રામમંદિર ટ્રસ્ટના એકમાત્ર દલિત સભ્ય વિશે કેટલું જાણો છો?

ઇમેજ સ્રોત, KAMESHWAR CHAUPAL
- લેેખક, નીરજ પ્રિયદર્શી
- પદ, પટણાથી બીબીસી ગુજરાતી માટે
અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ બાબતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહે સ્પષ્ટ કહ્યું હતું, "રામમંદિરના નિર્માણ માટે જે ટ્રસ્ટ બનશે, તેમાં ભાજપની હિસ્સેદારી નહીં હોય એટલે કે પક્ષનો કોઈ નેતા તેમાં સામેલ નહીં હોય."
સુપ્રીમ કોર્ટે રામ મંદિર ટ્રસ્ટ બનાવવાની અંતિમ તારીખ 9 ફેબ્રુઆરી, 2020 નક્કી કરી હતી.
એ મુદ્દત પૂરી થાય એ પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના નિર્માણ માટે સ્વાયત ટ્રસ્ટ બનાવવાની જાહેરાત બુધવારે સંસદમાં કરી હતી.
વડા પ્રધાનની જાહેરાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદને જણાવ્યું હતું, "રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં 15 સભ્યો હશે, જેમાં એક સભ્ય હંમેશાં દલિત સમાજનો હશે. સામાજિક સંવાદિતાને મજબૂત કરનારો આવો અદભુત નિર્ણય લેવા બદલ હું વડા પ્રધાન મોદીને અભિનંદન આપું છું."
અમિત શાહે જે 15 ટ્રસ્ટીનાં નામ જણાવ્યાં હતાં, એ પૈકીના એક દલિત ટ્રસ્ટી બિહારના કામેશ્વર ચૌપાલ છે.

કોણ છે કામેશ્વર ચૌપાલ?

ઇમેજ સ્રોત, KAMESHWAR CHAUPAL
કામેશ્વર ચૌપાલ બિહાર ભાજપના વરિષ્ઠ નેતા છે. તેમના નામની ચર્ચા થઈ રહી છે તેનું એક મોટું કારણ એ પણ છે કે તેઓ છેલ્લે 2014માં સુપૌલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
જોકે, કામેશ્વર ચૌપાલ ભાજપમાં જોડાયા એ પહેલાં રામજન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા હતા અને પછી વિશ્વ હિન્દુ પરિષદ (વી.એચ.પી.)ના બિહાર પ્રદેશના સંગઠન મહામંત્રી બન્યા હતા.
અયોધ્યામાં રામમંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ 1989ની નવમી નવેમ્બરે યોજવામાં આવ્યો હતો, ત્યારે કામેશ્વર ચૌપાલનું નામ પહેલી વાર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશના અલગઅલગ વિસ્તારોમાંથી આવેલા હજારો સાધુ-સંતો તથા લાખો કારસેવકો એ કામમાં જોડાયા હતા. એ કાર્યક્રમમાં રામમંદિરનિર્માણ માટેની પહેલી ઈંટ કામેશ્વર પ્રસાદે જ મૂકી હતી.

