મથુરા કૃષ્ણજન્મભૂમિ વિવાદ : શું કોર્ટે શાહી મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો છે?

મથુરા

ઇમેજ સ્રોત, SURESH SAINI/BBC

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા
બીબીસી ગુજરાતી
  • મથુરાની એક સ્થાનિક અદાલતે મિલકતનો અમીન રિપોર્ટ માંગ્યો છે
  • હિન્દુ પક્ષનો દાવો છે કે આ એક પ્રકારનો 'મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો આદેશ' છે
  • મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ એક 'એકતરફી આદેશ' છે અને તેમનો પક્ષ સાંભળ્યા વિના પસાર કરવામાં આવ્યો છે
  • મુસ્લિમ પક્ષનો દાવો છે કે આદેશ સર્વે માટેનો નથી, પરંતુ કોર્ટે સ્થળનો અમીન રિપોર્ટ (સ્થળ પર શું હાજર છે અને માલિકી હક્ક કોની પાસે છે) માંગ્યો છે
  • મથુરાના કુલ 13.77 એકર જમીનનો મામલો છે. તેના એક ભાગમાં ઈદગાહ બનાવવામાં આવી છે, તેની સાથે જોડાયેલા અનેક કેસ અદાલતમાં ચાલી રહ્યા છે
રેડ લાઇન

મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી મસ્જિદ ઈદગાહને લઈને ચાલી રહેલા વિવાદમાં શનિવારે નવો વળાંક આવ્યો છે.

8 ડિસેમ્બરે, એક હિંદુ સંગઠન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે મથુરાની એક સ્થાનિક અદાલતે મિલકતનો અમીન રિપોર્ટ માંગ્યો છે.

કોર્ટે આ અરજી પર 8 ડિસેમ્બરે જ આદેશ આપ્યો હતો, જેની માહિતી 24 ડિસેમ્બર એટલે કે શનિવારે સાર્વજનિક થઈ હતી.

હિન્દુ પક્ષનો દાવો છે કે આ એક પ્રકારનો 'મસ્જિદ પરિસરનો સર્વે કરવાનો આદેશ' છે.

બીજી તરફ આ વિવાદમાં સામેલ મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ એક 'એકતરફી આદેશ' છે અને તેમનો પક્ષ સાંભળ્યા વિના પસાર કરવામાં આવ્યો છે.

જો કે મુસ્લિમ પક્ષનો દાવો છે કે આદેશ સર્વે માટેનો નથી, પરંતુ કોર્ટે સ્થળનો અમીન રિપોર્ટ (સ્થળ પર શું હાજર છે અને માલિકી હક્ક કોની પાસે છે) માંગ્યો છે.

આ મથુરાના કુલ 13.77 એકર જમીનનો મામલો છે. તેના એક ભાગમાં ઈદગાહ બનાવવામાં આવી છે. તેની સાથે જોડાયેલા અનેક કેસ અદાલતમાં ચાલી રહ્યા છે.

ગ્રે લાઇન

આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ

કોર્ટના આદેશની નકલ હિન્દુ સેનાએ સાર્વજનિક કરી છે

ઇમેજ સ્રોત, HINDU SENA

ઇમેજ કૅપ્શન, કોર્ટના આદેશની નકલ હિન્દુ સેનાએ સાર્વજનિક કરી છે

મથુરાના વરિષ્ઠ સિવિલ જજ સોનિકા વર્માએ આવી જ એક અરજી પર સુનાવણી કરતી વખતે અમીન (મહેસૂલ વિભાગના અધિકારી)ને સ્થળનું નિરીક્ષણ કરવા અને 20 જાન્યુઆરી સુધીમાં કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ થશે.

હિન્દુવાદી સંગઠન 'હિંદુ સેના' દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ આદેશ આપ્યો છે. હિન્દુ સેનાએ દેવ બાલકૃષ્ણ વતી અરજી દાખલ કરી છે અને હિન્દુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તાને તેમના વતી અધિકૃત ગણાવવામાં આવ્યા છે.

બીબીસી સાથે વાત કરતા વિષ્ણુ ગુપ્તા કહે છે, "મથુરા વિવાદમાં હિંદુ પક્ષની આ પહેલી જીત છે. લાંબા સમય પછી અહીં સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમે કોર્ટને કહ્યું છે કે આ મસ્જિદ ઔરંગઝેબે મંદિર તોડીને બનાવી હતી, તેનો સર્વે થવો જોઈએ."

વિષ્ણુ ગુપ્તા કહે છે, "અમારું અંતિમ ધ્યેય અહીં ભગવાન કૃષ્ણનું ભવ્ય મંદિર બનાવવાનું છે. સર્વે શક્ય તેટલી વહેલી તકે થવો જોઈએ, કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવામાં આવે અને ગેરકાયદેસર મસ્જિદ હટાવીને ભવ્ય મંદિર બને એ માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને કરતા રહીશું."

ગ્રે લાઇન

મુસ્લિમ પક્ષે શું કહ્યું?

શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ

ઇમેજ સ્રોત, ROB ELLIOTT/AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ

આ કેસમાં મુસ્લિમ પક્ષનો દાવો છે કે કોર્ટે તેમને સાંભળ્યા વિના એકતરફી નિર્ણય આપ્યો છે.

મસ્જિદ-ઈદગાહની ઈન્તેઝામિયા સમિતિના વકીલ તનવીર અહમદ કહે છે, "મસ્જિદ-મંદિર સંબંધિત એક ડઝનથી વધુ કેસ છે, પાંચ કેસો રદ કરવામાં આવ્યા છે. મથુરાની એકપણ અદાલતે અત્યાર સુધી કોઈ આદેશ આપ્યો નથી. એક અરજદાર પક્ષે 8 ડિસેમ્બરે નવો કેસ દાખલ કર્યો હતો. અમે તેમાં પક્ષકાર હતા, પરંતુ અમારી વાત સાંભળ્યા વિના કોર્ટે એકતરફી આદેશ આપ્યો છે કે સ્થળનો અમીન રિપોર્ટ દાખલ કરવામાં આવે. આ સર્વે માટેનો આદેશ નથી પરંતુ અમીન રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે સ્થળની સ્થિતિ કોર્ટને જણાવવામાં આવે કે ત્યાં શું શું બનેલું છે."

આ કેસ 8 ડિસેમ્બરે દાખલ કરવામાં આવ્યો હતો અને તે જ દિવસે આદેશ પસાર કરવામાં આવ્યો હતો, જેની માહિતી 24 ડિસેમ્બરે જાહેર થઈ હતી.

બીબીસી ગુજરાતી

સમજૂતી સામે પડકાર

મસ્જિદ

ઇમેજ સ્રોત, SURESH SAINI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તનવીર અહમદનું કહેવું છે કે, "હવે કોર્ટ બંધ છે અને 2 જાન્યુઆરીએ અમે તેને પડકારીશું. આ પહેલો કેસ નથી, આ પહેલા પણ ઘણા કેસ ડિસમિસ થઈ ચૂક્યા છે. હવે સવાલ એ છે કે આ કેસ કઈ રીતે અલગ છે કે આવો આદેશ આપી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી સ્થિતિનો સંબંધ છે તો બધું શાંત છે, યથાવત સ્થિતિ છે."

1968માં મસ્જિદની વહીવટી સમિતિ અને શ્રીકૃષ્ણ સેવા સંસ્થાન વચ્ચે વિવાદને લઈને સમજૂતી થઈ હતી.

હિન્દુ સેના 1968ની આ સમજૂતીને પણ પડકારી રહી છે. વિષ્ણુ ગુપ્તા કહે છે, "અમે બીજી એક અરજી આપી છે કે 1968ની સમજૂતી રદ કરવામાં આવે, તે સમજૂતી ખોટી છે. શ્રીકૃષ્ણ સેવા સંસ્થાને આ સમજૂતી કરવાનો અધિકાર નથી કારણ કે તેમની પાસે મંદિરનો માલિકી હક્ક નથી."

તનવીર અહમદનું કહેવું છે કે 1968ની સમજૂતી રદ કરવાની હિંદુ સંગઠનોનો તર્ક સ્વીકાર્ય નથી.

તેઓ કહે છે, "તેમની સાથે 1968ની સમજૂતી નથી થઈ. આ સમજૂતી શ્રીકૃષ્ણ સેવા સંસ્થાન અને શાહી મસ્જિદ ઇદગાહ ટ્રસ્ટ વચ્ચે થઈ છે. અમે આ પ્રશ્ન અગાઉ પણ ઉઠાવ્યો છે કે તેમને આ સમજૂતી સાથે કોઈ લેવાદેવા નથી."

તનવીર અહમદનો દાવો છે કે બાબરી મસ્જિદ વિવાદમાં કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારથી જ હિન્દુ સંગઠનો મસ્જિદને લઈને અરજીઓ દાખલ કરી રહ્યાં છે.

તેઓ કહે છે, "અમે કોર્ટમાં પહેલેથી જ અમારો પક્ષ મૂકી દીધો છે કે કોઈ પણ કેસ સ્વીકારતા પહેલા એ નક્કી કરવું કે કેસ ચલાવવા યોગ્ય છે કે નહીં."

“ઘણા કેસ પહેલેથી જ ચાલી રહ્યા છે, તેમાં પણ અમીન રિપોર્ટ અને સર્વેની માંગણી કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે આ કેસમાં એવું અલગ શું છે કે અમારો પક્ષ સાંભળ્યા વિના જ કોર્ટે એકતરફી આદેશ આપી દીધો, અમે આ પ્રશ્ન કોર્ટમાં ઉઠાવીશું."

બીબીસી ગુજરાતી

શું કહે છે સ્થાનિકો?

મથુરા

અહમદ કહે છે, "હરિશંકર જૈને 2020માં દાવો દાખલ કર્યો હતો, જે સ્વીકારવામાં આવ્યો ન હતો. ત્યારથી, અલગ-અલગ હિંદુ સંગઠનો અહીં વિવાદ ઊભો કરવા માટે કેસ દાખલ કરી રહ્યાં છે."

મસ્જિદ વિવાદમાં સર્વેના આદેશ આપ્યાના અહેવાલ બાદ મથુરામાં માહોલ ગરમ થયો છે અને પત્રકારો અહીં પહોંચી રહ્યા છે.

જોકે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિવાદની મથુરાના વાતાવરણ પર કોઈ ખાસ અસર નહીં થાય.

સ્થાનિક બિઝનેસમેન મોહમ્મદ યાસીન કહે છે, "જો વિવાદ થશે તો જનતાને પરેશાની થશે. અહીં ધાર્મિક સ્થળ છે અને અત્યાર સુધી હિંદુ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારો રહ્યો છે. જો કોઈ પ્રકારનો વિવાદ થશે તો લોકોને તકલીફ પડશે. અમે અખબારમાં સર્વે વિશે વાંચ્યું છે, પણ અત્યારે તો લાગી રહ્યું છે કે વાતાવરણ પર તેની ખાસ અસર નહીં થાય. અંગત રીતે મને લાગે છે કે કોર્ટનો આ આદેશ યોગ્ય નથી."

હિન્દુ વેપારી રાકેશકુમારનો અભિપ્રાય પણ મોહમ્મદ યાસીન જેવો જ છે. તેઓ કહે છે, "મથુરામાં હિંદુ-મુસ્લિમ સંપીને રહે છે, સામાન્ય લોકોને કોઈ અસર થશે નહીં, લોકોમાં કોઈ વિવાદ નથી. મથુરામાં અયોધ્યા કે વારાણસી જેવું વાતાવરણ નહીં સર્જાય. હાલ મથુરામાં સ્થિતિ સામાન્ય છે. કોર્ટની વાત કરીએ તો કોર્ટનો આદેશ બધા માટે માન્ય છે, બધા તેનું સન્માન કરશે."

બીજી તરફ, મથુરાના વરિષ્ઠ પત્રકાર અનંત સ્વરૂપ બાજપેઈનું કહેવું છે કે હાલ કોર્ટે માત્ર એક આદેશ આપ્યો છે, મુસ્લિમ સમુદાય આ આદેશ પર હાઈકોર્ટ અથવા અન્ય કોઈ કોર્ટમાંથી સ્ટે ઑર્ડર લાવી શકે છે.

બાજપેઈ કહે છે, "મથુરામાં અયોધ્યાની બાબરી મસ્જિદ કે વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદ જેવું કંઈ દેખાતું નથી, છતાં કંઈપણ થઈ શકે છે."

તેમનું કહેવું છે કે, "કોર્ટે પહેલી જ તારીખમાં આ સર્વેનો આદેશ આપી દીધો છે, જેના વિશે સામા પક્ષને પણ જાણ નથી અને બીજા પક્ષ વગર કોર્ટનો આદેશ પસાર કરવામાં આવ્યો છે, જેને મોટી કાર્યવાહી કહી શકાય નહીં."

બાજપેઈ કહે છે, "કોર્ટની આ કાર્યવાહીથી મથુરાના વાતાવરણ પર કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી. અહીં શાંતિ જળવાઈ રહી છે અને શહેરના ઈતિહાસને જોતા કહી શકાય કે અહીં શાંતિ જળવાઈ રહેશે."

રેડ લાઇન
રેડ લાઇન