ચંદા કોચર : ભારતીય બૅન્કિંગ સેક્ટરનાં સ્ટારની પદ્મભૂષણથી ધરપકડ સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી હિન્દી
- પદ, ન્યૂ દિલ્હી

- ચંદા કોચર એક સમયે ભારતીય બૅંન્કીંગ સેક્ટરના સ્ટાર કહેવાતા હતા
- મૅનેજમૅન્ટ અને બૅન્કિંગના દિગ્ગજ કહેવાતા ચંદા કોચર કામ કરતી મહિલાઓ માટે એક રોલ મૉડલ તરીકે ઓળખાતા હતા
- સીબીઆઈએ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર સામે ગુનાહિત કાવતરુ અને છેતરપિંડીનો કેસ નોંધ્યો છે
- ચંદા કોચર વીડિયોકૉન ગ્રૂપને લોન આપવાના મામલામાં આરોપોનો સામનો કરી રહ્યા છે
- રાજસ્થાનના જોધપુરમાં જન્મેલા ચંદા કોચરે જયપુરથી પોતાનો શૈક્ષણિક અભ્યાસ કર્યો છે

સીબીઆઈએ શુક્રવારે આઈસીઆઈસીઆઈ બૅન્કનાં પૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી છે.
તેમની પર વીડિયોકોન ગ્રૂપને આપવામાં આવેલી 3000 કરોડ રૂપિયાની લોનમાં ગેરરીતિનો આરોપ છે. જ્યારે આ લોન આપવામાં આવી હતી, એ સમયે તેઓ આઈસીઆઈસીઆઈ બૅન્કનાં પ્રમુખ હતા.તેમની સામે એ પણ આરોપ છે કે આ લોનની રકમનો ઉપયોગ તેમના પતિની કંપનીમાં કરવામાં આવ્યો છે.
તેમની પર લાગેલા આરોપો અનુસાર, ઇલેક્ટ્રોનિક્સ મૅન્યુફૅક્ચરિંગ અને તેલ-ગૅસ માઇનિંગ કંપની વીડિયોકોનના પૂર્વ ચેરમૅન વેણુગોપાલ ધૂતે દીપક કોચરની કંપની ન્યૂ-પાવરમાં કથિત રીતે મોટી રકમનું રોકાણ કર્યું હતું.
આ રોકાણ વીડિયોકોન ગ્રૂપને આઈસીઆઈસીઆઈ બૅન્ક પાસેથી લોન મળ્યા બાદ કરવામાં આવ્યું હતું. વીડિયોકોનને આપવામાં આવેલી આ લોન એનપીએમાં ફેરવાઈ ગઈ હતી.
ચંદા કોચર એક સમયે ભારતીય બૅંન્કિંગ સેક્ટરના સ્ટાર કહેવાતાં હતાં. તેમણે ઘણા ઓછા સમયમાં પોતાની કારકિર્દીની ઊંચાઈઓને સ્પર્શી લીધી હતી.
મૅનેજમૅન્ટ અને બૅન્કિંગનાં દિગ્ગજ કહેવાતાં ચંદા કોચર કામ કરતી મહિલાઓ માટે રોલમૉડલ તરીકે ઓળખાતાં હતાં.
ઝળહળતી બૅન્કિંગ સફરનો આવો અંત
વર્ષ 2009માં જ્યારે ચંદા કોચરને આઈસીઆઈસીઆઈ બૅન્કનાં સીઈઓ અને મૅનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યાં ત્યારે કહ્યું હતું કે, આકાશમાં ઊડવાની મહત્ત્વાકાંક્ષા રાખો, પરંતુ ધીમે-ધીમે આગળ વધો. એકેએક પગલું ભરતી વખત આનંદ માણો. આ નાનાં-નાનાં પગલાં જ આપણી સફરને પૂર્ણ કરે છે.”
એ સમયે તેમને કદાચ એ વાતનો સહેજ પણ ખ્યાલ નહીં હોય કે તેમની ઝળહળતી બૅન્કિંગ સફર આવી રીતે ટૂંકાઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતીય બૅન્કિંગ સેક્ટરમાં પુરુષોનું વર્ચસ્વ તોડીને વિશ્વભરના બૅન્કિંગ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવનાર ચંદા હવે સીબીઆઈની તપાસ હેઠળ છે.
સીબીઆઈએ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચર વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.
ચંદા કોચર વીડિયોકોન ગ્રૂપને આપવામાં આવેલી લૉનના સંબંધે આરોપોનો સામનો કરી રહ્યાં છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે આઈસીઆઈસીઆઈ બૅન્કના સીઈઓનું પદ સંભાળતી વખતે તેમણે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો.
આજે ચંદા કોચર ભલે ખોટા કારણોસર ચર્ચામાં હોય, પરંતુ તે પહેલાં બૅન્કિંગ સાથે જોડાયેલી તેમની અદ્ભુત સફર પર નજર કરીએ. જ્યાં સંઘર્ષ છે, સફળતા છે અને મોટા પુરસ્કારો પણ છે.

રાજસ્થાનથી મુંબઈ સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજસ્થાનના જોધપુરમાં જન્મેલાં ચંદા કોચરે જયપુરથી અભ્યાસ કર્યો છે. તેમના પિતા રૂપચંદ અડવાણી જયપુર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીના આચાર્ય હતા, જ્યારે માતા ગૃહિણી હતાં.
ચંદાના પતિ દીપક કોચરના સત્તાવાર બ્લૉગમાં તેમના વિશે લખ્યું છે. જ્યારે ચંદા 13 વર્ષનાં હતાં, ત્યારે તેમના પિતાનું નિધન થઈ ગયું હતું.
તેમણે મુંબઈની જય હિન્દ કૉલેજમાંથી બી.કૉમ.નો અભ્યાસ કર્યો છે. 1982માં સ્નાતક થયા બાદ, તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોસ્ટ ઍકાઉન્ટન્ટ ઑફ ઇન્ડિયામાંથી કોસ્ટ ઍકાઉન્ટન્સીનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ સ્ટડીઝમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી.
મૅનેજમૅન્ટ સ્ટડીઝમાં સારા પર્ફૉર્મન્સ માટે ચંદા કોચરને વોકહાર્ડ્ટ ગોલ્ડ મેડલ અને ઍકાઉન્ટન્સીમાં જેએન બોસ ગોલ્ડ મેડલ મળ્યો છે.
વર્ષ 1984માં મૅનેજમૅન્ટ ટ્રેઇની તરીકે ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બૅન્કમાં જોડાયાં.
1955માં આઈસીઆઈસીઆઈ (ઇન્ડસ્ટ્રીયલ ક્રૅડિટ ઍન્ડ ઇન્વેસ્ટમૅન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા)ની રચના ભારતીય ઉદ્યોગોને પ્રોજેક્ટ આધારિત ધિરાણ માટે સંયુક્ત નાણાકીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી.
1994માં જ્યારે આઈસીઆઈસીઆઈ બૅન્ક સંપૂર્ણ માલિકીની બૅન્કિગ કંપની બની, ત્યારે ચંદા કોચરને આસિસ્ટન્ટ જનરલ મૅનેજર બનાવવામાં આવ્યાં હતાં.

બૅન્કનાં સીઈઓ અને પદ્મભૂષણ

ઇમેજ સ્રોત, Getty Images
ચંદા કોચર સતત સફળતા પ્રાપ્ત કરતા ગયાં હતાં. ડેપ્યુટી જનરલ મૅનેજર, જનરલ મૅનેજરના પદથી વર્ષ 2001માં બૅન્કે તેમને ઍક્ઝિક્યૂટીવ ડિરેક્ટર બનાવ્યાં હતાં.
તેમને કૉર્પોરેટ બિઝનેસ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી. પછી તેમને મુખ્ય નાણાકીય અધિકારી બનાવવામાં આવ્યાં હતાં.
મે 2009માં ચંદા કોચરને આઈસીઆઈસીઆઈ બૅન્કનાં સીઈઓ અને એમડી બનાવવામાં આવ્યાં હતાં. ચંદા કોચરના નેતૃત્વમાં આઈસીઆઈસીઆઈ બૅન્કે રિટેલ બિઝનેસમાં પગ મૂક્યો હતો. જેમાં તેમને અપાર સફળતા મળી હતી.
તેમની યોગ્યતા અને બૅન્કિંગ સેક્ટરમાં તેમના યોગદાનનો પુરાવો હતો કે ભારત સરકારે ચંદા કોચરને પોતાના ત્રીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મભૂષણથી (2011)માં નવાજ્યાં હતાં.
આઈસીઆઈસીઆઈનાં કાર્યકાળ દરમિયાન ચંદા કોચરને ભારત અને વિદેશમાં બૅન્કનાં વિવિધ કાર્યોનાં સંચાલનોની જવાબદારી સોંપવામાં આવી હતી.
તેમના નેતૃત્વ હેઠળ આઈસીઆઈસીઆઈ બૅન્ક ભારતમાં ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બૅન્ક બની હતી. વર્ષ 2016માં દીપક કોચરે ચંદા કોચરની વાર્ષિક સૅલરીનો ઉલ્લેખ કર્યો હતો, જે લગભગ 5.12 કરોડ રૂપિયા વાર્ષિક બતાવવામાં આવી છે.
તેમને ફોર્બ્સ મૅગેઝિનની વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની કૅટેગરીમાં પણ સ્થાન મળ્યું હતું.

પદનો દુરુપયોગ?

ઇમેજ સ્રોત, Getty Images
નવ વર્ષ સુધી સતત આઈસીઆઈસીઆઈ બૅન્કના સીઈઓ રહી ચૂકેલાં ચંદા કોચર પર વર્ષ 2018માં કાળાં વાદળો મંડરાવાનાં શરૂ થઈ ગયાં હતાં.
તેમના પર વીડિયોકોન ગ્રૂપને લોન આપવાનો અને પછી અયોગ્ય રીતે વ્યક્તિગત લાભ લેવાનો આરોપ હતો. આ મામલો એટલો વધી ગયો છે કે 4 ઑક્ટોબર 2018ના રોજ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. ચંદા કોચરનો કાર્યકાળ માર્ચ 2019માં પૂર્ણ થવાનો હતો.
ચંદા કોચર પર ગયા વર્ષે માર્ચમાં તેમના પતિને કથિત રીતે આર્થિક લાભ આપવા બદલ તેમના પદનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
ઇન્ડિયન એક્સ્પ્રેસે માર્ચમાં દાવો કર્યો હતો કે વીડિયોકોન ગ્રૂપની પાંચ કંપનીઓને આઈસીઆઈસીઆઈ બૅન્કે એપ્રિલ 2012માં 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી.

મામલો કેવી રીતે સામે આવ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
વ્હિસલ બ્લોઅર અરવિંદ ગુપ્તાની ફરિયાદ બાદ મીડિયા દ્વારા આ બાબતનો સૌપ્રથમ પર્દાફાશ થયો હતો. અરવિંદ ગુપ્તા વીડિયોકોન ગ્રૂપમાં રોકાણકાર હતા.
તેમણે વર્ષ 2016માં આઈસીઆઈસીઆઈ બૅન્ક અને વીડિયોકોન ગ્રૂપ વચ્ચેના ટ્રાન્ઝેક્શન પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વડા પ્રધાન અને નાણામંત્રીને લખેલા પત્રમાં કોચરના કથિત અયોગ્ય વ્યવહાર અને હિતોના સંઘર્ષ વિશે માહિતી આપી હતી.
તે સમયે અરવિંદ ગુપ્તાની ફરિયાદ પર બહુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ત્યારબાદ તેમણે દીપક કોચર દ્વારા વર્ષ 2010માં પ્રમોટ કરાયેલી કંપની એનયૂ પાવર રિન્યુએબલ્સ અંગે વધુ માહિતી એકઠી કરી હતી.
ગયા વર્ષે ઇન્ડિયન એક્સ્પ્રેસે જ્યારે આ નાણાકીય ગેરરીતિઓ અંગે રિપોર્ટ જાહેર કર્યા, ત્યારે આ બાબત રાષ્ટ્રીય મીડિયામાં હેડલાઇન્સ બની હતી.
આઈસીઆઈસીઆઈ બૅન્કે સ્વતંત્ર તપાસનો નિર્ણય લીધો છે. બૅન્કે ગયા વર્ષે 30 મેના રોજ જાહેરાત કરી હતી કે બોર્ડ વ્હિસલ બ્લોઅરના આરોપોની ‘વિસ્તૃત તપાસ’ હાથ ધરશે.
એ બાદ આ મામલાની સ્વતંત્ર તપાસની જવાબદારી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બીએન શ્રીકૃષ્ણાને સોંપવામાં આવી હતી.
એપ્રિલ મહિનામાં સીબીઆઈએ આ કેસ પોતાના હાથમાં લીધો અને દીપક કોચર, વીડિયોકોન ગ્રૂપ સહિત કેટલાક અજાણ્યા લોકો વચ્ચે થયેલી વ્યવહારોની પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
જૂનમાં ચંદા કોચરે રજા લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સંદીપ બક્ષીને 19મી જૂને બૅન્કના સીઓઓ બનાવવામાં આવ્યા હતા. પછી ચંદા કોચરના રાજીનામા બાદ સંદીપ બક્ષીને બૅન્કના નવા પૂર્ણસમયના સીઈઓ અને એમડી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શું છે આઈસીઆઈસીઆઈ બૅન્ક વિવાદ?

ઇમેજ સ્રોત, DIRK WAEM/AFP/GETTY IMAGES
ઇન્ડિયન એક્સપ્રેસે એક રિપોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે, વેણુગોપાલ ધૂતની વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝને એક નવી કંપની માટે આઈસીઆઈસીઆઈ બૅન્કે 3250 કરોડ રૂપિયાની લૉન આપી હતી.
ડિસેમ્બર 2008માં ધૂતે દીપક કોચર સાથે મળીને ન્યૂ-પાવર રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ (એનઆરપીએલ) નામની કંપની બનાવી.
આ કંપનીમાં ધૂત અને તેમના સંબંધીઓનો 50 ટકા હિસ્સો હતો, જ્યારે બાકીનો હિસ્સો દીપક કોચર, તેમના પિતા અને ચંદા કોચરનાં ભાભીની કંપની પેસિફિક પાસે હતો.
જાન્યુઆરી 2009માં ધૂતે એનઆરપીએલના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું અને તેમના 24,999 શૅર દીપક કોચરની કંપનીમાં માત્ર રૂ. 2.5 લાખમાં ટ્રાન્સફર કર્યા.
માર્ચ 2010 માં એનઆરપીએલને સુપ્રીમ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 64 કરોડ રૂપિયાની લૉન મળી હતી. ધૂતનો સુપ્રીમ એનર્જીમાં 99.9 ટકા હિસ્સો હતો.
વર્ષ 2010માં માર્ચના અંત સુધીમાં ધૂતની કંપની સુપ્રીમ એનર્જી એનઆરપીએલમાં 94.99 ટકા શૅરહોલ્ડર બની હતી. નવેમ્બર 2010માં ધૂતે સુપ્રીમ એનર્જીમાં પોતાનો સમગ્ર હિસ્સો તેમના સહયોગી મહેશ ચંદ્ર પુગલિયાને ટ્રાન્સફર કર્યો હતો.
સપ્ટેમ્બર 2012થી એપ્રિલ 2013 વચ્ચે પુગલિયાએ તેમનો સમગ્ર હિસ્સો, એક ટ્રસ્ટ પિનેકલ એનર્જીને ટ્રાન્સફર કર્યું, જેના મૅનેજિંગ ટ્રસ્ટ દીપક કોચર જ હતા.
સુપ્રીમ એનર્જી જેણે ક્યારેક ન્યૂ પાવરને 64 કરોડ રૂપિયાની લોન આપી હતી, તે ત્રણ વર્ષની અંદર જ પિનેકલ એનર્જી સાથે મર્જ થઈ ગઈ.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે, આ સમગ્ર ઘટનામાં પૈસાની જે લેણદેણ થઈ, તેનાથી દીપક કોચરને ઘણો ફાયદો થયો હતો.