પહેલી ઈંટ શા માટે મૂકી?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સાથે વાત કરતાં કામેશ્વર ચૌપાલ કહે છે, "શિલાન્યાસના કાર્યક્રમ પહેલાં કુંભ મેળો યોજાયો હતો. એ મેળામાં સાધુ-સંતો તથા ધર્મગુરુઓએ સાથે મળીને નક્કી કર્યું હતું કે શિલાન્યાસ કોઈ દલિત વ્યક્તિના હાથે જ કરાવવામાં આવશે."
"એ કાર્યક્રમમાં હું કારસેવક તરીકે હાજર હતો જ. એ ઉપરાંત વી.એચ.પી.ના બિહાર પ્રદેશના સંગઠનના મંત્રી હોવાને નાતે પણ ઉપસ્થિત હતો. સંયોગવશ ધર્મગુરુઓએ તેમના નિર્ણય બાબતે વિચાર કરતાં મને પહેલી ઈંટ મૂકવા માટે આમંત્રણ આપ્યું હતું."
કામેશ્વર ચૌપાલ જણાવે છે, "તેઓ 1984માં વીએચપીમાં જોડાયા હતા. એ વર્ષે રામ મંદિરના નિર્માણ માટે વીએચપી દ્વારા દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સેંકડો સંગઠનોના પ્રતિનિધિઓ અને ધર્મગુરુઓ સામેલ થયા હતા. એ સંમેલનમાં બિહાર તરફથી ભાગ લેવા ચૌપાલ પણ પહોંચ્યા હતા."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કામેશ્વર ચૌપાલ કહે છે, "રામમંદિરના નિર્માણ માટે લોકજાગૃતિ અભિયાન આદરવાનો નિર્ણય એ સંમેલનમાં લેવામાં આવ્યો હતો. એક સમિતિ રચવામાં આવી હતી અને ગોરક્ષા પીઠના તત્કાલીન પીઠાધિશ્વર મંહત કે. અવૈદ્યનાથ એ સમિતિના અધ્યક્ષ બન્યા હતા."
"જનજાગૃતિ અભિયાનની શરૂઆત મિથિલાંચલથી થઈ હતી. લોકોને એવો વિચાર આવ્યો હતો કે રામની શક્તિ સીતા છે. તેથી સીતાની જન્મભૂમિ જનકપુરથી રામના રથનો પ્રારંભ કરવો જોઈએ. આ કારણસર મિથિલાંચલથી અભિયાનનો પ્રારંભ થયો હતો."
"રામ જન્મભૂમિ સંઘર્ષ સમિતિ સમગ્ર દેશમાં લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરતી હતી. પહેલો કાર્યક્રમ હતો રામ-જાનકી યાત્રા."
"એ યાત્રાનો પ્રભારી હું હતો અને એ યાત્રાના પરિણામસ્વરૂપે 1986ની પહેલી ફેબ્રુઆરીએ રામ જન્મભૂમિ પરનું તાળું ખુલ્યું હતું. અલબત, કોર્ટના આદેશ પછી તાળું ખોલવામાં આવ્યું હતું,પણ તેમાં અમારી યાત્રાનો બહુ પ્રભાવ પડ્યો હતો."

અડવાણીથી અલગ હતી વીએચપીની યાત્રા

ઇમેજ સ્રોત, KAMESHWAR CHAUPAL
રામ જન્મભૂમિ આંદોલનમાં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાનો ઉલ્લેખ વારંવાર કરવામાં આવે છે.
એ રથયાત્રાને લાલુપ્રસાદ યાદવની તત્કાલીન બિહાર સરકારના આદેશ મુજબ પટનામાં રોકી દેવામાં આવી હતી. જોકે, અડવાણીની રથયાત્રા અને વી.એચ.પી.ની રથયાત્રા અલગઅલગ હતી.
કામેશ્વર ચૌપાલ કહે છે, "અડવાણીજીની રથયાત્રા શિલાન્યાસ કાર્યક્રમ પછી શરૂ થઈ હતી. એ પહેલાં અમે લોકો (વીએચપીની) રામજાનકી યાત્રા મારફત અનેક રથયાત્રા કાઢી ચૂક્યા હતા."
"અડવાણીજીએ અમારા આંદોલનને ટેકો આપવા માટે દિલ્હીના પાલમથી રથયાત્રાની શરૂઆત કરી હતી. ઓડિશાના રસ્તે બિહાર પહોંચ્યા હતા."
"એ વખતે હું વિ.હિ.પ.નો પ્રદેશ સંગઠનમંત્રી હતો. તેથી સમસ્તીપુર સુધી અડવાણીજી સાથે રહ્યો પણ હતો."
કામેશ્વર ચૌપાલ મૂળ બિહારના સુપૌલ જિલ્લાના કમરૈલ ગામના વતની છે. એ કોસી નદીનો પ્રદેશ છે.
કામેશ્વર ચૌપાલ કહે છે, "હું બાળક હતો ત્યારે અમારું ગામ ભાગલપુર જિલ્લા હેઠળ હતું. પછી સહરસા જિલ્લામાં આવ્યું અને હવે સુપૌલ જિલ્લા હેઠળનું માનવામાં આવે છે, પરંતુ અમારો પ્રદેશ કોસી નદીમાં દર વર્ષે આવતા પૂરના તાંડવનો સામનો કરે છે."

કેટલું ભણ્યા છે કામેશ્વર?

ઇમેજ સ્રોત, KAMESHWAR CHAUPAL
1956ની 24 એપ્રિલે જન્મેલા કામેશ્વર ચૌપાલે મધુબનીની જેએન કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કર્યા બાદ દરભંગાની મિથિલા યુનિવર્સિટીમાંથી 1985માં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
બિહારમાં ચૌપાલ જ્ઞાતિ અનુસૂચિત જાતિની શ્રેણીમાં આવે છે. પાન અને ખતવા તેની બે ઉપજ્ઞાતિ છે.
સામાન્ય રીતે તેમને પછાત અને ગરીબ વર્ગના લોકો ગણવામાં આવે છે.
કામેશ્વર ચૌપાલ પોતે કહે છે, "મારું બાળપણ બહુ અભાવમાં વીત્યું હતું. કોસી નદીમાં આવતાં પૂરથી અમે લોકો દર વર્ષે બરબાદ થતા હતા."
"હું જેમતેમ મોટો થઈ ગયો. પિતા ધર્મપરાયણ હતા. અમારો પરિવાર પહેલાં પણ વૈષ્ણવ હતો, આજે પણ વૈષ્ણવ છે."
રામમંદિર આંદોલનમાં જોડાવા બાબતે કામેશ્વર ચૌપાલ કહે છે, "અમે મિથિલાના લોકો છીએ. રામ સમગ્ર સૃષ્ટિ માટે ભલે ભગવાન હોય, પણ અમારા માટે તો તેઓ જમાઈ જ છે, એવી ભાવના બાળપણથી જ અમારા મનમાં આવી જાય છે."
"મારાં માતાજી રોજ સવાર-સાંજ પોતાની માતૃભાષામાં રામનાં ગીતો ગણગણતાં હતાં. વિદ્યાર્થી અવસ્થામાં હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ ગયો હતો."
"આ રીતે પરિવારથી શરૂ કરીને યુનિવર્સિટી સુધી દરેક જગ્યાએ હિંદુત્વ અને હિંદુ સંસ્કૃતિના માહોલમાં મોટા થવાને કારણે હું આ આંદોલન સાથે જોડાઈ ગયો હતો."
રામમંદિરના નિર્માણ માટે મોદી સરકારે બનાવેલા ટ્રસ્ટ સંબંધે લોકોની નારાજગી બહાર આવવા લાગી છે.
ઉત્તર પ્રદેશના અમારા સહયોગી સમીરાત્મજ મિશ્ર જણાવે છે કે મહંત પરમહંસદાસે ધરણાં શરૂ કર્યાં છે. સંતોની માગણી છે કે મંદિર આંદોલન સાથે જોડાયેલા સંતોને પણ ટ્રસ્ટમાં સ્થાન મળવું જોઈએ.

ટ્રસ્ટમાં સામેલ થવા બાબતે શું કહે છે?

ઇમેજ સ્રોત, KAMESHWAR CHAUPAL
ટ્રસ્ટમાં એક દલિત સભ્ય તરીકે સામેલ થવા બાબતે કામેશ્વર ચૌપાલ કહે છે, "દેશની વસતી દોઢ અબજથી પણ વધારે લોકોની છે. હજારો જ્ઞાતિઓ છે."
"જ્ઞાતિઓને આધારે બધાને ભાગીદાર બનાવવાના હોય તો કામ બહુ મુશ્કેલ થઈ જાય. મને લાગે છે કે જેમને સંત પરંપરા અને હિંદુ ધર્મ તથા હિંદુત્વ પ્રત્યે ઊંડો અનુરાગ છે તેમને જ મોદી સરકારે ટ્રસ્ટમાં સામેલ કર્યા છે."
કામેશ્વર ચૌપાલ ઉમેરે છે, "બધાને સાથે લઈને વિકાસ સાધવાનો ભાજપનો સંકલ્પ પણ છે. મારા ટ્રસ્ટમાં સામેલ થવાનો અર્થ હું દલિત સમુદાયનો હોવા પૂરતો થવો ન જોઈએ."
"અમે બહુ શરૂઆતથી રામમંદિર આંદોલન સાથે જોડાયેલા છીએ. જેના શિલાન્યાસની પહેલી ઈંટ મેં મૂકી હતી એ મંદિર મારી નજર સામે બનીને તૈયાર થઈ જાય એવી મારી મહત્ત્વાકાંક્ષા છે. ટ્રસ્ટમાં બધા લોકો સારા છે."
"બધાની લાગણી સમિતિની સાથે છે. મને સામેલ કર્યો એ સારું થયું. સામેલ ન કર્યો હોત તો પણ સારું જ હતું. આટલી ચર્ચા પણ ન થઈ હોત."
કામેશ્વર ચૌપાલના જણાવ્યા અનુસાર, "ટ્રસ્ટમાં તેમને સામેલ કરવા બાબતે સરકાર તરફથી કોઈએ તેમની સાથે વાત કરી ન હતી."
વડા પ્રધાન તથા ગૃહમંત્રીએ જાહેરાત કરી એ પછી તેમને આ બાબતે જાણકારી મળી હતી. હવે તેઓ ઇચ્છે છે કે રામમંદિરનું નિર્માણ બને તેટલું જલદી થઈ જાય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
કામેશ્વર ચૌપાલને રામમંદિર ટ્રસ્ટમાં સામેલ કરવાના નિર્ણયના રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યા છે, કારણ કે ચૌપાલ પોતે સક્રિય રાજકારણી છે.
શિલાન્યાસ કાર્યક્રમ પછી કામેશ્વર ચૌપાલ બાબતે દેશભરમાં ચર્ચા થવા લાગી, ત્યારે ભાજપે તેમને પક્ષમાં વિધિવત્ પ્રવેશ કરાવ્યો હતો.
તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને 1991ની લોકસભા ચૂંટણીમાં રોસડાની બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, પણ તેઓ ચૂંટણી હારી ગયા હતા.
1995માં તેઓ બેગુસરાયની બખરી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, તેમાં પણ તેઓ હારી ગયા હતા.
2002માં તેમને બિહાર વિધાન પરિષદના સભ્ય બનાવવામાં આવ્યા હતા. 2014 સુધી તેઓ વિધાન પરિષદના સભ્ય હતા.
2009ની લોકસભા ચૂંટણીમાં તેઓ ભાજપના સ્ટાર પ્રચારકોમાં સામેલ હતા. એ ચૂંટણીમાં તેમણે નારો આપ્યો હતો : "રોટી રામ કે સાથ."
ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં કામેશ્વર ચૌપાલને સુપૌલ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, પણ તેમના જિલ્લામાં જ તેઓ હારી ગયા હતા. એ પછી ચૌપાલની રાજકીય સક્રિયતા ઘટી છે.
વરિષ્ઠ પત્રકાર સુરેન્દ્ર કિશોર કહે છે, "આ ભાજપનું દલિતકાર્ડ પણ હોઈ શકે છે. જોકે, કામેશ્વર ચૌપાલ રામમંદિર આંદોલન સાથે જોડાયેલા હતા તેમાં કોઈ સવાલ જ નથી, પરંતુ પાછલા દિવસોમાં લોકો તેમને ભૂલી ગયા હતા."
"તેમના નામની ચર્ચા ફરી એક વાર 'દલિત ચહેરા' તરીકે થવા લાગી છે તો તેનો લાભ ભાજપને મળશે એ દેખીતું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













