અયોધ્યામાં મંદિર માટે શ્રીરામ જન્મભૂમિ ન્યાસ પાસે કેટલું ભંડોળ?

ઇમેજ સ્રોત, SHAMIM A ARZOO
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કેન્દ્ર સરકારે અયોધ્યામાં મંદિરનિર્માણ માટે 15 સભ્યોના ટ્રસ્ટની રચના કરી દીધી છે અને મંદિરનું નિર્માણ ઝડપથી શરૂ થશે એમ કહેવાય રહ્યું છે.
આ સ્થિતિમાં અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની સંસ્થા વિશ્વ હિંદુ પરિષદ સાથે જોડાયેલા રામ જન્મભૂમિ ન્યાસ પાસે કેટલું ભંડોળ છે એ સવાલ સહજ છે.
આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક જાણવા માગે છે, પરંતુ સરળતાથી જવાબ મળતો નથી.
રામમંદિર આંદોલનનું નેતૃત્ત્વ કરનાર વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણના ઉદ્દેશથી વર્ષ 1985માં શ્રીરામ જન્મભૂમિ ન્યાસની સ્થાપના કરી હતી.
શ્રીરામ જન્મભૂમિ ન્યાસ જ મંદિર માટે મળતા દાનની દેખરેખ કરતું રહ્યું છે.
બીબીસીને એ જાણવા મળ્યું છે કે શ્રીરામ જન્મભૂમિ ન્યાસના કૉર્પસ ફંડમાં આશરે સાડા આઠ કરોડ અને નૉન-કૉર્પસ ફંડમાં આશરે સાડા ચાર કરોડ રૂપિયા છે.
બીબીસીને મળેલી આધારભૂત જાણકારી મુજબ શ્રીરામ જન્મભૂમિ ન્યાસને 2018-19માં દાન તરીકે 45 લાખ રૂપિયા મળ્યા હતા. ગત વર્ષે આ સંસ્થાને લગભગ દોઢ કરોડનું દાન મળ્યું હતું.
જોકે, રસપ્રદ વાત એ છે કે 1990માં વિશ્વ હિંદુ પરિષદે એક પ્રેસનોટ બહાર પાડીને કહ્યું હતું કે "1989ના આંદોલન સમયે રામમંદિર નિર્માણ માટે તેમને 8 કરોડ 29 લાખ રૂપિયાનું ભંડોળ મળ્યું હતું, જેમાંથી 1 કરોડ 63 લાખ ખર્ચ થયો હતો. આ સમાચાર 'સંડે ઑબ્ઝર્વર' અખબારમાં પ્રકાશિત થયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાજેતરમાં બહાર પાડવામાં આવેલી એક પ્રેસનોટમાં વિશ્વ હિંદુ પરિષદે કહ્યું કે રામમંદિર નિર્માણ માટે તે કોઈ દાન ભેગું નથી કરતી અને ન તો કોઈ દાનની અપીલ કરે છે.
વિશ્વ હિંદુ પરિષદના આ નિવેદનનો શું અર્થ થઈ શકે? અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ન્યાસની કાર્યશાળામાં અત્યારે પણ રામમંદિર નિર્માણ માટે આજે પણ દાન લેવામાં આવે છે.
બીબીસીએ જ્યારે આ વિશે વિશ્વ હિંદુ પરિષદને પૂછ્યું તો ઈ-મેલ દ્વારા મહાસચિવ મિલિંદ પરાંડેએ કહ્યું, "શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે 1989-90 પછી ન તો ધનસંગ્રહની જાહેર અપીલ કરી છે કે ન તો કોઈ ભંડોળ ભેગું કર્યું છે."
એમણે કહ્યું કે શ્રીરામ જન્મભૂમિ ન્યાસના ભેગા કરવામાં આવેલા ભંડોળનો ઉપયોગ ન્યાસના ધ્યેય ઉદ્દેશ્યો મુજબ થયો છે. જે ધન સ્વંય સમાજે ન્યાસને લાવીને આપ્યું છે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
તો શું શ્રીરામ જન્મભૂમિ ન્યાસ પાસે મંદિર નિર્માણ માટે એકત્રિત ભંડોળમાં ફક્ત 8 કરોડ રૂપિયા જ છે?
આ સવાલ પર વિશ્વ હિંદુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલનું કહેવું છે, "આનો જવાબ તો ન્યાસના ટ્રસ્ટી ચંપતરાય જ આપી શકે છે."
જોકે, ચંપતરાયે બીબીસીને કહ્યું,"ન્યાસ પોતાનો હિસાબ સાર્વજનિક નથી કરતી."
વિશ્વ હિંદુ પરિષદના નેતા ચંપતરાયે બીબીસી સાથે ખાસ વાતચીતમાં કહ્યું , "રામમંદિર નિર્માણ માટે અત્યાર સુધી ન્યાસે 10થી 15 કરોડ રૂપિયા ખર્ચ કરી દીધો છે."

