શું અનામતની ઝાળ રૂપાણી સરકારને દઝાડશે?

મહિલાઓનાં ધરણાં
ઇમેજ કૅપ્શન, મહિલાઓનાં ધરણાં
    • લેેખક, ચંદુ મહેરિયા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં અનામતના મુદ્દે ફરી ઘમસાણ મચ્યું છે. લોકરક્ષકદળની ભરતીમાં અનામત વર્ગનાં મહિલા ઉમેદવારો પોતાને થયેલા અન્યાય વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરની કડકડતી ઠંડીમાં પચાસેક દિવસથી ધરણાં કરી રહેલાં મહિલાઓએ હવે આમરણ અનશન આદર્યાં છે.

તેમની ફરિયાદ છે કે અનામત વર્ગનાં મહિલા ઉમેદવારોને મેરિટનો લાભ આપવામાં આવ્યો નથી.

News image

તો સામે પાટીદાર અનામત આંદોલન સમિતિ, બ્રહ્મસમાજ અને કરણીસેનાએ પણ દલિત, આદિવાસી, ઓ.બી.સી. (અધર બૅકવર્ડ ક્લાસ, અન્ય પછાત જ્ઞાતિ) વર્ગનાં મહિલાઓને મેરિટનો લાભ આપવામાં આવશે, તો બિનઅનામત વર્ગનાં મહિલાઓને અન્યાય થશે તેમ કહી બાંયો ચડાવી છે.

અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીના સત્તાપક્ષના સાંસદો અને ધારાસભ્યોએ જ નહીં અનામત વર્ગના કેટલાક મંત્રીઓએ પણ અનામત વર્ગનાં મહિલાઓને એલઆરડીની ભરતીમાં અન્યાય અંગે મુખ્ય મંત્રીને પત્ર લખ્યા છે.

ત્યારે ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે તેમને ટોણો મારી આ બધું કૉંગ્રેસનું કારસ્તાન હોવાનું જણાવ્યું હતું.

જૂનાગઢની સરકારી કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મ્યાંજરભાઈ હૂંણે પોતાનાં બે દીકરાને એલઆરડીની ભરતીમાં અન્યાય થયો છે તેવી સ્યૂસાઈડ નોટ સાથે કચેરીમાં જ આત્મહત્યા કરી લીધી હતી.

તેને કારણે ભારતીય જનતા પક્ષના માલધારી-રબારી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સરકારે તાબડતોબ જૂનાગઢ દોડાવવા પડ્યા હતા.

ગીર, બરડા વિસ્તારના માલધારીઓને આદિવાસી ગણી તેમને અનામતનો લાભ મળે છે.

હવે આદિવાસીઓએ પણ ગીર-બરડાના આદિવાસીઓને અપાયેલા આદિવાસી તરીકેના કથિત ખોટાં સર્ટિફિકેટ રદ કરવાની માગણી સાથે પાટનગરમાં અચોક્કસ મુદતનાં ધરણાં શરૂ કર્યાં છે.

હાલ તો સરકાર અનામતના મુદ્દે કોર્ટનું કે સબજ્યુડિસ મેટર હોવાનું બહાનું કાઢીને બેસી રહી છે, પરંતુ તેને અનામત તરફીઓ અને વિરોધીઓની ઝાળ બચાવી શકવાની નથી.

line

અનામતનો ઉદ્ભવ

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારતીય બંધારણના અનુચ્છેદ 14થી 16માં દેશના પ્રત્યેક નાગરિકને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે.

પરંતુ અનુચ્છેદ 16(4)માં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામતની જોગવાઈ કરવાથી સમાનતાના હકનો ભંગ થશે નહીં તેમ જણાવ્યું છે.

1950માં બંધારણ અમલમાં આવ્યું ત્યારથી જ અનુસૂચિત જાતિ (દલિત) અને અનુસૂચિત જનજાતિ (આદિવાસી)ને રાજકીય, શૈક્ષણિક અને વહીવટમાં અનામત બેઠકો આપવામાં આવી છે.

જાતિભેદ, અસ્પૃશ્યતા અને અત્યાચારને કારણે દલિતોને કે જંગલોમાં વસવાટ તથા અન્ય વિષમ પરિસ્થિતિને કારણે આદિવાસીઓને અનામત આપવામાં આવી છે.

પરંતુ વાસ્તવમાં બંધારણમાં અનામતની જોગવાઈ સાથે પ્રતિનિધિત્વનો ખ્યાલ જોડાયેલો છે.

વિધાનગૃહોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં આ વર્ગનું પ્રતિનિધિત્વ સાવ જ ઓછું કે નહિવત્ હોઈ તેમને વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

કાળક્રમે તેમાં બીજી જ્ઞાતિઓ અને વર્ગો ઉમેરાતા રહ્યા છે.

1990માં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગને, 1997માં મહિલાઓને અને 2019માં આર્થિક નબળા વર્ગોને અનામત આપવામાં આવતાં હવે અનામતનું પ્રમાણ 50% કરતાં વધારે છે.

line

એલ. આર. ડી. ભરતીનો વિવાદ

હાર્દિક પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલે સવર્ણોને અનામત મળે તે માટે ગુજરાતમાં આંદોલન કરેલું

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કૅડર વર્ગ-ત્રણ (બિનહથિયારધારી અને હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલ અને જેલસિપાહી)ની 6189 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા 15 ઑગસ્ટ, 2018ના રોજ જાહેરાત આપવામાં આવી હતી.

તેમાં બીજી 3524 જગ્યાઓ ઉમેરાતાં કુલ 9613 જગ્યાઓની સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

લેખિત પરીક્ષા, શારીરિક કસોટી અને અન્ય વધારાના ગુણ સાથે ખાલી જગ્યાના દોઢગણા એટલે કે 14891 ઉમેદવારોને શૈક્ષણિક અને અન્ય લાયકાતનાં પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવ્યા હતા.

જાહેરાત મુજબ બિનઅનામત વર્ગના પુરુષોની 3554 અને મહિલાઓની 1578, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના પુરુષોની 1657 અને મહિલાઓની 823, અનુસૂચિત જનજાતિની પુરુષો માટેની 996 અને મહિલાઓની 462 અને અનુસૂચિત જાતિના પુરુષોની 429 અને મહિલાઓની 214 મળી કુલ 6636 પુરુષ અને 3077 મહિલા લોકરક્ષકદળની ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

30 નવેમ્બર, 2019 ના કુલ 9713 ઉમેદવારોમાંથી 8135 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં તમામ અનામત વર્ગની પુરુષ અને મહિલા અનામત જગ્યાઓ અને બિનઅનામત વર્ગની પુરુષોની ખાલી જગ્યાઓનો સમાવેશ થઈ ગયો છે, પરંતુ કોઈ અકળ કારણસર બિનઅનામત વર્ગની 1578 મહિલા અનામત જગ્યાઓનું સિલેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. તેને કારણે અસંતોષ ઊભો થયો છે.

ભરતી બોર્ડ તે માટે સરકારના એક ઑગસ્ટ 2018ના ઠરાવ અને ગુજરાત હાઈકોર્ટના 29 નવેમ્બર, 2019ના ચુકાદાનું કારણ જણાવે છે.

એ પ્રમાણે અનામત વર્ગના મહિલા ઉમેદવારો ઊંચું મેરિટ ધરાવે છે અને બિનઅનામત જગ્યાએ પસંદગીના હકદાર છે, તેમ છતાં તેમને અનામત વર્ગના ગણવામાં આવ્યા હોઈ અન્યાય થયાનું અને સરકાર બિનઅનામત વર્ગનાં મહિલાઓને તેમના કરતાં નીચું મેરિટ છતાં પસંદ કરનાર હોવાનું જણાવે છે.

જ્યારે કુલ 9713 ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત હોય, તમામ જગ્યાઓ માટે એકસરખી પસંદગી પ્રક્રિયા હોય, ત્યારે બિનઅનામત વર્ગનાં મહિલાઓની 1578 જગ્યાઓનું સિલેક્ટ લિસ્ટ જાહેર ન કરવા પાછળનો સરકારનો ઇરાદો મલિન હોવાનું કોઈને પણ લાગે તે સ્વાભાવિક છે.

line

વિવાદનું મૂળ: તા. 1-8-2018નો ઠરાવ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

1997થી ગુજરાતમાં રાજ્ય સરકારની તમામ નોકરીઓમાં મહિલાઓ માટે 30 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે.

17 વરસ પછી છેક 2014માં મહિલા મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે તેમાં ત્રણ ટકાનો વધારો કરતા 33 ટકા મહિલા અનામત હાલમાં અમલમાં છે.

ગુજરાત સરકારના મુખ્ય મંત્રી હસ્તકના સામાન્ય વહીવટ વિભાગે એક ઑગસ્ટ 2018ના ઠરાવથી મહિલા અનામત અંગે ઉપસ્થિત થયેલા 13 મુદ્દાનું સ્પષ્ટીકરણ કરતા સરકારી આદેશો કર્યા છે.

આ ઠરાવના મુદ્દા 12 અને 13 સામે અનામતતરફીઓનો વ્યાપક રોષ જોવા મળે છે.

અનામત વર્ગના મહિલા ઉમેદવારો જો ઊંચું મેરિટ ધરાવતા હોય તો તેમને સામાન્ય વર્ગમાં ગણવાનું તો આ ઠરાવમાં જણાવ્યું છે, પરંતુ રોસ્ટર ક્રમાંકમાં તેમને અનામત સંવર્ગમાં જ ગણવાનું જણાવીને ઓપન મેરિટના ખ્યાલને અનર્થ કરી દીધો છે.

કેમ કે જો ઑપન મેરિટના ઉમેદવારને અનામતમાં ગણવાના હોય તો અનામત વર્ગના નીચા મેરિટના ઉમેદવારને તેનો કશો લાભ મળતો નથી.

હાલની લોકરક્ષકદળની ભરતીમાં અનુસૂચિત જાતિ અને ઓબીસીનાં ઘણાં મહિલા ઉમેદવારો ઑપન મેરિટમાં આવતાં હોવા છતાં તેમને ઑપનમાં ગણવામાં આવ્યા નથી.

જ્યારે અનામત વર્ગનાં મહિલાઓ એક ઑગસ્ટ 2018ના ઠરાવની અન્યાયી જોગવાઈઓને કારણે આ સમગ્ર ઠરાવ જ રદ કરવા આંદોલન કરી રહ્યાં છે, ત્યારે બિનઅનામત વર્ગનાં મહિલાઓ પણ તેમનો હક ડૂબી રહ્યાની રજૂઆતો કરી રહ્યાં છે.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

જરા આશ્ચર્યજનક લાગે તેવી વાત છે કે "પાટીદાર અનામત અંદોલન સમિતિ"ના આગેવાનો બિનઅનામત વર્ગનાં મહિલાઓના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યાં છે.

"પાટીદાર અનામત આંદોલન સમિતિ"ના લેટરહેડ પર ડૉ. આંબેડકરની તસવીર પણ અન્ય મહાનુભાવોની તસવીર સાથે પ્રકાશિત કરવામાં આવી છે.

આ સમિતિ પાટીદારો માટે અનામતની માગણી માટે એટલે કે અનામતના સમર્થનમાં રચાયેલી છે, પરંતુ અહીં તે બિનઅનામતનું સમર્થન જ નથી કરતી, અનામતનો વિરોધ કરે છે.

મહિલા અનામતના કારણે બિનઅનામત વર્ગના હક્ક જોખમાય છે તેમ કહે છે.

ગુજરાતમાં કોણ અનામતનું સમર્થક છે અને કોણ વિરોધી તે આ રજૂઆત પરથી જણાઈ આવે છે.

line

મહિલા અનામત મુદ્દે ગુજરાત સરકારની દિલચોરી

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

17 વરસ પછી 2014માં ગુજરાત સરકારે મહિલા અનામતમાં ત્રણ ટકાનો મામૂલી વધારો તો કર્યો હતો, પરંતુ વાસ્તવમાં તેનો અમલ ન થાય તેવી પેરવી રાજ્યનું વહીવટીતંત્ર કરી રહ્યું હોય તેવું એક ઑગસ્ટ 2018નો ઠરાવ દર્શાવે છે.

ઠરાવના મુદ્દા-3માં દર 10 બેઠકે 3.3 બેઠક મહિલા માટે અનામત રાખવાનું તો કહ્યું છે, પરંતુ બેઠકની ગણતરી વખતે પૂર્ણાંક સંખ્યાને જ ધ્યાનમાં રાખવા અને અનામત અપૂર્ણાંકને આગળ ખેંચતા રહી તેનું રજિસ્ટર નિભાવવા જણાવે છે.

એનો સાદો અર્થ એ થાય કે 33 ટકા મહિલા અનામતનો અમલ ચોથા ભરતી પ્રસંગે જ થઈ શકશે પૂર્ણાંકની ગણતરીએ તો માત્ર 30 ટકા મહિલા અનામતનો જ અમલ થાય છે.

એટલે વધારેલી ત્રણ ટકા અનામતનો કોઈ અર્થ રહેતો નથી.

સુપ્રીમ કોર્ટે ઈન્દ્રા સહાની, સભરવાલ અને રાજેશકુમાર દરિયાના જજમૅન્ટમાં અનામત વર્ગના ઉમેદવારો જો ઊંચું મેરિટ ધરાવતા હોય તો તેમને ઑપન મેરિટમાં જ ગણવા અને તેટલી અનામત બેઠકો વધારવાની વાત સોઈ ઝાટકીને કહી છે.

ગુજરાતમાં પુરુષોની અનામત બેઠકોમાં વરસોથી તેનો અમલ થાય છે.

નટની તસવીર

ઇમેજ સ્રોત, VSSM

ઇમેજ કૅપ્શન, નટ સમાજે ઓ.બી.સી.ના બદલે આદિવાસીના ક્વૉટામાં અનામતની માગ કરી છે

જીપીએસસી વર્ગ એકની ભરતીમાં અનામત વર્ગના પુરુષ ઉમેદવાર પ્રથમ ક્રમે આવ્યાના દાખલા નોંધાયા છે અને ઑપન મેરિટના લીધે અનામત વર્ગના વધુ પુરુષ ઉમેદવારો પસંદગી પામ્યા છે.

પરંતુ જે ગુજરાત સરકારનું વહીવટીતંત્ર પુરુષ ઉમેદવારોને ઑપન મેરિટનો લાભ આપે છે તે મહિલા ઉમેદવારોને આપતું નથી.

ગુજરાતની વડી અદાલતના જસ્ટિસ એન. વી. ધોળકિયાના સિંગલ જજના જજમૅન્ટને ગુજરાત સરકાર આધાર બનાવે છે અને તેનો અમલ કરવા તત્પર છે.

પરંતુ સુપ્રીમ કોર્ટની લાર્જર બેન્ચે અગાઉ ઑપન મેરિટને વાજબી ઠેરવતા ચુકાદા આપ્યા છે તેને ભૂલી જાય છે.

તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-એક અને વર્ગ-બેની પ્રિલિમ એકઝામનું રિઝલ્ટ જાહેર થયું છે.

તેમાં જનરલ મેરિટના જેટલું જ તમામ અનામત કૅટેગરીનું મેરિટ (139.06 માર્કસ) જાહેર થયું છે.

હવે જો અનામત અને બિનઅનામતનું મેરિટ એકસરખું જ હોય, તો અનામતનો અર્થ શો છે તેટલું સાદું ગણિત કેમ સમજાતું નથી?

line

આર્થિક પછાતની અનામતના અમલમાં ઉતાવળું અને ઉત્સાહી તંત્ર

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

ગુજરાતનું જે વહીવટીતંત્ર દલિત, આદિવાસી, ઓબીસી અનામતના જ નહીં મહિલા અનામતના અમલમાં વિરોધી લાગે એ હદનું શિથિલ જણાતું હોય કે સરકારની રાજકીય ઇચ્છાશક્તિનો પણ અભાવ વર્તાતો હોય તે આર્થિક રીતે નબળા વર્ગોની અનામતના અમલમાં ભારે ઉતાવળું અને ઉત્સાહી દેખાય છે.

નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકેના એમના પહેલાં કાર્યકાળના અંતિમ દિવસોમાં આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપવાનું બંધારણ સુધારા બિલ દાખલ કર્યું અને બહુ સામાન્ય વિરોધથી તે પસાર થયું.

ગુજરાતમાં 23 નવેમ્બર, 2019થી આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવાનું ઠરાવવામાં આવતા રાજ્ય સરકારે ટપોટપ ભરતીની જાહેરાતો સુધારી દીધી અને તેમાં આર્થિક નબળા વર્ગોની 10 ટકા અનામત દાખલ કરી દીધી.

સરકારની રાજકીય ઇચ્છાશક્તિ હોય તો અનામતનો કેવો યોગ્ય અને ઝડપી અમલ થઈ શકે છે તેનો એ નમૂનો છે.

સરકારની નિયત પારખી ગયેલું તંત્ર પછી તો બમણા ઉત્સાહમાં આવી જાય તે સ્વાભાવિક છે.

મદારીની તસવીર

ઇમેજ સ્રોત, VSSM

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં મદારી સમાજની અનામતની શ્રેણી બદલવાની માગ

સામાન્ય વહીવટ વિભાગે 23 જાન્યુઆરી, 2019થી જ આર્થિક અનામતનો અમલ કરવાનું અને બૅકલૉગ તરીકે આ જગ્યાઓ ન ગણવાનું ઠરાવ્યું હોવા છતાં તંત્રે આર્થિક રીતે નબળા વર્ગોની જગ્યાઓનો બૅકલૉગ ગણી કાઢ્યો અને તે પ્રમાણે જાહેરાતો આપવા માંડી.

સૌરભ પટેલ હસ્તકના ઊર્જા વિભાગની પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL)એ વિદ્યુત સહાયકની ભરતી માટેની જાહેરાતમાં આ એક જ કૅડરમાં 340 જગ્યા 10 ટકા આર્થિક નબળા વર્ગો માટે શોધી કાઢી, જે ન માત્ર અનામત વર્ગની જગ્યાઓ કરતાં વધુ હતી, પરંતુ જનરલ કૅટેગરીની 252 જગ્યાઓ કરતાં પણ વધુ હતી.

આ બાબતે મોટો વિરોધ થતાં દસ ટકા અનામતની 261 જગ્યાઓ ઘટાડવી પડી હતી.

આ એક ઉદાહરણ જો તંત્ર અનામતનું સમર્થક હોય અને સરકારનો તેને ટેકો હોય તો કેવાં પરિણામો નીપજાવી શકે છે તેનું દ્યોતક છે.

line

અનામત અને પ્રતિનિધિત્વનો ખ્યાલ

લોકરક્ષક દળના પરીક્ષાર્થીની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અનામતનો મૂળભૂત ખ્યાલ તો રાજકારણમાં, વહીવટમાં અને શિક્ષણમાં જે જ્ઞાતિ વર્ગોનું અલ્પ પ્રમાણ છે તેનું પ્રમાણ જાળવવાનો છે.

પરંતુ જો તે પ્રમાણ તેમની વસતી કરતાં વધે તો તેને પુરસ્કારવાનું છે નહીં કે સીમિત કરી દેવાનું છે.

દેશમાં ઉચ્ચ જ્ઞાતિ વર્ગોનું પ્રમાણ અલ્પ હોવા છતાં રાજકારણથી લઈને સર્વત્ર તે છવાયેલા હોય, તે જેમ સહ્ય ગણાયું છે તેમ મહિલાઓ, દલિતો, આદિવાસીઓ અને પછાતોને પણ મોકળા મને બે હાથ લાંબા કરીને સરકારી નોકરીઓમાં, શિક્ષણ સંસ્થાઓમાં અને રાજકીય હોદ્દા પર આવકારવાના છે.

જો તેમની વસતિ કરતાં તેમનું પ્રમાણ વધે, તો તેને કારણે અનામત નીતિ અપ્રસ્તુત બની શકે, પરંતુ જો તે ઊંચી ટકાવારી ધરાવે અને સમાજના કહેવાતા મુખ્યપ્રવાહ સાથે હરીફાઈ કરે તો તેને અનામતમાં કેદ કરી દેવાના નથી.

મહારાષ્ટ્રમાં મરાઠાઓએ અનામતની માગ સાથે આંદોલન હાથ ધરેલું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં મરાઠાઓએ અનામતની માગ સાથે આંદોલન હાથ ધરેલું

દેશમાં અડધી આબાદી મહિલાઓની છે પણ તેમના માટે અનામત માત્ર 33 ટકા જ છે.

ઓબીસીની વસતિ 52 ટકા હોવાનું મનાય છે પણ તેની અનામત 27 ટકા જ છે, હવે જો તેને અનામતની ટકાવારી જેટલો જ હિસ્સો આપવો તે ધરાર અન્યાય છે.

આ સત્ય અનામતના સઘળા વિરોધીઓને જેટલું જલદી સમજાય તેટલું સારું છે.

ગુજરાત સરકાર સવર્ણ અનામત માટે તો બહુ ઉત્સુક છે, પરંતુ મહિલા સહિતની અનામતના સુચારુ અને બંધારણીય અમલ માટે ખોરી દાનત ધરાવે છે, કોર્ટનું ઓઠું લઈને તે લાંબો સમય બચી શકશે નહીં, તો અનામતના સમર્થકો અને વિરોધીઓને રાજી રાખવાની તેની નીતિ પણ બહુ લાંબી ટકવાની નથી.

અનામતની ઝાળ વધુ પ્રસરે તે પહેલાં ઉપાય કરવાની જરૂર છે.

(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

બદલો YouTube કન્ટેન્ટ, 6
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો