વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમ : આર્થિક અસમાનતાએ વિશ્વ માટે કેટલી જોખમી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમની 50મી વાર્ષિક બેઠકની પૂર્વસંધ્યાએ માનવાધિકાર માટે કાર્યરત ગ્રુપ OXFAM દ્વારા 'Time to Care'" અહેવાલ જાહેર કરવામાં આવ્યો. આ અહેવાલ મુજબ ભારતના 1 ટકા ધનાઢ્ય લોકો નીચેના સ્તરની 70 ટકા વસતિને આવરી લેતાં 95.3 કરોડ લોકો કરતાં ચાર ગણી વધારે સંપત્તિ ધરાવે છે.
ભારતના બધા જ અબજપતિઓની સંપત્તિ ભેગી કરીએ તો તેની કિંમત દેશના વાર્ષિક બજેટ કરતાં વધી જાય છે. આ અહેવાલમાં એવું પણ જણાવ્યું છે કે વિશ્વના 2,153 ધનકુબેરો આ જગતના 4.5 અબજ લોકો જે વિશ્વની કુલ વસતિના 60 ટકા થાય તેના કરતાં વધુ સંપત્તિ ધરાવે છે.
અહેવાલનું ચોંકાવી દેનાર તારણ તો એ છે કે નાણાં તેમજ અન્ય સંસાધનોની વૈશ્વિક અસમાનતા વધી છે અને છેલ્લા એક દાયકામાં અબજપતિઓની સંખ્યા (એ બધાની સંયુક્ત સમુદ્ધિ ગયા વર્ષમાં ઘટી હોવા છતાં પણ) બમણી થઈ છે.
આ અહેવાલ એવું પણ કહે છે કે ગરીબ અને ધનકુબેરો વચ્ચેની ખાઈ તો જ દૂર કરી શકાય જો એ દૂર કરવા આકરાં નીતિવિષયક પગલાં લેવામાં આવે.


ઘણી ઓછી સરકારો આ પ્રકારની વિચારધારા સાથે પ્રતિબદ્ધતાથી જોડાયેલી છે. પાંચ દિવસ ચાલનારી વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમની ચર્ચામાંથી આવકની અસમાનતા તેમજ લિંગભેદની બાબતો, એમ બંને પ્રશ્નો અંગે સઘન ચર્ચાઓ થશે એવું દેખાય છે.
વર્લ્ડ ઈકૉનૉમી ફૉરમના વાર્ષિક અહેવાલ 'Global Risk Report' થકી પણ ચેતવણીના સૂર ઉચ્ચારવામાં આવ્યા છે, જે મુજબ અર્થવ્યવસ્થામાં આ રીતની વ્યાપક અસમાનતાઓ વર્ષ 2019માં પણ વધી રહી હોવાનું જણાયું છે.
કદાચ કારણો જુદાં-જુદાં હોઈ શકે પણ ઘણા બધા દેશોમાં ચાલી રહેલાં સામાજિક અસંતોષનાં આંદોલનોના કેન્દ્રસ્થાને અસમાનતા છે.
સાધનો અને સંપત્તિની અસમાન વહેંચણી વધુ મોટો અસંતોષ ઊભો કરે છે અને આગળ જતાં લાંચરૂશ્વત, સંવિધાન સાથે ચેડાં અથવા મૂળભૂત જરૂરિયાત માટેના માલસામાન અને સેવાઓની વધતી જતી કિંમતો પણ બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમના રિપોર્ટનું આવું તારણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્લોબલ ઇનિક્વલિટી એટલે કે વૈશ્વિક અસમાનતા છેલ્લા ત્રણ દાયકામાં ઘટી છે પણ ઘરઆંગણાની આવકની અસમાનતા (ખાસ કરીને આગળ વધેલા દેશોની અર્થવ્યવસ્થાઓમાં) ઘણા બધા દેશોમાં આ સમયગાળા દરમિયાન વધી પણ છે.

ચિંતાજનક આર્થિક અસમાનતા

ઇમેજ સ્રોત, Getty Images
ગ્લોબલ રિસ્ક રિપોર્ટમાં જણાવ્યા મુજબ વિકસિત દેશોમાં આ પ્રકારની અસમાનતાઓ નવાં શિખરો સર કરી રહી છે જે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.
ભારતનું વરસ 2018-19 માટેનું બજેટ 24,42,200 કરોડ હતું. ભારતના 63 ધનકુબેરોની કુલ સંપત્તિ આ 24,42,200 કરોડ કરતાં વધારે છે!! આર્થિક અસમાનતા તેમજ સાધનો અને સંપત્તિની વહેંચણીની વરવી અસમાનતાનું આથી ભયાનક ચિત્ર બીજું કયું હોઈ શકે?
તૂટી જતી અર્થવ્યવસ્થાઓમાં પણ આ ધનકુબેરો અને મોટા ઉદ્યોગપતિઓ સામાન્ય માણસના ભોગે પોતાના ગજવાં ભરી રહ્યા છે એ વરવી વાસ્તવિકતા હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.
પડકારો અને વળતરની અસમાનતાઓ તો એથી પણ ખતરનાક છે. એક ટેકનૉલૉજી કંપનીના સીઈઓ વરસે જેટલું કમાય છે તેટલી આવક મેળવતા ઘરકામ કરતાં શ્રમિકને 22,277 વરસ લાગે. Oxfamનો અહેવાલ એવું રસપ્રદ તારણ કાઢે છે કે આ કંપનીના સીઈઓની દર સેકન્ડે 106 રૂપિયા કમાય છે એની દસ મિનિટની કમાણી પેલા ઘરકામ કરતા શ્રમિકની આખા વર્ષની કમાણી કરતાં વધી જાય!
આ અહેવાલનું બીજું એક તારણ એવું પણ છે કે મહિલાઓ/છોકરીઓ રોજ જેના માટે એક પૈસો પણ ચૂકવાતો નથી એ ઘરકામ અને પરિવારની કાળજી માટે 3.26 અબજ કલાક કોઈ પણ પ્રકારના વેતન વગર કામ કરે છે. તેઓ ભારતીય અર્થવ્યવસ્થાને વરસે દહાડે 19 લાખ કરોડ જેટલું પ્રદાન કરે છે, જે વર્ષ 2019ના વર્ષના ભારતના શિક્ષણ પાછળના બજેટ 93 હજાર કરોડ કરતાં 20 ઘણું છે.
આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે સ્ત્રીઓ અને છોકરીઓ આપણી અર્થવ્યવસ્થામાંથી લઘુત્તમ ફાયદો મેળવે છે. તેઓ રસોઈ કરવી, કપડાં-વાસણ અને સાફ-સફાઈ તેમજ બાળકોની સારસંભાળ અને વૃદ્ધોની સારસંભાળ રાખવા પાછળ અબજો કલાકોનું આંધણ કરી નાખે છે. આ તદ્દન મફતની કામગીરી એ ભારતીય અર્થવ્યવસ્થાને દોડાવતું એક છૂપું એન્જિન છે.
Oxfamના આ અહેવાલનું બીજું એક કારણ એવું પણ છે કે અતિધનિક વર્ગ પાસેથી સરકારો પ્રમાણમાં ઘણો નીચો કર વસૂલે છે અને એ રીતે એવી આવક ઊભી કરવામાં નિષ્ફળ જાય છે, જે સ્ત્રીઓ, બાળકો અને ઘરડાંઓની પાછળ વાપરી શકાય જેથી ગરીબી તેમજ અસમાનતાનો પ્રશ્ન કંઈક અંશે હલ કરી શકાય. સરકારો અગત્યના હોય તેવા આંતર માળખાકીય પ્રોજેક્ટ અને સેવાઓમાં પણ જરૂરી ફંડ પૂરું પાડતી નથી.
આ સરવેનું એક રસપ્રદ તારણ એવું પણ છે કે વિશ્વના ટોચના 22 ધનિકો પાસે આખા આફ્રિકાની બહેનો કરતાં વધુ સંપત્તિ છે. અગાઉ જણાવ્યું તેમ સ્ત્રીઓ અને છોકરીઓ 12.5 અબજ કલાકોનું દરરોજ પોતાના કુટુંબ પાછળ આંધણ કરે છે, તેની કિંમત મૂકીએ તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં લગભગ 10.8 ટ્રિલિયન અમેરિકન ડૉલર પ્રતિવરસ થાય જે વૈશ્વિક ટેકનૉલૉજી ઇન્ડસ્ટ્રીઝના કદ કરતાં ત્રણ ગણી છે.
ઑકસફામનો રિપોર્ટ એવું પણ કહે છે કે દુનિયાની ધનિક વ્યક્તિઓની સંપત્તિ પર માત્ર અડધો ટકો કરભારણ આવતાં દસ વરસ માટે નાખવામાં આવે તો વૃદ્ધોની સંભાળ, બાળકોની સંભાળ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં નવી 11.7 કરોડ નોકરીઓ ઊભી કરી શકાય.

