ગુજરાત આપ : વિધાનસભા ચૂંટણીમાં 50થી વધારે બેઠકો જીતવાનો આત્મવિશ્વાસ બતાવનાર આપ શું કૉંગ્રેસને ઓછી આંકી રહી છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હી, પંજાબ અને હવે ગુજરાત - આમ આદમી પાર્ટીના (આપ) આ સૂત્રવાળાં પોસ્ટર અમદાવાદ શહેર સહિત ગુજરાતનાં અનેક સ્થળો પર જોવા મળી રહ્યાં છે.
એક તરફ ભાજપ અને કૉંગ્રેસે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીમાં લાગી ગયા છે, ત્યાં બીજી બાજુ આપ પોતાના દાવાઓ સાથે ગુજરાતના રાજકારણમાં પગપેસારો કરવાના પ્રયત્નોમાં લાગી ગઈ છે. આપે તો એટલે સુધી કહી દીધું છે કે તે આ વખતે 55થી 60 બેઠક જીતી બતાવશે.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
જોકે નિષ્ણાતોનું માનવું છે કે, આમ આદમી પાર્ટી સત્તાપક્ષ કરતાં કૉંગ્રેસ માટે મોટો પડકાર બની શકે છે.
ભાજપને લોકપ્રિયતાની ગમે તેટલી મોટી લહેરનો લાભ મળી રહ્યો હોય, રાજ્યમાં કૉંગ્રેસને 55ની આસપાસ બેઠકો મળતી આવી છે. જોકે હવે આપ કૉંગ્રેસ માટે કેટલી પડકારજનક સાબિત થશે તે જોવાનું રહેશે.
2021ની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો તેમાં આપ પાર્ટીએ આક્રમક પ્રચાર કર્યો હતો, તેને કોઈ બેઠક તો ન મળી પણ કૉંગ્રેસના મત ઘણીખરી હદ સુધી તોડાયા હતા. એટલા માટે રાજકીય વિશ્લેષખોનું કહેવું છે કે આપ ભાજપ કરતાં કૉંગ્રેસ માટે વધુ ઘાતક સાબિત થઈ શકે છે.
પરંતુ અનેક નિષ્ણાતો એવું પણ માને છે કે કૉંગ્રેસને ઓછી આંકવી પણ આપ માટે ભૂલભર્યું સાબિત થઈ શકે છે.
આપ પાસે ઓછો અનુભવ હોવાને કારણે તે ઘણી ચૂંટણી હારી છે. દસ વર્ષથી સક્રિય આમ આદમી પાર્ટી પહેલાં દિલ્હી અને હવે 2022માં પંજાબમાં ચૂંટણી જીતી શકી છે. છેલ્લા એક દાયકાથી આપ ગોવામાં પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તેને માત્ર ચાર બેઠક મળી છે. અહીં ખુદ અરવિંદ કેજરીવાલે આક્રમક પ્રચાર કર્યો હતો, પરતું તેનો ફાયદો તેને ન મળી શક્યો.
ગુજરાતના રાજકરણમાં હંમેશાંથી બે પક્ષોનું પ્રભુત્વ રહ્યું છે, અને બંને પક્ષોને મળતા મતપ્રતિશતમાં ખૂબ વિશાળ અંતર નથી, જેમકે વિજયી પક્ષ ભાજપની વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 99 બેઠકો મળી હતી, ત્યારે તેમનો વોટ શૅર 49.05 ટકા હતો, જ્યારે આ જ ચૂંટણીમાં કૉંગ્રેસનો વોટ શૅર 41.44 ટકા હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કૉંગ્રેસના વોટની ટકાવારી

ઇમેજ સ્રોત, FACEBOOK/JADISH THAKORE
એક સમયે રાજ્યમાં કૉંગ્રેસનો વોટ શૅર 55 ટકા જેટલો હતો. જોકે ત્યાર બાદ કૉંગ્રેસનો વોટ શૅર છેક 2017માં 40 ટકાથી ઉપર ગયો હતો, બાકી દરેક ચૂંટણીમાં કૉંગ્રેસનો વોટ શૅર 35 ટકા આસપાસ રહ્યો હતો.
1990માં જ્યારે જનતા દળ હતું ત્યારે કૉંગ્રેસ પાર્ટીનો વોટ શૅર લગભગ 30.90 ટકા હતો, પરંતુ 2017ની ચૂંટણીમાં કૉંગ્રેસનો વોટ શૅર 41.44 ટકા સુધી પહોંચ્યો હતો, એટલે કે સીધી રીતે રાજ્યમાં કૉંગ્રેસનો વોટ શૅર સુધારા પર છે. આવી પરિસ્થિતિમાં શું આમ આદમી પાર્ટી કૉંગ્રેસને ઓછી આંકી રહી છે?
આ વિશે બીબીસી ગુજરાતીએ અનેક નિષ્ણાતો સાથે વાત કરી. એક સમયે આમ આદમી પાર્ટીમાં રહી ચૂકેલા એક ઍક્ટિવિસ્ટે પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરી.
તેમણે કહ્યું કે, "આમ આદમી પાર્ટી એવા જ વિસ્તારોમાં જોર લગાવી રહી છે, જ્યાં કૉંગ્રેસની વોટ બૅંક હોય. એટલે સીધી રીતે તે ભાજપને નહીં પરંતુ કૉંગ્રેસને પડકારી રહી છે, અને તેમની લડાઈ કૉંગ્રેસ સાથે છે. જોકે એક વાત સ્પષ્ટ છે કે આપ પાર્ટીને કારણે ભાજપની જીતવાની શક્યતા વધી ગઈ છે. તેનો પ્રચાર સત્તામાં આવવા માટે નથી, પરંતુ વિપક્ષમાં આવવા માટેનો છે. પરંતુ તેઓ એ પણ કહે છે કે ગુજરાતમાં હાલમાં રાજકીય પરિવર્તનની જરૂર છે, માટે કૉંગ્રેસે કમર કસવાની જરૂર છે."
આ વિશે વધુ સમજણ માટે બીબીસી ગુજરાતીએ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા સાથે વાત કરી.
તેમણે કહ્યું કે, "લોકો ભાજપથી કંટાળેલા છે, પરંતુ કૉંગ્રેસમાં તેમની આસ્થા બેસતી નથી જેના કારણે આપ પાર્ટી આ પ્રકારનું લક્ષ્ય પોતાની સામે મૂક્યું છે. સામાન્ય લોકો જેમને આપ પાર્ટી વિશે વધારે ખબર નથી અને એક સામાન્ય વ્યક્તિ જેને રાજકારણને ઊંડાણપૂર્વક નથી જોતી, તે આપને કૉંગ્રેસના વિકલ્પ તરીકે જોઈ શકે છે. એ વાત તો સ્પષ્ટ છે કે આપ ભાજપ કરતાં કૉંગ્રેસને વધુ નુકસાન કરશે. જોકે હું માનું છું કે કૉંગ્રેસતરફી વાતાવરણ ઊભું કરવું આપ પાર્ટી માટે અશક્ય વાત નથી. આદિવાસી વિસ્તાર હોય કે પછી ઉત્તર ગુજરાતના પાટીદારો હોય, સૌરાષ્ટ્રના કોળી હોય કે પછી યુવાનો હોય અનેક મતદારોનો ઝુકાવ કૉંગ્રેસતરફી છે."
જોકે મહેતાએ એ પણ કહ્યું કે, "કૉંગ્રેસે 'ઇન્ડિવિજ્યુલિઝમ' (વ્યક્તિવાદ) છોડીને 'ઑર્ગેનાઇઝેશનલ ડિસિપ્લિન' સાથે કામ કરવાની જરૂર છે, જેથી તે આપે ફેંકેલા આ પડકારની સામે ટકી શકે."
આ જ રીતે રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે તેઓ નથી માનતા કે આપથી કૉંગ્રેસને મોટું નુકસાન થશે.
તેઓ કહે છે કે, "આપે ખૂબ જ પ્રૅક્ટિકલ અને મેળવી શકાય તેવું લક્ષ્ય નક્કી કર્યું છે. હું માનું છું કે આનાથી ભાજપને નુકસાન થશે, અને શહેરી મતો જેમાં, કૉંગ્રેસ કોઈ મોટો તફાવત નથી લાવી શકતી તેવી જગ્યાએ તે ભાજપને પડકાર આપી શકશે."
તેઓ કહે છે કે, "જો આપની 55 બેઠકો અને કૉંગ્રેસની 2017 જેટલી જ એટલે કે 57ની આસપાસ બેઠકો હોય તો ભાજપને સત્તાથી દૂર રાખવામાં આ બન્ને પક્ષો સફળ થઈ શકે છે. ગુજરાતના મતદારોને હવે એક નવા સારા માણસની જરૂર છે. નરેન્દ્ર મોદીએ ઘણી હદ સુધી પોતાની આવી છબિ બનાવી હતી, પરંતુ તેમના કેન્દ્રમાં ગયા બાદ ગુજરાતમાં હાલમાં એવો કોઈ ચહેરો નથી જે સામાન્ય વ્યક્તિને અપીલ કરી શકે છે."

આપને કેમ લાગે છે કે તે 55થી 60 બેઠક જીતી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 2014માં જોરશોરથી પ્રવેશવાની જાહેરાત કરી હતી. જોકે 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં રાજ્યમાં તેને કોઈ સફળતા મળી ન હતી. 2021માં તેણે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં 27 બેઠકો જીતીને મુખ્ય વિપક્ષની જગ્યા લીધી હતી.
આપના એક સિનિયર નેતા સંદીપ પાઠકે દિલ્હી અને પંજાબની ચૂંટણી પહેલાં એક સર્વે કર્યો હતો, લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો હતો, આપના નેતાઓ પ્રમાણે તેમનાં તારણો બન્ને જગ્યાએ સાચાં પડ્યાં છે. તેમજ અહીં ગુજરાતમાં પણ તેમની ટીમે જે સર્વે કર્યો છે, તેમાં તેમણે આપ માટે 55થી 60 બેઠકો મળશે તેવું તારણ કાઢ્યું છે.
આ વિશે બીબીસી ગુજરાતીને આપના મુખ્ય પ્રવક્તા યોગેશ જદવાણી કહે છે કે, "કૉંગ્રેસ પાર્ટી છેલ્લાં 27 વર્ષથી વિપક્ષમાં છે, તે કેમ હજી સુધી સરકારમાં આવી નથી શકી. કૉંગ્રેસ પાસે દૃષ્ટી કે રણનીતિ નથી પણ જૂથવાદ છે. તેવામાં લોકો પાસે અમે એક સારો વિકલ્પ લઈને જઈ રહ્યા છીએ."
તેમણે કહ્યું કે, "ગુજરાતમાં હજી પણ દસ ટકા જેટલા લોકો મતદાન કરવા નથી જતા, કારણ કે એમને કૉંગ્રેસ કે ભાજપ બન્ને પક્ષોથી કોઈ અપેક્ષા નથી. "
આપના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે "આપ કૉંગ્રેસને જ નુકસાન કરશે તે કહેવું મુશ્કેલ છે."
"અમે તો લોકો સુધી સારો વિકલ્પ લઈને પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે હાલમાં અમારી ચૂંટણી રણનીતિ માટે વિવિધ વિધાનસભાઓને એ, બી અને સી કૅટગરીમાં નાખી છે, એ કૅટેગરીમાં અમારું સંગઠન અને ઉમેદવાર મજબૂત છે, બીમાં સંગઠન મજબૂત છે પણ ઉમેદવાર નથી, અને સીમાં બન્ને નથી. હાલમાં મોટાભાગની વિધાનસભાઓમાં જેને અમે એ કૅટગરીની બેઠકો માનીએ છીએ ત્યાં મોટાભાગે ભાજપના ધારાસભ્ય છે. હું માનું છું કે આ 55થી 60 બેઠકોમાં 30થી વધુ બેઠકો ભાજપના ધારાસભ્યોની છે. માટે એ કહેવું ખોટું છે કે અમે માત્ર કૉંગ્રેસ માટે પડકાર બનીને આવ્યા છીએ."

શું કહેવું છે કૉંગ્રેસનું?
આ વિશે બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસના ગુજરાત પ્રમુખ જગદીશ ઠાકોર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
આ વિશે બીબીસી ગુજરાતીએ ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવડીયા સાથે કરી.
તેમણે કહ્યું કે, "હાલમાં ભાજપ સામે લોકોનો ખૂબ આક્રોશ છે અને તેવામાં કૉંગ્રેસ પાસે એક મોટી તક છે, જેમાં તે 2017થી સારું પ્રદર્શન કરી શકે છે. પરંતુ આ વાતનો અહેસાસ થતાં ભાજપે કૉંગ્રેસને નુકસાન કરવા માટે આપને મેદાનમાં ઉતારી છે, પરંતું તેવું થશે નહીં કારણ કે કૉંગ્રેસ આ વિધાનસભાની ચૂંટણી માટે બહુ પહેલાંથી કામ કરી રહી છે."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












