HDFC : દીપક પારેખે હોમ લૉન આપવા બનેલી બૅન્કને કઈ રીતે 15 લાખ કરોડની કંપની બનાવી?

ઇમેજ સ્રોત, The India Today Group/Getty
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુરૂવારથી નિફ્ટીમાં નવા ફેરફાર અમલમાં આવશે. એક તરફ એલટીઆઈ-માઇન્ડટ્રીનો પ્રવેશ થશે તો બીજી તરફ એચડીએફસી બૅન્ક અને એચડીએફસીના મર્જર પછી તે નિફ્ટીમાં સૌથી વધુ ભારાંક (14.43) ધરાવતી કંપની બની જશે અને તે રિલાયન્સને (10.86) પછાડી દેશે. જોકે, માર્કેકટ કૅપિટલાઇઝેશનની દૃષ્ટિએ રિલાયન્સ જ ટોચ ઉપર રહેશે.
જ્યારે બૅન્ક નિફ્ટીમાં તેનો ભારાંક 26.9થી વધીને 29.10 થશે. એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક તથા દેશનીસૌથી મોટી સરકારી બૅન્ક એસબીઆઈનોસંયુક્ત ભારાંક 62 ટકા જેટલો થઈ જશે.
દેશના કૉર્પોરેટ જગતમાં એક જોક પ્રચલિત છે, વીમા કે બૅન્કિંગક્ષેત્રમાં સુધારની વાત હોય કે માળખાકીય વિકાસને માટેની કોઈ પણ સરકારી સમિતિ હોય, ટાસ્ક ફોર્સ કે સુધારા સૂચવવા માટેની સમિતિ હોય, તેમાં દીપક પારેખનું નામ હોય જ.
ઇન-શર્ટ કર્યા વગરનો અડધી બાંયનો શર્ટ, આંખો પર ચશ્મા, પગમાં બૂટ અને સફેદ વાળ. 77-વર્ષીય પારેખને જોતા કોઈ નિવૃત્ત સરકારી કર્મચારી જેવા જ લાગે.
નરેન્દ્ર મોદી સરકાર સાથે તેમના સંબંધ 'લવ ઍન્ડ હેટ'ના રહ્યા છે. પારેખે મુખ્ય મંત્રી તરીકે મોદીની કામગીરીની સોઈ ઝાટકીને ટીકા કરી હતી. છતાં એક તબક્કે મોદી સરકારના નાણામંત્રી તરીકે તેમનું નામ ચર્ચાયું હતું.
તેઓને નિર્ભીકપણે કૉર્પોરેટ જગતનો અવાજ સરકાર સુધી પહોંચાડનાર પ્રતિનિધિ તરીકે માનવામાં આવે છે. પોતાની વાત કે વિચારને રજૂ કરવામાં ક્યારેય શબ્દની કંજૂસાઈ કરતા નથી. એટલે જ યુવા ઉદ્યોગપતિઓ હોય કે જૂના જોગી, તેઓ સાચી સલાહ માટે પારેખ તરફ નજર કરે છે.
તાજેતરમાં એચડીએફસી બૅન્ક અને એચડીએફસીના મર્જરની જાહેરાત થઈ હતી, ત્યારથી તેઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા.

બૅન્કિંગના 'પારેખ'

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE/Getty
મૂળે સુરતી જૈન એવા દીપક પારેખના દાદા ઠાકોરદાસ સૅન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં એ સમયે ખાનગી નોકરી કરતા હતા, તેમના પિતા શાંતિલાલ પણ એ જ બૅન્કમાં ડેપ્યુટી ડાયરેક્ટરપદે નિવૃત્ત થયા હતા. જોકે, શાંતિલાલના ભાઈ હસમુખભાઈએ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અભ્યાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતમાં પરત ફર્યા બાદ તેમણે હરકિસનદાસ લક્ષ્મીદાસ નામની પેઢીમાં કામ કરવાનું શરૂ કર્યું. ઇંગ્લૅન્ડમાં તેમણે જોયું હતું કે ઘર ખરીદવા માટે નોકરિયાત તથા મધ્યમવર્ગને લૉન મળી રહે છે, આવું જ કંઈક શરૂ કરવા માટે હસમુભાઈએ પ્રસ્તાવ મૂક્યો, જેને તત્કાળ નકારી કાઢવામાં આવ્યો.
નવા-નવા આઝાદ થયેલા દેશમાં ખાનગીક્ષેત્રે ધિરાણની પુષ્કળ જરૂર હતી. આથી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ અરદેશર શ્રોફના નેતૃત્વમાં કમિટીનું ગઠન કર્યું. જેની ફળશ્રુતિ ઇન્ડસ્ટ્રિયલ ક્રૅડિટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમૅન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (આઈસીઆઈસીઆઈ) તથા અનેક રાજ્યોમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસ કૉર્પોરેશનની સ્થાપના થઈ.
આઈસીઆઈસીઆઈ બૅન્કમાં વિશ્વ બૅન્કે રોકાણ કર્યું હતું. સ્થાનિક અને રાજકીય દબાણ હેઠળ સંસ્થા દબાઈ ન જાય તે માટે મૂળ ઇંગ્લૅન્ડના પી. એસ. બીલીની નિમણૂક કરવામાં આવી હતી.
આ બોર્ડમાં જીડી બિરલા, અરદેશર શ્રોફ, બીલી પોતે હતા. છતાં શરૂઆતના ત્રણ વર્ષ સુધી વિદેશી લૉન લાવવામાં તેમને ખાસ સફળતા મળી નહીં. આ સંજોગોમાં ચર્ચા દરમિયાન હસમુખભાઈનું નામ બહાર આવ્યું.
હસમુખભાઈ એલએસઈ (લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ)માં ભણેલા હતા, યુવાન હતા અને ભારતને સારી રીતે સમજતા હતા. એટલે તેમની નિમણૂક કરવામાં આવી. તેઓ તરત જ જોડાઈ ગયા.
તેમણે દેશમાં કૅમિકલ, કાગળ, સિમેન્ટ તથા સ્ટીલ ઉદ્યોગને ધિરાણ મળે તે માટે પ્રયાસ હાથ ધર્યા અને તેમાં સફળતા પણ મળી. ઉદ્યોગ તથા નાણાજગતના લોકો તથા પત્રકારો હસમુખભાઈને 'એચટીપી' તરીકે ઓળખતા.
આ અરસામાં અનેક વખત હસમુખભાઈએ ગૃહધિરણક્ષેત્રે અલગ કંપનીની જરૂરિયાત પર ભાર મૂકતા રહ્યા અને સરકારને સમયાંતરે રજૂઆત કરતા રહ્યા. પરંતુ આ ક્ષેત્રમાં પ્રવર્તમાન કાળાં નાણાં તથા 'ઉદ્યોગ' તરીકેનો દરજ્જો ન હોવાને કારણે બૅન્કો બિલ્ડર કે ઘર ખરીદનારને લૉન આપતી ન હતી અને મધ્યમવર્ગીય લોકોનું 'પોતાના ઘર'નું સપનું અધૂરું રહી જતું.
ડિસેમ્બર-1975માં હસમુખભાઈ આઈસીઆઈસીઆઈ બૅન્કના ચૅરમૅન તરીકે નિવૃત્ત થયા, પરંતુ તેમના મનમાં હજુ પણ ગૃહધિરાણ કંપનનીનો વિચાર રમતો હતો.

