કોરોના વાઇરસ : 80 વર્ષ પહેલાં બનેલી હૉસ્પિટલ હાલ કેટલી કામ લાગી?

ઇમેજ સ્રોત, Jigar Bhatt
- લેેખક, જીગર ભટ્ટ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દેશમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા 11 લાખને પાર પહોંચી છે. ગુજરાતમાં પણ દરરોજ નોંધાતા કેસની સંખ્યા 1000ની નજીક રહે છે.
એપ્રિલ-મે મહિનામાં ગુજરાતનું સૌથી સંક્રમિત શહેર અમદાવાદ હતું. તે સમયે અમદાવાદની ખાનગી હૉસ્પિટલોમાં કોરોના વાઇરસના દરદીઓની સારવાર કરવી કે નહીં તે અંગે સરકાર અને ખાનગી હૉસ્પિટલના ડૉક્ટરો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો.
ગુજરાત સરકારે ફરજિયાત ખાનગી હૉસ્પિટલમાં કોરોના વાઇરસની પથારીઓને અનામત રાખવાનો નિર્ણય કર્યો, જેનાથી અનેક ડૉક્ટરો પણ નારાજ થયા.
તે વખતે એક ડૉક્ટરે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું, "જો ખાનગી હૉસ્પિટલમાં 50% જગ્યા મ્યુનિસિપલ કૉર્પોરેશન લઈ લે તો બીજા રોગોના દર્દીઓની સારવાર કેવી રીતે શક્ય બને? કારણ કે હૉસ્પિટલમાં આવતાં દરદીની રોગપ્રતિકારક શક્તિ પહેલેથી ઓછી હોય છે અને એટલે એને ચેપ લાગવાની સંભાવના વધી જાય છે."
આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને 80 વર્ષ અગાઉ અમદાવાદમાં કોરોના વાઇરસ જેવા ચેપી રોગની સારવાર કરવા બાંધેલી હૉસ્પિટલમાં કોરોનાના દરદીઓની સારવાર કરવાનું શરૂ કર્યું. ત્યાં કોરોના વાઇરસના ઍસિમ્પ્ટોમેટિક દરદીઓની સારવાર માટે 'કોવિડ કૅર સેન્ટર' બનાવવામાં આવ્યું છે.
આઝાદી પહેલાં અંગ્રેજોના સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વર્ષ 1940માં અમદાવાદ શહેર (આઠ દરવાજા વચ્ચે આવેલા અમદાવાદની બહાર)ની બહાર 'ચેપી રોગની હૉસ્પિટલ' બાંધવામાં આવી હતી.
ઇમારતની એક તકતી પરથી ખ્યાલ આવે છે કે તે સમયે આ હૉસ્પિટલનું નામ 'ઍપિડેમિક હૉસ્પિટલ' રાખવામાં આવ્યું હતું. ત્યાં હાલ એક બ્લૉક હયાત છે, જેનું નામ 'સુખડિયા બાપાલાલ લલ્લુભાઈ બ્લૉક' છે.
અમદાવાદમાં હાલ આજે જ્યાં બહેરામપુરા વિસ્તાર છે ત્યાં આ હૉસ્પિટલ આવેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૉસ્પિટલ બની તે સમયે શહેર વિસ્તર્યું નહોતું અને આ વિસ્તારમાં કોઈ રહેતું નહોતું. આ વિસ્તાર 'ઘંટી ટેકરા' તરીકે ઓળખાતો હતો.
આ વિસ્તાર જમાલપુરથી પીરાણાના પાસે આવેલા કચરાના ઢગલાની વચ્ચે આવેલો છે. હૉસ્પિટલની આસપાસ હાલ ગરીબોની વસતી છે. મોટાં ભાગનાં મકાન એક માળનાં જ છે.
એપ્રિલ-મે મહિના દરમિયાન જમાલપુર અને બહેરામપુરા કોરોના વાઇરસનાં હૉટસ્પોટ બન્યાં હતાં. આ વિસ્તારમાંથી જ મોટા પ્રમાણમાં કોરોના વાઇરસના કેસ આવતા હતા. ત્યારે ત્યાંના ઍસિમ્પ્ટોમેટિક દરદીઓને અહીં રાખવાની વ્યવસ્થાથી હૉસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ ઍન્ડ હૉસ્પિટલ) ઓમપ્રકાશ માચરા જણાવે છે, "જ્યારે અમદાવાદના મધ્ય ઝોન અને સાઉથ ઝોનમાં કોરોના વાઇરસના કેસ આવવાની શરૂઆત થઈ ત્યારે આ હૉસ્પિટલમાં કોવિડ કૅર સેન્ટરની શરૂઆત કરી."
ઉલ્લેખનીય છે કે કૉર્પોરેશને માર્ચ મહિનામાં જ અમદાવાદમાં કોરોના વાઇરસના કેસ વધતાં આ હૉસ્પિટલને કોવિડ કૅર સેન્ટર બનાવવાની યોજના બનાવી હતી, પરંતુ સ્થાનિક કૉર્પોરેટર બદ્દરુદ્દીન શેખ અને સ્થાનિક લોકોના વિરોધને કારણે બનાવી શકાઈ નહોતી.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને 80 વર્ષ અગાઉ સ્થાપેલી ઍપિડેમિક હૉસ્પિટલ 80 વર્ષ પછી આવેલી મહામારીમાં પણ કામ આવી છે.
અમદાવાદમાં 1931માં વાડીલાલ સારાભાઈ (વી.એસ.) હૉસ્પિટલની બનાવાઈ હોવા છતાં ચેપી રોગ માટે ઍપિડેમિક હૉસ્પિટલ શહેરની બહાર સ્થપાઈ હતી.

ચેપી રોગની હૉસ્પિટલની સ્થાપના કેમ થઈ?

ઇમેજ સ્રોત, JIGAR BHATT
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંચાલિત આ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વિજય ઝાલા કહે છે, "આજથી 80 વર્ષ પહેલાં આ દેશમાં શીતળા, ઓરી, અછબડા, ડિપ્થેરિયા જેવા ચેપી રોગ હતા, જેના દરદીઓને શહેરની બહાર અલગ રાખવામાં આવતા હતા."
"આ દરદીઓને બીજા રોગના દરદીઓથી જો અલગ રાખવામાં ન આવે અને તેમનો ચેપ બીજામાં ફેલાય તો ભારે તકલીફ થઈ શકે."
તેઓ એ સમયને યાદ કરતાં કહે છે કે જે તે વર્ષોમાં શીતળા, ઓરી, અછબડા, ડિપ્થેરિયા જેવા રોગોની રસી શોધાઈ ન હતી, જેના કારણે મોટી સંખ્યામાં તેના કેસ આવતા હતા. દરદીઓની સારવાર માટે આવી મોટી હૉસ્પિટલની જરૂર પડતી હતી.
હાલ આ હૉસ્પિટલમાં ઝાડા-ઊલટીના અનેક દરદીઓને સારવાર આપવામાં આવે છે. ઉપરાંત ઍજ, હિપેટાઇટિસ, ડિપ્થેરિયા, ચિક્ન પોક્સ, મિઝલ, મમ્પસ જેવા રોગના દરદીઓ પણ અહીં આવે છે.
ડૉ. વિજય ઝાલા કહે છે, "કૉલેરા એટલો ચેપી રોગ છે કે હાલ અહીં અમુક વખતે આખી સોસાયટી કે ચાલીના 40થી 50 લોકો એકસાથે સારવાર લેવા માટે આવતા હોય છે."
"શીતળા અને ઓળી પણ કોરોનાની જેમ ડ્રૉપલૅટ્સથી ફેલાય છે"
ડૉ. વિજય ઝાલા ચેપી રોગની હૉસ્પિટલમાં છેલ્લાં 27 વર્ષથી કામ કરે છે અને પ્રોફેસર પણ છે.
તેઓ કહે છે, "શીતળા અને ઓળી જેવા રોગ પણ કોરોના વાઇરસની જેમ જ દરદી ખાંસી કે છીંક ખાતી વખતે જે ડ્રૉપલેટ્સ છોડે તેના કારણે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતા હોય છે."
અમેરિકાની જાણીતી સંસ્થા 'સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ટ પ્રિવેન્શન' પણ શીતળા અને ઓળીને ચેપી રોગ ગણાવે છે અને તે ખાંસી અથવા નાકમાંથી નીકળતાં પાણીથી ફેલાય છે.
કોરોના વાઇરસ પણ કોઈ વ્યક્તિ ખાંસે ત્યારે તેના ડ્રૉપલૅટ્સથી ફેલાય છે.

ઇમેજ સ્રોત, JIGAR BHATT
હૉસ્પિટલ ઘણા મોટા વિસ્તારમાં આવેલી છે. ત્યાં છૂટાંછવાયાં સાત બિલ્ડિંગ આવેલાં હતાં. હાલ હૉસ્પિટલનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું હોવાથી કેટલાંક બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યાં છે.
આ બિલ્ડિંગોમાં ઓરી, અછબડા, શીતળા, કૉલેરા અને કમળા જેવા વિવિધ રોગના દરદીઓને અલગ રાખવામાં આવતા હતા.
પ્રોફેસર ડૉ. ઝાલા કહે છે કે ચેપી રોગોને ફેલાતા અટકાવવા હોય તો હૉસ્પિટલનું બિલ્ડિંગ વર્ટિકલ નહીં પરંતુ હૉરિઝોન્ટલ રાખવાનો કૉન્સેપ્ટ છે.
તેઓ વિગતે સમજાવતા કહે છે કે ચેપી રોગનું બિલ્ડિંગ છૂટુંછવાયું હોય છે. આ હૉસ્પિટલોમાં રોગ પ્રમાણે અલગઅલગ ઇમારતમાં છૂટા-છૂટા ઓરડાઓ રાખવામાં આવતા હતા, જેથી સંક્રમણ બીજા લોકોમાં ફેલાય નહીં. ઓરડા પણ મોટા અને હવાઉજાસવાળા બનાવવામાં આવ્યા છે.
આ હૉસ્પિટલમાં મડદાઘર અને દરદીઓનાં કપડાં ધોવાં માટેની લૉન્ડ્રીની પણ ઇમારત અલગ હતી.

'ઇન્જેક્શનની બીક બતાવવી પડતી'

ઇમેજ સ્રોત, JIGAR BHATT
ચેપી રોગની હૉસ્પિટલમાં 1980થી સફાઈકામદાર તરીકે કામ કરતા બલ્લુભાઈ નાનાભાઈ કહે છે, "અમદાવાદમાં 1980માં મોટા પ્રમાણમાં કૉલેરા ફેલાયો હતો. મોટા પ્રમાણમાં દરદીઓને અહીં લાવવામાં આવતા હતા. દરદીઓનાં સગાં-વહાલાં અહીં ખબર કાઢવા માટે આવતા."
"સગાં-વહાલાંમાં ચેપી રોગ ફેલાય નહીં એટલે તેમને હૉસ્પિટલમાંથી પ્રવેશતાં અટકાવવા માટે અહીંનાં સિસ્ટર જે ખબર કાઢવા જાય તેમને ઇન્જેક્શન આપતાં અને લોકો ઇન્જેક્શનની બીકે અહીં આવતા નહોતા."
બલ્લુભાઈ નાનાભાઈ કહે છે, "આ હૉસ્પિટલનું કૅમ્પસ મોટું હતું. અમુક વખતે એવું પણ થતું કે પથારી ન વધે તો તંબુ તાણીને પણ સારવાર કરવી પડતી હતી."
ડૉ. વિજય ઝાલા કહે છે, "પહેલાં રસી ન શોધાવાના કારણે દરદીઓ જલદી સાજા થતા નહોતા. જેના કારણે મહિનો-દોઢ મહિના સુધી દરદીઓ હૉસ્પિટલમાં રહેતા. કોઈક વખત દરદીઓ વધી જાય તો તેમને તંબુ તાણીને તેમાં સારવાર કરવામાં આવતી હતી."

વિજય નેહરા ખુશ થઈ ગયા

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાની મહામારીની શરૂઆત થઈ ત્યારે ચેપી રોગની હૉસ્પિટલનો કોરોનાની સારવારમાં ઉપયોગ કરતાં પહેલાં વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે તત્કાલીન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા પોતે આવ્યા હતા.
ઝાલા કહે છે, "ચેપી રોગની હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ અલગ રાખવામાં આવતા હોય છે. આ જોઈને વિજય નેહરા ખુશ થયા હતા અને તેમણે કહ્યું કે તમે તો પહેલાંથી જ તૈયારી કરી રાખી છે."
હાલ આ હૉસ્પિટલનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. જૂનાં જર્જરિત બિલ્ડિંગને તોડીને નવાં બનાવવામાં આવી રહ્યાં છે. હાલ એક જૂની ઇમારત હયાત છે. તેમાં 'આઇસોલેસન વૉર્ડ' લખેલું જોવા મળે છે.
કુલ 110 બેડની આ હૉસ્પિટલમાં આજે પણ 50 બેડનું નવું બિલ્ડિંગ બની ગયું છે. જ્યારે હૉસ્પિટલનું બાકીનું કામ કોરોના વાઇરસની મહામારીને કારણે હાલ ચાલુ થઈ શક્યું નથી.
80 વર્ષ જૂની હૉસ્પિટલમાં કેટલી કામ આવી?
80 વર્ષ જૂની ચેપી રોગની હૉસ્પિટલ કોરોના સામેની લડાઈમાં કેટલી કામ આવી તે અંગે વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ અને હૉસ્પિટલ વિભાગ સંભાળતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઓમપ્રકાશ માચરા કહે છે:
"આ હૉસ્પિટલ કોરોના સામેની લડાઈમાં ઘણી કામ આવી છે. જ્યારે મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં કેસ વધ્યા ત્યારે અમે તેનો ઉપયોગ શરૂ કર્યો હતો."
તેઓ કહે છે, "હાલ ત્યાં કોવિડ કૅર સેન્ટરમાં 50 બેડ છે અને હાલ પણ ત્યાં 15 દરદી છે."
મે મહિનાની 2જી તારીખથી અહીં કોવિડ કૅર સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. હાલ સુધીમાં 110 ઍસિમ્પ્ટૉમેટિક દરદીઓની સારવાર કરી છે.
ઍસિમ્પ્ટોમેટિક દરદીઓમાં જો 10 દિવસથી વધારે દિવસ લક્ષણ ન દેખાય તો તેમને રજા આપવામાં આવે છે અને જો કોઈ દરદીની તબિયત બગડે તો તેને એસ.વી.પી. હૉસ્પિટલ અથવા બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે.
આ હૉસ્પિટલમાં તમામ બેડ સામાન્ય બેડ છે, ઑક્સિજન બેડ કે આઈસીયુ બેડ નથી. માટે અહીં ઍસિમ્પ્ટોમેટિક દરદીઓને રખાય છે.

ઇમેજ સ્રોત, JIGAR BHATT
ડૉ. વિજય ઝાલા કહે છે, "સામાન્ય રીતે વર્ષે આખા ગુજરાતમાંથી 3થી 4 હજાર જેટલા ચેપી રોગના દરદીઓ હૉસ્પિટલમાં રહીને સારવાર લેતા હોય છે. પરંતુ ચેપી રોગની રસી અને દવા શોધાવાને કારણે દરદીઓની હાલત ગંભીર થતી નથી માટે અમારે ખાસ સુવિધાની જરૂર પડતી નથી. ભાગ્યે જ કોઈની સ્થિતિ વધારે ગંભીર થતી હોય છે. જો કોઈની સ્થિતિ બગડે તો અમે તેને વી.એસ.માં ટ્રાન્સફર કરી દઈએ છીએ."
તેઓ કહે છે, "જો કોરોનાની મહામારી વધુ ફેલાય તો અમે આનો ઉપયોગ બીજાં સાધનો લાવી સંપૂર્ણ કોવિડ હૉસ્પિટલ તરીકે કરી શકીએ છીએ."
કૉર્પોરેશનની હૉસ્પિટલના એક પૂર્વ ડૉક્ટરે નામ ન આપવાની શરતે કહ્યું કે ચેપી રોગની હૉસ્પિટલ હોવા છતાં પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાયો નથી.
તેઓ કહે છે, "હાલ ચેપી રોગના કેસ ઘટી જતા સરકાર એમ જ માનતી હતી કે ભવિષ્યમાં કોઈ ચેપી રોગ આવશે જ નહીં. કૉર્પોરેશને વર્ષોથી તેના પર ધ્યાન આપ્યું નથી. માટે આ હૉસ્પિટલમાં સુવિધાઓ ઓછી છે. જો આપણે પહેલેથી જ વિચાર્યું હોત તો કોરોના સામેની લડાઈમાં આ હૉસ્પિટલ ઘણું સારું કરી શકત."
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓમપ્રકાશ માચરાને જ્યારે પૂછ્યું કે આટલાં વર્ષો આ હૉસ્પિટલ પર ધ્યાન કેમ અપાયું નથી તો તેમણે કહ્યું, "હું તો હાલમાં જ આવ્યો છું માટે ભૂતકાળ અંગે મને કાંઈ ખાસ ખ્યાલ નથી."
તેઓ આગળ કહે છે, "આ હૉસ્પિટલના નવીનીકરણનું કામ તો ચાલુ કરી જ દીધું છે. મારું વ્યક્તિગત કમિટમેન્ટ એ છે કે આ હૉસ્પિટલનો સારો ઉપયોગ થઈ શકે તે માટે અમે તેને કોઈ મેડિકલ કૉલેજ સાથે જોડીશું."
તેઓ કહે છે કે "આ બધી પ્રક્રિયા હાલ કોરોના વાઇરસના કારણે પણ અટકી પડી છે."
ભવિષ્યમાં ચેપી રોગની હૉસ્પિટલની કેટલી જરૂર પડશે?
ડૉક્ટર વિજય ઝાલા કહે છે, "કોરોના વાઇરસ જેવા ચેપી રોગ એ વાતનો સંકેત છે કે આગામી દિવસોમાં જો આ પ્રકારનો રોગ ફેલાય તો તેની યોગ્ય સારવાર માટે હૉસ્પિટલની જરૂર પડશે."
જાણીતા ચેપી રોગના નિષ્ણાત વિપુલ પટેલનો મત થોડો અલગ છે. તેઓ કહે છે, "સામાન્ય રીતે ચેપી રોગ માટે અલગ હૉસ્પિટલની જરૂર ઊભી થતી નથી. મોટા ભાગની હૉસ્પિટલમાં ચેપી રોગનો વિભાગ હોય છે. તમારે ખાલી ધ્યાન વધારે રાખવાનું હોય છે અને ચેપી રોગના વિભાગને આઇસોલેટ કરવાનો હોય છે. આજે તો મહામારી છે માટે મોટા પ્રમાણમાં બેડની જરૂર છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












