અયોધ્યા રામમંદિર : શું આ ત્રણ પણ 'બાબરી મસ્જિદ' છે?

- લેેખક, નીતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા
અયોધ્યામાં જે જગ્યાએ વિવાદાસ્પદ બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ ઉપર જે ઢાંચો હતો, તેનું નિર્માણ વર્ષ 1528માં થયું હતું.
હિંદુ સંગઠનોએ અદાલતોમાં દાવો રજૂ કર્યો હતો કે રામ જન્મસ્થળ ઉપરના મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે.
મસ્જિદ સંબંધિત દસ્તાવેજો મુજબ, મોઘલ શાસક બાબરના જનર મીર બાકીએ તેનું નિર્માણ કરાવ્યું હતું.
1992માં બાબરી મસ્જિદનો ધ્વંસ કરી દેવાયો, પરંતુ આ વિસ્તારમાં આવી વધુ ત્રણ મસ્જિદ એવી છે, જેનું નિર્માણ બાબરના કાળમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળથી થોડે જ દૂર 'મસ્જિદ બેગમ બાલરસ' આવેલી છે, જ્યારે બીજી મસ્જિદ 'બલરાસપુર',જે ફૈઝાબાદ જિલ્લાના દર્શનનગર વિસ્તારમાં આજે પણ હયાત છે.
ત્રીજી મસ્જિદ બાબરકાળમાં બની હોવાનું કહેવાય છે, જેનું નામ 'મસ્જિદ મુમતાઝ શાહ' છે અને તે લખનૌથી ફૈઝાબાદ જવાના રસ્તે મુમતાઝ નગરમાં આવેલી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મેં બાબરી મસ્જિદને અનેક વખત જોઈ હતી, એટલે એવું કહી શકું કે આકારમાં ત્રણેય એનાથી નાની છે, પરંતુ તેમની વચ્ચેની સમાનતા ઉડીને આંખે વળગે એવી છે.
દાખલા તરીકે આ ત્રણેય મસ્જિદમાં એક પણ મિનાર નથી, જ્યારે અન્ય ત્રણ મસ્જિદમાં પણ બાબરી મસ્જિદની જેમ એક મોટો અને બે નાના ગુંબજ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લખનૌસ્થિત ઇતિહાસકાર રોહન તકીના કહેવા મુજબ, જો આ વિસ્તારમાં ઝીણવટભરી નજરે જોવામાં આવે તો માત્ર આ ત્રણ જ નહીં અનેક મસ્જિદ મળશે જે એ કાળની હોય અને એકબીજા સાથે ભારે સમાનતા ધરાવતી હોય.
તકીએ કહ્યું, "આ બધી મસ્જિદની બનાવટમાં બે બાબત નોંધપાત્ર છે. પહેલું એ કે તેમાં મિનાર નથી અને બીજું કે ત્રણ ગુંબજ છે. આ મસ્જિદો અયોધ્યામાં નવાબોનું શાસન શરૂ થયું, તેનાં કરતાં પણ 200 વર્ષ જૂની છે."
"એ બાબત પણ નોંધનીય છે કે આ વિસ્તારમાં આપને 16મી સદી આસપાસ નિર્માણ પામેલી મસ્જિદો વધુ પ્રમાણમાં જોવા મળશે. જેની ઓળખ એ છે કે તેમાં એક કે ત્રણ ગુંબજ હશે. બહુ થોડી મસ્જિદમાં પાંચ ગુંબજ હશે."
"દિલ્હી સલ્તનતની શૈલી ઉપર બનેલી હોવાથી તમને બે ગુંબજવાળી કોઈ મસ્જિદ જોવા નહીં મળે."

મધ્યકાલીન ઇતિહાસકાર તથા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર હરબંસ મુખિયાના કહેવા પ્રમાણે, "મુઘલ શાસક બાબરના પુસ્તક 'બાબરનામા'માં ઉલ્લેખ છે કે તેઓ બે વખત અયોધ્યા વિસ્તારમાં ગયા હતા."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતી વખતે તેમણે જણાવ્યું, " બે દિવસ સુધી તેઓ આસપાસના વિસ્તારમાં રહ્યા હતા. કદાચ અવધના શાસનને લગતી બાબતોને ઉકેલવા માટે ગયા હતા. પુસ્તક અનુસાર તેઓ શિકાર ઉપર પણ ગયા હતા. પુસ્તકમાં મસ્જિદનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ મોટાભાગની મસ્જિદો સમાન આકારની હતી."
ઉલ્લેખનીય છે કે અગાઉની બાબરી મસ્જિદ જૌનપુર સલ્તનતની બનાવટ શૈલી ઉપર આધારિત હતી. જૌનપુરની અટાલા મસ્જિદને પશ્ચિમેથી જોતા તે પણ બાબરી મસ્જિદ જેવી લાગે છે.
આ ત્રણ મસ્જિદમાંથી બે ખરાબ સ્થિતિમાં છે અને માત્ર મુમતાઝનગરસ્થિત મસ્જિદ જ રંગરોગાન થયેલી નજરે પડે છે.

મસ્જિદની આસપાસ રહેતા હિંદુ-મુસ્લિમ પરિવારો પણ માને છે કે આ મસ્જિદ બાબરી મસ્જિદના સમયકાળ દરમિયાનની છે.
'મસ્જિદ મુમતાઝ શાહ'ની પાસે રહેતા બિરેન્દ્ર કુમારના કહેવા પ્રમાણે, તેઓ ત્રણ પેઢીથી અહીં રહે છે. તેમણે કહ્યું હતું, "હું બહુ નાનો હતો, ત્યારે અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી, પરંતુ ત્યારે મારા પિતા હયાત હતા. તેમણે મને અનેક વખત કહ્યું હતું કે બાબરી મસ્જિદ અને આપણા પાડોશમાં આવેલી મસ્જિદની એક-એક ચીજ સમાન હતી. એટલે સુધી કે માટીના ઢગ ઉપર બનાવવાની રીત પણ."
ઇતિહાસકાર સતીશચંદ્ર તેમના પુસ્તક 'મેડીવલ ઇન્ડિયા :ફ્રૉમ સલ્તનત ટુ ધ મુઘલ્સ'માં પણ આ વાતનો ઉલ્લેખ છે કે, "મુઘલકાળના પ્રારંભિક સમયમાં શાસકો તથા તેમના સુબેદારોએ જે વાસ્તુકળાનો ઉપયોગ કર્યો, તે સમાન રહેતી."
"જેની શરૂઆત બાબરકાળમાં થઈ હતી. એ સમયની મસ્જિદો તથા રહેણાક વિસ્તાર એકબીજા સાથે મેળ ખાતા હતા."

અયોધ્યા-ફૈઝાબાદની આજુબાજુના વિસ્તારમાં આવેલી ત્રણ નાનકડી મસ્જિદમાં એવું કોઈ લખાણ નથી મળતું કે જેથી કરીને માલૂમ પડે કે તેનું નિર્માણ કોણે અને ક્યારે કરાવ્યું હતું.
રોહન તકી માને છે કે મસ્જિદના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા ગારા-ચૂના ઉપરાંતની નિર્માણ સામગ્રી તેનો ખરો સમય જણાવી શકે છે.
તકીના કહેવા પ્રમાણે, "બાબરના સુબેદાર મીર બાકીએ આ મસ્જિદોનું નિર્માણકાર્ય ઝડપભેર કરાવડાવ્યું હશે. જ્યાં-જ્યાં સેના પડાવ નાખતી, ત્યાં અમુક દિવસ માટે હજારો લોકો રહેતા. તેઓ ઇબાદત કરી શકે તે માટે કોઈ જગ્યાની જરૂર પડતી."
"એટલે ઝડપભેર મસ્જિદોનું નિર્માણકાર્ય પૂર્ણ કરાવાતું. આપને ફૈઝાબાદથી જૌનપુરની વચ્ચે આવી અનેક મસ્જિદો જોવા મળી રહેશે. જેમાં પ્રવેશવા માટે એક નાનકડો દરવાજો રહેતો તથા પાછળના ભાગમાંથી કોઈ રસ્તો પસાર ન થતો હોય."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












