જ્ઞાનવાપી વિવાદ : 'આ મસ્જિદ ક્યારેક મંદિર હતું'- આવી ચર્ચા કેમ થઈ રહી છે?

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી

જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાનો દાવો.

તાજમહેલને તેજો મહાલય મંદિર ગણાવતા 22 બંધ રૂમનો વિવાદ.

કુતુબમિનાર સંકુલની કુવ્વાતુલ ઇસ્લામ મસ્જિદમાં પૂજા-અર્ચનાની માગ.

મથુરાની જિલ્લા અદાલતે શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં અરજીની સુનાવણીની મંજૂરી આપી.

હિન્દુ મહાસભાનો દાવો- દિલ્હી જામા મસ્જિદની નીચે દેવી-દેવતાઓની મૂર્તિ, ખોદકામ માટે પત્ર લખ્યો.

જ્ઞાનવાપી

ઇમેજ સ્રોત, ROBERT NICKELSBERG/GETTY IMAGES

અયોધ્યામાં રામમંદિર બનાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 9 નવેમ્બર, 2019ના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું.

તેમના ભાષણમાં તેમણે કહ્યું હતું કે, "આ નિર્ણય પછી આપણે સંકલ્પ કરવો પડશે કે હવે નવી પેઢી 'નવા ભારત'ના નિર્માણમાં નવેસરથી લાગી જશે. ચાલો એક નવી શરૂઆત કરીએ."

ભારતમાં ત્રણ વર્ષ બાદ ફરી એક વાર 'આ મસ્જિદ એક સમયે મંદિર હતું' પર ચર્ચા થઈ રહી છે. એકાએક કોર્ટમાં અરજીઓનું ઘોડાપૂર આવ્યું છે. ધાર્મિક રાષ્ટ્રવાદ પર સંશોધન કરતા શમ્સુલ ઇસ્લામ કહે છે, "લોકો 5,000 વર્ષ જૂની સંસ્કૃતિ સાથે રમત રમી રહ્યા છે."

એવા સમયે જ્યારે યુક્રેન-રશિયા યુદ્ધ વિશ્વમાં વ્યૂહાત્મક ફેરફારોનું કારણ બની રહ્યું છે, જ્યારે કોરોનાથી 62 લાખ લોકોનાં મૃત્યુ પછી પણ વાઇરસનું જોખમ છે અને વર્ષ 2019માં ભારતમાં વાયુ પ્રદૂષણથી દુનિયામાં સૌથી વધુ અંદાજે 17 લાખો લોકો મૃત્યુ પામ્યાં છે.

વર્તમાન સમયમાં દેશ ગંભીર આર્થિક, સામાજિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યો છે, ત્યારે ભારતમાં હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદ 400, 500, 600 કે હજાર વર્ષ પહેલાં કોણે તોડ્યાં, કેટલાં મંદિરો તોડ્યાં અને શા માટે, અને હવે તેનું શું કરવું? આ અંગેની ચર્ચાઓ જોર પકડી રહી છે.

12 મેના રોજ ભાજપના પ્રવક્તા અનિલાસિંહે તાજમહેલની તસવીર ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે 'મકબરો, મહેલ કેવી રીતે થઈ ગયો, ભાઈ.'

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું, "શું મૂળભૂત અધિકાર માત્ર લઘુમતી સમુદાય માટે જ છે? જ્યારે બહુમતી સમુદાય તેના અધિકારોની વાત કરે છે ત્યારે તેમને સાંપ્રદાયિક કેમ ગણાવી દેવામાં આવે છે?"

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યે જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા 'શિવલિંગ'ના સમાચાર પર #GyanvapiTruthNow હેશટેગ સાથે ટ્વીટ કર્યું, "તમે 'સત્ય'ને ગમે તેટલું છુપાવો, પરંતુ એક દિવસ તે બહાર આવશે. કારણ કે 'સત્ય હી શિવ' હૈ."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

line

જ્ઞાનવાપી સાથે ફરી ચર્ચા છેડાઈ

જ્ઞાનવાપી

ઇમેજ સ્રોત, SAMEERATMAJ MISHRA

અત્યારે ચર્ચાનું કેન્દ્ર કાશીની જ્ઞાનવાપી મસ્જિદ છે. એવો દાવો કરવામાં આવે છે કે જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ એક સમયે મંદિર હતું.

બ્રિટિશ લાઇબ્રેરીમાં વિશ્વનાથ મંદિરની તસવીર સાથે આપવામાં આવેલી માહિતીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 17મી સદીમાં આ મંદિરને મુઘલ સમ્રાટ ઔરંગઝેબ દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હતું અને હાલનું મંદિર 1777માં ઈન્દોરનાં અહિલ્યાબાઈ હોલ્કરે બનાવ્યું હતું.

ઇતિહાસકાર હરબંસ મુખિયા કહે છે, "કાશી અને મથુરાના મંદિરને ઔરંગઝેબે તોડી પાડ્યાં હતાં, તેમના આદેશથી તોડવામાં આવ્યાં હતાં. એ જ ઔરંગઝેબે ન જાણે કેટલાં મંદિરો અને મઠોને દાન પણ આપ્યું હતું. તે એક તરફ મંદિરોનો નાશ કરી રહ્યો હતો, તો બીજી તરફ તે મંદિરો અને મઠોને દાન, જમીન અને પૈસા આપતો હતો."

પરંતુ આજની તારીખમાં ઇતિહાસની જટિલતાને સમજવી અને સમજાવવી એટલી સરળ નથી. અને એવા વાતાવરણમાં સવાલ થાય છે કે તમે ઇતિહાસની સોયને ક્યાં સુધી પાછળ ફેરવશો અને તેનાથી તમને શું મળશે?

line

સંશોધન ક્યાં સુધી?

પ્રતાપ ભાનુ મેહતા

ઇમેજ સ્રોત, facebook

ઇમેજ કૅપ્શન, પ્રતાપ ભાનુ મેહતા

લેખક અને પ્રોફેસર પુરુષોત્તમ અગ્રવાલ પૂછે છે, "આખા સમાજે પોતાને પૂછવાનો પ્રશ્ન એ છે કે તમે આવા ઐતિહાસિક સુધારા કે સંશોધનો કેટલી હદે કરશો?"

અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા તેના સંપાદકીયમાં લખે છે, "ઇતિહાસ સુંદર નથી. પરંતુ એક આધુનિક દેશ, ખાસ કરીને વૈવિધ્યસભર લોકશાહી, જે એક મોટી વૈશ્વિક આર્થિક શક્તિ બનવા માગે છે, તેણે ફરીથી ઇતિહાસના મુકદ્દમાબાજીમાં તેની શક્તિ વેડફવી જોઈએ નહીં."

અખબાર લખે છે કે દેશ પહેલાંથી જ ઘણા સાંપ્રદાયિક મુદ્દાઓનો સામનો કરી રહ્યો છે, પછી અન્ય 'મસ્જિદ-પહેલા-મંદિર-હતું' પરિમાણ જોડવાથી ભયંકર પરિણામો આવી શકે છે.

જ્યારે જ્ઞાનવાપીનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે અખબારે લખ્યું, "સુપ્રીમ કોર્ટે નીચલી અદાલત સાથે સીધી ભાષામાં વાત કરવી જોઈએ કે કોઈ પણ અરજીની સુનાવણી કરતી વખતે તેણે 1991 (ઉપાસના સ્થળ વિશેષ જોગવાઈ અધિનિયમ)નું પાલન કરવું જોઈએ અને કોઈ પણ ન્યાયિક ઉલ્લંઘનને ચલાવી લેવામાં આવશે નહીં."

ઉપાસના સ્થળ (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 1991 જણાવે છે કે ધાર્મિક ઉપાસના સ્થળ 1947માં જે સ્થિતિમાં હતું તેવી જ સ્થિતિમાં રહેવું જોઈએ.

લેખક પ્રતાપ ભાનુ મેહતાના મતે, અયોધ્યા પછી કાશી અને મથુરામાં મંદિરો પરત કરવાની વાત એ બહુમતી શક્તિનો ઉપયોગ છે, હવે સત્તા બહુમતી પાસે છે.

તેઓ લખે છે, "આ પવિત્ર સ્થાનોને પાછા લેવાનો હેતુ ધર્મ નથી. જ્ઞાનવાપી મસ્જિદના અસ્તિત્વથી કાશી વિશ્વનાથ પ્રત્યેની ભક્તિને અસર થઈ નથી અથવા તે ઓછી થઈ નથી. તેને પાછા લેવાનો હેતુ એ બતાવવાનો છે કે હિંદુઓ પાસે શક્તિ છે અને મુસલમાનોને તેની ઔકાત બતાવી દેવામાં આવે."

બીજી તરફ, 'રિક્લૅમ ટેમ્પલ્સ' નામના જૂથ સાથે સંકળાયેલા વિમલ વીના જણાવ્યા અનુસાર, મુસ્લિમ શાસકોએ તેમની 'સંસ્કૃતિ' હેઠળ અને 'વૈચારિક શ્રેષ્ઠતા' બતાવવા માટે એક લાખ હિન્દુ મંદિરોનો નાશ કર્યો અને હવે હિન્દુઓ દ્વારા મંદિરો પાછા લેવાને. 'ઐતિહાસિક ન્યાય'ના દૃષ્ટિકોણથી જોવા જોઈએ.

વિમલ વીના જણાવ્યા અનુસાર, જે લોકોએ કથિત રીતે આ મંદિરોનું 'અતિક્રમણ' કર્યું છે તેમને બહાર ફેંકી દેવા જોઈએ.

તેમના મતે, 'રિક્લેમ ટેમ્પલ્સ' એક સ્વૈચ્છિક સંસ્થા છે અને તેમનું કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ જોડાણ નથી. સોશિયલ મીડિયા પર આવા ઘણા હેન્ડલ જોવા મળશે, જે ભૂતકાળમાં હિન્દુ મંદિરો પર થયેલા કથિત અત્યાચારની વાતો કરે છે.

પૂર્વ મંત્રી અને ભાજપ નેતા કેએસ ઇશ્વરપ્પાએ પણ એક નિવેદનમાં કહ્યું છે કે 'મુઘલોએ 36,000 હિંદુ મંદિરો તોડી પાડ્યાં હતાં અને તેમને કાયદેસર રીતે પાછાં લેવાં જોઈએ'.

કેટલાંક હિંદુ સંગઠનો દાવો કરે છે કે મુસ્લિમ શાસકોએ લગભગ 60,000 હિંદુ મંદિરોને તોડી પાડ્યાં હતાં, પરંતુ ડીએન ઝા અને રિચર્ડ ઈટન જેવા ઇતિહાસકારોના મતે 80 હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

નષ્ટ કરાયેલા હિંદુ મંદિરોની સંખ્યા અંગે ઇતિહાસકાર હરબંસ મુખિયા કહે છે, "60ના દાયકામાં અખબારોમાં 300 મંદિર તોડવાની સંખ્યા આવવા લાગી. ત્યાર પછીનાં બે-ત્રણ વર્ષમાં તે વધીને 300થી 3,000 થઈ ગઈ. ત્યાર બાદ 3,000થી 30,000 થઈ ગઈ."

line

હિન્દુઓ દ્વારા મંદિરોમાં લૂંટ?

પલ્લવ રાજા નરસિંહ વર્મન-પ્રથમે ચાલુક્યની રાજધાની વાતાપી (બદામી)માંથી ગણેશની મૂર્તિ લૂંટી હોવાનું કહેવાય છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પલ્લવ રાજા નરસિંહ વર્મન-પ્રથમે ચાલુક્યની રાજધાની વાતાપી (બદામી)માંથી ગણેશની મૂર્તિ લૂંટી હોવાનું કહેવાય છે.

એવું નથી કે પૂર્વ ભારતનાં હિંદુ મંદિરોને માત્ર બહારથી આવેલા બિન-હિન્દુ આક્રમણકારો દ્વારા લૂંટવામાં આવ્યાં હતાં.

ઇતિહાસકાર રિચર્ડ ઈટન લખે છે, "પ્રારંભિક મધ્યયુગીન ભારતમાં મંદિરોમાં સ્થાપિત ભગવાન અને તેમના શાહી સંરક્ષકો વચ્ચેના નજીકના સંબંધોને કારણે શાહી ઘરાના વચ્ચેના ઝઘડાઓને કારણે મંદિરોનું અપમાન થયું હતું."

ઈટન લખે છે કે સ્થાનિક માન્યતાઓ અનુસાર વર્ષ 642માં પલ્લવ રાજા નરસિંહ વર્મન-પ્રથમે ચાલુક્ય રાજધાની વાતાપી (બાદામી)માંથી ગણેશની મૂર્તિ લૂંટી હતી.

આઠમી સદીમાં બંગાળી સૈન્યએ રાજા લલિતાદિત્ય સામે બદલો લીધો અને તેમને લાગ્યું કે તેમણે કાશ્મીરમાં લલિતાદિત્ય સામ્રાજ્યમાં રાજદેવ વિષ્ણુ વૈકુંઠની પ્રતિમાને નષ્ટ કરી છે.

ઇતિહાસકાર હરબંસ મુખિયા જણાવે છે કે હિંદુઓએ માત્ર મંદિરોને લૂંટ્યાં જ નહીં, પરંતુ મંદિરો પર હુમલો કરીને મૂર્તિઓ પણ ઉઠાવીને લઈ ગયા હતા.

તેઓ કહે છે, "કાશ્મીરના રાજા હર્ષે તો ગજબ જ કરી નાખ્યો હતો. તેમણે એક અધિકારીની નિમણૂક કરી હતી જેનું કામ હતું મૂર્તિઓને ઉખાડવાનું."

ઈટન લખે છે કે નવમી સદીમાં રાષ્ટ્રકુટ રાજા ગોવિંદ-તૃતીયે કાંચીપુરમ પર હુમલો કરીને તેને કબજે કર્યું હતું. આનાથી શ્રીલંકાના રાજા એટલા ડરી ગયા હતા કે તેમણે સિંહલા દેશનું પ્રતિનિધિત્વ કરતી ઘણી (કદાચ ભગવાન બુદ્ધની) મૂર્તિઓ મોકલી જેને રાષ્ટ્રકુટ રાજાએ તેની રાજધાનીમાં શિવમંદિરમાં સ્થાપિત કરી હતી.

લગભગ તે જ સમયે પાંડ્ય રાજા શ્રીમારા શ્રીવલ્લભે શ્રીલંકા પર હુમલો કર્યો અને આભૂષણ મહેલમાં સ્થાપિત સુવર્ણ બુદ્ધની પ્રતિમાને તેમની રાજધાનીમાં લઈ આવ્યા.

ચોલ સામ્રાજ્ય દરમિયાન ઘણા મોટા મંદિરો બનાવવામાં આવ્યા હતા. તેમાંથી એક તમિલનાડુના તંજોરમાં ભગવાન શંકરને સમર્પિત બૃહદીશ્વર મંદિર છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચોલ સામ્રાજ્ય દરમિયાન ઘણાં મોટાં મંદિરો બનાવવામાં આવ્યાં હતાં. તેમાંથી એક તામિલનાડુના તંજોરમાં ભગવાન શંકરને સમર્પિત બૃહદીશ્વર મંદિર છે.

ઇતિહાસકાર ઈટન લખે છે કે 11મી સદીના શરૂઆતનાં વર્ષોમાં ચોલ રાજા રાજેન્દ્ર પ્રથમે તેમની રાજધાની એવી મૂર્તિઓથી સુશોભિત કરી હતી જે તેમણે અનેક રાજાઓ પાસેથી હડપી લીધી હતી. આમાં ચાલુક્ય રાજા પાસેથી છીનવી લીધેલી દુર્ગા અને ગણેશની મૂર્તિઓ ઓરિસ્સાના કલિંગમાંથી છીનવી લીધેલી ભૈરવ, ભૈરવી અને કાલીની મૂર્તિઓ અને પૂર્વ ચાલુક્યો પાસેથી છીનવી લીધેલી નંદીની મૂર્તિઓનો સમાવેશ થાય છે.

વર્ષ 1460માં ઓરિસ્સાના સૂર્યવંશી ગજપતિ રાજવંશના સ્થાપક કપિલેન્દ્રએ યુદ્ધ દરમિયાન શિવ અને વિષ્ણુ મંદિરોને તોડી પાડ્યાં હતાં.

ઈટન લખે છે કે મોટા ભાગના કિસ્સાઓમાં રાજાઓએ શાહી મંદિરોને લૂંટી લીધાં હતાં અને ભગવાનની મૂર્તિઓ લઈ ગયા હતા, પરંતુ એવા કિસ્સાઓ પણ હતા જેમાં હિન્દુ રાજાઓએ તેમના વિરોધીઓના શાહી મંદિરોનો નાશ કર્યો હતો.

ઇતિહાસકાર હરબંસ મુખિયાના જણાવ્યા મુજબ, 'શાહી પરિવારોને મંદિરો તરફથી કાયદેસરતા મળતી હતી અને વિરોધીઓના મંદિરોનો નાશ કરવાનો અર્થ હતો - વિરોધીની શક્તિ અને કાયદેસરતાના સ્ત્રોત પર હુમલો કરવો'.

તેઓ કહે છે, "પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે તમે કેવી રીતે એવા રાજા છો જે પોતાનું મંદિર બચાવી શક્યા નથી."

હરબંસ મુખિયાના કહેવા પ્રમાણે, 'મંદિર પર હુમલાનું બીજું કારણ એમાં મળતું સોનું, હીરા અને ઝવેરાત હતું.'

ઈટન કહે છે કે 'કેટલાં હિંદુ મંદિરોનું અપમાન કરવામાં આવ્યું હતું તેની ખાતરી ક્યારેય કરી શકાશે નહીં, પરંતુ 12મી અને 18મી સદીની વચ્ચે લગભગ 80 હિંદુ મંદિરોની અપવિત્રતાના નક્કર પુરાવા મળ્યા છે. જોકે આ આંકડો ઘણા રાષ્ટ્રવાદી હિંદુઓ માટે 60 હજારના આંકડાથી ઘણો દૂર છે.'

ઈટન કહે છે કે જ્યારે મુસ્લિમ તુર્ક આક્રમણકારોએ હુમલો કર્યો ત્યારે તેઓએ પણ આ જ કર્યું, પછી તે તુઘલક સામ્રાજ્યના શાસકો હોય કે લોધી સામ્રાજ્યના.

line

હિંદુ રાજાઓ દ્વારા બૌદ્ધ તીર્થસ્થાનોનો નાશ?

જ્ઞાનવાપી

ઇમેજ સ્રોત, RSTV

ઇતિહાસકાર ડીએન ઝાએ તેમના પુસ્તક 'અગેઈન્સ્ટ ધ ગ્રેન- નોટ્સ ઓન આઈડેન્ટિટી ઍન્ડ મેડિએવલ પાસ્ટ'માં બ્રાહ્મણ રાજાઓના હાથે બૌદ્ધ સ્તૂપ, વિહાર અને તીર્થસ્થાનોના વિનાશ વિશે વાત કરી છે. જોકે તેના દાવાઓને પણ પડકારવામાં આવ્યા છે.

પ્રાચીન ભારતમાં લોકો હિંદુઓમાં અત્યાચારી જાતિપ્રથા અને જટિલ કર્મકાંડોને કારણે બૌદ્ધ ધર્મ તરફ આકર્ષાયા હતા અને એવું માનવામાં આવે છે કે હિંદુ ધર્મના અનુયાયીઓ તેને જોખમ તરીકે જોવા લાગ્યા હતા.

એક મત એવો છે કે આનો સામનો કરવા માટે હિંદુઓએ બૌદ્ધો પર અત્યાચાર કર્યો. બૌદ્ધ ધર્મનાં કેટલાંક પાસાંનો ઉપયોગ કરીને બૌદ્ધો તેમની તરફ પાછા ખેંચાયા અને બુદ્ધને હિન્દુ ભગવાન વિષ્ણુના અવતાર તરીકે વર્ણવવા લાગ્યા. હિન્દુ ધર્મના પુનર્જાગરણમાં શંકરાચાર્યનું મહત્ત્વનું યોગદાન માનવામાં આવે છે.

ડીએન ઝા લખે છે કે 'સમ્રાટ અશોક ભગવાન બુદ્ધમાં માનતા હતા, જ્યારે તેમના પુત્ર અને ભગવાન શિવના ઉપાસક જાલૌકે બૌદ્ધ વિહારોનો નાશ કર્યો હતો.'

ડીએન ઝાએ રાજા પુષ્યમિત્ર શુંગને બૌદ્ધો ઉપરના મહાન જુલમી તરીકે ગણાવ્યા હતા. તેમણે બૌદ્ધ સ્તૂપોનો નાશ કર્યો હતો, બૌદ્ધ મઠોને આગ લગાડી હતી અને સાગલ (હાલના સિયાલકોટ) ખાતે બૌદ્ધોને મારી પણ નાખ્યા હતા.

ડીએન ઝા પુષ્યમિત્ર શુંગ વિશે લખે છે કે તેમણે પાટલીપુત્ર (આજનું પટણા)માં બૌદ્ધ વિહારો વગેરેનો પણ નાશ કર્યો હશે. ઝા લખે છે કે શુંગ શાસન દરમિયાન બૌદ્ધ સ્થળ સાંચીમાં પણ ઘણી ઇમારતોમાં તોડફોડના પુરાવા મળ્યા છે.

ચીનના પ્રવાસી હ્યુએન ત્સાંગની ભારત મુલાકાતને ટાંકીને ઝા કહે છે કે શિવભક્ત મિહિરકુલે 1,600 બૌદ્ધ સ્તૂપ અને વિહારોનો નાશ કર્યો અને હજારો બૌદ્ધોની હત્યા કરી હતી.

ડીએન ઝા પ્રખ્યાત નાલંદા યુનિવર્સિટી વિશે લખે છે કે તેનાં પુસ્તકાલયોને 'હિંદુ કટ્ટરપંથીઓએ આગ લગાડી હતી' અને તેના માટે ખોટી રીતે બખ્તિયાર ખીલજીને જવાબદાર ઠરાવી દીધા હતા, બખ્તિયાર તો ત્યાં કદી ગયા જ ન હતા.

ડીએન ઝા લખે છે કે તેમાં કોઈ શંકા નથી કે પુરી જિલ્લામાં સ્થિત પૂર્ણેશ્વર, કેદારેશ્વર, કંટેશ્વર, સોમેશ્વર અને અંગેશ્વરને કાં તો બૌદ્ધ મઠો ઉપર બાંધવામાં આવ્યા હતા અથવા તેમની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જોકે, દિલ્હી યુનિવર્સિટીના બૌદ્ધ અધ્યયનના ભૂતપૂર્વ પ્રોફેસર કેટીએસ સરાઓ, ડીએન ઝાના વિચારોને "પક્ષપાતી" અને "શંકાસ્પદ" ગણાવે છે.

તેઓ કહે છે, "બ્રાહ્મણો અને બૌદ્ધો વચ્ચે બૌદ્ધિક સ્તરે મતભેદો હતા, પરંતુ એમ કહેવું યોગ્ય નથી કે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની હિંસા થઈ હતી. મને આશ્ચર્ય થાય છે કે લોકો કહે છે કે હજારો માર્યા ગયા. એવું થયું નથી."

'ધ ડિક્લાઈન ઓફ બુદ્ધિઝમ ઈન ઈન્ડિયા'ના લેખક પ્રોફેસર સરાઓ અનુસાર, 'સ્થાનિક અથવા વ્યક્તિગત સ્તરે બંને પક્ષો વચ્ચે હિંસા થઈ હશે, પરંતુ મોટા પાયા પર કોઈ હિંસા થઈ નથી.'

જ્ઞાનવાપી

પ્રોફેસર સરાઓ અનુસાર, નાલંદા યુનિવર્સિટીનો બખ્તિયાર ખીલજી અને તેના માણસોએ નાશ કર્યો હતો. એવા કોઈ પુરાવા નથી કે પુષ્યમિત્ર શુંગ જેવા બ્રાહ્મણ રાજાઓના શાસન દરમિયાન બૌદ્ધો અથવા તેમનાં તીર્થસ્થાનો સામે હિંસા થઈ હોય અથવા બ્રાહ્મણોએ બૌદ્ધો પર અત્યાચાર કર્યો હોય.

તેઓ આવા વિચારને વિક્ટોરિયન ઈન્ડોલૉજિસ્ટ દ્વારા ફેલાવવામાં આવેલું 'ઝેર' ગણાવે છે.

તેઓ કહે છે, "પ્રાચીન સમયમાં લઘુમતીઓ પર કોઈ સંસ્થાકીય જુલમ થયો ન હતો."

જોકે, અન્ય ધર્મના લોકો પર પોતાના ધર્મને માનનારા લોકોના અત્યાચાર માત્ર ભારતમાં જ નહીં, ભારતની બહાર પણ જોવા મળે છે. બૌદ્ધ ધર્મમાં અહિંસા કેન્દ્રસ્થાને છે, પરંતુ આપણે શ્રીલંકા અને મ્યાનમારમાં જોયું છે કે બહુમતી ઉપર અન્ય ધર્મના લોકો સામે હિંસા ભડકાવવાના આરોપ લાગ્યા છે.

ભારતના પડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનની કહાણી પણ અલગ નથી. તાજેતરમાં જ ઇસ્તંબૂલમાં અગાઉ કેથેડ્રલ તરીકે ઓળખાતા હાગિયા સોફિયાને મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. યુરોપના ધાર્મિક યુદ્ધોમાં ગિરિજાઘરોમાં હિંસા જોવા મળી હતી.

પરંતુ આજના ભારતમાં ઇતિહાસના આવી જટિલ બાબતોને ટેલિવિઝન ચર્ચાઓમાં કેવી રીતે રજૂ કરવામાં આવે છે તે અંગે ઈતિહાસકાર હરબંસ મુખિયા કહે છે, "પોપ્યુલર ઇતિહાસ સરળ છે અને પ્રોફેશનલ ઇતિહાસ જટિલ છે. પ્રોફેશનલ ઇતિહાસનું પુસ્તક 1,000 લોકો વાંચશે જ્યારે ટીવી ચેનલ 10 લાખ લોકો જોશે. (તો સાંભળવા મળે છે) લખતા રહો 1,000 લોકો માટે, અમે તો 10 લાખ લોકો સુધી પહોંચી જઈશું."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો