ગુજરાત હાઈકોર્ટે રૂપાણી સરકાર અને વહીવટી તંત્રને જ્યારે ફરજનું ભાન કરાવ્યું

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા રથયાત્રા અંગેના વિવાદમાં કથિતપણે અપનાવાયેલી 'ખુશામતની નીતિ'ની આકરા શબ્દોમાં ટીકા કરાઈ હતી.
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે ગુજરાત સરકાર દ્વારા રથયાત્રાના આયોજનને લગતા મામલામાં જાહેર આરોગ્યને બદલે ધાર્મિક વડાઓના તુષ્ટિકરણનો પ્રયાસ કરાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે હાઈકોર્ટના આ અવલોકન બાદ વિપક્ષે પણ સરકાર જાહેર આરોગ્યની દિશામાં પૂરતા પ્રયત્ન ન કરી રહી હોવાના આરોપ લગાવ્યા હતા.
આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે ફરી એક વાર ગુજરાતની રૂપાણી સરકારને નાગરિકોની સુખાકારી અને આરોગ્યને પ્રાથમિકતા આપવાની પોતાની ફરજ યાદ અપાવી છે.
નોંધનીય છે કે ભૂતકાળમાં પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારની કામગીરી પર પ્રશ્ન ઉઠાવાયા છે.

અમદાવાદ સિવિલને ગણાવી 'અંધારી કોટડી'

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે જ મે માસ દરમિયાન કોરોનાની મહામારી દરમિયાન અમદાવાદ સિવિલ હૉસ્પિટલની કામગીરીની ટીકા કરતાં ગુજરાત હાઈકોર્ટે સિવિલ હૉસ્પિટલને 'અંધારી કોટડી સમાન' ગણાવી હતી.
સિવિલમાં દર્દીઓનાં મૃત્યુની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં એ સમયે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ આઈ. જે. વોરાની ખંડપીઠે નોંધ્યું હતું કે, "દુર્ભાગ્યની વાત છે કે અમદાવાદ સિવિલમાં સારવાર મેળવી રહેલા મોટા ભાગના દર્દીઓ માત્ર ચાર કે તેથી વધુ દિવસની અંદર જ મૃત્યુને ભેટી રહ્યા છે, આ વાત સિવિલમાં દર્દીઓની સારવારના અભાવની હકીકત બયાન કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિવિલમાં કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારને સૂચન આપતાં હાઈકોર્ટે જણાવ્યું હતું, "સિવિલમાં પૂરતી સંખ્યામાં વૅન્ટિલેટરો અને પથારીઓની સુવિધા કરવામાં આવે. સાથે જ યોગ્ય રીતે પોતાની ફરજ ન બજાવનાર ડૉક્ટરોને તાત્કાલિક અસરથી અન્ય જિલ્લામાં બદલી કરવી."
હાઈકોર્ટનાં સૂચનોમાં આગળ નોંધવામાં આવ્યું હતું, 'સિવિલ હૉસ્પિટલમાં કથળેલી સ્વાસ્થ્ય સુવિધાઓ માટે જવાબદાર વરિષ્ઠ અધિકારીઓની જવાબદારી શક્ય એટલી જલદી નક્કી કરવામાં આવે.'
આ સાથે જ હાઈકોર્ટે રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્યવિભાગનાં અગ્ર સચિવ જયંતિ રવિને પણ આકરા પ્રશ્નો કર્યા હતા.

કોરોના ટેસ્ટિંગ મુદ્દે સરકારની કામગીરીની ટીકા

ઇમેજ સ્રોત, Getty Images
ત્યાર બાદ મે માસમાં જ કોરોના મામલે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને દરેક વ્યક્તિને કોરોના ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમમાં હાઈકોર્ટે ખાનગી લૅબમાં કોરોના ટેસ્ટ કરવવા માટે પરવાનગી આપવા જણાવ્યું હતું.
પરંતુ સરકાર દ્વારા ખાનગી લૅબોરેટરીઓ દ્વારા કોરોના ટેસ્ટિંગ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. સરકાર દ્વારા એ સમયે કરાયેલા નવા નિયમ અનુસાર સરકાર દ્વારા નિમાયેલા આરોગ્યઅધિકારીની ભલામણ બાદ કોરોના ટેસ્ટિંગ કરાવી શકાતું.
આ નિર્ણયના સમર્થનમાં સરકારે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે જો ટેસ્ટિંગ પર નિયંત્રણ નહીં રાખવામાં આવે તો ડરનો માહોલ પેદા થઈ શકે છે. તેમજ ટેસ્ટિંગ માટે સરકાર ICMRની ગાઇડલાઇન અનુસરી રહી હોવાનું પણ જણાવાયું હતું.
જોકે, સ્થાનિક મીડિયાના કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા કોરોનાના કેસોમાં ઘટાડો થાય એ હેતુથી આ નિર્ણય લેવાયો છે.
હાઈકોર્ટના હસ્તક્ષેપ પછી કેટલીક શરતોને આધીન ખાનગી લૅબોરેટરીઓમાં ખાનગી તબીબોની ભલામણને આધારે કોવિડ-19 ટેસ્ટ કરાવવાની મંજૂરી આપી દેવાઈ હતી.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણીનો વિવાદ

ઇમેજ સ્રોત, BHUPENDRASINH CHUDASAMA/fb
આ સિવાય આવા જ એક આદેશમાં ચાલુ વર્ષે મે માસમાં જ ગુજરાત રાજ્યના કાયદા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભા બેઠક ધોળકાની ચૂંટણી રદ કરવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા હુકમ કરાયો હતો.
નોંધનીય છે કે તેઓ ધોળકા વિધાનસભા બેઠક પરથી 327 મતની નજીવી સરસાઈથી જીત્યા હતા.
એ જીતને કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે પડકારી હતી અને મતગણતરીમાં ગેરરીતિનો આરોપ મૂક્યો હતો.
આ કેસમાં કૉંગ્રેસના ઉમેદવાર દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે, "મતગણતરીમાં છેતરપિંડી કરવામાં આવી અને 429 બૅલેટ પેપરના મતને ધ્યાનમાં ન લેવામાં આવ્યા."

આ દલીલ હાઈકોર્ટે માન્ય રાખી હતી.
આ કેસમાં અશ્વિન રાઠોડની માગ મુજબ મતગણતરીના સીસીટીવી ફૂટેજ, મોબાઇલ વગેરે પણ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણીમાં ચુડાસમાના સચિવની શંકાસ્પદ કામગીરીની પણ નોંધ લેવામાં આવી હતી.
આ ઉપરાંત ધવલ જાનીના ક્રૉસ ઍક્ઝામિનેશનમાં પણ ગેરરિતી પુરવાર થઈ હતી.
ચૂંટણીપંચે પણ ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ હોવાની વાત માની હતી અને રિટર્નિંગ ઑફિસર ધવલ જાની તથા ચૂંટણીનિરીક્ષક સનદી અધિકારી વિનીતા બોહરા સામે પગલાં ભરવાની ભલામણ કરી હતી.
આ કેસની સુનાવણી જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની જાહેરાત કરી છે.

CAA વિરુદ્ધ પ્રદર્શન યોજવાની પરવાનગીનો મામલો

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષની શરૂઆતમાં વિવાદિત નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ વિરોધપ્રદર્શન યોજવા માટે રાજ્ય પોલીસવિભાગ દ્વારા સમયસર પરવાનગીઓ ન અપાતી હોવાની ફરિયાદ હાઈકોર્ટ સુધી પહોંચતાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ એ. વાય. કોગજે દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શનના આયોજન માટે પોલીસને સમયસર પરવાનગી આપવા જણાવાયું હતું.
નોંધનીય છે કે આ કેસમાં પણ અરજદારો દ્વારા દાવો કરાયો હતો કે પોલીસતંત્ર દ્વારા સત્તાપક્ષ ભાજપને નાગરિકતા સંશોધન કાયદાની તરફેણમાં પ્રદર્શન કરવા કે રેલી યોજવા માટે સરળતાથી પરવાનગી મળી જાય છે.
જ્યારે તેના શાંતિપૂર્ણ વિરોધ માટે પોલીસતંત્ર દ્વારા પરવાનગી આપવામાં વિલંબ કરવામાં આવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












