ભારતની સિલિકોન વૅલી બૅંગલુરુમાં કોમી ધ્રુવીકરણ ચિંતાનો વિષય કેમ બન્યું છે?
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, ભારત સંવાદદાતા
ભારતનાં સૌથી ધનિક મહિલા ઉદ્યોગપતિએ ગયા અઠવાડિયે શાસક પક્ષના રાજકારણીઓને પોતાના ટ્વિટરના માધ્યમથી એક અનોખી અપીલ કરી હતી.
બાયોકોનનાં વડાં કિરણ મજૂમદાર શૉએ કર્ણાટકની ભાજપ સરકારને વિનંતી કરી કે દક્ષિણના 6.4 કરોડની વસતિ ધરાવતા આ રાજ્યમાં "ધાર્મિક વિભાજન વધી રહ્યું છે તેનો ઉકેલ લાવવો જોઈએ." કર્ણાટકની રાજધાની અને ભારતના ઝડપથી વિકસી રહેલા ઇન્ફો-ટૅકના કેન્દ્રસમા બૅંગ્લુરૂમાં જ શૉની બાયોટેકનૉલૉજી કંપની આવેલી છે.

ઇમેજ સ્રોત, Getty Images
મંદિરોની નજીક ઉત્સવો ચાલતા હોય ત્યારે તેની નજીક મુસ્લિમો સ્ટૉલ નાખે છે તેને અટકાવવા માટે હિન્દુ ઉદ્દામવાદી જૂથોએ માગણી કરી છે અને તેના કારણે ભારે વિવાદ જાગ્યો છે. તેના અનુસંધાને શૉએ આ ટીપ્પણી કરી છે. આ જૂથોએ એવી પણ માગણી કરી છે કે મુસ્લિમ કસાઈઓ માંસ વેચતા હોય તે હિન્દુઓએ ખરીદવું જોઈએ નહીં, મુસ્લિમો તેની પરંપરા પ્રમાણે (પ્રાણી હોંશમાં હોય ત્યારે જ તીક્ષ્ણ છરીથી તેનું ગળું ઝડપથી કાપીને તૈયાર થતું) હલાલ માંસ વેચતા હોય છે. આ જૂથોએ હવે મસ્જિદોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ થાય છે તેના પર પણ પ્રતિબંધ મૂકવાની અને કેરી વેચનારા મુસ્લિમ ફેરિયાઓનો બહિષ્કાર કરવાની વાત કરી છે.
વાત આટલેથી જ અટકી નથી. છેલ્લા થોડા મહિનાઓમાં કર્ણાટકમાં શાળામાં હિજાબ પહેરેલ કન્યાઓને પ્રવેશની સરકારે મનાઈ કરી તેના કારણે વિવાદ ચાલી જ રહ્યો હતો. સરકારના આ આદેશને અદાલતે પણ માન્ય રાખ્યો છે અને ઘણાં વિદ્યાર્થિનીઓએ વિરોધમાં વર્ગોમાં નહીં જવાનું અને પરીક્ષા નહીં આપવાનું નક્કી કર્યું છે.
કર્ણાટકમાં 13 ટકા મુસ્લિમો છે અને ગયા વર્ષે સરકારે ગૌહત્યા અને ગૌમાંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે એવી પણ યોજના છે કે ભગવદ્ગીતાના પાઠ શાળામાં ભણાવવામાં આવે. 18મી સદીમાં મૈસૂરમાં શાસન કરનારા ટીપુ સુલતાન વિશેનું એક પ્રકરણ છે, તેમાં તેમનો મહિમા થાય છે એમ કહીને તેને પણ કાઢી નાખવાની વાત છે.

ઇમેજ સ્રોત, AFP
આ પ્રકારના નિર્ણયોને કારણે પરસ્પર વિરોધી અભિપ્રાયો ઊભા થયા છે અને ટીકાકારો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી સરકાર દ્વારા મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાના પ્રયાસોના ભાગરૂપે આ પ્રયાસોને જોઈ રહ્યા છે. ઘણાએ એવી શંકા વ્યક્ત કરી છે કે આવા વિવાદની અવળી અસર પડશે અને કર્ણાટક દેશનું પ્રમાણમાં સમૃદ્ધ રાજ્ય છે તેની છાપને ફટકો પડશે.
કિરણ મજૂમદાર શૉએ પોતાના ટ્વીટમાં મુખ્ય મંત્રી બસવરાજ બોમ્મઇને પણ ટૅગ કર્યા હતા અને લખ્યું હતું કે કર્ણાટકે હંમેશાં "સર્વ સમાવેશી આર્થિક વિકાસ કર્યો છે". જો ઇન્ફર્મેશન અને બાયોટેકનૉલૉજીનું [શહેર] "કોમવાદી બની જશે", તો આ ક્ષેત્રમાં "તેની ગ્લોબલ લીડરશિપ છે તે ખતમ થઈ જશે".