અમેરિકાની નોકરી છોડી અડધા પગારે HDFCમાં જોડાયા

ઇમેજ સ્રોત, The India Today Group/Getty
હસમુખભાઈ નિવૃત્ત થયા ત્યારે દેશમાં કટોકટી ચાલી રહી હતી. માર્ચ-1977માં તેઓ દિલ્હી ગયા અને તત્કાલીન નાણામંત્રી હીરુભાઈ પટેલને પોતાનો વિચાર રજૂ કર્યો. તેઓ મૂળ ગુજરાતના અને પૂર્વ સનદી અધિકારી એચટીપીને સારી રીતે ઓળખતા હતા, એટલે તેમણે ગૃહધિરાણના વિચારને લીલીઝંડી આપી.
આઈસીઆઈસીઆઈ બૅન્ક, આગા ખાન તથા એલઆઈસીએ પણ તેમાં રોકાણ કર્યું. ઑક્ટોબર-1977માં દશેરાના દિવસે એચડીએફસી અસ્તિત્વમાં આવી. તેની પાસે રૂ 10 કરોડનું પ્રારંભિક ભંડોળ હતું. બીજા વર્ષે જ કંપનીનું શૅરબજારમાં લિસ્ટિંગ થયું, પરંતુ તેનો ધબડકો થઈ ગયો.
એ સમયે આઈપીઓ લોકો માટે રોકાણનું નવું માધ્યમ હતું. રિલાયન્સ અને એચડીએફસીના જાહેરભરણા લગભગ એકસાથે જ આવ્યા હતા અને લોકોને લાગતું હતું કે તેમના પરપોટા ફૂટી જશે, પરંતુ એવું ન થયું અને બંનેએ પોતપોતાના ક્ષેત્રમાં કાઠું કાઢ્યું.
અનુભવી એચટીપીએ સમસ્યાને પારખી લીધી. તેમણે પોતાના ભત્રીજા દીપકને કંપનીમાં જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું.
તત્કાલીન બૉમ્બેમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા બાદ ઇંગ્લૅન્ડમાં સીએનો અભ્યાસ કરીને અમેરિકાની કંપની ચેઝ મૅનહટ્ટન માટે તેઓ કામ કરતા હતા. દીપક ન્યૂ યૉર્ક, સિંગાપોર તથા હૉંગકૉંગની વચ્ચે અવરજવર કરતા હતા. તેમને તક અને પડકાર બંને દેખાયાં.
અમેરિકામાં દીપકનો જેટલો પગાર હતો, એટલો એચટીપી આપી શકે તેમ ન હતા, એટલે દીપકે અડધા પગારે ડેપ્યુટી જનરલ મૅનેજર તરીકે જોડાવાનું સ્વીકાર્યું. 1985માં તેઓ કંપનીના ડાયરેક્ટર બન્યા અને 1993થી 2010 સુધી પારેખ એચડીએફસીના ચૅરમૅનપદે રહ્યા.
એચટીપીની દૂરંદેશીને કારણે ભારતમાં ધિરાણની નવી તરેહ ખૂલી. દેશમાં ગૃહનિર્માણનો ઝડપભેર વિકાસ થયો જેનો લાભ સ્ટીલ, સિમેન્ટ, પરિવહન તથા અન્ય ઉદ્યોગોને પણ મળ્યો. એચડીએફસીએ પોતે જ 50 લાખ હયાત સહિત લગભગ 90 લાખ હૉમલૉન આપી છે.

HDFCને ઊભી કરવામાં દીપક પારેખનો ફાળો

ઇમેજ સ્રોત, NOAH SEELAM
એચડીએફસીનો આઈપીઓ નિષ્ફળ જવાનું એક કારણ એ પણ હતું કે તે સમયે યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાએ (ઍક્સિસ બૅન્કની આધ્યાત્મિક પૂરોગામી) તેમાં રોકાણ કર્યું ન હતું. પારેખે રૂબરૂ મળીને યુટીઆઈના ચૅરમૅનને કંપનીના શૅરમાં રોકાણ કરવા વિનવણી કરી હતી, પરંતુ કંપનીને 'જોખમી' ગણીને તેમાં રોકાણ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
એચડીએફસીનું કામ ચાલુ થઈ ગયું અને ગાડું ગબડતું રહ્યું, ધીમે-ધીમે તેમાં લોકો તથા રોકાણકારોનો વિશ્વાસ બેસતો ગયો. કંપનીની સ્થાપનાના લગભગ પાંચેક વર્ષમાં યુટીઆઈ તેમાં સૌથી મોટું શૅરધારક હતું. તેની યુનિટ-64 સ્કીમ અત્યંત લોકપ્રિય હતી અને તેમાં દેશભરના લાખો રોકાણકારોએ રોકાણ કર્યું હતું.
2001માં કેતન પારેખના કૌભાંડ બાદ લોકોએ યુનિટ-64 વટાવવાનું શરૂ કરી દીધું, જેના કારણે ભાવોમાં કડાકો બોલી ગયો. કંપની દબાણ હેઠળ આવી ગઈ.
આથી છ મહિના માટે યુનિટને વટાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. 2002માં સરકારે યુટીઆઈના યુનિટ-64ના ચૂકવણાની જવાબદારી સ્વીકારી. દરમિયાન તેના પુનર્ગઠન માટે કમિટી નીમવામાં આવી, જેમાં દીપક પારેખને સ્થાન આપવામાં આવ્યું હતું.
એ પછી વર્ષ 2008માં જ્યારે સત્યમના રામલિંગા રાજુએ કંપનીમાં ગેરરીતિનો સાર્વજનિક રીતે સ્વીકાર કર્યો, ત્યારે કંપનીનો વહીવટ સંભાળવા માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું, જેમાં દીપક પારેખ સામેલ હતા. કંપનીની સ્થિતિ સુધરતા તેને મહિન્દ્રા જૂથને વેચી દેવામાં આવી.
2014માં દેશ સામાન્ય ચૂંટણીની તૈયારી કરી રહ્યો હતો ત્યારે બીસીસીઆઈએ સુનિલ ગાવસ્કરને હંગામી ધોરણે બીસીસીઆઈનો પ્રભાર સોંપ્યો અને દીપક પારેખને બીસીસીઆઈના સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી હતી. દીપકના વ્યવસાયને લગતી વાત ન હતી, પરંતુ રસને લગતી વાત ચોક્કસ હતી.
2001માં એચડીએફસી તથા ટાઇમ્સ બૅન્કનું મર્જર થયું હતું. આ સિવાય 2008માં સેન્ચુરિયન બૅન્ક ઑફ પંજાબને પણ પોતાનામાં સમાવી લીધી હતી.

મોદી સરકાર સાથે સંબંધ

ઇમેજ સ્રોત, Ritesh Shukla/Getty
સામાન્ય રીતે દીપક પારેખ શાંત, સરળ અને સહજ નજરે પડે, પરંતુ 2002માં તેમણે પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો.
ગોધરાકાંડ તથા તેના પછી ફાટી નીકળેલા હુલ્લડો અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે, "જે સરકાર મહિલાઓ અને બાળકોનું રક્ષણ ન કરી શકે, તેને સત્તા ઉપર રહેવાનો અધિકાર નથી."
"કેન્દ્રીય ગૃહમંત્રી (લાલકૃષ્ણ અડવાણી) તથા મુખ્ય મંત્રીએ (નરેન્દ્ર મોદી) જવાબદારી લેવી જોઈએ અને પદ છોડી દેવાં જોઈએ, તેનાથી આંતરરાષ્ટ્રીયસ્તરે ભારતની ખૂબજ બદનામી થઈ છે."
વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની ચર્ચા કરનારા કૉર્પોરેટ જગતના પ્રારંભિક માંધાતામાંથી દીપક એક હતા. તેમણે 2012માં મુખ્ય મંત્રી તરીકે મોદીની પુનઃચૂંટણી બાદ આ વાત કહી હતી.
2014માં નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા, ત્યારે એવી અટકળો હતી કે દીપક પારેખને નાણામંત્રી બનાવવામાં આવશે. એ પછી એવી પણ ચર્ચા હતી કે તેમને અમેરિકા ખાતે ભારતના ઍમ્બેસેડર બનાવવામાં આવશે. હાલ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર એ સમયે પદ પર હતા.
કેટલાકને લાગતું હતું કે તેઓ 'મોદી સરકારમાં નંદન નિલકેણી' હશે. છતાં મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી નેશનલ ઇન્વેસ્ટમૅન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં તેઓ નૉમિની ડાયરેક્ટર છે.
દીપક પારેખ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ ફાઇનાન્સ કંપનીના સ્થાપક ચૅરમૅન હતા. આજે એ કંપની બૅન્કિંગ ક્ષેત્રમાં એચડીએફસીની પ્રતિસ્પર્ધી છે. ગુજરાત રૂરલ હાઉસિંગ (ગૃહ) ફાઇનાન્સ લિમિટેડ તથા કેનરા હાઉસિંગ ફાઇનાનન્સની સ્થાપનામાં પણ પારેખ કે એચડીએફસી રહ્યા છે.

પારેખ પરિવારના 'દીપક'

ઇમેજ સ્રોત, SOPA Images
દીપકના નેતૃત્વમાં એચડીએફસી બૅન્કે આઈસીઆઈસીઆઈ બૅન્ક પાસેથી હિસ્સો ખરીદ્યો. આજે બંને બૅન્કિંગ, લાઇફ ઇન્સ્યૉરન્સ તથા જનરલ ઇન્સ્યૉરન્સ સૅક્ટરમાં એકબીજાના પ્રતિસ્પર્ધી છે. સરકારે બૅન્કિંગ તથા વીમાક્ષેત્રના દ્વાર ખાનગીક્ષેત્ર માટે ખોલ્યા, ત્યારે પારેખે આ તકોને પારખી લીધી હતી.
હવે, એચડીએફસી દ્વારા જ સ્થાપિત એચડીએફસી બૅન્ક સાથે તેના મર્જરની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત કરતી વખતે દીપક પારેખે ક્હ્યું હતું, 'દીકરો મોટો થાય અને બાપનો ધંધો સંભાળી લે, એવું જ થયું છે.' સાથે જ ઉમેર્યું હતું કે, 'છેવટે અમને ઘર મળ્યું.'
મર્જરની પ્રક્રિયા તથા જરૂરી વહીવટી મંજૂરીઓ મળતા લગભગ સવા વર્ષ જેટલો સમય લાગી ગયો છે. આ ગાળા દરમિયાન બંને કંપનીઓ સ્વતંત્ર રીતે કામ કરતી રહી. મર્જરની જાહેરાત સમયે જ ખાતરી આપવામાં આવી હતી કે આ પગલાને કારણે એક પણ કર્મચારીને છૂટો કરવામાં નહીં આવે.
રોકાણકારોને એચડીએફસીના 25 શૅરના બદલામાં એચડીએફસી બૅન્કના 42 શૅર મળ્યા છે. ભારતના કૉર્પોરેટ જગતના સૌથી મોટા મર્જરમાંથી એક એવા આ સોદાથી નાણાં ઊભા કરવા સસ્તા પડશે, એમ કંપનીનું કહેવું છે.
મર્જર બાદ દીપક દેશની સૌથી મોટી એનબીએફસીમાંથી એક (નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપની) એચડીએફસીનું ચૅરમૅનપદ છોડી દેશે.
સ્ટૉકઍજના રિપોર્ટ પ્રમાણે, મંગળવારે (તા. 11 જુલાઈ) બજાર બંધ થયાની સ્થિતિ પ્રમાણે, એચડીએફસીની શૅરબજારમાં નોંધાયેલી કંપનીઓ એચડીએફસી, એચડીએફસી બૅન્ક, એચડીએફસી લાઇફ ઇન્સ્યૉરન્સ, એચડીએફસી ઍસેટ મૅનેજમૅન્ટની કુલ મૂડી 16 લાખ 24 હજાર કરોડ જેટલી થવા જાય છે.
કેકી મિસ્ત્રી, આદિત્ય પુરી, શશિધર જગદીશન, અતનુ ચક્રવર્તી વગેરે જેવા લોકોને શોધીને કંપનીમાં લાવવાનું શ્રેય દીપકને જાય છે. કહેવાય છે કે તેમણે ભારતની અનેક કંપનીઓમાં સીઈઓનાં નામોની ભલામણો કરી છે અને તેમની નિમણૂકો પણ થઈ છે. દીપક માને છે કે 'સીઈઓની નિમણૂક કરવા માટે લાંબા-લાંબા ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી, માત્ર તેમની સાથે દસેક મિનિટની વાતચીત જ પૂરતી' હોય છે.
દીપક પારેખ સરકારની અનેક ટાસ્ક ફૉર્સ, આર્થિકવિકાસ સૂચન સમિતિના પણ સભ્ય છે. તેઓ સમયાંતરે આર્થિકવિકાસ તથા અર્થતંત્ર મુદ્દે મોદી સરકારની પ્રશંસા અને ટીકા પણ કરતા રહ્યા છે. તેઓ જર્મની, ફ્રાન્સ, અમેરિકા તથા યુકે સાથેના અનેક વેપારસમૂહોના સભ્ય છે.
ઇકૉનૉમિક ટાઇમ્સ તથા દેશની ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ સંસ્થા દ્વારા તેમને લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને પદ્મભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય ફ્રાન્સ તથા જર્મનીએ પણ પોતાના નાગરિકસન્માનોથી દીપક પારેખને નવાજ્યા છે.
તેઓ હિંદુસ્તાન લિવર, બૅંગ્લોર ઍરપૉર્ટ થતા મહિંદ્રા ઍન્ડ મહિંદ્રાના બોર્ડમાં રહી ચૂક્યા છે. અત્યારે પણ તેઓ સિમેન્સ ઇન્ડિયા, એચડીએફસી લાઇફ ઇન્સ્યૉરન્સ અને એચડીએફસીના ચૅરમૅનપદે છે.
દીપક પારેખ તેમના કાકાના નામે સ્થાપિત એચડીએફસીની સખાવતી સંસ્થા એચટી પારેખ ફાઉન્ડેશન, બ્રિચ કૅન્ડી હૉસ્પિટલ તથા ઇન્ડિયન ઇનસ્ટિટ્યૂટ ઑફ હ્યુમન સેટલમૅન્ટ્સ સાથે પણ જોડાયેલા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