વર્ષ 1989નું આંદોલન અને દાન

ઇમેજ સ્રોત, SHAMIM A AARZOO
'સવા રૂપૈયા દે દે રે ભૈયા રામશિલા કે નામ કા, રામ કે ઘર મેં લગ જાયેગા પથ્થર તેરે નામ કા'
'80ના દાયકાના અંતમાં વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક સિંઘલની આગેવાનીમાં રામમંદિર આંદોલન ચરમ પર હતું અને ગીત સ્વરૂપે મંદિર માટે દાનની વિશ્વ હિંદુ પરિષદની આ અપીલ ઘરે-ઘરે પહોંચી રહી હતી.
વિશ્વ હિંદુ પરિષદનું હિંદુઓને કહેવું હતું કે જ્યારે અયોધ્યામાં રામમંદિર બનશે, ત્યારે આ રામશિલાઓ લાગશે અને દાનના પૈસા કામ લાગશે.
વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ ન્યાસના ટ્રસ્ટી ચંપતરાયે બીબીસીને કહ્યું ,"કોઈ સંસ્થા પોતાનો હિસાબ-કિતાબ સાર્વજનિક નથી કરતી, તે હિસાબ સરકારને આપે છે."
ઉલ્લેખનીય છે કે શ્રીરામ જન્મભૂમિ ન્યાસને દાન આપનારને આવકવેરાના નિયમોની કલમ 12-એ મુજબ કરરાહત પ્રાપ્ત છે. દસ્તાવેજો મુજબ આ સંસ્થા ગરીબોના કલ્યાણના ઉદ્દેશથી નોંધાયેલી છે.
શ્રીરામ જન્મભૂમિ ન્યાસે ફાઇલ કરેલ ઇન્કમટૅક્સ રિટર્ન દેખાડતા ચંપતરાય કહે છે, "અમારી પાસે 11 કરોડ રૂપિયાની સ્થાયી સંપત્તિ છે, જેમાં મંદિરનિર્માણ સાથે સંકળાયેલી તમામ ચીજો સામેલ છે."
"પત્થર કાપવાનું મશીન પણ એમાં સામેલ છે."
ચંપતરાય કહે છે, "અમે મંદિર માટે એક જ વાર વર્ષ 1989માં દેશભરમાંથી દાન ભેગું કર્યું. અમે દરેક વ્યક્તિ પાસેથી સવા રૂપિયો, પરિવાર પાસેથી પાંચ રૂપિયા અને મહત્તમ દસ રૂપિયા લેતા હતા."
"આ દેશમાં એક પણ વ્યક્તિ એવી નથી જે એવો દાવો કરી શકે કે એણે શ્રીરામ જન્મભૂમિ ન્યાસને લાખ રૂપિયા કે એથી વધારે આપ્યા હોય."
ચંપતરાય કહે છે, "વિશ્વ હિંદુ પરિષદે 1989 પછી ક્યારેય બજારમાં જઈને રામમંદિરના નામે ધનસંગ્રહ નથી કર્યો."
તેઓ કહે છે, "જે પણ દાન આપે છે તે અયોધ્યામાં અમારી કાર્યશાળામાં આવીને પોતાની ઇચ્છાથી આપે છે. અમે કોઈની પણ પાસે કોઈ પણ સ્વરૂપે દાન નથી માગ્યું."
"અમારા ભંડોળમાં કોઈ ડૉલર કે યુરો નથી. અમે વિદેશી ચલણનું ધન નથી લીધું, જે પણ ધન છે એ ભારતીયોએ આપેલું છે."
ભવ્ય મંદિર બનાવવા માટે પૈસા જનતા આપશે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તો શું રામમંદિરના નામ પર એકઠાં કરેલા પૈસા સરકાર તરફથી બનવા જઈ રહેલા ટ્રસ્ટને આપશે?
આ સવાલના જવાબ પર ચંપતરાય કહે છે, "અમે પૈસા શું કામ આપીએ અમે મંદિર માટે આપીશું, પથ્થર ખરીદીશું, પથ્થરોનું નકશીકામ કરીશું અને પછી મંદિર માટે આપીશું."
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ટ્રસ્ટની જાહેરાત થઈ છે પરંતુ તેનું નામ અને ટ્રસ્ટીઓ કોણ કોણ હશે અને મંદિર બનાવવાનો ખર્ચ કોણ ઉપાડશે તથા તે પૈસા ક્યાંથી આવશે એની જાહેરાત થઈ નથી.
તો શું શ્રીરામ જન્મભૂમિ ન્યાસ પાસે જે પૈસા છે એ મંદિર નિર્માણ માટે પૂરતા છે?
આ સવાલના જવાબમાં ચંપતરાય કહે છે ,"ભવ્ય મંદિર બનાવવા માટે પૈસા જનતા આપશે."
ચંપતરાય એમ પણ કહે છે , "શ્રીરામ જન્મભૂમિ ન્યાસને નવા બનનારા ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે."

કેવું હશે રામમંદિર?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ચંપતરાય કહે છે કે શ્રીરામ જન્મભૂમિ ન્યાસ ઇચ્છે છે કે મંદિરનું જે મૉડલ એમણે રજૂ કરેલું છે એ આધાર પર જ ભવ્ય મંદિર બને.
તેઓ કહે છે કે દેશના લાખો ઘરોમાં આ મૉડલની છબિ છે. આ સ્વીકૃત મૉડલ છે અને અમે એ આધાર પર જ મંદિર માટે જરૂરી એવું 60 ટકા કામ પૂર્ણ કરી લીધું છે અને બાકીનું કામ ચાલે છે.

અયોધ્યામાં કાર્યશાળા

વર્ષ 1990માં વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં પોતાની કાર્યશાળા શરૂ કરી હતી અને ત્યારથી અહીં પથ્થરોનું નકશીકામ ચાલે છે.
આ જ કાર્યશાળામાં શ્રીરામ જન્મભૂમિ ન્યાસ તરફથી પ્રસ્તાવિત મંદિરનું એક મૉડલ મૂકવામાં આવેલું છે. એની આગળ એક દાનપેટી પણ રાખવામાં આવેલી છે જેમાં લોકો પોતાની ઇચ્છાથી રામમંદિર માટે દાન કરે છે.
આ દાનપેટીની પાસે એક લાકડાની મેજ અને પ્લાસ્ટિકની ખુરશી પર આર.એસ.એસ. (રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘ)ના કાર્યકર સ્વદેશ કુમાર શ્રીરામ જન્મભૂમિ ન્યાસની રસીદબુક લઈને બેસે છે.
પચાસ રૂપિયાથી વધારે દાનની તેઓ રસીદ આપે છે. આ રસીદ શ્રીરામ જન્મભૂમિ ન્યાસની જ છે.
આ જ એ પૈસા છે જે અધિકૃત રીતે રામમંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ ન્યાસ એકત્રિત કરે છે.
સ્વદેશ કુમાર કહે છે કે અમે જે એક-એક પૈસો લઈએ છીએ તેનો અમારી પાસે પાકો હિસાબ છે.
અહીં સરેરાશ કેટલા પૈસા આવે છે એ સવાલના જવાબમાં સ્વદેશ કુમાર કહે છે, "અહીં પ્રતિમાસ એક લાખથી પાંચ-સાત લાખ સુધીનું દાન આવે છે. તમામ પૈસા અને હિસાબ દિલ્હી મોકલી દેવાય છે."
"આ એક-એક પૈસો રામના નામનો છે અને એ જ મંદિરમાં લાગશે."
જે વખતે અમે સ્વદેશ કુમાર સાથે વાત કરી રહ્યા હતા તે વખથે ભક્તોના ટોળાં મંદિરના મૉડલના દર્શન માટે આવી રહ્યા હતા અને મંદિર નિર્માણ માટે દાન પણ આપી રહ્યા હતા.
સ્વદેશ કુમાર દાનની રસીદ સાથે મંદિરના મૉડલનું એક પોસ્ટર પણ ભક્તોને આપે છે. અનેક ભક્તો રામમંદિર માટે ગુપ્તદાન પણ કરી રહ્યા હતા.
જોકે, સ્વદેશ કુમારે બીબીસીને હિસાબની વિસ્તૃત માહિતી ન આપી. એમણે કહ્યું, "એ હિસાબ તમને ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કે વિશ્વ હિંદુ પરિષદના નેતા ચંપતરાય જ આપી શકશે."

ભક્તોમાં અપાર શ્રદ્ધા

આંધ્રપ્રદેશથી આવેલા એક સમૂહમા સામેલ એમ. નરેન્દ્ર નાથે 501 રૂપિયાની રસીદ ફડાવતા કહ્યું, "હું શ્રીરામ મંદિર માટે ધન અને જીવન બેઉ સમર્પિત કરવા ઇચ્છુ છું. "
અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે તેઓ ઉત્સાહમાં છે. એમની સાથે આવેલા લોકોએ પણ દાન કર્યું અને રસીદ લીધી.
હરિયાણાના જગાધરીથી આવેલા કમલેશ ગોયલે 51 રૂપિયાનું દાન કર્યુ. એમને અતૂટ વિશ્વાસ છે કે આ પૈસા મંદિર નિર્માણ માટે વપરાશે. સ્વદેશ કુમાર કમલેશ ગોયલને કહે છે કે મંદિર આ દાનના પૈસાથી જ બનશે.
આ સમયે દિલ્હીથી આવેલી મહિલાઓના સમૂહે પણ દાન કર્યું. કેટલાકે વગર રસીદે ગુપ્તદાન પણ કર્યું.
મંદિરના મૉડલના દર્શન કરતી વખતે કેટલીક મહિલાઓની આંખમાં આંસુ હતાં. આ મહિલાઓ દર વર્ષે અયોધ્યાની મુલાકાત લે છે અને ન્યાસમાં દાન કરે છે.
તેઓ એક સૂરમાં કહે છે, "અમે 10 વર્ષથી અહીં દાન કરીએ છીએ. અમને પાકો વિશ્વાસ છે કે ભગવાન રામનું મંદિર બનશે અને અમારું દાન એમાં કામ લાગશે. આ રામની ધરતી છે અહીં છળ નહીં થાય."
સમૂહમાં સામેલ વેદવતીએ જય શ્રી રામનો નારો લગાવતા કહ્યું, "મંદિરના નામે આવેલી પાઈપાઈ મંદિરમાં લાગશે. આટલાં વર્ષોથી રામમંદિર માટે પૈસા ભેગા થઈ રહ્યા છે. અમીર તો અમીર ગરીબ પણ દાન કરે છે."
મોરેશિયસથી આવેલા શ્રદ્ધાળુઓના સમૂહમાં સામેલ લોકો કાર્યશાળામાં દાન કરવા અને પથ્થર પર પોતાનું નામ લગાવવા ઉત્સાહિત હતા.
એમણે પણ મંદિર માટે દાન કર્યું અને આગળ પણ પૈસા મોકલવાની ઇચ્છા જાહેર કરી, પરંતુ વિશ્વ હિંદુ પરિષદ શ્રીરામ જન્મભૂમિ ન્યાસ માટે ઑનલાઇન કે ડિજિટલ સ્વરૂપમાં હજી દાન નથી સ્વીકારતી.

દાનના સવાલ પર મૌન

રામમંદિર માટે આવી રહેલા દાનના સવાલ પર શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ કહે છે, "કેટલા પૈસા આવ્યા, કેટલા ન આવ્યા અમને નથી ખબર. અમારે ન પૈસા આપવાના છે ન લેવાના છે."
"હિસાબ શું લેવાનો છે. પૈસાનો હિસાબ કારસેવકપુરમવાળા જ રાખે છે. મારે પૈસા સાથે કોઈ લેવાદેવા નથી."
મહંત નૃત્ય ગોપાલ દાસ કહે છે, "મારી પાસે મંદિરનો એક પૈસો નથી. ન લેવાનો છે ન દેવાનો છે. અમારે તો લીન રહેવાનું છે."
"અમારે પૈસાથી મતલબ નથી. મંદિર જનતા અને ધર્માચાર્યોના સહયોગથી બનશે."
બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં સાક્ષી અને રામમંદિર આંદોલન પર રિપોર્ટિંગ કરનાર વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાન કહે છે, "વિશ્વ હિંદુ પરિષદના નેતાઓને મંદિર માટે આવનારા દાન પર, જ્યારે પણ પૂછવામાં આવ્યું છે, ત્યારે તેનો જવાબ નથી મળ્યો."
શરત પ્રધાન કહે છે મે પોતે અનેક વાર રામ મંદિર માટે આવી રહેલા દાન પર સવાલ કર્યો છે, પરંતુ ક્યારેય જવાબ નથી મળ્યો.
વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ ક્યારેક કોઈ આંકડો આપી દે છે, પણ એનો કોઈ આધાર નથી હોતો.
શરત પ્રધાન કહે, "અશોક સિંઘલ અને પ્રવીણ તોગડિયા જ્યારે જોશથી આંદોલન કરી રહ્યા હતા, ત્યારે પણ એમને દાનભંડોળ પર જ્યારે પણ સવાલ કરવામાં આવતો, એમણે નારાજગી જ પ્રગટ કરી હતી."
"હવે વિશ્વ હિંદુ પરિષદે પોતાના ખાતા વિશેની જાણકારી સાર્વજનિક કરવી જોઈએ. પારદર્શિતા તો એ જ હોય છે."
ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં નિર્મોહી અખાડા અને હિંદુ મહાસભા સાથે જોડાયેલા નેતાઓએ શ્રીરામ જન્મભૂમિ ન્યાસને મળતા દાનભંડોળ પર સવાલ ઉઠાવ્યો છે અને તપાસની માગ કરી છે.
આ વિશે ચંપતરાય કહે છે ,"જે લોકોને ફરિયાદ હોય તેમણે આવકવેરા વિભાગને ફરિયાદ કરવી જોઈએ અને તપાસની માગ કરવી જોઈએ. જે લોકો અમારી પાસે હિસાબ-કિતાબ માગે છે એમના આ પૈસા નથી, આ રામના પૈસા છે."
ચંપતરાય કહે છે , "જ્યારે સોનિયા ગાંધી રાજ કરી રહી હતી ત્યારે ફરિયાદ કરવા જેવી હતી. તે અમારી સામે તપાસ બેસાડી શકત. આજે કરવાનો કોઈ ફાયદો નથી."
ચંપતરાય કહે છે કે શ્રીરામ જન્મભૂમિ ન્યાસને મળનારી પાઈપાઈનો હિસાબ આવકવેરા વિભાગને આપવામાં આવ્યો છે.
તેઓ કહે છે ,"વર્ષ 1985માં શ્રીરામ જન્મભૂમિ ન્યાસ બન્યો. ધનસંગ્રહ 1989થી શરૂ થયો અને ત્યારથી 30 વર્ષ વીતી ચૂક્યા છે."
"આ 30 વર્ષમાં અમે 30 ઑડિટ રિપોર્ટ સરકારને મોકલી ચૂક્યા છીએ. સરકાર ગમે તેની હોય, અમને કદી એક રૂપિયાનો દંડ પણ નથી થયો."
"અમે અમારું ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં કદી મોડું નથી કર્યું."
"જો અમે ખોટા હોત, તો અમારી સામે તપાસ થઈ હોત."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