તેમને આવી ચિંતા થવી સ્વાભાવિક છે. કર્ણાટકની આર્થિક સફળતા બૅંગ્લુરૂને કારણે છે. રાજ્યની 60%થી વધુ મહેસૂલી આવક આ જીવંત અને ધમધમતા એક કરોડની વસતિના નગરમાંથી આવે છે. આ મહાનગરમાં 13,000થી વધુ ટેકનૉલૉજી સ્ટાર્ટ-અપ છે. ભારતની યુનિકોર્ન ગણાતાં 100 જેટલાં (સફળ થયેલી અને જેનું મૂલ્ય $1 અબજ ડૉલરથી વધારેનું હોય તેવાં સ્ટાર્ટ-અપ)માંથી 40% અહીં જ આવેલાં છે. દેશમાંથી થતી ઇન્ફો-ટેક નિકાસમાંથી 41% માત્ર બૅંગ્લુરૂમાંથી થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ છતાં છેલ્લા થોડા વખતથી બૅંગ્લુરૂ અને કર્ણાટકમાં ધાર્મિક મુદ્દે વિખવાદો વધી રહ્યા છે. બૅંગ્લુરૂની મોટા ભાગની ઇન્ફો-ટેક કંપનીનાં કૅમ્પસ શહેરની ફરતે બહારના વિસ્તારમાં આવેલાં છે અને અહીં એક જુદી જ દુનિયા ઊભી થઈ છે. શહેરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડ્વાન્સ સ્ટડીઝના અર્થશાસ્ત્રના પ્રોફેસર નરેન્દ્ર પાણી કહે છે કે જુદું જ માળખું ઊભું કરીને વસેલી આ દુનિયા તેથી જ આ વિખવાદો અહીં સીધા દેખાતા નથી.
દક્ષિણ ભારતમાં ભાજપની હાજરી વધે તે માટેના નરેન્દ્ર મોદીના પ્રયાસોમાં કર્ણાટક અગત્યનું રાજ્ય છે. દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોમાંથી માત્ર આ એક રાજ્યમાં જ ભાજપને સત્તા મળી છે. આ રાજ્યમાં જ્ઞાતિઓનું, ભાષાકીય જૂથોનું અને ધાર્મિક પંથોનું પણ વૈવિધ્ય છે. લોકસભાની છેલ્લી ચાર ચૂંટણીઓમાં ભાજપને અહીંથી બહુમતી સંખ્યામાં બેઠકો મળતી રહી છે.
કર્ણાટકના દરિયાકિનારા વિસ્તારો અને ગામોમાં મુસ્લિમ વસતિ વધારે છે અને ભાજપે અહીં વર્ષોથી પ્રખર હિન્દુ રાષ્ટ્રવાદની ઝુંબેશ ચલાવી છે. ભાજપની વિચારધારાના સ્રોત સમાન આરએસએસે અહીં ઊંડાં મૂળિયાં નાખ્યાં છે. ભૂતકાળમાં હિન્દુ જૂથોએ પબમાં યુવાનો યુવતીઓ એકઠાં થયાં હોય ત્યાં ધમાલ કરીને ધાક જમાવવાની પણ કોશિશ કરેલી છે. લવ જેહાદના નામે પણ ઝુંબેશો ચલાવવામાં આવેલી છે.

ઇમેજ સ્રોત, Getty Images
કર્ણાટકમાં વર્ષોથી જ્ઞાતિવાદના આધારે ચૂંટણીઓ થતી આવતી હતી. બી. એસ. યેદીયુરપ્પાએ સૌ પ્રથમ 2008માં ભાજપને અહીં સફળતા અપાવી હતી, કેમ કે તેઓ લિંગાયતનું સંગઠન ઊભું કરી શક્યા હતા. રાજ્યમાં 15 ટકા જેટલા મતો લિંગાયતોના છે, તેની સાથે બીજી પછાત જ્ઞાતિઓને તેમણે જોડી હતી. જોકે લિંગાયતમાં એક જૂથ એવું છે, તે પોતાને હિન્દુથી અલગ પંથ ગણે અને અન્ય પછાત વર્ગોમાં પણ તેમના કલ્યાણ માટેના કાર્યક્રમોનો આગ્રહ જાગ્યો છે. કર્ણાટકમાંથી એક માત્ર નેતા જે વડા પ્રધાનપદે પહોંચ્યા તે દેવે ગોવડાની જીવનકથાના લેખક સુગતા શ્રીનિવાસરાજુ કહે છે, "ભાજપ ભીંસમાં આવ્યો છે એટલે હવે જુદા પ્રકારનું રાજકારણ કરી રહ્યો છે. તે હવે હિન્દુ રાષ્ટ્રવાદ અને વિકાસના નામે મતદારોને આકર્ષવાની કોશિશ કરી રહ્યો છે."
ગયા વર્ષે જ યેદીયુરપ્પાને હઠાવીને તેમની જગ્યાએ 61 વર્ષના લો પ્રોફાઇલ નેતા બોમ્મઇને મુખ્ય મંત્રી બનાવાયા છે. ટીકાકારો કહે છે કે તેમની સરકારની કામગીરી નબળી રહી છે. કોરોના વખતે ગેરવહીવટની બહુ ફરિયાદો આવી હતી. આંતરિક રિવ્યૂમાં એવો ખ્યાલ આવ્યો છે કે સરકારી વિભાગોની કામગીરી સારી રહી નથી. સ્થાનિક ન્યૂઝ અને ઇન્વેસ્ટિગેશન વેબસાઇટ ધ ફાઇલે આવો આંતરિક સર્વે થયો હોવાનો અહેવાલ આપ્યો છે.
ભ્રષ્ટાચારને કારણે પણ વિકાસ અટકી પડ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં રાજ્યના કૉન્ટ્રેક્ટરોએ સીધો વડા પ્રધાનને પત્ર લખીને સૌને ચોંકાવી દીધા હતા. કૉન્ટ્રેક્ટરોએ આક્ષેપ કર્યો હતો કે યોજના માટે ફંડ હોય તેમાંથી 40% મંત્રી અને અધિકારીઓને લાંચ તરીકે આપવું પડે છે. બજેટમાં ફાળવાયેલી રકમ વપરાઈ જ ના હોય તેવા પણ અહેવાલો છે. ટ્રાન્સપૉર્ટ વર્કરોને પગારો નથી મળ્યા અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને સ્કોલરશિપની રકમ પણ નથી મળી. આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. બૅંગ્લુરૂસ્થિત સોશિયલ ઍન્ડ ઇકૉનૉમિક ચેન્જ સંસ્થાના પ્રોફેસર ચંદર ગોવડા કહે છે, "એવું લાગે છે કે સરકાર પાસે રમવા માટે હિન્દુ રાષ્ટ્રવાદનું જ કાર્ડ છે. પોતાની કામગીરીમાં વધુ કંઈ બતાવી શકાય તેવું નથી."
શૉએ ટ્વીટ કર્યું તેના એક દિવસ પછી બોમ્મઇએ લોકોને અપીલ કરી હતી કે સરકારને શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે સહકાર આપે. તેમણે કહ્યું હતું કે "કર્ણાટક શાંતિ અને વિકાસ માટે જાણીતું છે અને સૌએ સંયમથી કામ લેવું જોઈએ."

બોમ્મઇ પર પક્ષમાંથી આંતરિક રીતે પણ દબાણ છે. ભાજપના ઓછામાં ઓછા બે ધારાસભ્યોએ તેમની આકરી ટીકાઓ કરી છે. બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં એ. એચ. વિશ્વનાથે કહ્યું હતું કે હિન્દુ મંદિરોમાં ઉત્સવ હોય ત્યારે મુસ્લિમ વેપારીઓ પર પ્રતિબંધની વાત એ "બીજું કશું નહીં, પણ અસ્પૃશ્યતા છે… આ અમાનવીય વ્યવહાર છે." અનિલ બેનાકેએ કહ્યું હતું કે "અમે મંદિરના ઉત્સવો વખતે મુસ્લિમોને વેપાર કરતા રોકીશું નહીં." એકતા દાખવવા માટે હિન્દુઓએ મુસ્લિમ કસાઈઓની દુકાને માંસ ખરીદવા માટે લાઇન લગાવી હતી.
આવા પ્રયાસોને કારણે આશા જાગે છે, પણ હજી ઘણું કરવાની જરૂર છે. શ્રીનિવાસરાજુ કહે છે, "છેલ્લા બે દાયકાથી કર્ણટકના રાજકારણને કોમી વળાંક આપવા માટે સતત પ્રયાસો થતા રહ્યા છે. વર્ષોથી વિપક્ષ, મોટા ભાગના બુદ્ધિજીવીઓ અને વેપારીઓ પણ આ મુદ્દે મૌન રહ્યા છે કે ગણતરીપૂર્વક પ્રતિસાદ આપ્યો છે. પોતાના અભિપ્રાયને સંતુલિત કરવા માટેના ખોટા પ્રયાસોના બદલે આ લોકોએ હિંમતથી બોલવું જોઈએ."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












