અયોધ્યા અને ધન્નીપુર : કેવું ચાલી રહ્યું છે મંદિર અને મસ્જિદ બનાવવાનું કામ?- ગ્રાઉન્ડ રિપોર્ટ

ધન્નીપુર ગામમાં એ જગ્યા જ્યાં મસ્જિદ બનવાની સંભાવના છે
    • લેેખક, અનંત ઝણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા, અયોધ્યાથી
લાઇન
  • 23507 વર્ગ મીટરની જમીનમાં એક મસ્જિદ, એક હૉસ્પિટલ, તેનું બૅઝમેન્ટ, એક મ્યુઝિયમ અને એક સર્વિસ બ્લૉક બનશે
  • ટ્રસ્ટનું કહેવું છે કે, નિર્માણ કાર્ય માટે બધી મંજૂરી મળ્યા બાદ સમગ્ર હિન્દુસ્તાનમાંથી ફન્ડિંગ માટે એક રોડમેપ તૈયાર થઈ રહ્યો છે
  • મંદિરની છત અને ગુંબજનું કામ ઑગસ્ટ 2023માં પૂરું થશે
લાઇન

અયોધ્યામાં રામમંદિર બનાવવાના સુપ્રીમ કૉર્ટના નિર્ણય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 9 નવેમ્બર 2019ના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

સુપ્રીમ કૉર્ટે પોતાના નિર્ણયમાં મુસલમાનોને પાંચ એકર જમીન ફાળવવા કહ્યું હતું, જ્યાં તેઓ એક મસ્જિદ બનાવી શકે. જમીન અયોધ્યા શહેરથી 26 કિલોમીટર દૂર ધન્નીપુર નામના ગામમાં આપવામાં આવી હતી.

અમે ધન્નીપુર જઈને એ જાણવાની કોશિશ કરી કે ત્યાં મસ્જિદનિર્માણનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે અને અયોધ્યામાં મંદિરનું નિર્માણ ક્યાં સુધી પૂરું થવાની સંભાવના છે.

line

ધન્નીપુરમાં પરવાનગીની રાહ

કૅરટેકર સોહરાબ ખાન

ધન્નીપુરમાં અમારી મુલાકાત ત્યાંના કૅરટેકર સોહરાબ ખાન સાથે થઈ. તેમણે જમીન બતાવતા અમને કહ્યું, "આ પાંચ એકર જમીન છે, એટલે કે 20 વીઘા. આ ટ્રસ્ટની જમીન છે. આ મસ્જિદનું બાંધકામ માત્ર નકશાના કારણે અટકી ગયું છે. વિકાસ સત્તામંડળ પાસેથી નકશો પાસ કરાવવો પડશે. જેમાં એનઓસીની સમસ્યા આવી રહી છે. આશા છે કે ઝડપથી આ કામ પતી જશે."

જે પ્રોજેક્ટ કાગળ પર તૈયાર કરવામાં આવ્યો છે એ પ્રમાણે 23507 વર્ગ મીટરની જમીનમાં એક મસ્જિદ, એક હૉસ્પિટલ, તેનું બૅઝમેન્ટ, એક મ્યુઝિયમ અને એક સર્વિસ બ્લૉક બનશે.

હૉસ્પિટલમાં 200 પલંગ હશે, મસ્જિદમાં 2000 નમાજીઓની ક્ષમતા હશે અને મ્યુઝિયમ 1857ના સ્વતંત્રસંગ્રામની થીમ પર બનાવાશે અને તે મૌલવી અહમદુલ્લાહ શાહને સમર્પિત કરાશે.

હાલ આ જમીન પર પહેલાંથી જ એક મઝાર છે.

જમીનનું આર્કિટેક્ચરલ ડ્રોઇંગ અને નકશો બનાવીને અયોધ્યા ડેવલપમૅન્ટ ઑથૉરિટીને જમા કરાવ્યાં છે, પરંતુ કોરોનાના કારણે શરૂઆતમાં સમસ્યા ઊભી થઈ હતી.

એ બાદ ઑથૉરિટી તરફથી એનઓસી મંગાવવામાં આવી હતી. હવે ટ્રસ્ટને ફાયરની એનઓસી આપવાની રહેશે.

તેમાં એક પડકાર એ છે કે, 5 એકર જમીનનો રસ્તો માત્ર ચાર મીટર પહોળો છે, તેને વધારે પહોળો કરવાની જરૂર છે. જોકે એ દિશામાં કામ શરૂ થઈ ગયું છે.

line

કેવી રીતે થઈ રહ્યું છે ફન્ડિંગ

ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન મસ્જિદ ટ્રસ્ટ સાથે જોડાયેલા અતહર હુસૈન

આ બાંધકામ માટે ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન મસ્જિદ ટ્રસ્ટ પાસે અત્યાર સુધી લગભગ 35 લાખ રૂપિયા ભેગા થયા છે. ઇસ્લામમાં કહેવામાં આવે છે કે મસ્જિદ જે-તે વિસ્તારના લોકો બનાવે છે અને ફાઉન્ડેશનનું કહેવું છે કે કેટલાક લોકો મસ્જિદ માટે પૈસા આપવા માટે આગળ આવ્યા છે.

હજુ સુધી મોટું ક્રાઉડ-ફન્ડિંગ નથી થયું, પરંતુ બે મહિના પહેલાં ફરુખાબાદમાં પૈસા ભેગા કરવાની કોશિશ કરવામાં આવી હતી અને 10 લાખ રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા.

ટ્રસ્ટનું કહેવું છે કે, નિર્માણ કાર્ય માટે બધી મંજૂરી મળ્યા બાદ સમગ્ર હિન્દુસ્તાનમાંથી ફન્ડિંગ માટે એક રોડમેપ તૈયાર થઈ રહ્યો છે.

ધન્નીપુરમાં 300 કરોડના ખર્ચે બે તબક્કામાં બાંધકામ પ્રસ્તાવિત છે. પ્રથમ તબક્કામાં હૉસ્પિટલનો એક ભાગ, મસ્જિદ અને સાંસ્કૃતિક કેન્દ્ર અને હવામાનપરિવર્તનને ધ્યાને રાખીને ગ્રીન બેલ્ટનો સમાવેશ થાય છે.

બીજા તબક્કામાં માત્ર હૉસ્પિટલના વિસ્તારનું કામ થશે જેના પર 200 કરોડ ખર્ચ કરવાની યોજના છે.

ટ્રસ્ટની અપેક્ષા છે કે ઑથૉરિટીની મંજૂરી મળ્યા બાદ પ્રથમ તબક્કાનું કામ બે વર્ષમાં પૂરું થશે. હૉસ્પિટલમાં મહિલાઓ અને બાળકોના કુપોષણ અને તેનાથી થનારા રોગના સારવારની ખાસ સુવિધા હશે અને કૉમ્યુનિટી કિચનમાં સંતુલિત આહાર મળશે.

ટ્રસ્ટના સચિવ અતહર હુસૈનને અપેક્ષા છે કે, 'આવતા બે અઠવાડિયાંમાં મંજૂરી મળી જશે ત્યારબાદ બાંધકામ શરૂ થઈ શકશે.'

મ્યુઝિયમ આ પરિયોજનાનો મોટો ભાગ હશે. જોકે ટ્રસ્ટનું માનવું છે કે રામમંદિર આંદોલન અને તેની સાથે જોડાયેલી ઘટનાઓના કારણે સમાજમાં વિભાજનનું વાતાવરણ હશે.

ટ્રસ્ટના લોકો એવું પણ માને છે કે 1857નો પહેલો સ્વતંત્રતાસંગ્રામ હિન્દુ-મુસ્લિમ સમાનસંઘર્ષનું ઉદાહરણ છે અને અવધ વિસ્તાર આ સંઘર્ષના ઉદારણનો એક મહત્ત્વનો ભાગ હતો.

ટ્રસ્ટ આ વારસાને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવા માગે છે. એટલા માટે પણ આ મ્યુઝિયમને અંગ્રેજોને હરાવનાર અવધના મૌલવી અહમદુલ્લાહ શાહને સમર્પિત કરવાની યોજના છે, જેમણે લખનૌના ચિનહટમાં થયેલા યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું.

line

ટ્રસ્ટ: મંદિર અને મસ્જિદના બાંધકામની સરખામણી વાજબી નથી

મસ્જિદની પ્રસ્તાવિત ડિઝાઇન

મસ્જિદના બાંધકામનું કાર્ય અને તેના સાથે જોડાયેલા પડકારોને સમજવા માટે અમે ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન મસ્જિદ ટ્રસ્ટની લખનૌ ઑફિસમાં પણ ગયા હતા.

ત્યાં ટ્રસ્ટના સચિવ અતહર હુસૈને જણાવ્યું હતું કે, "સૌથી પહેલાં હું કહીશ કે રામમંદિર અને આપવામાં આવેલી 5 એકર જમીનની તુલના કરવી વાજબી નથી. આ જરૂરી નથી. રામમંદિર અને તેની સાથે જોડાયેલી તૈયારી એ લાંબી તૈયારી છે અને નવેમ્બર 2019 બાદ એ જણાવવામાં આવ્યું કે આ પાંચ એકર જમીન મળશે."

"તેનાં વર્ષો પછી આ પ્રોજેક્ટનું પ્રપોઝલ બન્યું. તો રામમંદિર માટે જે કૅમ્પેન અને જે જોશ છે, એજ આમાં જોવા મળે, એવું બિલકુલ નહીં થાય.

અમારું લક્ષ્ય છે કે ત્યાં એક ચૅરિટી લેવલની હૉસ્પિટલ લાવવી છે. મસ્જિદ માટે જમીન આપવામાં આવી છે એ તો બનાવવાની જ છે અને 1857ને સમર્પિત એક મ્યુઝિયમ પણ બનાવીશું."

ધન્નીપુરમાં કૅરટેકર સોહરાબ ખાનને અમે પૂછ્યું કે, શું ધન્નીપુર પણ અયોધ્યાની જેમ આસ્થાનું કેન્દ્ર બની શકશે તો તેમણે કહ્યું કે, "ઘણા બધા લોકો સવાલ કરે છે, મીડિયાવાળા પણ આવે છે, પૂછે છે, અને એ વિસ્તારના લોકો પણ આવે છે, બહારથી કોઈ આવે તો તેઓ પણ પૂછે છે કે, સરકાર તરફથી અહીં વિકાસ માટે શું કરાઈ રહ્યું છે. જેવી રીતે અયોધ્યાનગરીમાં વિકાસની ગંગા વહી રહી છે, એ ગંગાનો એક પ્રવાહ પણ હજુ અહીં વહી નથી રહ્યો."

શું અયોધ્યાની જેમ અહીં પણ હજારો-લાખો લોકો આવે છે? કૅરટેકર સોહરાબ ખાન કહે છે કે, "હજારો અને લાખોમાં તો હજુ નથી આવતા, પરંતુ વચ્ચે વચ્ચે લોકો જોવા માટે, જાણકારી મેળવવા માટે આવતા રહે છે."

ધન્નીપુરના રહેવાસી આશારામ યાદવનું માનવું છે કે, "જ્યારે સારી વસ્તુઓ બનશે, હૉસ્પિટલ બનશે, મસ્જિદ બનશે, અથવા જે પણ બનશે, બહારથી લોકો તો આવશે જ, ગામનો વિકાસ થશે. બધા સારુ વિચારે છે, કોઈ ખરાબ વિચારતું નથી. કેમ ખરાબ વિચારે? તેનાથી આપણને શું ગભરામણ થાય છે, અમારું નુકસાન શું છે. શું લોકોને હૉસ્પિટલથી નુકસાન થાય? નથી થતું ને. લાઈબ્રેરીથી નુકસાન થાય છે? નહીં ને. તો શું ખોટું છે ભાઈ."

line

શું કહે છે ધન્નીપુર વિશે અયોધ્યાના મુસલમાન?

ઇકબાલ અંસારી

ધન્નીપુર વિશે અયોધ્યાના મુસલમાન શું વિચારે છે, એ શોધવા માટે અમે લોકો અયોધ્યાના નાના કોઠિયા વિસ્તારમાં પહોંચ્યા જ્યાં અમારી મુલાકાત બાબરી મસ્જિદ કેસમાં દાવેદાર રહેલા ઇકબાલ અંસારી સાથે થઈ.

તેમણે કહ્યું કે, "જે પાંચ એકર જમીન મળી, આ કેસમાં જેટલા પણ લોકો હતા, હવે તેમની સાથે કોઈ લેવાદેવા નથી. એ જમીન સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને મળી છે, એ જે કંઈ પણ બનાવે, એ તેમની મરજી છે. કારણ કે અયોધ્યાના મુસલમાનના કારણે ટ્રાયલ કૉર્ટનો અંત આવ્યો છે, અમે તેમનું સન્માન કર્યું હવે અમને તેમની કોઈ પરવા નથી. જેમને મસ્જિદ બનાવવી છે, તેઓ બનાવે."

નજીકમાં જ એક દુકાનમાં બેઠેલા 62 વર્ષના શફીઉલ્લાહએ જણાવ્યું કે, "મસ્જિદ માટે જમીન આપવામાં આવી છે પરંતુ હજુ સુધી અમને જોવા મળી નથી."

એમને જગ્યા પણ ખબર હતી. પરંતુ અમે તેમને ધન્નીપુર વિશે પણ પૂછ્યું તો તેમણે કહ્યું, "હા ધન્નીપુરમાં મળી છે. પરંતુ એ ઝઘડામાં છે, કેવી રીતે છે, એ ખબર નથી."

શું શફીઉલ્લાહને એ જમીનને જોવાની ઇચ્છા છે? તેઓ કહે છે, "હવે સાંભળીએ છે કે ત્યાં કશું થતું નથી."

નજીકમાંથી પસાર થઈ રહેલા 25 વર્ષના પરવેઝ આલમને પણ ધન્નીપુર વિશે કોઈ જાણકારી હતી નહીં. પરંતુ અમે ધન્નીપુરનું નામ લીધુ તો તેમણે કહ્યું, "ધન્નીપુરનું નામ સમાચારમાં સાંભળ્યું છે. બસ સાંભળ્યું છે કે, ધન્નીપુરમાં મસ્જિદ માટે જમીન મળી હતી. સમાચારમાં સાંભળ્યું હતું કે તેનો નકશો પાસ થયો નથી."

line

કેટલું ઝડપી ચાલી રહ્યું છે રામમંદિરનું બાંધકામ?

રામ મંદિરનું બાંધકામ ઝડપથી થઈ રહ્યું છે

ઇમેજ સ્રોત, @CHAMPATRAIVHP

બીજી બાજુ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રની વેબસાઇટ પર ઉપલબ્ધ એક એનિમેશન વીડિયોમાંથી મળેલી માહિતી દર્શાવે છે કે, રામમંદિરના બાંધકામમાં શું પ્રગતિ થઈ છે અને આગામી લક્ષ્ય શું છે.

આ અનુસાર-

  • જાન્યુઆરી 2021માં મંદિરના બાંધકામ માટે ખોદકામ શરૂ થયું હતું.
  • માર્ચ 2021માં ખોદકામનું કામ પૂરું થયું હતું.
  • એપ્રિલ 2021માં પાયા ભરવાનું કામ થયું.
  • સપ્ટેમ્બર 2021માં પાયાનું કામ પૂર્ણ થયું હતું.
  • સપ્ટેમ્બર 2021માં ટાવર ક્રૅન લગાવવામાં આવી હતી.
  • સપ્ટેમ્બર 2021માં રાફ્ટનું કામ શરૂ થયું હતું.
  • નવેમ્બર 2021માં રાફ્ટનું કામ પૂરું થયું હતું.
  • માર્ચ 2022માં આધારશિલા રાખવાનું કામ શરૂ થયું.
  • જાન્યુઆરી 2022માં મંદિરના સ્તંભને રાખવાનું કામ શરૂ થયું.
  • ત્યારબાદ બીમના પથ્થર મૂકવામાં આવ્યા
  • ત્યારબાદ સ્લેબ સ્ટોન
  • મંદિરની છત અને ગુંબજનું કામ ઑગસ્ટ 2023માં પૂરું થશે.

ઇન્ડિયન એક્સ્પ્રેસે લખ્યુ છે કે, આર્કિટેક ચંદ્રકાન્ત સોમપુરા અનુસાર મંદિરની ઊંચાઈ 141 ફૂટથી વધીને 161 ફૂટ થઈ ગઈ છે. ડિઝાઇનમાં વધુ ત્રણ ગુંબજ ઉમેરવામાં આવ્યા છે અને સ્તંભની સંખ્યા 160થી વધારીને 366 કરાઈ છે.

line

કેટલા ખર્ચે બનશે રામમંદિર?

રામ મંદિર માટે તેલંગાણા અને કર્ણાટકથી લાવવામાં આવી રહ્યા છે પથ્થરો

ઇમેજ સ્રોત, CHAMPATRAIVHP

રામમંદિરના બાંધકામના ખર્ચ અંગે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે, "ભગવાનનું ઘર છે, રાજા મહારાજાઓનું ઘર બને ત્યારે કોણ ક્યાં કિંમત જાણે છે. અને એ તો રાજાઓના રાજા છે, તેનો વિચાર છોડી દીધો છે. તો પણ માની લો કે 1800 કરોડ સુધી ખર્ચ થઈ જશે. કદાચ વધી પણ શકે, થોડો ઓછો પણ થાય. ગણિત અર્થહીન છે."

line

તો હજુ સુધી મંદિરનું બાંધકામ કેટલું પૂરુ થયું છે?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ચંપત રાય કહે છે, "એન્જિનિયરિંગના કામમાં ટકાવારીનો અર્થ નથી. પરંતુ જો કૂલ કામને ધ્યાને લઈએ તો 40 ટકા ગણાય છે. પથ્થરની કોતરણી થી ગઈ છે. માત્ર ઇન્સ્ટોલેશન બાકી છે."

દરેક ચીજ મંદિરનો ભાગ છે. પ્લિંથ બની ચૂકી છે. પ્લિંથનો અર્થ મંદિરની ખુરશી. તેના પર પથ્થરોના આઠ લેયર આવી ગયા છે. ઘણું કામ થઈ ગયું છે. અને આવતા વર્ષ સુધીમાં ભોંયતળિયું, ગ્રાઉન્ડ ફ્લોર પૂર્ણ થઈ જશે. પૂર્ણ એટલે 350 ફૂટ લાંબો, 250 ફૂટ પહોંળો, 20 ફૂટ ઊંચો. એક માળ તૈયાર થઈ જશે, ગ્રાઉન્ડ ફ્લોર. ઘણું મોટું કામ છે."

મંદિરમાં કેટલાં પથ્થર લાગેલા છે અને ક્યાં ક્યાંથી લાવવામાં આવી રહ્યા છે?

આ અંગ ચંપત રાય કહે છે, "ખુરશીને ઊંચી કરવા માટેનો પથ્થર ગ્રેનાઇટ છે. એ તેલંગાણા અને કર્ણાટકથી લાવવામાં આવી રહ્યો છે. 17 હજાર પથ્થર આવી રહ્યા છે. એક પથ્થરની સાઇઝ પાંચ ફૂટ લાંબી, અઢી ફૂટ પહોળી, ત્રણ ફૂટ ઊઁચી. અને ગ્રેનાઇટની ખુરશી બનાવ્યા પછી જે મંદિરના પથ્થર છે, એ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બંસીપુર ગામના પર્વતોના ગુલાબી રંગના બલુઆ પથ્થર તરીકે ઓળખાય છે. અને મકારાનાના સફેદ મારબલ છે. "

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન