બ્રાહ્મણોએ માંસાહાર ક્યારે અને કેમ છોડી દીધો?

માંસાહાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અપર્ણા અલ્લૂરી
    • પદ, બીબીસી ન્યૂઝ
લાઇન
  • દેશમાં અવારનવાર હિંદુ તહેવારો દરમિયાન માંસાહારને લઇને વિવાદ
  • નવરાત્રી, શ્રાવણ જેવા તહેવારોમાં નૉનવેજની દુકાનો બંધ કરાવવામાં આવે છે
  • ભારતમાં માંસાહારનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનો તજજ્ઞોનો અંદાજ
  • તજજ્ઞો મુજબ ભારતમાં 16મી સદી સુધી દક્ષિણ ભારતીય બ્રાહ્મણો કરતા હતા માંસાહાર
લાઇન

ભારતમાં ખાનપાન અવારનવાર રાજકીય મુદ્દો બની જાય છે. તાજેતરમાં જ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હિંદુઓના તહેવાર નવરાત્રી પ્રસંગે ભારતીય જનતા પક્ષના એક નેતાએ નૉનવેજની બધી દુકાનો બંધ કરવાની અપીલ કરી હતી. જોકે, ભારત કે પછી હિંદુઓને શાકાહારી તરીકે રજૂ કરવા, તે એક રીતે માંસાહારના દીર્ઘકાલીન પ્રાચીન સંબંધોની ઉપેક્ષા કરવા બરાબર છે.

ઇતિહાસ, આંકડા અને જીવનશૈલી સાથે સંકળાયેલા અનુભવોને પરવેશ વર્મા જૂઠા ઠરાવે છે. ખાનપાનની બાબતમાં ભારતની વિવિધતા હિંદુ વિ. મુસલમાન કે પછી શાકાહારી વિરુદ્ધ માંસાહારીમાં એટલી આસાનીથી વિભક્ત નથી થઈ શકતી. જોકે દક્ષિણપંથી રાજકારણ કરનારા એને આ રૂપે ઉછાળતા રહ્યા છે.

અંગ્રેજી અખબાર 'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'માં ભારતીય ખાનપાન પર વિસ્તૃત લેખન કરનારા સંપાદક વિક્રમ ડૉક્ટરે કહ્યું કે, "એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે, કેમ કે ભારતમાં ખાનપાનની પરંપરાઓ ઘણી વિવિધતા ધરાવે છે, મિશ્રિત છે. અહીં પ્રાચીન સમયથી જ માંસ ખાવાની પરંપરા છે અને દીર્ઘ કાળથી શાકાહાર પણ ચલણમાં છે. પરંતુ મને મોટા ભાગે કોઈ એકનો પક્ષ લેવાનું કહેવામાં આવે છે."

line

વૈદિક યુગમાં માંસ દેવતાઓને ચઢાવાતું હતું…

માંસાહાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ખાનપાનની પરંપરા પર સંશોધન કરનારા ક્લિનિકલ ન્યૂટ્રીશિયનિસ્ટ માનુશી ભટ્ટાચાર્યાએ જણાવ્યા અનુસાર, ભારતમાં શિકાર કરીને માંસ ખાવાનું ચલણ ઈ.સ.પૂ. 70 હજાર વર્ષથી છે.

વિક્રમ ડૉક્ટરે જણાવ્યા અનુસાર, વિડંબના એ છે કે ભારતના પ્રગતિશીલ વર્ગો માંસાહારનો બચાવ કરે છે, જ્યારે પશ્ચિમના પ્રગતિશીલ વર્ગો પર્યાવરણ માટે વધારે અનુકૂળ અને ટકાઉ ખાનપાનની ટેવામાં માંસાહાર ઘટાડવાની માગ કરે છે.

વિક્રમ ડૉક્ટરે જણાવ્યું કે, "ભારતમાં દક્ષિણપંથી રાજકારણીઓ શાકાહારનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે."

એમ તો અત્યાર સુધી ખાનપાનની બાબતનો વિવાદ બીફ અર્થાત્ ગૌમાંસ માટે હતો.

હિંદુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે અને ભારતમાં મોટાં ભાગનાં રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે. 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બન્યા પછી બીફ અંગેનો વિવાદ વધ્યો છે. એમની પાર્ટી અને સરકારે એ બધાં રાજ્યોમાં કતલખાનાં બંધ કરાવ્યાં જ્યાં તેઓ મજબૂત છે અને હિંદુત્વ સમર્થક સમૂહોએ ગૌહત્યાના આરોપમાં ઘણા મુસલમાનોનું લિંચિંગ પણ કર્યું છે.

હવે એનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. દિલ્હી જેવાં શહેરોમાં રેસ્ટોરાંના મેનુમાં બીફ જોવા નથી મળતું, એને મીટ જ કહેવામાં આવે છે. જ્યારે માંસ વિક્રેતા નિકાસ થયેલા સુવરની પાંસળીઓ અને ઘેટાંની ઑફર કરે છે. તેઓ બીફનો સ્ટૉક નથી રાખતા. જે લોકો બીફ ખાય છે તેઓ પણ ધીમા ગુસપુસ અવાજમાં એનો ઉલ્લેખ કરે છે.

ભારતીય પરિસ્થિતિઓમાં એ સાચું છે કે સવર્ણ હિંદુઓનો મોટો વર્ગ બીફ નથી ખાતો પરંતુ કરોડો દલિત, મુસ્લિમ અને ખ્રિસ્તી બીફ ખાય છે. કેરળ જેવા રાજ્યમાં દરેક સમુદાયનો એ લોકપ્રિય માંસાહાર છે, જ્યાં અલ્પસંખ્યક હિંદુઓ એને નથી ખાતાં.

ભારતમાં ખાનપાનની પરંપરા પર સંશોધન કરનારા ક્લિનિકલ ન્યૂટ્રીશિયનિસ્ટ માનુશી ભટ્ટાચાર્યાએ જણાવ્યા અનુસાર, ભારતમાં શિકાર કરીને માંસ ખાવાનું ચલણ ઈ.સ.પૂ. 70 હજાર વર્ષથી છે.

ઇતિહાસ અનુસાર, પ્રાચીન ભારતમાં સિંધુ ખીણ સભ્યતાના સમયથી જ ગૌમાંસ અને જંગલી સુવરોનું વ્યાપક સ્તરે સેવન કરવામાં આવતું હતું. વૈદિક યુગમાં પશુઓ અને ગાયનો બલિ સામાન્ય હતો. ઈ.સ.પૂ. 1500થી 500 દરમિયાન માંસ દેવતાઓને ભોગ ધરાવાતું હતું અને ત્યાર બાદ એને જમણવારમાં ખવાતું હતું.

line

બ્રાહ્મણોએ માંસ ખાવાનું ક્યારથી છોડ્યું?

માંસાહાર
ઇમેજ કૅપ્શન, ઇતિહાસ અનુસાર, પ્રાચીન ભારતમાં સિંધુ ખીણ સભ્યતાના સમયથી જ ગૌમાંસ અને જંગલી સુવરોનું વ્યાપક સ્તરે સેવન કરવામાં આવતું હતું.

તેથી માંસને મુસ્લિમ આક્રમણકારીઓ ભારતમાં નહોતા લઈ આવ્યા. જોકે દક્ષિણપંથી રાજકારણીઓ એને એ રીતે જ ફેલાવે છે.

જોકે, નવા શાસક, વેપાર અને ખેતીના લીધે ભારતમાં ખાનપાનમાં પરિવર્તનો થતાં રહ્યાં છે. સદીઓ વીતવા સાથે બ્રાહ્મણ અને અન્ય સવર્ણોનાં ખાનપાનમાંથી બીફ અને અન્ય માંસ ગાયબ થઈ ગયાં. એવું ઘણાં કારણે શક્ય થયું, પરંતુ માત્ર ધર્મના કારણે એવું નથી થયું.

ડૉ. માનુશી ભટ્ટાચાર્યા દાવો કરે છે કે એમને પોતાના અધ્યયનમાં ઓછામાં ઓછી 16મી સદી સુધી દક્ષિણ ભારતીય બ્રાહ્મણો માંસાહાર કરતા જોવા મળ્યા, જ્યારે ઉત્તર ભારતના બ્રાહ્મણો અને અન્ય સવર્ણોએ 19મી સદીનાં અંતિમ વર્ષોમાં માંસાહારનો ત્યાગ કર્યો છે.

એમનું માનવું છે કે જેણે ભૂમિના ઉપયોગ, કૃષિવ્યવસ્થા અને વેપારમાં ફેરફાર કર્યા એ સંસ્થાનવાદ ઉપરાંત દેશમાં પડેલા ભીષણ દુષ્કાળોએ આધુનિક ભારતીય ખાનપાનનું સ્વરૂપ બદલ્યું છે, જેમાં, ચોખા, ઘઉં અને દાળનું મહત્ત્વ છે.

પરંતુ જેવી રીતે દરેક નિયમ સાથે અપવાદ સંકળાયેલા હોય છે એવી જ રીતે ભારતીય ખાનપાનમાં પણ એક અપવાદ છે - કેટલાક બ્રાહ્મણ હાલ પણ માંસ ખાય છે.

કાશ્મીરી પંડિત એમના 'રોગન જોશ' માટે પ્રખ્યાત છે, જેમાં લાલ મરચાંની વધારે માત્રા સાથે ઘેટા કે બકરીનાં માંસને ગ્રેવી (રસા)માં પકાવાય છે. એ ઉપરાંત બિહાર, બંગાળમાં અને દક્ષિણ કોંકણ તટના બ્રાહ્મણ પરિવારોમાં વિભિન્ન પ્રકારની તાજી માછલીઓ ખવાય છે.

line

માંસાહાર એ ભારતીયોની પસંદગી

માંસાહાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હૈદારાબાદમાં બિરયાની ખૂબ પ્રખ્યાત છે.

દક્ષિણ મુંબઈના કોલાબા તટના સાસૂન તટ પર મહિલાઓ જુદાજુદા પ્રકારની માછલીઓનો વેપાર કરે છે. આ મુંબઈનું સૌથી જૂનું તટીય બંદર છે.

આજે ભારતમાં માંસાહારમાં સૌથી ઓછું લોકપ્રિય બીફ જ છે, લોકો સૌથી વધારે માછલીને પસંદ કરે છે. ગયા વર્ષના નેશનલ સૅમ્પલ સરવે અનુસાર, દેશભરમાં માછલી પછી ચિકન, મટન અને છેલ્લે બીફનું સ્થાન છે.

ભારતીયો કેટલો માંસાહાર કરે છે એનો વાસ્તવિક આંકડો મેળવવો ઘણો મુશ્કેલ છે. પરંતુ પ્યૂ સરવે અનુસાર 39 ટકા ભારતીયોએ પોતાને શાકાહારી ગણાવ્યા, જ્યારે 81 ટકા ભારતીયોએ કહ્યું કે તેઓ માંસાહાર કરે છે.

જોકે, એમાં વિવિધ પ્રકારના લોકો સામેલ છે, જેમ કે એવા લોકો કે જેઓ અમુક માંસ કે સપ્તાહના ખાસ દિવસે માંસ નથી ખાતા.

જોકે, ભારત સરકારના સરવેમાં આ સંખ્યા ખૂબ ઓછી છે.

2021ના સરવે અનુસાર, માત્ર 25 ટકા ઘરોમાં જ અઠવાડિયે એક વાર માંસાહાર જોવા મળ્યો હતો, જ્યારે શહેરી વસ્તીમાં એનું પ્રમાણ 20 ટકા જ હતું. પરંતુ એનાથી એમ ના કહી શકાય કે બાકી બધા શાકાહારી છે, કેમ કે સંભવ છે કે સરવેના સાત દિવસ દરમિયાન જે ઘરોમાં માંસ નહીં બન્યું હોય એમણે પણ નહીં ખાધું હોય.

વિશેષજ્ઞો અનુસાર, સરવેમાં માંસાહારને લગતા આંકડા ઓછા જ હોય છે કેમ કે દલિત અને પછાત વર્ગના લોકો માંસાહારની વાતનો સ્વીકાર કરતાં અચકાય છે.

ડૉ. માનુશી ભટ્ટાચાર્યા કહ્યું કે, "આપણે લોકો શાકાહારી છીએ, જે માંસાહાર પણ કરે છે."

વિક્રમ ડૉક્ટરે પણ ભારતની બાબતે કહ્યું કે, "ભારત દુનિયાની એકમાત્ર એવી સંસ્કૃતિ છે જ્યાં શાકાહારને ભદ્ર વર્ગે ઝડપથી અપનાવી લીધો, જ્યારે અન્ય લોકો માંસ ખાતા રહ્યા."

દેખીતું છે કે ભારતીય ખાનપાનનાં વ્યંજનો વૈવિધ્યપૂર્ણ છે, જેમાં માંસયુક્ત વ્યંજનો પણ સામેલ છે. જોકે, જરૂરી નથી કે એને મુખ્ય ભોજનની જેમ રજૂ કરાય.

વિક્રમ ડૉક્ટર ગોવામાં રહે છે અને તેઓ ગોવાનાં સ્થાનિક ખાનપાનને પણ સેમિ-શાકાહારી માને છે. તેઓ કોળાની કઢીમાં પકાવેલા ઝીંગાનું ઉદાહરણ આપે છે. એમના મતાનુસાર એ પોષક અને સ્વાદિષ્ટ બંને છે.

વિક્રમ ડૉક્ટરે જણાવ્યું કે, "લોકો જ્યારે ગોવા આવે છે ત્યારે તેઓ માંસ ખાવા ઇચ્છે છે. પરંતુ ગોવાના લોકો માંસ વધારે નથી ખાતાં. કૅથલિક પરિવારોના ભોજનમાં પણ માંસ અને સૂકી માછલીની સાથે ઘણા પ્રકારની દાળ સામેલ હોય છે."

એમનું કહેવું છે કે એવાં ઘણાં ઉદાહરણ છે, તામિલનાડુમાં દલિત પરિવારોમાં એક વ્યંજન બહુ પ્રિય છે, જેમાં ગ્રીન બીન્સ (લીલી સિંગો) સાથે માંસ પકાવાય છે.

વિક્રમ ડૉક્ટરને આશંકા છે કે, "જરૂરિયાત પ્રમાણે વિકસિત થયેલાં ટકાઉ ખાનપાનનાં વ્યંજનો હવે ભુલાતાં જાય છે. એમણે કહ્યું કે, "રેસ્ટોરાંના મેનુમાં તમને સેમિ શાકાહારી ભોજન નહીં મળે."

એમની આશંકા સાચી છે.

હૈદરાબાદ મુસ્લિમ વ્યંજનો માટે પ્રસિદ્ધ છે. મારાં ગમતાં વ્યંજનોમાંનું એક 'દાલચા' હવે અહીં પણ મળવું મુશ્કેલ છે. દાલચા મસૂરની દાળ અને શાકના મસાલેદાર સૂપ, ઘેટાનું માંસ, બાફેલાં ઈંડાં અને ઘટ્ટ તીખી ટામેટાંની ગ્રેવીથી બને છે.

ભારતનાં સમૃદ્ધ શાકાહારી વ્યંજનોની સૂચિમાં માંસ અને સમુદ્રી ભોજનનાં સ્વસ્થ ખાદ્યો પણ સામેલ છે. વિક્રમ ડૉક્ટરનું માનવું છે કે, "આપણી પાસે એક સ્વસ્થ અને જલવાયુ માટે વધુ અનુકૂળ ખોરાકની પરંપરા ઊભી કરવાનો અવસર છે."

પરંતુ ભારતીયોની ખાનપાનની પ્રવૃત્તિ બીજી તરફ ઇશારો કરે છે - માંસની ખપત વધી રહી છે. ખાસ કરીને ફૅક્ટરી-ફાર્મ ચિકનની ખપત વધી રહી છે.

ગયા વર્ષે ભારતીય ફૂડ ડિલિવરી પ્લૅટફૉર્મ સ્વિગી પર સૌથી વધારે ઑર્ડર થયેલી ડિશ ચિકન બિરિયાની હતી. ભારતીયોએ પ્રત્યેક સેકન્ડે બે પ્લેટ ચિકન બિરિયાની ઑર્ડર કરી હતી.

વિક્રમ ડૉક્ટરે કહ્યું કે,‌ "ભારતની શાકાહારી પરંપરાઓનો ઉત્સવ મનાવવો જોઈએ. પરંતુ તેઓ (દક્ષિણપંથી) એને લોકો પર લાદી રહ્યા છે અને એનાથી કોઈનો વિશ્વાસ સંપાદિત નથી થતો."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