અંતિમ પરિણામ કેવું હશે?

ઇમેજ સ્રોત, Getty Images
ઑકસફામની આ બધી ગણતરીઓ અને વરતારા ક્રૅડિટ્સ સૂઇઝના Global World Data Book અને ફૉબ્સના બિલિયોનર 2019ની યાદી પર આધારિત છે. આવકની અસમાનતાનાં એક કરતાં વધારે કારણો ચિંતાનો વિષય હોવો જોઈએ.
જે રીતે ભારતમાં ટોચના એક ટકા ધનિકો પાસે તળિયાના 70 ટકા જેટલી વસતિ કરતાં વધારે સંપત્તિ છે અને આ અસમાનતા વધતી જાય છે, તે દેશની સરકારો માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.
આ પ્રકારની વધતી જતી અસમાનતા અને એની વિસ્તરતી જતી ખાઈ મોટાપાયે અસંતોષ ઉભો કરવા માટેનું કારણ તો બને જ છે. પણ શિક્ષણ, આરોગ્ય, પાણી અને ઊર્જા જેવી પાયાની જરૂરિયાતો, પોષણક્ષમ આહાર જેવાં અનેક ક્ષેત્રે વંચિતોનો એવો વર્ગ ઊભો કરે કે જે વર્ગ ક્યારેક કોઈ એક મુદ્દે પછી તે બેકારી હોય કે લાંચરૂશ્વત, ચિનગારી આગ પકડી લે તો વિસ્ફોટક દાવાનળ ભડકી ઊઠે એમાં બધું જ બળીને ભસ્મ થઈ જાય.
કદાચ એટલે જ કવિ શ્રી ઉમાશંકર જોશીની પંક્તિઓ -
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે; ખંડેરની ભસ્મકણી ના લાધશે !
અસમાનતા વરવી વાસ્તવિકતા બની વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરે તે પહેલાં દેશની સરકારો તો ખરી જ પણ જાહેરજીવનના વિપક્ષના અગ્રણીઓ, વેપાર અને ઉદ્યોગજગતના અગ્રણીઓ, સમાજનાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મનોમંથન કરીને આમાંથી રસ્તો શોધી કાઢવો જોઈએ.
આ મુદ્દો કોઈ આ પક્ષનો કે પેલા પક્ષનો કે ભૂતકાળની સરકારોનો બનાવવાનો પ્રયત્ન કરીને એ મુદ્દો લોકલાગણી ભડકાવવાનો પ્રયાસ ટૂંકાગાળે કદાચ લોભામણો લાગે તો પણ એનું અંતિમ પરિણામ સર્વનાશથી નીચું ન હોઈ શકે, એ વાત હજુ પણ સમજાય તો સારું.
જોઈએ હમણાં તો વર્લ્ડ ઇકૉનૉમિક ફૉરમની 50મી ચર્ચા બેઠકોમાં તો આ મુદ્દો ગાજવાનો છે. રાહ જોઈએ વિશ્વનાં ખેરખાંઓ આ વિષે શું કહે છે તેની.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













