીં? આ બધા સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ આપણે કરીશું.

line

અઝાન એટલે શું?

મસ્જિદ, અઝાન

ઇમેજ સ્રોત, Getty Images

અરબી ભાષાના શબ્દ અઝિનાનો અર્થ છે સાંભળવું. આ શબ્દ પરથી અઝાન શબ્દ બન્યો હોવાનું કહેવાય છે. અઝાન એટલે પ્રાર્થના, નમાઝ માટે એકઠા થવાની હાકલ. મસ્જિદની દેખભાળ કરતા મુઆઝિન, અઝાનનો સમય થાય ત્યારે મસ્જિદના મિનારા પરથી તેના માટે હાકલ કરે છે.

ટોચના એક મુસ્લિમ પદાધિકારીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "દિવસમાં પાંચ વખત અઝાન આપવામાં આવે છે. તેનો અર્થ એ કે દિવસમાં પાંચ વખત નમાઝના સમયની યાદ અપાવવામાં આવે છે. નમાઝનો સમય નિશ્ચિત હોતો નથી."

"સૂર્ચની દિશા અને સ્થિતિ અનુસાર તે સમય રોજ બદલાતો હોય છે. આમ નમાઝ પઢવાના સમયની જાહેરાત અગાઉથી થઈ શકતી નથી. તેથી બધા મુસ્લિમોને ચોક્કસ સમયની જાણ કરવાના હેતુસર લાઉડ સ્પીકરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો."

પરંપરાગત રીતે મસ્જિદના મિનારામાં જઈને મુઆઝિન દ્વારા મોટા અવાજમાં અઝાનનું પઠન કરવામાં આવતું હતું, પરંતુ વીસમી સદીના મધ્ય ભાગ સુધીમાં દરેક જગ્યાએ લાઉડ સ્પીકરનો ઉપયોગ થવા લાગ્યો હતો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

'ધ બિશપ, ધ મુલ્લા એન્ડ ધ સ્માર્ટ ફોન' નામના પુસ્તકના લેખક બ્રાયન વિન્ટર્સે આપેલી માહિતી મુજબ, સિંગાપુરની મસ્જિદમાં સૌપ્રથમ વાર માઇક્રોફોન-લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું નોંધાયું છે.

સિંગાપુરની મસ્જિદ સુલતાનમાંથી 1936માં લાઉડ સ્પીકર મારફત સૌપ્રથમ અઝાન આપવામાં આવી ત્યારે તેને એક માઇલ દૂરના અંતરે રહેલા લોકોએ પણ સાંભળી હતી.

મસ્જિદમાં આ નવી ઇલેક્ટ્રિક સિસ્ટિમના ઉપયોગ બાબતે લોકો શરૂઆતમાં સાશંક હતા, પણ શહેરમાં વધતા ઘોંઘાટ વચ્ચે લાઉડ સ્પીકરના ઉપયોગથી મુઆઝિનના અવાજને બળ મળશે, એવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી.

જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં સાઉન્ડ સિસ્ટિમની ક્ષમતા સતત વધતી રહી અને લાઉડ સ્પીકર વડે અઝાન આપવાની વાત માત્ર ભારતમાં જ નહીં, પણ આરબ તથા મુસ્લિમ દેશો સહિતના સમગ્ર વિશ્વમાં વિવાદનો મુદ્દો બની ગઈ છે.

ઇજિપ્તના રાજધાની કૈરોમાં 2005માં અઝાનની પદ્ધતિ અને એ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ વિવાદનો મુદ્દો બન્યા હતા. સ્થાનિક લોકોએ અને કેટલાક ધર્મપ્રસારકોએ ફરિયાદ દાખલ કર્યા પછી અઝાનમાં સુસંગતતા લાવવાના પ્રયત્ન ઇજિપ્તમાં શરૂ થયા હતા, જે હજુ પણ ચાલુ છે.

ગયા વર્ષે સાઉદી અરેબિયાની મસ્જિદોના લાઉડ સ્પીકર્સ પર પણ અવાજની મર્યાદા લાદવામાં આવી છે.

line

ભારતમાં અઝાન બાબતે કાયદાઓ અને નિયમો શું કહે છે?

મસ્જિદ, અઝાન

ઇમેજ સ્રોત, Getty Images

માત્ર મસ્જિદોમાં જ નહીં, હિન્દુ, ખ્રિસ્તી અને અન્ય ધર્મોમાં પણ તહેવારો, ઉત્સવો, લગ્ન અને મેળાઓ વગેરેમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે.

ભારતમાં લાઉડ સ્પીકરના ઉપયોગના નિયમો અને નિયંત્રણો એકસમાન હોવાનું કાયદા નિષ્ણાતોએ જણાવ્યું હતું.

મુંબઈ હાઈકોર્ટના વકીલ અને મહારાષ્ટ્ર-ગોવા બાર કાઉન્સિલના સભ્ય ઉદય વારુંજીકર કહે છે કે "એન્વાર્યન્મેન્ટલ પ્રોટેક્શન ઍક્ટ - 2000 મુજબ, અવાજના પ્રમાણના નિયમો છે. તેમાંથી ધાર્મિક સ્થળોને મુક્તિ આપવામાં આવી નથી."

"રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગની પરવાનગી વર્ષ દરમિયાન કુલ 15 દિવસ આપવાનો અધિકાર રાજ્ય સરકારોને છે. ઉત્સવ કે સભા કે એવા કોઈ કાર્યક્રમ માટે રાજ્ય સરકાર આવી પરવાનગી આપી શકે છે."

લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો હોય તો કાયદા મુજબની ડેસિબલ (અવાજની મર્યાદા)નું પાલન કરવું પડે છે. અવાજનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હોય તો લાઉડ સ્પીકરના વપરાશકર્તા અને સપ્લાયર બન્ને સામે ગુનો દાખલ થઈ શકે છે.

વીડિયો કૅપ્શન, 'મને ડર લાગે ત્યારે અલ્લાહનું નામ લઉં છું', નારા પોકારનાર યુવતી મુસ્કાન ખાન

સર્વોચ્ચ અદાલતના વકીલ દિલીપ તૌર બીબીસી સાથે વાત કરતાં કહે છે કે "ધાર્મિક સ્થળોમાં લાઉડ સ્પીકર લગાવવા બાબતે સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. રાતે દસથી સવારના છ વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે 2005માં પ્રતિબંધ લાદ્યો હતો."

દિલીપ તૌરના જણાવ્યા મુજબ, કોઈ પણ ધાર્મિક સ્થળને નાગરિકોના આરોગ્યને નુકસાન કરવાનો અધિકાર નથી એવું અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

શિવસેનાની દશેરાના દિવસે યોજવામાં આવતી જાહેરસભાને લીધે થતા ધ્વનિ પ્રદૂષણ સંબંધે પણ મુંબઈ હાઈકોર્ટમાં અગાઉ અરજી દાખલ કરવામાં આવી હતી.

દિલીપ તૌર કહે છે કે "2016માં આપેલા એક ચુકાદામાં મુંબઈ હાઈકોર્ટે જણાવ્યું હતું કે લાઉડ સ્પીકરનો ઉપયોગ એક મૂળભૂત અધિકાર નથી. આ મૂળભૂત અધિકાર હોવાનો દાવો કોઈ પણ ધર્મ કરી શકે નહીં. શાંતિપૂર્ણ જીવન જીવવું એ જ મૂળભૂત અધિકાર છે."

આવા કિસ્સામાં અનેક વાર એવી દલીલ કરવામાં આવે છે કે અમારા ધાર્મિક અધિકારોનું ઉલ્લંઘન થાય છે. આ સંદર્ભે વાત કરતાં દિલીપ તૌર કહે છે કે "બે અલગ-અલગ હક માટે વિવાદ થાય છે ત્યારે અદાલત વ્યાપક લોકહિતનો વિચાર કરતી હોય છે. કોઈ એક ધર્મની કે એક સમાજની તરફેણ કરવામાં આવતી નથી."

ધ્વનિ પ્રદૂષણનો કાયદો દરેક નાગરિકને લાગુ પડે છે. એકેય ધર્મ કાયદાથી મોટો નથી. તેથી મંદિર હોય કે મસ્જિદ, ધ્વનિ પ્રદૂષણના કાયદાનું ઉલ્લંઘન કોઈ કરી શકતું નથી, એવું પણ અદાલતે સ્પષ્ટ કર્યું હોવાનું દિલીપ તૌર જણાવે છે.

line

ભારતમાં ધ્વનિ પ્રદૂષણના નિયમો શું છે?

અઝાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મસ્જિદો પર લાઉડ સ્પીકર માન્ય છે તો હિન્દુ તહેવારો વખતે થતો અવાજ કેમ સ્વીકાર્ય નથી એવો સવાલ પણ કરવામાં આવે છે.

ભારતમાં લાઉડ સ્પીકરના વપરાશ સંબંધી નિયમો વર્ષ 2000માં અમલી બન્યા હતા. તેને ધ નોઇઝ પોલ્યૂશન (રેગ્યુલેશન ઍન્ડ કન્ટ્રોલ) ઍક્ટ એટલે કે ધ્વનિ પ્રદૂષણ નિયમન તથા નિયંત્રણ કાનૂન તરીકે ઓળખવામાં આવે છે. આ નિયમો મસ્જિદ તથા અન્ય ધાર્મિક સ્થળોને પણ લાગુ પડે છે.

આ કાયદા મુજબ, લેખિત પરવાનગી સિવાય કોઈ જાહેર સ્થળે લાઉડ સ્પીકર કે સાઉન્ડ સિસ્ટિમ લગાવી શકાતી નથી.

બંધ સભાખંડ, કૉન્ફરન્સ રૂમ કે કટોકટીની પરિસ્થિતિના અપવાદને બાદ કરતાં રાતના દસથી સવારના છ વાગ્યા દરમિયાન લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાતો નથી.

કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમો અથવા તહેવારો વખતે રાજ્ય સરકાર રાતે દસથી બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગની પરવાનગી આપી શકે છે, પરંતુ તેની જાહેરાત અગાઉ કરવી પડે છે.

જાહેર સ્થળોએ લાઉડ સ્પીકરના અવાજની મર્યાદા, જે તે સ્થળના રોજિંદા અવાજ કરતાં મહત્તમ 10 ડેસિબલ અને 75 ડેસિબલથી વધારેની ન હોવી જોઈએ તેવો નિયમ છે. ખાનગી સ્થળોમાં આવી મર્યાદા પાંચ ડેસિબલની છે.

જુદા-જુદા ઠેકાણે અવાજની મર્યાદા આ મુજબ છેઃ ઔદ્યોગિક પરિસરમાં દિવસ દરમિયાન મહત્તમ 75 ડેસિબલ અને રાતે 70 ડેસિબલ. વ્યાવસાયિક પરિસરમાં દિવસ દરમિયાન 65 ડેસિબલ અને રાતના 55 ડેસિબલ. રહેણાક વિસ્તારમાં દિવસ દરમિયાન 55 ડેસિબલ અને રાતના 45 ડેસિબલ. સાયલન્સ ઝોનમાં દિવસ દરમિયાન 50 ડેસિબલ અને રાતના 40 ડેસિબલ.

line

મસ્જિદ પર લાઉડ સ્પીકરના મુદ્દે રાજકારણ શા માટે?

રાજ ઠાકરે

ઇમેજ સ્રોત, FACEBOOK/MNS ADHIKRUT

ઇમેજ કૅપ્શન, મસ્જિદો પર લગાવવામાં આવતા લાઉડ સ્પીકર્સ સામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ જોરદાર વાંધો લીધા પછી હવે નાસિક પોલીસે એક મહત્વની નોટિસ બહાર પાડી છે

આ મુદ્દે રાજકારણ રમાતું હોય એવું આ વખતે પહેલી વાર નથી બન્યું. હિન્દુ તહેવારો વેળાના કાર્યક્રમો સામે આ અગાઉ અનેક વખત પગલાં લેવામાં આવ્યાં ત્યારે ભારતીય જનતા પાર્ટી જેવા રાજકીય પક્ષોએ જોરદાર વાંધો લીધો છે.

મસ્જિદો પર લાઉડ સ્પીકર માન્ય છે તો હિન્દુ તહેવારો વખતે થતો અવાજ કેમ સ્વીકાર્ય નથી એવો સવાલ પણ કરવામાં આવે છે.

હિન્દુત્વનો મુદ્દો ઉઠાવતી મનસેએ હવે મસ્જિદો પરના લાઉડ સ્પીકર ઉતરાવવાની માગણી કરી છે.

મનસેની આ માગ સામે સમાજવાદી પક્ષે વાંધો લીધો છે. સમાજવાદી પક્ષના નેતા અબુ આઝમીએ માગણી કરી છે કે "રાજ ઠાકરે જેવા લોકોનો કોઈ જનાધાર નથી, કોઈ વિધાનસભ્ય કે સંસદસભ્ય નથી. તેમની વાત લોકોએ શા માટે સાંભળવી જોઈએ? રાજ ઠાકરે રાજ્યમાં ધાર્મિક વિખવાદ વધારવાનું કામ કરી રહ્યા છે. તેમની તત્કાળ ધરપકડ કરવી જોઈએ."

આવાઝ ફાઉન્ડેશનનાં સુમૈરા અબ્દુલાલી કહે છે કે "ગુરુનાનક જયંતી હોય કે ઈદ-એ-મિલાદ, ક્રિસમસ હોય કે ગણેશોત્સવ કે પછી છઠ પૂજા, રોજિંદી પૂજા કે પછી તહેવારોમાં ઘંટનાદ, ફટાકડાં. તમામ ધર્મોમાં કોઈના કોઈ સ્વરૂપે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે જ છે. તેથી આ મુદ્દો રાજકીય બને છે."

"રાજકારણીઓને ખબર છે કે અઝાન માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ બંધ કરાવવામાં આવશે તો ગણેશોત્સવ વખતે પણ લાઉડ સ્પીકર બંધ કરવાં પડશે. કોઈને તેનો ઉપયોગ બંધ કરવો નથી. તેથી તેઓ એકમેકની સામે આંગળી ચીંધી રહ્યા છે."

"લાઉડ સ્પીકર્સનો ઉપયોગ બંધ કરવા બાબતે હિન્દુઓ અને મુસ્લિમોમાં 'પહેલે આપ, પહેલે આપ'નો ખેલ ચાલી રહ્યો છે. વિરોધ પક્ષમાં હોય ત્યારે ઘણા લોકો અઝાન વિશે. લાઉડ સ્પીકર વિશે વાતો કરે છે, પરંતુ સત્તા પર આવ્યા પછી એ બાબતે કોઈ પગલાં લેતાં નથી."

રાજ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ

ઇમેજ સ્રોત, Getty Images

સુમૈરા અબ્દુલાલી ઉમેરે છે કે "અમારા જેવા લોકો અવાજ ઉઠાવતા રહે છે કે ધ્વનિ પ્રદૂષણ આરોગ્યનો મુદ્દો છે, નાગરિક વ્યવસ્થાનો મુદ્દો છે અને તેનાથી નુકસાન થાય છે. બધા લોકો આ બાબતે વાત કરે તો પરિવર્તન થઈ શકે."

"અનેક ગણેશોત્સવ મંડળો, ઈદ-એ-મિલાદનું આયોજન કરતા અનેક લોકો જાતે જ લાઉડ સ્પીકરનો વપરાશ ઘટાડી રહ્યા હોય એવું લાગે છે. તેનાથી વિપરીત રાજકારણીઓ, લોકોએ લાઉડ સ્પીકર લગાવવાં જ પડશે, એવાં નિવેદનો કરી રહ્યા છે."

વરિષ્ઠ પત્રકાર સુધીર સૂર્યવંશી કહે છે કે "રાજ ઠાકરેની ભૂમિકા આત્યંતિક છે અને આ રાજકારણ છે તે સ્પષ્ટ છે. મરાઠી માણસના હિતની વાત કરવા બદલ રાજ ઠાકરેને શરૂઆતમાં ઘણો યશ મળ્યો હતો, પરંતુ એ પછી તેમને અપેક્ષિત સફળતા મળી નથી."

"આજે તેમના પક્ષનો એક જ ધારાસભ્ય છે. આમ આદમી પાર્ટીની સરખામણીએ તેમને સારી એવી સફળતા મળી હતી, પરંતુ અરવિંદ કેજરીવાલને જે મળ્યું તે રાજ ઠાકરેને કેમ મળ્યું નહીં, એવો સવાલ થાય છે."

રાજ ઠાકરેએ તેમના પક્ષના વિસ્તાર માટે આક્રમક વલણ લીધું હોય તેવું લાગે છે. શિવસેનાએ પણ આ પ્રકારનું રાજકારણ કર્યું હોવાનું સુધીર સૂર્યવંશી જણાવે છે.

તેઓ કહે છે કે "શિવસેના પણ મરાઠી માણુસના મુદ્દે ઊભરી અને મુંબઈમાં વિકસી હતી, પરંતુ મુંબઈ, થાણે, કોંકણની પેલી તરફ શિવસેના પહોંચી શકતી ન હતી. શિવસેનાએ 1984થી હિન્દુત્વવાદી વલણ ધારણ કર્યું અને તેનો વિસ્તાર થવા લાગ્યો હતો. તેનાથી શિવસેનાને મોટો ફાયદો થયો. રાજ ઠાકરે પણ એ જ માર્ગે આગળ વધી રહ્યા છે."

રાજ ઠાકરે ભાજપ સાથે યુતિ કરવા માટે હિન્દુત્વવાદ ભણી વળ્યા હોવાની ટીકા કરવામાં આવે છે.

આ બાબતે સુધીર સૂર્યવંશી કહે છે કે "શિવસેનાથી છૂટા પડ્યા પછી ભાજપને મહારાષ્ટ્રમાં એક પ્રાદેશિક પક્ષની જરૂર છે. લઘુમતીને નિશાન બનાવવી તે ભાજપનો એજન્ડા છે અને એવો જ પ્રવાસ મનસેએ શરૂ કર્યો છે. ભાજપ જે ઉઘાડે છોગ નહીં કરે શકે, તે મનસે કરશે. તેઓ એકમેકના પૂરક બનવાના પ્રયાસ કરશે."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

અમે અમારી ભૂમિકા બદલી નથી, તેવી સ્પષ્ટતા મનસે કરી ચૂકી છે. બીબીસી મરાઠી સાથે અગાઉ વાત કરતાં મનસેના નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે "નરેન્દ્ર મોદી ભૂલ કરશે ત્યાં તેમની ટીકા કરવાની તાકાત અમારામાં છે અને નરેન્દ્ર મોદી જે કામ યોગ્ય રીતે કર્યાં છે તેને રાજ ઠાકરેએ વખાણ્યાં પણ છે. આ અભિગમને યૂ ટર્ન શા માટે કહેવો જોઈએ?"

લાઉડ સ્પીકરના મુદ્દે કર્ણાટકમાં પણ રાજકારણ ગરમાયું છે. બૅંગલુરુ પોલીસે મસ્જિદ, ચર્ચ, પબ અને એવાં 300થી વધુ સ્થળોએ લાઉડ સ્પીકરના વપરાશ બાબતે નોટિસ પાઠવી છે. તેમાં 83 મંદિર, 125 મસ્જિદ, 59 બાર-રેસ્ટોરાં, 12 ચર્ચ અને 125 ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

કૉંગ્રેસના વોટ બૅન્કના રાજકારણને કારણે જ આ સમસ્યા સર્જાઈ હોવાનો આક્ષેપ કર્ણાટકના મુખ્ય મંત્રી બસવરાજ બોમ્માઈએ કર્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે ડેસિબલ મીટરનો આદેશ આ પ્રકરણ અગાઉ જ આપ્યો હતો. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે પ્રસ્તુત આદેશ માત્ર મસ્જિદોમાં અઝાનને જ નહીં, પરંતુ તમામ પ્રકારના લાઉડ સ્પીકર્સને લાગુ પડે છે.

લાઉડ સ્પીકરમાંથી નીકળતા અવાજના તીવ્રતા 60 ડેસિબલથી વધારે હોવી ન જોઈએ તેવી તાકીદ કર્ણાટક હાઈકોર્ટે કરી છે. રાતના દસથી સવાલના છ વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

line

અત્યાર સુધી અદાલતે શું કહ્યું છે?

વીડિયો કૅપ્શન, બનાસકાંઠાના આ ગામમાં હિંદુ-મુસ્લિમોનો એવો સંપ કે મંદિરમાં આપી ઇફતાર પાર્ટી

ધાર્મિક સ્થળોમાં લાઉડ સ્પીકર્સના ઉપયોગ બાબતે સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની હાઈકોર્ટે ઘણા ચુકાદા આપ્યા છે.

કર્ણાટકના વક્ફ બોર્ડે મસ્જિદોમાં લાઉડ સ્પીકર લગાવવા પર પ્રતિબંધ મૂકતો આદેશ માર્ચ-2021માં બહાર પાડ્યો હતો. રાતના દસથી સવારના છ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

ઉપરાંત દિવસ દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ વખતે પણ ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવાની તાકીદ તે આદેશમાં કરવામાં આવી હતી.

એ અગાઉ ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઈકોર્ટે અઝાન પર કોઈ પ્રતિબંધ ન હોવાનું એક આદેશમાં જણાવ્યું હતું.

અદાલતે જણાવ્યું હતું કે "અઝાન ઇસ્લામનો ધાર્મિક હિસ્સો છે, પરંતુ લાઉડ સ્પીકર પર અઝાન આપવી તે ઇસ્લામનો ધાર્મિક હિસ્સો નથી. તેથી મુઆઝિન લાઉડ સ્પીકર સિવાય કોઈ પણ રીતે મસ્જિદમાંથી અઝાન આપી શકે છે."

રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગની પરવાનગી વહીવટીતંત્ર આપશે નહીં તેવો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.

લાઉડ સ્પીકર મારફત અઝાન આપવા પરનો પ્રતિબંધ યોગ્ય હોવાનું અલાહાબાદ હાઈ કોર્ટે જણાવ્યું હતું. લાઉડ સ્પીકર ન હતાં ત્યારે પણ મસ્જિદોમાં નમાઝ પઢવામાં આવતી હતી. તેથી લાઉડ સ્પીકર મારફત અઝાન આપવા પરના પ્રતિબંધથી બંધારણની કલમ ક્રમાંક 25 હેઠળના ધાર્મિક સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થતું નથી, તેવું અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો