અયોધ્યા : રામમંદિરને લઈને ભારે ઉત્સાહ, મસ્જિદને લઈને કેટલો જોશ?

ઇમેજ સ્રોત, BALBEER
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી ગુજરાતી માટે
અયોધ્યામાં આગામી પાંચ ઑગસ્ટે રામમંદિરના નિર્માણ માટેના ભૂમિપૂજનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અંદાજે બસો મહેમાન અહીં પહોંચશે અને કોરોનાસંકટ છતાં આ પળને ભવ્ય બનાવવાની કોશિશ પણ હશે.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ખુદ તૈયારીઓનું નિરીક્ષણ કરી ચૂક્યા છે.
તો અયોધ્યા કસ્બાથી અંદાજે 25 કિમી દૂર આવેલા રૌનાહી થાણા પાછળના ધન્નીપુર ગામની હાલત એવી જ છે, જેવી કોરોનાસંકટથી ઝૂઝતાં ઉત્તર પ્રદેશનાં અન્ય ગામોની.
ગામમાં કેટલાક દર્દીઓ કોરોના પૉઝિટિવ આવ્યા બાદ ગામમાં કેટલાક ભાગમાં અવરજવર બંધ કરી દીધી છે. જોકે ગામના અન્ય ભાગોમાં ચહલપહલ છે.
ધન્નીપુર ગામમાં જ યુપી સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપી છે. આ જમીન કૃષિવિભાગના 25 એકરવાળા એક ફાર્મહાઉસનો જ ભાગ છે, જ્યાં આ સમયે ધાન વાવેલું છે.

કોઈને રસ નથી

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
ધન્નીપુરમાં મસ્જિદ બનાવવા માટે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર જમીન ભલે આપી હોય, પરંતુ ન તો જમીનને લઈને કે ન તો મસ્જિદને લઈને લોકોમાં ઉત્સુકતા છે.
જમીન આપવાની જાહેરાત થયાને અંદાજે છ મહિના વીતી ગયા છે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર વક્ફ બોર્ડના લોકો રાજસ્વ અધિકારીઓ સાથે જમીન જોવા આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુન્ની વક્ફ બોર્ડના ચૅરમૅન જુફર અહમદ કારૂકી કહે છે, "જમીન મળ્યા બાદ કંઈ નક્કી કરતાં એ પહેલાં લૉકડાઉન શરૂ થઈ ગયું."
"હજુ તેની માપણી પણ યોગ્ય રીતે થઈ નથી. આ બાજુ બકરી ઈદ પણ આવી છે અને પાંચ તારીખે ભૂમિપૂજન પણ છે. હવે જે કંઈ થશે, તેની બાદ થશે."

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
જુફર ફારૂકી એ વાતનો પણ સ્વીકાર કરે છે કે મસ્જિદને લઈને લોકોમાં કોઈ ઉત્સાહ નથી. અયોધ્યા કસ્બાના તમામ મુસલમાનોએ તો પહેલાંથી જ તેને લઈને પોતાની નારાજગી એમ કહીને વ્યક્ત કરી હતી કે પચીસ કિમી દૂર ગામમાં જમીન આપવાનો ફાયદો શો?
એટલે સુધી કે મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલા તમામ લોકોએ પણ એ પ્રસ્તાવ મૂક્યો હતો કે મસ્જિદની જગ્યાએ ત્યાં હૉસ્પિટલ, સ્કૂલ, કૉલેજ, લાઇબ્રેરી જેવું બનાવી દેવામાં આવે.
ધન્નીપુર ગામના પ્રધાન રાકેશકુમાર યાદવ કહે છે કે તેમનું ગામ ભલે મુસ્લિમ બહુમતીવાળું હોય, પરંતુ મસ્જિદ બનાવાને લઈને કોઈ ઉત્સાહ નથી.
જોકે જ્યારે ગામમાં મસ્જિદ આપવાનો નિર્ણય થયો ત્યારે તમામ લોકો એટલા માટે ખુશ હતા કે તેના કારણે તેમના ગામને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી ગઈ છે.

જમીન પર થઈ રહી છે કે ધાન્યની ખેતી

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
ગામના પ્રધાન રાકેશકુમાર યાદવ કહે છે, "જ્યારે જાહેરાત થઈ ત્યારે બધા લોકો જોવા આવ્યા હતા, પણ પછી કોઈ પૂછવા આવ્યું નથી."
"જમીન તો ત્યારે પણ આવી જ રીતે પડી હતી, આજે પણ એવી જ પડી છે. હા, ખાલી પડી છે તો તેમાં ધાન્યની ખેતી થઈ રહી છે."
"જ્યારે માપણી વગેરેની પ્રક્રિયા થઈ જશે ત્યારે જમીન વક્ફ બોર્ડને મળી જશે. અમારા ગામમાં તો કોઈને રસ નથી કે મસ્જિદ ત્યારે બનશે, કેવી બનશે."
ગત વર્ષે નવેમ્બરમાં અયોધ્યામાં ઐતિહાસિક રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ આ વર્ષે પાંચ ફેબ્રુઆરીએ રાજ્ય સરકારે મુસલમાનોને મસ્જિદ બનાવવા માટે ધન્નીપુર ગામમાં પાંચ એકર જમીન આપવાનું એલાન કર્યું.
રાજ્ય સરકારે આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશ હેઠળ કર્યો છે, પરંતુ જે જગ્યાએ જમીન અપાઈ છે, એ મૂળ મસ્જિદસ્થળથી અંદાજે 25 કિમી દૂર છે.
આ ગામ અયોધ્યા જિલ્લાના સોહવાલ તાલુકામાં આવે છે અને રૌનાહી થાનાથી થોડેક દૂર છે.
અયોધ્યામાં બાબરી મસ્જિદની જમીન માટે માલિકીના હકની લડાઈ લડી ચૂકેલા એક મુખ્ય પક્ષકાર હાજી મહબૂબ કહે છે, "આટલી દૂર જમીન આપવાનો કોઈ મતલબ નથી. અયોધ્યાના મુસલમાન ત્યાં જઈને નમાઝ ન પઢી શકે."
"અમે તો પહેલેથી કહી ચૂક્યા છીએ કે અમને જમીન જોઈતી નથી. અને જો આપવી હોય તો અયોધ્યામાં જ અને શહેરમાં જ આપવી જોઈએ."
તો મામલે પક્ષકાર રહી ચૂકેલા ઇકબાલ અંસારી પણ ધુન્નીપુરમાં મસ્જિદ માટે જમીન આપવાની વાતને મહત્ત્વ આપતા નથી.
તેઓ કહે છે, "બાબરી મસ્જિદ અયોધ્યામાં હતી અને તેના માટે જમીન પણ ત્યાં જ આપવી જોઈતી હતી. જ્યાં પહેલાંથી મસ્જિદ છે, તેને પણ વિકસિત કરી શકાય છે."
"જો સરકાર અયોધ્યામાં જમીન નથી આપતી તો લોકો ઘરમાં પણ નમાઝ પઢી લેશે. 25-30 કિલોમીટર દૂર જમીન આપવાનો અર્થ શું છે. ધન્નીપુરમાં મસ્જિદને લઈને કોને રસ હશે. ત્યાં તો આમ તો આસપાસ ઘણી મસ્જિદો છે."

બોર્ડનો નિર્ણય કે મુસલમાનોનો નિર્ણય?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે એવું બતાવવામાં આવે છે કે ધન્નીપુર ગામમાં જે જગ્યાએ જમીન આપવાનો સરકારે પ્રસ્તાવ પાસ કર્યો છે, તે મુસ્લિમ વસતીની નજીક છે અને પાસે જ એક ગરગાહ છે, જ્યાં દર વર્ષે મેળો ભરાય છે. ધન્નીપુર ગામમાં પણ મુસ્લિમ બહુમતી છે.
એ અલગ વાત છે કે આસપાસ અનેક મસ્જિદો છે, પરંતુ આ વિવાદના ઐતિહાસિક નિર્ણય બાદ બનનારી મસ્જિદ અન્ય મસ્જિદથી થોડી અલગ હોવી જોઈએ.
જોકે સ્થાનિક લોકો માટે આનું કોઈ મહત્ત્વ નથી.
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના તમામ સભ્ય પણ રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ કરે છે અને સુન્ની વક્ફ બોર્ડ પર પણ તેને ન સ્વીકારવાનું દબાણ કરે છે, પરંતુ સુન્ની વક્ફ બોર્ડે જમીન આપવાના સરકારના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે અને હવે ત્યાં મસ્જિદ બનાવવાની તૈયાર કરશે.
ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના એક વરિષ્ઠ સભ્ય મૌલાના યાસીન ઉસ્માની કહે છે, "સુન્ની વક્ફ બોર્ડ મુસલમાનોનું પ્રતિનિધિત્વ નથી કરતું. એ એક સરકારી સંસ્થા છે."
"અમે બોર્ડને જમીન ન લેવાનો અનુરોધ કરતા હતા, પણ જો બોર્ડે જમીન લઈ લીધી છે તો તેને મુસલમાનોનો નિર્ણય ન સમજવો જોઈએ. આ માત્ર બોર્ડનો નિર્ણય છે."

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
આ દરમિયાન અયોધ્યામાં ભૂમિપૂજનની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટે લોકોને અપીલ કરી છે કે પાંચ ઑગસ્ટે દેશવિદેશમાં રહેતા બધા રામભક્ત દીપ પ્રગટાવે.
અયોધ્યામાં પણ એ દિવસે બધાને પોતાનાં ઘરોમાં દીપ પ્રગટાવાની અપીલ કરાઈ છે અને ભૂમિપૂજન કાર્યક્રમને ભવ્ય બનાવવાની કોશિશ કરાઈ રહી છે.
છ ડિસેમ્બર, 1992ના રોજ કારસેવકોની એક ભીડે અંદાજે સાડા ચારસો વર્ષ જૂની બાબરી મુસ્જિદના ઢાંચાને તોડી પાડ્યો હતો.
એ સમયે યુપીમાં કલ્યાણ સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર હતી અને આ ઘટના બાદ રાજ્ય સરકારને બરખાસ્ત કરી દેવાઈ હતી.
તત્કાલીન વડા પ્રધાન પી.વી. નરસિમ્હારાવે આ ઘટનાને બર્બર કાર્યવાહી ગણાવીને મસ્જિદના પુનર્નિમાણનો વાયદો કર્યો હતો, પરંતુ ત્યારથી સાત નવેમ્બર 2019 સુધી આ કેસ કોર્ટમાં ચાલતો હતો.
ગત વર્ષે નવ નવેમ્બરે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વવાળી પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે આ વિવાદમાં સર્વસંમતિથી નિર્ણય સંભળાવ્યો હતો.
જે હેઠળ અયોધ્યાની 2.77 એકર પૂરી વિવાદિત જમીન રામમંદિરનિર્માણ માટે અપાઈ હતી અને મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ પક્ષને પાંચ એકર વૈકલ્પિક જમીન આપવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












